ભદ્રંકર વાણી

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 1

પ્રેમ અને અહંકારને પ્રકાશ અને અંધકાર જેવું વેર છે. અહંકાર હોય ત્યાં પ્રેમ જતો નથી. અનુભવીઓ કહે છે કે અહંકાર હોવો અને પ્રેમ પણ પાળવો, એ બંને વસ્તુ સાથે નહિ બની શકે. તો સામાન્ય જીવે શું કરવું? આ વિષયમાં અનુભવીઓએ ઉપાય બતાવ્યો છે: જો આપણામાં પ્રેમ ન હોય તો, જે ખરેખર પ્રેમી હોય તેનો સંગ કરવો. જો પ્રેમીનો સંગ થાય તો કાળે કરીને પ્રેમ આપણા જીવનમાં પણ પ્રકટે છે. "વૈષ્ણવ ૠષિઓએ કહયું છે કે: કૃષ્ણની ભકિત પામવા માટે ગોપીના અનુગત થાઓ" આનો અર્થ એ જ કે : પ્રભુ માટે જે વ્યકિતના દિલમાં સાચો પ્રેમ પ્રકટી ચૂકયો હોય તેનો સંગ કરો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 2

પ્રેમ એ પરમાત્મ સ્વરૂપ છે. એનો કદી પરાજય થતો નથી. શ્રધ્ધા, આશા અને પ્રેમ : એ ત્રણે શાશ્વત છે. એ ત્રણેમાં પણ પ્રેમ જ શ્રેષ્ઠ છે. પ્રેમ એટલે દરેક જીવ સાથે મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવ. પ્રેમમાં અખૂટ ક્ષમા ભરી છે. પ્રેમમાં દયા છે. પ્રેમ મર્યાદા મૂકતો નથી. પ્રેમને સ્વાર્થની ગંધ નથી. તેમાં વેરને અવકાશ નથી. પ્રેમને અન્યાયનો તો અણગમો જ છે. અણુબોંબના ઉપયોગને નકામો બનાવી દે તેવું છેલ્લું શસ્ત્ર પ્રેમનું શસ્ત્ર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 3

પ્રાર્થના એ સાધકનું પરમ બળ છે. તમારા વિચારો અને આચારો ઉપર ચોકી રાખો. બધાના હિતમાં મારૂં હિત છે અને મારા હિતમાં બધાનું હિત સમાયેલું છે એ સિદ્ધાંતમાં શ્રધ્ધા રાખો. બીજાના સુખને માટે તમારા કોઇ પ્રકારના સુખ અને આનંદનો ભોઞ આપતા શીખો. બીજામાં તમને જે ન ગમતું હોય તે પહેલાં તમારી જાતમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરો. આત્માનો ખોરાક પ્રાર્થના છે, તેના વિના બીલકુલ ચલાવી શકાય નહિ

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 4

જેમ સુવર્ણ થાળમાં રેતી ભરવી, અમૃતજલથી ચરણ ધોવા, ઐરાવણ હસ્તિ સમીપે કાષ્ઠ ઉપડાવવા અને ચિંતામણિ રત્ન વડે કાગડાને ઉડાવવા એ મૂર્ખતા છે... તેમ મનુષ્ય દેહનો ઉપયોગ પાંચ ઈન્દ્રિયોના વિષયો અને ચાર કષાયોને પોષવાના કાર્યમાં જ કરવો તે મૂર્ખતા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 5

ક્યારેક મૌન એ સત્ય કરતા ય વધુ ઈચ્છનીય અને ક્યારેક સત્ય એ મૌન કરતા ય વધુ શકિતશાળી હોય છે. અવસર જોઈને જ્ઞાની યોગ્યપણે વર્તે છે. પાપથી અટકાવે ને હિતમાં જોડે તે ખરો ‘મિત્ર’ છે. એવા મિત્ર બનવાનો અને એવા મિત્ર પામવાનો પુરુષાર્થ આદરવો એ મનુષ્યતા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 6

જીવનના ૪ ભાગ: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. દિવસના ૪ ભાગ: ૬ કલાક નિદ્રા ૬ કલાક વ્યાપાર ૬ કલાક આહાર-નિહાર ૬ કલાક ધર્મ ધ્યાન. જેમ અગ્નિ ઘરને બાળી શકે - ઘરમાં રહેલ અવકાશ કે આકાશને નહીં, તેમ ... રોગ શરીરને પીડા આપી શકે, આત્માને નહીં.બાળકોને પ્રેમ આપો, સિદ્ધાંતો નહીં. સિદ્ધાંતો તો તમારે જીવવાના છે, જે જોઈને બાળકો તેનું અનુસરણ કરશે. આ જ ખરો વારસો છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 7

મનનું નિયંત્રણ બે રીતે કરી શકાય: એક તો મનનો રાહ બદલીને અને બીજો તેનો વેગ ઘટાડીને! એકનું નામ છે પ્રેમનો અભ્યાસ અને બીજાનું નામ છે વિષયોનો વૈરાગ્ય. યુગોયુગોથી આપણને સુખની ભૂખ છે. તે મટાડવા માટે... દરેક આત્માની ઉપર એકસરખો સ્નેહ અને જડ પદાર્થો ઉપરનો વૈરાગ્ય એ જ તો એકમાત્ર અને શાશ્વત ઉપાય છે. જેણે આત્મા વડે પરમાત્માને પિછાણ્યા એનું જ જીવન બહુમૂલ્ય ને સાર્થક ગણાયું છે. પછી પેલી સુખ મેળવવાની ઈચ્છા જ નામશેષ થઈ જાય છે! અહંકાર જેવો ભેદાઈ કે વીંધાઈ જાય કે પરમાત્મ મિલન થયું જ સમજો! ... અને એ જ તો છે પરમસુખ!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 8

વિચાર, ઉચ્ચાર અને આચારની એકતા એ જ માનવ વિકાસનો ખરો પાયો છે. વિચાર વગરનો ઉચ્ચાર એટલે માત્ર વાણી વિલાસ. આચાર વગરનો વિચાર એટલે શૂન્ય - નિષ્ફળતા. જે ઉચ્ચારની પાછળ વિચારની શક્તિ અને આચારનું તપ નથી, તે સૌ નિરર્થક છે! તે નથી કોઈને લાભકર્તા અને વળી પોતાની જાતને તો તે લાંબે ગાળે ય નુકસાન જ પહોંચાડે છે! માટે કોઈપણ પદ ઉપર હોઈએ, તે અંગે સદા સર્વદા સાવચેતી રાખવી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 9

રાગ = માંગવું. પ્રેમ = આપવું. રાગી માંગે, પ્રેમી આપે છે. જે સૌને સમાન સ્નેહ કરીને ન્યાયપૂર્વક વર્તન કરે છે, તે પોતાના જન્મ તથા જીવન વડે દેશ, ધર્મ, જાતિ, માતા અને પિતાને ધન્ય કરે છે. તે યુગો સુધી બીજાને દ્રષ્ટાંતરુપ બને છે. આવો, આપણે તેવા બનીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 10

ચિત્તમાં એક વાત સ્પષ્ટ થઈ જ જવી જોઈએ કે : આપણું ‘માન’ બીજા કોઈથી યે ખંડિત થઈ શકે તેવું નબળું કે પોચું હોતું નથી. એ સમજાઈ જાય પછી ... કોઈ પણ અનુભવ કે અવસ્થામાં આપણા ચિત્તમાં નકામી ઊથલપાથલ નહીં થાય અને પરિણામે ... સહુની સાથે મધુર વર્તાવ વ્યક્ત થશે. આપણું મન, આપણું માન અને આપણું વર્તન આપણા હાથમાં જ રહેવું જોઈએ. તે ત્રણની ચાવી બીજાને ન સોંપાય!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 11

નૂતન વર્ષે : ૧) મિત્રો જોડે ખૂલ્લા દિલથી વાતો કરો. ૨) બાળકો સંગે તેમના જેવડા બનો. તેઓ જેવો સ્વભાવ કેળવો. ૩) સૃષ્ટિનું સૌંદર્ય જૂઓ. ૪) નિ:સ્વાર્થપણે રોજે એક કામ તો કરો જ. ૫) મૃત્યુનો નિરંતર વિચાર કરો, જેથી મૃત્યુ સમયે અભય બની શકાય. ૬) આત્મશક્તિનો વિચાર કરવો. ‘હ્રદયમાં દિવ્ય શક્તિ હાજર છે’ એવું જે જાણે છે, તેને કશો ભય નથી. ૭) આટલું કરીએ તો રોજેરોજ દિવાળી!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 12

વર્ષના ૩૬૫ દિવસ પ્રામાણિકતા રાખવી એ કોઈના ઉપર ઉપકાર નથી, પણ ... પોતાના જ હિતની એક શ્રેષ્ઠ વિચારધારા છે. Our mind is a treasure. But it’s very absorbent, so we must also be very discriminating in what we hear, read and see. And in the spiritual life, our fence is our ethics. If we know we are living ethically to the best of our ability, the mind will become peaceful.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 13

વર્ષના ૩૬૫ દિવસ આંખોથી અંતર સુધી થતો પ્રવાસ એ પ્રવાસ નહીં, યાત્રામાં ફેરવાઈ જાય છે. પોતાની અંદર દરેકે પોતાનો સુરજ પ્રગટાવવાનો હોય છે, જેના થકી અજ્ઞાનના અંધારા ઓલવાઈ જાય. માનવ નિત્ય પ્રવાસી છે પણ તેણે યાત્રાળુ બનવાનું છે ... પોતાની અંદરના જ. ચૈતસિક યાત્રા એટલે સ્વ વિસ્તરણનો અનુભવ. એ યાત્રાની સૃષ્ટિ સૌથી વધુ રોચક ને વ્યાપક હોય છે. સદીઓથી ખેપ મારતા આવ્યા છીએ, હવે અટકીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 14

धरौँ ध्यान अस सब लयकारी। मन पवन सब जाय हारी।। कह *रैदास* निरंजन ध्याऔँ अपार घर सौँ बहुरि न आओ।। ધ્યાન એવું ધરિશ કે તે પ્રેમથી સર્વલયકારી હોય, જેનાથી મન - પવન બધા હારી જાય. નિરંજનનું એવું તો ધ્યાન ધરિશ કે પ્રેમના એ અપાર ઘરથી પાછો નહી ફરું. આવો નિર્ણય કરી શકાય નૂતન વર્ષે! વિશુદ્ધ પ્રેમમાં પરદોષદર્શન નથી અને સ્વસુખની કામના નથી. પ્રેમ બીજાની દરેક કચાશને પોતાની પૂર્ણતાથી ભરી દે છે. જેમ... જુવારનાં ઢગલામાંથી અડધો મણ જુવાર કાઢી લો, તો ત્યાં જરુર ખાડો પડશે... પણ... કુવા કે નદીમાંથી એક ડોલ પાણી લો, તો ત્યાં ખાડો નહીં પડે! આજુબાજુનું જલ ત્યાં ધસી આવી તે ખાડો પૂરી દે છે! પાણીમાંથી સહયોગની - સાચા સ્નેહની - આ પ્રેરણા લેવા જેવી છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 15

બે માં શું ફેર?? પ્રાર્થનામાં આપણે અસ્તિત્વ સાથે વાતો કરીએ છીએ. ધ્યાનમાં અસ્તિત્વને સાંભળીએ છીએ. પ્રાર્થનામાં આપણે આપણો અવાજ સાંભળીએ છીએ. ધ્યાનમાં આપણે પરમ નાદને સાંભળીએ છીએ. પ્રાર્થના એ અસ્તિત્વ સાથેનો સંવાદ છે. ધ્યાન એ અસ્તિત્વ સાથેનું મિલન છે. ફક્ત સંવાદથી નિજાનંદ નહીં વધે, મિલન થવું જરુરી છે. માટે પ્રાર્થના પછી ધ્યાન કરો. ભલે પછી હોય તે રોજનું ફક્ત ૫ મિનિટ! ખબર પણ નહીં પડે ને એની મેળે જ નિજાનંદ સંગે એ સમય પણ વધતો જ જશે. શુભ સમય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 16

શાશ્વતીનો અનુભવ કરાવે તેવી કેટલીક પળો દરેકના જીવનમાં આવતી જ હોય છે. જીવનયાત્રા દરમ્યાન મળવા આવતી આવી દરેક પળોને સ્વીકારવી, આવકારવી, તેમાં ભળી જવું - ઓગળી જવું એ જ ‘ધ્યાન’ છે. શ્રેષ્ઠ જીવનગ્રંથો આવી પળોનાં પાનાં થકી જ તો રચાય છે. આવી છલોછલ પળને ઓળખવી એ જ છે ‘કર્મયોગ’.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 17

સત્ય - પોતે કાંઈ બદલાતું નથી. લાખ વર્ષ ઉપર જેવું હતું, તેવું જ આજે પણ છે. લાખ વર્ષ પછી પણ તેવું જ eternal રહેશે. પરંતુ સત્યને જોવાનું કામ જે આંખથી થાય છે... સત્યને સમજવાનું કામ જે મગજથી થાય છે... સત્યને સ્પર્શવાનું કામ જે અંત:કરણથી થાય છે... તે બધા અંગો અને અવયવોનું સ્વરુપ કાંઈ હંમેશા એકસરખું રહેતું નથી. ...એટલે જ સત્ય દરેક યુગમાં અલગ-અલગ લાગે છે, પરંતુ તે ખરેખર તો અચળ જ છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 18

‘જેમ જીવદયા પળાય તેમ બીજા ભવમાં આયુ દીર્ઘ બને’ એમ શાસ્ત્રોમાં લખાયેલું મળે છે... તેનો અર્થ તો એ જ થયો ને કે: જે બીજા જીવોનું જતન કરે, જીવમૈત્રી સાધે, તેને આ પ્રકૃતિ જીવવાનો અધિકાર લાંબા સમય માટે આપે. માનવની ઉંમર તો જો કે માતાની કૂખમાં જ ફક્ત વધે છે... જન્મ પછી તો ઉંમર ઘટવાની જ શરુ થાય છે. આવો, સર્વ જીવ પ્રત્યેની મૈત્રી સાધી આપણું જ સમ્યક્ આયુ વિસ્તારીએ ને પરમ સુખ પામવા સમ્યક્ પુરુષાર્થ સાધીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 19

નમ્રતા પ્રારંભિક સાધકની જેમ ઉપરના સાધકો માટે પણ આવશ્યક ગુણ છે. જે સાધકો એ નથી સમજી શકતા, એ કાં તો ગ્લાનિ, ઉત્સુકતા કે પછી અભિમાનના શિકાર બને છે. જ્યારે જીવનનો ભાર કો’ અદ્રશ્ય રીતે કોઈ વહન કરી રહ્યું છે એમ લાગે ત્યારે અભિમાન સાધકથી દૂર રહે છે. નમ્ર, નિ:શંક ને નિર્ભય બનવા માટે પ્રથમ નિરાભિમાની બનવું પડે છે. બીજી મોટી સાધના ન કરી શકનાર પણ સમર્પિત ભાવ રાખીને સામે આવતી દરેક ક્ષણને આવકારે, તો એ પણ સાધના જ છે. શુદ્ધ સાક્ષીભાવ આવી જાય પછી કો’ અકળ રીતે આપણું યોગક્ષેમ થયા જ કરે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 20

સાચી સમજણ:- પરપદાર્થની રૂચિ અંતરથી ખસીને, આત્માની રૂચિ અંતરથી જાગે ત્યારે સાચી સમજણ થાય છે જીવને અનાદિથી પરનાં દોષ જોવાનો અભ્યાસ છે, પોતાનો દોષ છે, છતાં તે જોતો નથી, એ મહાદોષ છે. હું શુદ્ધ છું એવું ચિંતવન શુભ ભાવ છે, પણ તેનાથી ગુણ પ્રગટે નહિ. જ્યારે જીવ અભ્યાસથી સ્વરૂપની ઓળખાણ કરે અને અવિકારી સ્વભાવની પ્રતિતી કરે, શ્રદ્ધા કરે અને એમાં સ્થિરતા કરે, ત્યારે પવિત્રતા અંશે અંશે પ્રગટે છે અને રાગનો નાશ થતો જાય છે. શ્રવણ-મનનના રાગથી પણ ગુણ થતો નથી. જે પોતામાં નથી, તે પોતાને લાભ હાનિ કરે નહીં

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 21

સમ્યગદર્શનનું કારણ: સમ્યગદર્શનનો ઉપાય, વ્રત નહિ પણ જ્ઞાન છે. જ્ઞાનનું સાધન:- ગુરૂ, શાસ્ત્ર અને ઉપદેશ ઇત્યાદિ છે. શુભભાવ નહિ, પણ આત્મતત્વની સમજણ એ જ સમ્યગદર્શનનું કારણ છે. બીજાના અપરાધને કારણે કોઇ બંધ નથી. પોતાના અપરાધને કારણે એટલે કે, પોતે અજ્ઞાનપણે પરિણમે ત્યારે જ પોતાને બંધ થાય છે. આત્માના સાચા સ્વરૂપને નહિ સમજનાર, શુભભાવને એટલે કે પુણ્યને, પવિત્રતા માને છે આત્માના સ્વરૂપને સમજનારા શુભઅશુભ ભાવરહિત, એટલે કે રાગ-દ્નેષરહિત, સંપૂર્ણ અકષાયભાવ, વીતરાગતાને પવિત્રતા માને છે

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 22

સાચા ધર્મની શરૂઆત સેવાભાવથી થાય છે. કોઈ એક બીજા જીવની નિસ્વાર્થ ભાવે સેવાથી જ ધર્મનો પ્રારંભ થાય છે. બીજા જીવો પ્રત્યે એ સેવાભાવ જાગવો પ્રભુકૃપા સિવાય શક્ય નથી. તીર્થંકરનો માર્ગ એ સેવાનો માર્ગ છે. સર્વ જીવોની સેવાની વૃત્તિ સર્વના નાયક બનાવે છે. પોતાને મળેલી શક્તિઓનો ઉપયોગ પરજીવની સેવામાં કરવાને બદલે, સ્વશરીર અને મનના તરંગોની સેવામાં જીવો કરે છે. શરીર અને મન, એ બેને વશ કરી નિરાંશસ ભાવે અન્ય જીવોની દ્રવ્યસેવા તથા ભાવસેવા કરનારો જ સાચો સેવક ગણાય

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 23

સાચું પ્રતિક્રમણ એટલે? જીવનું અને પોતામાં થતી ભૂલનું સ્વરૂપ જાણી આપણે ભૂલથી પાછું ફરવું જોઈએ. આત્મામાં થતી આ ક્રિયાનું નામ સાચું પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ તે આત્માનો શુદ્ધ ભાવ છે. પ્રતિક્રમણમાં છ કાય જીવરક્ષાનું ધ્યેય હોય તો, સ્વરક્ષા પણ થવી જોઈએ. સ્વરક્ષા એટલે પોતામાં થતાં વિકાર ટાળવાની ક્રિયા. જીવ પોતાનું સ્વરૂપ ન સમજે ત્યાં સુધી તે, 'ભાવમરણ' સમયે સમયે કરતો રહે છે. સમજ્યા વગરની પ્રતિક્રમણની ક્રિયા વખતે પણ 'ભાવમરણ' તો ચાલુ જ છે, તો પછી સ્વજીવની રક્ષા કયાં થઈ ? પોતાના જ વિકારી ભાવોથી પોતાને લાભ થાય એવી ઊંધી પકડથી પોતાના ગુણોનું ખૂન કરી રહ્યા છે, તેનું જ નામ 'ભાવમરણ' છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 24

ધર્મનો આરંભ શ્રદ્ધામાં અને અંત અનુભૂતિમાં છે. ધર્મ એ પરિષદનો વિષય નથી, ઉપનિષદનો વિષય છે. ધર્મ પાલન માટે છે, પ્રવચન માટે નહીં. તેનું સ્થાન હૃદય છે, શાસન નહીં. તલવારથી ધર્મ નહીં સ્થપાય. જડવાદ પર વિજય પ્રાપ્ત કરે તે જ શાશ્વત ધર્મ. જેમ નગરમાં પ્રવેશ કરવાનો ઉપાય દરવાજો છે, તેમ જ્ઞાનાદિ ગુણોને આત્મામાં પ્રવેશ કરવાનો દરવાજો સમ્યગદર્શન છે. જીવ કર્મનો કર્તા નથી પણ ઉદયમાં આવેલા કર્મોનો તમાશો જોનારા જ્ઞાતા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 25

શાસ્ત્રકારો સર્વે જીવોના શત્રુ તરીકે કર્મને ઓળખાવે છે. જેમનો શત્રુ સમાન હોય તે બધા મિત્ર કહેવાય એ અપેક્ષાએ સર્વ જીવો પરસ્પર મિત્ર છે. આ વિશ્વ પર અદ્રશ્ય મહાસત્તા પોતાનું કાર્ય કરી રહી છે. તે સર્વેનું હિત ઇચ્છે છે. જે પુરુષો મૈત્રી ભાવનાથી ભાવિક થઈને બીજા જીવોના હિતમાં જ નિરંતર રહે છે, તે પુરુષોને તે મહાસત્તા તીર્થંકર જેવી ઉચ્ચ પદવી આપીને તેમની કદર કરે છે. વ્યક્તિ કરતાં વ્યક્તિમાં રહેલો ભાવ સર્વવ્યાપી છે. ત્રણ મિનિટ વિચાર કર્યા વિના રહી શકાય તેવી સ્થિતિ પ્રાપ્ત થાય તો તે યોગી બની શકે

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 26

પંડિત પુરુષ અપમાન મળતાં અમૃત મળવા જેવી સંતૃપ્તિ અનુભવે. રોષે ભરાવાનો પ્રસંગ આવતાં જે કોઈ પ્રસન્નતા દાખવે છે, તે બીજાના સુકૃત્યોને હરી લે છે ઇન્દ્રિયોને વશ કરી નથી, મન શુદ્ધ કયું નથી, રાગ-દ્વેષ જીત્યા નથી, સમતાની સાધના કરી નથી, અને ગતાનુગતિકપણે ધ્યાનનો આરંભ કરે છે, તે મૂઢ પુરુષો ઉભયલોકના માર્ગથી ભ્રષ્ટ થાય છે. માટે પહેલા ઇન્દ્રિયોને જીતવી જોઇએ, મન શુદ્ધ કરી રાગ-દ્વેષને જીતવા જોઈએ, નિર્મળતા કેળવવી જોઈએ, સમતાની સાધના કરવી જોઈએ, અને પછી ધ્યાનનો આશ્રય લેવો જોઈએ

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 27

સામાની ફક્ત ઇચ્છાશક્તિ ઉપર કાબુ ન મેળવવો, પણ સમજશક્તિ અને લાગણી ઉપર કાબુ મેળવવો. તેને જ્ઞાન આપી, ઈચ્છા જગાડવી, પણ તે કર્યા સિવાય સીધો તેની કૃતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરવો નહીં. દર્પણઘર કે આરીસાઘરમાં ફરનાર માનવી જેમ ત્યાં રહેલા બધા જ દર્પણમાં ફક્ત પોતાને જ જોતો હોય છે, તેમ પ્રભુ સાથેના આંતરિક જોડાણ પછી સાધક બધા જીવોમાં ફક્ત પોતાને જ જોતો થાય છે અને તે પોતે બધા જીવોને ભાવ આપવા વડે પ્રભુજીના પરમભાવને અધિક પાત્ર બનતો રહે છે. આપવાની પાત્રતાના વિકાસ અનુસાર જ આપણો જીવ પ્રભુજીની કૃપા મેળવવાને પાત્ર બનતો જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 28

વિચારો પ્રમાણે જ આપણું વર્તન હોય તો આપણા વિચારોનું સામર્થ્ય બીજાના વિચારો ઉપર સ્થાપી શકાય. માત્ર દુઃખી પ્રત્યે જ નહીં, પણ દુઃખ દેનાર પ્રત્યે પણ કરુણા રાખવી એ સાચી કરુણા છે. દુઃખ દેનાર તો અજ્ઞાની છે માટે જ તે બીજાને દુઃખ દે છે. તેથી તેના તરફ તો સવિશેષ કરુણા રહેવી જોઈએ. દુઃખી તો દુઃખફળ ભોગવી દુઃખથી છુટકારો પામી જશે, કિન્તુ અજ્ઞાનીના દુઃખનો તો કોઈ અંત જ નથી. ‘પોતાને કોઈ બહારની વ્યક્તિ કે શક્તિ દુઃખ આપી રહી છે' એમ માનવાથી તો વધારે દુઃખી થવાય છે. સુખ કે દુ:ખ તો આપણાં જ કર્માનુસાર મળતા હોય છે. તેથી દુઃખને સમજપૂર્વક અને શાંતિથી સહન કરવામાં આવે તો તે દુઃખને એક શક્તિમાં રૂપાંતરિત કરી શકાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 29

પ્રત્યેક જીવ સાગરની જેમ બહારથી અંદર અધિક છે. અંદરથી તે સુંદર અને સમૃદ્ધ છે, મહાન અને ભવ્ય છે. જ્યારે આપણે જીવોનાં દોષો અને દુર્ગુણો તરફ નજર કરીએ છીએ, ત્યારે આપણી દ્રષ્ટિ એમના નશ્વરરૂપો પ્રતિ હોય છે. એ દ્રષ્ટિ સંકુચિત છે. દૃષ્ટિમાં પણ શક્તિ છે. જ્યારે આપણે મનુષ્યને પ્રેમથી જોઈએ છીએ, ત્યારે આપણે એનામાં રહેલા પ્રેમને પ્રગટ થવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. આપણી એ દ્રષ્ટિથી એની ભલાઈ વિકસિત થાય છે અને આ રીતે નરસો માણસ પણ આપણે માટે અને આગળ વધીને જગત માટે ભલો બની જાય છે. પ્રેમપૂર્ણ દ્રષ્ટિ રાખવાથી સારા અને સજ્જન લોકો આપણા પ્રતિ આકર્ષાશે અને નરસા લોકો આપણી પાસે આવી સુધરી જશે

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 30

માત્ર મનુષ્ય જ પોતાના મન-બુદ્ધિની અવરોધક સીમાને ઓળંગીને આત્મવિકાસ કરવાને માટે સમર્થ છે. સુખની ઝંખના આપણામાં સુખનો અભાવ બતાવે છે. જ્યારે માણસ ભૌતિક સુખના શિખરે પહોંચે છે ત્યારે ભૌતિક યશની પોકળતાનું દર્શન થાય છે. પુત્ર પ્રત્યે સ્નેહ, પત્ની પ્રત્યે પ્રેમ અને ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા ઇત્યાદિ વૃત્તિ મનુષ્યોમાં સ્વાભાવિક જ હોય છે. બધી સહજ વૃત્તિઓ જ્યારે ભગવાનમાં સમર્પિત થઈ જાય છે, ત્યારે તે 'ભક્તિ' કહેવાય છે. હૃદયમાં પ્રેમ અને ભક્તિ, બુદ્ધિમાં જ્ઞાન અને વિવેક તથા શરીરમાં પ્રભુનું કામ, એ ત્રણ સાથે મળીને જીવન વિકાસ થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 31

પોતાનો આત્મા આનંદનું ધામ છે, તેવી પ્રતીતિ થયે પરવસ્તુ તરફ ચિત્તનો પ્રવાહ વહેતો નથી. શાંતપણું એ જ પોતાનો સ્વભાવ છે, તેવો અનુભવ થયે બીજા ભાવોમાંથી આત્માનું છૂટવું થાય છે. પોતાનું વીર્ય ગોપવ્યા સિવાય પુરુષાર્થ કરવાથી આત્માનું આગળ વધવું થાય છે, તેમ તેમ અપૂર્વતા માલૂમ પડતી જાય છે. પૂર્ણ દશા થતાં સુધી આગળ વધ્યા જ કરવાનું છે. પૂર્ણ શાંતિપદ પ્રાપ્ત કરવાના લક્ષે પુરુષાર્થ કર્યા કરવો

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 32

અહિંસા એ બુદ્ધિનો, તર્કનો, દલીલ કે વાદનો વિષય નથી. એ વિષય છે અંત: સંવેદનાનો, દિલના ઊંડાણમાં ઉગેલી કરુણાનો. અન્ય જીવોનાં સુખ -દુઃખ વિશે સંવેદન ઉભું થયું નથી, તેના માટે હિંસા કે અહિંસાની ચર્ચાનો કોઈ અર્થ નથી. જીવ સૃષ્ટિ સાથેનું અદ્વૈત જ્યારે માનવજાતિને ગળે ઉતરે છે, ત્યારે 'અહિંસા એ પરમ ધર્મ છે' એ સત્ય સમજાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 33

‘ઋષિ’ શબ્દનો અર્થ: ઋષિ શબ્દથી આપણે સહુ પરિચિત છીએ. ઋષિ શબ્દના મૂળમાં આર્ષ શબ્દ રહેલો છે. આર્ષદર્શન એટલે ત્રિકાળ દર્શન. ભૂતકાળમાં જે કંઈ બન્યું હોય એ બધું કંઈ આપણે જાણતા નથી. થોડીક જાણકારી આપણી પાસે હોય છે, પણ મોટા ભાગનો ઈતિહાસ આપણે જાણતા નથી હોતા. એ જ રીતે ભાવિના ગર્ભમાં શું છે, એ તો આપણે ભાગ્યે જ જાણતા હોઈએ છીએ. સ્થળ અને કાળને પાર જઈને જે તત્કાળ દર્શન કરી શકે છે, એ આર્ષ દર્શન છે અને આવું દર્શન કરી શકનાર ‘ઋષિ’ કહેવાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 34

જ્ઞાનનું ફળ અતિ પ્રબળ વૈરાગ્ય છે, તેથી લોકેષણા કે લોકસંગ્રહની ભાવના મંદ પડી જાય છે, લોકોપકારની વૃત્તિ રહી શકે છે અને જ્યારે જરૂર પડે, ત્યારે તેને આનંદપૂર્વક અમલમાં પણ મૂકી શકાય. ત્યાગનો સ્વભાવ દયાળુ છે. દાનનો સ્વભાવ માયાળુ છે. 'ધર્મ' શબ્દનો મૂળ અર્થ જ એ છે કે ફાયદા-નુકશાનની વાતને નજર સામે રાખ્યા વગર જે કરવું ઘટે તે કરવું. ધર્મ આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા કેળવવાનું શીખવે છે. જે માણસને પોતાના સ્વરૂપમાં, પોતાના અથાગ સામર્થ્યમાં શ્રદ્ધા નથી, તે જ નાસ્તિક છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 35

ઉપાસક કે સાધક પોતાના ભક્તિભાવમાં જેવું માને કે જુએ, તેવું તેને ફળ મળે. ઉપાસના કે ભક્તિભાવની ભાષામાં તર્ક કે બુદ્ધિવાદનો આશ્રય લેવો યોગ્ય નથી. દ્રઢ ભાવના વડે, પૂર્વાપર વિચાર કર્યા વિના, ઇન્દ્રિયો અને મન વિષયસંસ્કારને એકદમ પકડે તેવા ચિત્તના વલણને 'વાસના'કહે છે. વિશ્વ પર સંચાલન કર્મનું છે અને કર્મ ઉપર ધર્મનું. ધર્મ એ ભાવમાં છે, પ્રવૃત્તિમાં નહીં. સમ્યક્ જ્ઞાન - એ તો એકધારા પ્રવાહિત સ્ત્રોતોથી પૂર્ણ કુવા (well) જેવું છે અને માનવીનું મગજ - એ તો એક નાના પાત્ર (pail) જેવું છે. કુવામાંથી એટલું જ પ્રાપ્ત કરી શકાય, જેટલી પાત્રની ગ્રહણશક્તિ હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 36

સંસ્કૃતિ એ ધર્મ, સાહિત્ય, કવિતા અને લલિતકળાઓ દ્વારા સમાજમાં સ્થાપી, માનવને ભેટ આપી શકાય છે. સુધારો બહારનો છે, સંસ્કૃતિ આંતરિક છે. આપણા દુઃખોનું આદિ કારણ આસક્તિ છે. સૌને નાશવંત શરીરોમાં અને પદાર્થોમાં અત્યંત અનુરક્તિ હોય છે. નિષ્કામ કર્મથી જ તે ટળી શકે. બીજા માટે કર્મ કરો પણ કામના ન રાખો. વિશુદ્ધ પ્રેમથી પ્રેરાઈને કામ કરો. શુદ્ધ પ્રેમથી કરેલ કાર્યોનું પરિણામ ગમે તે આવે, તો પણ ચિત્તમાં પ્રસન્નતા જ રહે છે. આવા માનવો જ સ્થિતપ્રજ્ઞ બને છે. દશ આંગળીવાળા હાથ મનુષ્યનું સૌથી મોટું ધન છે. તેનો સદુપયોગ કરવા માણસમાત્ર સ્વતંત્ર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 37

જાતિયવૃત્તિ પ્રેમનું સ્થૂળ સ્વરૂપ છે. એને પારખી લઈને પ્રેમતત્વના સૂક્ષ્મ સ્વરૂપો તરફ પોતાના જીવનને દોરનાર વ્યક્તિ તે વૃત્તિને ઉર્ધ્વમાર્ગે વાળી શકે છે. દેહના આકર્ષણનો મહિમા ઘટતો જઈને આખરે તે સંપૂર્ણ ઘસાઈ જાય છે અને વિશ્વને આવરી લેનાર પ્રેમતત્ત્વમાં તે પરિણામ પામે છે. જાતીય આકર્ષણ સૌ માટે અણકલ્પી આપત્તિ સમાન છે. એની અગાઉથી કલ્પના કરી લેનાર સદભાગી જીવો તેની તૃપ્તિ માટે કોઈ આડકતરા માર્ગનું શરણ નહીં લે, પરંતુ તે વૃત્તિને ઉર્ધ્વગામી બનાવીને પોતાના સમગ્ર જીવનને પ્રેમમય બનાવી દેશે. ભૂલને કારણે જન્મ થાય છે, ભૂલો કરતા કરતા જ જીવન વિતાવાય છે અને ભૂલને કારણે જ મૃત્યુ થાય છે. એટલે માણસનો સ્વભાવ છે ભૂલો કરવાનો અને કર્તવ્ય છે ક્ષમા માંગવાનું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 38

'નાની પણ પોતાની ભૂલને મોટી જોવી' અને 'નાના પણ પરના ગુણ મોટા જોવા' એ સત્પુરુષોનું લક્ષણ છે. એ લક્ષણ આવ્યા વિના સજ્જનતા પણ આવતી નથી, તો ધર્મ તો ક્યાંથી આવે? પિંડ અને બ્રહ્માંડને સંબંધ છે. પિંડમાં જે સારી કે નરસી અસરો થાય છે, તે બધી પિંડ દ્વારા બ્રહ્માંડમાં પહોંચે છે અને બ્રહ્માંડમાં થતી અસરો પિંડને પહોંચે છે. અતિ આચારની પાછળ મનોમાલીન્ય છે. આચારનો અભાવ એ મૂર્ખતા - મૂઢતા છે. આચાર અને વિચાર એકતા પામે, ત્યારે સદાચાર જન્મે છે. એ સ્થિતિ પામવા મન અને બુદ્ધિને શુદ્ધ કરવા પડે છે. મનશુદ્ધિ માટે ભક્તિ અને બુદ્ધિની શુદ્ધિ માટે સ્વાધ્યાય જરૂરી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 39

જીવનમાં સુખ-દુઃખ બધાને આવે છે. સુખ કે દુઃખ આપણે માંગીએ તો જ આવે એવું નથી. આપણી ઈચ્છા-અનિચ્છાની પરવા રાખ્યા વિના જ તે આવે છે, પરંતુ આવી પડે અને તે ભોગવવું એ બંધન છે. સુખ-દુઃખ આપણાં જ કર્મે આવેલી ન્યાયયુક્ત વસ્તુ છે, એમ માની સમતાથી એ બંનેને ભોગવી લેવા તે મુક્તિ છે. આ જગત કર્મના નિયમને અનુસરે છે અને કર્મનો નિયમ ધર્મના નિયમને અનુસરે છે. તેના નિયમ મુજબ ચાલવા જગતનો ઉપયોગ કરવાનો છે, કિન્તુ એના પર મમતા કરવા માટે નહીં, એવું જ્ઞાન જેને થાય છે, તેના ચિત્તનો અવિદ્યારૂપી કલેશ શમી જાય છે. પ્રકૃતિ પર વિજય મેળવનાર મુક્ત બને છે. 'પ્રકૃતિ' એટલે સ્વભાવ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 40

જાણવું અને તે મુજબ જીવવું, એ બે જુદી ચીજ છે. માનવજન્મ ભગવાનનું કાર્ય કરવા માટે છે, પોતાનું નહીં. ભગવાનનું કાર્ય સર્વને સુખી કરવાનું છે, માત્ર પોતાને નહીં, એવી સમજ જેને આવી છે , તેને દુઃખ, શોક અને સંતાપ નથી. ધન કે બુદ્ધિનું ઐશ્વર્ય તો વિનશ્વર છે. ભાવનાનું ઐશ્વર્ય જીવાત્માની સર્વ કામનાને પૂર્ણ કરનાર છે. રાગ-દ્વેષવાળી આપણી દ્રષ્ટિ અથવા ક્લેશવાળી ચિત્તની સ્થિતિ વસ્તુને જેવી છે, તેવી દેખાડી શકતી નથી. અવિદ્યા આપણાં અંતઃકરણને અંધકાર આપે છ અને રાગ અને દ્વેષ વસ્તુને ખોટા રંગમાં રંગેલી દેખાડે છે. આજે અધ્યાપકો એમ પૂછે છે કે: Do you understand? પણ પૂછવું એમ જોઈએ કે: Am I clear to you??

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 41

જેનું ફળ (પરિણામ) યથાર્થ આવે એવી ધારણાને ideal reality કહી શકાય. ચિત્રકાર કે શિલ્પી પ્રથમ ચિત્ર કે રૂપને પોતાના મગજમાં તૈયાર કરે છે. ઈજનેર પણ મકાન અથવા પૂલ બાંધતા પહેલા પોતાના મનમાં રૂપરેખા તૈયાર કરે છે અને પછી તે મુજબ જ materialization થાય છે, તેથી તે ideal reality કેવળ કલ્પના કે તરંગ નહીં, પણ વાસ્તવિક કે સત્યરૂપ ગણાય છે. જો તું અંદર અને બહાર અજવાળું ઇચ્છતો હો, તો જિહ્વા રૂપી ઉંબરા પર પ્રભુનામ રૂપી (મણિ) રત્નનો દીપક મૂક. ધર્મનો પ્રતિપક્ષી અધર્મ છે. અધર્મના માર્ગે ચાલવામાં રહેલી આપત્તિ અને ધર્મના માર્ગે ચાલવામાં રહેલી સંપત્તિ, તે બંનેનું જ્ઞાન અને સંવેદન જેઓને પણ થાય છે, તેઓ હંમેશા નમ્ર રહે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 42

જ્ઞાન બીજાને જાણવા માટે છે, ભાવના પોતાને સુધારવા માટે છે. જગત તમામને જાણ્યા પછી પણ પોતાને, પોતાની જાતને સુધારવાની ભાવના ન જાગે, તો તે જ્ઞાન વડે શું? સરળતા ધારણ કરવાથી, પ્રમાદનો ત્યાગ કરવાથી, બુદ્ધિને નિર્મળ કરવાથી, ઇંદ્રિયોને જીતવાથી, વૃદ્ધ પુરુષોની સેવા કરવાથી અને ઇશ્વરસ્વરૂપ એવા પ્રાણીમાત્રમાં સદભાવના રાખવાથી પ્રજ્ઞા, શાંતિ, નિરિહતા અને નિર્ભયતા મળી શકે. ખણખોદ કરવાથી કે દોષારોપણ કરવાથી આપણું જ પુણ્ય ઘટે છે, સામાને કાંઈ નુકશાન થતું નથી. પાપની સજ્જડ ઉપેક્ષા આવશ્યક છે. માનવીને વિવેક મળ્યો છે: પાપ-પુણ્યનું પૃથ્થકરણ કરવા.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 43

દયા વિના સુખ નથી. દયાની તરતમતા, એ જ પુણ્યના પ્રકારો છે. પૂર્ણ પુરુષ બહારમાં સર્વ સાધારણ હોવા છતાં આંતરમાં તે એકદમ અસાધારણ હોય છે. માત્ર જાણવું તે ખરું જાણવું નથી. જાણ્યું પણ માણ્યું નહીં, તે જાણ્યું નથી. માત્ર જાણવાથી અપૂર્ણતા ન જાય, તે તો અનુભવજ્ઞાનથી જ જાય. જગતના એકપણ જીવનો તિરસ્કાર તે જગતપિતાના તિરસ્કાર સમાન છે. જીવનો તિરસ્કાર પોતાના જ શિવસ્વરૂપનો તિરસ્કાર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 44

You must not allow your mind to judge things and people, for the mind is not an instrument of true knowledge. It is incapable of finding knowledge, but it must be moved to knowledge. The mind has to be made silent an attentive in order to receive knowledge from above and manifest it. Truth is self-dependent and self-sufficient. Mind cannot reach and touch the truth, but heart can.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 45

ભક્તિશૂન્ય જીવો મુક્તિના દર્શનને પામી શકતા નથી. મૈત્રીનું ધ્યેય ભક્તિ અને ભક્તિનું સાધન મૈત્રી છે. મૈત્રી વિના ભક્તિ અને ભક્તિ વિના મુક્તિ અસાધ્ય છે. આપણી પ્રત્યેક ક્રિયા, પછી તે શુભ હોય કે અશુભ, તેનો સંબંધ સર્વ જીવો સાથે છે. પ્રભુની આજ્ઞાનું પાલન જેમ ઉર્ધ્વગતિ આપે છે, તેમ આજ્ઞાનું ખંડન અધોગતિ આપે છે. તે અધોગતિ પણ જીવનું શુદ્ધિકરણ કરી ઉત્તરોત્તર ઉર્ધ્વગતિમાં લઇ જનારી થાય છે. એ બધાની પાછળ પ્રભુની વિશ્વવત્સલતા કારણભૂત છે. આત્મા આત્મને ચાહે, તે તેનો સ્વભાવ છે. શારીરિક કરતા માનસિક સ્નાન વધુ જરૂરી છે. ઉચ્ચ વિચારોવાળું મન જ શરીરનું મૂલ્ય વધારે છે. સારાય જગતનું ભલું વાંછે અને શક્તિના પ્રમાણમાં તેનો અમલ કરે, તે મહાન આત્મા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 46

Happiness is not fulfillment of desires, but absence of desires. Eternal youth is the freedom of desire. He who has no desires never despair, never dies. Mind is the instrument of ignorance. It is always groping in the darkness. After stilling the mind, truth dawns. Divine is the most affectionate, kind and ready to help, therefore is adored as mother everywhere. We must accept this truth that he is omnipresent, omniscient and omnipotent.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 47

અભ્યાસનો અર્થ ફક્ત વાંચવું અને યાદ રાખવું નથી. 'અભ્યાસ' એટલે અનુભવ અર્થે પ્રવૃત્તિ, માત્ર પાંડિત્ય નહીં. મનનું બીજું નામ 'ન નમ' છે, એટલે કોઈનો વિચાર ન કર, માત્ર પોતાનો જ કર. તેનો પ્રતિપક્ષીભાવ 'નમ' છે. સત્ય જેટલું પરિચિત લાગે, તેટલું અગૂઢ અને અદભુત છે. એ જેટલું સીધું, સાદું અને સહેલું લાગે છે, તેટલું જ અમર્યાદ, અનંત અને અગાધ છે. જગત પાસે ગતિ છે પણ દિશા નથી. ધર્મશાસ્ત્ર સાચી દિશા બતાવે છે. મનુષ્ય સાચી વસ્તુ ખોટી જગ્યાએ શોધે છે. શાંત મનમાં મનની મુક્તિ છે. માત્ર શાંત અને સ્થિર મનમાં પ્રભુનો અનુભવ કરી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 48

પ્રભુના શાસનમાં રહેવાનું શીખવા માટે સંસાર એ એક શાળા છે. ધર્મ એ ભાવકુટુંબ છે. ભગવાન સૌ જીવો સાથે સંકળાયેલા છે, કેમકે પ્રભુ તેમનાથી જ ઉંચે આવ્યા છે. 'પ્રભુનાં સંબંધી તે મારા સંબંધી' એ માનવામાં જેટલી અધૂરાશ... એટલો પ્રભુ ઉપર પ્રેમ ઓછો. આપણે અત્યારે ભગવાન સાથે છુટ્ટાછેડા ચાલે છે. આપણે એકલા ભગવાનને પ્રેમ કરીએ તે ન ચાલે. ભગવાન પણ આપણને સામો પ્રેમ કરે, ત્યારે જ કામ થાય. ભગવાન આપણને ત્યારે જ પ્રેમ કરે જ્યારે ભગવાનના સંબંધીઓને પણ આપણે પ્રેમ કરીએ, સંસારના સુખની મમતા છોડી સૌ જીવો ઉપર આપણે એકસરખો પ્રેમ જોડીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 49

Self love grows through ignorance: the more there is self love, the more will one take to objects of the world. The more there is the weight of worldly possessions, the more will one go down. To know eternity is called illumination. To ignore eternity is to draw misfortune to oneself. The masters of light seek those alone who are already seeking them, who in their conscious or unconscious minds are eager to return home. Body is the temple of God. So feed pious thoughts, do proper actions throughout and think generously through it.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 50

ભક્તિનું ફળ સદ્ બુદ્ધિ છે. ભક્તિ વિના બુદ્ધિ સુધરે નહીં. શાસ્ત્ર બુદ્ધિ વધારે છે, ભક્તિ બુદ્ધિ સુધારે છે. આધ્યાત્મિક વિજ્ઞાન સુખમાં તો સુખનો અનુભવ કરાવે, પણ દુઃખમાં ય સુખની માત્રા ઓછી થવા દેતું નથી, એ જ એની મહત્તા છે. તેથી જ મહર્ષિઓ સુખ-દુઃખ બંનેમાં સદા પ્રસન્નમુખ રહે છે. લખવા - બોલવાના પુરુષાર્થ કરતા આચરણનો પુરુષાર્થ ચઢી જાય છે. સુખમાં બે વસ્તુ જરૂરી છે: આનંદ અને તૃપ્તિ. તે બંને ક્ષણિક સુખમાં કદી હોય નહીં. તૃપ્તિ તો ત્યારે જ થાય, કે જ્યારે તે સુખ નિત્ય હોય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 51

Kingdom of God is within all of us! In God's provinces, there is no evil but only good or its preparation. Reverence for life means relativity in thinking and non-violence in action. It is bad to start a quarrel: but it is worst to stay in it. 6 Great Physicians: sunlight, air, water, exercise, rest and food.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 52

જે તારે તે તીર્થ. જે પવિત્ર કરે તે તીર્થ. તીર્થની યાત્રા એટલે પવિત્ર કરનાર આત્મામાં રહેલા પરમાત્માની યાત્રા. ઉચ્ચ પુરુષોના ભાવનામય દેહ કે સંસ્કારો હમેશા જીવંત રહે છે અને તે લેવાની પાત્રતા કે યોગ્યતા જેનામાં હોય, તેના દ્વારા તે સંસ્કારો વ્યક્ત થાય છે. સુંદર અનુષ્ઠાન, શુદ્ધ વર્તન અને ધ્યેયની શુદ્ધતા - એ ત્રણ મળે, ત્યારે જીવ કર્મરોગથી મુક્ત થાય છે. માણસમાં પોતાની જાતને પલટવાની અને ઇતિહાસ ઘડવાની અપાર શક્તિ રહેલી છે. માણસે પોતાની આ શક્તિને જ્યારે જ્યારે સક્રિય બનાવી છે, ત્યારે ત્યારે તે સાચા સર્જક તરીકે બહાર આવ્યો છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 53

એકાગ્રતાની આડે આવનાર ચંચળતા છે. ચંચળતાનું કારણ વિષયોનો મનમાં ધસારો અને મનનો વિષયોમાં ધસારો. મન એ રાગ-દ્વેષાદી ક્લેશો અને ઈર્ષ્યા-અસુયાદિ ઉપકલેશોથી ભરપૂર છે. એ દોષો ચિત્તને ચંચળ કરી મૂકે છે. ઇંદ્રિયોને બલાત વિષયોમાં ઝીંકે છે. એ ક્લેશો જ ચિત્તને ચંચળ કરવામાં કારણભૂત છે. સર્વ પ્રાણીમાત્રને આત્મવત જાણી, સર્વ પ્રત્યે સમાન મૈત્રીભાવ દર્શાવી, યથાશક્તિ ઉપકારાદિ કરી, તેમનું ભલું ચિંતવવું. અપરાધી પ્રત્યે ય અંતરમાં બૂરું ચિંતવવાનો દ્વેષપરિણામ ધારણ ન કરવો. ભાવદાન એ શ્રેષ્ઠ દાન છે. 'સર્વનું શુભ થાઓ' એવી જ એક ચિંતા તે ભાવદાન છે. તતપૂર્વક થતી દાન-પૂજન આદિની સર્વ ક્રિયાઓ ફળવતી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 54

કોઈપણ પ્રકારના ધર્મકૃત્ય માટે કર્તાએ કાર્ય સાથે મનનું અનુસંધાન કરવું પડે છે. શ્રદ્ધા વિના એમાં પ્રવૃત્ત થવાતું નથી. જેને પોતાની સહજ સુંદરતા ઉપર વિશ્વાસ નથી, તેને શૃંગારની જરૂર પડે છે. આ ૧૪ રાજલોકમાં માત્ર હું એકલો જ અસ્તિત્વ ધરાવું છું એમ નથી. દાબડીમાં ઠસોઠસ ભરાયેલા અંજનની જેમ અનંત જીવરાશી મારી ચારે બાજુ પથરાયેલી છે. તેઓને ય સુખ-દુઃખ છે, જે મારા સુખ-દુઃખ કરતા જરા પણ ઓછા મહત્વના નથી. સમગ્ર જીવરાશી પ્રત્યે મારું અગાધ ઋણ છે. એ ઋણમાંથી મુક્ત ના થાઉં તો ભવના ભ્રમણમાંથી પણ મુક્ત કેમ થાઉં? ધ્યાનમાં કોઈ એક જ વિષયનું ચિંતન હોય જ્યારે સમાધિમાં ચિત્તવૃત્તિ નિર્વિકલ્પ અને સમ બની જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 55

રાગ અને દ્વેષમાં દ્વેષ નિર્બળ છે, એટલે તેને કાઢવા માટેનો ઉપાય પહેલા જ કરવો જોઈએ. દ્વેષ હટ્યે રાગ નીકળે અને દ્વેષ મૈત્રી આદિ ભાવનાથી ટળે છે. સાધના તો શરીર વડે થાય. શરીર અને મન તંદુરસ્ત ન હોય તો સાધના થતી જ નથી. સાધના એક એવી વસ્તુ છે જેનાથી બીજું કાંઈ ભલે ના થાય પણ શરીર તો સંપૂર્ણપણે નિરોગી બને જ છે. સાધનાનું પ્રથમ અને પ્રત્યક્ષ ફળ શરીરનું સ્વાસ્થ્ય અને આનંદમય માનસિક અવસ્થા છે. સાચું સુખ મોક્ષ, આકાશ, પાતાળ અથવા ભૂતળમાં નથી, પણ હૃદયમાં અજ્ઞાનરૂપી જે ગ્રંથી છે, તેના નાશમાં છે. બુદ્ધિમાં રહેલી સર્વ કામનાઓ જ્યારે નાશ પામે છે, ત્યારે મનુષ્ય મરણરહિત થાય છે. શરીરને ના ખવડાવવું એ જ કેવળ ઉપવાસ નથી પણ મનમાં કુવિચાર-કુવાસના ન આવવા દેવા, તે ઉપવાસ છે. મનમાં હોય તેવું બોલવું એ જ સત્ય નથી પણ અન્યને ઉદ્વેગરહિત - સત્ય - પ્રિય - હિતકર બોલવું, એ સત્ય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 56

અહંકાર એ નાશનું નગારું છે. ભક્તિ, નમસ્કાર અને અભેદની ભાવનાથી તેનો નાશ થાય છે. જ્યાં સુધી મન મરતું નથી, વૃત્તિ સંકલ્પ-વિકલ્પરહિત થતી નથી, ત્યાં સુધી બ્રહ્માનંદનો સ્વાનુભવ થતો નથી. અનેકવિધ બંધનોમાં જકડાયેલો રહે તે 'જીવ'. તેમાંથી મુક્ત બને તે 'શિવ'. જેમ અધ્યાપક, ડૉકટર, વકીલ કે ઉદ્યોગપતિ ઇચ્છામાત્રથી બની શકાતું નથી, તેમ અધ્યાત્મમાર્ગમાં પણ ઈચ્છા કરવાથી યોગી કે અધ્યાત્મી બની શકાતું નથી. તે માટે વર્ષો સુધી શાસ્ત્રો અને ગુરુઓ પાસેથી તાલીમ લેવી જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 57

માત્ર વાતો કર્યા કરવી, વિચારો વાગોળવા કે ચર્ચાઓ કરવી, તેનો કોઈ અર્થ નથી. શબ્દો માત્ર દિશાસૂચન કરે છે. ચાલવાનું તો પોતે જ છે. શુભ ધ્યાનના બે પગથિયાં: ૧. To empty all the unnecessary thoughts from the mind. ૨. To see that all thoughts are unnecessary. સંયમના પ્રભાવે વાસનાનો પરાજય થાય, વિલાસ તરફ દોડતું મન વૈરાગ્ય તરફ ફરતું લાગે અને ચિત્તમાં સમરસતાની સરિતા વહેતી લાગે. એ જ ખરો વૈરાગ્ય પણ! માણસના ચિત્તમાં ઈશ્વરનું સાન્નિધ્ય સતત રહે એ માટે દુઃખની વ્યથા અને સંકટની જરૂર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 58

મન એ મર્કટ છે, યૌવન એ મદિરા છે અને ધન એ વીંછી છે. જ્યારે અધિકાર અને અવિવેક એકમેક સાથે ભળે છે, ત્યારે જ માનવ દાનવ થાય છે. બીજાનો વિચાર ન કરતા પોતાનો જ વિચાર કરવો તે 'વાસના' છે. સામાના ભોગે પણ સુખી થવાનો વિચાર તે 'દુર્વાસના' છે. આ દુર્વાસનામાંથી જ નિષ્ઠુરતા જન્મે છે. યુગપલટો જીવીને (આચરણથી) લવાય - જીભથી (બોલીને) કે જીદથી ન લવાય. ચાતુર્યથી નહીં પણ ચારિત્રથી જીવનપલટો લવાય. અભિપ્રાય અને અનુભવ માગ્યા વગર આપવા નહીં. સુખી થવું અને સુખી કરવા.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 59

ધર્મ એ વિવાદનો વિષય નથી, તે અનુભૂતિનો અને જીવનમાં જીવવાનો વિષય છે. બૌદ્ધિક કસરતમાં સમય અને શક્તિ વપરાઈ જતાં સાધના માટે સમય અને શક્તિ રહેતા નથી. સાધનાનું બળ વધ્યે બીજાને સમજાવવા માટે આટલી મહેનતની જરૂર નહીં રહે, થોડા શબ્દો પણ શ્રોતાને અસર કરશે. જેમ મહાસાગરથી વિખૂટું પડેલું બિંદુ ન ટકે અને મહાસાગરથી વિખૂટું પડેલું મીન જીવે નહીં, તેમ વિશ્વથી વિખૂટું પડેલું મન પણ ટકે કે જીવે નહીં. દોષની નિંદા ન કરવાથી જેમ દોષ લાગે છે, તેમ ગુણની પ્રશંસા ન કરવાથી પણ દોષ લાગે છે. હજારો શિખામણો કરતા એક દલીલ, હજારો દલીલો કરતા એક દ્રષ્ટાંત અને હજારો દ્રષ્ટાંતો કરતા પણ એક સંસર્ગ વધુ અસરકારક છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 60

શ્રવણકળા ૪ નિયમો: ૧. લખવા અને વાંચવાની જેમ એકાગ્રતાથી સાંભળવું. ૨. નવો વિચાર સ્વીકારવા પૂર્વગ્રહને બાજુએ રાખવો. ૩. ઉતાવળ અને આવેશ છોડીને ધૈર્ય રાખીને સાંભળવું. ૪. યાદ રાખવા, વિચાર કરવા તથા જે કાંઈ ઉપયોગી જણાય, તેનું આચરણ કરવા માટે શ્રદ્ધાથી સાંભળવું. મારા આજે ૪ મુખ્ય કર્તવ્યો: ૧. દયાળુતા કેળવવી અને બીજાનો જરા પણ તિરસ્કાર કરવો નહીં. પરોપકાર કરવા સારું બને તેટલો પ્રયત્ન કરવો. ૨. અન્યના ગુણો પ્રત્યે પ્રેમ કરવાનો અભ્યાસ કરવો. ધર્મકર્તાની અનુમોદના કરવી. 3. દુઃખી પ્રાણીઓને દુઃખમાંથી છોડાવવાની ઈચ્છા કરવી. ૪. પારકાંના દોષો કે અપવાદો જરા પણ બોલવા નહીં. પરના મર્મ પ્રગટ કરવા નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 61

જે પોતાના અપરાધોની સતત ક્ષમા માંગ્યા કરે છે, તે જ અપરાધીઓ પ્રત્યે પણ ક્ષમા રાખી શકે છે. ક્ષમાગુણ ધારણ કરવા ક્ષમા માંગવાની ક્રિયા પાયારૂપ છે. પાયા વિના ઇમારત ચણી શકાય નહીં ત્રુટીઓના સ્વીકારમાંથી જન્મેલી નમ્રતા એ જ સાચી નમ્રતા અને એના પાયા ઉપર નિર્ભયતાનો મહેલ ચણી શકાય છે. સાચી નમ્રતા પ્રાપ્ત કરનારને હવે કોઈ ભય રહેતો નથી. લાભની માત્રાથી લોભ વધે છે અને લોભની માત્રા ઘટાડવાથી લાભ વધે છે. આપણે જેને જેવી રીતે અને જેવા ભાવથી ભજીએ, તેને તેવી રીતે અને તેવા ભાવે પામીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 62

સર્વત્ર શુભમાં ભગવાનનો કરુણાભાવ વ્યાપક રીતે કાર્ય કરી રહ્યો છે. તે શોધવું, સ્વીકારવું અને પ્રચારવું એનું જ નામ 'નમ્રતાનો ભાવ' છે, એ જ સાચો નમસ્કાર છે. પ્રભુની આજ્ઞા ધ્રુવ, નિત્ય અને શાશ્વત છે. જો કર્મનો નિયમ ન્યાયપૂર્ણ છે, તો ધર્મનો નિયમ સર્વને સુખકારી છે. જગતમાં જે કાંઈ બને છે, તે ધર્મને આધીન કર્મના નિયમને અનુરૂપ બને છે. સંતોષગુણ પ્રગટાવવા કઈ ૩ વસ્તુ જરૂરી? ૧. કર્મના અટલ નિયમમાં શ્રદ્ધા રાખવી. ૨. વિશ્વનું સંચાલન ન્યાયપૂર્ણ જ છે - એવું માનવું. ૩. આત્માની પરીપૂર્ણતાનું જ્ઞાન હોવુ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 63

દયા એ હિંસારૂપ પાપનું પ્રાયશ્ચિત છે. દયા એ શુભધ્યાન, સ્વાર્થનું વિસર્જન અને પરમાર્થનું સેવન છે. એક જીવ પોતે જ બીજા જીવનું હિત કરી શકે છે. હિત કરવાની શક્તિ જીવ સિવાય બીજા કોઈ તત્વમાં નથી. સારામાં સારા ભવિષ્યની આશા રાખવી અને ભૂંડામાં ભૂંડા ભવિષ્ય માટે તૈયાર રહેવું; એમા જ સલામતી અને સમાધિ છુપાયેલા છે. માણસમાં બુદ્ધિ છે, પણ બોધિ નથી. જ્યાં સુધી માણસની બુદ્ધિમાં બુદ્ધિનો સદુપયોગ કરવાની બુદ્ધિ નથી, ત્યાં સુધી તે બુદ્ધિ બોધિરહિત છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 64

ઉપયોગીતાની દ્રષ્ટિ માણસને સ્વાર્થ સાથે બાંધે છે. ભાવુકદ્રષ્ટિ નિઃસ્વાર્થ હોવાથી તે સૃષ્ટિને સાચી રીતે જુવે છે. દિવ્યદ્રષ્ટિ આત્મામાં જ બધી વસ્તુઓનું પ્રતિબિંબ જુએ છે. પ્રાચીનકાળમાં જે બાહ્ય સામગ્રીઓ રાજા મહારાજને પણ ઉપલબ્ધ નહોતી, તે આ વિજ્ઞાનના યુગમાં સામાન્યમાં સામાન્ય માણસને પણ સુલભ બની ગઈ છે, પરંતુ પ્રાચીનકાળમાં સામાન્ય માનવના ઘરમાં જે શાંતિ હતી, તે આજના મહર્ધીક અને સમ્રાટને સ્વપ્નમાં પણ નથી. સંસારના દુઃખો આકસ્મિક નથી પણ સુખરૂપી વૃક્ષોની છાયા છે. છાયા દૂર કરવી હોય તો વૃક્ષોને દૂર કરવા એ જ ઉપાય છે. સાંસારિક સુખોની ઈચ્છાને છોડીશું એટલે બધા જ દુઃખોનો આપોઆપ અંત આવી જશે. દુર્ગતિ અને દોષના ભયથી પળાતું ચારિત્ર એ ફક્ત બાહ્ય ચારિત્ર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 65

નાની સરખી યુક્તિથી જે કાર્ય થાય, તે મોટી શક્તિથી ન થાય. બળ કરતા કળ ચઢે છે. કળનું જ બીજું નામ 'યોગ' છે. પુસ્તકો જડ પુસ્તકો નથી પણ ચેતનની અક્ષરકાયા છે. સ્વાધ્યાય એ પવિત્ર પુરુષો સાથેનું મિલન છે. મહાન પુરૂષોનું માનસિક મિલન અગ્નેય અને અગમ્ય તથા દુર્લભ છે, તે કદી નિષ્ફળ જતું નથી. વસ્તુઓ સાથે સંબંધ જરૂરિયાત પૂરતો જ જોઈએ, તૃષ્ણાવાળો નહીં. વ્યક્તિઓ સાથે સંબંધ ન્યાયપૂર્વકના સંતોષ પૂરતો જોઈએ, લોકસંજ્ઞા માટે નહીં. વિચારો સાથે સંબંધ તત્ત્વ સમજવા પૂરતો જોઈએ, સ્વઆગ્રહ પોષવા નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 66

passive forceથી જે કાર્ય થાય છે, તે aggressivenessથી ક્યારેય થતું નથી. પ્રેમ ત્યારે જ શુદ્ધ બને છે, જ્યારે તે વિશ્વવ્યાપક બને છે. જે પ્રેમ વિશ્વવ્યાપક નથી, તે દ્વેષનું જ રૂપ છે. પ્રાણીમાત્રને સ્વસુખ અને તેના સાધનો ઉપર અનુરાગ તથા સ્વદુઃખ અને તેના સાધનો ઉપર અસાધારણ દ્વેષ હોય છે. સર્વના સુખ ઉપર રાગ અને સર્વના દુઃખ ઉપર દ્વેષ કેળવવાથી ઉપરોક્ત સ્વભાવનું નિવારણ સહજ બને છે. માણસથી કદી ડરવું નહીં, ડરવું એક પ્રભુથી. પ્રભુને અને તેમની શક્તિને ભૂલી જવા એ જ મોટામાં મોટો ભય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 67

જેઓનું પ્રભુત્વ છે, તેઓનું સ્વામિત્વ સ્વીકારનાર જ વિશ્વનો સ્વામી બનવાને લાયક થઈ શકે છે. આપણો સંકલ્પ આપણાં સુખ-દુઃખ પૂરતો છે, તેને બદલીને વિશ્વમય કરવાથી પ્રભુની સમીપ જવાય છે. વિદ્યાર્થી જ અર્થાર્થી? વિદ્યાને બદલે ધન કમાવાનું કામ કરાય છે, માટે જ વિદ્યામાં તેજ, ગાંભીર્ય કે ઊંડાણ નથી આવતું. 'એકનું સુખ તે બીજાનું દુઃખ' એ જંગલનો કાયદો. વાઘનું સુખ તે હરિણનું દુઃખ, હરિણનું સુખ તે વાઘનું દુઃખ. કિન્તુ... બધાનું સુખ એ શહેરનો કાયદો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 68

જેમ દવાની દુકાનમાં દવાની રંગબેરંગી બાટલીઓ જોવા છતાં અને એ કિંમતી હોવા છતાં ય તેને લેવાનું નિરોગીને મન થતું નથી, તેમ પાંચે વિષયોથી ભરેલા સંસારની ચારે ગતિ જોવા છતાં તે વિષયોને ગ્રહણ કરવાનું મન નિરોગીને કેમ થાય? જેને તેમાંથી કોઈ એક પણ વિષયને ગ્રહણ કરવાનું મન થાય છે, તે તેટલા અંશે રોગી છે એમ સિદ્ધ થાય છે. સંસારમાં જીભ જેવા બનો કે જે ઘીને ચાટવા છતાં પોતે ચીકણી થતી નથી પણ અલિપ્ત ને અલિપ્ત જ રહે છે. જીવનનો ઉદ્દેશ્ય જ્ઞાન વધારવાનો, અજ્ઞાનને હણવાનો, પ્રેમને વિકસાવવાનો અને દ્વેષને મારવાનો હોવો જોઈએ. સાચા જ્ઞાનથી જ વસ્તુ ઉપરની માયા જતી રહે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 69

મનુષ્ય કોઈનું દુઃખ જોઈ દુઃખી અને સુખ જોઈ સુખી થાય છે. વળી કોઈનું મૃત્યુ જોઈ વિહ્વળ બને છે તથા જીવન જોઈ આંનદ પામે છે. આ અનુભવ છે અને માણસનો મૂળભૂત સ્વભાવ છે. પ્રાણીમાત્રની એકતા એ જ નૈતિકતાનું મૂળ છે. મનુષ્યમાત્રને એકતાનો અનુભવ સ્વયં છે. એ તર્ક, બુદ્ધિ કેખોજનો વિષય નથી. તૃષ્ણા અને દુઃખમાં તફાવત છે: તૃષ્ણા થકી દુઃખ ઉત્પન્ન થાય છે પણ તેને જ દુઃખ ન કહેવાય. તૃષ્ણારહિતને પણ દુઃખ હોઈ શકે. ઘણું ઘણું જાણવા-જોવા છતાં એ નિશ્ચિત છે કે જો પોતાની અલ્પતા બરાબર જાણી કે માપી ન શકાય, તો મહાન બનવાની પાત્રતા માનવી કદી ન પ્રગટાવી શકાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 70

ઉપકારી પ્રત્યે કૃતજ્ઞભાવ રાખવો એ ભવસાગર તરવાનો ઉપાય છે. માણસ તનથી ભલે દરિદ્ર હો, પણ મનથી કૃપણ ન હોવો જોઈએ. કૃપણ હોવાથી મનની પૂંજીનો તે ઉપયોગ કરી શકતો નથી. ઉદાર પ્રકૃતિવાળો મનનો ઉપયોગ કરી શકે છે. કૃપણ કોઈનું સારું જોઈ શકતો નથી. ચોર છે માટે ચોકીયાત જોઈએ. કાંટો કાઢવા કાંટાની જરૂર પડે છે, તેમ મનના બુરા સંસ્કારો દૂર કરવાનું કામ પણ મનથી જ થાય છે. મન આત્મા સાથે મળે ત્યારે આત્મિક દિવ્યભાવ પ્રગટે. મન મન સાથે મળે ત્યારે માનસિક વીરભાવ ખીલે અને મન દેહ સાથે મળે ત્યારે ભૌતિક પશુભાવ જન્મે છે. પશુ અને પાશ એક અર્થમાં છે. પાશ એટલે અજ્ઞાન. શ્રદ્ધા એ કોઈ માળાનો મણકો, કાષ્ઠ-પાષાણની મૂર્તિ કે કોઈ પૌરાણિક ગ્રંથ નથી. શ્રદ્ધાનો જન્મ તો અંતરના ઊંડાણમાંથી થતો હોય છે અને ત્યાં જ તેનું પરિણમન થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 71

શ્રદ્ધા જો સાચી હોય, તો તેની સાથે જ પ્રેમ, મમતા, વિનય, વિવેક, નમ્રતા ભરેલા હોય છે. તેનું અંતર હંમેશા આનંદમાં નિમગ્ન હોય છે. શ્રદ્ધા અને નિરાશાને વિરોધ છે. શ્રદ્ધાળુ નિરાશ થતો નથી અને નિરાશાવાનને શ્રદ્ધા હોતી નથી. માણસે નમ્ર બનવા માટે પોતાને મળેલ વસ્તુના માલિક મટી ટ્રસ્ટી બનવા માટે કોશિશ કરવી જોઈએ. આત્મવિચાર અને આત્મસંયમ - એ બે ચીજો વિનાશનું સર્જન અટકાવવા માટે રામબાણ ઈલાજ છે. ક્ષણિક સુખ એટલે જેની પાછળ ક્ષણ પછી દુઃખ રહેલું છે એવું સુખ. હજુ દુઃખ આવ્યું નથી એવું સુખ, એમ પણ કહી શકાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 72

વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુ સૌને વળગ્યા છે. બેશક યુવાવસ્થા, સ્વાસ્થ્ય અને જીવન – એ ત્રણ વસ્તુ પણ છે, પરંતુ તે ત્રણ વસ્તુઓ અખંડ રહેતી નથી કે મનુષ્યની ઇચ્છાશક્તિની તેના ઉપર હકુમત પણ ચાલતી નથી. હા, ઇચ્છાશક્તિથી તેમાં કદાચ થોડી વધ-ઘટ થઈ શકે, પણ તેનો સમૂળગો અભાવ તો થતો જ નથી. વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુ એ મોહને લીધે નહીં પણ કુદરતના નિયમને લીધે થાય છે, તેથી ગૃહત્યાગથી તે ત્રણ વસ્તુથી છુટાતું નથી. ખરી વસ્તુ ઘરના મોહની પકડ છોડવામાં છે. સંસારનો અતિસંગ જ દુઃખનું કારણ છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિ અતિપ્રાચીન અને સમન્વયકારી છે. અશાંત અને પીડિત માનવીઓને તે પોતાના આધ્યાત્મિક તત્વજ્ઞાન દ્વારા શાંતિમાર્ગે લઇ જવાનું સામર્થ્ય આજે પણ ધરાવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 73

ઉદર ભરવા માટે થોડું અન્ન, દેહ ઢાંકવા માટે થોડું વસ્ત્ર, વસવાટ માટે થોડું સ્થાન, બુદ્ધિ માટે થોડું શાસ્ત્ર, મન માટે થોડી ઉપાસના અને હૃદય માટે થોડી સેવા એ જીવનનિર્વાહ અને વિકાસની પ્રાથમિક જરૂરિયાતો છે. એટલાથી સંતોષ માની જીવન ગુજારનાર કુદરતની સાથે અર્થાત પોતાના આત્માની સાથે રહી આનંદ માણી શકે છે. વસ્તુમાં જેમ દોષ છે તેમ ગુણ પણ છે. એકલા દોષ જ જોવાથી નિરાશા પ્રાપ્ત થાય અને એકલા ગુણ જોવાથી આસક્તિ જન્મે છે. સાપેક્ષભાવે ગુણ અને દોષ જોવાથી સમત્વ, સમતા, શાંતિ અને સુખ જળવાઈ રહે છે. What is cohesion in matter is love on man. Man is the greatest radio and is able to connect himself with the higher force.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 74

મન એ અણુથી પણ અણુ અને મહતથી પણ મહત બનવાની લાયકાત ધરાવે છે. જ્યારે તે અણુથી અણુ બને છે ત્યારે એટલું નાનું બની જાય છે કે એમાં કોઈનો સમાવેશ જ ન થાય. દુનિયામાં પોતાનું કહી શકાય એવું જાણે કાંઈ છે જ નહીં એમ વર્તે... અને ... એ જ મન જયારે સંકુચિતતાનો મળ છોડી વિશાળ થવા લાગે છે ત્યારે એની વિશાળતાની પણ કોઈ સીમા રહેતી નથી; સમગ્ર વિશ્વનો સમાવેશ થયા છતાં પણ જગ્યા ખાલી રહે છે. એવાને મન આખું વિશ્વ પોતામય-મિત્રરૂપ બની જાય છે. તેના હૃદયમાં વિશ્વના સર્વ જીવો સાથે પ્રેમભાવ અથવા સમભાવ સિવાય પછી બીજો કોઈ જ ભાવ રહેતો નથી. Truth is relative to our standpoints. This is an absolute truth that truth is always relative.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 75

સુખ અને શાંતિ હૃદયના ઊંડાણમાં જ છુપાયેલા છે. જો મનુષ્ય પોતાની હ્રદયગુહાના દ્વાર દિવ્યજીવનની ચાવી વડે ખોલે, તો જ સુખ અને શાંતિ મેળવી શકે. મનુષ્ય પોતાના હ્રદયમાં છુપાયેલી મહાન સંપતિથી અજ્ઞાત છે અને તે સંપતિ છે પ્રત્યેક જીવ તરફ અનુકંપાની, પ્રેમની અને સેવાની ભાવનાની. આ દૈવી ગુણોનો આધાર છે કે: ‘જીવમાત્ર દિવ્ય છે’. પ્રતિક્ષણ આ સત્યનું પાલન કરવું એ જ દિવ્યજીવનની ચાવી છે. કોઈપણ અનિષ્ટ બહારથી ઉદ્ભવતું નથી. બાહ્ય દેખાતા અનિષ્ટનું ઉદગમસ્થાન માણસનું અંતર છે. અંતરમાં રહેલી અસદવૃત્તિ ઉપર સદવૃત્તિનો વિજય અને હિંસાકવૃત્તિ ઉપર અહિંસકવૃત્તિ પ્રાધાન્ય મેળવે, તો જ માનવતાના મૂલ્યોની પ્રતિષ્ઠા મનુષ્યજાત કરી શકે. હિંસામાંથી અહિંસા તરફ જવું એ જ સાચી ‘પ્રગતિ' અને વારસાગત હિંસાકવૃત્તિઓ ઉપરનો વિજય તે 'સંસ્કૃતિ'.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 76

પ્રેમ અને ત્યાગ એ માનવહ્રદયનું સર્વસ્વ છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા - એ બધી ભાવનાઓનું મૂળ પ્રેમ અને ત્યાગ છે. જ્યાં પ્રેમનો ઉદય થયો ત્યાં ત્યાગનો ઉદય થવાનો જ. દયા એ પણ પ્રેમનું સ્વરૂપ છે. 'જેવો હું તેવો તે. જે દુઃખ તેનું, તે મારુ' આવો વિચાર સ્વાર્થી મનુષ્ય કદી પણ ન કરી શકે. દિલ દરિયા જેવું મોટું નહીં હોય, નાક સદા અહંકારથી ફૂલેલા હશે, સામાના દુઃખ અને વેદના સમજવાની સુકોમળ ભાવના નહીં હોય, તો સત્ય અને અહિંસા એ બે ય શબ્દો ગળામાં ઘાલેલા બે પથરા રૂપ જ રહેશે. પ્રેમ જોડે છે એટલે જ્ઞાનીઓ અને સંતો ધન-સંપત્તિ આદિ માંગતા નથી પણ માંગે છે કેવળ વિશ્વપ્રેમનો પરમ મંત્ર.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 77

શિક્ષણ આપવાનો સૌથી સહેલો ઉપાય છે: જુઓ, સાંભળો અને શીખો. મન સ્વચ્છ થાય એટલે તેમાં આત્માનું પ્રતિબિંબ પડે છે અને આપણને અનુભવયુક્ત ખાતરી થવા માંડે છે કે આપણે મનથી અલગ છીએ, તેના સાક્ષી, નિયંતા છીએ. આવું અપરોક્ષ જ્ઞાન જ મુક્તિ. ભાવ, વર્તન, સ્વભાવ, બધાનો સુમેળ આપણા આત્માને વધુ ને વધુ નિર્મળ બનાવે છે પણ અહીં બે વાત યાદ રાખવી જોઈએ: જે પણ કરીએ તે માત્ર ભક્તિભાવથી નહિ પણ સમજણથી કરતાં કરતાં એને જ સ્વભાવ બનાવવો જોઈએ. સ્વભાવ, અભિમાનથી મુક્ત થાય, ત્યારે જ સુખ અને મુક્તિનું પગથિયું ચઢી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 78

ભક્તિ અને પૂજા કરવી જ છે તો પોતાના આત્માની કરો. પોતાના આત્માને રાગ અને દ્વેષ, મોહ અને માયા, તૃષ્ણા અને ભયથી મુક્ત કરવો, એનાથી ચઢિયાતી બીજી કોઈ પૂજા કે કોઈ ભક્તિ શ્રેષ્ઠ નથી. પોતાના આત્માનું ચિંતન, મનન, નિદિધ્યાસન કરીને તેનો સાક્ષાત્કાર કરો એ જ ભક્તિ છે, એ જ પૂજા છે, એ જ સ્તુતિ છે. મનુષ્ય ચાહે તો પણ સર્વ જીવોને સુખ આપવાની ક્રિયા એકલા હાથે કરી શકતો નથી. સર્વ જીવોને સુખ મળે એવી ભાવના કરી શકે છે તથા કોઈપણ જીવને દુઃખ ન થાય એવી પ્રવૃત્તિ પણ કરી શકે છે. એનું જ બીજું નામ સંયમ માર્ગ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 79

અનેકના અનુભવોને લક્ષમાં લઈને આપણે ભક્તિ રુપી સાધનથી ભગવાન સાથે સંબંધ બાંધવો જોઇએ. કેવળ બૌદ્ધિક વાતચીત અને ચર્ચાથી કોઈની યે ભૂખ કદી યે સંતોષાતી નથી. જમીનમાં ચેતન છે તેથી અનાજના કણમાં પણ ચેતન છે, પણ જ્યારે જમીનમાં બીજ પડે છે અને પાણી મળે છે, ત્યારે જ અનાજ પેદા થાય છે. હાથ દઈને બેસી રહેવાથી કાંઈ અનાજ પેદા ન થઈ શકે. કુદરતે બુદ્ધિ આપી છે, તેનો સદુપયોગ કરવો જોઇએ. બુદ્ધિ ઉપયોગી સાધન છે. તેમાં મળતા પ્રકાશની કદર અને કિંમત કરવા જેટલી સૂક્ષ્મતા, તત્પરતા અને જાગૃતિ જોઇએ. ભગવાન સહજ - સુહદ્ છે, ભક્તિ કરો યા ન કરો, સેવા કરો યા ન કરો, પણ તમે એક જીવ છો અને ભગવાન જીવમાત્રના સહજ બંધુ છે. તે વગર હેતુએ પ્રેમ કરે છે. સદા હિત કરવા માટે પ્રસ્તુત છે. એ વાતનું અજ્ઞાન અને અવિશ્વાસ એ જ અશાંતિ અને દુઃખનું મૂળ છે. પ્રભુ સર્વત્ર - સર્વ શકિતમાન હોવા છતાં નગણ્ય તુચ્છ પ્રાણીને ન ભૂલે અને અકારણ સ્નેહ ધારણ કરે તથા મંગળ કરવા ચાહે એ કેટલી મોટી વાત છે ! ભગવાનની આટલી સહજ કૃપા હોવા છતાં જે તેના ઉપર વિશ્વાસ ન મૂકે, કોઈપણ જાતની શર્ત વિના પોતાની જાતને તેમના ઉપર છોડી ન શકે અને ભગવાન ઉપર નિર્ભર રહીને પોતાના જીવનનું સર્વોચ્ય ધ્યેય સાધી ન લે તેના જેવો અભાગી કોણ ? વિષયસેવનની કાલકોટડીમાં જેઓ પુરાઈ રહે છે, તેઓથી ભગવાનની પ્રાપ્તિ શક્ય નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 80

ભક્તની પાસે જો પ્રેમ - સ્વરૂપા ભક્તિ વિદ્યમાન છે, તો ભગવાનને પરવશ થઈ પોતાની અનુકંપાનું મુખ ખોલવું પડશે. કર્મ કરતાં ય ભક્તિ બળવાન છે. એક મજુર કર્મ વડે મજૂરી મેળવે છે અને કૃપા વડે માલીક સમોવડ બને છે. સૂર્યનો પ્રકાશ સમાન ભાવથી સર્વને પ્રકાશિત કરે છે પણ સૂર્યમુખી કાચમાં સૂર્યની વિશેષ શકિતનું પ્રાકટ્ય થાય છે. ઇશ્વર અને જીવના સ્વરૂપ તથા સંબંધનું જે તત્વ છે, તે મન, બુદ્ધિ અને વાણીનો વિષય નથી. એ તો ભગવાનની અહૈતુકી કૃપાથી જ સમજમાં આવી શકે છે. ભગવાનની ભક્તિ નિષ્કામ ન થઈ તો સકામ ભગવાનમાં વિશ્વાસ અને પ્રેમ વધવાથી નિષ્કામ ભાવ આપોઆપ આવી જાય છે. ભૂલનો સ્વીકાર કરવાથી આત્મસંતોષ મળે છે અને ભવિષ્યમાં એ માર્ગે જવાતું નથી. કઠિનાઈઓથી જો બચવું હોય તો પોતાની અંદર રહેલા દુર્ગુણોરૂપી કાંટાઓને હટાવીને હદયઉદ્યાનમાં સદ્ ગુણોરૂપી પુષ્પમય છોડ ઉગાડીયે. નિષ્કલુષ જીવન વ્યતીત કરવામાં જ ખરો આત્મસંતોષ પ્રાપ્ત થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 81

મનમાં બે શક્તિઓ રહેલી છેઃ એક કલ્પના શક્તિ અને બીજી તર્ક શક્તિ. કલ્પના = સંકલ્પ - વિકલ્પ. તેથી અનેક વિચારો - તરંગો - કલ્પનાઓ ઉઠે અને શમે, મન ચંચળ અને વેગવાન થાય, ઇંદ્રિયો ઉપર નિગ્રહ રહેતો નથી અને સંયમ સચવાતો નથી. આસક્તિ ઉપર દાબ રાખનાર મનની બીજી મુખ્ય શકિત એ તર્ક શકિત છે. તેમાં સ્મરણ, પૃથક્કરણ, એકીકરણ, ગ્રહણ, અનુમાન વગેરે શકિતઓનો સમાવેશ થાય છે. તે સર્વનો યથાર્થ ઉપયોગ કરવાથી વસ્તુના યથાર્થ જ્ઞાન - તર્ક - નિશ્ચય થાય છે. મનોજય દુઃસાધ્ય છે, પરંતુ અસાધ્ય નથી. જેમ જેમ તે સાધ્ય થાય છે, તેમ તેમ ઉંચા ઉંચા ગુણસ્થાનની શ્રેણી ઉપર ચઢાય છે. જીવ એ અન્ય જીવને ઉપકારક છે, એટલું જ નહિ પણ અજીવ પણ ઉપકારક છે. અજીવની સહાયતા વિના જીવતત્વ કાંઈ કરી શકે નહિ. આપણી અવસ્થાઓ વીતરાગના જ્ઞાન અનુસાર નથી, પરંતુ જેવી અવસ્થા આપણી હશે, તેવી વીતરાગના જ્ઞાનમાં પ્રતિબિંબિત થશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 82

ચિત્તની શુદ્ધિ માટે તથા પરમાર્થ વૃત્તિ કેળવવા માટે ખાસ નિઃસ્વાર્થપણે બીજાઓનું કાર્ય કરવાની જરૂર છે, તેથી અંતઃકરણ નિર્માણ તથા સુપ્રસન્ન થાય છે. ' હું કરું છું તેથી મને આનો બદલો મળો' એવી ઇચ્છા પણ સ્વાર્થવૃત્તિ છે. તેને પણ દૂર કરીને પારકાનું કામ કરવાનો સ્વભાવ કેળવવો. ' સત્ય જ વિજયવંત છે, અસત્ય નહિ જ.' એવું શાસ્ત્ર વચન છે. સત્યવાદીને કોઈ જ ચિંતા હોતી નથી. તેનું મન તો સદાકાળ શાંત જ રહે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 83

શાંતિનો શત્રુ ગુસ્સો છે. હદયમાં છુપાયેલી કામનાઓનું તે ચિન્હ છે. કામના પૂર્ણ ન થાય ત્યારે ગુસ્સો આવે છે. ક્ષમા, પ્રેમ અને અહિંસા તથા અહંભાવના નાશથી ગુસ્સાનો નાશ થાય છે. પ્રેમ, ક્ષમા વિગેરે ઉશ્કેરાયેલા જ્ઞાનતંતુઓને શાંત કરે છે. ગુસ્સો આવે ત્યારે થોડું ઠંડુ પાણી પીવું. ૐ શાંતિનો થોડો વખત જાપ કરવો. ગુસ્સો ન રોકાય તો તે સ્થાનનો ત્યાગ કરો અને અડધો કલાક ફરી આવો. ઇશ્વરની પ્રાર્થના કરો. જપ - ધ્યાન કરો. ધ્યાનથી ગુસ્સાને જીતવાનું ઘણું બળ આવે છે. દુનિયામાં નિઃસ્વાર્થ મિત્ર મેળવવા ઘણા મુશ્કેલ છે. જે મિત્રો ફોકટની વાતો કરી સમય બરબાદ કરાવે છે, એવા સૌ મિત્રોની સંગતિ કાપી નાખીને અંદર રહેલ અમર આત્માની મૈત્રીમાં જ વિશ્વાસ મુકો. તે મિત્ર તો જે જોઈશે તે આપશે. સારો સંગ ન મળે તો આત્મસાક્ષાત્કાર થયેલ ઋષિમુનિઓના વચનો જેમાં હોય, તેવા ગ્રંથો અવશ્ય વાંચો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 84

ચિંતાથી આ દુનિયાનો અંશમાત્ર પણ ફેરફાર થતો નથી. ચિંતાથી મળે છે તેના કરતાં અણચિંતવ્યું મળે છે તેની સંખ્યા વિપુલ છે, માટે તેના ઉપર જરૂર વિશ્વાસ રાખો. કાલ પોતે જ પોતાનો વિચાર કરી લેશે. કાલની ફિકર આજને ઘણું નુકશાન કરે છે. ભૂખ્યાને ભોજન, દુઃખીયાને દીલાસો અને હારેલાને હિંમત આપો. પારકા માટે પગથિયું ન બનાય તો કાંઈ નહીં પણ ખાડો તો બનશો જ નહીં. માઠામાંથી સારું નહિ પણ સારામાંથી સારું બને છે. જગતમાં કાંઈ માઠું બનતું જ નથી, જો બનતું હોય તો સારું કદી સંભવે નહિ. સારું સંભવે છે માટે માઠું બનતું નથી. બહારથી માઠું લાગતું પણ અંદરથી સારું છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 85

ચિત્તમાં એક બાબત સ્પષ્ટ થઈ જ જવી જોઈએ કે આપણું માન બીજા કોઈથી યે ખંડિત થઈ શકે તેવું નબળું કે પોચું નથી. આમ થયે પછી કોઈ પણ અવસ્થા કે અનુભવથી આપણા ચિતમાં નકામી ઉથલપાથલ નહીં થાય અને પરિણામે સહુની સાથે મધુર વર્તાવ વ્યક્ત થશે. નિષ્ફળતામાંથી નિરાશા ન જનમવી જોઈએ પણ સફળતા માટે વધુ પ્રયત્ન થવો જોઈએ. એમ થાય તો ઉજ્જવળ ભાવિ રાહ જોઈ જ રહ્યું છે તે નક્કી માનજો. પ્રત્યેક વિચાર અને વાક્ય સાપેક્ષ છે એવું જ્ઞાનપૂર્વકનું પુનઃ પુનઃ ચિંતન એ અનેકાંત ભાવના છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 86

બુદ્ધિનો નિર્ણય એ જ્ઞાન નથી પણ જ્ઞાનનું પહેલું પગથિયું છે. બુદ્ધિ સહાયક છે તેમ અવરોધક પણ છે. માણસને ઉર્ધ્વગતિ કરવી હોય છે, ત્યારે ચિત્તમાં રહેલી સર્વ વિપરીત ભાવનાઓને તિલાંજલિ આપવી પડે છે. ધર્મ, જાતિ કે કોમ વિષયક સર્વ પરિમિત ખ્યાલોનો ત્યાગ કરીને જ માણસ આગળ વધી શકે છે. બુદ્ધિને સર્વ પૂર્વગ્રહોથી સર્વાંશે વિમુક્ત કરવી પડે છે. સ્થિર દ્રષ્ટિ કેળવવાની ટેવ પાડવી પડે છે. વળી ધીર, વીર, સ્થિતપ્રજ્ઞ પણ થવું પડે છે. જગતમાં જે જે વિસંવાદો જણાય છે તેનું ખરું કારણ અજ્ઞાનતા છે. વાસ્તવ દ્રષ્ટિથી જોતા સર્વ જગત સંવાદમય અને આનંદમય જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 87

વ્યક્તિને પોતાનું અભિમાન થાય એ ખાતર પ્રાર્થના નથી, વ્યક્તિને પોતાના વૈયક્તિક તત્વ વિશે હંમેશા જાગૃતિ રહે તે ખાતર પ્રાર્થના છે. જેવું કલ્પવું તેવું બોલવું સુલભ છે. જેવું બોલવું તેવું કરવું મહાદુષ્કર છે. બુદ્ધિથી જાણવું એ માત્ર જ્ઞાન નથી. જ્ઞાનની સાધના એ જ જ્ઞાન છે. ગુણો એ જ જ્ઞાન છે. તેથી વિપરીત દુર્ગુણો એ જ અજ્ઞાન છે. પોતાનો પડછાયો માનવીને પ્રકાશમાં નજરે ચઢે છે, અંધકારમાં નહીં. તે રીતે જ્ઞાનના પ્રકાશમાં જ માનવી પોતાના કાર્યોનું પ્રતિબિંબ જોઈ શકે છે. સુખી માણસે દુઃખના ડુંગરો વટાવવા જ જોઈએ. આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલે ત્યારે જ તેનું ગ્રહણ થાય છે. કસોટી હંમેશા સોનાની હોય છે, લોખંડની નહી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 88

સંસાર એટલે સતત ગતિ. નિત્ય બદલાતો અને વહેતો પ્રવાહ. ગમનશીલ સંસારમાં વિચાર અને આચારમાં ફેરફાર થયા જ કરે છે. પ્રગતિ એટલે અહર્નિશ નૂતન સર્જન. બહાર કે અંદરના સંહાર વિના સર્જન નથી. માનવ બુદ્ધિથી ઉપર, તેને અડીને રહેલા ઉર્ધ્વમનમાં જવાથી પણ સ્વસ્થતા અને શાંતિ મળી શકે છે. માણસ એ કેવળ તર્કનું પૂતળું નથી, કિન્તુ લાગણીનું પણ ઘર છે. એક વખત તેની લાગણીને આઘાત પહોંચાડ્યા પછી તર્કથી સમજાવવા કરેલા સઘળા પ્રયત્ન નિષ્ફળ જાય છે. માણસની લાગણી સાચવવા એક જ ચીજ જરૂરી છે અને તે તેની ઈચ્છાને આડે નહીં આવવાથી બને છે. માણસની ઇચ્છા કે કૃતિની સામે થવું એ ઇરાદાપૂર્વક તેની લાગણીને ઉશ્કેરાવાનું કૃત્ય છે. જરૂર પડે તો તેના જ્ઞાનને શક્ય રીતિએ પલટાવવા પ્રયાસ કરો. ઈચ્છા અને કૃતિને તમારા પ્રયત્નથી નહીં પણ તેના પોતાના પ્રયત્નથી પલટાવવા દ્યો. એ જ પરમ શાંતિ અને ઉન્નતિનો માર્ગ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 89

દરેકની ઈચ્છા જુદી જુદી હોય છે. બીજાની ઈચ્છા ઉપર આપણે દ્વેષ કરીએ તો આપણી ઇચ્છાને માટે પણ તેમ જ બને. 'હૃદયશુદ્ધિ કેળવો, અહંકારથી આઘા રહો, સમભાવ વિકાસવો અને સહાનુભૂતિ, ક્ષમા, શાંતિ અને સંયમને જીવનમાં ઉતારો' એ આચારનિષ્ઠ બનવાના ઉપાયો છે. આચારનિષ્ઠ માનવ ઉપર જગતના આઘાત-પ્રત્યાઘાતની કાંઈ અસર પડતી નથી. જીવન સુખી બનાવવા ભુખ, તરસ, દુઃખ અને ઉજાગરો વેઠતા શીખવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 90

પદવી કે પૈસો - માણસને બે ઘડી માન અપાવે છે, પણ એમાં કાંઈ માણસાઈ નથી. માણસાઈ તો સદગુણની પ્રાપ્તિમાં કે સત્તચરિત્રના વિકાસમાં છે. જ્યાં દીન (ધર્મ) નથી, ત્યાં ઈમાન (નીતિ) નથી. જ્યાં ઈમાન નથી, ત્યાં દીન નથી. કોઈની ધાર્મિકતાનો વિચાર કરતાં પહેલા એ માણસમાં પ્રામાણિકતા, ભલાઈ અને મનુષ્ય પ્રેમ કેટલા છે એ જોવું જોઈએ. જ્યાં ખાનદાની છે, ત્યાં જ ધાર્મિકતા છે. નીતિ - સદાચારના પાયા ઉપર વધારે ઊંચું ચણતર, તે જ ધર્મ છે. જે સૌનો છે, તેના જ સૌ છે. જે મનુષ્ય પોતાના શરીરનો જ છે, તેનું સંસારમાં કોઈ સગું ના થાય તેમાં કાંઈ નવીન નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 91

જે દેવામાં ઉદાર અને લેવામાં કરકસર કરે છે, તેના પ્રત્યે જગત પણ દેવામાં ઉદારતા અને લેવામાં કરકસર રાખે છે. તમારા વિચારો અને આચારો ઉપર સતત ચોકી રાખો. બીજામાં જે તમને ન ગમતું હોય એ પહેલાં તમારી જાતમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરો. તારાથી બીજાને ઇજા ન પહોંચે તે માટે તું પારેવા જેવો થા. બીજાથી તું ઇજા ન પામે તે માટે તું પત્થર જેવો થા.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 92

માનવીમાં સ્વાભાવિક રીતે જ બીજાના દોષો જોવાની અને પોતાના દોષો બીજા ઉપર ઢોળવાની વૃત્તિ રહેલી છે. ભાષા અને તેના અર્થ વચ્ચે જો સદ્દભાવનો સંબંધ હોય તો જ તે ભાષાથી ખરો અર્થ સમજી શકાય છે. પરિવર્તન એટલે રૂપાંતર, એટલે કે ઉત્પત્તિ અને નાશ, વિકાસ અને પતન. પ્રાણી કે પદાર્થમાં કોઈપણ ગુણ-સ્વભાવ કે અવયવ નવો ઉત્પન્ન થતો હોય છે કે જૂનો નાશ પામતો હોય છે. પ્રાયઃ પ્રત્યેક પ્રાણી પ્રત્યેક સમયે યતકિંચિત પણ વિકાસ સાધે જ છે. સંસ્કારિતાની પરીક્ષાનો આધાર વિશાળ સાહિત્યસંગ્રહ કે ચિત્ર-વિચિત્ર બાહ્યસાધનો કે સામગ્રી ઉપર નથી, પરંતુ જીવન સંસ્કારમાં સંગીનતા અને ઉદાત્તતા હોવી જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 93

જેમ મેલા વસ્ત્રને વિશે કંકુ અથવા કેસરનો રંગ ન લાગે, તેમ હીણા વ્યવહારવંતના ચિત્તને ગુણનો રંગ લાગેલો ન હોય. અજ્ઞાન એટલે સ્વભાવનો 'ન'કાર. જ્ઞાન એટલે સ્વભાવનો 'હ'કાર. નકાર એટલે અસ્વીકાર, હકાર એટલે સ્વીકાર. જેમ રોગ મટ્યા પછી અલ્પ નબળાઈ રહે તેની સ્થિતિ લાંબી રહેતી નથી અને પથ્ય સેવનથી તે નબળાઈ ટળે છે, તેમ સ્વભાવમાં વિરોધરૂપ માન્યતાનો નાશ કર્યા પછી પુરુષાર્થની નબળાઈ વધુ કાળ રહેતી નથી. દૂર રહેલા પદાર્થને જાણવા માટે જ્ઞાનને લાબું થવું પડતું નથી પણ અંદર ગુણમાં એકાગ્ર થવું પડે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 94

નિરાકુળ સ્વતંત્ર સ્વભાવને જાણ્યા વગર આકુળતા ટળે નહીં. ‘સ્ત્રી, દેહ, ધનાદિનો સંયોગ મને મદદ કરે' એમ જે માને, તેની આકુળતા ટળે નહીં. ‘પરનો આશ્રય જોઈએ, નોકર જોઈએ, સ્ત્રી જોઈએ' એમ જેણે માન્યું, તેને નિર્દોષ એકલાપણું કે સ્વતંત્રપણું ગમે નહીં. જેણે સ્વાશ્રય સ્વીકાર્યો, તેને શ્રદ્ધામાં આખો સંસાર અને તેની સર્વ ઉપાધિઓ ઉડી ગઈ. સંસારની તીવ્ર રુચિ હોય અને જ્ઞાનીઓનું બહુમાન તથા ભક્તિ ન આવે તો તે ‘જિજ્ઞાસુ’ પણ નથી. અનંતકાળમાં પોતાને ભૂલી બીજું બધું ય કર્યું... પણ તેથી જ તો આ રખડવું જ થયું!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 95

સજ્જન સાથે સંગ ન થાઓ, જો થાય તો સ્નેહ ન થાઓ, જો સ્નેહ થાઓ તો વિરહ ન થાઓ અને જો વિરહ થાય તો જીવનની આશા ન હો (અર્થાત સજ્જન સાથેનો સંગ જીવનભર રહો). Try to do that only for which you are intended by nature. If you do otherwise, it is a failure for the self. આજ સુધી તેં સતત તારા માટે એકલો નુકસાનનો જ ધંધો કર્યો છે અને સાચી સમજણ નહિ કરે, ત્યાં સુધી તે ધંધો ચાલશે જ. જાતિવાદના અભિમાનને દૂર કરવા કહેવાયેલા વચનોને વળગીને 'જાતિવાદ જ નથી' એવું વિધાન કરવુ એ નર્યું અજ્ઞાન છે. દરેક હકીકતની મર્યાદા અને મર્મ સમજીને વર્તન કરાય, તો જ તે હિતાવહ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 96

ઈચ્છા એ રોગ છે, આકુળતા એ તેનું ચિહ્ન છે તથા અજ્ઞાન તેનું કારણ છે. પોતાને મળેલી શક્તિઓનો ઉપયોગ જે પરજીવની સેવામાં કરવાને બદલે સ્વશરીર અને મનના તરંગોની સેવામાં જ જીવો કરે છે, તો શરીર એ ગધેડા અને મન એ વાંદરાની ઉપમા ધારણ કરે છે. રાસભની સેવના હોય પણ તેને ડંડુકા મારીને પણ કામ લેવાનું હોય એટલું તો પ્રજાપતિ પણ સમજે છે. વાનરને વશ કરીને મદારી પણ પોતાનું કાર્ય કરાવે છે. માનવ જેવો માનવ તેના બદલે બન્નેની સેવા જ કરે તો તે પ્રજાપતિ કે મદારીથી પણ ઉતરતી કક્ષાનો ગણાય. ‘કોઈ કહે માટે માની લેવું’ એ અંધશ્રદ્ધા, અવિવેક, અજ્ઞાન છે, માટે વિચારવાન જીવોએ અંધશ્રદ્ધા છોડી દેવી જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 97

મનુષ્યના સ્વભાવમાં શ્રદ્ધા અને બુદ્ધિ બંને તત્વો છે. કોઈમાં શ્રદ્ધા મુખ્ય ભાગ ભજવે છે, તો કોઈમાં બુદ્ધિ. માત્ર બુદ્ધિમાં ઘણી સાચી બાબતો છૂટી જવાનો દોષ રહેલો છે. માત્ર શ્રદ્ધામાં ઘણી અસત્ય વસ્તુઓનો સ્વીકાર થઈ જવાનો દોષ રહેલો છે. એકમાં સ્વાશ્રયીપણું હોવાથી અપૂર્ણમાં પૂર્ણતાનું ભાન એ દોષરૂપ છે, બીજામાં પરાશ્રયીપણું હોવાથી શક્ય બુદ્ધિ વિકાસનો પણ નાશ થાય છે. માટે બંનેનું સુસાયુજ્ય જરુરી છે. પ્લેગના ઉંદરડા નાચી નાચીને મરી જાય છે, તેમ સંસારી જીવ પણ સંસારના નાચ નાચીનાચીને અંતે મરી જાય છે. જેને હિતકારી માનીએ, તેના ઉપર હેત આવ્યા વિના રહે જ નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 98

સ્ત્રી પુરુષનો ભોગ-સંયોગ તે કામ નથી પણ ખરેખર તો ચિત્તનો અભિલાષ તે જ કામ છે. કર્મનો ઉદય એ ચોપાટનો ખેલ છે. ચોપાટનો ખેલાડી જેમ બુદ્ધિનો ઉપયોગ કરીને ખેલે છે, તો પણ દાવ તો પાસાઓને જ આધીન છે, તેમ જગતનો જીવ ઉદ્યમ કરીને પોતાના સ્વાર્થનો ઉપાય ચિંતવે, પણ પોતાના કર્મચક્રના ઉદય મુજબ જ ફળ થાય છે, તેથી કર્મ કરતી વખતે જ સાવધાન રહેવું! આ વિશ્વ ઉપર અદ્રશ્ય એવી એક મહાસત્તા પોતાનું કાર્ય કરી રહી છે, જે સર્વનું હિત જ ઈચ્છે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 99

શરીર એ પર છે. તે જડ-રજકણો રૂપ હોય છે. તે બગડે અથવા સુધરે તેથી મારુ કાંઈ બગડે-સુધરે નહીં. જીવનું શરીર તો જ્ઞાનશરીર છે. રોષે ભરાવાનો પ્રસંગ આવે, ત્યારે જે કોઈ પ્રસન્નતા દાખવે છે, તે બીજાના સુકૃત્યોને હરી લે છે. પંડિત પુરુષ અપમાન મળતા અમૃત મળવા જેવી સંતૃપ્તિ અનુભવે. જેમ કાંજીના જલસ્પર્શથી દૂધ ફાટી જાય છે, તેમ મમતાથી પરમાર્થ નાશ પામે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 100

વિચારમાં નિષ્ઠા હોવી જોઈએ, અહંતા નહીં. વિચાર નથી મારો કે નથી તમારો. આકાશ જેમ વ્યાપક છે તેમ વિચાર વ્યાપક છે. વિચારમાં આગ્રહતા નહીં પણ સંગ્રાહકતા જોઈએ. અનાગ્રહમાં અહંતા નથી. વિચાર સત્યનિષ્ઠ હોવો જોઈએ, પક્ષનિષ્ઠ નહીં. આચારની ભૂમિકા જેટલી ઊંચી, તેટલું વિચારનું દર્શન વ્યાપક. માણસની અંતિમ નેમ રોટલા ભેગી થવાની નહીં પણ બ્રહ્મ ભેગા થવાની છે. જેમ કુટુંબનો નાયક કુટુંબ માટે, દેશનો નાયક દેશ માટે ઝઝૂમે છે, તેમ ધર્મ કરનારે સર્વ માટે ઝઝૂમવું જોઈએ. એથી પોતાને અવશ્ય ફાયદો થાય છે, સાથે બીજાઓને પણ લાભ થતો રહે છે, કેમકે તેથી સદભાવની લાગણી ફેલાય છે તથા સૌને પરાર્થપરાયણતાનો આદર્શ મળે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 101

બુદ્ધિની કુશળતા એટલે સમતા. સમતા એટલે મનની અત્યંત વિશુદ્ધિ. કુબુદ્ધિવાળો, પરવશ મનવાળો તથા સ્વચ્છંદી ઇન્દ્રિયોવાળો સમતાના આ શુદ્ધ માર્ગે પ્રવાસ કરી શકતો નથી. અહંકાર એ બુદ્ધિનું કાર્ય છે. પવિત્ર બુદ્ધિ યા રાગ-દ્વેષ આદિથી રહિત બુદ્ધિ એ જ સુક્ષ્મ અને અગ્ર છે. પ્રત્યેક પદાર્થમાં જીવનદાયિની અને જીવનહારિણી શક્તિ એક્કી વખતે સમાયેલી છે. કોને કઈ રીતે વાપરવી એ આપણા હાથમાં છે! કીર્તિ એ સત્ કર્મોનું અનિવાર્ય ફળ છે. સદ્ વાણી એ વ્યવહારનું એકમાત્ર સાધન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 102

ધનની પ્રાપ્તિ, રક્ષણ અને વ્યય ત્રણે ય દુઃખદાયી છે. સદ્ લક્ષ્મીની વાવણી જ એકમાત્ર સુખદાયી છે. જે માનવી બીજાને પ્રમાદ કરવાથી રોકે છે, તે જ નિષ્પાપ રસ્તે ચાલે છે. જે તું પોતાને માટે ઈચ્છે છે, તે બીજા માટે પણ ઇચ્છ. જે તું પોતાના માટે નથી ઈચ્છતો, તેની બીજા માટે પણ ઈચ્છા ન કર. પ્રેમનું લક્ષણ આત્મતુલ્ય દર્શન. માતા પોતાના બાળકને પૂર્ણતાની નજરે જુએ છે અને બાળક પોતાની માતાને પૂર્ણતાની નજરે જુએ છે, તેથી પરસ્પર પ્રીતિ અખંડ ટકે છે. સતી સ્ત્રી પતિને પરમેશ્વરની દ્રષ્ટિએ જુએ છે, તેથી પતિભક્તિ અખન્ડ ટકે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 103

પ્રેમમાં આપવાનું છે, જ્યારે રાગમાં લેવાનું છે. રાગ એ સ્વાર્થપૂરતા છે, જ્યારે પ્રેમ એ તો નિઃસ્વાર્થતા છે. સંકલ્પનો ઉચ્ચાર કરવો તે ભાવ અને ભાવનો ઉચ્ચાર તે વિચાર કહેવાય. વિચારનો ઉચ્ચાર શબ્દ દ્વારા થાય. સંકલ્પ કરતા ભાવનું બળ ઓછું. ભાવ કરતા વિચારનું બળ ઓછું. વિચાર કરતા વાણીનું બળ ઓછું હોય છે. લક્ષ્યહીન પુરુષાર્થ વાસનારૂપ હોવાથી નિષ્ફળ છે. મનુષ્યમાત્રના ગુણ-અવગુણ દેખાતા બંધ થાય અને ફક્ત તેમાં રહેલી આત્મજ્યોતિ જ દેખાય, ત્યારે માનવું કે આપણી આત્મસાધના પરિપક્વ થઈ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 104

જે માણસ બીજાઓને સુખી જોવા ઈચ્છે છે, તે કદાપિ દુઃખી થતો જ નથી અને જે પોતાના જ સુખ માટે ફાંફા મારે છે, તે કદાપિ સુખી થતો નથી. જે દયાવાન હોય તે પરોપકારની બુદ્ધિવાળો અવશ્ય હોય અને જે પરોપકારી હોય તે દયાવાન હોય જ. બુદ્ધિ સૌરશક્તિ છે. શ્રદ્ધા ચાન્દ્રીશક્તિ છે. બુદ્ધિનો પ્રકાશ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થાય છે. શ્રદ્ધાનો પ્રકાશ મન દ્વારા થાય છે. શ્રદ્ધાનું કામ સૂક્ષ્મ તત્વોને પકડવાનું છે જ્યારે બુદ્ધિ સ્થૂળ તત્વોને પકડે છે. મૂર્ખથી લીધેલું જ્ઞાન કે મૂર્ખને આપેલું જ્ઞાન, બંને ક્ષારભૂમિમાં બીજવપનની જેમ નિષ્ફળ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 105

જેમ આપઘાત કરવો હોય તો માત્ર એક નરેણીથી પણ થઈ શકે અને પરનો ઘાત કરવો હોય તો તે માટે ઘણાં શસ્ત્રાસ્ત્રની જરૂર પડે, તેવી જ રીતે એક કુવિચાર જો પોતાનો કાઢવો હોય તો સહેલાઈથી નીકળી શકે, પણ તે કુવિચાર બીજાનો કાઢવો હોય તો તે માટે સામગ્રી ઘણી જ જોઈએ. છતાં સામો પોતે જ તેને દૂર કરવાની જિજ્ઞાસાવાળો હોય તો તે સમાન વિચારવાળો બની જવાથી તેનો કુવિચાર સહેલાઈથી પણ ટાળી શકાય છે. ગરીબ અને મૂંગાની દુવા એ દવા છે. માંદાએ સાજા થવા માટે દવાના સ્થાને દુવા મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. જે ઘરે સંત પુરૂષોનું આવાગમન નથી, તે ઘર સર્વ સંપત્તિથી ભરેલું હોવા છતાં સર્પોનું નિવાસસ્થાન છે. અહંને ઓગાળવા સ્વાર્થ ઓછો કરવો. સ્વાર્થ ઓછો કરવાનો સરળ, સહજ અને હકારાત્મક માર્ગ છે પરાર્થકરણ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 106

દૂધપાક કે પારો પચાવવો સહેલો છે પણ વાત પચાવવી સહેલી નથી. ચાર કાન કરતા બે કાન સાંભળે તો બ્રહ્મા પણ ન જાણે. લોકો કહે છે આંખ ઉઘાડીને જુઓ. જ્ઞાની કહે છે કે આંખ મીંચીને જુઓ, કેમ કે એમ કરશો તો દુઃખનું કારણ મળી આવશે. વૈરથી સંસાર છે અને મૈત્રીથી મોક્ષ છે. દુર્જનતાને સહન કર્યા વિના સજ્જનતા બહાર આવતી નથી, આવે તો ટકતી નથી, પરિપક્વ થતી નથી. દુર્જનતા એ રીતે સહન કરવાની જ્યાં સુધી સજ્જનતા રહે. જો સજ્જનતા ટકી શકે એમ ન હોય તો દુર્જનથી દૂર રહો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 107

સત્પુરુષોમાં ગુણો હોય, અભિમાન ન હોય. 'મારાથી બીજા ઘણા મહાપુરુષો છે. તેમની આગળ હું રજમાત્ર પણ નથી' એમ તેઓ વિચારે છે. બે કાન એટલા માટે કે બન્ને બાજુનું સાંભળજો, પછી નિર્ણય કરજો. બે આંખો એટલા માટે કે બન્ને બાજુનું જોજો. દરેક પદાર્થને બે બાજુ હોય છે. બે હાથ દાન દેવા તથા બે પગ તીર્થયાત્રા કરવા માટે છે, કેવળ લૌકિક ઉપયોગ માટે નહીં. ભૂખ્યા રહેવાથી શરીરમાં રહેલ ચરબી વગેરે ખવાય છે, માટે ક્યારેય ભૂખ્યા રહેવાથી મરાતું નથી. ખાવા-પીવા અને બોલવાના કારણે જગતના ઝઘડા છે. ઓછું બોલો અને વધુ ચિંતન કરો. ક્રોધ જીવનમાં ક્ષોભ પેદા કરે છે, તેથી જીવન વ્યાકુળ બની જાય છે. કશી વાતનું ચેન પડતું નથી એટલે અનેક પ્રકારના રોગો થાય છે. રોગનું મોટામાં મોટું કારણ ચિત્તની અશાંતિ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 108

લાગણી વિનાના માણસો પાસે ગમે તેટલી સંપત્તિ કે બુદ્ધિ હોય પણ લાગણી ન હોય તો બુદ્ધિ કે સંપત્તિ કાંઈ ઉપયોગમાં ન આવે. જેટલી લાગણી વિશેષ એટલો ઉપકાર વિશેષ થઈ શકે. ચારિત્ર એ ક્રિયા, જ્ઞાન એ બુદ્ધિ અને દર્શન એ હૃદયનો ભાવ છે. લાગણીવાળા નાના-મોટાનો વિચાર કરતા નથી, તે માન કે અપમાન જોતા નથી, કિન્તુ તેઓ તો સ્વાર્થ વિના જ પરોપકાર કરે છે. સામાને સુધારવા માટે તેના અહંભાવને વધારવાના શબ્દો બોલવા જોઈએ. પ્રથમ તેનો દોષ કે અપશબ્દ બોલવાથી તે સુધરી ન શકે. દરેક માણસને અહં પ્રિય હોય છે. માણસને શરીરની સર્જરી કરતાં પણ મનથી અપમાન ઘણું જ વધુ દુઃખદાયક લાગે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 109

પહેલા યોગ્યતા પ્રાપ્ત કરો, પછી ઈચ્છા કરો. કુદરતના ભંડારમાં એટલી બધી વસ્તુ ભરી છે કે તે શોધ કરી રહી છે કે મારે કોની પાસે જવું. તમારી યોગ્યતા નિર્માણ કર્યા પછી ફાંફા નહીં મારવા પડે. કમ ખા, ગમ ખા. એકથી આરોગ્ય અને બીજાથી શાંતિ પ્રાપ્ત થાય છે. સૂર્યને પ્રકાશિત કરવા દિપકની કે મોરના પીંછાને રંગવા રંગની જરૂર પડતી નથી. ચંદ્ર કે ચંદનને શીતળ કરવા વિલેપનની જરૂર નથી. લઘુતમાં પ્રભુતા છે. લઘુ બનવાથી મોહરાજાની જાળમાંથી છટકી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 110

પ્રીતિના કારણો ૬ છે: જમવું-જમાડવું, લેવું-દેવું, ગુપ્ત વાત કહેવી-જાણવી. ઘણા મુશ્કેલ પ્રશ્નોના જવાબ ઊંઘમાં મળી જાય છે. નિદ્રા વખતે શરીર જ્યારે શિથિલ હોય, બાહ્ય મન ભટકતું અટકી ગયું હોય ત્યારે આંતરમન જાગૃત રહે છે અને ત્યારે જ તેનો સુધારો થાય છે. પ્રસંગે કામ આવે તે જ સાચો મિત્ર છે. સાચા મિત્રનું લક્ષણ એ છે કે તે પાપ કરતા અટકાવે અને હિતકાર્યમાં જોડે છે. પરોપકાર શ્રેષ્ઠ જ છે પણ તેનાથી ય આત્મા માટે કરેલ સ્વોપકાર ચઢી જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 111

પાંચ વિષયોની પ્રાપ્તિ થવી એ ભાગ્યોદય નથી, તે તો પશુઓને પણ થાય છે. ખરેખર તો પ્રાપ્ત વિષયોમાં વિરક્તિ થવી એ ભાગ્યોદય છે. માણસ જેનો સાચા અંતરથી સંકલ્પ કરે તેવી વસ્તુઓ જગતમાંથી ખેંચાઈ આવે છે. ન્યાય-નીતિનો સંકલ્પ કરે તો બધા પ્રતિકૂળ સંયોગો અનુકૂળ બની જાય છે. શરૂમાં કષ્ટ લાગે પણ તે સહન કરવાથી શક્તિ મળે છે. શરીરને મળતા માનને મહાપુરુષો ‘માન’ તરીકે માનતા નથી. તેઓ તો આવા માનને કલંક માને છે. મોટી પૂંજીવાળાને કોઈ બે પૈસાવાળો (મહાધનવાન) કહે, તો ય તે રાજી થતો નથી. જેને આત્માની મહત્તાની પિછાણ હોય છે, તેને સામાન્ય સ્તુતિ જરા યે અસર કરતી નથી. હીરાની ખાણમાં અજાણ માણસને બધા પથરા લાગે છે, પણ ઝવેરીને તે દેખાય છે. જેવી ભૂમિકા હોય છે, તે પ્રમાણે જગતના અરીસામાં પ્રતિબિંબ પડે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 112

જગત એ આરીસો છે, જેમાં આપણું પ્રતિબિંબ પડે છે. આપણી ભૂમિકા જો હલકી છે તો બધા લુચ્ચા, હરામી અને અપકારી લાગે છે, જ્યારે કેટલાક ઉચ્ચ ભૂમિકાવાનને જગતમાં બધા મહાપુરુષ જ લાગે છે. ઘણું ખાવાની ઈચ્છા કરતા પચાવવાની શક્તિ કેળવો. મેળવવાની લાલસા કરતા સંતોષ રાખતા શીખો. બીજાના દુઃખો દૂર કરવા કે તેમને ઉપયોગી થવા માટે પ્રથમ તો આપણા આત્માને, આપણી ચિત્તવૃત્તિને શુદ્ધ કરવાની જરૂર છે. એમાં જ આપણું કલ્યાણ રહેલું છે એ વાત સાચી, પરંતુ બીજાનું કલ્યાણ કરવાની ભાવના તેમાંથી આપોઆપ જ ઉઠતી હોવાથી એ રીતે સ્વને શુદ્ધ કરવાની ક્રિયા એ સ્વાર્થ નથી પણ પરમાર્થ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 113

અમુલો માનવદેહ મળ્યો છે. લખચોરાસીના ફેરામાંથી છૂટવાની તક મળી છે, છતાં આપણા આત્માના કલ્યાણની આપણને ફીકર નથી. દુનિયાની ફીકરમાંથી આપણે ઊંચા નથી આવતા. આપણા ધર્મપુરુષો કહેતા જ રહ્યા છે કે: 'આપણા પોતાના શ્રેય કરતાં દુનિયાની ફીકર રાખવી એ જ સાચી માનવતા છે', પણ આપણે આ અર્થબોધનો કાંઈક સંકુચિત અર્થ કરીએ છીએ. પ્રેમ એટલો પવિત્ર અને મહિમાવંત છે કે તે બીજાની અવહેલના કરી શકતો નથી. પ્રેમમાં-સદ્ ભાવમાં એકાત્મભાવ છે. ‘પોતે મોટા અને બીજા હલકા’ એવી વૃત્તિ તેમાં નથી. જે કાંઈ કડવાં અનુભવો આજ સુધી તમને થયા છે, તે બધા જ તમારા હિતમાં જ છે. .. એવો વિશ્વાસ રાખી ભૂતકાળ માટે વિમાસો નહીં, ભવિષ્યની ભીતિ કરો નહીં અને સાંપ્રતમાં પ્રભુ ઈચ્છાને પરમ ગણીને જીવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 114

શિખર ઉપર બધા રસ્તાઓ ભેગા થાય છે. તળેટીથી ઊંચી જગ્યાએ જેટલા આરોહક હોય તેટલા માર્ગ જણાય. કુદરતમાં પોતાનું જ્યાં સ્થાન છે, ત્યાંથી દરેકે આરોહણ શરૂ કરવું જોઈએ. પોતાના આરોહણના અનુભવે દરેક માણસે કાંઈક શીખવાનું હોય છે અને બીજાને કાંઈક દેવાનું હોય છે. પશ્ચાતાપ કરો પણ ફરીથી પસ્તાવું ના પડે એનું ધ્યાન રાખો. માત્ર શબ્દોથી પશ્ચાતાપ એ ખરો પશ્ચાતાપ નથી. તે તો ઉલટો અંતરથી પશ્ચાતાપ કરવામાં અંતરાય ઉભો કરે છે. પ્રત્યેક 'મા' જગતજનની છે. પ્રત્યેક સ્ત્રી માનું જ વિભિન્ન રૂપ છે એવી ભાવના રાખવી ઘટે. આધુનિક અણુયુગમાં સાચે જ વિશ્વપ્રેમ હોઈ શકે? અંતરના ઉંડાણમાંથી કાઈ બોલ્યા વિના કરુણા, કોમળતા અને પ્રેમનો વરસાદ વરસાવો. પ્રેમનું તત્વ સારા યે વિશ્વના પ્રત્યેક મનુષ્યમાં પ્રસરો અને તેનું રૂપાંતર કરો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 115

જીવનમાં પતનનું પણ કારણ હોય છે, તેનો પણ ઉપયોગ હોય છે. પ્રભુનામ શ્રદ્ધાપૂર્વક લેનારને તે કદી નિષ્ફળ નિવડતું નથી. જો પ્રભુનામથી બળ નહીં મળે, તો તમારા મનની ચિંતાઓ બીજું કોઈ નહીં ટાળી કે ખાળી શકે. પ્રભુનામમાં શ્રદ્ધા રાખો અને સર્વ વસ્તુ સહજ થશે. ઘોડાને કેળવવા ચાબુકની જરૂર પડે છે. મનને કેળવવા ચાબુક જેવા શબ્દોની જરૂર છે. ઘોડા ઉપર જો કાબુ ન હોય તો તે ગમે તે દિશામાં લઈ જશે. ઘોડા ઉપર સવારી કરવાનું જ્ઞાન ન હોય તો તેના પર સવાર થવું અયોગ્ય અને ભયંકર છે. તે જ પ્રમાણે કાબુમાં રાખવાની શક્તિ ન હોય ત્યાં સુધી મન હોવું તે પણ ભયંકર છે, પણ મન તો મળ્યું છે, માટે જ તેના ઉપર સંયમ રાખતા શીખવું જોઈએ. મનમાં અસત્ય અને અનિચ્છનીય વિચારો આવવા દેવા ન જોઈએ. અહિંસાનું મૂળ સત્યમાં અને સત્યનું મૂળ અહિંસામાં છે. સુખની ઈચ્છા સર્વને એક સરખી છે એ સત્ય છે. તે ઈચ્છા પૂર્ણ કરવાનું સાધન એક અહિંસામાં છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 116

જે દરેક સંયોગોમાં શાંત, ધૈર્યવાન અને ક્ષમાશીલ છે, તે જ સત્યનો ખરો ઉપાસક છે. વ્યાજબી પ્રમાણમાં ચિંતા કરવી ... એ પણ સરસ જીવન માટે જરૂરી છે. ઈચ્છા જડને ચાહે છે, જ્યારે ભાવના ચાહે છે આત્માને. ‘હું સુખી થાઉં' એ ઈચ્છા છે, જ્યારે 'અમે બધા સુખી થઈએ' એ ભાવના છે

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 117

ઈચ્છા એ પાપનું ઘર છે, ભાવના એ ધર્મનું ધામ છે. ઈચ્છા સ્વાર્થની સખી છે, ભાવના આત્માની. ઈચ્છા પાપમાં પ્રેરે છે, ભાવના પુણ્યમાં. ઇચ્છાનો અંત ન હોય, ભાવનાથી ભાવ ભ્રમણ ટળે. ઈચ્છા વાસનારૂપ છે, ભાવના વિચારણારૂપ છે. વાસના અજ્ઞાનજન્ય છે, વિચારણા જ્ઞાનજન્ય છે. ઇચ્છાનું વર્ચસ્વ કાઢવા માટે ભાવનાનું બળ વધારવું જોઈએ. ઇચ્છામાંથી રાક્ષસીવૃત્તિઓ જન્મે છે, ભાવનામાંથી ભવ્ય માનવતા પ્રગટે છે. ઈચ્છાની ચાલ સદા વાંકી, ભાવનાની ચાલ સદા સીધી હોય. ઈચ્છામાં પશુતા છે, ભાવનામાં દિવ્યતા છે. માણસ મોટો જ્ઞાન-ક્રિયા-ધન કે પ્રતિષ્ઠાથી નથી, પણ ભાવથી છે. ભાવથી મોટો તે સૌથી મોટો. જેવો ભાવ જગતને આપણે આપીશું, તેવો ભાવ જગત પાસેથી આપણે મેળવશું. મન સંકલ્પ-વિકલ્પ કર્યા કરે છે. બુદ્ધિ તેના રદીયા આપે છે. ચિત્ત રદીયા ઉપરથી નિશ્ચય કરે છે, અહંકાર તે નિશ્ચયનો અમલ કરે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 118

વિવેક અને ધૈર્ય સ્વબળથી સ્થિર થતું નથી, હરિ આશ્રયથી જ તે સિદ્ધ થાય છે. હરિ સિવાય તમામ સ્થાનક ભયાનક છે. ધર્મનો પાયાનો સિદ્ધાંત છે : 'વધુ પ્રેમ કરો'. જે વધુ પ્રેમ કરે છે, તે માનવ બીજાને પ્રેમ કરવાનો ઉપદેશ નથી આપતો... એ તો માત્ર પ્રેમ જ કરે છે. જો એક ઓછો પ્રેમ કરતો હોય તો બીજાએ વધુ કરવો. તમે જ્યારે જુઓ કે કોઈ તમને તિરસ્કારે છે અને તમને નુકશાન પહોંચાડે છે, ત્યારે તમારા આત્માની શક્તિ એકઠી કરીને તેને અત્યાર સુધી ન કર્યો હોય એટલો પ્રેમ કરો. જેણે વિશ્વવિદ્યાલયની ડિગ્રી મેળવી છે, તેણે જ્ઞાન નહીં પણ જ્ઞાન મેળવવાની શક્તિ મેળવી છે. જ્ઞાનસમુદ્ર તેણે ઓળંગ્યો નથી પણ તરતાં શીખ્યો છે. સર્ટિફિકેટ મળ્યું એટલે કે જ્ઞાન મેળવવાની શક્તિ મળી. જેવું પ્રમાણપત્ર મળ્યું, તેવું જ્ઞાન મેળવવાનું છોડી દીધું, હવે શું થાય?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 119

જેમ રોજ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, તેમ રોજ કાંઈ ને કાંઈ સેવા કરવી જોઈએ. મનુષ્ય હોવા છતાં આપણે જો પોતાની માટે જ જીવીએ તો સમજવું જોઈએ કે આજનો આપણો દિવસ એક પ્રાણી તરીકે જીવવામાં ગયો. સેવા કરીને એનો બદલો ચાહીએ તો માનવું કે રાંધીને પછી જાણે એ ભોજનમાં ઝેર ભેળવ્યું! આપણે મેળવીએ છીએ ખૂબ પણ પાછું આપીએ છીએ કેટલું ... એ કદી વિચાર્યું? પોતા ઉપર પ્રેમ છે તે ઓછો કરી, બીજા ઉપર, આપનાર કુદરત ઉપર, ભગવાન ઉપર પ્રેમ કરો ... એનું જ નામ 'દાન'. જે પ્રેમને પોતાનામાં જ બાંધી રાખે છે, તે બધું જ ખોવે છે. વિચારથી એ સમજાય છે કે આપણે શું કરવું જોઈએ? પ્રેમથી એ સમજાય છે કે શી રીતે કરવું જોઈએ? વિચાર અને પ્રેમમાં આ જ તો ભેદ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 120

સુવર્ણ અને પિત્તળ ― ઉપરથી એકરૂપ પીળા હોવા છતાં તેની કસોટી તાપ આપવાથી જ થાય છે. તમે સુવર્ણ છો કે પિત્તળ, એ દુનિયા શી રીતે જાણી શકે? દુઃખરૂપી કસોટીનો તાપ આપીને પરમાત્મા તેટલા ખાતર જ તમારી કસોટી કરે છે. શુભનું પરિણામ હંમેશા શુભ જ હોય. કુદરતના રાજ્યમાં જેમ બાજરી વાવી જુવારની આશા કદી રખાતી નથી, તેમ શુભના પરિણામમાં અશુભની શંકા હોઈ શકે જ નહીં. સાંભળેલી કરતાં જોયેલી અને જોયેલી કરતાં અનુભવેલી વસ્તુનું વર્ણન વધારે અસરકારક અને અધિક લોકભોગ્ય બની શકે છે. જે કાંઈ જાણવું તેનો પોતાનામાં અનુભવ કરવો, એ પોતાના સિદ્ધાંતોને ફેલાવવાનો મુખ્ય ઉપાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 121

આત્માથી ઉઠેલું સ્ફુરણ તે જ કાર્યનું સર્વોત્તમ મુહૂર્ત છે. શું ગુલાબનું પુષ્પ કહે છે કે મારે સુવાસ જોઈએ છે? શું દીપક કહે છે કે મારે પ્રકાશ જોઈએ છે? શું સાકર કહે છે કે મારે મીઠાશ જોઈએ છે? એવું જ આત્માને માટે સુખની માગણી કરવી તે છે. અનુભવ એ એક મૂક બોધ છે અને એની અસર સર્વત્ર વીજળીની જેમ ફેલાય છે. બીજાની કહેલી વાત આપણે જ્યારે કહીએ છીએ ત્યારે પાંચ માણસ સાંભળે છે અને પોતાની જાણેલી વાત કહીએ ત્યારે સો માણસ સાંભળે છે અને પોતાની અનુભવેલી વાત બીજાને કહીએ ત્યારે હજાર જણ સાંભળે છે. હંમેશા શુભની ભાવના કરો. તમને પ્રકટપણે પણ કાંઈ અશુભ જણાતું હોય, તેમાં પણ શુભને જ જુઓ. અશુભ એવી કોઈ વસ્તુ જ દુનિયામાં નથી. જે થાય તે સારા માટે જ થાય છે, તેથી આંતરમનમાંથી ભય-ચિંતાને કાઢી નાખો એટલે તમે પૂર્ણ થશો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 122

ભૌતિક વસ્તુઓનું સાચું મૂલ્ય અને સાચી સ્થિતિ નિહાળવા માટે મનુષ્યે સાધારણ કરતા કાંઈક ઊંચી કક્ષાની ચેતનામાં પ્રવેશ કરવો જોઈએ. દર્શન વિનાનું કામ વેઠ, કામ વિનાનું દર્શન કલ્પના છે, પણ દર્શન પ્રયુક્ત કામ એ જીવનની સફળતા છે. જે લોકોને પ્રિય લાગે તે અથવા શરૂઆતમાં જે પ્રિય જેવું લાગે છે તે પ્રેય. જે હંમેશા કલ્યાણકારી છે તે શ્રેય. પ્રેયને પસંદ કરવાનો ઇન્દ્રિયોનો સ્વભાવ છે, પરંતુ ઇન્દ્રિયોમાં દુરંદેશીપણું નથી

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 123

કેવળ પોતાના જ સુખ અને પોતાની જ શાંતિની ચિંતા જગતમાં વેર-ઝેર અને ક્રૂરતા વધારનારી છે. એમાં દ્રષ્ટાંત કાળા નાગ અને ક્રૂર વાઘનું છે. ઝેરીમાં ઝેરી નાગ અને ક્રૂરમાં ક્રૂર વાઘ પોતા માટે તો સુખ ને શાંતિ જ ઈચ્છે છે. જે કેવળ સ્વની જ ચિંતા કરનાર હોય અને પરના સુખ-દુઃખ સાથે જેને લેશમાત્ર સંબંધ ન હોય, તે જ સૌથી વધુ ક્રૂર અને સૌથી વધુ વિષારી બની શકે. બીજાનો વિચાર જેટલા અંશે ભળે, તેટલા અંશે ઝેર ઘટે, ક્રૂરતા શમે. સર્વથા નિર્વિષ અને અક્રૂર તે જ બની શકે કે જે સર્વના સુખ અને હિતની ચિંતા કરનારો હોય. જીવવું બધાને ગમે છે. બધાને જીવાડે એ જ ન્યાયી, નીતિમાન, પ્રામાણિક ગણાય. સર્વ જીવો સુખને જ ચાહે છે એમ નથી, પણ સ્વતંત્રતાને એથી પણ વધારે ચાહે છે. પાંજરામાં રહેવા કરતા સ્વતંત્રપણે બિલાડીના મોઢામાં મરી જવા માટે પોપટ તૈયાર હોય છે. સ્વતંત્રતાની ઈચ્છા તો સુખની ઈચ્છા કરતા પણ વધુ બળવાન હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 124

કારણ વિના કાર્ય થાય નહીં. 'પૂર્વે આપણે કોઈનું બગાડ્યું ન હોય તો આપણું આજે કોઈ બગાડે નહીં.' એ વિચાર મૈત્રીભાવને પોષનાર છે. કર્મનો નિયમ એ રીતે મૈત્રીભાવને પુષ્ટ કરે છે અથવા 'મારું બગાડનાર આત્મા મોહનીયકર્મને પરાધીન છે. કર્મોદયને કોણ રોકી શકે છે?’ એ વિચાર પણ મૈત્રીભાવ તરફ ખેંચી જાય છે. અમૈત્રી વગેરે ભાવો માનસિક પરિગ્રહ છે. મૈત્રી વગેરે ભાવો નિષ્પરિગ્રહ અવસ્થા છે. અમૈત્રી સવિકલ્પ દશા છે. મૈત્રી નિર્વિકલ્પ દશા છે. 'મને જ બધું સુખ મળો અને મને જ બધા સુખના સાધન મળો' એ ઈચ્છા તીવ્રપણે હોવી તેનું જ નામ 'મૂર્છા' છે. મૂર્છામાંથી લોભ, તૃષ્ણા પેદા થાય છે. તે પૂર્ણ થતાં નથી ત્યારે સંકલેશ-માનસિક દુઃખ જન્મે છે. આ સંકલેશ જેટલા પ્રમાણમાં અધિક, તેટલા પ્રમાણમાં જીવન અશાંતિમય બને છે. સર્વ અનર્થોનું મૂળ સ્વસુખની જ માત્ર તીવ્ર ઈચ્છા છે. હિતનું જ્ઞાન શાસ્ત્રોથી થાય છે, માટે શાસ્ત્રો ગ્રહણ કરવા વિનીત બનવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 125

વિષયોનો પ્રેમ એ હાનિકારક તત્વ છે. તે પ્રેમને જ જો પરમાત્મામાં જોડીએ તો લાભનો પાર ન રહે. વિષયોમાં વિરક્તિ એ પરમસુખનું સાધન છે. સૌનો આત્મા મારા જેવો જ છે એવું સચોટ જ્ઞાન ન રાખે અને એક કીડીમાં રહેલ જીવને પણ જે આત્મસમ ન ગણે, તેનામાં જીવતત્વ સંબંધી શ્રદ્ધાન વાસ્તવિક ન ગણાય. એમાંથી જ પરદુઃખ દૂર કરવાની લાગણીરૂપ અનુકંપા પ્રગટે છે. જુદા સ્વભાવના જનો દેખી ન ધરવો ખેદ; તીખા, કડવા ને ગળ્યા તરુવરમાં પણ ભેદ. દરેકની ઈચ્છા જુદી-જુદી હોય છે. બીજાની ઈચ્છા ઉપર આપણે દ્વેષ કરીએ તો આપણી ઈચ્છા માટે પણ તેમ જ બને.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 126

સંસાર અને મોક્ષ પરસ્પર વિરોધી છે, છતાં સંસાર છે ત્યાં સુધી જ મોક્ષની સાધના છે. સંસારમાં રહીને જ મોક્ષની સાધના છે. મુક્ત થયા પછી સાધના નથી. પોતાનું જીવન શુદ્ધ અને સદ્ગુણોથી સમૃદ્ધ કરવામાં માણસ પોતાની જ્ઞાનશક્તિનો ઉપયોગ કરે તો તેનું અવશ્ય કલ્યાણ થાય. જેનું મન વિશ્વ જેટલું વિશાળ છે, જે સર્વ જગતને આત્માનું જ સ્વરૂપ, આત્માનો જ આવિર્ભાવ માને છે. સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરી લોકહિતાર્થ પ્રવૃત્તિમાં પોતાના મન, વચન, કાયાને જે પ્રવર્તાવે છે, તે જ ક્રિયાવાન છતાં અલિપ્ત અને સ્થિતપ્રજ્ઞ બની શકે છે. જગતનાં સર્વ દુઃખોનો સમાવેશ 'હું-મારું', 'અહંતા-મમતા' એ બે શબ્દોમાં સમાઈ જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 127

સુખદુઃખનું કારણ શરીર નહીં, શરીરાધ્યાસ છે. જ્યાં સુધી આ અધ્યાસ કે અહંતા રહે, ત્યાં સુધી દુઃખ રહેવાના જ, દ્વંદો રહેવાના જ. મોટા મકાનોમાં ચામાચીડીયા પણ રહે છે, દશેરાના દિવસે પશુઓને પણ ભૂષણોથી શણગારાય છે, મનુષ્યનું ખરું મહત્વ હૃદયની વિશાળતા અને ચિત્તની વિમળતામાં છે. જે વસ્તુ દૈવે આપી છે, તેનો ઉપયોગ સ્વયં માટે કરવો એ કૃપણતા છે, દિલની સંકુચિતતા છે, સ્તેનતા છે. શ્રેષ્ઠતા, પ્રતિષ્ઠા કે મહત્તા તો સંયમમાં-અપરિગ્રહતામાં છે. સામાન્ય રીતે જે ધર્મ ગણાય છે, તે બધા સાપેક્ષ છે. તે સર્વ ક્રમશઃ ઉન્નતિ કરવાના માત્ર સાધનો છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 128

જેનામાં સત્ય, પવિત્રતા તથા નિઃસ્વાર્થતા છે, તેને કચરી શકે એવી કોઈ શક્તિ આ વિશ્વભરમાં શોધાઈ નથી. કાર્યના ફળની ઈચ્છા તે સંસારવૃદ્ધિનાં મૂળનું કારણ છે. પ્રત્યેક કાર્ય માત્ર ફળ મેળવવા નહીં પણ કર્મનું ઋણ ઉતારવા માટે કરવાના હોય છે. ‘ભાવ વિનાનું દાન, શીલ અને તપ નિષ્ફળ છે’ તેનો અર્થ એ છે કે પ્રેમ વિનાનું દાન, પ્રેમ વિનાનું તપ અને શીલ નિષ્ફળ છે. પ્રેમ એટલે આત્મતુલ્ય ભાવ. પ્રેમ એ આત્માનું બળ છે. બંદૂકવાળો ડરપોક છે. બંદૂક લીધી એટલે એની તાકાત ખતમ. પ્રેમવાળાને કોઈ જ સાધનની જરૂર નથી. પ્રેમ કે આત્મબળથી જ નિર્ભયતા મળે છે. દાન અને પ્રેમ મળે ત્યારે જ પ્રક્રિયા પૂર્ણ થાય છે. પ્રેમ અને ક્ષમા, પ્રેમ અને કરુણા સૌ એક જ છે. હૃદયની સફાઈ માટે પરમેશ્વરનું સ્મરણ કરી લેવું પૂરતું છે. ઈશ્વર સ્મરણ કર્યું એ સાથે જ બધા વિકારો ગાયબ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 129

ક્લિષ્ટ કર્મ અને હૃદયમાં ભગવંતનો વાસ - તે બંને એક કાળે એક સાથે રહી શકે નહીં. જે સુખ ઇતર ચેતનસૃષ્ટિના સુખનું વિરોધી ન હોય અને જે સુખમાં ઇતર સમગ્ર ચેતન સૃષ્ટિના સુખનું યા અભેદ સંબંધનું અનુસંધાન હોય, તે જ સુખ સ્થાયી, વ્યાપક અને અવિસંવાદી કહેવાય. ભૌતિક સુખની લાલસા એ ઇતર ચેતનસૃષ્ટિના સુખની વિરોધી છે તથા ઇતર ચેતન સૃષ્ટિ સાથેનાં અભેદનું ભાન ભૂલવાડનારી છે, તેથી ત્યાજ્ય છે. મૈત્રી આદિ ભાવના એટલે જ પુષ્ટ કરવાની છે કે તેથી ચિત્ત નિર્મળ અને પ્રસન્ન થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 130

શ્રદ્ધા વિના પ્રગતિ અસંભવિત છે. શ્રદ્ધા એ દ્વિમુખી કલ્પલતા છે: એનું એક મુખ ચિત્તપ્રસન્નતા છે - બીજું મહતી આકાંક્ષા છે. શ્રદ્ધાની શક્તિ નીચેથી ઉપર લઇ જનારી છે એટલે કે નીચી ભૂમિકાથી ઉપરની ભૂમિકાએ લાવનારી છે. શ્રદ્ધાની અંદર એક છે આહ્વાહન શક્તિ, બીજી છે પ્રત્યુત્તર શક્તિ. હાથીનું શરીર મોટું અને વજનદાર છે, પરંતુ કામી છે. સિંહનું શરીર નાનું અને હલકું હોવા છતાં અપેક્ષાએ કામનો વિજેતા છે, તેથી હાથીને પણ સિંહ જીતી જાય છે. માનવીનું મન સિંહ કરતા પણ બળવાન હોવાથી સિંહને પણ વશ કરીને પાંજરામાં પુરે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 131

પાપની ઘૃણા અને પાપીની દયા હોવી જોઈએ. પાપની ઘૃણા આત્મબળ વધારે છે, નમ્રતા અને નિર્ભયતા લાવે છે.પાપીની ઘૃણા આત્મબળને ઘટાડે છે, અહંકાર અને કઠોરતા લાવે છે. મનુષ્ય જન્મને શ્રેષ્ઠ બનાવનારી કોઈ ચીજ હોય તો તે પવિત્ર બુદ્ધિ જ છે. જીવ, દેહ અને પ્રાણ તો પ્રાણીમાત્રમાં છે, પણ વિકસિત મન અને વિકસિત બુદ્ધિ તો માત્ર મનુષ્યમાં જ છે. બધું જ હોય પણ સદબુદ્ધિ ન હોય તો બધાનો દુરુપયોગ થઈ દુર્ગતિ થાય. બીજું કાંઈ ના હોય અને સદબુદ્ધિ હોય તો તેના પ્રભાવે બધું આવી મળે છે. માનવમનમાં અહંકાર અને આસક્તિ - એ બે મોટા દોષ રહેલા છે. બીજાના ગુણ જોવાથી અને પોતાના દોષ જોવાથી અહંકાર અને આસક્તિ ઘટતી જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 132

રાગદોષનો પ્રતિકાર જ્ઞાનગુણ વડે થાય છે. જ્ઞાની પુરુષ નિષ્પક્ષ હોવાથી પોતાનામાં રહેલા દુષ્કૃત્યોને જોઈ શકે છે, નિરંતર તેની નિંદા-ગર્હા કરે છે અને તે દ્વારા પોતાના આત્માને દુષ્કૃત્યોથી ઉગારી લે છે. પોતાથી અધિક દુખીના દુઃખને દૂર કરવાની બુદ્ધિરૂપ દયાના પરિણામથી પોતાનું દુઃખ અને તેથી આવેલી દીનતા નષ્ટ થાય છે. પોતાથી અધિક સુખીના સુખને જોઈને તેમાં હર્ષ કે પ્રમોદભાવ કરવાથી પોતાના સુખનો મિથ્યા ગર્વ કે દર્પ ગળી જાય છે. દીનતા કે દર્પ, ભય કે દ્વેષ, ખેદ કે ઉદ્વેગ આદિ ચિત્તના દોષોનું નિવારણ કરવા માટે ગુણાધિકની ભક્તિ અને દુઃખાધિકની દયા એ સરળ અને સર્વોત્તમ ઉપાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 133

હૃદયની વાત હૃદય જ જાણી શકે છે. શ્રદ્ધાની વાત શ્રદ્ધા જ સમજી શકે છે. પરમાત્મ તત્વ અને તેની શક્તિ ન માનનારને મન પોતાનો 'અહં' જ પરમાત્માનું સ્થાન લે છે. સર્વ સમર્થનું શરણ લીધા વિના અહં કદી ટળતો નથી અને અહં ટળતો નથી ત્યાં સુધી શાંતિનો અનુભવ આકાશકુસુમવત છે. કોઈપણ શબ્દના બે અર્થ હોય છે: એક વાચ્યાર્થ અને બીજો લક્ષ્યાર્થ. વાચ્યાર્થનો સંબંધ શબ્દકોશ સાથે છે અને લક્ષ્યાર્થનો સંબંધ સાક્ષાત જીવન સાથે છે. વિકૃત જ્ઞાન એ રાગ છે, વિકૃત શ્રદ્ધા એ દ્વેષ છે અને વિકૃત વર્તન એ મોહ છે. રાગી દોષને જોતો નથી, દ્વેષી ગુણને જોતો નથી અને મોહી જાણવા છતાં ઊંધું વર્તન કરે છે. ગુણ-દોષનું યથાર્થ જ્ઞાન કરવા માટે રાગ-દ્વેષને જીતવા તથા યથાર્થ વર્તન કરવા માટે મોહને જીતવો જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 134

જ્યાં જ્યાં વર્તનમાં દોષ જણાય, ત્યાં ત્યાં જ્ઞાન દૂષિત જ હોય એવો નિયમ નથી. જ્ઞાન યથાર્થ હોવા છતાં વર્તન દૂષિત થવામાં કારણ પ્રમાદશીલતા, દુઃસંગ અને અનાદિ અસદભ્યાસ છે. તે માટે એક બાજુ યથાર્થ જ્ઞાન અને બીજી બાજુ યથાર્થ વર્તનનો અભ્યાસ જરૂરી છે. જ્ઞાન મનમાં, સ્તુતિ-સ્તવ વચનમાં અને પ્રવૃત્તિ કાયા વડે થાય છે. જ્ઞાન વડે રાગદોષ જાય છે, દર્શન વડે દ્વેષદોષ જાય છે અને ચારિત્ર વડે મોહદોષ જાય છે. રાગ જવાથી પોતાના દોષ દેખાય છે, દ્વેષ જવાથી બીજાના ગુણ દેખાય છે અને મોહ જવાથી શરણભૂત આજ્ઞાનું સ્વરૂપ જણાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 135

યોગ્યનું શરણ લેવાથી યોગ્યતા વિકસે છે. મોટામાં મોટો પક્ષપાત સ્વદોષ છે. પોતે નિર્ગુણ અને દોષવાન હોવા છતાં પોતાને નિર્દોષ અને ગુણવાન માનવાની વૃત્તિ સમત્વભાવથી ટળે છે. પરપીડા એ દુષ્કૃત છે, તો પરોપકાર એ સુકૃત છે. પરોપકારમાં કર્તવ્યબુદ્ધિ પેદા થવી એ જ દુષ્કૃતમાત્રનું સાચું પ્રાયશ્ચિત છે. પરોપકાર જેને કર્તવ્ય લાગે છે તેનામાં એક બીજો ગુણ પણ જન્મે છે, તેનું નામ 'કૃતજ્ઞતા' છે. બીજા દ્વારા પોતાના ઉપર થયેલો ઉપકાર જેને સ્મરણપથમાં નથી, તે પરોપકાર ગુણને સમજ્યો જ નથી. કૃતજ્ઞતા ગુણ સુકૃતનું અનુમોદન કરાવે છે અને તેથી પરોપકાર વૃત્તિ દ્રઢ થાય છે, એટલું જ નહીં પણ પરાર્થકરણનો અહંકાર પણ તેથી વિલીન થઈ જાય છે. દયામાં બીજા બધાનાં દુઃખો પ્રત્યે પોતાના દુઃખ જેટલો જ દ્વેષ છે, છતાં જેમ કાંટાથી જ કાંટો નીકળે છે, અગ્નિથી અગ્નિ શમે છે તથા વિષથી વિષ નાશ પામે છે, તેમ રાગ-દ્વેષની વૃત્તિરૂપી કાંટાને કાઢવા માટે સર્વ જીવોના સુખનો રાગ અને સર્વ જીવોના દુઃખનો દ્વેષ અન્ય કાંટાનું કામ કરે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 136

ધર્મવૃક્ષના મૂળમાં દયા છે, તેથી ધર્મવૃક્ષના ફળમાં પણ દયા જ પ્રગટે છે. દયાવૃત્તિ અને દયાની પ્રવૃત્તિમાં તારતમ્યતા ભલે હો પણ બધાનો આધાર એક દયા જ છે, તે સિવાય બીજું કશું જ નથી. સમુદ્ર કે સરોવર જ્યારે નિસ્તરંગ બને છે, ત્યારે જ તેમાં આકાશાદિનું પ્રતિબિંબ પડી શકે છે. તેની જેમ અંતઃકરણરૂપી સમુદ્ર કે સરોવર જ્યારે સંકલ્પ-વિકલ્પરૂપી તરંગોથી રહિત બને છે ત્યારે જ પ્રભુનું પ્રતિબિંબ પડે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું મુખ્ય સાધન વિચાર છે. તે વિચાર બે રૂપે પ્રવર્તે છે: એક વૈરાગ્ય રૂપે બીજો મૈત્રી રૂપે. જીવમાત્ર પ્રત્યે મૈત્રી અને જડમાત્ર પ્રત્યે વૈરાગ્ય રૂપ

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 137

જીવનું સંસારપરિભ્રમણ અજ્ઞાનને કારણે છે અને મિથ્યા જ્ઞાન તેની પુષ્ટિ કરે છે. અજ્ઞાન હોવા છતાં 'હું સમજદાર છું' અને 'હું જ્ઞાની છું' - એવા મિથ્યાભિમાનનું જ બીજું નામ મિથ્યાત્વ છે. અજ્ઞાન હોવા છતાં જ્ઞાનીને શરણે ન જવાથી અજ્ઞાનતાનો દોષ ઉલટો દ્રઢ બને છે. જ્ઞાનથી અજ્ઞાનતા ટળે છે એ વાત સાચી છે, તો પણ અધૂરું જ્ઞાન જ્યાં સુધી છે, ત્યાં સુધી તેનો પણ અહંકાર થવાનો સંભવ છે. આથી જ્ઞાન જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી નમ્રતા પરમ આવશ્યક છે. જેના પ્રત્યે આપણે નમ્ર અને આધીન બનીએ છીએ, તે આપણા હિત માટે શું કહે છે તે જાણવાની પ્રથમ જિજ્ઞાસા જાગે છે અને પછી તેમની હિતકારી આજ્ઞાને જીવનમાં જીવવાનું બળ પ્રાપ્ત થાય છે. મોટામાં મોટા પાપ અહંતા-મમતાના છે. આત્મનિવેદન અને શરણાગતિ વડે તે પાપોનો અંત આવે છે. એ બંને પાપોનું મૂળ સંબંધનું અજ્ઞાન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 138

જેમ જ્યાં ભય હોય છે, ત્યાં પ્રતિપક્ષી વસ્તુ ઉપર ભાવ યા પ્રેમ ઉત્પન્ન થાય છે... તે રીતે ભવથી ભય પામેલા જીવને આત્મતત્વ ઉપર પ્રેમ થાય છે. સાચો પ્રેમ પ્રિય વસ્તુના ધ્યાનમાં એકાગ્રતા લાવે જ છે. જ્ઞાનચેતના રાગ આદિથી ભિન્ન છે. જેમ કમલ કાદવ વચ્ચે પણ નિર્લિપ્ત છે, સુવર્ણ સદા કાટ વિનાનું છે, જિહ્વા જેમ ચીકાશકાળે પણ ચીકાશવાળી નથી અથવા મંત્રના વર્ણો જેમ વિષાપહાર કરે છે, તેમ રાગ આદિથી ભિન્ન જ્ઞાનચેતના કર્મફળના આસ્વાદનું વિષ હરી લે છે. જે જ્ઞાની નિત્ય ઉપયુક્ત થઈને શુદ્ધાત્મ સ્વભાવનું પરિશીલન કરે છે, તે અલ્પ કાળમાં જ સર્વ દુઃખથી મુક્ત થાય છે. 'જેટલો ઉપકાર હું લઉં છું એટલો ઉપકાર હું બીજાનો કરી શકતો નથી', તેના ખેદમાંથી ઉત્પન્ન થતી ક્ષમાપના જીવની અત્યંત શુદ્ધિ કરી આપે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 139

પ્રભુને સર્વસ્વ દાન કરવાથી પ્રભુ પોતાના સર્વસ્વનું દાન કરે છે. ‘જેની પાસે જે હોય તે તે આપે', એ નિયમાનુસાર આપણે જ્યારે આપણું મન-વચન-કાયા પ્રભુને સોંપીએ છીએ, ત્યારે બદલામાં પ્રભુ પરમાત્મપદ અર્પણ કરે છે. સુખ-દુઃખનો જ્ઞાતા અને રાગ-દ્વેષનો દ્રષ્ટા જે થઈ શકે છે, તે સ્વયં અંશે પણ ભગવાન જ છે. જેની ભક્તિ કરવામાં આવે છે, તેનું સ્વરૂપ ભક્તિ કરનારમાં પ્રગટે છે. કૃતજ્ઞતાગુણ એ બધા ગુણોનું મૂળ છે. કૃતજ્ઞતાગુણને ઉત્પન્ન કરનાર પરોપકારગુણ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 140

સંસાર અસાર છે. તેમાં દુઃખને તો અસાર સૌ કોઈ માને છે, કિન્તુ જ્ઞાની પુરુષો સંસારના સુખને પણ અસાર ગણે છે, કારણકે સુખને માટે પાપ થાય છે અને પાપના પરિણામે દુઃખ મળે છે. તેથી દુઃખ નહીં પણ પાપ અસાર છે તથા સુખ એ સાર નહીં પણ તેનું કારણ એવું સુકૃત એ જ સાર છે. પાપકાર્ય કરી જેને ખરેખર પસ્તાવો થાય છે, તેનું પાપ વધતું અટકી જાય છે. ધર્મકાર્ય કરી જેને હર્ષ નથી થતો , તેનું પુણ્ય વધતું અટકી જાય છે. માર્ગે ચાલવું તેટલું કઠિન નથી, જેટલું કઠિન માર્ગે ચઢવું તે છે. શુદ્ધ અધ્યાત્મ તે પાપરહિત થવાનો માર્ગ છે. પુણ્યની પણ પેલે પાર તેનાથી જ જવાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 141

કેટલાક શારીરિક દુઃખોને કે કેટલાક તેનાથી આગળ વધીને માનસિક દુઃખોને દુઃખ માને છે. કેટલાક તેથી પણ વળી આગળ વધીને શારીરિક-માનસિક દુઃખોના મૂળ રુપ વાસના, મમતા યા તૃષ્ણાને દુઃખ માનીને તેના નિવારણ માટે પ્રયત્ન કરે છે, પણ સાચું દુ:ખ તો જન્મ જ છે. તે જ નિવારાઈ જાય, તો બીજા કોઈ દુ:ખ રહે જ નહીં અને તે માટે મોક્ષ આવશ્યક છે. મમતા સંકુચિત મટીને જ્યારે વ્યાપક બને છે, ત્યારે આપોઆપ સમતા આવે છે. બંનેના મૂળમાં સ્નેહતત્ત્વ છે. સંકીર્ણ સ્નેહ એ જ મમતા છે, તેમાંથી વાસના પેદા થાય, જે આંતર અને બાહ્ય સર્વ પ્રકારના દુઃખોનું મૂળ છે. માણસ ઘરનો, દુકાનનો યા વસ્ત્રનો કચરો યા મેલ દૂર કરવા તત્પર રહે છે અને અનાજમાં કે ભોજનમાં રહેલો કચરો પણ અપ્રમત્તભાવે દૂર કરે છે. માત્ર મનમાં કે આત્મામાં રહેલો મામતરૂપી મેલ, તૃષ્ણા અને વાસનારૂપી કચરો કાઢવા માટે તત્પરતા દાખવતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 142

બીમારીના ભયથી જેમ લોકો મિષ્ટાન્ન આદિનો ત્યાગ કરે છે, તેમ જ્યારે દુર્ગતિનો ભય લાગે છે ત્યારે પાપ વ્યાપારો પણ અટકી જાય છે. બીમારીમાં ભોજન કરવાથી બીમારી વધે જ એવો નિયમ નહીં, પણ પાપ ચાલુ રાખવાથી દુર્ગતિ તો થાય જ એ નક્કી. અહંકારપૂર્વકની સ્વાર્થ સાધના જીવને નીચે લઈ જાય છે. સંસાર એટલે કર્મકૃત અવસ્થા. એને ટાળવાનો ઉપાય તે ધર્મ. માનવજન્મમાં ધર્મની આરાધના કરવાની ઉત્તમ તક મળી છે. પ્રભુ માર્ગદર્શક અને માર્ગરૂપ પણ છે. જેમ ભૂતકાળમાં માર્ગ બતાવીને તેઓ ઉપકાર કરી ગયા છે, તેમ વર્તમાનકાળમાં દર્શન-પૂજનાદિ વડે માર્ગરૂપ બની તેઓ ઉપકાર કરી રહ્યા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 143

મનનું સ્પંદન એ પ્રાણ છે અને પ્રાણનું સ્પંદન એ મન છે. મનુષ્યની વાણી અને વર્તન પણ મનની સ્થિતિનું જ પ્રતિબિંબ છે, તેથી શાસ્ત્રોમાં કર્મબંધ અને મોક્ષનું કારણ પણ મનને જ કહેલ છે. શરીરથી કોઈપણ કાર્યો થતાં દેખાય છે, તેની પાછળનું પ્રેરણાબળ મનુષ્યના મનમાં જ હોય છે. મનની સુધારણા ઉપર જ માનવીની સુધારણાનો આધાર છે. બાહ્ય જગતનાં કાર્યો ઇંદ્રિયો દ્વારા થતા દેખાય છે પણ ખરી રીતે તો બધી ક્રિયાઓ મગજમાં આવેલા મનનાં વિવિધ કેન્દ્રો દ્વારા જ થતી હોય છે. મંત્ર દ્વારા મન એકાગ્ર બને છે, શુદ્ધ બને છે અને અંતર્મુખ બને છે. એકાગ્ર, શુદ્ધ અને અંતર્મુખ બનેલ મનમાં વિવેક-વૈરાગ્ય જાગે છે. માટે રોજ મંત્રજપ કરવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 144

જેમ વરસાદનું પાણી સર્વત્ર પડે છે, પરંતુ ટકે છે નીચાણવાળા સ્થાનોમાં જ, ઊંચા પર્વતો ઉપર નહીં. તે રીતે પ્રભુની કૃપા સર્વત્ર છે, પણ તેની અભિવ્યક્તિ જ્યાં દૈન્ય અને વિનમ્રતા છે ત્યાં થાય છે, પરંતુ અહંકાર-અભિમાનાદિ પર્વતીય સ્થાનોમાં નહીં. નરેણીથી જેમ પર્વત ભેદી શકાય નહીં પણ તે ઇન્દ્રના વજ્રથી ભેદાય છે, તેમ પાપરૂપી પર્વતને ભેદવા માટે ભક્તિરૂપી વજ્ર જોઈએ. સકલ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાનું મૂળ જ્ઞાન છે, જ્ઞાનનું મૂળ ભક્તિ છે અને ભક્તિનું મૂળ ભગવાન છે. ભગવાનની શક્તિ ભક્તનાં હૃદયમાં અખૂટ શકિત પેદા કરે છે. ભક્તનું સામર્થ્ય પ્રયત્નની એકનિષ્ઠામાં રહેલું છે. .. ભગવાનનું સામર્થ્ય તેઓની અચિંત્ય શક્તિમત્તામાં રહેલું છે. જો ભગવાનમાં અચિંત્ય સામર્થ્ય ન હોય, તો ભક્તનો પ્રયત્ન વિફળ છે. જો ભક્તનો પ્રયત્ન ન હોય, તો અચિંત્ય સામર્થ્ય પણ લાભ કરતું નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 145

ધર્મને પામવા માટે પણ અને ધર્મને કરવા માટે પણ પરોપકાર આવશ્યક છે. નમ્ર જીવો જ સલામતીપૂર્વક ઊંચાણ ઉપર ચઢી શકે છે. નમ્રતા અને સૌમ્યતારૂપી બે અશ્વોને નમસ્કારભાવ રૂપી રથમાં જોડીને મોક્ષમાર્ગના પ્રવાસની શરૂઆત થઇ શકે છે. વિષયાભિમુખતા એ સ્વાર્થવૃત્તિનું જ બીજું નામ છે. પરસ્પર સહાય અને શુભેચ્છા વિના કોઈપણ જીવની પ્રગતિ થઇ શકતી નથી. આ કાર્ય શત્રુતાથી નહીં પણ મિત્રતાથી જ થઈ શકે છે. નમસ્કારભાવ એ મિત્રતા મેળવવાનું અમોઘ સાધન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 146

નમવા માંડે એટલે મિત્રો મળવા માંડે, એ સનાતન નિયમ છે. મિત્રો શુભેચ્છા લઈને જ આવે છે. એમ પરસ્પર શુભેચ્છાની વૃદ્ધિ થવાથી ઔદાર્ય ભાવ વિકસે છે. પશુત્વ બીજાના ભોગે પોતે જીવવા ઈચ્છે છે, જ્યારે મનુષ્યત્વ પોતાને ભોગે બીજાને જીવાડવા ઈચ્છે છે અથવા 'પોતે જેમ જીવવા ઈચ્છે છે, તેમ બધા પણ જીવવાને ઈચ્છે છે' એમ સમજીને બધાની સાથે આત્મતુલ્ય વ્યવહાર કરે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન એ જ તાત્ત્વિક પશુત્વ છે. તે જ ભાવશત્રુઓ છે. પરને આધીન એવા સુખને પામવાની ઈચ્છા નષ્ટ થાય છે, ત્યારે જ સ્વાધીન સુખ પામવાની ઈચ્છા વિકાસ પામે છે. મોટાઓ પાસે આપણી લઘુતા અને તેઓની ગુરુતા પ્રગટ થાય એવું વર્તન કરવું તેનું નામ 'નમસ્કાર' છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 147

વિશ્વ ઉપર કાબૂ મેળવવા માટે પોતાની જાત ઉપર કાબૂ મેળવવો જોઈએ અને તે માટે પોતાની પાંચે ય ઇન્દ્રિયો અને છઠ્ઠા મન ઉપર કાબૂ મેળવવો જરુરી ગણાય. તપધર્મને વિકસાવવા માટે દુઃખની ઉપયોગીતા છે. સંયમધર્મને વિકસાવવા માટે સુખની પણ ઉપયોગીતા છે. અહિંસાને આરાધવા માટે જીવોની વિવિધતાની પણ ઉપયોગીતા છે. જીવોને સહવા તે અહિંસા છે, સુખોને સહવા તે સંયમ છે અને દુઃખોને સહવા તે તપ છે. સુખ વખતે વિરક્ત રહેવું અને દુઃખ વખતે અદીન રહેવું તે જ ધર્મ છે. દુઃખમાત્ર જો સમજપૂર્વક વેદવામાં આવે, તો સુખનું બીજ છે. સુખમાત્ર જો સમજ વિના વેદવામાં આવે, તો તે દુઃખનું બીજ છે. ભેદભાવ ટળ્યા વિના અને અભેદભાવ આવ્યા વિના જીવ જીવને જીવરૂપે કદી ય ઓળખી શકતો નથી, આવકારી શકતો નથી અને ચાહી શકતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 148

લાગણીયુક્ત પ્રત્યે લાગણી ધારણ કરવાથી લાયકાત પ્રગટે, લાગણીશૂન્ય જડ પદાર્થો પ્રત્યે લાગણી રાખવાથી લાયકાત નાશ પામે અને નાલાયકતા પ્રગટે છે. અયોગ્યને નમનાર અને યોગ્યને ન નમનારને અનિચ્છાએ પણ સદા નમવું પડે એવા ભવ મળે છે. વૃક્ષના અને તિર્યંચોના ભવો એના પ્રત્યક્ષ ઉદાહરણો છે. નાનો મોટાને નમે એ દુનિયાનો ક્રમ છે. એ રીતે મોટો ભલે નાનાને બે હાથ જોડી ન નમે, પણ પોતાના હૃદયમાં નાનાને અવશ્ય સ્થાન આપે, તેમનું હિત ચિંતવે, તેમને સન્માર્ગથી જોડે અને તેમનું કલ્યાણ થાય તેમ વિચારે - એ પણ એક પ્રકારનો નમસ્કારભાવ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 149

પોતાના ઉપકારીને ભૂલી જવા તે અહંકાર અને પોતાના ઉપકારીને જીંદગીભર યાદ રાખવા તે નમસ્કાર. અહંકાર એ પાપનું મૂળ છે અને નમસ્કાર એ મોક્ષનું મૂળ છે. જેમ નમસ્કાર ઉપકારીઓને ભૂલવા દેતો નથી, તેમ પોતાના અપરાધોને પણ ભૂલવા દેતો નથી. ઉપકારના સ્વીકારની જેમ અપરાધનો સ્વીકાર પણ નમસ્કાર છે. પોતાના સુખોનો વિચાર એ સ્વાર્થ કે તિરસ્કાર છે. સર્વના સુખનો વિચાર એ પરમાર્થ છે. પૂજ્ય તત્ત્વો પ્રત્યે નમ્ર રહેવું , તે જ સાચી નમ્રતા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 150

નમવું એટલે માત્ર મસ્તક નમાવવું એમ નહીં, પણ મનને, મનના વિચારોને, મનની ઈચ્છાઓને અને મનની તૃષ્ણાઓને નમાવવી અર્થાત તેઓને તુચ્છ લેખવાં. માત્ર હાથ જોડવા એમ નહીં, પણ અંતઃકરણમાં એકતાની-અભેદની ભાવના કરવી તે નમન. નમ્રતાનો અર્થ અહંભાવનો સંપૂર્ણ નાશ અને બાહ્ય વિષયોમાં પોતાપણાની બુદ્ધિનો સર્વથા વિલય. કાંઈ ન થવાથી સર્વ કાંઈ થવાય છે. કાંઈ થવું એટલે સર્વથી વિખૂટું પડવું. કાંઈ પણ ન રહેવું એટલે પરમાત્મતત્ત્વમાં મળી જવુ. સમુદ્રમાં રહેવાવાળું બિંદુ સમુદ્રની મહત્તા ભોગવે છે. સમુદ્રથી અલગ થઈને જ્યારે તે પોતાપણાંનો દાવો કરવા જાય છે, ત્યારે તે તરત જ સુકાઈ જાય છે - પોતાનું અસ્તિત્વ ગુમાવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 151

લાકડીના આધારે માણસ કે માણસના આધારે લાકડી? પાત્રના આધારે ઘી કે ઘીના આધારે પાત્ર? આવો તર્ક કોઈ વ્યવહારમાં કરતું નથી, કેમકે કોઈ પણ કાર્યની સિદ્ધિ તર્કથી નથી પણ અનુભવથી છે. અનુભવ તો એમ કહે છે કે લાકડીના ટેકાથી જ અશક્ત માણસ ચાલી શકે છે. ભક્તિ એ તર્કનો વિષય નથી પણ અનુભવનો વિષય છે. જ્ઞાનની પરાકાષ્ઠા તો અજ્ઞાનમાં આવીને ઉભી રહે છે. જેમ બુદ્ધિની પરિપક્વ દશામાં જ બુદ્ધિની નિષ્ફળતા સમજાય છે, તેની જેમ જ ભક્તિનો પ્રારંભ પણ બુદ્ધિની પરિપક્વ અવસ્થાનું જ પરિણામ છે. જ્ઞાનની સાધના વખતે ભક્તિ આડે આવવી ન જોઈએ અને ભક્તિની સાધના વખતે જ્ઞાન આડે આવવું જોઈએ નહી. બંનેનું પોતપોતાના સ્થાને તુલ્યબળ છે અને પરસ્થાને નિર્બળ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 152

આચારને ધર્મ કહેવાય, પરંતુ તે શૂન્ય બરાબર છે. વિચારને ધર્મ કહેવાય અને તે ૧ બરાબર છે. શૂન્ય નકામું છે, પણ ૧ ઉપરનું શૂન્ય એકડા કરતા દશ ગુણા મૂલ્યવાળું છે. આમ ધર્મ આચારમાં છે, માત્ર વિચારમાં નહીં. ચંદનના લાકડાને જેમ જેમ ઘસવામાં આવે, તેમ તેમ તે સુગંધ આપે છે, શેરડીના સાંઠાને જેમ જેમ પીલવામાં આવે, તેમ તેમ તે વધુ મીઠો રસ આપે છે. સોનાને જેમ જેમ અગ્નિમાં તપાવવામાં આવે છે, તેમ તેમ તે વિશેષ ચોખ્ખું થતું જાય છે, એમ સત્પુરુષોનો જ્ઞાયક સ્વભાવ જેમ જેમ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, તેમ તેમ શુદ્ધ થતો જાય છે. જેમ અરીસામાં પર્વતનું પ્રતિબિંબ પડે તો અરીસો કાંઈ તૂટી જતો નથી અને સમુદ્રનું પ્રતિબિંબ પડે તો તે કાંઈ ભીંજાઈ જતો નથી, તેમ જ્ઞાનીઓ અનુકૂળ સંયોગોથી સુખ અને પ્રતિકૂળ સંયોગોથી કદી પણ દુઃખ પામતા નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 153

સંયોગો ક્ષણિક છે. કોઈ જીવને એના એ સંયોગો હંમેશા રહે નહીં. વિકારીભાવ પણ ક્ષણિક છે, તે થોડીવારમાં જતા જ રહે કેમકે આત્માનો મૂળ સ્વભાવ આનંદ છે! સંસારમાં પરલોક અર્થે બુદ્ધિ પ્રાપ્ત કરવી ખરેખર અતિ દુર્લભ છે. એવી બુદ્ધિ પ્રાપ્ત થવા છતાં જેઓ પ્રમાદ કરે છે, તે બુદ્ધિમાનો માટે ખરેખર જ શોચનીય છે. જગતમાં દર્પણ કે આંખ એક એવી ચીજ છે જેનું પ્રમાણ એક ફુટ કે એક ઇંચ હોવા છતાં તેમાં આખું જગત સમાઈ જાય છે. સાચો ધર્મ એ વાયુની જેમ સુગંધિત, પૃથ્વીની જેમ સ્થિર અને આકાશની જેમ સર્વવ્યાપી હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 154

પરમેશ્વરની જે શક્તિ માનવમાં પ્રગટ થઈ છે, એનું નામ 'શબ્દ' છે. માનવને માટે વાણી એ વિશેષતા છે. જેવી સ્પષ્ટ વાણી માનવમાં દેખાય છે, એવી માનવેતર પ્રાણીમાં નથી. શબ્દશક્તિની હંમેશા કદર કરો. જગતમાં હું એકલો નથી. બધી વસ્તુ મારી નથી. મારા જેવા અનંત આત્માઓ છે. બધાની બધી વસ્તુ બધા માટે છે. સર્વ જીવોનો ઉપકાર લીધો છે, માટે પ્રત્યુપકાર કરવો જ જોઈએ. 'સર્વ સુખી થાઓ' એ ભાવના વડે પ્રત્યુપકાર થાય છે. સર્વ જીવો પર અપકાર કર્યો છે, તેના પ્રાયશ્ચિત માટે 'સર્વનું દુઃખ ટળો' એ ભાવના વડે શુદ્ધિ થાય છે. ગુરુતા તેમાં આવે કે જે સર્વને પોતાનામાં સમાવે. સર્વમાંથી બોધ લઈ શકવાની શક્તિવાળા જ બીજાઓને બોધ આપવાની શક્તિવાળા બને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 155

માણસ શ્રીમંત થાય, વિદ્વાન થાય કે કીર્તિમાન થાય, પરંતુ એના જીવનના સાફલ્યની ખરી કસોટી કઈ? એની કસોટી એ છે કે એના હૃદયમાં કોનું સ્થાન છે અને કોના હૃદયમાં એનું સ્થાન છે! એના હૃદયમાં બિરાજેલા અને જેમના હૃદયમાં એ બિરાજેલો છે એ જેટલા સારા - એટલું એનું જીવનસાફલ્ય. જે જંગલમાં એક જ જાતનાં વૃક્ષો થતા હોય, તે જંગલની વૃદ્ધિ ન થાય. એ જ જંગલની વૃદ્ધિ થાય છે જેમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે. હિંદમાં ૧૪ ભાષાઓ અને ૬-૭ ધર્મો છે. એ બધું મળીને દેશની સમગ્ર શક્તિ બને છે. સાચી બહાદુરી આત્માના આધારે કામ કરવામાં છે. આત્મબળ જ સાચું બળ છે. જેના દિલમાં પ્રેમ છે, એ કોઈથી ડરતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 156

જેવી ચીજ હાથમાં હોય એવી બુદ્ધિ થાય છે. બંદૂક હાથમાં આવે તો મારવાની ઈચ્છા વધી જાય છે. નદીનાં ૩ કામ છે: એક તો તે સમુદ્ર તરફ જઈ રહી છે, બીજું કિનારાના વૃક્ષોને તે પોષણ આપે છે, ત્રીજું તે તરસ્યાની તૃષા છિપાવે છે. આપણે ય નદી થવું. એકમેકના જીવનમાં સામેલ થવું એ સંસ્કૃતિ છે. એકમેકના જીવનથી વિમુખ થવું એ વિકૃતિ છે. અગ્નિ ગરમી ઉત્પન્ન કરે છે, પાણી ઠંડક કરે છે, તેમાં કોઈને પોતાના કે પરશ્રેયની આકાંક્ષા નથી. બંને પોતપોતાના કામ કરે છે, તેથી ઝઘડો ઉભો થતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 157

સ્મરણ વૃત્તિ અદભૂત છે. ચિત્તની યા મનની એક આશ્ચર્યજનક શક્તિ છે. સમસ્ત વૃત્તિઓ છેવટે તો સ્મૃતિવૃત્તિમાં જ પરિણમે છે. પરના વિચારથી સત્ત્વ વધે છે, સ્વના વિચારથી સત્ત્વ ઘટે છે. સત્ત્વ એટલે પરાક્રમ, ઉત્સાહ અને વિર્યોલ્લાસ. તેને વધારવા માટે પરના વિચારની આવશ્યકતા છે. પહેલા ઉપકારીનો, પછી સ્વજનનો, પછી ઇતરનો અને પછી સર્વનો - એ ક્રમથી આગળ વધી શકાય. કપડાં, ઘર બધું જુનું થઈ જાય છે, પરંતુ સુવર્ણ જુનું થઈ શકતું નથી. તેવું જ સંત પુરૂષોનું હોય છે. શુદ્ધ બુદ્ધિ અને વિવેકપૂર્વક થાય એ કર્મ - બાકી બધી ક્રિયા

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 158

ભાવને પરાકાષ્ઠાએ પહોંચાડવામાં જગતના સર્વ જીવોનો હિસ્સો સ્પષ્ટપણે અનુભવાય છે. કોઈપણ કાર્યની મહાનતા, તેની અસર કેટલા અધિક જીવો સુધી ફેલાય છે, તેના ઉપર જ રહેલી છે. સર્વના હિતની સાત્વિક ચિંતા સ્વના સુખ-દુઃખની ચિંતાને ગૌણ બનાવી દે છે, તેથી સંકલેશનો અંત આવે છે. જેમ જેમ જ્ઞાન વધે, તેમ તેમ નમ્રતા વધે છે. પ્રેમ એક વાત છે અને વિશ્વાસ બીજી વાત છે. માતાને બચ્ચા ઉપર પ્રેમ છે, તેથી કાંઈ તેના ઉપર વિશ્વાસ પણ હોય એમ બનતું નથી. પ્રેમ સામાન્ય ચીજ છે, વિશ્વાસ બહુ મોટી શક્તિ છે. પ્રેમ સૌ માટે હોય, વિશ્વાસ બે-ચાર ઉપર જ હોય. જીવવા માટે પ્રેમ અને વિશ્વાસ બંને જોઈએ. દયાનું સ્થાન દવાખાનું ન લઈ શકે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 159

નીચેની ત્રણે માન્યતા ખોટી છે: (૧) ધર્મ વ્યક્તિ માટે છે, સમાજ માટે નથી. (૨) ધર્મ પરલોક માટે છે, આ લોક માટે નથી. (૩) ધર્મનો ઉપયોગ હવે પછીના જન્મમાં થશે, આ જન્મમાં નહીં. ધર્મનું આચરણ તો આજે જ થવું જોઈએ અને તેનું ફળ આજે જ અનુભવવું જોઈએ. જીવોને બચાવવાનાં પ્રશ્નની જેમ જીવોમાં રહેલી કરુણાવૃત્તિ બચાવવાનો પ્રશ્ન મુખ્ય છે. વાંક ગ્રહોનો નથી, પણ આપણામાં રહેલા દોષોનો છે. ગુજરાતીઓ સાહસિક છે, વ્યવહાર કુશળ, કરકસરી, હૈયા ઉકલતવાળા અને સંપીલા પણ છે. માત્ર નિર્ભયતા, નીડરતા, શિસ્ત અને સંગઠનની વૃત્તિ ક્યાંક ઓછી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 160

મારી આજની પ્રાર્થના એ છે કે: પ્રાણીમાત્ર આપણી તરફ મિત્રની દ્રષ્ટિથી જુવે અને આપણે પ્રાણીમાત્ર તરફ મિત્રની દ્રષ્ટિથી જોઈએ. આત્મસંશોધન કરી બીજાના ગુણ જોવા અને આપણા દોષ જોવા. વીર પુરુષો કરુણાવાન, સીધા અને સરળ હોય છે. સન્માન વ્યક્તિનું નહીં પણ વિચારનું છે. 'આપણી પાસે જે કાંઈ છે તે પરમેશ્વરનું છે' એમ માનીને તેનો ઉપયોગ સેવામાં કરવો જોઈએ, તો જ પ્રેમ વધશે, શાંતિ વધશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 161

પ્રભુના દર્શન કરવા હોય તો મંદિરના પહેલા પગથિયે ના થાય, બધા પગથિયાં ચડવા જ પડે. ચાર દીવાલોની વચ્ચે જો પ્રેમને કેદી બનાવવામાં આવે, તો પાણીના વહેણની જેમ બંધિયાર થાય, બગડી જાય, કીડા પડે. જળની જેમ પ્રેમ પણ બંધિયાર બને તો સડે. પ્રેમ સીમિત થયો તો સડ્યો સમજો. પ્રેમ વાસનાનું સ્વરૂપ પકડે, પછી થાય ઝગડો. હું અને મારું, અમે અને અમારું, ગામ અને ગામનું, મારુ-તારું - એવું કાંઈ નહીં, બધું જ ઈશ્વરનું. મુખ્ય વાત છે મનથી ઉપર ઉઠવાની. આ ઘડિયાળ છે... જે મારા શરીરની બહાર છે, એવી જ રીતે ... જે મન છે, એ પણ પોતાના શરીરની બહાર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 162

આજનો કાનૂન અહિંસાની નજીક છે. તે દરેક માણસને નિર્દોષ, નિરપરાધી, બિનગુન્હેગાર માને છે. તેના ઉપર મુકાયેલા આરોપને પુરવાર કરવાની જવાબદારી આરોપ મુકનારની માને છે. 'અમે કોઈને ય ગુનેગાર માનવા તૈયાર નથી, છતાં જો કોઈ ગુનેગાર સાબિત થાય તો ન છૂટકે માનીએ છીએ.' આજના કાનૂનનું આ વલણ અહિંસાની નજીક છે. અહિંસાનો કાનૂન આગળ વધી ગુનેગારને શિક્ષા નથી કરતો. તેના પ્રત્યે પ્રેમ -દયા-કરુણા દાખવે છે. આજના કાનૂન જેટલો આજનો માણસ ઉદાર નથી. કાનૂન ઘડનારનું સ્તર સાધારણ માણસ કરતા ઊંચું જ હોય છે. કેવળ કરુણાનું રાજ્ય સ્થાપવા માટે જવાબદારી વધે છે. ઝટ નિર્ણયની જરૂર નથી, યોગ્ય નિર્ણયની જરૂર છે. જ્યાં કરુણામૂલક વિચાર થાય છે, ત્યાં લોકશાહી પરિપૂર્ણતા પામે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 163

હૃદયને શુદ્ધ કરવું અને એ શુદ્ધિ કાયમ ટકાવી રાખવી એ જ પ્રાર્થનાની ખરી સિદ્ધિ છે. હૃદય અથવા ચિત્ત શુદ્ધ, સ્વસ્થ અને શાંત હોય તો જ તેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડી શકે છે. માનવભવ પ્રાપ્ત કર્યે પણ હૃદય માનવ જેવું ન થાય, ત્યાં સુધી ભગવતપ્રાપ્તિ થતી નથી. સત્ય, અહિંસા, દયા, બ્રહ્મચર્ય, પ્રેમ, ક્ષમા, ઉદારતા, નીડરતા વગેરે આત્મિક ગુણોત્કર્ષ પ્રાર્થના વડે થાય છે. કોરું જ્ઞાન ધર્મનું સાધક નથી. પ્રેમનું અવિરોધી જ્ઞાન એ જ મોક્ષમાર્ગમાં સહાયક છે. સામાના સુખ-દુઃખને જાણવાની શક્તિ ભલે જ્ઞાનમાં હો, પણ તેને જોવાની શક્તિ તો પ્રેમમાં જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 164

સ્ત્રી પુરુષનો સંબંધ થયા પહેલા મનની જે ભૂમિતિ તૈયાર થાય છે, તે ભેદ અને તે વ્યક્તિત્વ ... સંબંધ થતી વખતે રહેતા નથી, તેથી તે થોડીવારનું આત્માના સુખ જેવું કામ આપે છે, પણ તે અનિત્ય છે અને દેહનું અભિમાન બહુ વધારે છે. થાક, ચિંતા, ભયના કારણ ટળતા ક્ષણવાર જે સુખ થાય છે, તે નિર્વિકલ્પ સમાધિનો નમૂનો છે. કુદરત ક્યારેય પોતાનો નિયમ બદલતી નથી, માત્ર મનુષ્યનું તે નિયમો સંબંધી જ્ઞાન બદલાય છે. અજ્ઞાનતા કે અલ્પજ્ઞતા જ બદલવાની રહે છે. નિર્ભયતા અને સ્વતંત્રતા એ મુક્તિપુરમાં પહોંચાડનાર રથના બે ચક્રો છે. જ્ઞાનથી નિર્ભયતા અને અભ્યાસથી સ્વતંત્રતા પ્રાપ્ત થવા યોગ્ય છે. આપણા નિત્યના વિચારોથી આપણું ચરિત્ર બંધાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 165

અપૂર્ણતા અને ખામીઓ એ કાંઈ ગુન્હા નથી પણ હૃદયની દુર્બળતા માત્ર છે. ચારિત્રનો નિયામક વિચાર છે. પાંચ જ મિનિટ પ્રયત્ન કરી ખાતરી કરો અને તમને ભાન થશે કે તમે એક મહાન રહસ્ય ઉપલબ્ધ કર્યું છે. ચરિત્રમાં કયો અંશ રાખવો અને કયો બાતલ કરવો, એ સંબંધે તમે ગુલામ નહીં પણ સ્વામી છો. એક અધમાધમ નરપિશાચ બનવું કે સર્વકલ્યાણકર યોગી બનવું એ મનુષ્યને આધીન છે. માત્ર પ્રયત્ન અને સમયની જ અપેક્ષા રહેવાની. સમય કદી ખૂટે એમ નથી. પ્રયત્ન બીજા કોઈને આધીન નથી, પોતાને સ્વાધીન છે. શ્રદ્ધા થયા પછી પ્રયત્નમાં શ્રમ જણાતો નથી. સર્વ સંસ્કૃતિનું-સભ્યતાનું ફળ ચારિત્રનો ઉન્નત બનાવવામાં હોવું જોઈએ અને ચારિત્ર વિચારો દ્વારા ઘડાય છે, એ કદી ભૂલવું જોઈએ નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 166

જ્યાં પ્રેમ પરિવારમાં કેદ થઈ ગયો, ત્યાં ખાનગી માલિકી આવી ગઈ. એનાથી ઝઘડા વધે. નાના પ્રેમનો બચાવ કરતા પ્રેમનો વ્યાપક પ્રવાહ રોકાઈ જાય. સીમિત પ્રેમમાં વ્યાપક દ્વેષનું રૂપ આવી જાય. અહીં પ્રેમ કામનાં રૂપમાં પલટાઈ જાય છે. જગતને જીવાડનારો પ્રેમ સીમિત બને તો જગતને મારનારો થાય છે. પરસ્પર સહયોગથી પ્રેમની તાકાત વધે છે. 'હું કોઈને મારુ નહીં અને કોઈ મને મારે નહીં' એ પ્રેમની નકારાત્મક વ્યાખ્યા થઈ. એથી પ્રેમની તાકાત વધતી નથી. પ્રેમની તાકાત વધારવા માટે પોતીકા ઉપર છે એટલો જ પ્રેમ પાડોશી અને દુશ્મનને પણ કરો. આજે પ્રેમ ડરપોક બન્યો છે. માત્ર ઘરમાં જ બેઠો છે. તેને બહાર મેદાનમાં લાવવો જોઈએ. કોઈને પણ ચાહતા ડરવું જોઈએ નહીં. અરિતાને હણવી જોઈએ, મિત્રતાને નહીં. પ્રેમ આપતા સંકોચ અનુભવવો જોઈએ નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 167

દુઃખ એ પણ ભયનું એક કારણ છે. વિચારશૂન્ય આચાર કર્યો કે આચારશૂન્ય વિચાર-ઉચ્ચાર કર્યા - એ ઉભય સરખા જ છે. કામ કરવામાં સમય ગાળીએ તે સફળતાનું મૂલ્ય છે. વિચાર કરવામાં સમય ગાળીએ તે બળનો સ્ત્રોત છે. વાંચવામાં સમય ગાળીએ તે ડહાપણનો સ્ત્રોત છે. 'હું અને મારું' એ જીવનું બંધન છે. ‘સર્વ અને સર્વનું' એ મોક્ષ છે. ‘હું અને મારું'થી રાગ અને રોષ વધે છે અને તે ન મટે ત્યાં સુધી મોક્ષ નથી. જેને રાગ-દ્વેષ નથી, એ કાલજીત ગણાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 168

પુણ્યના ફળો ભોગથી નાશ પામે છે, જ્યારે મોક્ષના સુખ પરિપૂર્ણ અને અખંડ રહે છે. કરોડો વર્ષના પુણ્યના સુખ પણ નાશવંત છે. તેમાંથી રતિ કે આકર્ષણ દૂર કરીને નિજાનંદમાં રમણતા કરવી. પુણ્ય પણ શરીરનો મેલ હોય એમ ધર્મધ્યાન વડે તેને ધોઈ, શુક્લધ્યાન વડે નિજ સ્વરૂપમાં પ્રવેશ કરી ધ્યાનાતીત અવસ્થાને પામવાની છે. વૃત્તિસંક્ષેપ એટલે ચિત્તવૃત્તિને પરવસ્તુમાં ભટકતી રોકવી. તે જ સાચું બ્રહ્મચર્ય. કોઈપણ જીવને દુઃખ ન આપવાથી દુઃખને દેશવટો આપી શકાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 169

સર્વ જીવો ઉપર રાગ તે મમતાસ્વરૂપ નહીં, પણ સમતાસ્વરૂપ છે, કારણકે તેમાં મમબુદ્ધિ થતી નથી, પણ સમબુદ્ધિ થાય છે. મમબુદ્ધિ રાગરૂપ છે જ્યારે સમબુદ્ધિ વિવેકરૂપ છે. લોખંડની બેડી કોઈક બીજો નાખે છે પણ સોનાની બેડી તો વ્યક્તિ પોતે પોતાના હાથે જ નાખે છે. બંધનકર્તા બંને છે, માત્ર લોખંડ થોડું અને સોનુ ઘણું. ડગલો નાનો થાય તો તેને કાઢી નાખીને નવો ડગલો પહેરાય છે, તેમ આજે જે ભાવના છે તેનાથી ચડિયાતી ભાવના થાય તો જુનીને બદલે નવીને સ્વીકારવી એમાં બુદ્ધિમત્તા છે. ભાવના સુધારવી કે બગાડવી એ જીવના પોતાના જ હાથમાં છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 170

માનવ જેવું બોલે, તેવું સમજે છે અને જેવું સમજે, તેવું વર્તે છે. 'મારો આત્મા', 'હું એટલે શરીર', 'તેનો આત્મા' એમ બધા બોલે છે, એમ જ સમજે છે, એમ જ વર્તે છે. શરીર અને તેના અનુચરો (ઇંદ્રિયો વગેરે) આત્માના ધણી હોય, તેવી રીતે હાલ વર્તે છે. 'મારો આત્મા' એ હડહડતું જુઠાણું છે, 'હું આત્મા' એમ કહેવું જોઈએ. 'આત્મા' એવું નામ કે 'હું' એવું સર્વનામ એ જ સત્ય છે. 'શરીર એ હું' એવી સમજથી માણસ નિર્બળ-નિસ્તેજ બને છે, વીર્યરહિત, હતપરાક્રમ, નિઃસત્ય, સર્વથી ડરે એવો થાય છે. મગજરૂપી ફોનોગ્રાફમાં શાસ્ત્રના પાઠો ભરનારા જ્ઞાની નહીં પણ ફોનોગ્રાફ સમજવા. જેમ ફોનોગ્રાફ બોલેલું બોલી જાય એમ આ વાંચેલું, સાંભળેલું બોલી જાય. શાસ્ત્રો વગેરે ન જાણવા,ન ભણવા એમ નહીં પણ પહેલા 'હું કોણ?' એમ જાણી, ખરા જ્ઞાની થઈ, પછી તે જ્ઞાન વિકસાવવા સદ્દગુરુ કે શાસ્ત્રો દ્વારા કે આત્મવિચારથી યત્ન કરવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 171

નિજાનંદ મનમાં જ્ઞાનરૂપે, હૃદયમાં દર્શનરૂપે, તનમાં સુખરૂપે કે ચારિત્રરૂપે અને વાણીમાં સરસ્વતીરૂપે પ્રગટ થાય છે. મૈત્રીની ભાવના કેળવવામાં વખત ગાળો. એ સુખ તરફ લઈ જતો રસ્તો છે. નિષ્કામ પ્રેમ કરવામાં અને નિષ્કામ પ્રેમ પાળવામાં વખત ગાળો. એ ઈશ્વરીય દિવ્ય અધિકાર છે. પારકી વસ્તુને પોતાની માનવી એ અપ્રમાણિકપણું છે. મમતા, પ્રામાણિકપણાથી એટલે પારકી વસ્તુને પોતાની ન માનવાથી જાય. જ્ઞાન, આનંદ, સુખ પોતાના છે એટલે તેમાં મમતા કરવી. એ મમતાથી પરવસ્તુમાં સમતા આવે છે. શાશ્વત સુખ અખંડ સુખના સાગરરૂપી સમતામાં છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 172

જેને બે આંખ છે, તેને એક આંખે જોવું કઠણ લાગે. જેને સમતારૂપી બંને આંખો સરખી છે, તેને માટે નિષ્પક્ષપાતપણે જેવું છે તેવું જોવું, એ સહેલામાં સહેલી વાત છે. સૌનું કલ્યાણ ઇચ્છવાની પ્રાર્થનાથી હૃદયનો ભાર હલકો થાય છે, દિલને દિલાસો મળે છે, આત્મામાં શાંતિ થાય છે, મન આનંદમાં આવી જાય છે, બુદ્ધિ સ્થિર થાય છે અને કંઈક નવું-નવું જીવન આવી ગયું હોય એવું લાગે છે. શુભેચ્છાઓ ધારણ કરવી એ આપણું કામ છે, એ ઈચ્છાઓને પાર પાડવી એ તો પરમાત્માનાં હાથમાં છે. સૌને માટેની શુભેચ્છાઓ રાખવી એ સૌની ફરજ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 173

મનનો સ્વભાવ જ એવો છે કે જો તેને ઊંચા પ્રકારના વિચારોમાં નહીં રોકી રાખવામાં આવે, તો હલકા પ્રકારના વિચારોમાં દોડ્યું જશે. માટે હંમેશા ઉત્તમ ઈચ્છાઓ રાખવી એ કર્તવ્ય છે. ઇચ્છામાં બળ હોય તો કોઈપણ પ્રાર્થના ફોગટ જતી નથી. વહેલી કે મોડી, થોડી કે ઘણી: તે જરૂર પુરી થાય છે. બુદ્ધિ બધું જોઈ શકે છે પણ બીજાનું દુઃખ જોવાની તાકાત બુદ્ધિમાં નથી, લાગણીમાં છે. તેથી લાગણી વગરની બુદ્ધિને શાસ્ત્રકારોએ આંધળી કહી છે. લાગણી દેખતી છે. એ બે નો સંયોગ થાય તો અંધ-પંગુના ન્યાયે કાર્ય સિદ્ધ થઈ શકે છે. વિશ્વમાં જેમ આકાશ રહેલું છે તેમ માનવીમાં ઈચ્છા રહેલી છે એટલે તેનો નિષેધ શક્ય નથી, પણ રૂપાંતર શક્ય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 174

ઈચ્છા સૂર્યવિહોણા અમાવસ્યાના અંધકાર જેવી છે. ભાવના શરદપૂર્ણિમાની રાત જેવી છે. ઇચ્છામાં દેહભાવની દુર્ગંધ, ભાવનામાં પરહિતની સુગંધ છે. ઈચ્છાસંસાર પાપનું ધામ, ભાવનાસંસાર ધર્મનું ધામ છે. ઇચ્છાનો પરિઘ શરીર સમ, ભાવનાનો પરિઘ વિશ્વવ્યાપી. ઈચ્છા જગતની રિદ્ધિ-સિદ્ધિ પોતામાં વાંછે. ભાવના આત્મસમૃધ્ધિ વડે આખા જગતને અજવાળે. ઈચ્છા પાપમાં, ભાવના પુણ્યમાં પ્રેરે. ઈચ્છાને અંતના હોય. ભાવના ભવના અંતને આણે. ઈચ્છા વકરે-યુદ્ધો જગાડે, ભાવના વધે ધર્મનું તેજ ખીલવે. ઈચ્છા માનવીને મર્કટ કે માતેલો સાંઢ બનાવે, ભાવના ભવ્ય માનવોને જન્માવે. ઈચ્છાની ચાલ સદા વક્ર હોય, ભાવનાની સદા સીધી. ઈચ્છા જડને જ્યારે ભાવના આત્માને આરાધે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 175

ભાવિના દુઃખો ટાળવાની સાથે વર્તમાનના દુઃખોને ભૂલવા માટે અન્ય દુઃખી જીવોના દુઃખોનો વિચાર કરવો તે શ્રેષ્ઠ અને સર્વોચ્ચ ઉપાય છે. આત્મવિશુદ્ધિ કરવાનો સાચો અને સહેલો ઉપાય તે સર્વકલ્યાણની ભાવના અને સર્વનું કલ્યાણ જેમણે કર્યું છે, તે ભગવંતોની ભક્તિ-મંત્રજાપ વગેરે છે. દયાભાવથી પ્રેરાઈને થોડુંક દાન કરી દેવાથી સમાજમાં પરિવર્તન થઈ શકતું નથી. ક્રાંતિ તો મૂલ્યોનું પરિવર્તન કરવાથી થાય છે. વિશ્વની શાંતિ ઇચ્છવાથી કલેશ શમે છે તથા ક્લેશશમનથી ધૃતિ-ચિત્તની સ્વસ્થતા, આરોગ્યાદિ મળે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 176

શારીરિક શક્તિ સાચી શક્તિ નથી. સાચી શક્તિ તો પ્રેમની શક્તિ છે. આપણું આચરણ પ્રેમમય બનાવવાથી આખા જગતને જીતી શકાય છે. 'સમસ્ત વિશ્વ મારુ છે' એ ભાવના વિકસાવો. 'મનુષ્ય જન્મ જ એક અવતાર છે' એવી આત્મપ્રતીતિ ખરેખરું બળ આપશે. સાચું બોલે તે વક્તા, ધર્મ આચરે તે પંડિત. સમર્પણ એટલે દૂધમાં સાકર ભળી જાય છે, ત્યારે નામ દૂધનું જ રહે છે, પરંતુ સ્વાદ સાકરનો આવે છે. ઈશ્વરે ભાષા નથી આપી, પણ વાણી આપી છે. ભાષા માણસે બનાવી. ભાષા માટે પ્રેમ રાખો - અભિમાન નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 177

સહજીવન તથા સહઅસ્તિત્વની સાથે સહચિત્તની પણ જરૂર છે. મૈત્રીભાવથી ક્ષમા વિક્સે છે. જ્યાં બધા જ મિત્ર છે, ત્યાં કોના ઉપર ક્રોધ? મૈત્રીભાવ સાધક ક્રોધ ન કરે. સદા શાંત જ રહે. મૈત્રીભાવથી નમ્રતા આવે છે. જ્યાં બધા સમાન છે, ત્યાં અભિમાન કેવું? મૈત્રીભાવ સાધક રૂપ, ગુણ કે ઐશ્વર્યનું અભિમાન કરતો નથી, તે સદા નિરાભિમાન જ રહે. મૈત્રીભાવથી સરલતા પ્રાપ્ત થાય છે. જ્યાં મિત્રતા જ વર્તે છે, ત્યાં જુદાઈ કેવી? મૈત્રીભાવ સાધક કોઈપણ પ્રકારની કપટક્રિયા કરવાનું વલણ ધરાવે જ નહીં. મૈત્રીભાવથી સંતોષ અનુભવી શકાય છે. જ્યાં મિત્રતા જ વર્તે છે, ત્યાં તૃષ્ણા ક્યાંથી હોય? મૈત્રીભાવ સાધક પોતાની પાસે કંઈ ન હોય, તો પણ સંતોષનું પરમસુખ અનુભવે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 178

વસ્તુની જેમ ભાવની પણ આપ-લે થઈ શકે છે. જેમ વસ્તુની આપ-લેમાં હાથ અગત્યનો ભાગ ભજવે છે, તેમ ભાવની આપ-લેમાં અંતઃકરણ મુખ્ય ભાગ ભજવે છે. એટલે જ અંતઃકરણપૂર્વકની શુભાષીશ તેમ જ બદદુઆનુ આ જગતમાં અનાદિકાળથી એકસરખું મહત્વ જળવાયું છે. સ્વના ઉત્કૃષ્ટ હિતમાં સહાયક એવા જગતના પ્રાણીઓને તુચ્છ કરવાથી વધુમાં વધુ અહિત તો સ્વનું જ થાય છે. સકલ જીવલોકના સર્વોચ્ચ હિતની ચિંતા પાછળ પસાર થતી એક એક ક્ષણનું મૂલ્ય સેંકડો કલ્પવૃક્ષોના એકસામટા મૂલ્ય કરતાં ય અસંખ્યાતગણું અધિક હોય છે. સુવર્ણ માટેના ગાઢ રાગના કારણે સોનાના સામાન્ય અલંકાર પ્રત્યે પણ સાંસારિક જીવને રાગ રહે છે, તેમ આત્મદ્રષ્ટિવાળા જીવને જીવ પ્રત્યેનો સદભાવ તેના ગમે તેવા પર્યાય પ્રત્યેના દુર્ભાવથી પણ દૂર રાખે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 179

આત્માને વળગેલો 'હું' તેના ભવભ્રમણનું કારણ છે. સર્વજીવોના હિતને ભાવ આપવાથી આત્મા ઉપરની 'હું' ની પકડ ઢીલી પડવા લાગે છે. 'હું' ની પકડ ઢીલી પડે એટલે વિચાર પ્રભુમુખી બને. એકાત્મભાવ એકમાં સર્વની કલ્પના કરાવે છે. સર્વાત્મભાવ સર્વમાં એકનું વિસર્જન કરાવે છે. એકનો વિચાર મનમાં કલેશ જન્માવે છે, સર્વનો વિચાર સર્વ કલેશોને શમાવે છે. આત્મા એ જ સર્વોત્તમ વસ્તુ છે, પછી તે પોતાનો હોય કે બીજાનો. સુવર્ણ સર્વને પ્રિય છે, પછી તેનો ઘાટ અને કોતરણી જાડી હોય કે જીણી, સુંદર હોય કે અસુંદર. આત્મદ્રવ્ય એ સુવર્ણને સ્થાને છે. 'હું ઉપકાર્ય છું, વિશ્વ ઉપકારક છે'. અરિહંતની એ ભાવના જ વિશ્વને ઉપકારક બનાવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 180

સંસાર ન તો સારભૂત છે, ન અસારભૂત. સંસાર એ તો સંસાર જ છે. એને સાર કે અસાર બનાવનાર માનવી પોતે છે. એ તો ઘઉંના ઘેબર અને ઘઉંની ઘેંસ જેવો ઘાટ છે. ખારા સમુદ્રમાંથી દેવોએ અમૃત શોધ્યું, મરજીવા મોતી શોધે છે, તેમ ધર્મરૂપી મંથન વડે જીવનશુદ્ધિરૂપી અમૃત મળે છે. નિંદા કરવાથી અળખામણી, અણગમતી, અણખપતી વસ્તુ કદી દૂર થતી નથી. સંસાર છે, હતો અને રહેવાનો. તો પછી નિંદા કરીને શા માટે રાચવું? શા માટે અસંતુષ્ટ થવું? શા માટે છેતરાવું? સંસારને સમજવો, એના સારાસારનો વિવેક કરવો, એનો લાભ કેવી રીતે મેળવી શકાય એ ઉપાયનું શોધન કરવું, એ જ સંસારમાંથી સાર નિપજાવવાનો માર્ગ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 181

જેમ બાળક ગળપણના વધારે પડતા નાદમાંથી ઉગરી જાય, એ માટે ગળપણની હલકાઈનું ગાન કરવામાં આવે છે, તેની જેમ પોતાના દોષોની વિનમ્રતાપૂર્વક ક્ષમા માંગીને અને બીજાના દોષોની ઉદારતાપૂર્વક ક્ષમા આપીને અંતરમાં ધર્મપાલનની ભૂમિકા પ્રભુની આરાધનાથી કરી શકાય. મુખની અંદર જે ચીજ જાય છે, તેનું એટલું મહત્વ નથી, જેટલું મુખમાંથી બહાર નિકળનારી વસ્તુનું. ‘આહારશુદ્ધિની અપેક્ષાએ વાણીની પવિત્રતા વધુ આવશ્યક છે’ એમ ઈશુનું મંતવ્ય છે, તો પણ આહારશુદ્ધિની વાત પોતાના સ્થાને મહત્વપૂર્ણ અને અનિવાર્ય તો છે જ. પોતાને માટે દરેકને તેના મનમાં આદરભાવ હોય છે, તો જ તે જીવી શકે છે. ઉત્તમ ફળોમાં ય ફેંકી દેવાની વસ્તુ પડી છે, પરંતુ દોષ પણ ગુણના બચાવ સારું હોય છે. જ્યાં દિપક હોય, ત્યાં છાયા હોય જ. જ્યાં કર્તૃત્વ છે, ત્યાં અહંકાર આવી શકે છે. જ્યાં દ્રઢ નિશ્ચય છે, ત્યાં હઠીલાપણું આવે જ છે. ગુણ-દોષ વગરનો કોઈ પુરુષ સંભવી શકતો જ નથી. એવો માણસ અવ્યક્ત જ હોય. બસ, જો આટલું સમજીએ ... તો પ્રત્યેક મનુષ્ય આદરણીય બની જાય

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 182

અનાજ પર છીલટુ હોય છે તે તેના બચાવ સારું. ભલે ખાવા વખતે તેને દૂર કરવું પડતું હોય, પણ ખાવાલાયક વસ્તુનું સંરક્ષણ પણ જરૂરી જ છે. તેવું જ વિચારોનું છે. ખરી તાણાતાણી દિલ-દિમાગ વચ્ચે હોય છે. દિલ સંકુલ રહી ગયું - દિમાગ વિશાલ બની ગયું. તે બંને વચ્ચે યોગ-સમત્વ તેનું જ નામ 'સમાધાન'. મનુષ્યને ઈશ્વરની કોઈ મોટામાં મોટી દેન હોય, તો તે કરુણાયુક્ત દિલ, સહાનુભૂતિવાળું હૃદય. તેને લીધે જ માણસ માનવ છે, અને તે જ ભગવાનની પ્રતિમા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 183

અલ્પસંતુષ્ટ નહીં, પણ આત્મસંતુષ્ટ બનો. આત્મા તો પરમ વ્યાપક છે. સુખ અલ્પમાં નહીં, પણ વિપુલમાં છે. સ્થૂળ અસંતોષનું સ્વરૂપ ગમે તે હો, પરંતુ તેનું આંતરિક રૂપ એક જ હશે કે દિમાગ મોટું અને દિલ નાનું. કામમાંથી ક્રોધ, ક્રોધમાંથી સંમોહ જન્મે છે. બે વાયુમાંથી પાણી, પાણીમાંથી બરફ બને છે. જે ઝઘડા છે, તે પરસ્પરના હિત વચ્ચેના નથી, દિલ અને દિમાગ વચ્ચેના જ છે. હવે સ્થિતપ્રજ્ઞતા, નિર્ણયશક્તિ, જ્ઞાનની ભૂખ વ્યાપક થઈ ગઈ છે. સતત સંવેદનશીલતા, પ્રતિક્ષણ સંવેદના વધતી જાય છે. વિશ્વમાનવ બનીને કાર્ય કરવાનો સમય આવ્યો છે. દુનિયાને આજે જે ગુણની ભૂખ છે, તે સમત્વ-સામ્યગુણ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 184

મત્સરની કે ઈર્ષ્યાની પ્રક્રિયાથી આવતું સામ્ય બેકાર છે. કરુણાની પ્રક્રિયાથી આવતું સામ્ય જ ટકાઉ હશે. પાણીની જેમ માણસ પણ નીચાણ તરફ વહેવાનો પ્રયત્ન કરશે, કરુણાથી પ્રેરિત થઈ પોતાનાથી વધુ દુઃખીની ખોજમાં દોડતો જશે, ત્યારે સમાજમાં સાચું સામ્ય આવશે. કરુણાપ્રેરિત સામ્ય શાશ્વત હોય છે. એ મોટું દિલ થવાથી જ આવી શકશે. કરુણાનો અર્થ કોઈને કાંઈ કરવાની પ્રેરણા આપવી કે ફક્ત દયા નથી! દયા કરતા 'કરુણા' શબ્દ તો ઘણો જ વધુ બુલંદ છે. હું અને મારું છોડો. આપણે અને આપણું કહો. તે સિવાય માનસિક શાંતિ નહીં મળે કે આધ્યાત્મિક ઉન્નતિ નહીં થાય. હવે યુગ એવો આવી રહ્યો છે કે જેમાં ગામ જ પરિવાર બનશે, દેશ પ્રાંત બનશે અને આખીયે દુનિયા સૌનો દેશ બનશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 185

સૌનો અવિરોધ એટલે સૌનો સહયોગ. તેમ રહેવું. મંથનમાંથી જેમ માખણ પ્રગટે છે, તેમ મનના ઘર્ષણથી ક્રોધનો અગ્નિ પેદા થાય છે. માટે સમતા રાખવી. જગતના જીવોને જે પોતાના આત્મસમાન ગણતો નથી, તે પોતાના આત્માને, પોતાના જ આત્મા વડે હણનારો થાય છે અને સદ્ગતિનો અનધિકારી બને છે. મન અને બુદ્ધિ વચ્ચે અહં છે. અહં વાસનાગ્રસ્ત છે. બુદ્ધિમાં પણ પૂર્વગ્રહો આડા આવે છે. પ્રભુના નામમાં એવો ચમત્કાર છે કે તેના પ્રભાવથી જે મુશ્કેલ હોય તે સહેલું થઈ જાય છે. પ્રભુને વચ્ચે રાખવાથી જે અધૂરું હોય તે પણ તરત અને સરસ રીતે પૂરું થઈ જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 186

સૌ જીવને મદદ કરવાની ઈચ્છા એ મોટો યોગ છે. સૌનું ભલું ઇચ્છવું એ ઊંચામાં ઊંચી જાતની ભક્તિ, જ્ઞાન, આજ્ઞા અને કર્તવ્ય છે. આ બધી વસ્તુઓથી જે ફળ મળે, તે સર્વનું ભલું ઇચ્છવાથી મળી જાય છે. જેવી રીતે આભમાંથી વરસાદ વરસે, ત્યારે તેનું પાણી ભરવા માટે આપણું ભાજન તેની સામે ધરવું જોઈએ, તેમ પ્રભુની કરુણા સર્વ જગત માટે વરસી રહી છે. આપણે તેને ઝીલવા માટે આપણું હૃદય તેની સામે ખોલવુ જોઈએ. એ ખોલવાની ક્રિયા માટે જ સર્વ પ્રકારના ધર્માનુષ્ઠાન યોજવામાં આવ્યા છે. રૂપ એટલે વ્યક્તિ અને નામ એટલે વિચાર. વ્યક્તિ મોટી હોય છે, તે તેનામાં રહેલા ખાસ કોઈ વિચારને લીધે, એટલે કે તે વ્યક્તિ તે વિચારને વ્યક્ત કરવામાં નિમિત્ત બને છે, છતાં શક્તિ તો વિચારમાં જ રહેલી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 187

ઈશ્વરી યોજનાનો પાર પામી શકાતો નથી, કેમકે તે બુદ્ધિથી પર છે, જેમ કે પૃથ્વી, પાણી, અગ્નિ વગેરેની અથવા તો મન, ઇંદ્રિયો, બુદ્ધિની રચના. પાડોશી, શત્રુ, સજ્જનો સર્વભૂત ઉપર પ્રેમ રાખવો એ બધા ધર્મનું મૂળ છે. બધા ધર્મોમાં એકતા છે, કારણકે માનવહ્રદય એક છે અને ધર્મસંસ્થાપકો વિશાલ હૃદયના હોય છે. સહિષ્ણુતા એ ધર્મમાત્રનો પાયો છે. જ્ઞાનનો પ્રેમ, સત્યની ઝંખના, તત્વજ્ઞાન, તત્વવિદ્યા અને તત્વની જિજ્ઞાસા જીવનમાં આગળ વધવા જરૂરી છે. સત્ય અને દયા વચ્ચેનો વિરોધ પણ જેનાથી દૂર થાય, તેનું નામ તત્ત્વજ્ઞાન.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 188

લાલ ગાય સફેદ દૂધ કેમ આપતી હશે? રુક્ષ દેખાતા નાળિયેરમાં મીઠું પાણી અને મૃદુ મલાઈ ક્યાંથી આવી? ગુલાબની સાથે કાંટા અને કાદવમાં કમળ કેમ? બળદને જ શીંગડા અને અશ્વને કેમ નહીં? આવા અનેકાનેક પ્રશ્નો તથા ન્યાય, નીતિ, કલા, મુક્તિ વગેરેની મનુષ્યને કેમ ઝંખના રહે છે? જીવવા માટે તે અનિવાર્ય નથી છતાં તેની ઝંખના પણ મટતી નથી. આના ઉત્તરો એ માહિતી છે, જ્ઞાન નથી. કર્તવ્ય ચઢે કે ભાવના? પ્રજા પ્રત્યેનું કર્તવ્ય અને પત્ની પ્રત્યેની ભાવના વચ્ચે રામચંદ્રજીએ શો નિર્ણય કર્યો? ઉપરથી દેખાતો વિસંવાદ ઉભો થાય તો શું કરવું? હિંસા કે ક્રોધ ન કરીએ એટલું જ નહીં, પણ અહિંસા અને સત્ય તથા પ્રેમભાવ પ્રત્યે નિષ્ઠા વધારવાની જરૂર છે. ચિંતન વડે દોષોને ધોઈ, જીવન પલટો કરી, નવા જ માણસ બનાય, તો ઘણું કામ કરી શકાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 189

દીન એટલે ધર્મ. એક જ મઝહબ એટલે અનેક પંથ. ઈશ્વર ઉપર ભરોસો અને સત્કર્મો - એ બે મળીને એક વસ્તુ બને છે. એક આંતરિક છે, બીજી બાહ્ય. કાતર જેવા નહીં, સોય જેવા થાઓ. યંત્રોના ઘર્ષણ વખતે તેલ પુરનારા થાઓ. તેલ એટલે સ્નેહ. સ્નેહ એટલે સુગંધ. સુગંધ એટલે ચંદન. ચંદન એટલે સર્વ સાથે મૈત્રી, હિતચિંતાયુક્ત જીવન. જીવનના અણુ એ અણુમાં પરહિતચિંતાયુક્ત ભાવ હોવો જોઈએ. એ જ સાચું ચંદનતુલ્ય જીવન છે. તે માત્ર મિત્રને નહીં પણ શત્રુને પણ મિત્ર તુલ્ય ભાવ દે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 190

સેવક જેમ હંમેશા નમ્ર અને બીજાની સેવા માટે સદા તત્પર હોય છે, તેમ પ્રેમભાવ ધારણ કરનારા સર્વ સત્પુરુષો પ્રત્યે નમ્ર અને સેવાતત્પર રહેવું. દરેક ભલે નેતા ન બની શકે પણ સેવક કે સ્થિતપ્રજ્ઞ તો બની જ શકે. નેતા થવાની સામગ્રી ભલે સૌને ન મળે, પણ સેવક કે સ્થિતપ્રજ્ઞ થવાની સામગ્રી તો સૌની અંદર ભરેલી છે જ. વાણી અને ચિંતનથી જેમ પ્રભુસેવા થાય છે, તેમ યોગ્ય કર્મોથી પણ સેવા થઈ શકે છે. દિવસનો મુખ્ય ભાગ સેવાના કાર્યમાં જ જવો જરૂરી છે. સેવાકાર્ય તો કરવું જ, પણ 'હું સેવાકાર્ય કરું છું' એવો અહંકાર છોડવો. સૂર્ય એક ક્ષણ પણ વિરામ પામ્યા વિના જગતને પ્રકાશ આપે છે, છતાં જગતથી અલિપ્ત જ રહે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 191

આપણે આપણો સ્વાર્થ સંભાળવો એ સત્ય છે, પણ એક દિવસ જે શરીર અવશ્ય છોડી જવાનું છે, તે દ્વારા તેને લોકસેવામાં સુખડની જેમ ઘસી નાખવું જોઈએ. સેવા ન કરી તો મનુષ્ય જન્મ ધરી છેવટે મેળવ્યું જ શું? વ્યક્તિ જે પ્રશ્ન માટે ચિંતા કરે, એ પ્રશ્ન અંગે ભક્તિ ન હોય, નિષ્ઠા ન હોય, તો કહેનારનો પ્રભાવ પડતો નથી. કાર્ય માટે દ્રષ્ટિ, પ્રીતિ અને ભક્તિ - ત્રણેનો સમન્વય આવશ્યક છે. મોટા અને અશક્ય આદર્શ પાછળ વ્યક્તિ ભૂલી પડે એ અવ્યવહારુ માર્ગ છે. સમાજ, રાજ્ય અને ધર્મ - એ રાષ્ટ્રના અગત્યના ત્રણ અંગ છે. તે ત્રણેનો સુમેળ દરેક વિચારમાં થવો જોઈએ. દીનતા, શરણાગતિ તથા ક્ષમાયાચના દ્વારા ઈશ્વરનો મહિમા અને પોતાની અશક્તિ સમજાય, ત્યારે જ સાચી પ્રાર્થના થઈ શકે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 192

મનુષ્યનો વિકાસ એટલે તેના આંતરિક જીવનની ઉર્ધ્વગતિ. જીવનમાં અદ્રશ્ય રીતે રહેલા ઉચ્ચસ્તરોમાં આરોહણ અને તે ભૂમિકામાં સ્થાયી વસવાટ કરી નિમ્નસ્તરોનું રૂપાંતર. મનુષ્ય જ્યાં સુધી પોતાના મન અને શરીરનો દાસ છે, જ્યાં સુધી તેનામાં દેહાધ્યાસ છે, ત્યાં સુધી તે મનુષ્ય નથી પણ પામરકોટીનું પ્રાણી છે. અકિંચન માણસ ખરી રીતે દરિદ્ર છે એમ નહીં, પણ સંગ્રહ-પરિગ્રહવૃત્તિવાળો મનુષ્ય જ ખરેખરો દરિદ્ર છે. કરુણા એ પ્રવૃત્તિરૂપ નથી, પણ ભાવરૂપ છે. ૪ ભાવનામાં એને સ્થાન છે. પ્રવૃત્તિ તો તજ્જન્ય છે. પ્રવૃત્તિનું મૂળ કારણ કરુણાભાવ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 193

સર્વ જીવોએ મારા ઉપર ઉપકાર કર્યા, પણ મેં સ્વાર્થને વશ થઈ ક્યારેય પરાર્થે કાંઈ કર્યું નહીં. કૃતજ્ઞતાભાવ સરખો પણ સ્પર્શ્યો નહીં. બીજાનો પરોપકાર આપણામાં કૃતજ્ઞતાભાવ પ્રેરે છે. આપણો કૃતજ્ઞતાભાવ બીજા ઉપર પરોપકારભાવ જગાડે છે. આત્મસાક્ષાત્કાર માટે સ્થૈર્ય અને શુદ્ધ બુદ્ધિની અનિવાર્ય આવશ્યકતા છે. લાંબા સમયની આદતને લીધે આપણી સર્વશક્તિ આપણા અહંકારને પોષવામાં જ વપરાય છે. એનો ઉપયોગ આપણે સર્વાત્મભાવની સાધના માટે કરવો જોઈએ. ધર્મ આપણને ઈશ્વરપરાયણ જીવન ગાળવામાં સહાય આપે છે. આપણા હૃદયની અહંતા-મમતારૂપી ગ્રંથીઓનો ઉચ્છેદ કરી નાંખી, અંતરમાં ચાલતા સંઘર્ષો શમાવી દે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 194

ધર્મ આપણને પ્રથમ તો વિશ્વજીવનના સતત વહેતા મહાપ્રવાહમાં નાંખે છે, પછી આપણે વહેવા માંડીને ઇશ્વરેચ્છાનું વાહન બનીએ છીએ. ‘ધર્મ' શબ્દનો અર્થ ધારણ કરનાર, પરમ પ્રત્યેના માર્ગની દોરવણી આપનાર થાય છે. ‘ધર્મ' શબ્દમાં જ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર છે. ઈશ્વરીય તત્ત્વને સમજવાની, જાણવાની ઉત્કંઠા અને તદાનુસાર આચરણ કરવાની વૃતિને જ 'ધર્મ' કહે છે. ‘મોક્ષના હેતુ માટે ધર્મ છે' એ વાક્યનો અર્થ છે: આત્માનું પરમસ્વરૂપ પ્રાપ્ત કરવા માટેના ઉપાયનું નામ 'ધર્મ' છે. ધર્મ અને મોક્ષને કાર્યકારણભાવ સંબંધ છે. એકને કહેવાથી બીજું કહેવાઈ જ જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 195

'કૌશલપૂર્વક કામ કરવું' એટલે ક્ષણિક લાગણીઓને વશ થયા વિના કામ કરવાની શક્તિ. બીજાને દુઃખી જોઈ પોતાનું દુઃખ ભૂલી જવું, બીજાને દુઃખમુક્ત કરવો, એ માનવમાત્રની સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ ફરજ છે. હક્ક માંગવાની નહીં, પણ બદલો વાળી આપવાની તત્પરતા અને એ ના બને ત્યારે આંખો ભરાઈ આવે તેનું નામ 'માનવતા'. પરોપકાર, ગૌરવ આદિ ભાવનાત્મક સિદ્ધિઓ છે. પુરાણોની કથાઓ કાં તો કલ્પનાઓ કે રૂપકો માનો, તો પણ તેમાંથી જીવન જીવતા શીખવાની કળા સિદ્ધ થસી શકે છે. યોગથી જ્ઞાન અને પ્રયોગથી વિજ્ઞાન છે. જ્ઞાનથી નિર્વાણ અને વિજ્ઞાનથી નિર્માણ. જ્ઞાનનો સંબંધ ધર્મ-મોક્ષ સાથે છે અને વિજ્ઞાનનો સંબંધ અર્થ-કામ સાથે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 196

બંધનથી છૂટવા માટે બે માર્ગ છે: ભક્તિ અને જ્ઞાન. દોરડાના બંધનને તોડવા માટે કાં તો જોર કરવું પડે, કાં તો નાના-લઘુ બનવું પડે. નાના બનવાનો માર્ગ સર્વથી સુલભ છે. જો કે અવિશ્વાસી અને અવિનયી માટે તે માર્ગ પણ દુર્લભ છે. ભક્તિમાં બુદ્ધિનું નહીં, પણ વિનય તથા વિશ્વાસનું કામ છે. વિનય લઘુતા લાવે છે એવં વિશ્વાસ દ્રઢતા લાવે છે. અહંકારનો અલ્પકાળ માટે પણ ત્યાગ થાય, તો અનંત શાંતિનો અનુભવ થાય છે. આત્મામાં શીતળતા પ્રગટે, તેનો ખાસ કાંઈ અંશ મન કે બુદ્ધિમાં આવી શકતો નથી, જેટલો મન બુદ્ધિમાં આવે, તેનો અંશ પણ વાણીમાં આવી શકતો નથી અને જેટલો વાણીમાં આવે તેનો અંશ પણ શરીરની ચેષ્ટામાં આવી શકતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 197

કરુણા અને ઉદારતા દાનધર્મનો મૂળ સ્ત્રોત છે. દાન આપનારને ચિત્તની પ્રસન્નતા મળે અને લેનારને દેહનો - મનનો આરામ મળે છે. રાક્ષસોને દયા, દેવોને દમન અને મનુષ્યને દાન દેવું ઘટે. વૃક્ષ ફળ-છાયા, નદી જળ-વાદળ, વનસ્પતિ ભોજન-ઔષધિ આપે, સૂર્ય પ્રકાશ-ગરમી, વાયુ શ્વાસ-જીવન, પૃથ્વી સ્થાન-અન્નાદિ આપે છે, તે સર્વ દાન જ છે. સહયોગ, સહાનુભૂતિ, પ્રેમ, વાત્સલ્ય, આશ્વાસન - એ સર્વ પણ એક પ્રકારનું દાન જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 198

કેવળ વસ્તુઓનું દાન જ દાન છે એમ નહીં, પણ ભાવ-જ્ઞાન-પ્રેમનું દાન પણ દાન છે. કોમળ વૃત્તિઓમાં પ્રેમ અને કરુણાનું વિશિષ્ટ સ્થાન છે. દયા એ અભયનું દાન છે. ક્ષમા પણ એક પ્રકારે દાન છે. સમુદ્ર જળનો સંગ્રહ કરે છે, માટે જ તે રસાતલને પામે છે. વાદળ સર્વને જળ આપે છે, માટે આકાશ ઉપર ચઢે છે અને ગર્જારવ કરે છે. દાનના પાંચ ભૂષણ: (૧) આનંદાશ્રુ (૨) મનમાં બહુમાન (૩) શરીરમાં રોમાંચ (૪) દાનનું અનુમોદન (૫) પ્રિય વચન. દાનના પાંચ દુષણ: (૧) અનાદર (૨) કાલવિલંબ (3) તિરસ્કાર (૪) કટુ વચન (૫) પશ્ચાતાપ. અભિમાન, યશકિર્તીની કામના, ફલાશંસા, અપાત્ર-કુપાત્ર ત્યજીને લજ્જા-દાક્ષિણ્યપૂર્વક દાન કરવું જોઈએ. અહીં દાતાનું દર્શન એ દર્શન નથી પણ અનુમોદન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 199

કાર્યને માત્ર જોવા અને સાંભળવાથી પુણ્ય બંધાતુ નથી, પણ પુણ્યવાનને કાર્ય કરતો જોવા અને પુણ્યવાનની વાત સાંભળવાથી જે અનુમોદન, પ્રમોદ અને હર્ષાતિરેક થાય છે, તે પુણ્યબંધનો હેતુ છે. જેના અનુમોદનમાત્રથી મહાન સિદ્ધિ થાય, તેને જીવનમાં આચરવાથી તો કહેવું જ શું? દુઃખના બે કારણ: અભાવ અને અતૃપ્તિ. સર્વસુખોમાં અધ્યાત્મ વિચાર એ સુખનું પ્રધાન સાધન છે. અમૈત્રીભાવ એ સર્વ જીવો સાથેની મિત્રતા તથા પ્રેમના અભ્યાસ અને પ્રયોગથી દૂર થઈ શકે છે. કોઈ શત્રુ નથી, સર્વ મિત્ર છે. સર્વ હિતૈષી - સહાયક છે. સર્વમાં આપણું પોતાનું તત્વ જ વિખેરાયેલું પડ્યું છે. મિત્રતા-પ્રેમ-સૌહાર્દના મંજુલ વિચારો ચારેબાજુ ભરેલા છે, તેને શોધી લઈ તેમાં મગ્ન બનીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 200

તૃષ્ણા આગ છે - સંતોષ એ જળ છે. તૃષ્ણા વિષ છે - સંતોષ એ અમૃત છે. તૃષ્ણા મૃત્યુ છે - સંતોષ એ જીવન છે. માનવજગતની સઘળી અપૂર્ણતાઓને પૂરવાની મૌલિક શક્તિ આંખ અને અંતરના અમીમાં છે. મન એ અગ્નિ છે, મન એ જળ પણ છે. મન એ જન્મ-મરણનું કારણ હોવાથી ઝેર, દુઃખરૂપ દાહનું કારણ હોવાથી અગ્નિ છે. મન જ એ ઠારવાનું જળ પણ છે. માટે એ જળને બહાર કાઢવું અથવા શોષવું. અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ બંને ઝેર છે. શુદ્ધ વિચારક બુદ્ધિ અને અવલોકનશક્તિ એ શ્રદ્ધા રૂપી અમૃત પેદા કરે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 201

જીવનમાં પ્રેમની મીઠાશ, સમતાની શીતળતા, બ્રહ્મચર્યનું ઔજસ અને પ્રખર ઇચ્છાશક્તિ જરૂરી છે. સાધકનું દિવ્ય હૃદય એ ગંગા અને બુદ્ધિ એ યમુના છે. નિ:સ્પૃહી, સરળ, નિરાડંબરી જીવન જીવવું એ આવશ્યક છે. ભૂતકાળનું સ્મરણ અને ભવિષ્યનું ચિંતન ન કરતાં વર્તમાન ક્ષણનું જ ધ્યાન કરવું જોઈએ. સંયમજીવનમાં દયા, ભલાઈ, પરદુઃખ દૂર કરવાની બુદ્ધિ-ઈચ્છા અને પ્રયત્ન જરૂરી છે. હૃદય અને બુદ્ધિનો સહચાર એ જ સાચો વિવેક છે. વાણી દ્વારા કરાતો ઉપદેશ માત્ર બુદ્ધિને જ સ્પર્શે છે. કેટલીક વાર જીભ કરતા આંખો વધુ બોલે છે. મગજમાં ખીચડો કરે અને જીવનમાં એક પણ સુંદર સ્થિતિ ન સર્જે, તે ભણતર શું કામનું? -

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 202

જગતને સુધારી દેવાની ભયંકર ઝેરી વૃત્તિનો વાવંટોળ પણ એક પ્રકારનો રોગ જ છે. અવાજમાં પ્રેમ, સરળતા અને મીઠાશ રાખવી. દાન, શીલ, તપ અને ભાવમાં કરુણા છે. કરુણામાં સર્વને સુખી કરવાની ઝંખના છે. એ કામના અને ઝંખના જ અમૃત છે, તેથી તે અજરામરતા અર્પનારી છે. દુનિયાનાં સર્ટિફિકેટ એ દોઝખની ટીકીટ છે. દરેક પ્રાણી ઉપર સમભાવ એ વિશ્વમાત્રનું કલ્યાણ કરવાનું પ્રથમ પગથિયું છે. યોગાભ્યાસથી વિશ્વદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સત્ય તે મારું, પણ મારું તે સત્ય નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 203

કંટાળો, નિંદા, તિરસ્કાર, ધૃણા, દુરીભાવ, અલગતા, ગોપન આદિ દરેક મનોવૃત્તિઓ પ્રશસ્ય નથી. જ્ઞાન = બુદ્ધિ વડે જાણવું. વિજ્ઞાન = જીવનમાં અનુભવવું. જ્ઞાન થયા પછી તેને આચરણ દ્વારા કૃતિ તરીકે આત્મસાત કરાય એટલે પછી તે વિજ્ઞાન બને. સંકુચિત આત્મીયતામાંથી જે મોહ પેદા થાય છે, તે જ વિયોગ વખતે શોકનું કારણ બને છે. વ્યાપક આત્મીયતામાં પ્રેમનો સંભવ નથી. વ્યાપક આત્મીયતા દેહને જે રીતે બાજુએ રાખે છે, તેને જ ‘ભક્તિ’ કહેવાય છે. દુનિયામાં જે જીવન છે, તે બધું ઈશ્વરથી જ ભરેલું છે. કોઈ ચીજ કે જીવ ઈશ્વર વગર નથી. સત્તાની ભાષામાં કહીએ તો અહીં કેવળ તેની સત્તા છે, તે જ એકલો સ્વામી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 204

'મારું કશું નથી, બધું ઈશ્વરનું જ છે' એવી ભાવનાથી જે રહેશે, તે કોઈપણ ચીજ પોતાની છે એમ નહીં માને, તેથી તેનું બધું થઈ રહેશે. તેને બધું આવી મળશે. વળી જે મળશે તેનાથી તે સંતુષ્ટ રહેશે, બીજાની ઈર્ષ્યા નહીં કરે, કોઈના ધનની અભિલાષા પણ તે નહીં રાખે. ઈશ્વર સમર્પણ એટલે પ્રસાદરૂપે ગ્રહણ કરવું. ઇર્ષ્યાનો અભાવ એટલે લોભનો અભાવ. ભક્તિ એટલે સ્વમાં બધાને - બધામાં પોતાને જોવા તે. ોભક્તિથી સ્વ-પરનો ભેદ મટી જાય છે, ઇશ્વરભક્તિ કરનારની આત્મભાવના વધતી જાય છે. ઇશ્વરનિષ્ઠ માણસ આત્મજ્ઞાની બને છે અને તેનું જીવન આનંદમય થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 205

વિદ્યા-અવિદ્યા બંને આવશ્યક છે. જે જરૂરી નથી તેનું અજ્ઞાન જોઈએ તથા જે જરૂરી છે તેનું જ્ઞાન જોઈએ. બિનજરૂરી જ્ઞાન નાહક બોજો બને, જરૂરી જ્ઞાનથી કર્તવ્ય પાર પડે. ગુણોની સંભૂતિ કે અનુમોદના વડે અને દોષોની અસંભૂતિ કે ગર્હણા વડે હૃદયનું શોધન થાય છે. ગુણ-દોષ બંનેની સત્તા રહેવાની જ. ગુણોની અનુમતિ અને અવગુણોની નિંદા વડે જ આત્માનો વિકાસ થાય. સત્યદર્શન બુદ્ધિની ખામી વડે થતું નથી એમ નહીં, પણ બુદ્ધિ ઉપરના મોહચ્છાદનને લીધે થતું નથી. ઈશ્વર દુનિયાને પ્રેરણા આપે છે, પાલનપોષણ અને નિયમન કરે છે. ભેદ માત્ર દેહના છે, આત્માના નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 206

ઈશ્વરની સત્તા સ્વીકારવામાં આવે એટલે માણસનું સ્વામીત્વ સહેજે હઠી જાય છે. પ્રભુની આજ્ઞા ભોગની નથી, ત્યાગની છે. ઈશ્વરની સત્તાને ઓળખી ત્યાગવૃત્તિથી જીવવું, બીજાની ભોગવૃત્તિની અદેખાઈ ન કરવી. માણસને કર્મની નહીં, તેના ફળની વાસના વળગે છે. કર્મ જડ છે, જ્યારે માણસ તો ચેતન છે. તો જડ કર્મ આપણને કેવી રીતે વળગે? માણસ જ કર્મને વળગે છે, કર્મ માણસને નહીં. માણસ કર્મનો નેતા છે, કર્મ માણસનો ગુલામ છે. કર્મયોગ એ જીવન, અકર્મણ્યતા એ મરણ. મનુષ્ય જન્મનો હેતુ આત્મજ્ઞાન મેળવવાનો છે, માટે: ૨૪ વર્ષ અધ્યયન, ૪૪ વર્ષ કર્મયોગ, ૪૮ વર્ષ ચિંતન ... એમ કરતાં - કરતાં દીન બનવું, બીજા ઉપર આધાર રાખવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 207

આત્મા જડમાં વિલીન થતો નથી, કેમકે તે ચેતન છે. તું ઇશ્વરલીન થતો નથી, કારણકે તને આત્મજ્ઞાન થયું નથી. આત્માને સૃષ્ટિ અને ઈશ્વર બંનેથી અળગા એવા અહંકાર સાથે રહેવાનું થાય છે, જ્યાં સુધી મુક્તિ મળતી નથી! જગત સાથે જેને આત્મતુલ્યતાનો ભાવ અને પરમાત્મા સાથે જેને તુલ્યભાવ પ્રાપ્ત થયો નથી, તેની ગતિ આસુરી-અહંકારી થાય છે. ગમે તેટલા અંધકારથી વ્યાપ્ત યોનીઓમાં પણ થોડો પ્રકાશ તો રહેવાનો, જેના આધારે પણ પશ્ચાતાપ અને ઈશ્વરને આજીજી સંભવે છે. પતન ભણી વળ્યાં તેઓ ઉત્થાન ભણી પણ વળી શકે. આત્માની સત્તા સિવાય બીજી કોઈ સત્તા જગતમાં છે જ નહીં, એ જાણી અહંતા-મમતાનો ત્યાગ કરવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 208

મ્યાનમાં તલવારની જેમ દેહમાં વ્યાપ્ત આત્મતત્વને સૂક્ષ્મબુદ્ધિ અને ધૈર્યથી ખેંચી કઢાય, તો અમર તેજ પ્રગટે. કાંતદર્શી, પારદર્શી દેહનો પડદો ખસેડી પેલી પારનું જોવાવાળા કવિઓમાં પણ આત્મજ્ઞાની જ શિરોમણી છે. શાશ્વતકાળ સુધી પહોંચે એટલો જ્ઞાનસંગ્રહ આત્મામાં છે. *અવિદ્યાથી ત્રણ લાભ* (૧) બુદ્ધિમાં હળવાશ (૨) પ્રાણશક્તિનો સંચય (૩) નમ્રતા. *વિદ્યાથી અપેક્ષિત લાભ* (૧) બૌદ્ધિક દિશાદર્શન. આત્મજ્ઞાન વગરની એકાંત હાર્દિક સાધનામાં પણ પાર વગરના અંધારા છે. જ્ઞાન અનુભવમાં પરિણમ્યા વિના તેનું સાફલ્ય નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 209

આત્મા સત્યકામ, સત્યસંકલ્પ, સત્યસ્વરૂપ, શિવસ્વરૂપ અને સૌન્દર્યસ્વરૂપ છે. સત્ય અમૃત વડે ઢંકાયેલ છે. એ હિરણ્યપાત્રનું સોનેરી ઢાંકણ દૂર કરવા માટે ઈશ્વરની પ્રાર્થના છે. તેની માયા યોગમાયાને જ આધારે દૂર થાય. સત્ય નિર્વિકાર છે, પ્રેમ નિર્વિકાર-અનિર્વિકાર છે. સત્ય એ સાધ્ય છે, પ્રેમ તેનું સાધન છે. સત્ય વડે પોષણ, અસત્ય વડે શોષણ થાય છે. ધર્મ ધારણ કરવાવાળો નીતિ અને ઈશ્વરમાં માને છે. સંકલ્પ એ જીવ અને નિઃસંકલ્પ એ શિવ છે. સંકલ્પરહિત ભાવના તે સાધના. કૃતિમાં પરિણમનારો સંકલ્પ તે દ્રઢ સંકલ્પ-કૃત સંકલ્પ. સત્યધર્મનું દર્શન - આચરણ કરતાં કરતાં આપણે એકબીજાને સહાય કરી, બધા જ સુપંથે ચાલીએ એ સામુદાયિક ભાવનાનો સુપંથ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 210

પ્રાણીમાત્રમાં જિજીવિષા રહેલી છે, એટલે અહિંસા એ ધર્મ છે. એકબીજામાં ભળેલા છીએ, માટે તિરસ્કાર કે કંટાળો ન કરવો. ઈશ્વર સ્મરણપૂર્વક પાપની સાથે લડતા રહેવું જોઈએ. સીધાપણું તે પુણ્ય, વાંકાપણું તે પાપ. વ્રત કે પ્રતિજ્ઞાને નમ્રતાનું પીઠબળ જરૂરી છે. પ્રતિજ્ઞા અને નમ્રતા બંનેની મદદથી વ્રતપાલન થાય. આત્મા શરીરમાં નહીં, પણ વિચારમાં વસે છે. વિચારરૂપી સરોવર વચ્ચે એ કમળની જેમ ખીલે છે અને કરમાય છે. આત્માનું સાચું નિવાસસ્થાન શરીરમાં નહીં પણ વિચારમાં છે. વિચાર મંદિર છે, આત્મા એમાં બિરાજતો દેવ છે. આત્મા રાજા છે, વિચાર મંત્રી છે. વિચારોની લહેર, વિચારોનો ઝરો, જ્યાંથી પેદા થાય છે, જ્યાંથી છૂટે છે, તે સ્થાનનું નામ 'મન' છે. મન ઊપર જ આખા જીવનનો , આત્માનો આધાર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 211

મનુષ્ય બીજાથી અધિક છે, તેમાં કારણ બીજું કાંઈ નહીં જ નથી, પણ તેનામાં પ્રબળ વિચારશક્તિ છે, તે જ છે ગુપ્તબળો. ગુપ્તશક્તિઓનું કેન્દ્રસ્થાન મન છે. માનવજીવનની સંચાલક એ જ સાર્વભૌમ સત્તા છે. મનરૂપી વિજળીયંત્રમાંથી વિચારોના કિરણો ફૂટે છે. ભાવ એ જગતની મૂડી છે, તેથી તે કેવળ પોતાને માટે વાપરવો એ ગુન્હો છે. બીજાને ભાવ આપી શકતો નથી, તે ભાવદરિદ્ર અભાવવાળો અને ભાવશૂન્ય છે. પરને આત્મસમાન ન ગણે તે પોતે પોતાના ભાવથી હણાય છે. વિવેકશક્તિ, ન્યાયબુદ્ધિ, નીતિ, પ્રામાણિકતા, પ્રીતિ, ભક્તિ વગેરે સર્વ સદ્ગુણોને તે હણનારો થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 212

પ્રભુને જે ભાવ છે, તે ભાવ પોતામાં ઉગતો નથી, તે ભાવના વિરહનો વિલાપ, વિરહનું દુઃખ જ્યાં સુધી ન અનુભવાય, ત્યાં સુધી તે ભાવ આવવો શક્ય નથી. ભાવનાં વિરહનો વિલાપ એ જ ભાવ નમસ્કાર. પર એટલે શત્રુ. શત્રુભાવ મોક્ષમાં બાધક છે. મિત્રભાવથી જ તે દૂર થાય છે, તેથી મિત્રભાવ મોક્ષનું સાધન છે. સ્વ અને પર એવો ભેદ વ્યવહારથી છે. આત્મા આત્મા વડે આત્માને આત્મામાં જાણે-જુએ તેને જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. વિચારો એ નકામી વસ્તુ નથી. ઉચ્ચ, પ્રેમાળ અને પવિત્ર વિચારોમાં વધારે બળ હોય છે. ઉચ્ચ વિચારકોનું મનોબળ સામાન્ય હોય તો પણ તીવ્ર મનોબળવાળા, પણ સ્વાર્થી અને અપવિત્ર વિચાર કરનારા દ્વેષી માણસના વિચારો કરતા તેનામાં અનેકગણું બળ રહેલું હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 213

વિચારો જ માણસના ભાવિને ઘડનારા હથિયારો છે. વિચારોની જેટલી ઉચ્ચતા-ભવ્યતા-શુદ્ધતા, તેટલી જ તેની તેજસ્વિતા અધિક. સદભાવના અને સદવિચારોનાં બીજ રોપનાર જ સુખ અને શાંતિના પાક લણી શકે છે. સુખ-દુઃખનાં કારણો એ વિચારોના જ માત્ર પ્રભાવ છે. તાર વિનાના દોરડાની જેમ વિચારો પોતાના સમાન ગુણધર્મી વિચારો સાથે વાતો કરે છે, તેમાં હદ વગરનું ચુંબકત્વ રહેલું છે. વિચારો પરસ્પરને ખેંચે છે. જે વિચારોનું બળ વધારે હોય છે, તે નબળા વિચારોને નમાવે છે, દબાવે છે, શાસન કરે છે. દ્રઢતા અને એકાગ્રતા પર તેનો આધાર છે. વિચાર અને નાદની શક્તિ તો અપ્રતિમ છે. તાલબદ્ધ સંગીતની જેમ તાલબદ્ધ વિચારો પ્રગટવા જોઈએ. મલ્હારથી મેઘ, દીપકથી દીવા પ્રગટયાના દાખલા મોજુદ છે. દ્રઢતા, પ્રબળ ઈચ્છાશક્તિ, શબ્દોના પ્રત્યેક બોલની - અવાજની ધ્રુજારી થાય છે. તે બીજી ચીજો તરફ તે અવાજને લઇ જાય છે અને ધ્રુજારી પેદા કરનાર વિચારકની ઈચ્છા મુજબ કાર્યસિદ્ધિ થાય છે. પ્રત્યેક સ્ત્રી-પુરુષ વિચારશક્તિના એક મહાન અવતારરૂપ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 214

હૃદયમાં પ્રત્યેક જીવાત્મા પ્રત્યે પ્રેમપૂર્ણ અગ્નિ પ્રગટાવવો જોઈએ. મનને સમતોલ-સુખી-શાંત બનાવવાનો, આનંદી અને સુખી કરવાનો એ સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં. પ્રેમ વડે સર્વવ્યાપક એકતાનો સાક્ષાત્કાર કરવો એ જ હૃદયની શુદ્ધિ છે. વૈરીનું વૈર લેવાનો અકસીર ઉપાય એક પ્રેમરૂપી મહૌષધી છોડી, બીજો છે જ નહીં. પ્રેમનું અમૃત જ દ્વેષાગ્નિને શાંત કરે છે. પરામસુખના ઇચ્છુકે પ્રત્યેક જીવ સાથે પ્રેમનું જોડાણ આદરવું જોઈએ. હૃદય સ્વચ્છ કરવાની એ પ્રથમ કૂંચી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 215

'હું સૌનો મિત્ર છું, તેથી કોઈ મારુ શત્રુ રહી શકે તેમ નથી. હું આનંદમય છું, તેથી શોક સ્પર્શી શકતો નથી. હું શક્તિનો ભંડાર છું, તેથી દરેક શક્તિને સાક્ષાત સ્વરૂપે મારામાં પ્રત્યક્ષ કરી શકું છું' આવા વિચારો જીવનને ઉચ્ચ બનાવે છે. પ્રથમ વિશ્વદર્શન, પછી આત્મદર્શન કરી શકાય છે. પ્રચંડ તોફાન પછીનું ગાઢ શાંતિ સમું મુંગુ જીવન પણ સારાયે વિશ્વને માટે એક મહાઆશિર્વાદરૂપ નીવડે છે. પુણ્યભાવનાનાં આંદોલનો અને વિશ્વકલ્યાણ લહરીઓ આખા જગતનું ઉજ્જવળ ભાવિ ઘડવાને સમર્થ થાય છે. તેનાથી જાણે સોનામાં સુગંધ અને દૂધમાં સાકર ભળે છે. પ્રત્યેક વિચાર ક્રિયાના રૂપમાં પરિણમે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 216

જગતનો સર્વ વ્યવહાર અનવરત સ્ફુરણ, કંપ, ધ્રુજારીને આધારે ચાલે છે. પરમાણુથી પર્વતપર્યંત કંપમય અવસ્થામાં છે, તે બધી ચીજોને કંપાવવાની શક્તિ પોતાના વિચારોમાં છે, એમ માની વિચારોને મજબૂત, તાલયુક્ત, કંપમય કરવા જોઈએ. ઉચ્ચભાવનાઓમાં સતત રમણ કરવું, એ જ ઉચ્ચજીવનની દીક્ષા છે. જાપમાં મંત્રની મૂર્તિ ચિત્તમાં ઘડાઈ જવી જોઈએ. મનની ઈચ્છા સ્વ પ્રત્યેથી વાળીને સર્વ પ્રત્યે કરવામાં આવે તો સુખ-દુઃખ, રાગ-દ્વેષ, કામ-ક્રોધની વૃત્તિઓનો અંત આવે છે, કેમકે તેનું ઉત્પત્તિ સ્થાન અસ્મિતા હતું, તે રહેતું નથી. તેનું બીજું સ્વરૂપ અહંકાર છે, તે પણ રહેતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 217

આપણી મૂળ પ્રકૃતિને પરિવર્તિત કરવાનો એકનો એક ઉપાય માનનો સંબંધ જીવાત્મા સાથે ન થવા દેવો અને સર્વાત્મા સાથે કરવો. સર્વના સુખની ઈચ્છા જાગ્યા પછી અહંકાર-મમકારના સ્થાને સમર્પણ અને સેવાભાવ જ ઉભો રહે છે. 'કોઈ ઈશ્વરથી જુદું નથી' એમ માનીને પ્રાણીમાત્રને અનન્યભાવે પ્રણામ કરીએ. ગીતાએ યજ્ઞ, દાન, તપ - એમ ત્રણ વાત કહી છે. મુખ્ય ભાગ્યતો એકજ છે અને તે મારું, તમારું અને સહુનું છે કે આપણે પરમેશ્વરના અંગ, અવયવ ને તરંગ છીએ. એની ચિનગારીઓ છીએ. આ જ એકમાત્ર ભાગ્ય છે, જે સહુ કોઈને મળેલું છે. જે આ એક ભાગ્ય અનુભવશે નહીં, એને બીજા સેંકડો ભાગ્ય મળ્યા હશે, તો પણ એળે જશે. ઈશ્વર એક ચૈતન્યસમુદ્ર છે, તેમાં તરંગો ઉઠે છે ને શમે છે, ઉછળે છે અને પાછા અંદર ભળી જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 218

સ્નેહની માત્રા જેટલી વધશે એટલી બળની માત્રા ઘટશે. Love thy neighbor as thyselfમાં પાડોશી અને પોતાની વચ્ચે એકાત્મકતા છે, બંનેના અંતરાત્મા એક જ છે - એની કબૂલાત છે. કોઈપણ ગ્રંથ કે માણસને માથા ઉપર ચડાવી શકાય નહીં. એ બ્રહ્મવિદ્યા વિરુદ્ધ છે. પોતાના અને અન્યના હંમેશા ગુણ જ જોવા. માણસના દોષ ગુણપ્રાકટ્ય માટે જરૂરી હોય છે. ઉપરનું છીલકું છોડી અંદરનો સાર પકડવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 219

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સમાધિ તો યોગીઓ જ લગાવે. સમાધિમાં શરીર અને સ્થાન ભૂલી જવાય છે. તેવી અવસ્થા યોગીઓને જ નહીં, પણ પોતાના રોજિંદા જીવનમાં દરેક જીવને થતો હોય છે. જીવનમાં જે કાર્યમાં અને જે વસ્તુ ઉપર પ્રીતિ હોય, તેવા દરેક કાર્યમાં જીવ (ક્ષણિક) સમાધિનો અનુભવ કરતો હોય છે. એક પ્રેમી બીજા પ્રેમીની યાદમાં પોતાને શું ભૂલી નથી જતો? અને ક્ષણિક આનંદ નથી અનુભવતો?એ રીતે વિશ્વના સર્વજીવો સાથે પ્રેમ કેળવાય, તો વિશ્વપ્રેમી પરમાત્માની યાદમાં કેટલો આનંદ આવે! એક વાત સુનિશ્ચિત છે કે જેને પોતાની જાત ઉપર કાબુ આવ્યો નથી તે વિશ્વ ઉપર કદી કાબુ મેળવી શકવાનો નથી. જાત ઉપર કાબુ મેળવવા મન પર પૂરેપૂરો કાબુ આવવો જોઈએ. એ ત્યારે જ આવી શકે જ્યારે સર્વત્ર વિલસતું ચૈતન્ય, પોતાની શક્તિ વડે વિશ્વનું સંચાલન કરી રહ્યું છે એ વાત સ્પષ્ટ થાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 220

ઈશ્વરને આપણી, આપણને પદાર્થની ચિંતા હોય છે, તેથી ઈશ્વરને સદા સાથે રાખી, નિર્મોહી થઈ કાર્ય કરીએ. શક્તિ ઇશ્વરની કૃપામાંથી મળે છે અને ઈશ્વરની કૃપા હૃદયની નિર્મલતામાંથી સાંપડે છે. તેવી નિર્મલતાનું અમોઘ સાધન શુભ વિચાર-સાચી અણુશક્તિ છે, જે પ્રયત્નથી જ આવે છે. જે પોતાના વિચારો પરત્વે સજાગ નથી હોતો, તે પોતાની સાચી શક્તિ ખોઈ બેસે છે. શુભ વિચાર કરનારને પહેલી જરૂર ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધાની છે. તે નહીં હોય તો સંસારયાત્રા ફોગટ છે. પોતપોતાના હૃદયમાં જ ઊંડા ઉતરીને જે મનુષ્ય વિચાર કરશે, તેમને ઈશ્વરની હયાતિ વિશે શંકા રહેશે નહીં. જે હૃદયમાં ઉતરી જઈ પ્રશાંત બને છે, તે જ માણસ ઈશ્વરને જોઈ શકે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 221

ઈશ્વરનો વાસ સઘળે છે એ વાત ખરી છે, પરંતુ એનો ઉજ્જવળ પ્રકાશ હૃદયમાં છે. આખા જગત પ્રત્યે પ્રેમ રાખતા શીખવું, કેમકે તેમાં જ પરમાત્માની ખરી ઓળખ છે. હૃદયના ઉપાસકે સંયમ કરવો પડશે. ઉપવાસ અને મૌનને જે વળગી રહેશે, તેઓ જ નવી ચેતનાને પામશે. 'હું ખોવાઈ ગયો છું' એમ કહેવું એ જેમ ખોટું છે, તેમ 'મારો આત્મા દેખાતો નથી' એમ કહેવું પણ જૂઠું છે. પોતાનો આત્મા દેખાય છે એટલે જ તો બહારની ચીજો દેખાય છે. બહારની ચીજોના પ્રત્યક્ષ દર્શનમાં હજુ ભ્રમ હોઈ શકે, પણ એ પ્રત્યક્ષ કરનાર આત્માના દર્શનમાં કોઈ ભ્રમ નથી. આત્મદર્શન હંમેશા અભ્રાન્ત હોય છે. મધ્યાહ્ન સમયે નિરભ્ર આકાશમાં સૂર્ય નથી એમ કહેવું જેમ સાચું નથી, તેમ જીવતા શરીરમાં જીવ નથી, એમ કહેવું પણ અસત્ય છે. આકાશનો પ્રકાશ જેમ સૂર્યને આભારી છે, તેમ દેહમાં જ્ઞાન આત્મદ્રવ્યને આધીન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 222

ઝાડ પોતાને મથી પોતે જ અગ્નિ બને છે. વાટ દીપકની જ ઉપાસના કરી પોતે દીવો બને છે. જે સંસાર સમુદ્ર જેવો તરવો દુર્ઘટ છે, તે પુષ્ટાલંબનના પ્રભાવે ગોષ્પદ જેવો તરવો સુઘટ બની જાય છે. જ્ઞાનમાર્ગ કાચા પારા જેવો છે, ક્રિયામાર્ગ તલવારની ધાર જેવો છે, ભક્તિમાર્ગમાં જ્ઞાનક્રિયા સમાઈ જાય છે, છતાં ઉભયમાંનો એક પણ દોષ રહેતો નથી. દાન દઈને આ આત્માને હળવો બનાવવાનો હોય છે, નહીં કે કીર્તિના સ્થૂળમોહમાં ખેંચાઈને કર્મબંધન કરવાનો હોય છે. દાન દેનારને હલકી મનોવૃત્તિ રાખવા કરતા, દાનની શુભભાવના ભાવીને દાન કર્યા જેટલું પુણ્ય ઉપાર્જન કરવું સારું, પણ મોહને વશ થઈ, દાન કરીને પણ ભવિજનો માટે પાપમાં પડવું સારું નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 223

પ્રભુના આત્મદ્રવ્યની પૂજા પોતાના આત્મદ્રવ્યની પૂજાસ્વરૂપ જ છે. પ્રભુનું ધ્યાન એ પોતાના આત્માનું જ ધ્યાન છે અને તેથી ય કાંઈક વિશેષ છે. પ્રભુના ભાવનું બહુમાન એ પોતાના ભાવને ઊંચો લાવવાનું સાધન છે. ભાવથી ભાવ વધે છે. સજાતીયને સજાતીય મળવાથી બંનેની શક્તિ વધે છે. અખંડ દીપ ધ્યાન ધરવામાં મદદગાર થાય છે. દરેક માણસના હૃદયમાં રજોગુણી, તમોગુણી કામ-ક્રોધના તોફાન ચાલતા હોય છે. તેને સમાવવા દિવ્યતત્વોની આરાધના કરવી જોઈએ. તેમનું ધ્યાન કામ-ક્રોધથી મુક્તિ અપાવે છે. પડતી પહેલાં અભિમાન આવે છે. Pride comes before fall.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 224

The self should be perceived, heard, considered and contemplated upon. Pain, birth, effort, faults, and erroneous knowledge: by the destruction of these five, the salvation follows. જ્યાં પ્રેમ છે, ત્યાં ક્ષેમ છે. જ્યાં વૈર છે, ત્યાં નાશ છે. હૃદયના માર્ગને ઈશ્વરની ઓળખનો માર્ગ કહ્યો છે. બુદ્ધિનો માર્ગ અનેક તર્કવિતર્કોમાં ગૂંચવી નાખે છે, એ માર્ગ ભ્રાંતિનો છે. એ માર્ગે કોઈપણ મનુષ્યને સ્થિર નિશ્ચય થતો નથી. બુદ્ધિનો માર્ગ ઇન્દ્રજાળનો છે. એ માર્ગને અંત નથી. એ માર્ગોનો મુસાફર આખરે થાકી જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 225

જગતમાં ઈશ્વરનું ધાર્યું નથી થતું તો કોનું ધાર્યું થાય છે? આપણી સફળતા કે નિષ્ફળતા આપણાં જ પ્રયત્ન કે અપ્રયત્નને આધીન નથી. અહંકારના વાવાઝોડામાં બુદ્ધિ હરાઈ જાય છે. ‘આપણને ગમ્યું તે સારું અને ન ગમ્યું તે ખરાબ' એવું માનવનો રોગ અહંકારના કારણે છે. અહંકાર આજનો નથી. પેઢી દર પેઢી વારસાગત વસ્તુ છે. તે આપણો સ્વભાવ બની ગયો છે. ભગવાનની કૃપા વગર સ્વભાવ બદલાય નહીં. ઈશ્વરને ઓળખવામાં અહંકાર આડો આવે છે. જે ઈશ્વરનો અનન્ય ભક્ત હોય છે, તે ઈશ્વરની પાસે કદાપિ કોઈપણ પદાર્થ માંગતો નથી. ઈશ્વરમાં એની શ્રદ્ધા મક્કમ હોય છે કે ઈશ્વર એને જે આપે છે એ ઉત્તમ છે. એવું માની તે આનંદમાં રહે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 226

કૃતજ્ઞતા ગુણની સિદ્ધિ માટે 'બીજાથી જ આપણું ભલું થાય છે' એમ માનવું જોઈએ. અપ્રમાદ ગુણની સિદ્ધિ માટે 'આપણે કરીએ તો જ આપણું ભલું થાય' એમ માનવું. પાપનો ત્યાગ, કુશળમાં પ્રવૃત્તિ, વર્તનમાં વિનય. આ ત્રણની પ્રાપ્તિ જ્ઞાન વિના થતી નથી. જીવનના પ્રશ્નો ઉકેલવા માત્ર તર્ક કે બુદ્ધિ ઉપર આગ્રહ રાખવો યોગ્ય નથી. ભાવનાથી મલિનતા તથા એકાગ્રતાથી ચંચળતા જીતાય છે. ઈશ્વરે આપણને ડહાપણ સાથે અંતઃકરણ પણ આપ્યું છે. અંતઃકરણનો અવાજ પિછાણતા શીખવું જોઈએ. તે દયા અને કરુણાનો જ હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 227

There is no such thing as matter. The external world is merely the creation of our own minds. That which exists is real. Reality is existence. All is one because all exists. One soul. One universe. Existence is all inclusive. જીવંત યોગીઓના અનુભવસિદ્ધ શબ્દોમાં એક પ્રકારની વિદ્યુતશક્તિ ભરેલી હોય છે. એ શબ્દો પ્રાકૃત મનુષ્યને ઊંચી ભૂમિકા તરફ પ્રયાણ કરાવવા માટે હોય છે. સંત મહાત્માઓ સ્થૂળ દેહના વિલય વખતે પોતાનું તત્ત્વરૂપ અસ્તિત્વ ગુમાવતા નથી, પરંતુ જ્યોતિર્મય શરીરરૂપે સાચવી રાખે છે. આવા જ્યોતિર્મય શરીરને સ્થળ અને કાળની મર્યાદા હોતી નથી અને તે કદી જીર્ણ થતું નથી. સામાન્ય મનુષ્યોને ભૌતિક જીવન અને ભોગ વિલાસ સિવાયની બાકીની સૃષ્ટિ ભ્રમ લાગે છે, કારણકે તેમની ચેતના કેવળ અન્નમયકોશ અને પ્રાણમયકોશ સુધીની જ હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 228

સંતો અને પામરોના શરીર એકસરખા જ છે. કોઈપણ મંદિરમાં જેમ ચૂનો, માટી તથા ઈંટો છે અને એક શૌચગૃહમાં પણ તે જ છે. ચૂનો, માટી અને ઈંટોને જ જે મનુષ્ય જુએ છે, તેમને મન એ બન્ને સરખા છે, પણ તે બંને વસ્તુઓ નિરાળી છે. એક જ વિષયમાં અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારના તર્કો મળી આવે છે. ઈશ્વરને સૃષ્ટિકર્તા સિદ્ધ કરવા માટે જેમ તર્ક મળે છે, તેમ ઈશ્વરના સૃષ્ટિકર્તૃત્વનો અભાવ સિદ્ધ કરવા માટે પણ તેનાથી વિપરીત તર્કો પણ મળે છે. એટલે તર્ક કોઈ વાતનો નિર્ણય કરવા માટે નિશ્ચિત પ્રમાણ નથી, છતાં પણ આ યુગમાં તર્કનું આધિપત્ય તો છે જ. કોઈપણ ન્યાયાધીશ કોઈપણ કેસનો યોગ્ય નિર્ણય તો જ આપી શકે છે કે જ્યારે તે વાદી-પ્રતિવાદી ઉભયના તર્કો સાંભળી લે છે. એ રીતે તર્ક યોગ્ય નિર્ણય લાવવામાં સહાયરૂપ બને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 229

શિક્ષણ યોજના પાછળ કોઈ દર્શન જરૂર હોવું જ જોઈએ. એ દર્શનનું ધ્યેય વિધાર્થીઓમાં મહાન ભાવના જાગૃત કરવાનું રહેવું જોઈએ. લેખન-વાંચનને જ શિક્ષણ માનવું, એથી મોટો કોઈ ભ્રમ નથી. લેખન-વાંચન સંસ્કૃતિ મેળવવાનું સાધનમાત્ર છે પણ તે જ એક માત્ર સાધન કે સૌથી મોટું સાધન નથી. ચમત્કારના નામે છેતરપિંડી અને પવિત્રતાના નામે પાખંડ અને દંભ ચાલતા હોય તેને અટકાવવા જોઈએ. દિવ્ય જીવન માટેની તૈયારી તે સાધુજીવન. ઈશ્વરના કુશળ સંદેશવાહક એવા ધર્મગુરુના વ્યવસાય માટે પણ ડૉકટર, વકીલ કે દરજીના વ્યવસાયની જેમ નક્કર તાલીમની આવશ્યકતા છે. ધર્મગુરુનું કાર્ય ઈશ્વરને માનવીની સમીપ લાવવાનું છે. તેનામાં માનવ અને ઈશ્વરનું મિલન થવું ઘટે છે. ધર્મગુરુ અધિકૃત અનુસંધાયક છે. તે ઈશ્વર-માનવી વચ્ચે પુલની ગરજ સારે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 230

સામુહિક જીવન એ સામાજિક સદ્ગુણોનો પાયો છે. ગમે તે પ્રવૃત્તિમાં પ્રાર્થનાની અને ધાર્મિક આદર્શ પ્રત્યેની સમર્પણની ભાવનાથી ચિત્ત સદા યુક્ત રહેવું જોઈએ. વિશાળ અને ઊંડા એવા જ્ઞાન વડે તથા આજના પરસ્પર વિવિધ વિચારપ્રવાહો વચ્ચે સામાન્ય જનતાના પથ પ્રદર્શક બનવાનું છે. તત્ત્વજ્ઞાન એ કેવળ મગજની મજૂરી કે પાન્ડિત્યનું કે પારિભાષિક શબ્દોનું પ્રદર્શન નથી, પરંતુ આંતરિક શક્તિ કેળવવાનું શાસ્ત્ર છે. જે શાસ્ત્ર કંઈ પણ ફળ ન પ્રગટાવે અને ફક્ત શબ્દોમાં રચ્યું-પચ્યું રહે, તે શાસ્ત્ર અજાગલસ્તનની જેમ વિફળ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 231

કેટલીક વૃત્તિ શુભ-અશુભ તરીકે વિરોધી અને કેટલીક આદરણીય હોવા છતાં પરસ્પર વિરોધી હોય છે. અલ્પશક્તિ અને વાતાવરણની પ્રતિકૂળતા ઘણી વખત ' મારી આરાધના નકામી તો નહીં જાય' એવો સંશય ઉત્પન્ન કરે છે, પણ ખરી રીતે એવું બનતું હોતું નથી. અમુક હદ સુધી પહોંચ્યા પછી આત્મા તો ખરેખર ઉત્તરોત્તર વિકાસ જ સાધતો હોય છે. જેટલું શુભ કાર્ય કરો એટલું ઉપયોગપૂર્વક અને મનને બરોબર કાબુમાં લઈને કરો, તેથી સાણસારૂપી જ્ઞાનથી મૂળ વસ્તુ પકડાશે. અભ્યાસ કરી વર્તનમાં ઉતરે એવો પુરુષાર્થ કરવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 232

શરીર ટકાવી રાખવા માટે જેમ ખોરાકનું ઘણું મહત્વ છે, તેમ મનની તંદુરસ્તી, સ્વસ્થતા અને શાંતિ ટકાવવા માટે પ્રાર્થના એ ખોરાકની ગરજ સારે છે. પ્રાર્થના મન દ્વારા થતું ધાતુવૈષ્મય અટકાવે છે અને એથી એક ઔષધિ બને છે. પ્રાર્થનાનો સાચો અર્થ એ છે કે રોજિંદા જીવનમાં માણસે થોડા વખત એવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જે દ્વારા રોજિંદા જીવનના તમામ કાર્યો ભૂલી જવાય. જીવનમાં પેદા થયેલા રાગ-દ્વેષ વિસરાય જાય. એ વિસરવા માટે કોઇ પરમ શક્તિમાં જાતને લીન કરી દેવી એનો જ અર્થ પ્રાર્થના છે. પૂજા-પાઠમાં પણ આવેલી મનની એકાગ્રતાથી શક્તિનો વિકાસ થાય છે, ઉશ્કેરાયેલી વૃત્તિઓ અને આઘાત પામેલી ધાતુઓ શાંત થાય છે. આ શાંતિ અને સ્વસ્થતા આરોગ્ય ઉપર ઘણી મહત્વની અસર કરે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 233

ગમે તેવો હોશિયાર રસોઈયો હોય તો પણ દાળ, ચોખા, લોટ, ઘી, શાકભાજી વગેરે સામગ્રી સિવાય રસોઈ બનાવી શકતો નથી. માટે પહેલા સાધનબસંપન્ન થઈને પછી જ યોગાભ્યાસમાં પ્રવૃત્તિ શરૂ કરવી. જે મનુષ્યનું મન બગડે છે, તે મનુષ્યનો સ્વભાવ પણ બગડી જાય છે. બગડેલા સ્વભાવના લક્ષણો જોઈએ તો અસંયમ, અસત્ય, ઈર્ષ્યા, દંભ, ક્રોધ, હિંસા, કપટ વગેરે દુર્ગુણોમાં સૂક્ષ્મરોગો સમાયેલા છે. બગડેલ સ્વભાવ ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ કરે છે, તેથી ઇંદ્રિયો પોતાની તેજસ્વિતા, તીવ્રતા, કાર્યશીલતા ગુમાવે છે. ઇન્દ્રિયોની આ સ્થિતિને જ આપણે સ્થૂળરોગના નામે ઓળખીએ છીએ. જીભનો અસંયમ આંતરડાના રોગો કરે છે, તેમ જ જીભ અસંયમી બની ગમે તેવી વાણી ઉચ્ચારે તો જીભ સાથે સંકળાયેલ મગજના જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચાડે છે, તે જ પ્રમાણે બધી ઇંદ્રિયો તેઓના અસંયમી વ્યવહારથી જ તે તે સર્વ રોગોને લાવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 234

બહુ બોલનાર માણસની જીવનશક્તિ ઘસાઈ જાય છે. સામાન્ય રોગનો તે ભોગ થઈ પડે છે. જીવંશક્તિનો આધાર તેજ ઉપર છે અને તે તેજ તે અસત્યમાં વેડફી નાંખે છે અને તેથી તેજહીન બને છે. અસત્ય ઉચ્ચારતા હૃદય અને મગજના જ્ઞાનતંતુઓ બુઠ્ઠા બને છે. લાંબે ગાળે તે હૃદયના રોગ, ગાંડપણ, પથરી, લકવો વગેરે રોગોથી પીડાય છે. અભિમાની માણસમાં વાયુ-પિત્ત-કફ ત્રણેય એકીસાથે ઉત્પાત મચાવે છે. તે આ ત્રણેથી જનિત નાના-મોટા રોગોથી પીડાતો રહે છે. ઈર્ષ્યા કરનારમાં પિત્ત વધે છે. દંભ શરીરમાં કફના પ્રમાણમાં ગડબડ પેદા કરે છે અને શરીર ભરેખમ થઈ જાય છે. શરીરનું બેડોળપણું, ગેસ તથા કફજન્ય રોગો પણ દંભનું જ પરિણામ છે. ક્રોધ કરવા માટે મગજને કિંમતી એવો ઓજસનો ખૂબ જ ઉપયોગ કરવો પડે છે, પરિણામે જીવનશક્તિ ક્ષીણ થઈ જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 235

સોનુ, રુપું, હીરા, મોતી બહુમૂલ્ય છે, પરંતુ મનુષ્યના હૃદયમાં રહેલી દૈવી સહાનુભૂતિ રૂપિયા-પૈસાની અપેક્ષાએ ઘણી મહાન તથા પ્રભાવોત્પાદક છે, માનસિક રોગની અમોઘ ઔષધી છે. સહાનુભૂતિ દેવા-લેવાવાળા ઉભયને લાભ પહોચાડી ગુપ્ત દુઃખો, દલિત ઈચ્છાઓ અને માનસિક જાતિલતાઓનો તરત અંત લાવનારી છે. ચિંતા સમાન કોઈ અગ્નિ, દ્વેષ સમ કોઈ વિષ, ક્રોધ સમાન કોઈ શૂલ અને લોભ સમાન કોઈ જાલ નથી. જો મનુષ્ય પોતાના હૃદયની વ્યથાને બીજા સમક્ષ પ્રગટ કરી દે અને થોડી સહાનુભૂતિ પ્રાપ્ત કરી લે, તો તેથી તેને માનસિક શાંતિ મળે છે, કુચિંતનની શૃંખલા તૂટી જાય છે અને વ્યાધિઓ દૂર થઈ જાય છે. રોગીના અંતરમનમાં દ્વંદ્વ હોવાને કારણે જ રોગોની ઉપસ્થિતિ થાય છે. જ્યારે તે અંતરદ્વંદ્વનો અંત આવે છે, ત્યારે રોગનો પણ અંત આવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 236

માણસને મારવા કરતાં મનને મારવામાં વધારે વીરત્વ જોઈએ છે. ઇન્દ્રને જીતનારા કરતા ઇન્દ્રિયોને જીતનારો શ્રેષ્ઠ છે. ધ્યાન એ નવા વિચારો મેળવવા માટે નથી કિન્તુ વિચારશક્તિ કેળવવા માટે છે. સાચા ખેલાડી હાર-જીતને ગૌણ માને છે અને 'રમતની ખાતર રમત' એ સિદ્ધાંત સ્વીકારી, રમતની એકેએક ચાલમાં રસ લે છે. જીવનનું દરેક કાર્ય રમતની રીતે કરાવું જોઈએ. જીત મેળવવાની દાનત રમતનો આનંદ હરી લે છે. રમતનું સાચું ફળ હાર-જીત નથી, પરંતુ આનંદ કરવાની વધુ શક્તિ પેદા થાય તેવું શરીર ખીલે તે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 237

જગત નસીબથી નહીં, નિયમથી ચાલે છે. મુખ ઉપરથી ડહાપણ અને નેત્ર ઉપરથી આચરણ જોવાય છે. એવા માણસમાં સેતાનનો જરૂર વાસ છે, કે જે પોતાના મિત્રોની ભૂલ જોઈ શકતો હોય, પોતાની નહીં. મીઠા વચને માથું પણ મળે. વિદ્યા એ ગુરુનો પણ ગુરુ છે. Act well your part and there all the honour lies.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 238

દુર્ગતિ તરફ જઈ રહેલા જીવોનો ઉદ્ધાર કરીને તેમને પુનઃ શુભસ્થાને સ્થાપે તે 'ધર્મ' કહેવાય છે. કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે. ધર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નિર્ભયતા પ્રાપ્ત થાય છે. આચારશૂન્ય વિચાર પાંગળો છે. વિચારશૂન્ય આચાર આંધળો છે. પાંગળો આંધળાની પીઠ પર ચઢીને અને આંધળો પાંગળા પાસેથી માર્ગદર્શન મેળવીને ઇષ્ટ સ્થાને પહોંચી શકે છે. સંતોષ સ્વરૂપ ઐશ્વર્યથી સુખી, ચીરકાળ સુધી પ્રશાંત ચિત્તવાળા શાંત જીવોને રાજ્યનું સામ્રાજ્ય જુના પીળા પડી ગયેલા ઘાસ સમાન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 239

નાનો સંકલ્પ પ્રભુને અને મોટો સંકલ્પ લોકોને ગમતો નથી. તુકારામે કહ્યુ કે 'આખા સંસારને હું સુખી કરીશ.' પ્રહલાદે કહ્યું કે 'બધાને સુખી કર.' આવા સંકલ્પોની લોકો ભલેને મશ્કરી ઉડાવે, પણ એ સંકલ્પ પ્રભુને ગમે છે અને પ્રભુ જ તમારી પાસે એ સંકલ્પને સાકાર કરાવે છે. બુદ્ધિ વપરાશથી વધે છે, શ્રદ્ધા વાપરવાથી ઘટે છે. જે લોકો પ્રભુના થાય એ જ કામદેવને જીતી શકે છે. ધ્યેયનિષ્ઠ માણસોનો કામ ઓછો થાય છે. પ્રભુનિષ્ઠ માણસનો કામ બદલાય છે. કામનાનું આકર્ષણ પ્રભુના આકર્ષણથી ઓછું થાય છે. સાધુઓ વિષય-વાસનાના વસ્ત્રો ઉતારી, સંકલ્પ-વિકલ્પ છોડી, નગ્ન બની, જ્ઞાની પ્રભુના ખોળા તરફ પહોંચી જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 240

આત્મસંયમના ૮ ઉપાયો: ૧. યોગ્ય જોવું, સાંભળવું, પરિચય કરવો એ સંસર્ગ છે. અયોગ્ય સંસર્ગ-દર્શન-શ્રવણ-સ્પર્શન વર્જવું. ૨. પ્રત્યેક દુર્ગુણના ભયંકર પરિણામોનો વિચાર કરવો. ૩. દુરાચારના નુક્શાનો અને સદાચારના લાભો વિચારવા. ૪. મૃત્યુનો વિચાર મનમાં લાવવો. ૫. દર્શન-શ્રવણ-સ્પર્શનાદિ વડે સંયમીનો પરિચય કરવો. ૬. પરમેશ્વરના ગુણોનું ચિંતન કરવું. ૭. 'પરમેશ્વર સર્વવ્યાપી છે' એ વાતનો વિચાર કરવો. ૮. આત્મબળનો વિચાર કરવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 241

અમુક વિષયોનો અભ્યાસ કરવો તે વિદ્યા. પાંચ ઇંદ્રિયો તથા મનની ક્રિયા જાણવી તે જ્ઞાન. અનુભવ એ મોટો શિક્ષક છે પણ તેની ફી જબરી છે. હિંસાની જડ મનુષ્યની સ્વાર્થવૃત્તિ, લોભવૃત્તિ, મોહમમત્વની ભાવનામાં છે. તેને પલટાવવાની રીત ક્રમે ક્રમે સ્વાર્થ ત્યાગ કરવાના પ્રયત્નોમાં છે. તે કાર્ય દાન, શીલ, તપ અને ભાવધર્મ વડે સધાય છે. પોતે કરેલા ઉપકારને અને બીજાએ કરેલા પોતા ઉપરના અપકારને વિસ્મરણ શક્તિ વડે દૂર કરવા. બીજાએ કરેલા ઉપકાર અને પોતે કરેલા અપકારને સ્મરણ કરવાની શક્તિ વડે ન ભૂલવો એ લાભદાયી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 242

જેમ દોડ્યો જતો હોય દડો, પરાણે રોક્યો ન રોકાય. તેને કદી ઠોકર મારો તો કેવી રીતે તે બંધ પડે બિચારો? તેવી રીતે નીચ પથે જનારું સદા છે આ અંતર તમારું, તેને કદી જો અનુકૂળ થશો, તો ખેલમાં આખર ખોટ ખાશો. જે ચક્ષુ સુલટા રાખી જગતના પદાર્થો જોઈએ છીએ, તે ચક્ષુને જગતના પદાર્થો જોવાના કામમાંથી રોકી, બાહ્યદ્રષ્ટિ બંધ કરી, આંતરદ્રષ્ટિએ જોશો, તો તમને પોતાને પોતાથી પોતામાં પરમાત્મા જણાશે. દેહ, યૌવન, આયુષ્ય અને લક્ષ્મી - સર્વે ક્ષણિક છે. જન્મ, જરા અને મરણ વાસ્તવિક છે. ઈશ્વરી સૌંદર્ય આગળ સર્વ સૌંદર્ય અતિ તુચ્છ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 243

વસ્તુઓની વિવિધતામાં સમત્વ નિહાળવું એ જ્ઞાન. વસ્તુઓની વિશિષ્ટતાઓનું વિશ્લેષણ કરવું તે વિજ્ઞાન. જ્ઞાન એ યોગથી અને વિજ્ઞાન એ પ્રયોગથી પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી નિર્વાણ અને તેથી મોક્ષ મળે છે. વિજ્ઞાનથી નિર્માણ અને તેથી વિકાસ શક્ય છે. જ્ઞાન એ આંતરિક નિરીક્ષણનું પરિણામ છે. વિજ્ઞાન એ બાહ્ય પરિક્ષણનું પરિણામ છે. બંનેનો યથાર્થ ઉપયોગ એ સમ્યગજ્ઞાન. બંનેનો વિપરીત ઉપયોગ તે અજ્ઞાન. માનવનું સ્વાસ્થ્ય બે શક્તિઓ પર અવલંબે છે: એક બુદ્ધિ, બીજું હૃદય. બુદ્ધિ સૂક્ષ્મ અને હૃદય વિશાળ જોઈએ. બુદ્ધિ તીક્ષ્ણ જોઈએ, હૃદય કોમળ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 244

મનુષ્ય સ્વભાવની એક વિચિત્રતા છે: તે બુદ્ધિના ક્ષેત્રે બીજા કરતા નીચી કક્ષાએ હોય તો તે સહી શકતો નથી. બુદ્ધિતત્ત્વ મનુષ્યનું વધારે આત્મીય તત્ત્વ છે. હૃદયતત્ત્વની વાત તેથી વિપરીત છે. પ્રેમભાવમાં બીજા આપણાંથી ચડિયાતા રહે એમ ઇચ્છીએ છીએ. બુદ્ધિમાં કોઈ આપણાંથી વધી જાય અને આપણાં પ્રત્યે પ્રેમભાવ રાખવામાં બીજાઓ ઘટી જાય એ સદા અનિષ્ટ લાગે છે અને એથી જ દુઃખ અને દ્વંદ્વની સૃષ્ટિ વધે છે. સર્વની સુખશાંતિ માટે હૃદયમાં પ્રેમભાવ વધારતા રહેવું જોઈએ અને જ્ઞાનમાં બીજાની વૃદ્ધિ જોઈ રાજી થવું જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 245

'સમત્વ વધારવું' એટલે હ્રદયતત્ત્વની લંબાઈ-પહોળાઈ વિસ્તારવી. એ જ્ઞાનનો ખરો સદુપયોગ છે. બુદ્ધિતત્ત્વની તિક્ષ્ણતાથી વધુ ઊંડાઈમાં સંચાર એ વિજ્ઞાનનો વાસ્તવિક ઉપયોગ છે. જ્ઞાન, વિજ્ઞાન, અજ્ઞાન અને સામ્યગજ્ઞાન - એ ચારેનો મર્મ સમજી સ્વભાવનું ઘડતર થાય, તો મનુષ્યત્વનો ખરેખરો સાચા માર્ગે અને સર્વાંગીણ વિકાસ થાય. કર્મની ગતિ ગહન છે. કર્મ-અકર્મ-સત્કર્મ-અસત્કર્મના વિચારમાં કવિઓ પણ મૂંઝાય છે. ક્રિયા પાછળ રહેલા મન વડે કર્મ-અકર્મ આદિનો નિર્ણય કરી શકાય છે. એક જ ક્રિયામાં પણ કર્તાઓની ભાવના ભિન્ન-ભિન્ન હોવાથી કર્મબંધનોમાં મોટો ફેર પડી જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 246

બીજાના સુખની ભાવનાથી થતું કર્મ એ પુણ્ય છે, તેનું ફળ સુખ હોય છે. બીજાને દુઃખ આપવાની ભાવનાથી થતું કર્મ એ પાપ છે, તેનું ફળ દુઃખ હોય છે. આસક્તિરહિત સહજભાવે થાય તે શુદ્ધ ધર્મ છે. તેનું ફળ શાંતિ છે. એના અભ્યાસથી અકર્માવસ્થા થાય અને તેનું ફળ મુક્તિ છે. મોક્ષ અને કામ, ધર્મ અને અર્થ - એ રામ-લક્ષ્મણ કે ભરત-શત્રુઘ્ન સમા જોડકા છે. ભોગ જો ત્યાગપૂર્વક કરવામાં આવે તો આનંદ આપે છે. રામને આગળ કરવામાં લક્ષ્મણની શોભા છે. ધર્મપૂર્વકનો અર્થપૂરુષાર્થ આનંદદાયક છે. પૂર્વની ધાર્મિક સંસ્કૃતિ વડે જ પશ્ચિમની અર્થસંપન્નતા કલ્યાણકારક થઈ શકે છે. આ રીતે ચારે પુરુષાર્થ ચિત્તકુટી ઉપર મળીને જીવનને સંપૂર્ણ બનાવી શકે છે. જ્ઞાનવિહીન કર્મ આંધળાની દોટ છે. કર્મવિહીન જ્ઞાન લંગડાની ચાલ છે. આંધળું કર્મ પાંગળા જ્ઞાનને ખાંધે બેસાડીને ચાલે, તો લક્ષ્ય પ્રાપ્ત કરી શકે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 247

Mental attitude is a far more powerful factor in your daily, hourly existence than perhaps you imagine. Your thoughts, not your body, is your real self. Your thought is as real as blood, muscle and skin. It goes from you to others, acts on them, moves and influences them. This is your real power and as you learn how to control and project it, you will come to play successfully a greater part. 'જગત જડમાત્રનું બનેલું છે' તેમ કહેવું ખોટું છે. ડાર્વિનનો સિદ્ધાંત જડવાદ નહિ પણ ચૈતન્યવાદની ઉત્ક્રાંતિ પર ઘડાયેલો હોવો જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 248

ધ્યાનની શક્તિ મારફતે જ ચક્રોનું વેધન થઈ શકે છે. તે માટે મનની એકાગ્રતા જરૂરી છે. એકાગ્રતામાં વિલક્ષણ શક્તિ રહેલી છે. મન એકાગ્ર કર્યું હોય તો બધા પ્રશ્નોનો ઉકેલ સહેલાઈથી થઈ શકે છે. સૂર્યના છુટાછવાયા કિરણોને સૂક્ષ્મદર્શક કાચમાંથી કેન્દ્રિત કરી રૂ ઉપર પાડવામાં આવે તો રૂ સળગી ઉઠે છે. છુટાછવાયા કિરણોમાં એ શક્તિ નથી. મહાપુરુષો પ્રયત્ન અને બ્રહ્મચર્ય વડે એકાગ્રતા સાધીને જ સિદ્ધિ મેળવે છે. એકાગ્રતાથી બ્રહ્મગતિને પામવાની શક્તિ પણ ઉત્પન્ન થાય છે યાને એ શક્તિને ગતિવાન કરીને બ્રહ્મમાં જોડી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 249

જેવી રીતે રેડિયો સાંભળવાની ઈચ્છા થાય, ત્યારે પહેલાં લાઈટ કરવામાં આવે છે, તેના પ્રભાવે તે ગરમ થાય. પછી એ તેજમાંથી જે સાંભળવું હોય, તે તરંગો દ્વારા મૂકી-સાંભળી શકાય છે, તેમ ચિત્ત અથવા મનની એકાગ્રતા હૃદય તરફ બરાબર કરવાથી એક પ્રકારનો આત્મિક ઉર્જા - પ્રકાશ અનુભવાય છે. તેની મદદથી જે કાંઈ જોવું, સાંભળવું કે મેળવવું હોય તે મેળવી શકાય છે. સર્વ વિચારોની ઉત્પત્તિનું મૂળ આત્મા છે. સત્તામાં રહેલી શક્તિઓ શુભ વિચારો દ્વારા બહાર આવે છે. અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરની છે. એક દિવસનો અભ્યાસ સ્ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખાધ પડે છે, હાનિ પહોંચે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 250

પ્રાણની ભૂમિકા ઉપર કામ અને ક્રોધ એક જ છે. ક્રોધની લાગણી ઉત્પન્ન થતા તેની અસર જ્ઞાનતંતુઓ ઉપર થાય છે અને વ્યક્તિનું અંગ વિકૃત થઈ જાય છે. તે ગમે તેમ બોલવા લાગી જાય છે, મારામારી કરે છે. પ્રાણની લાગણીઓનો સ્વાભાવિક જ નિયમ છે કે ઊંચે ન ચઢતાં, નીચે ઉતરી જ્ઞાનતંતુઓ ઉપર અસર કરી, શરીરને સ્થૂળક્રિયામાં યોજવું. જો વ્યક્તિનું માનસિક બંધારણ અતિ મજબૂત હોય, તો તે પ્રાણના બળને પ્રાણની ભૂમિકા ઉપર જ ટકાવી રાખે છે. તે સ્થૂળ બ્રહ્મચર્ય તો પાળી શકે છે, અક્રોધી રહી શકે છે, પરંતુ પ્રાણનાં બળોને એવી રીતે અટકાવવાથી તેઓ કદી નાશ પામી જતા નથી. જરાપણ માનસિક દબાણ ઓછું થતાં જ તે પાછા સ્થૂળક્રિયાઓમાં પ્રેરાઈ જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 251

પ્રાણીમાત્રને બે ઈચ્છા કુદરતી હોય છે: મને સુખ મળો અને મારું દુઃખ ટળો. તેમાં 'સર્વને સુખ મળો' અને 'સર્વનું દુઃખ ટળો' એટલો ઉમેરો થઈ જાય તો તે શુભેચ્છા બને છે, અશુભભાવ ટળી શુભભાવરૂપ થાય છે. તેને શુભાત્મ પરિણામ પણ કહેવાય છે. Fatalism એ નિયતિ કે નસીબવાદ નથી, પણ અનાસક્તિ, લીનતા અને સમર્પણની એક ભાવના છે. સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ સ્વર્ગના દ્વારે સ્વાર્થીને પ્રવેશ મળવો મુશ્કેલ છે, માટે પરાર્થ કરવું. ત્યાગ કરવામાં ભોગવવા જેટલો જ આનંદ જેઓને આવે છે, તે દાનવીર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 252

ઈશ્વરનું નામ લેવું એ કોઈ દૂરના ધ્યેયની સાધના નથી, પણ ધ્યેય પોતે જ છે. લક્ષ્ય એ માર્ગ માટે નથી, પણ માર્ગ એ લક્ષ્ય માટે છે. માર્ગ એ લક્ષ્યનું પ્રતીક છે અને 'લક્ષ્ય સુધી પહોંચવા માટે જે કરવું પડે તે બધું હું કરીશ' એવા સંકલ્પનું પણ પ્રતીક છે. જળમાંથી દૂધ અલગ કરે તે હંસ, જડમાંથી ચેતન પ્રાપ્ત કરે એ પરમહંસ. મન વશ ન કરે તે મરે, મન વશ કરે તે તરે. આપણાં દુઃખો એટલા માટે હોય છે કે આપણે પ્રભુ અને આત્મા તરફ વિશેષ દ્રઢતાથી જઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 253

જો આપણે વિચાર અને આચાર વચ્ચેનું અંતર ઓછું કરવું હોય, તો જે વિચાર આપણે અપનાવ્યો હોય, તેના ઉપર મનન અને ચિંતન કરવું જોઈએ. વિચારને મનમાં ખૂબ દ્રઢ કરવાથી એને વિષે પ્રતીતિ થાય છે. એ વિચાર સત્ય જ છે અને આચરણીય છે, એમ મનમાં દ્રઢ સંકલ્પ થાય છે. કોઈ વિચારને 'માનવાની' કક્ષા એ પછી જ શ્રદ્ધા અને નિષ્ઠામાં પરિણમે છે. આપણા ઘણા ખરા આચરણ રૂઢિ, રિવાજ, ટેવને અનુસરે છે. ઘણીવાર એની પાછળ બુદ્ધિનું ચિંતન હોતું નથી. સહેજ વિચાર કરીએ તો ઘણીવાર આપણા આચાર - વિચાર વચ્ચેનું અંતર આપણને નવાઈ પમાડનારું અને શરમ ઉત્પન્ન કરનારું લાગશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 254

જો આપણું આચરણ આપણા વિચારને સુસંગત ન હોય, તો આપણા જ વિચારની આપણને જ કીંમત જ નથી એમ સિદ્ધ થાય છે. આચરણના ચીલામાંથી બહાર નીકળવું હોય, તો મૂલ્ય પરિવર્તનનું બળ આવશ્યક છે. જે તટસ્થતાથી બીજા વિષે વિચાર કરીએ છીએ, તે જ તટસ્થતાથી આપણા વિષે પણ વિચાર કરવો જોઈએ. માન્યતા અને આચરણમાં ભેદ લાગે ત્યારે આચરણ એ માન્યતાની કસોટી છે એમ માનવું. એ માટે સમય-શક્તિ-ધનનો કેટલો ભોગ આપવાને તૈયાર છીએ, એ જ આપણી શ્રદ્ધાનું માપ છે. મારી જિંદગીનો આજે છેલ્લો દિવસ છે એમ માનીને મનની સ્થિરતા-સ્વસ્થતા સંગે રોજે વર્તન કરવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 255

જિંદગીની સુખની કે દુઃખની ક્ષણો... બંને તરફ જ્ઞાનીની તટસ્થતાથી જોતાં શીખો. આ જગતમાં જન્મ લેવાનો કદાચ એક જ હેતુ હોય. સુખ વખતે ઉદાર બનો - ઉદારતા કેળવો. દુઃખ વખતે વધુ વિરક્ત બનો - વૈરાગ્ય વધારો. દરેક મુશ્કેલીનો કાંઈ ને કાંઈ ઉકેલ હોય જ છે. If you will do good deeds, God shall supply all your needs. The best is yet to be. કોઈપણ જીવના સુખનો નાશ કરવો તે હિંસા, તેથી પાપ બંધાય. કોઈપણ જીવના દુઃખનો નાશ કરવો તે દયા, તેથી પુણ્ય બંધાય. Do not tell what you can do, show it.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 256

ખોરાક-હવા-પાણીની અશુદ્ધતા કરતાં ઇન્દ્રિયોની અશુદ્ધતા, તેના કરતાં પણ ઇન્દ્રિયોના વ્યવહારની અશુદ્ધતા, અને તેના કરતાં પણ બુદ્ધિની અશુદ્ધતા વધારે નુકશાનકારક અને ભારે અવ્યવસ્થા કરનાર છે. 0 નિરોગી બુદ્ધિ શુદ્ધ, શાંત અને વિકારરહિત હોય છે. નિરોગી ઇંદ્રિયો સત્ય, અહિંસા, ક્ષમા, ધૈર્ય, સ્થૈર્ય, દાન, તપ, યજ્ઞ, પવિત્રતા અને સરળતામાં પ્રવૃત હોય છે. રોગિષ્ટ ઇંદ્રિયો કામ-ક્રોધ-લોભ-મોહ-મદ-દંભ-અસત્ય-અજ્ઞાન અને અપવિત્રતામાં પ્રવૃત હોય છે. ઇંદ્રિયો કરતાં વિષયો શ્રેષ્ઠ છે, વિષયોથી મન, મનથી બુદ્ધિ, બુદ્ધિથી શ્રેષ્ઠ આત્મા છે. અધર્મ અને અનીતિ એ જ આપણા શત્રુઓ છે, નહીં કે કોઈ અમુક માણસ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 257

બોલવાથી બોર વેચાય પણ ઝવેરાત નહીં. ઝવેરાત તો ખાનગીમાં જ ખપે. વાણી કરતા વિચાર વડે તેની કીંમત થાય. વિચાર ઉચ્ચારથી નહીં મૌનથી વિકસે. 'પાણીથી પાતળા ન બનો' તેનો અર્થ અન્ન ન દઈ શકાય તો હરકત નહીં, પણ જળ તો અવશ્ય આપો. જળ આપવાથી પાતળા નહીં બનો પણ પુણ્યથી પુષ્ટ થશો. જે કાંઈ બૂરું થાય છે તે પોતાના કારણે અને જે કાંઈ શુભ થાય છે, ત્યાં પ્રભુનો પ્રસાદ છે એમ માનવું. વિશ્વમાં વ્યાપક રીતિએ શુભનું બળ વધુ છે. કોઈને ગુરુ બનાવવાથી તત્કાળ ગુરુ બનાય છે. ગુરુ બનવાનો ઉપાય શિષ્ય બનવું તે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 258

રામ એ સમત્વના પ્રતીક છે. તે સર્વમાં રહેલા છે. રાવણ એ મામત્વનું પ્રતીક છે. તેને માત્ર પોતાના સુખનો વિચાર છે. આમ સ્વસુખનો વિચાર કરનાર રાવણ છે, સર્વના સુખનો વિચાર કરનાર કોઈપણ આત્મા રામ છે. રામ-રાવણનું યુદ્ધ શાશ્વત છે. કેવળ પોતાનો જ વિચાર કરનાર સ્વાર્થી અને કૃતઘ્ની છે. બીજાનો અને સર્વનો વિચાર કરનાર પરમાર્થી અને કૃતગ્ની છે. પોતાના ઉપર થયેલા ઉપકારને જાણવાથી બીજા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ થાય છે, બીજા ઉપર ઉપકાર કરવાથી પોતા ઉપર થતા બીજાના ઉપકાર ઓળખી શકાય છે. પરોપકારની ભાવના પ્રગટાવનાર કૃતજ્ઞતાનો ગુણ છે, જેને વિકસાવનાર પરોપકારની ભાવના જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 259

પોતે બીજાને સુખ આપે છે, તેને યાદ રાખવાને બદલે પોતાને જે સુખ આપે છે, તેને યાદ રાખવા જોઈએ. પોતાને જે દુઃખ આપે છે, તેને યાદ રાખવાને બદલે પોતે જેને દુઃખ આપે છે, તેને યાદ કરવું જોઈએ. કૃતજ્ઞતા અને દયાળુતા ગુણ એ સિવાય ખીલતા નથી. પોતાને જેઓ દુઃખ આપે છે, તેના કરતાં પોતે જેને દુઃખ આપે છે એનું પ્રમાણ વિશેષ છે. પોતે બીજાને સુખ આપે છે, તેના કરતાં પોતાને જેઓ સુખ આપે છે, તેનું પ્રમાણ વિશેષ છે. એ સમજવાની શક્તિ જેઓમાં છે, તેઓ હંમેશા કૃતજ્ઞ, દયાવાન અને ક્ષમાવાન રહી શકે છે. પોતાના ઉપકારીઓને યાદ કરો. અપકારીઓને ભૂલી જાઓ. અપકાર કરવો છોડી દ્યો - અપકારીઓ પ્રત્યે ઉદાર બનો. ઉપકારની ઈચ્છા છોડી દ્યો, ઉપકાર કરવો શરૂ કરો. સુખી થવાનો માર્ગ અપકારીઓને ભૂલવામાં - ઉપકારીઓને ન ભૂલવામાં છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 260

દુઃખ ન જોઈતું હોય તો દુઃખ આપવું બંધ કરો. સુખ જોઈતું હોય તો સુખ આપવું શરૂ કરો. દુઃખ આપનારને ભૂલો, સુખ આપનારને યાદ કરો. આજ સુધી કેટલાને દુઃખ આપ્યું છે તેને યાદ કરો. આજ સુધી કેટલનું સુખ લીધું છે, તેને યાદ કરો. 'વિશ્વમાં કોઈપણ દુઃખી ન થાઓ' એ વિચાર આપેલ દુઃખનું પ્રાયશ્ચિત છે. 'વિશ્વમાં સર્વકોઈ સુખી થાઓ' એ વિચાર લીધેલ સુખના ઋણમાંથી મુક્ત કરે છે. ઋણમાંથી મુક્ત થવાનો ઉપાય સર્વના સુખની ચિંતામાં છે. દુઃખમાંથી મુક્ત થવા સર્વના દુઃખ નિવારણની ચિંતા કરો. પોતાના સુખની ચિંતા અને પોતાના દુઃખના દ્વેષમાંથી ઉત્પન્ન થયેલ સંસારના નાશનો ઉપાય સર્વના સુખની ચિંતા અને સર્વના દુઃખનો દ્વેષ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 261

હંસ મોતીનો ચારો ચરે, બગલું માછલીને પકડે. કોયલ આંબાની મંજરી - કાગડો લીંબોળી ખાય. સજ્જન સ્વભાવથી ગુણગ્રાહી અને દુર્જન સ્વભાવે જ દોષગ્રાહી હોય. If you want a friend, be a friend. Love feels no burden, thinks nothing of trouble, attempts what is above it's strength, pleads no excuse of impossibility. Friendship is to be purchased only by friendship. True success comes from imparting goodness and happiness to others. Higher the love, greater the power of attraction and protection. પ્રભુની શક્તિ ઉપર અશ્રદ્ધા અને પોતાની તુચ્છશક્તિ ઉપર સર્વ શ્રદ્ધા એ જ સઘળી અશાંતિનું મૂળ બીજ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 262

વાણીને પ્રગટ થવાનું દ્વાર એક જ છે, જ્યારે વિચારોને તો કરોડો દ્વાર છે. જો વિચારની અસરના મૌલિક સિદ્ધાંતનો અસ્વીકાર થાય, તો જીવની મુક્તિનો પ્રશ્ન વિસંવાદી બની જાય, કેમકે વિચારના સૂક્ષ્મ અને સબળ વાહન સિવાય આ જીવ ત્રણ જગતના બીજા જીવો સાથે બીજી કોઈપણ રીતે આત્મીયતા કેળવી ન શકે. વિચારના પ્રભાવનું મૂલ્ય છે, તેના કરતાં ઓછું મૂલ્ય આંકવું તે જડતાનું અધિક મૂલ્ય આંકવાની દિશામાં જીવોને દોરી જવા સમાન દુઃખદ ઘટના છે. પાકેલા મોતીના દાણા સરખો એક સદવિચારનો શુદ્ધ અને સત્વનિર્મળ કણ આખા જીવનમાં પૂનમની અજવાળી રાતનો ભાવ જગાવે છે અને સમગ્ર વાતાવરણમાં અદભુત અસર પહોંચે છે. One genuine thought can rapidly change the fate of a nation as Vikramaditya and Kautilya did.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 263

Complete retirement from outside works, thoughts also, is necessary. No planning, no thinking. Think of self. Be love to love. Leave everything to nature and what is wanted or necessary will come out without effort. 0 It is very difficult to know difference between constructive and destructive thinking. 0 Every individual has certain limited duties towards society and cannot expect to do to the extremes. જો સર્વ ઉપર રાગ થાય, તો તે તુલ્ય અને climaxનો જ હોય. સર્વનો સ્પર્શ થતાં જ સમત્વ પ્રગટે છે. મોહ વડે જ સર્વ સાથેનો ભાવસંબંધ અવરાયો છે, તેથી સર્વભાવની બદલે અહંભાવ આવ્યો છે. સર્વભાવ એટલે સર્વનું અસ્તિત્વ અનુભવવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 264

અહંભાવ એટલે કેવળ પોતાનું અસ્તિત્વ અને બીજા બધાનું નાસ્તિત્વ અનુભવવું. બીજા છે, છતાં સુખ-દુઃખનો સંબંધ ફક્ત પોતાની સાથે જ, બીજાની સાથે નહીં. એ જાતિની લાગણી જ નાસ્તિકતાની નિશાની છે. સર્વ જીવો ઉપર રાગ વિકસ્યા વિના, 'સર્વ જીવો સુખી થાઓ'ની ભાવના જાગતી નથી તથા ‘સર્વ જીવોના દુઃખ ટળો'ની દાઝ પ્રગટતી નથી. માનવભવ માત્ર એક જ કાર્ય માટે મળ્યો છે: સર્વ જીવોનું સર્વોત્કૃષ્ટ હિત સાધી મોક્ષ પ્રાપ્તિનું કાર્ય કરવું. Everything in the being of man must be employed creatively.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 265

અહંભાવથી શક્તિનો વ્યય થાય છે - શરણભાવથી શક્તિ સાર્થક બને છે. અહંભાવથી પરિમિત શક્તિનો efforts દ્વારા અંત આવે છે - શરણભાવથી પરિમિત શક્તિ સદુપયોગ વડે અનંત બને છે. નિસર્ગના નિયમો એ health, happiness and harmony આપવા માટે તથા peace, power and plenty પ્રગટાવવા માટે છે. નિસર્ગના નિયમોને અનુરૂપ થવાનું પ્રથમ પગલું mastery of self છે. માનવીના એટલે માનવ દેહમાં, માનવ મનમાં, માનવ ભવમાં પ્રત્યેક વસ્તુ મોક્ષના મહાકાર્યના હેતુ માટે જ છે. Everything that exists in the being of man is created for some purpose. માનવ દેહનો એવો એક પણ ભાગ નથી કે જેનો special purpose ન હોય. પૂર્વસેવાના ઘણા પ્રયત્નો સફળ નથી થતા તેનું મુખ્ય કારણ wrong purpose હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 266

We must remember at the very beginning that before the power of self-mastery can be developed and the state of complete mastery attained, all desires to control over anything or anybody must be eliminated absolutely. The purpose of self-mastery is to give the mind power to make the fullest and the most perfect use of all the gifts that one may possess now. 'અમે મેળવ્યું છે' એ ભાવમાં અહંભાવ પોષાય છે. 'અમને મળ્યું છે' એ ભાવમાં કૃતજ્ઞતા પોષાય છે. જે કાંઈ મળ્યું છે, તે gifts રૂપે મળ્યું છે. જો પ્રભુ તેમની કરુણા વડે માંગ્યા વિના પણ આપે છે, અમારી યોગ્યતા વિના પણ આપે છે, તો પછી પ્રકૃતિ ઉપર પ્રભુત્વ મેળવવાની વૃત્તિ અને પ્રાપ્ત કરવાની વૃત્તિ કે પ્રાપ્તિ વિઘ્નરૂપ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 267

Purpose of self mastery is to be one's best in every sense of term, at all times, under all circumstances, for all, with all, to live a larger life, a better life and a more beautiful life everyday. To live larger life નો અર્થ સ્વાર્થભાવને ઓછો કરીને પરાર્થભાવ પ્રગટાવવો તે. સ્વાર્થભાવથી life સંકોચાય, narrow બને છે. Purpose of self-mastery is to be all that one can be in now and do all that one can do now. Purpose of self-mastery is to become much and to accomplish much in order that you may not only be your complete self, but also be an inspiration to all.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 268

કેવળ પોતાનો મોક્ષ નહીં, પણ મોક્ષ વડે બીજાઓને પ્રેરણા આપવી. પ્રેરણા એ મોક્ષમાર્ગમાં મુખ્ય સહાયક છે, જબ્બર સહાયક છે. ઉપદેશ કરતા પણ આચરણ અને આચરણ કરતા પણ સિદ્ધિ પરમ પ્રેરણાદાયી છે. We have not to control those things that exist around us, but to develop those things that exist within us. To have but few desires and satisfaction with simple things is the sign of superior man. બાહ્ય ઈચ્છાઓ અહંભાવને અને cosmic evolutionને સહાયક બનવાની ઈચ્છા 'સર્વભાવ'ને પ્રગટાવી વેગ આપે છે. ઈચ્છાના અધોમુખી વેગને ઉર્ધ્વમુખી બનાવવો પડશે, sublime કરવો પડશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 269

સ્વાર્થભાવ અને અહંભાવ વડે ઇચ્છાનો પ્રવાહ અધોમુખી થઈ જુદા-જુદા ટુકડાઓરૂપે બાહ્ય વહી રહ્યો છે. પરાર્થ વડે, સર્વભાવ વડે ઇચ્છાઓનો પ્રવાહ ઉર્ધ્વમુખી થઈ, કેન્દ્રિત બની આંતર વહે છે અને અન્ય શક્તિકેન્દ્રોને જાગ્રત કરવામાં સહાયક બને છે. આથી એક વાત સ્પષ્ટ થાય છે કે માનવભવનું એકમાત્ર કાર્ય 'સ્વ'ભાવમાંથી 'સર્વ'ભાવ પ્રગટાવવાનું છે. આ સત્ય જો સ્પષ્ટપણે સમજાઈ જાય તો આત્મવિકાસનું કપરું દેખાતું કાર્ય અત્યંત સુલભ બની જાય. ઇચ્છાઓનો નાશ કરવો મુશ્કેલ છે. પરાર્થકારિતાની ઈચ્છા કેળવવાની છે. ઇચ્છાશક્તિના અધોમુખી પ્રવાહને ઉર્ધ્વમુખી બનાવવાનો છે. Not to suppress but to sublime.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 270

યોગમાત્રની, સુખમાત્રની, વિકાસમાત્રની અને સારા ય વિશ્વના મહાપુણ્યોની ચાવી કે master key પરાર્થભાવ છે. દુઃખી પર કરુણા કરવી હોય તો બંને પર કરો: ધનવાન ઉપર અને નિર્ધન ઉપર - બંને દુઃખી છે. જેની પાસે દૈવી સંપત્તિ છે, તે જ સુખી છે. અંધકારનો આશ્રય લઇ ખજવો (આગિયો) ઘમંડ કરે છે, તેવી રીતે અજ્ઞાનનો આશ્રય લઇને જ્ઞાન ઘમંડ કરે છે. જેમ અંધકાર આંખોથી જ દેખાય છે, તેમ અંધકારરૂપી અજ્ઞાન પણ જ્ઞાનના આશ્રયથી જ પ્રકાશિત થાય છે. શરીરની બીમારી મરવા બાદ માટી જાય છે, મનની બીમારી જન્મોજન્મ દુઃખ દે છે. માટે વધુ ધ્યાન મનની બીમારી પર આપો. સુખ વાસનાની પૂર્તિમાં નથી, પણ વાસનાની મુક્તિમાં છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 271

માને પૂછો કે ગર્ભનું કષ્ટ શા માટે સહન કરે છે? એ પછી જ દુઃખોને ખરાબ માનો. દુઃખ એ ગર્ભસમયનું કષ્ટ છે, તેથી નારાજ ન થાઓ. આનંદને અખંડ રાખવાની યુક્તિ પરદુઃખભંજન છે. જગતના જીવો સર્વદા દુઃખી છે, તેથી પરનું દુઃખ દૂર કરવાની બુદ્ધિવાળાનો આનંદ અખંડ છે. સ્વસુખની ઇચ્છવાળાઓનો આનંદ હંમેશા ખંડિત છે, કેમકે સ્વસુખની ઈચ્છા કદી પૂર્ણ થતી નથી. તે પૂર્ણ કરવાનો ઉપાય પરહિતમાં સર્વદા રક્ત થવું તે છે. પરહિતમાં રક્તને મુક્તિ પણ પરહિત માટે ઇષ્ટ છે. પરહિતમાં રક્ત થનારને આરંભમાં સ્વાર્થ અને સ્વાર્થજન્ય ક્લેશોથી મુક્તિ છે અને અંતમાં સકલ કર્મથી મુક્તિ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 272

માનસિક વિકારોને નહીં, આત્મિક સૌંદર્યને જૂઓ. વિકારોનું નીકળી જવું એ તો આત્મની સુંદરતા પ્રગટાવવા માટે છે. મોહકર્મ પર વિજય થતાંની સાથે જ જ્ઞાન, દર્શનના આવરણ અને અંતરાય કર્મનો ક્ષય થાય છે. બીજાને દુઃખ આપવું તે *અહિંસા*. બીજાને સુખ આપવું તે *દયા*. બીજાની હિતચિંતા કરવી તે *મૈત્રી*. અપરાધીની પણ હિતચિંતા કરવી તે *ક્ષમા*. પ્રત્યેક વ્યક્તિનો માર્ગ તેની પોતાની સાધના વડે પ્રદર્શિત થાય છે. Framework બધા માટે એક હોઈ શકે છે, details દરેકની જુદી રહેવાની. જો આપણે મોટા થઈએ, આપણા મન-હૃદયને વિશાળ બનાવીએ, વિશ્વના સર્વ જીવો પ્રત્યે પ્રેમ વિકસાવીએ, તો તેનાથી પ્રાપ્ત થતાં પરમાનંદની સામે અન્ય સર્વ વૈષયિક આનંદો તુચ્છ જ લાગશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 273

અનંત શક્તિશાળી સ્મરણ-ચિંતન-દર્શન વડે મનુષ્યનું ઓજસ વધે છે. 'સમસ્ત જગતનું શિવ થાઓ, સર્વ પ્રાણીઓ પરહિત રક્ત બનો, સર્વ દોષો નાશ પામો, સર્વ લોક સર્વત્ર સુખી થાઓ' એ વિચાર મનપુણ્ય રૂપ છે. વચનપુણ્ય, કાયપુણ્ય, અન્નપૂણ્ય અને ધનપુણ્ય એ જેમ પુણ્ય છે, તેમ મનપુણ્ય પણ પુણ્ય છે. સ્વોપકાર પરપીડાપહારક છે, પરોપકાર પીડાપહરની સાથે પરસુખોત્પાદક પણ છે. પરપીડા નિવારણ માટે મન-વચન-કાયાની પવિત્રતા પણ આવશ્યક છે. પવિત્રતા વડે જે ઉપકાર થાય, તે સત્ય-શાશ્વત છે. વસ્તુની પ્રાપ્તિ માટે જેમ પવિત્રતા જાળવવી આવશ્યક છે, તેમ પ્રાપ્ત વસ્તુના રક્ષણ-વૃદ્ધિ માટે અને હાનિ અટકાવવા માટે તેના સદુપયોગની આવશ્યકતા છે. સદુપયોગ વિના વસ્તુ ટકતી-વધતી-ફરીવાર મળતી નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 274

ધર્મથી ધન મળે પણ જેમ ધન મેળવવા માટે ધર્મ કરવાનો હોતો નથી, તેમ પરહિતચિંતાથી સ્વહિત થાય છે, પણ સ્વહિત ખાતર ધર્મ કરવાનો હોતો નથી. There is but one thing, the world needs with them. There is but one balm for all our human use. There is but one way that

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 275

મનની પવિત્રતાથી સર્વની પવિત્રતા તથા મનની મલીનતાથી સર્વની મલીનતા થાય છે. મનને નિર્મલ બનાવવું તે ધર્મીમાત્રનું પ્રથમ કર્તવ્ય છે. એ નિર્મલ ન બને ત્યાં સુધી જેઓનું મન નિર્મલતમ બન્યું છે, જેઓના અંતરમાંથી સ્વસુખના વિચારે વિદાય લીધી છે, જેઓ સર્વના સુખના વિચારમાં તલ્લીન બન્યા છે, તેઓને નમન-વંદન-સ્તવન-પૂજન કરવા યોગ્ય છે. આ જગતમાં સૌથી અધિક ઉપકાર નિર્મળ મનવાળા મહાપુરુષોથી થાય છે, થયો છે અને થશે. મનની પવિત્રતા જેમ બીજી બધી વસ્તુની પવિત્રતાનું સાધન છે, તેમ સાધ્ય પણ છે. મનની પવિત્રતા સાધવા માટે બીજી બધી વસ્તુઓની પવિત્રતા એ સાધન છે. પવિત્ર મન માટે પવિત્ર તન અને પવિત્ર તન માટે પવિત્ર અન્ન જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 276

To tune with infinite means to feel the presence of God. Positive action is more powerful than the positive thinking. નિસર્ગના મહાસત્યને પુસ્તકના પાનામાં જોવું એ જુદું અને અંતરના ઊંડાણમાં દેખવું, એ જુદું છે. We have been given so much, so much in order that we may freely participate in, cooperate with and affirm the cosmic order. જ્યાં સુધી જગતના અન્ય જીવોના સુખ-દુઃખ સાથે પોતાને લેવા-દેવા નથી, માત્ર પોતાના જ સુખ-દુઃખની ચિંતા કે લાગણી છે, ત્યાં સુધી જે કાંઈ ધર્મ થાય છે, તે ફક્ત લૌકિક જ હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 277

ધર્મને લોકોત્તર બનાવવાની master key વિશ્વમાત્રના દુઃખ પ્રત્યે દાઝ ઉગવી તે છે. તે ત્યારે જ ઉગે કે જ્યારે વિશ્વમાત્રના હિત કે સુખની ચિંતા હૃદયમાં ઉગે અને તે ત્યારે જ ઉગે કે જ્યારે આત્મૌપમ્યભાવ જાગે. સ્વ એ બંધન છે. સ્વનો ઉપયોગ સર્વમાં થાય તો જ બંધનથી મુક્તિ મળે. ચંદનની સુગંધ સમાન સહજ ધર્મ પરાર્થકારિતાના પુનઃ પુનઃ અભ્યાસથી જ પ્રગટે છે. અહિંસા, દયા અને કરુણાની જ્યોત ઘટ-ઘટમાં સમાયેલી છે. હૃદય જ્યારે પણ જાગે છે, ત્યારે એ કરુણાને જ માંગે છે અને અહિંસારૂપી ખોરાક જ એને ભાવે છે. પાપની શક્તિ પ્રભુના નામથી અધિક માનવી કે ધર્મમાં અધર્મ કરતા ન્યુનશક્તિ કલ્પવી, તે તો મહાપરાધ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 278

પરના હિતનો ભાવ કરવો તે કાર્ય ઘણું કપરું છે. તે મહાકાર્ય ઊંડી ખીણ ઉપર બાંધેલી દોરડી ઉપર નૃત્ય કરવા કરતાં પણ અઘરું છે. તેના જીવન ઉપર ઇચ્છાનું નહીં, પણ સર્વ મૈત્રીભાવનું જ વર્ચસ્વ હોય છે. વ્યક્તિ જેને પોતાનો માને, તેના પ્રત્યે તે જેવો ભાવ દર્શાવે, તેવા ભાવને ઉત્તરોત્તર વિકસાવે અને જગતના કોઈપણ જીવને પણ તે ભાવથી વંચિત ન રાખે તે છે 'વિશ્વમૈત્રી'. રાગ એ સ્વાર્થનું સર્જન છે. મૈત્રીભાવ નિઃસ્વાર્થના પાયા ઉપર ઉભેલ છે. જે હૃદય પરમ વિશ્વમૈત્રીભાવ કાજે તલસતું હોય, તેનાથી ન એકલપેટા, તુચ્છ વિચારોની સોબત કરી શકાય, ન પાપીને પણ ધિક્કારી શકાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 279

આપણે જેને સામાન્ય રીતે વિચાર કહીએ છીએ, તે તો વાચા જ છે. વિચરવું એટલે ફરવું, ભમવું. વિચાર એ ફરવાની, ભમવાની ક્રિયા છે. મનનું ભ્રમણ એટલે વિચાર, મનની સ્થિરતા એટલે વિશ્રામ. માનસિક વિશ્રામ મેળવવાની કળા એટલે યોગ, વિરતિ, વિરક્તિ. આ કળામાં નિપુણ થવા મનની સીમાઓ વટાવી, તેને ઇન્દ્રિયોની સરહદની બહાર આણવું પડે છે. ઇન્દ્રિયોની સરહદ એ માત્ર મર્યાદા છે, મનની શક્તિ અનંત છે, ઇન્દ્રિયમગ્ન મન અશક્ત છે. મન અને સંસાર એક જ વસ્તુ છે. મન પદાર્થગત મટી આત્મગત બને છે, ત્યારે ચિત્ત શાંત થાય છે, શોક-મોહ નષ્ટ થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 280

'સ્વરાજ્ય'નો અર્થ પોતાના ઉપર પોતાની જ હકુમત. Governor of the self. મનુષ્ય અણસમજુ અને બેકાબુ છે, માટે તત્વવિચાર અને સંયમ જરૂરી છે. માટીના માણસની માલિકી એના ગણાતા શરીર ઉપર પણ નથી, તો બીજી કોઈ વસ્તુ ઉપર તો શાની જ હોય? ઈશ્વર સિવાય તો માલિકીનો દાવો કોણ કરી શકે? તારા પોતાના અજ્ઞાન સિવાય કશું જ તારું નથી. અજ્ઞાનને લીધે જ તને તું દેખાય છે, તે દૂર થતાં તને બધે 'ઇશ' દેખાશે. માલિકીનું ઘેલું દૂર નહીં કરો, તો દુઃખી થશો. જે નાશવંત છે, તેને માલિકી કઈ? એને સ્વામિત્વ કયું? પોતે કોણ છીએ, ક્યાં છીએ, ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છીએ, એમાંની એકપણ વસ્તુ આપણે જાણતા નથી, છતાં 'હું' 'મારું' 'મને' એવા અર્થહીન શબ્દોનો જે જે ઉપયોગ કરીએ છીએ, તે સૌ શાંતિ ભંગ કરનારા છે. એમાં સત્ય નથી, આભાસ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 281

જેમ વિજળી (શક્તિ) આધાર વિના કામ કરી શકતી નથી, તેમ ચેતનાને ય કાર્ય કરવા માટે કોઈ આધાર જોઈએ. વિચારોની શુદ્ધ વરાળમાંથી બંધાતા ભાવનાના મેઘો મન-વચન-કાયાના સદવર્તનનો વરસાદ વરસાવે છે. જેના અજવાળે આત્મા આત્માને જોઈ શકે તેનું નામ યથાર્થજ્ઞાન. લોકમાં આત્મા નામે કોઈ દ્રવ્ય જ નથી, એવી સમજ એ અજ્ઞાન. આત્માનું સુખ વધારનારું વર્તન જ્ઞાનમાંથી જન્મે. આત્માનું સુખ ઘટાડનારું વર્તન અજ્ઞાનમાંથી જન્મે. જ્ઞાનને યોગ અને અજ્ઞાનને પ્રયોગ સાથે સંબંધ છે. પ્રયોગને આધીન પ્રજાઓના જીવનમાં શાંતિ ન હોય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 282

ધર્મગુરુ એટલે ધર્મની સાચી સમજણ આપનારા, વિશ્વમૈત્રીના સાચા સંદેશવાહકો તથા સૌને કલ્યાણનો માર્ગ સમજાવનારા. કોઈપણ માનવી અવગુણના માર્ગેથી પાછો વળી સદગુણના માર્ગે આગળ વધે, એ ધર્મપ્રચારની સાચી સફળતા. સૃષ્ટિની સેવા શરીરથી અને સમાજની સેવા મનથી થશે. સમજી વિચારીને જો કોઈને કાંઈ અપાય છે તો પ્રેમનો નાતો બંધાઈ એક તાકાત પેદા થાય છે - બધાથી એક બનાય છે. વ્યક્તિ અને સમાજમાં મુખ્ય મન છે. મનની સ્થિતિ જેવી હશે તેવી સમાજની બનશે. જો મનમાં ક્રોધ હશે તો સમાજમાં દુશ્મન અને જો વાસના હશે તો સમાજમાં વાસનાના પદાર્થો સામે જ ઉભા હશે. સૃષ્ટિનું પ્રતિબિંબ શરીર ઉપર પડે છે, મનના પરિવર્તનથી સમાજમાં ય પરિવર્તન થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 283

મનમાં કામના હોય તો બહાર લલચાવનારા પદાર્થો પેદા થઈ જાય છે. મનમાં દ્વેષ હોય તો બહાર દુશ્મન ઉભા થાય છે. પણ મનમાં પ્યાર હોય તો બહાર દોસ્તો મળી જ રહે છે. દિલમાં પરમેશ્વરની મૂર્તિ હોય તો બહારની સૃષ્ટિ પરમાત્મમય દેખાય છે. અંદર જ્યોતિ હશે તો બહાર જ્યોતિના દર્શન થશે. જેવું પ્રાકૃતિક વાતાવરણ તેવો મન ઉપર પ્રભાવ પડશે. ઉનાળામાં સુતરાઉ અને શિયાળામાં ગરમ કપડાં પહેરવાં પડે છે. સૃષ્ટિના પરિવર્તનની સાથે આપણા મનનું પણ પરિવર્તન થાય છે. Spirit is god and god is good. The name of god is superior even to god. ભાગ્યમાં હોય તો મળ્યા વિના રહેતું નથી, ન હોય તો તે પ્રયત્ને પણ મળતું નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 284

Repeat the name of God at every step and with every breath, secretly and with a sense of pride, there being no need resorting to any other means for the realisation of God within. Spirit is God and God is good. Love is a secret of divine life. All things come from within. Height or depth cannot measure the possibilities of human soul. Ye are not your own. Have strong faith in divine guidance. The divine hives himself to those, who give themselves to the divine.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 285

Let the divine mould you, move you, and fulfil Himself in you. 0 Knowledge, recognition and fulfilment of relation are the main things in developing devotion towards the divine. Trees which bear the best fruits are always more pelted with stones. બ્રહ્માનુભવ શક્તિશાળીઓને જ થાય. ભોજનાનંદ કરતા ભજનાનંદ ચઢિયાતો છે એક શરીર સંબંધી છે, તો બીજો મન સંબંધી છે. વાણીનો વ્યર્થ ઉપયોગ એ અસત્યની સેવા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 286

ધર્મના પાયામાં સત્ય અને શીલની પ્રતિષ્ઠા છે. જેઓના જીવનમાં તે બે છે, તેઓને નમવું અને તેવું જીવન જીવવા માટે પ્રયત્નશીલ રહેવું એ ધર્મ. તે આત્મપ્રકાશ તથા મોક્ષમાર્ગનો પથપ્રદર્શક છે. 0 બીજાના જે અચરણને આપણે અયોગ્ય માનીએ, તેવું આચરણ કરવું નહીં, એવી ધર્મબુદ્ધિ કેળવવી તે જીવનનું પરમ કર્તવ્ય - પરમ સત્ય છે. આ પરમ સત્યની ઉપાસના કરી તેને આચરણમાં મૂર્ત કરવું તે ધર્મમાર્ગનું પરમ ધ્યેય છે. 0 સ્વાર્થમુક્ત થવું એ માનવજીવનમાં સૌથી દુષ્કરમાં દુષ્કર કાર્ય છે. મહાન વિભૂતિઓ પણ સમકક્ષ સાથે એકાએક વાતચીત કરતી નથી, તેઓ રાહ જૂએ છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 287

વિશ્વના પ્રત્યેક કાર્યની પાછળ એના અનંત કારણોની પરંપરા હોય છે. વિશ્વની પોતાની વ્યવસ્થા મુજબ પ્રત્યેક કાર્ય થાય છે. એમાં રજમાત્ર પણ ફેરફાર કરવાની કોઈની પણ તાકાત નથી. કોઈપણ કાર્ય ઈચ્છાથી વિરુદ્ધ જશે એવો વિચાર પણ ઘાતક છે, તેને સ્પર્શવા ન દેવો. જો મારા સ્વામી, માલીક કે આપ્તનો તેની પાછળ હાથ છે, તેઓ મને બળ આપી રહ્યા છે, તો પછી કોઈપણ વસ્તુ મારી ઈચ્છા વિરુદ્ધ મારા અનિષ્ટ માટે શી રીતે થઈ શકે? ઉપાસનામાં તર્કને બહુ જ અલ્પ સ્થાન છે. આદર્શ અને ચૈતન્યની શુદ્ધિ પૂરતો જ તર્કનો ઉપયોગ છે. જીવનનો વિકાસ એટલે મનનો વિકાસ. મનના વિકાસથી ચૈતન્યનો અનુભવ થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 288

વૃત્તિની એકાગ્રતામાં જ શક્તિનો સ્પંદ રહેલો હોય છે. ભોગમાં પણ વૃત્તિઓની એકાગ્રતા હોય છે, પરંતુ ભોગી પોતાનો આનંદ વૃત્તિઓના આધારે અને યોગી પોતાનો આનંદ વૃત્તિઓના અધિષ્ઠાનરૂપ ચૈતન્ય આત્માના આધારે માને છે. ધર્મ એ આત્મા ને પરમાત્માની ખાલી વાતો જ નથી, વળી ધર્મ એ વ્યક્તિના અંગત વિકાસનું સાંકડું સાધન નથી, કિન્તુ ધર્મ એ તો જીવમાત્રની એકતા સાધવાનો અનુપમ વ્યવહાર છે. સમાજના ભોગે વ્યક્તિ ફાવી શકે જ નહીં. અનંતતા અને વિશાળતામાં પરમાત્માની ભવ્ય જ્યોતિનું મનોમય દર્શન થાય. ઈશ્વર એક જ છે, સર્વવ્યાપી, સર્વ શક્તિમાન છે, કિન્તુ મનુષ્યની બુદ્ધિ અને કલ્પના મર્યાદિત છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 289

મનુષ્યો સૃષ્ટિનો અનુભવ પાંચ ઇંદ્રિયો દ્વારા કરે છે. આંખ છે ત્યાં સુધી વસ્તુઓ મૂર્તિરૂપે દેખાવાની છે. દેખાવું એનું નામ જ મૂર્તિ. મૂર્તિ પોતે ઈશ્વર નથી, પરંતુ ઈશ્વરની સાથે સંબંધ કરાવનાર એક આલંબન છે. પ્રેમ એ જ સાચી સત્તા છે, બીજી સત્તાઓ મનુષ્યની સુધારણામાં કામ લાગતી નથી. સૌ પ્રેમના ભૂખ્યા છે. ઈશ્વરને પામવાનો રસ્તો હૃદય છે. હૃદયને સ્વચ્છ રાખવાથી ઈશ્વર મળે છે, તે સર્વ રીતે પછી મદદ પણ કરે છે. એકતાની ભાવના વિના શાંતિ થતી નથી. ધર્મ એ માત્ર દેવળો, મંદિરો કે પુસ્તકના પાનાઓ નથી, પણ દિવસ-રાત આચરવાની વસ્તુ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 290

ચેતન એ પ્રકાશ છે અને જડ એ અંધકાર છે. અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરવી એનું નામ પુરુષાર્થ. આ વસ્તુ શ્રદ્ધા અને ભક્તિ વગર સમજી શકાતી નથી. જ્ઞાન એ શ્રદ્ધા અને ભક્તિનું મૂલ્ય સમજવા માટે છે, એનો ઈન્કાર કરવા માટે નહીં. જ્ઞાનથી જ શ્રદ્ધાનું મહત્વ અને ભક્તિનો પ્રભાવ સમજાય છે. સફળ કામનાઓ ઈશ્વર પોતે જ પુરી કરે છે. હૃદય એ ચેતન છે અને મગજ એ જડ છે. એટલે કે હૃદય ચેતન તરફ અને મગજ જડ તરફ ઢળે છે. ઈશ્વરનું દર્શન હૃદય દ્વારા જ થાય છે. જેનું હૃદય સાફ, તેના મન-વાણી-કર્મમાં સચ્ચાઈ હોય. તેના સંકલ્પમાં સત્યનો પ્રાણ હોય છે. તેના શબ્દોમાં ઈશ્વરને ખેંચવાનું બળ હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 291

હૃદયમાં જે હોય તે સત્ય. હૃદયમાં પ્રેમ છે માટે પ્રેમ એ સત્ય. પ્રેમ ઉપર અહંકાર છવાય છે, ત્યારે બીજી વૃત્તિઓનો આભાસ થાય છે, પરંતુ એ વૃત્તિઓ નાસ્તિરૂપ છે. અર્થાત તેમાં માત્ર પ્રેમનો અભાવ છે. સત્યનું આચરણ કરવું અને હૃદયને પ્રેમ અને દયાથી ભરેલા રાખવા. સંસાર એ મનોમય વસ્તુ છે. પ્રિય અને અપ્રિય એ તો મનમાં રહેલી વસ્તુઓ છે, પ્રિય અને અપ્રિય એ પદાર્થગત વસ્તુ નથી. વસ્તુ છોડવાની હોતી નથી, દૃષ્ટિને બદલવાની હોય છે. ક્રોધ અને આવેશ - એ બંને વૃત્તિઓ જ્યારે ઉર્ધ્વભાવ પામે, ત્યારે પ્રેમ અને વિશ્વબંધુત્વની ભાવના જન્મે છે. પ્રેમથી ક્રોધ અને વિશ્વબંધુત્વભાવથી આવેશ જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 292

તત્વની શોધ અને અંધકારનો પ્રવાસ - એ બંને જુદી વસ્તુ છે. માણસને સમજ્યા-વિચાર્યા વિના સૃષ્ટિને સમજી-વિચારી શકાતી નથી. સૃષ્ટિ એ માણસની વૃત્તિઓનું પ્રતિબિંબ જ છે. માણસજાત અર્થે તેનું નિરૂપણ છે, તે સિવાય તેના નિરૂપણનો કશો અર્થ જ નથી દેખાતો. મનુષ્ય એ ભૂત અને ભાવિના તરંગમય અસ્તિત્વ છે. તેણે વર્તમાનમાં રહેતાં શીખવું જ રહ્યું! જે સમજે તે મોટો બની શકે, ન સમજે તે સદા નાનો રહે. ઈશ્વર કે આત્માનું નામ દેવાથી કોઈ મોટો થઈ જતો નથી. પુરુષાર્થ એ માણસનો ધર્મ છે, જ્યારે પ્રારબ્ધ એ ઈશ્વરની કૃપા છે. પુરુષાર્થની નાસીપાસ થવાનો પ્રસંગ ઉભો ન થવો જોઈએ, કારણકે ઈશ્વર માથે બેઠો છે. એની મદદ એ એની રીતે કરે જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 293

મનુષ્ય જ્યારે ઈશ્વરના વિચારોમાં અખંડ રચ્યોપચ્યો રહે, ત્યારે તેના ચિત્તમાં બીજા વિકારો આવતા નથી. પ્રેમની અખૂટ ધારા જ્યારે વહેતી થાય, ત્યારે જ ભગવાનનું ખરેખરું રૂપ આપણે જોઈ શકીએ. મનુષ્યમાં રહેલી વાસનાઓ એટલી બધી પ્રબળ હોય છે કે તેમની સાથે જો હઠથી કામ લેવામાં આવે, તો માણસના જ્ઞાનતંતુઓ ઉપર આઘાતો પહોંચે છે અને માણસ વિકલ, વિહ્વળ કે ગાંડો બની જાય છે. ઈશ્વર અનાદિ-અનંત અને વિશ્વ સંચાલક છે. એની ભક્તિ મુખ્યત્વે હૃદય માર્ગે થાય છે. એનો જે ખરેખરો ભક્ત હોય, તેનો તે તારણહાર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 294

જેના ઉપર ઈશ્વરની કૃપા ઉતરે છે, તેની સમક્ષ આત્મા પોતાનું સ્વરૂપ ખડું કરે છે. પ્રેમ વગર એકાગ્રતા આવતી નથી. પ્રેમ દ્વારા હૃદયની નાડીઓ ધબકે છે અને ઈશ્વરનું રૂપ જલ્દી ખડું થાય છે. ભક્ત ખાતર ભગવાન જે રૂપ ધારણ કરે છે, તે ભક્તની ઈચ્છા મુજબનું હોય છે, જે કદી વિસરાતું નથી. અનંતશક્તિથી ભરેલા ભગવાન ક્ષણભંગુર મનુષ્યની કમજોર બુદ્ધિ શક્તિથી કદાપિ પ્રાપ્ત થઈ શકે નહીં. એમને પામવા માટે મનુષ્યે પોતાની બુદ્ધિનું ક્ષુદ્ર ગુમાન મૂકી દઈ, સજળ નેત્રે અને ગદગદ્ કંઠે એમની જ અનન્ય શરણાગતિ સ્વીકારવી જોઈએ. ભગવાન ભાવગમ્ય છે, બુદ્ધિગમ્ય નથી. ભગવાનને પામવાનો માર્ગ મસ્તક નહીં, હૃદય છે. હૃદય જો સાફ અને કોમળ હશે, તો જ પ્રભુ તેમાં આવશે-ઉતરશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 295

મૃગજળના પાણી નથી કડવા કે નથી મીઠા. મનોજયના પરિણામે વાસનક્ષય થાય છે. મનનો નાશ, લય કે જય થયા પછી કોઈપણ પ્રકારની વૃત્તિ-વાસના પ્રગટતી નથી. મનને બળથી નહીં, પ્રેમ અને કળથી કાબુમાં લેવું. મન તો બિચારું ફૂલ જેવું કોમળ બાળક છે. અંધકારથી પ્રકાશમાં લાવે તે નેતા અથવા ગુરુ. 'હું કંઈ નથી, ચૈતન્યના મહાસાગરનું માત્ર એક ટીપું છું' એવું અખંડ ભાન શરૂ થાય છે, તેનાથી જે અવર્ણનીય આનંદ સાંપડે છે, તેનું જ નામ 'મહાભાવ'. પરમાત્મા પોતે સંકોચથી જીવાત્મા બને છે અને જીવાત્મા પોતે વિકાસથી પરમાત્મા બને છે. વસ્તુતઃ જીવ એ જ ઈશ્વર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 296

મર્યાદિત અભિમાન તે જીવભાવ. અમર્યાદિત સ્વભાન તે ઇશ્વરભાવ. ઇન્દ્રિયોની પાર મન, મનની પાર બુદ્ધિ અને બુદ્ધિની પાર આત્મા છે. જેને ત્યાગની ભાવના છે, તેના દિલમાં આસક્તિ હોતી નથી. દેખાતું જગત એ બીજું કશું નથી, મનનો તમાશો છે. જે બધું દેખાય છે, તે મનની સુંદર આકૃતિઓ છે. સાચી વસ્તુ તો દેખનાર પોતે છે. પ્રભુના વિયોગનાં દુઃખને આપણે પદાર્થોના વિયોગનું દુઃખ માની લઈએ છીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 297

દરેક પ્રશ્નોનું હૃદયમાં તો સમાધાન રહેલું જ હોય છે. આત્મશક્તિ હંમેશા પરમ શક્તિ તરફ સન્માન રાખે જ છે. હૃદયનું બળ એટલે શ્રદ્ધા, બુદ્ધિનું બળ એટલે જ્ઞાન, વર્તનનું બળ એટલે ચારિત્ર. સત્યાગ્રહી એટલે શ્રદ્ધાગ્રહી. આખરે જગત એક ભાવના છે, એક સંકલ્પ છે. ભાવના પલટાતા ચિત્ર પણ પલટાય છે અને ચિત્ર પલટાતા આપણા રાગ-દ્વેષ પણ પલટાય છે. ધર્મ, સંસ્કૃતિ અને આંતરસામ્રાજ્ય - એ બધું એક જ છે. માનવી જેવું એક ક્ષણજીવી ક્ષુદ્ર જંતુ પોતાને કેમ આટલું બધું મોટું માનતું હશે? કેમ આટલું છકી જતું હશે? પરમાત્માની હાજરી જે ચારે તરફ પિછાણતો નથી, તેને જ અહંકારનું ઝેરી અફીણ ચઢે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 298

જનસમૂહમાં પરમાત્માને જોનારને મન ખાનગી મીલકત એ ઈશ્વરનો અપરાધ છે. સંસારનો અનુભવ એ પરમાત્માનો વિરહ છે. સંસારનો લય એ પરમાત્માનો સંયોગ છે. જ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે, તે અહંતામાંથી ઉગારી જ્ઞાન માર્ગે વાળે છે. અહંકારીને કદી જ્ઞાન થતું નથી, કેમકે એ પોતાના પડછાયા પાછળ જ ઘેલો હોય છે. તે પોતાનો આધાર પરમેશ્વર છે, એ વાત જ સમૂળગી વીસરે છે. એવો માણસ ન કરવાનાં કૃત્યો કરી બેસે છે તથા સમાજને ઉદ્વેગનું કારણ બને છે. ઇન્દ્રિયોના પૂરા સંયમ વિના અહિંસા સિદ્ધ થતી નથી અને મનના પૂરા સંયમ વિના સત્ય સિદ્ધ થતું નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 299

કેવળ જન્મથી જ નહીં, પણ આપણે ભાવનાથી ય માનવ બનવું જોઈએ. પથ્થરમાં ઈશ્વરના બદલે ઈશ્વરમાં પથ્થર જોવો એ ભૂલ છે. ઉપવાસ અને મૌન - એ બે સાધનો આત્મસંયમ તથા આત્મ ખોજ માટે સારું કામ આપે છે. દરેક વાતને તર્ક અને અનુભવ બંનેની કસોટીએ ચઢાવી નિર્ણય કરવાથી એમાં અનુભવની સાથે બુદ્ધિની પણ પ્રતિષ્ઠા જળવાઈ રહે છે. કામ અને કુવિચારો કદી તૃપ્ત ન થાય એટલે ક્રોધ આવે. કામ અને ક્રોધ રજોગુણથી પેદા થાય છે. કામ-ક્રોધને રહેવાના સ્થાન મન, ઇંદ્રિયો અને બુદ્ધિ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 300

ગુણો પ્રયત્ને વધે - અવગુણો વગર પ્રયત્ને વધે છે, છતાં અંતે અવગુણનો નાશ થાય છે અને ગુણ વધે છે. સાધુતાનો નાશ થતો નથી, અંતે દુષ્કૃતનો જ નાશ થાય છે. ધર્મનો નાશ થતો નથી, પ્રાંતે અધર્મનો જ નાશ થાય છે. સ્વાર્થનો વિચાર કર્યા વગર કરેલું કર્મ તે યજ્ઞ. આહારની જેમ જ સ્વાર્થનો રસ પણ વ્યાધિનું મૂળ જ છે. નીરસ આહારની જેમ નિઃસ્વાર્થ કર્મ આરોગ્યનું કારણ છે. વિચારમાત્ર એ કર્મ છે, તેની પાછળથી સ્વાર્થને ખેંચી લેવો જોઈએ. અગાધ સમુદ્રનું જેને ભાન ન હોય તેને નદી - નાળાના દ્રષ્ટાંતથી જ્ઞાન અપાય, તેમ ઈશ્વરનું જ્ઞાન શ્રદ્ધા - પ્રેમ - વાત્સલ્યના અંશરૂપ પિતા - માતાદિના દ્રષ્ટાંત રૂપે અપાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 301

ધર્મ ન કરનારો અને અન્ય માટે કર્મ ન કરનારો - બંને સમાન જ છે. સ્થિર વસ્તુ અને બહુ ગતિ કરનારી વસ્તુ - બંને વિરોધી હોવા છતાં એક જ સ્થિતિમાં લાગે છે. પરમાત્મા સમાન સમદર્શી બીજો કોઈ નથી, તેથી પ્રભુની અંદર લીન થઈને જ સમદર્શી બની શકાય. શત્રુ દેહથી નજીક છતાં મનથી દૂર છે, મિત્ર દેહથી દૂર છતાં મનથી નજીક છે. રોગનું કારણ પેટ નહીં, પણ સ્વાદ છે અને સ્વાદનું કારણ રસ નહીં, પણ મન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 302

પાખંડ એટલે બીજાને ઘુતવાની વાત. પાખંડથી વિરુદ્ધ એટલે ઈશ્વરને વિષે મન ચોંટાડવું. આપણે સૌ ભિન્ન હોવા છતાં એક છીએ, એવો હૃદયમાં વિશ્વાસ રાખીએ તો જ સમતા અનુભવીએ, નહીં તો દુનિયાના બે પાંદડા વચ્ચે પણ સમાનતા નથી, તેનો ખેદ અનુભવીએ. દેહનું નહીં પણ આત્માનું મિલન તે લગ્ન. ત્યાગ વિના વૈરાગ્ય અને વૈરાગ્ય વિના ત્યાગ ટકતો નથી. સૂર્ય જેવો તેજસ્વી, અગ્નિ જેવો ઉપયોગી અને ચંદ્ર જેવો શીતળ બનજે. પ્રભુના કામ કરજે, પ્રભુને ગમે તેવો થજે, પ્રભુ નો થજે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 303

સાચો ધર્મ અનુભવની અવસ્થા છે. એને માન્યતા સાથે કોઈ સંબંધ નથી. દ્રષ્ટિ સમજણ ઉપર રચાય છે, સમજણ અનુભૂતિની અપેક્ષા રાખે છે. અભ્યાસથી સમજણ, અવલોકનથી દ્રષ્ટિ, અનુભવથી પ્રત્યક્ષ પ્રતીતિ, જ્ઞાનથી વિચાર, દર્શનથી સહાનુભૂતિ અને ચારિત્રથી સમતા મળે છે. વિચાર અને વૃત્તિની સંવાદિતા એ સમજ, જે સ્વજ્ઞાનથી જ આવે. વૃત્તિ એ વિચાર નહીં પણ તીવ્ર ઈચ્છા છે. તે હોય ત્યાં વિચારોનું બળ પોતાની સત્તા જમાવી શકતું નથી. મન શાંત થયા પછી જ મનથી જે પરનું હોય તેનો અનુભવ થાય. મનનું પરિવર્તન એટલે મનની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત કરવી. જ્યારે માનવીનું મન વિશુદ્ધ બને છે ત્યારે જ પોતાના યથાર્થ સ્વરૂપનું દર્શન થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 304

ઈચ્છાઓ અંતવાળી છે, તૃષ્ણા અનંત છે. અજ્ઞાનતા અને પશુતાને આહુતિ આપવી, તેનું જ નામ સત્ય હોમ અને સત્ય હવન છે. જે કાર્ય સત્કાર્ય છે, તે ભલે વિસ્તારમાં ગમે તેટલું નાનું હોય, તો યે તેનું સ્વરૂપ વિશ્વવ્યાપી છે, તે સમગ્ર વિશ્વની સેવા છે. 'ધર્મ' એટલે વ્યક્તિ અને સમૂહને આધારભૂત આચાર - વિચારને પ્રેરતો ભાવના સંગ્રહ. એનો પર્યાય શબ્દ બીજો ન હોઈ શકે. સર્વ જીવો પ્રત્યે સહાનુભૂતિ, કરુણા અને મૈત્રીપૂર્ણ હૃદય એ મોટી સિદ્ધિ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 305

જગતના કલુષિત વાતાવરણમાંથી અલિપ્ત રહી પરમાત્મા સંગે આત્મનુસંધાન માટે તીર્થપર્યટન ઘણું જ સહાયકારી છે. સમાજમાં લોકો સાથે વસવા દરિમયાન થયેલા કલુષિત ભાવો તીર્થયાત્રાઓ થકી સર્વથા નાશ પામે છે. પરમાત્મા સ્નેહથી વ્યાપ્ત છે, કરુણાથી વ્યાપ્ત છે. તેઓ અધિક દુઃખી પ્રત્યે, અધિક અજ્ઞાની પ્રત્યે ને અધિક મોહાંધ પ્રત્યે અધિક કરુણાવાન છે. જગત ખોટું હોય કે ન હોય, પણ પોતે તો કોઈને કોઈ અપેક્ષાએ ખોટો છે જ. પોતે જગતનાં અન્યાયનો શિકાર થાય છે કે જગત પોતાના સાશંક મનના અન્યાયનો શિકાર થાય છે?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 306

વિવેકનો વાસ બુદ્ધિમાં છે. સત્તા એ માદક કે મારક છે, જ્યારે પ્રેમ આશ્વાસક કે ઠારક છે. ત્યાગની સાથે જેમ અનેક મુસીબતો સંકળાયેલી છે, તેમ રાગની સાથે પણ છે જ. સહેવાનું બંનેમાં છે પણ અનિચ્છાએ સહેવું તે રાગ અને સ્વેચ્છાએ સહેવું તે ત્યાગ. રાગનો ત્યાગ એ ત્યાગ છે અને તે નિર્ભયતા લાવે છે. જેમ રાગ અને ભય સિક્કાની બે બાજુઓ છે, એ રીતે વૈરાગ્ય (રાગનો ત્યાગ) અને નિર્ભયતા પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. કેળવવાનું છે મન, બદલવાની છે વૃત્તિઓ. એ રીતે વૃત્તિપલ્ટો અને હૃદયપલ્ટો કરવો એ જ વૈરાગ્ય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 307

રાગ જવાથી ભોગવૃત્તિ અને ભોગ જવાથી રોગનો ભય જાય છે. વૈરાગ્ય એ જીવનનો ઇન્કાર નથી, પણ જીવનને શક્યતઃ સમૃદ્ધ અને સફળ બનાવવાનો એકમાત્ર ઈલાજ છે. વ્યસનીને પોતાનું મન અને ઇંદ્રિયો વશ નથી, કાણાં વાસણમાં જળની જેમ તેનામાં આત્મજ્ઞાન ટકી ન શકે. પરમાત્માનું જ્ઞાન કર્મકાંડ કે વિધિવિધાન કે માત્ર બુદ્ધિથી નહીં, પણ વિવેકથી જાણી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 308

ઇંદ્રિયો દ્વારા બાહ્યજગતનું જ્ઞાન અંદર પ્રવેશે, ત્યારે તેને અનુરૂપ કાર્ય કરવાની પ્રેરણા મનમાં થાય, તે ઈચ્છા કહેવાય! જેટલી વધારે ઈચ્છા કરીએ છીએ તેટલા વધારે દુઃખી થઈએ, કારણકે એટલા જ અભાવનો સૌ અનુભવ કરે છે, એટલે ઈચ્છાઓ ઓછી કરવી એ જ સુખનો ઉપાય છે. માનવીય બુદ્ધિની કલ્પનામાં ન આવે એવી શિક્ષા ૪ વેદ આપે છે, તેથી જ વેદવાક્યને માનવીય રચના ન કહેતા 'ઈશ્વરીય વાણી’ કહેવામાં આવે છે. ધ્યાન દ્વારા વિશ્વની ગંભીરતામાં પ્રવેશ કરી શકાય, અખિલની સાથે આત્માનો સંબંધ સ્થાપિત થઈ શકે છે. માટે રોજે ધ્યાન કરવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 309

હૃદયમાં સાધુપણું આવ્યા વિના અહંપણાનો કચરો દૂર થઈ શકતો નથી, એ વિના પ્રભુના દર્શન પણ થતા નથી. હા, કોઈ વાર બુદ્ધિને પરોક્ષ ઝાંખી થાય, પણ તે કાયમ ટકતી નથી. અહિંસા, સંયમ અને તપના પાયા ઉપર રચાયેલા સનાતન આચારણના નિયમનું નામ 'ધર્મ' છે. ગુણવાન પ્રત્યે રાગ - સન્માન, પીડિત પ્રત્યે કરુણા અને સમાન પ્રત્યે પ્રેમ રાખવા જોઈએ. સાવધાની એ જ સાધના. મુશ્કેલી પણ એક જાતની સાધનાનો જ વિભાગ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 310

'નોકરી કરવાથી પગાર મળશે' એમ સમજીને નોકરી કરવી, તેના કરતાં 'શેઠ પગાર આપે છે, માટે તેની નોકરી કરવી એ મારી ફરજ છે,' એમ માની નોકરી કરવી તે શ્રેષ્ઠ છે. એકમાં સ્વાર્થવૃત્તિ છે - લોભસંજ્ઞા પોષાય છે, બીજામાં કર્તવ્યબુદ્ધિ છે અને તેથી ફરજરૂપ ધર્મ પુષ્ટ થાય છે. પશુઓમાં ક્રોધ છે પણ દ્વેષ નથી, ઈચ્છા છે પણ લોભ નથી. શક્તિ અને સંયમ સહગામી હોવા જોઈએ. પશુઓમાં શક્તિ છે પણ સંયમ નથી. મનુષ્યોમાં બુદ્ધિ છે, તેથી સંયમને શોધીને તે વડે વિશેષ શક્તિ પેદા કરે છે. ધર્મની મર્યાદામાં સિદ્ધ થતાં અર્થ અને કામ 'સદાચાર' કહેવાય છે. ધર્મની બહારના તે બંને 'દુરાચાર' કહેવાય છે. જીવનમાં અર્થ - કામ સિદ્ધ કરવાની મનાઈ નથી, પણ તેના ઉપર ધર્મનું નિયંત્રણ જોઈએ. ધર્મ યાને નીતિ. નીતિનો સવાલ સમજણનો નથી, પણ વર્તનનો છે, કેમકે નીતિની વ્યાખ્યા તો સૌ કોઈ જાણે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 311

જે પોતાને માટે ઇષ્ટ ન હોય તે બીજા પ્રત્યે ન આચરવું, એ નીતિ અને ધર્મ છે. એ પ્રમાણે વર્તન કરવું એ જ માનવીનો મોટામાં મોટો પુરુષાર્થ છે. ધર્મનો સાર એ છે કે: 'જે તું પોતાને માટે ઈચ્છે, તે બીજાને માટે પણ ઇચ્છવું અને જે તું સ્વકાજે ઇચ્છતો નથી, તે બીજા માટે પણ ન ઇચ્છવું.' જીવનની ક્ષણિકતા સમજાય તો જીવનનો પ્રવાહ - રાહ અનંત જીવનનો રાહ બની જાય. જે માર્ગ અનંત જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે અને વિરલને જ તે મળે છે. જે માર્ગ નાશ તરફ લઇ જાય છે, તે પહોળો છે અને તેનું પ્રવેશદ્વાર વિશાળ છે. પ્રલોભનને વશ થવું એ પહોળો માર્ગ, તેના ઉપર વિજય મેળવવો એ સાંકડો માર્ગ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 312

શક્તિ વિના વિજય મળે નહીં. શક્તિ એટલે સ્થૂળ શક્તિ નહીં, પણ સંયમ અને વ્રતબદ્ધ જીવન દ્વારા મળતી આંતરિક શક્તિ. વ્રતબદ્ધ જીવનથી શાંતિ, પ્રેમ, દયા, કરુણા સહજ બને છે અને સંયમ તરફ દોરી જાય છે. સુખ સગવડોમાં શાંતિ નથી, કિન્તુ શાંતિ મનમાં છે. કોઈપણ વાતના અસંતોષને ક્યારેય હૃદયમાં સ્થાન આપવું જ નહીં. આરાધના હંમેશા શક્તિ અને સામગ્રી મુજબ થાય છે. શક્તિ અને સામગ્રી મળે એવી દશા પ્રાપ્ત કરવામાં યથાશક્તિ ઉદ્યત રહેવું એ જ આપણું કર્તવ્ય. આરાધના માટે યથાશક્તિ મથનારને અસંતોષનું કોઈ કારણ જ નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 313

અંતરને એક કરે, શક્તિઓનો સરવાળો કરે, ગુણોનો ગુણાકાર કરે, પ્રેમની પ્રગતિ કરે એવા સેતુની જરૂર છે. તે સેતુ બાંધવા માટે સહનુભૂતિનો એક શબ્દ બસ છે. પ્રેમનો એક પલકાર, સદ્ભાવનો અણસાર, આંખની એક અમી નજર, હૈયાની નાનકી પ્રાર્થના જ પૂરતી છે. બે જીવ વચ્ચેના અંતર દૂર કરે એવા પુલ રચવાને બદલે અંતરને વધારે એવી દીવાલ તો ન જ ચણવી જોઈએ. આચરણમાં ઉતારનારને સાધના સરળ ભાસે છે. વાતો કરનારને તે કઠિનતમ લાગે છે, માટે જે જાણો તેને આચરણમાં મુકવા કટિબદ્ધ થાઓ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 314

કોઈના પણ ઉપકારનું ઋણ માનવું, એ ઉત્તમ આત્માનો સ્વભાવ છે. વિવેક કરવાની સાચી શક્તિને આવરનારી જે કોઈ જાતની મનોદશા હોય, તેનાથી બચવા મથો. આપણું સર્વ પ્રકારનું જીવન એવી રીતે ગોઠવવું જોઈએ કે જેથી દરેક મનુષ્ય પોતાના હૃદયની અંદર રહેલ એક પરમાત્માને ઓળખે, તેને પોતાનો કરે. તેનો આનંદ પોતે લઈ શકે અને પોતાના દૃષ્ટાંતથી તે આનંદ બીજાને આપી શકે. જેટલું જાણ્યું હોય તેટલું પાળતા શીખો. કેવળ જાણવા માટે જાણવું એ પણ જ્ઞાનનું અપમાન છે. પાળવા માટે જ જાણવાનું છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 315

કપડાથી કાંઈ માણસ એ માણસ નથી કહેવાતો. માણસાઈ તો છે સંતોષમાં, મનની શાંતિમાં. સમજુ લોકો કોઈએ શું પહેર્યું છે તે નથી જોતા, તેનું દિલ કેવું છે, તે જ જુએ છે. જ્યાં સુધી આપણા દિલમાં શાંતિ નથી, ત્યાં સુધી દુનિયામાં શાંતિની સ્થાપના શક્ય નથી. અંધકારને શ્રાપ દીધા કરવો, તે કરતા નાનો સરખો પણ એક દીવો પ્રગટાવવો, એ વધારે ઇચ્છવા યોગ્ય છે. There are only two vital things in life: one is work and the other is love. Ours duty is just to accept, do work of our part and die gracefully and not to question - why? For everything comes to us just as our Karmas are!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 316

What you do not wish others should not do unto you, you do not do unto them. Do unto others as you would have others do unto you. કર્મ પોતાના નિયમ મુજબ ફળ આપે છે. એમાં પોતાને હર્ષ કે શોક કરવાનું રહે છે જ ક્યાં? દરેક માણસે પોતામાં જે સારું છે, તે બીજા ઉપર લાદવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમાં બીજાનું ભલું કરવા કરતાં આપણો અહંભાવ પોષવાનું તત્વ વધારે રહેલું હોય છે. સુખી થવાનો સૌથી સરળ રસ્તો એ છે કે પોતાની રીતે જીવો અને સૌને તેમની રીતે જીવવા દો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 317

ભગવાનની પ્રાર્થના શુદ્ધ અંતઃકરણથી અને ખરા ભાવથી કરશો તો સર્વ સંકટ જરૂર ટળી જશે. આપણે વિશ્વકુટુંબ સાથે વત્સલ્યથી વર્તવા બંધાયા છીએ, આથી મિત્રચારીનો સ્થિરભાવ આપણી સાધના જ હોવી ઘટે. રોજ વિચારો કે: બીજાનો ફાયદો મેં કેટલો કર્યો? પોતાનો ફાયદો તો જાનવર પણ કરે છે. મારા દ્વારા કે બીજા દ્વારા જગતના જીવોનું હિત થાઓ. કોઈ પાપ કરો નહીં, કોઈ દુઃખી થાઓ નહીં, સૌ પાપ અને દુઃખથી મુકાઈ જાઓ. જગતના હિતમાં જ પોતાનું હિત છે. બીજાના દુઃખનો નાશ કરવાનો વિચાર તે કરુણા.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 318

બીજાના દુઃખનો નાશ કરવો જેટલો જરૂરી છે, તેટલું જ જરૂરી બીજાના સુખમાં સંતોષી થવું તે પણ છે. કાર્ય સફળ થાય તે માટે પ્રયત્ન કરવો સહેલો છે, પણ પ્રયત્નની પ્રતિકૂળતામાં મધ્યસ્થ રહેવું મુશ્કેલ છે. કાર્યની સફળતા કે નિષ્ફળતામાં સમપણું દેખાય ત્યારે સમજવું કે ખરેખરી પરોપકારવૃત્તિ આવી ગઈ છે. આ અસ્થાયી દુનિયામાં પણ દેવું કરી કરીને બંગલો બાંધવા ઇચ્છનાર શ્રાવક મુર્ખની કોટિમાં જ ગણાય છે. વિનય વિનાની દયા અને વિનય વિનાના સત્યનું પુણ્ય થોડા જ કાળમાં ખવાઈ જાય છે. માટે જ વિનય એ પરમ ધર્મ છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 319

પ્રાણીઓને બચાવવાની સાથે મહત્વનો સવાલ તો આપણી કરુણા બચાવવાનો છે. પ્રાણીઓ કરતાં આપણી કરૂણાવૃત્તિ મરે છે, તે વધારે દુઃખની વાત છે. The crisis of character and compassion એ આજના યુગની કટોકટી છે. કરુણા ઓસરવા સાથે આખી માનવ સંસ્કૃતિ અને સભ્યતા જોખમાવા લાગી છે. વિશ્વાસ ગયા પછી બધું જાય છે, બુદ્ધિની પણ તાકાત પછી રહેતી નથી. વિશ્વાસ વિના એકતા આવતી નથી. એકતા કરવા માટે કેવળ વાણીમાંથી ઉગ્રતા કે કટુતા દૂર થયે નહીં ચાલે. દિલમાંથી ડંખ કાઢી નાખવો જોઈએ. માણસોના હૃદય દ્વારા જે વસ્તુ સમજી કે સમજાવી શકાય છે, તે ઠરાવો કે ઝુંબેશ દ્વારા કદી પણ શક્ય નથી. એને 'હ્રદયપલટો' કહે છે. તે દિલનું પરિવર્તન છે. દિલથી દુનિયા એક છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 320

સૌના કલ્યાણ માટે પોતાના સર્વસ્વનું સમર્પણ એ હૃદય પરિવર્તન છે. હૃદય, જીવન અને સમાજમાં ત્રિવિધ પરિવર્તન જરૂરી છે. અભ્યાસ, જ્ઞાન, બુદ્ધિ - એ બધું સમાજનું છે, એ બધા ઉપર સમાજનું ઋણ છે. તેમાંથી મુક્ત થવું એ ધર્મ છે. માં-બાપ, શિક્ષક, પાડોશી, ખેડૂત, વણકર, સુથાર, લુહાર - આ બધાનો સહકાર ન હોત તો કોઈ મોટા જ ન થાય. જે પોતાને સમજાવ્યા વિના બીજાને સમજાવવા પ્રયત્ન કરે, તે પ્રાયઃ વિડમ્બિત થાય. એકાગ્રતા કેળવ્યા વિના કદાપિ શક્તિનો સંચય થતો નથી. શક્તિ આવ્યા વિના શુદ્ધિમાં ટકી શકાતું પણ નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 321

ઓછામાં ઓછી વસ્તુ તથા સંબંધોથી જેને સંતોષ થાય છે, તે સૌથી ધનિક છે, કારણકે સંતોષ એ કુદરતની સંપત્તિ છે. એકાગ્ર થયેલું મન ધાર્યું નિશાન પાર પાડી જ શકે છે. ધનની જરૂર શરીરના નિર્વાહ પૂરતી જ છે, બાકી તો લોભ છે! બુદ્ધિનો નિશ્ચય એ જ્ઞાન નથી પણ અનુમાન છે. જે પ્રજા પાસે સત્તા હોય, પૈસો હોય, પણ સાથે સાથે ધર્મ ન હોય, તો સત્તા અને પૈસાનો સદુપયોગ કરવાનું તેને આવડતું નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 322

ખરું રાજ્ય તે જ કહેવાય કે જ્યાં ચોર ન હોય, કોઈ અસત્ય બોલે નહીં, કોઈ ભૂખે મરે નહીં, કોઈ દારૂ ન પીતું હોય, જ્યાં વ્યભિચાર થતો ન હોય, જ્યાં લોકો અવિદ્વાન ન હોય અને કેળવણી એવા પ્રકારની હોય કે દરેક માણસ પોતાની ફરજ સમજે. એક સારો વિચાર બીજા હજાર ખોટા વિચારને તોડી નાખે છે, પછી બાકી રહેલ તે વિચાર સહજ છૂટી જાય છે. સાચા વિચારો સાચા અનુભવોને લાવી આપે છે. સારા કર્મની જેમ સારા વિચારો પણ ઉપયોગી છે. જે કર્મ પાછળ સારા વિચારોનું બળ ન હોય, તે કર્મ માણસને ખોટી દિશામાં ઘસડી જાય છે. પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ કેળવવો - એ જ પ્રથમ ધર્મ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 323

થાક ઉતારવાના ૪ ઉપાયો: ૧. જે કામ કરવાનું હોય તેમાં રસ લ્યો. ૨. થોડે - થોડે કલાકે આરામ માટે આંખો બંધ કરીને બેસો. ૩. કામને સમગ્ર રીતે ન જુઓ પણ તેનું વિભાજન કરીને પછી ગણતરી કરો. ૪. જે કામ કરો છો એ નિરર્થક છે એમ કદીયે ન માનો. દરેક કાર્યની સાથે કોઈ મોટો ઉદ્દેશ સાંકળી લેવામાં આવે, તો થાકની માત્રા ઘણા જ પ્રમાણમાં ઘટી જાય છે. Virtue is it's own reward. સદગુણી વર્તનમાં જ તેનો બદલો સમાયેલો છે. નિતિમય આચરણ આધ્યાત્મિમ સુખ આપે છે. મનુષ્યના સ્વભાવની નિર્બળતા એ જુદી ચીજ છે અને મનુષ્ય સ્વભાવની દુષ્ટતા એ જુદી વસ્તુ છે. નિર્બળતા એ ગુન્હો નથી, કિન્તુ દુષ્ટતા એ તો અપરાધ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 324

જે મળ્યું નથી, તેના માટે દુઃખી ન થાઓ, પણ જે મળ્યું છે, તેને માટે આનંદ પામો. A contented mind is the greatest blessing a man can enjoy in this world. ચિંતા સમાન કોઈ અગ્નિ નથી. દ્વેષ સમાન કોઈ વિષ નથી. ક્રોધ સમાન કોઈ શૂળ નથી. લોભ સમાન કોઈ જાળ નથી. જે મનુષ્ય પોતાના હૃદયની વ્યથાને બીજાઓની સમક્ષ પ્રગટ કરી દે અને જેની પાસે પ્રગટ કરે, તેની તરફથી થોડી પણ સહાનુભૂતિ પ્રાપ્ત કરી લે, તો તેને માનસિક શાંતિ મળે છે, કુચિંતનની શૃંખલાઓ તૂટી જાય છે અને વ્યાધિઓ આપમેળે દૂર થઈ જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 325

આહાર, આરામ અને ભોગના સાધનોનો વિસ્તાર એટલે માનવ નહીં. સ્થૂલ સાધનોની પ્રાપ્તિથી બાહ્યજીવન વધારે સગવડભર્યું બને છે પણ તેથી લોભ, ભય, સ્વાર્થ કે કપટ ઘટે નહીં. સુધારેલી પશુટેવોમાં માનવનો વિકાસ નથી. માનવનો વિકાસ તો છે પોતે જ પોતાનો ઓળંગી જવામાં. પશુથી વિશિષ્ટ એવું માનવીમાં કાંઈક છે, એને શોધીએ! દેહનો નાશ એ મૃત્યુ નથી. માનવતાનો વિધ્વંશ એ મૃત્યુ છે. ધન, સત્તા, કીર્તિની અપ્રાપ્તિ એ નિષ્ફળતા નથી. માનવસહજ ગુણોનો સંકોચ એ નિષ્ફળતા છે. 0 He is one of the noblest conquerors who carries on a successful warfare against his own opposites and passions and has them under wise and full control.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 326

સાહિત્ય, કલા, વિજ્ઞાન તથા તત્વજ્ઞાનમાં માનવતા પ્રગટે છે. તે જેટલા ઉચ્ચ, તેટલું જ માનવીનું વિચારજીવન ઉચ્ચ. જ્યાં સુધી વિજ્ઞાન રાજસત્તાથી, રાજસત્તા વ્યાપારી હિતોથી, વ્યાપારી હિતો અર્થસંગ્રહથી, અર્થસંગ્રહ સ્વાર્થવૃત્તિથી અને સ્વાર્થવૃત્તિ વાસનાવૃત્તિથી દબાયેલી છે, ત્યાં સુધી વિજ્ઞાન માનવીને ઊંચે ક્યાંથી લાવે? પડેલા માનવીએ વિજ્ઞાનને પાડ્યું છે. વિજ્ઞાનને ઊંચે લાવવા માણસે ઊંચે આવવું જ પડશે. શારીરિક રોગોથી નહીં થયા હોય તેટલા મૃત્યુ આશા અને શ્રદ્ધાના અભાવથી થયા છે. શ્રદ્ધા અને વિશ્વાસનું બળ અપરિમિત છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 327

વિદ્વતા અને જ્ઞાન - આ બંનેને એક સમજવાના નથી, કેમકે તે એક નથી. વિદ્વતા હોય છતાં જ્ઞાન ન હોય, એવું પણ બની શકે. Love of god means love of all beings, because god is in all and all is in god and also exceeds all. રોવાનું છોડવું હોય તો ખોટું હસવાનું પહેલું છોડવું જોઈએ. જેનું સતત ચિંતન થાય, તેની શરીરમાં વૃદ્ધિ થાય છે. દુઃખ - ભયનું ચિંતન કરવાથી દુઃખ અને ભયની વૃદ્ધિ થાય, તે મુજબ શક્તિને સતત ચિંતવાથી શક્તિની વૃદ્ધિ થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 328

કોઈ વસ્તુથી ભરેલી જગ્યા કરતાં ખાલી જગ્યાનો વધારે ઉપયોગ છે, તેમાં વધારે શક્તિ છે. દીવાની આસપાસ રહેલી ખાલી જગ્યામાં રહેલ ઓક્સિજન દેખાતો નથી, છતાં તેની મદદથી જ દીવો બળે છે. માટે રિક્ત બનવું. પ્રાર્થના આપણને સૌને નમ્ર, સુખમય, પ્રેમમય અમે લાગણીવાળા બનાવી આગળ વધારવા માટે જ છે. જ્યાં મોટા મકાન હોય પણ એક પણ જ્ઞાની પુરુષ ન હોય, તે મોટું શહેર કહી શકાય નહીં. જ્યાં એકપણ જ્ઞાની કે નિઃસ્વાર્થ પુરુષ ઝૂંપડામાં પણ રહેતા હોય, તો પણ તે મોટું શહેર છે, કારણકે ત્યાં વિશ્વ મળી શકે છે. Birth and death do not occur in company.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 329

જે માણસ ઝાઝું સત્ય જાણે છે તે નહીં, પણ જે ઝાઝું આચારમાં લાવે છે, તે ડાહ્યો છે. બુદ્ધિ સૌને જગત તરફ વળવાનું કહે છે અને શ્રદ્ધા ભગવાન તરફ વળવાનું કહે છે, તેથી અંતઃકરણમાં ખરી શાંતિ ઉત્પન્ન થતી નથી. દુર્ગુણો તરફ તિરસ્કાર ઉત્પન્ન થવો જોઈએ, દુર્ગુણી તરફ નહીં. Let all noble thoughts come to us from every direction - Rigveda 1| 89i

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 330

Peace comes from self - mastery and bliss comes from universal sympathy. Law of life is love. Men must learn to see all in Him and Him in all. 0 Universal sympathy and control over the self are the two means for bliss and peace. આત્મભાવે આખું જગત આપણું કુટુંબ જ છે. સેવા એ તો પરપણાની બુદ્ધિ છોડવા માટે જ છે. જે પોતાની અયોગ્યતા સમજી શકે છે, તે હૃદયની શાંતિ કદાપિ ગુમાવતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 331

બધા દુઃખોનું મૂળ પરાધીનતા - સુખોનું મૂળ સ્વાધીનતા. સુખ વખતે બીજાનો ઉપકાર જોવો અને દુઃખ વખતે પોતાનો દોષ જોવો. એથી દુઃખ ઓછું થઈ જાય છે. અજ્ઞાનીને સુખ સ્વપ્ના જેવું ને દુઃખ દરિયા જેવું અને જ્ઞાનીને સુખ સમુદ્ર જેવું અને દુઃખ ટીપા જેટલું લાગે. કૃતજ્ઞતા ગુણવાળાને સુખ વધારે - દુઃખ ઓછું લાગે છે, કેમકે તેઓ સુખનો વિચાર વધુ કરે છે, દુઃખનો નહીં. દરેકમાં ગુણ જોવાની કલા કેળવવી જોઈએ. પ્રેમનો ખરો અર્થ બીજાના અર્થે પોતાના સ્વાર્થનો ભોગ આપવો તે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 332

સહન કર્યા વિના સાચો પ્રેમ સાબિત થાય નહીં. મનને નકામું બનાવવા માટે નહીં પણ વધારે ઉપયોગી બનાવવા માટે જીતવાનું છે. હૃદય ઉપર પ્રેમની લાગણીની જેટલી અસર થાય છે, એટલી બીજા કોઈની નથી થતી. આપવામાં અને ગ્રહણ ન કરવામાં જે આનંદ છે, તેના કરતાં વધારે તીવ્ર આનંદ બીજા કશામાં નથી. કામ નાનું કે મોટું એ મહત્વની વસ્તુ નથી પણ તે કેવા ભાવ અને વૃત્તિથી કરવામાં આવે છે, તે અગત્યનું છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 333

પ્રભુભક્તિ એ કર્મનો નિયમ પણ શું બદલાવી શકે? જવાબ છે: હા. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, દુઃખ કોઈને છોડતું નથી. જ્ઞાનીઓ દુઃખ-સુખને જાણી શકે પણ તેમાં અંશમાત્ર ફેરફાર કરવાની તાકાત નથી, કેમકે કર્મના અટલ નિયમ ઉપર કેવળ ધર્મના નિયમની સત્તા ચાલે. ધર્મનો નિયમ, જીવમૈત્રી - પ્રભુભકિતને આધીન છે. જે કાર્ય ભગવાનથી ન થાય તે ભગવાનની ભક્તિથી થઇ શકે છે. ‘ભગવાનની ભક્તિથી જે કાર્ય થયું તેને ભગવાનથી જ થયું’ એમ માનવું તે વ્યવહાર નયનો સિદ્ધાંત છે, એ દૃષ્ટિએ કહી શકાય કે કર્મના નિયમ ઉપર પણ ભગવાનનું પ્રભુત્વ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 334

હવા વગર જેમ જીવી શકાય નહીં ... તેમ સેવા વગર પણ આધ્યાત્મિક જીવન ટકાવી શકાય નહીં. જેના અંતરમાં દયા અને પ્રેમ છે તથા જેના કાર્યમાં સેવા અને સહાય છે, તે ખરેખરો ધર્મવંત છે. અભિમાનને લીધે પોતાનામાં જ સર્વસ્વ જોવાની વૃત્તિ આત્મશ્રદ્ધા નથી. આત્મશ્રદ્ધા તો

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 335

The body of man is the body of God. Spirit cannot be limited in any way, the man is spirit incarnate. Any limitation under which man labours is merely a false belief in the reality of something which is actually unreal. It matters everything what you are within, for everything without will be mirrored and coloured accordingly. માટીના માણસની માલિકી પોતા ઉપર પણ નથી, તો બીજી ચીજો ઉપર તો ક્યાંથી હોય? જે છેહ દે એવા દેહ ઉપર વળી નેહ શાનાં? દેહ બળે તો અગ્નિનો, દટાય તો કીડાનો, જળમાં ડૂબે તો મીનનો, અને જમીન ઉપર પડે તો શ્વાન-ગીધનો આહાર બને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 336

સર્વ જીવોના જીવત્વના હિતની ચિંતાને જ પરમ કર્તવ્ય તરીકે કેળવવાનું અને મેળવવાનું છે. એ જ એક સત્ય પુરુષાર્થ છે. જ્ઞાનનું દાન ઘણા કરે છે. અન્ન, વસ્ત્ર અને ધનના દાતારો પણ મળે છે, પણ પ્રેમનું દાન કરનારનો દુકાળ છે. પ્રેમ બધા લેવા ચાહે છે, પરંતુ આપવા માટે કોઈ નહીં. જ્ઞાન બધા દેવા ચાહે છે, લેવા કોઈ નહીં. તેથી જ જગતમાં જ્ઞાનની ત્રુટી નથી, પણ પ્રેમની ત્રુટી છે. ધન, અન્નની કે વસ્ત્રોની તેવી તંગી નથી, જેવી પ્રેમની છે. પ્રેમના ચાહકો તો ઘણા છે, દાતાર કોઈક જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 337

પોતાની પાસે પ્રેમ અખૂટ હોવા છતાં ય તેને આપવાની વૃત્તિ કોઈ ધરાવતું નથી. ગમે તેટલો પ્રેમ આપે તો ય ખૂટે તેમ નથી, તેટલો પ્રેમ દરેક પાસે ભરેલો હોવા છતાં કોઈ તેને આપવા ઇચ્છતું નથી, લેવા ઈચ્છે છે. તેથી જ જગતમાં દુઃખ છે, અશાંતિ છે, ક્લેશ છે, કંકાસ છે, ઇર્ષ્યા છે, અસુયા છે. તેના નિવરણનો ઉપાય પ્રેમનું દાન છે. Blessed is he who has no wrongs to remember, no injuries to forget, in whose pure heart, no hateful thoughts about another can take roots and flourish. In the dark time of sorrow, men approach very near to truth. The end of sorrow is joy and peace. The effect will always be of the same nature as the cause.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 338

શબ્દો એ વિચારોનું વાહન છે. લક્ષ્યની સિદ્ધિ અર્થે સુવિચારીત અને સુનિશ્ચિત એવા વિવિધ ઉપાયોને યથાશક્તિ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન તે આચાર યા ક્રિયા. પોતાની મેળે જ પોતા ઉપર લાગુ કરાયેલો સંયમ એ બંધન નથી. પોતા પર સંયમ રાખશે નહીં તે નષ્ટ - ભ્રષ્ટ થશે. તમારા શત્રુને આપવા લાયક સારામાં સારી વસ્તુ હોય તો તે ક્ષમા છે. ધન મેળવવાનો એક ઉપાય ઉદ્યમ, બીજો સંતોષ અને ત્રીજો ઉપાય તૃષ્ણારહિત થવું તે છે. જે માન લક્ષ્મીથી મળે છે, તેથી અનેકગણું માન તૃષ્ણારહિતને મળે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 339

'જગતના જીવોમાં કોઈપણ જીવ એવો નથી, જેને દુઃખ કે પીડા પસંદ હોય.' આપણને પોતાને પણ દુઃખ કે પીડા પસંદ નથી તો પછી આપણે શા માટે બીજા જીવોને પીડવા? Love is the very nature of God. It's not some slushy and sentimental emotion, but a tremendous dynamic healing force. The whole of creation of healing, of perfection is the outcropping of Divine Love. કૃતજ્ઞ આત્મા પોતાને ક્ષમા કરી શકતો નથી, બીજાને ક્ષમા કરે છે. પોતે દેવાદાર છે, મોટું દેવું ચૂકવી શકતો નથી, તેથી પોતાનું અલ્પ લેણું જતું કરી શકે છે. ભગવાનની ઇચ્છામાં પોતાની ઈચ્છા લીન કરી દેવી - તે ખરેખરી પ્રાર્થના છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 340

Sickness is the greatest miracle in life, for it is the negation of universal law. Health is the most normal thing in life. Anyone can have it, who will stop telling himself that he cannot have it, and who will approach it from the standpoint of the universal law. બહારનું જગત અંદરના જગતનું પ્રતિબિંબ માત્ર છે. મનમાં જેવી ભાવના રહે છે, તેવું જ બહારનું જગત આકાર ધારણ કરે છે. The sorrowless state is reached only through sorrow. Trust the divine power and you will always be protected. There is no freedom on earth for those who deny freedom to others.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 341

Cease to inquire what the future has in store and take as a gift whatever the day brings forth. The strife of the world in all its forms has its origin in one common cause, normally individual selfishness. એવી કોઈ પરિસ્થિતિ નથી જેનો ઉકેલ પ્રાર્થનાની ચાવી વડે ન થાય. પ્રાર્થના ન ફ્ળે ત્યારે પ્રાર્થનાના બળમાં ખામી છે, એમ નહીં પણ પ્રાર્થના કરવાની પદ્ધતિમાં ખામી છે તેમ માનવું. આપણા દુઃખનું સાચું કારણ બાહ્ય કોઈ વસ્તુનો અભાવ નહીં, પણ અંતરમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના અભાવમાં રહેલું છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 342

પ્રાર્થનાનો મુખ્ય સંબંધ મન સાથે રહેલો છે. મન જેટલું એકાકાર બનશે, તેટલી પ્રાર્થનાની અસર વિશેષ. મનની એકાગ્રતાથી ભાવનાની દ્રઢતા વધે - ભાવનાની દ્રઢતાથી મનની એકાગ્રતા વધે છે. We must change our mind from an aggressive mood into a receptive mood. It can only be done by the power of equality, liberty and fraternity. These three are the fundamental elements in the art of prayer. કરુણા અને ભક્તિ વચ્ચેનો તફાવત એટલો જ કે કરુણા એક પ્રકારનો સ્નેહ છે પણ તે હીન ઉપર હોય છે. ભક્તિ એક પ્રકારનો સ્નેહ છે પણ તે અધિક ઉપર હોય છે. મિત્રતાનો અર્થ કમજોરીને ચલાવી લેવી તે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 343

Ego is helper and ego is bar. Destruction of ego is impossible. Construction of ego for the betterment is easily possible. કુદરતની માલિકીની કોઈપણ વસ્તુ ઉપર આપણી માલિકી રાખીએ ત્યાં સુધી ગુન્હાહિત છીએ. તે માલિકી જે કુદરતની છે, તે તેને સોંપી દેવાથી ગુન્હાથી મુક્તિ મળે છે. મિત્રતાથી અધિક કોઈ પ્રસન્નતા નથી. ભૂતકાળનો કદી શોક ન કરવો. ભૂતકાળને ભૂલી જવો. પોતાને સંપૂર્ણપણે ઇશ્વરને સમર્પણ કરી દેવું. ‘સર્વનો સ્વીકાર’ એ આનંદમંત્ર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 344

જે સ્વાર્થવૃત્તિ અન્ય માનવ પ્રત્યે ઉપેક્ષા કે નિષ્ઠુરતા ધારણ કરી શકે છે, તે અબોલ પશુ કે પ્રાણીઓ પ્રત્યે દયા કે અનુકંપા કેવી રીતે ધારણ કરી શકશે? પાપના પૈસાથી પાપ જ ઉગે. દાનથી ઉદારતા, ઉદારતાથી ત્યાગ, ત્યાગથી વૈરાગ્ય અને વૈરાગ્યથી સર્વસદ્ગુણો પ્રગટે છે. સદ્ગુણોથી સુખ અને શાંતિ પ્રાપ્તિ થાય છે. પુરાણી સ્મૃતિઓને દૂર કરો અને સામે આવેલ શત્રુને કે વેરણ માણસ સાથે તે હવે નવો જ માણસ છે એમ માનીને વર્તો. Fresh mind રાખો. પરસ્પર ચિત્ત નિત્ય બદલાતા જ રહે છે. જેમ આપણે પ્રતિક્ષણ બદલાતા જઈએ છીએ, તેમ આપણા સાથી પણ પ્રતિક્ષણ બદલાતા જાય છે. જે વ્યક્તિ માટે કે આપણા પોતાના માટે આપણે જે ખ્યાલો ધરાવીએ છીએ, તે વ્યક્તિ આજે રહી જ હોતી નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 345

Sickness is the greatest miracle in life, for it is the negation of universal law. Health is the most normal thing in life. Anyone can have it who will stop telling himself that he cannot have it, and who will approach it from the standpoint of the universal law. બહારનું જગત અંદરના જગતનું પ્રતિબિંબ માત્ર છે.મનમાં જેવી ભાવના રહે છે, તેવું બહારનું જગત આકાર ધારણ કરે છે. The sorrowless state is reached only through sorrow. Trust the divine power and you will always be protected. There is no freedom on earth for those who deny freedom to others.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 346

પ્રત્યેક સુખ માટે દુઃખની આવશ્યકતા છે, તેથી દુઃખને દોષરૂપ ન માનતા સુખની છાયારૂપ અથવા દુ:ખને અનિવાર્ય ટેકારૂપ માનવાથી મન હલકું રહેશે. સંસારનો કોઈપણ માનવ સુખ-દુઃખ વિનાનું ન હોય. જાનવરના આરોગ્યનું એક મુખ્ય કારણ તેનું મૌન છે. મનનપૂર્વક મૌન રાખવાથી વાણીની શક્તિ વધે છે. મનમાં કોઈ ખોટો વિચાર આવ્યો અને તે વાણીથી પ્રગટ ન થયો, તો પણ તેની દુનિયા ઉપર ખરાબ અસર થાય છે. મનમાં સારો વિચાર આવ્યો અને વાણીથી પ્રગટ ન થયો, તો પણ તેની દુનિયા ઉપર સારી અસર પડે છે. તેથી મનને સારા વિચારોમાં વાળવું. મનમાં જે વિચાર ઉગે, તે બધે પ્રગટ ન થાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 347

સૌથી પહેલું સત્ય એ છે કે સૌએ પોતે જ પોતાનો વિકાસ કરવાનો છે. શરીર, ઇંદ્રિયો, બુદ્ધિ અને ચિત્ત - એ સર્વનો વિકાસ થાય, તો પણ અંતરાત્માનો વિકાસ ન થાય, ત્યાં સુધી બધા વિકાસનો સરવાળો કરીએ તો પણ જીવનનો વિકાસ અધુરો જ રહે છે. બીજા સર્વ વિકાસ પરાવલંબનથી થાય છે, પરંતુ અંતરાત્માનો વિકાસ જાતે જ કરવાનો હોય છે. પાપનું મૂળ અભિમાન છે, છતાં દયા પાળવા માટે પ્રાણ ન છૂટે, ત્યાં સુધી દયા પાળવા પણ તે કહે છે. 'બીજાના પ્રાણ લેવા કરતાં પોતાનાં પ્રાણ છોડવા સારા' એવું અભિમાન જ કહે છે. તે અભિમાન દયા પાળવા માટે હોવાથી પ્રશસ્ત છે. તેનો અર્થ બીજા અભિમાન કરતાં તે મંદ અભિમાન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 348

એક જીવ બીજા જીવનું ભક્ષણ કરીને જીવે છે. એક જીવ બીજા જીવનું રક્ષણ કરીને જીવાડે છે. આમ જીવનો નાશ કરનાર અને રક્ષણ કરનાર પણ જીવ જ છે. એક જીવની વાણી કરતાં તેનું વર્તન અને તેના વર્તન કરતા પણ તેના વિચાર અને સંકલ્પ સૌથી વધુ ઉપકાર કરે છે. શુદ્ધ સંકલ્પ મુજબ જ જગતનું સંચાલન થઈ રહ્યું છે, તેથી સંકલ્પનું બળ વધારો અને તેને શુદ્ધ કરવા માટે સર્વના સુખનો વિચાર કરો. સ્વના સ્થાને સર્વ ગોઠવાય તો સકલ વિઘ્ન દૂર થાય, સકલના સર્વ વાંછિત પણ પૂર્ણ થાય. સર્વ જ્ઞાનનો સાર એ છે કે કોઈપણ જીવતાં પ્રાણીને દુઃખ કે કષ્ટ ઉપજાવવું નહીં. દુઃખનું મૂળ હિંસા અને તેનું મૂળ અસંયમ છે, તેથી મન-વિચાર-કાયા ઉપર જરુર સંયમ કેળવવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 349

એક જ અવસ્થામાં સુખનો કે દુઃખનો સાથે જ અનુભવ કરવો તે આપણી માનસિક સ્થિતિ કે સમજણ ઉપર આધાર રાખે છે. જૂઓને... સામગ્રીના અભાવમાં પણ સાધુઓને સુખ છે, જ્યારે સામગ્રીના સદ્ભાવમાં પણ તૃષ્ણાવાનને દુઃખ છે. માત્ર વિચારોનાં ઘર્ષણને લીધે જ મનુષ્યો એકબીજાને પ્રતિપક્ષી માને છે, એકબીજા ઉપર દ્વેષ રાખે છે અને તેમાંથી જ ક્લેશ, કંકાશ અને યુદ્ધો જન્મે છે. આ ઘર્ષણ ટાળવા માટે સામા પક્ષની વાત શાંતિપૂર્વક સાંભળતાં શીખવું જોઈએ અને તેમાં જે વસ્તુ સાચી જણાય, તેનો સ્વીકાર કરતાં આપણે જરા પણ અચકાવું ન જોઈએ. વસ્તુઓ વિશે આપણું જ્ઞાન સાપેક્ષ હોય છે, તેથી 'આપણી માન્યતા સાચી અને બીજાની ખોટી' એવું ન કહેવું. આપણી માન્યતા અમુક અપેક્ષાએ સાચી, તો બીજાની માન્યતા બીજી અપેક્ષાએ સાચી હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 350

વધારે ઉત્પન્ન કરો અને વધારે વાપરો, એના બદલે જરૂર જેટલું જ ઉત્પન્ન કરો અને સમજીને વાપરો. ઉત્પાદન વધારવા માટે જરૂરિયાતો વધારવી એ ઈંડુ મેળવવા માટે મરઘી મારવા જેવું બેહુદું છે. મનુષ્ય કરતાં વધારે ઉત્તમ કોઈ જીવન નથી, તેમ મન કરતાં ઉત્તમ કોઈ સાધન નથી. આપણા મનનો ઉપયોગ કરવા ઉપર આપણું ભવિષ્ય આધાર રાખે છે. વરાળ અને વિજળીની જેમ વિચારબળને પણ અમુક આકારમાં ગોઠવવાથી તેની શક્તિ કામ કરી બતાવે છે. વરાળ અને વિજળીનો ઉપયોગ ધનાઢયો જ કરી શકે છે, પરંતુ વિચારશક્તિનો ઉપયોગ તો સૌ કોઈ કરી શકે છે. રાગના બદલે વૈરાગ્ય, લોભના બદલે સંતોષ, દ્વેષના બદલે પ્રેમ, માનના બદલે નમ્રતા અને ક્રોધના બદલે ક્ષમા ધારણ કરવી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 351

આપણી વાણી માટે આપણે જેટલા જવાબદાર છીએ, તેના કરતાં પણ આપણાં વિચારો માટે આપણે વધારે જવાબદાર છીએ, કારણકે વચન કરતાં પણ વિચારો ઘણે દૂર જાય છે અને તે સર્વને ઘણી બારીક અસર કરે છે. આળસુ શરીરનો અર્થ મન આળસુ છે. અનિયંત્રિત વાણીનો અર્થ મન અનિયંત્રિત છે. સર્વ જાતિનાં દુઃખ મનની દુષ્ટ ભાવનામાંથી અને સર્વ જાતિનાં સુખ મનની સારી ભાવનામાંથી ઉત્પન્ન થાય છે. સુખ એ મનનો વ્યવસ્થાપૂર્વકનો વ્યય છે, દુઃખ એ મનનો અવ્યવસ્થાપૂર્વકનો અનુચિત ઉપયોગ છે. મૈત્રી તેની સાથે કરવી, જે કદી પણ છોડે નહીં. એવો સંબંધી તે એક ચેતન જ છે - આત્મા જ છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 352

પ્રતિકુળતાને દુઃખ માનવું તે ભૂલ છે. પ્રતિકૂળ સંયોગ એ દુઃખનું કારણ નથી પણ અંતરનો મોહ જ દુઃખનું કારણ છે. ક્રોધનું નિમિત્ત ઉભું થાય ત્યારે ત્યાંથી ખસી જવું. તેમ ન થઈ શકે તેમ હોય તો મૌન સેવવું. તમારી આંખમાં કાંકરો હોય ત્યાં સુધી બીજાની આંખમાં પડેલી રજને જોવા ન બેસો. તમારા દોષ જે હોય તે પ્રથમ કાઢવા પ્રયત્ન કરો , પછી તમે બીજાને સુધારવાને લાયક બનશો. ખરી સ્વતંત્રતા સમર્પણમાં છે. પ્રેમપૂર્વક કરેલા સમર્પણ પછી પણ સ્વતંત્રતા કાયમ રહે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 353

જે પારકાની ખોદણી કરે છે, તે પોતે બગડતો જાય છે. જે પારકાનું ભલું કરે છે, તે પોતાનું પણ સાથે સાથે ભલું કરતો જાય છે. પાપ કરવામાં શરમ છે, પાપ કબૂલ કરવામાં બહાદુરી છે. તું હજુ જન્મ્યો ન હતો, ત્યારે પણ દુનિયા તો આગળ ધપતી જ હતી અને તારા ગયા પછી પણ... એ યાદ રાખવાનું છે કે તારા વગર દુનિયાનું કોઈ પણ કામ અટકી પડવાનું નથી. અપકાર કરનાર પ્રતિ પ્રેમ રાખવો અને તેનું યથાશક્તિ હિત કરવું એ કોઈ પરાર્થ કે પરોપકાર નથી, પરંતુ આપણો જ ખરો સ્વાર્થ છે. પ્રાણીમાત્ર પ્રતિ પ્રેમ રાખવાથી અને તેનું યથાશક્તિ હિત કરવાથી આપણે તેમનું જેટલું હિત કરીએ છીએ, તેના કરતાં આપણું પોતાનું આપણે અનેકગુણું હિત કરીએ છીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 354

કોઈ તમારું ગમે તેવું અહિત કરે, પણ તમે સામું અહિત કરશો નહી. પ્રેમથી મન જેટલું વશમાં આવે છે, એટલું બીજા કોઈ સાધનથી આવતું નથી. જો આપણે અહંકારને દૂર કરી શકીએ, તો જ કાર્ય સિદ્ધ થાય. અહંકારને કાઢવા માટે તેને ઝેર જેવો માનવો જોઈએ. અંતરમાં અહંકારની સૂક્ષ્મ પણ મીઠાશ રહી ગઈ હોય, તો તેને પણ મૂળમાંથી કાઢવી જોઈએ. જે વસ્તુની પ્રાપ્તિ જેના તરફથી થઈ હોય તેનું વિસ્મરણ થવું - એ દોષરૂપ અને સ્મરણ થવું - એ ગુણરૂપ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 355

પ્રાપ્ત ગુણોનો સદુપયોગ કરવાની કોઈ ચાવી હોય તો તે કૃતજ્ઞતા ગુણ છે. 'ધર્મની જીવનમાં શી જરૂર છે?' એમ કહેનારો માણસ 'કાંટા ઉપર જેને ચાલવું છે, તેને પગરખાની શી જરૂર છે?' એના જેવો પ્રશ્ન ઉભો કરનાર છે. કર્મને કોઈની શર્મ નથી. કર્મ આગળ સર્વ સમાન છે. કર્મ પોતાના નિયમે કામ કરે છે અને ફળ આપે છે. એમાં પોતાને હરખ - શોક કરવાનું રહે છે જ ક્યાં? દરેક માણસે પોતાનામાં જે સારું છે, તે બીજા ઉપર લાદવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમાં બીજાનું ભલું કરવા કરતાં પોતાનો અહંભાવ પોષવાનું તત્વ વધારે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 356

આપણે જેને સારું માનતા હોઈએ, તે લાગતા - વળગતાઓને કદાચ એટલું સારું ન પણ લાગતું હોય. માટે... ‘પોતાની રીતે જીવો અને સૌને તેમની રીતે જીવવા દ્યો' એ સુખી થવાનો સૌથી સરળ રસ્તો છે. આગળ વધવા માટે બીજાઓ આપણા વિશે શું ધારે છે, એનું જરા પણ મહત્વ નથી. વળી તેઓ આપણા માટે શું કરે છે, તેનું ય કાંઈ મહત્વ નથી... પણ બીજાઓ માટે આપણા મનમાં શુ પડ્યું છે અને તેઓ માટે આપણે કેટલું કરીએ છીએ, તે જ મહત્વનું છે. કૃતજ્ઞતા ગુણના મૂળમાં અને ફળમાં પણ પરોપકાર છે. એ જ રીતે પરોપકારના મૂળ અને ફળમાં પણ કૃતજ્ઞતા છે. બીજાઓએ કરેલા ઉપકારનો પ્રત્યુપકાર એ ‘કૃતજ્ઞતા’ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 357

પ્રેમ એ જ આનંદ અને સુખનો અપર પર્યાય છે. પ્રેમને છોડી બીજામાં સુખને શોધનાર હંમેશા દુઃખી જ હોય છે. પ્રેમનો અભાવ એ દુઃખ. પ્રેમ એટલે અભેદભાવ. A good beginning is half done and to have begun well is praised by all. When we surround each person whom we treat with our spiritual love, it is not a vaporous sentiment but a mighty power, because it is a God power. It is as definite as a stream of water directed through a hose in a definite direction and it washes its object clean.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 358

એ જ માણસો ખરા કામે લાગવાના છે કે જેમના હૃદયમાં મૂળભૂત કરુણા પેદા થઈ હોય. ઈશ્વર કામ કરી રહ્યા જ છે અને આપણે સૌ એના હાથના ઓજાર છીએ. અનુભૂતિ પણ એવી છે કે જેમના હૃદયમાં કરુણા છે, તેમનો પ્રભાવ દુનિયામાં બળવાન છે. આપણા દિલમાં રહેલી કર્તવ્યની ભાવના એ અન્ય સૌ ભાવનામાં સૌથી વધુ સુંદર છે. મનના પાપને આપણે પાપ માનતા જ નથી અને કાયાના પાપને પાપ માનીએ છીએ, પણ વધુ પાપ તો મનથી જ થાય છે. હિન્દુસ્તાનના રાજા પ્રજાના આશીર્વાદથી જીવે છે, દમનથી નહીં. નિઃસાસામાં એટલી બધી ગરમી છે કે તે હર્યાભર્યા ૫/૧ વર્ષથી અડીખમ ઉભેલા ઝાડને પણ સુકવી દેવા સમર્થ છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 359

માણસ જેને વિશે વિચાર કરે, તેની વિચારણા તેના મસ્તિષ્કેથી છૂટીને સામી વ્યક્તિમાં પહોંચી જાય છે. તમે દૂર રહેલા માણસને યાદ કરો, તેના પત્રની રાહ જુઓ, તો તેને અસર થશે કે આ ભાઈ મને યાદ કરતા હશે. તેને કાગળ લખવાનું મન થશે. 'મારે શું?' તેવો વિચાર કરવાથી બીજા આપણા માટે તેવો જ વિચાર કરે છે. જેને લાગે કે મારામાં ખરાબ સંસ્કાર નથી, તે પણ વિચારે તો તેનામાં અનંતા ખરાબ સંસ્કાર ભરેલા હોઈ શકે જ છે. દાન તરીકે અન્ન - પાણી આપવામાં જ લાભ છે, કેમકે એક તે જ છે કે જેનો દુરુપયોગ માનવો દ્વારા ઓછામાં ઓછો થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 360

બધા જ મરે છે ... છતાં પોતાને પણ મરવાનું છે, તે યાદ નથી રહેતું - તે જ આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય છે. રાત્રે જેવા વિચાર કરી સુવો, તેવા સ્વપ્નો આવે. જે જે સંસ્કારો બાળકને તેની જાગૃત અવસ્થામાં ન નાંખી શકાય, તે તેને ઘોડિયામાં નાંખી હાલરડા ગાતાં ગાતાં નાખી શકાય છે. તે સંસ્કારો આપોઆપ જ બાળકમાં ઉતરી જાય છે. જગતમાં મહાપુરુષો વિચારોનો જે ભંડાર મૂકી ગયા છે, તે સદવિચારની ચાવીથી ઉઘડે છે અને તે વિચારોથી મહાન શક્તિ પ્રાપ્ત થાય છે. અસદવિચાર ભૂલેચૂકે કર્યો તો એનો તો અહીં ભંડાર છે, તે આપણા વિચારમાં આવી જશે. અપવિત્ર કરતાં પવિત્ર વિચારોમાં ઘણું બળ હોય છે. અસત્ય પોલું છે, જ્યારે સત્ય નક્કર હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 361

'હું જુદો અને બીજા જુદા, મારું સુખ જુદું અને બીજાનું જુદું, મારા સુખના સાધન જુદા અને બીજાના જુદા' આ ભેદભાવ છે, અધર્મ છે. જે જેટલાને પ્રેમ આપી શકે છે, તે તેટલા અંશમાં અધર્મથી બચે છે, ધર્મને ભજે છે. પ્રેમના ઇચ્છુકને પ્રેમ ન આપવો, એ જ અધર્મ છે. સુખ:દુઃખ એ જીવને માપવાના કાંટા છે. એક માનવીના સંયમનું માપ કાઢે છે, બીજું સહનશક્તિનું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 362

અનુભવની ભૂમિકા ઉપરથી બોલવું એ હૃદયથી બોલવું છે. તેની શક્તિ સૌથી અધિક હોય છે. તે સર્વ ઉપર પોતાનો પ્રભાવ પાડી શકે છે. જેવું હૈયામાં હોય, તેવું હોઠે આવે, ત્યારે જ ખરી શબ્દશક્તિ કામ કરતી થાય છે. એક માસ સુધી કાળી મજૂરી કરનારને શક્તિનો જે વ્યય થાય છે, તેથી અધિક શક્તિ પાંચ મિનિટના ક્રોધમાં ખર્ચાઈ જાય છે. ક્રોધ આત્મિક, માનસિક અને શારીરિક - એમ ત્રણે દ્રષ્ટિએ નુકશાન જ કરે છે. માટે શાંત રહેવું. લોભથી ચિત્ત હંમેશા અતૃપ્ત જ રહે છે. લોભનો ખાડો કદી પુરાતો નથી. કારખાના એ કારખાના નહીં પણ કાળખાના છે. સમજવા છતાં સંહારના કારખાના ચલાવે છે, તેનું કારણ લોભ છે. લોભ પાપ - પુણ્યના વિવેકને ભુલાવે છે. જે સતત પ્રેમના જ વિચાર કરે, તેને કદાપિ રોગ ન થાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 363

સાધારણ માણસનું સૃષ્ટિ પ્રત્યે અને બીજા માણસો તરફનું એક જ અને અનન્ય પ્રયોજન એટલું જ હોય છે કે પોતાનું સુખ જળવાઈ રહે અને પોતાની સગવડતાઓમાં ક્યારેય કોઈ ખામી ન આવે... અને આવા વલણનું એક માત્ર પરિણામ એટલે પરસ્પર વિદ્વેષ, કાતિલ હરીફાઈ, બળિયાના બે ભાગનું તત્વજ્ઞાન, શોષણ, જડતા અને માનવતાનો હ્રાસ. જ્યારે આધ્યાત્મિક માનવોને બીજાના જ સુખ - સગવડની ચિંતા હોય છે! એટલો ફેર છે. ‘ઈશ્વર બધે જ છે અને વળી જીવમાત્રમાં - માનવીમાત્રમાં તે છે' એ તત્વજ્ઞાન જ્યારે મળે, ત્યારે જ પરસ્પર પ્રેમ, સદભાવ, સ્નેહ, સહાનુભૂતિ, કરુણા વગેરે જેવા દૈવી ગુણો આવશે. પ્રેમ વિના ત્યાગ અને ત્યાગ વિના પ્રેમ શક્ય નથી. સહન કરવું એ તો એક મહાન શક્તિ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 364

પ્રેમથી જે આપીએ તે જ પૂર્ણપણે આપીએ છીએ, એવા અર્પણને જ સાર્થક ગણીએ છીએ, પરંતુ એવો પ્રેમ ત્યાગની સાધનાને અંતે જ મળે છે. જે માણસ સદા યે પોતાનું જ વિચારે છે, પોતાના અહંકારનો જ જય થાય તે માટે મથે છે, તે સ્વાર્થી ને માયાવી માણસના મનમાં પ્રેમનો ઉદય થતો નથી. ત્યાગ સાથે પ્રેમને અત્યંત નિકટનો સંબંધ છે. પહેલા કોણ અને પછી કોણ - તે નક્કી કરવું મુશ્કેલ છે. હૃદય પરિવર્તનની જરૂર કયારે લાગે? કે જ્યારે વ્યક્તિના હૃદયમાં કંઈ દોષ છે, એમ તેને જણાય તો જ અને ત્યારે જ, પણ દોષ વગરનું તો કોણ છે અહીં? માટે મન મોટું રાખવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 365

માતા જેમ બાળકની સાથે ઓતપ્રોત થઈ જાય, તેમ આપણે પણ પ્રાણીમાત્ર સાથે ઓતપ્રોત થઈ જઈએ, તો કોઈ કામ અરુચિકર નહીં થાય તથા કોઈ માણસ અપ્રિય નહીં લાગે. પરોપકારને નિર્મળ બનાવનાર કૃતજ્ઞતાભાવ છે અને કૃતજ્ઞતાને નિર્મળ બનાવનાર પરોપકાર છે. બંને એકબીજાને પૂરક હોઈ મળીને સદગુણરૂપ બને છે. વિકટ સમયે તે બંને ખાસ અપનાવવા. 'જગતના જીવમાત્ર મારા મિત્ર છે, પ્યારા બંધુ છે' એ ભાવના વાસ્તવિક તો જ બને કે એ જીવો પ્રત્યે આપણા હૈયામાંથી આપણા ઉપકારી મિત્રની માફક જ સ્નેહ ઉભરાય. બીજાને સુખી કરવાની જેના દિલમાં ભાવના છે, એવા માણસને બીજા તરફથી થતાં દુઃખનો કદી ખ્યાલ ન આવે. બીજાને સુખી કરવાની ઇચ્છામાં પોતાના દુઃખોને તે ભૂલી જતો હોય છે. આપણે એવા બનવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 366

પોતાનામાં છે એથી અધિક ન માનવું અને બીજામાં છે તેથી ઓછું ન માનવું - તે જ સાચો વિનય છે. You can acquire truth only by practice. પ્રેમથી જ ભય, શંકા, ચંચળતા વગેરે ટળે છે અને તે ટળવાથી નિર્ભયતા, નિઃશંકતા, નિશ્ચળતા વગેરે પ્રગટે છે. સૌ જીવોને હૃદયમાં સ્થાન આપવું એ પ્રથમ ધર્મ છે. શાંતિ કરતા સ્વતંત્રતા ચઢે છે, કિન્તુ સત્ય એ સ્વતંત્રતા કરતાં પણ ચઢિયાતી વસ્તુ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 367

'સૌ સુખી થાઓ' એ સાદો વિચાર છે અને 'મારા સ્નેહી સુખી થાઓ' એ મિશ્ર વિચાર છે, કેમકે એમાં સ્વાર્થનું મિશ્રણ છે. મનુષ્ય જ્યારે પોતાના કામમાં મશગુલ હોય, ત્યારે હાક મારીએ તો પણ જેમ આપણો અવાજ તેને સંભળાતો નથી, એમ માણસો જ્યારે પોતાના વિચારમાં પરોવાયેલા હોય, ત્યારે પણ આપણા વિચાર તેને અસર કરી શકતા નથી. એક માણસના વિચારના આંદોલનો બીજા માણસના મનને અથડાતા તેનામાં તે પ્રકારના વિચારો ઉત્પન્ન કરે છે. આ રીતે વિચારો પણ ચેપી હોય છે, એમ જરૂરથી કહી શકાય. જીવનમાં અનિષ્ટ વિચારો સમાન કોઈ પિશાચ નથી અને પવિત્ર વિચારો સમાન કોઈ દેવદૂત નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 368

સુખના મૂળ કારણરૂપ પોતાનું સ્વરૂપ જ છે, બીજા પ્રાણી, પદાર્થ કે પરિસ્થિતિ નથી. બીજી વસ્તુનું પરાધીનપણું જ આપણા દુઃખ અને ક્લેશનું કારણ બની આવે છે. અમુક વસ્તુ કે સ્થિતિમાં સુખ રહેલું છે, એવી માન્યતામાં ઝેરી ડંખ રહેલો છે. મોહ સ્વાર્થની ગંધવાળો હોય છે, જ્યારે પ્રેમ સ્વાર્થરહિત અને નિર્હેતુક હોય છે. સમુદ્રના વાસ્તવિક ઊંડાણનું ધોરણ જેમ તોફાન ભરેલી સ્થિતિ નથી, તેમ વ્યવહાર, ડહાપણ અને ચતુરાઈનું ધોરણ કાંઈ ધમાધમ કે શોરબકોર કરી દુનિયાનું ધ્યાન ખેંચવામાં નથી. ખરો પ્રેમ નિરંતર કહે છે કે: 'આપો, આપો, આપો. ‘ખોટો પ્રેમ નિરંતર કહે છે કે: ‘મને આપો, મને આપો, મને આપો.'

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 369

આ વિશ્વમાં કોઈ પણ આપણું અનિષ્ટ ન કરી શકે, એના માટે જીવનમાં બે જ અગત્યની બાબતો છે - પ્રેમ અને વિશ્વાસ. આ બે સદગુણોની આપણા બંધારણમાં જમાવટ થયા બાદ આપણને ડરવાનું લેશમાત્ર પણ કારણ રહેતું જ નથી. એક નબળા મનનો મનુષ્ય પણ જો પરમાત્મામાં શ્રદ્ધા અને પ્રાણીમાત્ર પ્રતિ પ્રેમભાવયુક્ત હોય, તો ગમે તેવા પ્રબળ મનોરથવાળા સ્વાર્થી પુરુષની સત્તા તેના ઉપર ફાવી શક્તી નથી. વિશ્વને જો એકલા સ્વાર્થી વિચારોની મધ્યમાં જ રહેવું પડતું હોત તો તો આપણું આ વિશ્વ ક્યારનું ય નાશ પામી ગયું હોત. દુઃખ માત્ર અજ્ઞાનમાં છે. નિયમોનું જ્ઞાન થયા પછી તો દુઃખ ક્યાંય પણ નથી. આપણે ફક્ત અજ્ઞાનથી જ મુક્ત થવાની જરૂર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 370

ચિંતારૂપી પક્ષી એ એક એવું પક્ષી છે... જેને પગ નથી, પાંખો નથી, નથી મા કે બાપ, નથી આસમાનમાં કે નથી જમીન ઉપર, છતાં તે હંમેશા મનુષ્યના માંસને કાપી કાપીને ખાય છે. ઇર્ષ્યાથી અનિષ્ટ, સંતાપ અને મુખશ્યામતા અનુભવાય છે, ઇર્ષ્યાથી દુઃખ નહીં પણ સુખ ટળે છે. પરસુખ હર્ષ એ ભાવના છે. પરસુખ દ્વેષ એ વાસના છે. બુદ્ધિનો વિકાસ ગમે તેટલો થયો હોય, પણ ભાવ દારિદ્રયને લીધે આપણું વર્તન સ્વાર્થપરાયણ રહે છે. આપણે આપણા ક્ષુદ્ર અને અતિ મર્યાદિત અહંની જ જે ઉપાસના કરીએ છીએ, તે બદલી સર્વના હિતની ઉપાસના કરવી. માણસ કરતાં તેના સદવિચારો મોટા, વધારે સ્થાયી અને અમર છે. આપણા તન-મન-વચનને પ્રેરનારા એ વિચારો જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 371

આત્માનો મૂળ સ્વભાવ જ કરુણા છે. સહાનુભૂતિ, ક્ષમાશીલતા, કૃતજ્ઞતા અને સહિષ્ણુતા વગેરે ગુણો તો એ કરુણાભરી માનવતાનો વિકાસ છે. પ્રપંચને નહીં, કૌશલ્યને જ હોંશીયારી ગણવી જોઈએ. લોકોને વશ કરવાનું સાધન સત્તા નહીં, પણ ખરો પ્રેમ છે. મનુષ્યનું મૂલ્યાંકન ધનથી નહીં પણ ચારિત્રથી છે. સ્વતંત્રતાનું સાધન ઉચ્છૃંખલતા નહીં, પણ સંયમ છે. પુસ્તકો વાંચવાથી અગર તો માત્ર ચર્ચાઓ જ કરવાથી જ્ઞાન મળતું નથી, હા, પાંડિત્ય જરુર વધે છે... કિન્તુ એકલું પાંડિત્ય તો પોકળ વસ્તુ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 372

'અભ્યાસ' એટલે ચોપડીઓ નહીં. ચોપડીઓને તો ઉધઈ પણ ખાઈ જાય છે. એ રીતે પંડિતો અને ઉધઈમાં કશો ફરક નથી. ઉધઈ તો સારી છે કે તે મૌન તો રાખે છે. બીજા ઉપર જે ઉપકાર દ્વારા કૃપા કરી શકતો નથી, તે બીજાની કૃપાને પાત્ર કેવી રીતે બની શકશે? વિકાસનું રહસ્ય અન્યના દોષ કાઢવામાં નહી, પણ પોતાના દોષ સુધારવામાં છે. જે માણસ બીજા સામાન્ય માણસોની અવગણના કરતો હોય, બીજાઓ પ્રત્યે મુરબ્બીવટ રાખતો હોય, કે બીજાઓથી પોતે ઊંચો છે, એવો ભાવ સેવતો હોય, તેને સાચા અર્થમાં ધાર્મિક માનવ કહી શકાય નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 373

મિત્રતા કોઈ સ્વાર્થ સાધવા, દુન્યવી લાભ મેળવવા કે સંબંધ વધારવા માટે નથી, પણ મનને ઉચ્ચકોટીનું બનાવવા માટે છે. મમત્વ કે મારાપણાનો આગ્રહ જ દુઃખદાયી છે. 'આ વસ્તુ મારી છે, હું તેનો માલિક છું.' એ રીતે વિચાર કરાવીને જ તે મમત્વ આપણાં અહંકારને પોષે છે. ગમે તેવા ગુપ્ત સ્થળે શુભ કે અશુભ કાર્યને કરો. અરે... તેની કોઈને ખબર પણ પડવા ન દ્યો - એવી રીતે છાનું કામ કરો, પણ તેના શુભ કે અશુભ ફળો તો જાહેરમાં આવ્યા વિના રહેવાનાં જ નથી! સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ ક્રોધાદિનો ત્યાગ કરવો. ક્રોધનો જરા પણ વિશ્વાસ ન કરવો. અગ્નિના તણખાની જેમ જો ક્રોધની ઉપેક્ષા કરી, તો તે અગ્નિની જેમ આત્માના પણ અનંતગુણોને બાળી જ નાખશે... માટે શાંત જ રહેવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 374

આજ પર્યંત આપણે સર્વ પાસેથી જેટલું લીધું છે, તેનો જો અંશ પણ પરત આપ્યો નથી કે આપવાની ઈચ્છા કરી નથી, તો તેનાથી સંચય કરેલ પાપનો ભાર ઉતારવા માટે બીજાના ઋણનો સ્વીકાર અને આપણી સર્વ શક્તિથી અન્ય ઉપર પરોપકાર થવો જ જોઇએ. વળી આજ પર્યંત આપણે સર્વને જે પીડા આપી છે, તેની ક્ષમા જો અંતરથી માંગી નથી અને બદલામાં તે સર્વ જીવોની સંપૂર્ણ શાંતિ પણ ઈચ્છી નથી, ત્યાં સુધી આપણા આત્માની મુક્તિ શક્ય નથી. મુક્તિ માટે સર્વની ક્ષમાપના અને સર્વની શાંતિ ચાહવી જ રહી. પ્રેમ એ લાગણી નથી, પણ આધ્યાત્મિક શક્તિ છે. જો તે કેવળ લાગણી હોય, તો તો થોડીવારમાં જ ઉભરાઈને તે શાંત થઈ જાય. જે પ્રેમ ઉભરાઈને પછી થોડી જ વારમાં શાંત થઈ જાય, તે તો વિકાર છે, તેને આધ્યાત્મિક પ્રેમ કહી શકાય નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 375

સંકલ્પબળ રૂપી હથોડો અને વિચારબળ રૂપી ટાંકણુ આપણા સૌના જીવનને ઘડે છે. દુઃખ વિના સુખની કિંમત ન અંકાય, તાપ વિના શીતળતાની કિંમત ન અંકાય. માટે દુ:ખ અને તાપ પણ જીવનના જરુરી અંગો જ છે! મનુષ્યનું મૂલ્યાંકન તેના ધંધા-રોજગારથી નહીં, પણ તે પોતાનો ફુરસદનો વખત કઈ રીતે અને શેમાં ગાળે છે, તેના ઉપરથી તેનું મૂલ્યાંકન થઈ શકે છે. ધર્મમાર્ગે ચાલવાનું તો પોતે જ છે, બીજા તો ફક્ત સહારો આપી શકે કે ફક્ત માર્ગ જ દેખાડી શકે, કે પછી બહુમાં બહુ તો પ્રોત્સાહન આપી શકે અને સાવધાન કરી શકે... તો ધર્મમાર્ગે આવો, સૌ સાથે રહીને કૂચ કરીએ! જીવનમાં પરોપકાર એ એક જાતનો એવો પાવન આનંદ છે કે જે જ્યાં લગી આપણે જીવીએ, ત્યાં લગી તો રહે જ રહે છે કિન્તુ મૃત્યુ પછી પણ તે સ્વભાવ તરીકે સાથે જ આવે છે! માટે સદાને માટે પરોપકાર કરી આનંદમાં જ રહેવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 376

વિશ્વનાં જીવો જેનું વધારેમાં વધારે દાન કરતા હોય, એવી કોઈ ચીજ હોય - તો તે 'ભય' છે. પોતાને ભય જોઈતો નથી પણ તો પછી બીજાને તે કેમ આપવો ગમતો હશે? બીજાને ભય પમાડવાની ઈચ્છા કદી સફળ થતી નથી, કેમકે ફળ જોઈએ છે એનાથી વિરુદ્ધનું વાવેતર થઈ રહ્યું છે. લીમડો વાવીને આંબો મેળવવાની ઈચ્છા કેમ સફળ થાય? 'હું કોઈને ભય આપું નહીં અને હું કોઈથી ભય પામું નહીં' એ ઈચ્છાને સફળ થતાં જરા પણ વાર નહીં લાગે. અજમાવી જૂઓ. યોગ્યતા જેમ જેમ વધે છે, તેમ તેમ અધિકારો પણ વધે છે અને તેમ તેમ આપણી નૈતિક જવાબદારી પણ વધતી જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 377

નિશ્ચિંત અને નિર્ભય તે જ છે કે જેણે પોતાની સર્વ ચિંતા ભગવાનને જ સોંપી દીધી છે. બધા દાન કરતાં આત્મદાન એટલે કે આત્માના જ્ઞાનનું દાન શ્રેષ્ઠ છે. પ્રભુની ઈચ્છા એ મહેચ્છા અર્થાત્ મહા ઈચ્છા છે, જ્યારે તેની સાથે પોતાની ઈચ્છા મળે, ત્યારે જ આપણા મોહનો અંત આવે છે. જ્ઞાનશક્તિ એ ઇચ્છાશક્તિની પેટાશક્તિ છે કિન્તુ મુખ્ય શક્તિ તો ઇચ્છાશક્તિ છે. 'આપણે વિશ્વના સર્વસ્વ નહીં પણ માત્ર એક નાના અંશ જ છીએ' એ વિચાર જ સાચો ધર્મ શીખવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 378

'સ્વાર્થ' એટલે પોતાને બીજા સર્વથી અધિક જોવો. સર્વ જીવો આત્મતુલ્ય હોવા છતાં બીજા સૌને પોતાનાથી ઉતરતાં માનીને બીજાના ભોગે પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો તે. There is nothing new under the sun. We go where others went. We came from where all others came. But we can surely attain salvation by performing true Dharma of Ahimsa and break this chain of coming and going! જેમ મનુષ્ય બીજા ૪ પગવાળાં પ્રાણીઓ કરતાં કાયાથી ઊંચો છે, તેમ તેણે ભાવનાથી પણ સૌથી ઊંચા બનવું જ જોઈએ. વિશ્વની પ્રત્યેક વસ્તુનો આધાર લઈને જ દરેક સંસારી જીવનું જીવન છે. માટે સૌએ કૃતજ્ઞ રહેવું. કૃતજ્ઞતાસભર પરોપકાર ધર્મસ્વરૂપ છે અને એથી વિરુદ્ધ કૃતઘ્નતા અને સ્વાર્થભાવ અધર્મસ્વરૂપ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 379

વૃદ્ધ પુરુષોની સલાહ શિયાળાના સૂર્ય જેવી છે, તે પ્રકાશ આપે છે પણ ગરમી આપતી નથી. We should live upto the best that we know. માનવું એ અગત્યનું નથી પણ બનવું એ અગત્યનું છે. અધિકાર માંગવો એ મરવા બરાબર છે. માંગવા કરતા મરવું બહેતર છે. પીડા દૂર કરવાનો ઉપાય પરાઈ પીડા અનુભવવી તે છે. .. કેમકે સૌમાં આપણે જ વસ્યા છીએ. જેણે ઈશ્વરની કરુણાનો સ્વાદ ચાખવો હોય, તેણે જાતે પણ કરુણાવાન જ બનવું જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 380

જે ‘ઉપકાર કરે' એટલે અનિચ્છાએ પણ તેનો અહં પોષાય. પારકાનું દુઃખ આપણા માટે દિવાળી બને. પોતાનું દુઃખ દૂર કરનાર જેમ અભિમાન લેતો નથી, તેમ બીજા માટે પણ અભિમાન લેવું યોગ્ય નથી. ઉપકાર પુણ્ય છે - તો અભિમાન પાપ છે. સાચી સમજણે નમ્રતા સ્વયં આવે છે. નિર્દોષ જગતમાં દોષ જોવાની દ્રષ્ટિ એ તો મોટો અપરાધ છે. પારકાની નિંદા કરવાથી વિશ્વાત્મા દુભાય છે. 'અહિંસા' એટલે કોઈપણ પ્રાણી પ્રત્યે, કોઈપણ કાળે, કોઈપણ કારણે, કોઈપણ જગ્યાએ દ્રોહનો અભાવ. જગતને પ્રેમનું દાન કરવાથી સાચું અભય મળે છે. આપણને જે ન ગમે, તે બીજાને ગમતું પણ હોય! અને એ બીજો પણ આપણી જેમ પોતાની મરજી મુજબ જીવવાનો અધિકાર ધરાવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 381

શુદ્ધ પ્રેમમાંથી ક્ષમા જન્મે છે. ક્ષમા ન આપવી એ કાયરતા છે. મમતા સર્વને અપકાર કરનારી છે. સમતા સર્વને સુખ આપનારી છે. કાયા વડે મળેલી કીર્તિ ગૌણ અમરતા છે. બીજાનો આભાર માનવાથી જ પોતા ઉપરનો ભાર ઓછો થાય છે. જ્યાં સુધી આભાર માનવાની વૃત્તિ નથી આવતી, ત્યાં સુધી ભાર વધતો જ જાય છે. પર હંમેશા ઉપકાર જ કરે છે. તે ઉપકારને પોતે સ્વીકારે, તો પોતાનો બંધુ બને છે. અસ્વીકાર કરનારો પોતે જ પોતાના હાથે પોતાનો શત્રુ બને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 382

‘સૌ જીવને પૂજ્ય રીતે જોનાર સૌ વડે પૂજ્ય બને છે’ એ નિયમ અકાટ્ય છે. સર્વને સુખ આપવાની , સર્વનું હિત ચાહવાની અને સર્વને સ્વસમાન ગણવાની વૃત્તિ જે કોઈમાં પણ આવે, તે સર્વને માન્ય, પૂજ્ય, આદરપાત્ર બને જ. કોઈને ‘પાપી’ કહેવો એ પણ પાપ છે, માનવ સ્વભાવનું તે સદાનું અપમાન છે. અન્ય પ્રત્યે દાખવેલો સદભાવ આપણો જ સ્વાર્થ છે, કારણકે તે સદ્ભાવ સામેના માનવીમાં પણ સદભાવને જન્માવે છે. મારુ આંતર - બાહ્ય જીવન જીવંત અને મૃત એમ અનેકના શ્રમ ઉપર નિર્ભર છે અને તે માટે મારે મારી જાત ઘસી નાખવી જોઈએ. જગત લેણદાર છે, આપણે દેણદાર છીએ. Each of us has inherent free will, which welcomes or rejects all, even god not being excepted.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 383

કરુણા આપણામાં જેમ જેમ મોટી થતી જાય, તેમ તેમ આપણે મોટા થતા જઈએ. કરુણા મોટી થાય એટલે જીવ મોટો થાય. બીજા જીવ અને તેઓના ગુણ પણ મોટા દેખાય. બીજાના દોષ તો છેલ્લે જ ખ્યાલમાં આવે. વૈર - વિરોધ શમાવ્યા વિના અને થયેલા અપરાધો ખમાવ્યા વિના સર્વ કોઈનું હિત ઇચ્છવાની ક્રિયા અંતઃકરણથી થઈ શકે જ નહીં. પહેલા મેલ કાઢવાની ક્રિયા કર્યા પછી જ રંગ ચઢાવવાની ક્રિયા સફળ થઈ શકે. ભીંત સ્વચ્છ કર્યા પછી જ ચિત્ર દોરવાનું કામ થઈ શકે. વાવવા પહેલા ખેડવું જોઈએ. મકાન ચણવા પહેલા પાયો ખોદવો જોઈએ. માંગવા પહેલા આપવું જોઇએ - આ બધી શાસ્ત્રોક્ત વિધિ છે. જેમ જીવત્વની ભૂમિકા નીચી, તેમ સ્વાર્થ વધુ. જેમ વિશેષ સ્વાર્થ, તેમ માત્ર પોતાના સુખની ઈચ્છા, માત્ર પોતાનું જ દુઃખ દૂર કરવાની વૃત્તિ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 384

કૃતજ્ઞતા એ તો જ્ઞાનસ્વરૂપ છે. 'પોતાને પ્રાપ્ત થયેલી સામગ્રી પોતાની નથી પણ બીજા પાસેથી મળેલી છે' એવું જ્ઞાન કૃતજ્ઞતા જન્માવે છે, અને તેથી પ્રાપ્ત સામગ્રી ઉપર આસક્તિ પણ જન્મતી નથી. કૃતજ્ઞતા કે gratitudeને કારણે અનાસક્ત ભાવે તે સામગ્રીનો ઉપભોગ કરી શકાય છે અને એ જ્ઞાન વડે થતો પરોપકાર અહંકારનું કારણ પણ બનતો નથી, કેમકે પારકી વસ્તુ પારકાના જ ઉપયોગમાં આવવાથી પોતાને તો અહંકારનું કોઈ કારણ જ રહેતું નથી. જ્યાં સુધી પરહિતદ્રષ્ટિ પ્રગટતી નથી, ત્યાં સુધી ડગલે ને પગલે સ્વનું હિત જોખમાય છે. જે જીવ આપણને જેવો શુભ ભાવ આપે, તેના પ્રત્યે જો તેવો શુભ ભાવ ન આપીએ, તો આપણે અશુભ કર્મના બંધનથી બંધાઈએ છીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 385

Egoism and selfishness are the enemies. Money and senses are not bad, since they both are essential, money in social life and senses in physical life. Both are indeed very good instruments also, but only if used properly and most dangerous when misused. Money and senses are means for some higher purpose. They themselves are not ends. Selfishness and egoism try to make both of them ends. Both selfishness and egoism are based on our ignorance. The vision of unity is expressed by an infinite respect for life in all its forms whether insects or birds, animals or humans and is responsible for kindness, charity, service and true clarity of outlook and unfailing forbearance.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 386

સુખ જેને ગમે, તેને સ્વાર્થ વ્હાલો લાગે જ શી રીતે? સ્વાર્થને પોષવાથી વાસ્તવમાં તો પોતાને આવનારું દુઃખ જ પોષાતું હોય છે. સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ ટાળવા માટે સર્વના સુખ-દુઃખમાં સતત તટસ્થતા જ કેળવવી જોઈએ. પરોપકારગુણની જીવનમાં મહદ્ આવશ્યકતા છે. પરોપકારથી કૃતજ્ઞતા ચરિતાર્થ થાય છે અને કૃતજ્ઞતાથી જ પરોપકાર ધર્મરૂપ બને છે. જે તું તારે માટે ચાહે છે, એ બીજાઓને માટે પણ ચાહ. જે તું તારે માટે નથી ઈચ્છતો, એ બીજાને માટે પણ ન ઇચ્છીશ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 387

'થાય તો સારું' કે પછી... ‘થશે તો સારું' એ સંકલ્પ નથી. ‘કોઈપણ ભોગે મારે કરવું છે જ, મેળવવું છે જ' એવા નિરંતર વિચારનું નામ 'સંકલ્પ' છે. મન અનંત છે, એની અગમ્ય કળા છે, એના પારને પામી શકાતો નથી. એ ધારે તે કરે છે, એને કામ સોંપવું જોઈએ, પછી સંસાર સોંપો કે મોક્ષ, તે ઝટ દઈને ઉભું કરી દે છે. મનની શક્તિ અને મર્યાદાનો પાર પામવો મુશ્કેલ છે, કારણકે એ અનંત છે, એને માટે અશક્ય કાંઈ જ નથી. માટે બહાર જે જોઈતું હોય, તે મનમાં દ્રઢપણે ઉભું કરો. પછી કેમ કરવું તે મન સંભાળી લેશે. જે જોઈએ, તેની દ્રઢ - પ્રબળ ઈચ્છા સેવી વિચાર રચો. મનમાં જે હશે તે બહાર આવશે જ, માટે મનમાં બરાબર ગોઠવો. તમારું કામ તો એટલું જ છે, બાકીનું કામ કુદરત ઉપાડી લેશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 388

'દરિદ્ર' એટલે કૃપણ. પોતાની પાસે હોય, તે વસ્તુ ન તો ભોગવે, ન તો કોઈને આપે તે. કુદરતે આપેલી પોતાની શક્તિ માનવીએ સાર્થક કરવી ઘટે. માનવનું શરીર ઇન્દ્રિયોના દુરાચાર માટે નથી, પરંતુ ઈશ્વરના અગોચર અને અમૂર્તરૂપની સિદ્ધિ તથા પરમાત્માના પ્રગટીકરણ અર્થે છે. બાળકોને નીતિના બોધપાઠો વંચાવવાથી કે તેમની પાસે એવું બધું ગોખાવવાથી નીતિમય જીવન કદી નહીં વધે. એ કામ ભાષણો કે પ્રવચનોથી પણ સિદ્ધ થવાનું નથી. એ માટે તો માતપિતાના વ્રતબદ્ધ જીવનની જ જરૂર છે. સંયમ અને નિગ્રહ જ નીતિ ઉપર ટકવાની શક્તિ આપે છે. શિક્ષકો કે વાલીઓ જો વ્રતબદ્ધ જીવન નહીં ગાળે, તો ઉગતી પ્રજા શ્રદ્ધા વિમુખ બની જશે. બાળકો ને વિદ્યાર્થીઓ તો વાલી અને શિક્ષકમાં જે જોશે, તે જ શીખશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 389

પરમાત્માની જેમ જીવાત્મા પણ સત્ય સંકલ્પ છે. તે જે ઈચ્છે, તે પ્રાપ્ત કરી શકવા સમર્થ છે, તેથી જીવાત્માએ સદિચ્છા જ કરવી જોઈએ, અસત્ નહીં. વિદ્યા વર્તનમાં ઉતારવા માટે છે. વર્તન વિનાની વિદ્યા શોભાતી નથી. આ જીવનમાં માણસે કૃતજ્ઞ થવું ઘટે, કેમકે ધૂળના કણનો પણ તેના ઉપર ઉપકાર છે. જીવનમાં સારી વૃત્તિઓ દેવ છે, બૂરી વૃત્તિઓ દૈત્ય છે. આ બંને વૃત્તિઓ વચ્ચે અનંતાકાળથી પોતપોતાનું વર્ચસ્વ બીજા ઉપર જમાવવા માટે યુદ્ધ ચાલે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 390

વિશ્વની વ્યવસ્થા કરુણાથી ચાલે છે. જો કરુણા ન હોય તો વિશ્વનો અકાળે અંત આવે. અનુકંપા કે કરુણાનું બળ બધાં જ બળ કરતાં સૌથી ચઢિયાતું છે. બીજાને સુખ આપવાની વૃત્તિ એ પ્રેમ છે. બીજાના દુખે દુઃખી થવાની વૃત્તિ એ દયા છે. પ્રેમ અને દયાની વૃદ્ધિનો ઉપાય પોતાના આત્માનું જ્ઞાન છે. સરળતા એટલે મન, વાણી અને કર્મની એકતા. કુટુંબપ્રેમ વિશ્વપ્રેમને મર્યાદિત કરે છે. કુટુંબચિંતા વિશ્વચિંતાને ભુલાવી દે છે. માણસના મનમાં સમસ્ત વિશ્વને ચાહી શકવાની શક્તિ છે, તેને ઉઘડવા દેવી અને અન્ય જીવોના કલ્યાણ અર્થે અવશ્યપણે એ શક્તિ વાપરવી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 391

મારા પ્રયત્ન સિવાય કોઈ મને સુખી ન કરી શકે. સુખ - દુઃખને આપનાર પોતાના કર્મ સિવાય અન્ય કોઈ જ નથી. ‘બીજા મને દુઃખ આપે છે' એ કુબુદ્ધિ છે. ‘હું કરું છું' એ ગર્વ ફોગટ છે. સમગ્ર લોક પોતાના કર્મરૂપી દોરામાં જ ગૂંથાયેલો છે. પોતાના સિવાય બીજા કોઈના સુખનો વિચાર જ ન કરવો અને એ વિચારને સિદ્ધ કરવા માટે બીજાના ભોગે પણ પોતાના સ્વાર્થને જ સાધવો, એ જીવની અયોગ્યતા છે. પ્રેમનો વિરોધ કરે, તેના તરફ કુદરત અપ્રેમના આંદોલનો ફેંકે, તે સ્વાભાવિક જ છે. સાચી તન્મયતા જ આત્માના મેલને ધોઈ શકે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 392

મૌન એ વાણીનો ઉપવાસ છે, ધ્યાન એ મનનો ઉપવાસ છે, તથા આહારનો ત્યાગ એ શરીરનો ઉપવાસ છે. ઉપવાસથી પરાંશક્તિનો સંચય થાય છે. પ્રાણશક્તિનો સંચય એ જ સંયમ છે અને સંયમ એ છે સિધ્ધિબીજ. જેમ સુખ નાશ પામે છે, તેમ દુઃખ પણ સ્થિર નથી, તે બંનેનો અંત છે જ, પરિસ્થિતિઓ સતત બદલાય છે... તેથી સમતા રાખવી. જેનામાં ભય અને ચિંતા છે, તેનામાં સત્ય નથી. Ignorance is not our disease. Inaction is our disease. સત્ય ક્યારેય હાનિકારક હોતું નથી. તે હંમેશા વધુ ઊંચા સત્ય તરફ લઇ જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 393

ઋણ, હત્યા અને વૈર : એ ત્રણે કોઈને ચેન ન પડવા દેતા નથી! માટે તે ત્રિપુટીથી દૂર રહેવું! મૈત્રીભાવનાના સાર્વત્રિક પ્રચાર, સ્વીકાર અને આચારમાં અનેક - અનેક પ્રશ્નોનો ઉકેલ રહેલો છે. મૈત્રીભાવના એ તો મોટામાં મોટા દિલના દુઃખનો ય મલમ છે. અજ્ઞાનવિદ્ધ પ્રાણીમાત્ર દયાને પાત્ર છે. દયા એ સાર્વજનિક, સર્વદેશીય અને સર્વકાલીન ધર્મ છે. ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ હોઈ કરુણાનો દરિયો છે. દયા, મૈત્રી અને પ્રેમથી ઘૃણા ધોવાય છે. સુખીને જોઈ મૈત્રીભાવ જન્મે પણ ઈર્ષ્યા નહીં. દુઃખીને જોઈને કરુણાર્દ્રતા પણ તટસ્થતા નહીં. ગુણીને જોઈ અનુમોદન પણ દ્વેષ નહીં તથા પાપીને જોઈને જેઓ ઉદાસીનતા કેળવે, પણ તિરસ્કાર નહીં... તે સજ્જન છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 394

જીવનમાં જે પોતાની જાતના દાખલાથી વર્તે છે, તે સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે. ચિત્તની વિપરીત ગતિ રોક્યા વિના અવિપરિત ગતિ ન થાય. ચિત્તની વિપરીત ગતિને રોકવી, તે 'વૈરાગ્ય' કહેવાય છે. ચિત્તની અવિપરીત ગતિને ચલાવવી, તે ‘અભ્યાસ’ છે. સ્વાર્થ દ્રષ્ટિ જ રાગ - દ્વેષની ઉત્પતિનું બીજ છે. તેને પલટયા વિના રાગ - દ્વેષની મિથ્યા જડ કપાતી જ નથી. તેને પલટવાનો માત્ર એક જ ઉપાય છે: ‘સર્વને સમાન ગણવા અને સૌ સાથે સમાન વ્યવહાર જ કરવો'. ચોર અને ચોકીદાર વચ્ચે જેટલો તફાવત છે, તેટલો જ શુભ અને અશુભ ભાવો વચ્ચે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 395

સમપ્રમાણતા એ કળાના સૌંદર્યનો પાયો છે. જીવનકલા માટે પણ તેમ જ સમજવું. વિચારમાં જ શક્તિ હોય છે, બીજી કોઈ ચીજમાં નહીં. સૂક્ષ્મને જુઓ - સ્થૂળને નહીં. દ્રષ્ટિ દીર્ઘ રાખો, ટૂંકી નહીં. સેવા હોય છે નૈતિક, એનું મૂલ્ય ભૌતિક કેમ હોઈ શકે? વ્યક્તની ખોજ માટે વિજ્ઞાન, અવ્યક્તની ખોજ માટે આત્મજ્ઞાન. સૃષ્ટિ સાથે એકરૂપ થવું ... એ તો એક મહાન શક્તિ છે. માનવીને દિલ એવું મળ્યું છે કે જે પ્રાણીમાત્ર સાથે એકરૂપ થઈ શકે તથા દિમાગ એવું મળ્યું છે કે તે સર્વ સાથે દ્રષ્ટા તરીકેનો વ્યવહાર રાખીને સાક્ષીભાવે દુનિયાને જોઈ શકે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 396

ઈશ્વરીય મહામહિમાનું જ્ઞાન વિનમ્રતમ બનવામાં ખૂબ ઉપયોગી છે, નહીંતર અહંકાર આવતા વાર નથી લાગતી. વિશ્વાસ એ તો વિશ્વનો શ્વાસ છે. પેટના શૂળની જેમ શંકાનું શૂળ પણ મનને કદી સ્વસ્થ રાખી શકતું નથી. જે જેવું સમજે - તેવું કરે અને જેવું કરે - તેવું પામે. સાચી સમજની કિંમત જ સૌથી મોટી છે. એ ઉપરથી જ કાર્ય નક્કી થતાં હોય છે! બુદ્ધિમાં જે ન બેસે, તે હૃદયને ન સંતોષે, માટે જ પ્રમાણ વિનાની વાત અમાન્ય ઠરે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 397

ભૂલ - બીજાની ખમી ખાવી, પોતાની નહીં. ગુણ - બીજાના વખાણવા, પોતાના નહીં. દરેક વિચારોમાં વીજળી જેવું અત્યંત બળવાન સામર્થ્ય છે અને તેને જ્યારે ક્રિયામાં યોજવામાં આવે છે, ત્યારે તે અવશ્ય સ્થૂળ ફળને પ્રકટાવે જ છે. સંતોષથી વર્તવામાં સત્યનિષ્ઠા છે, તેથી ઉલ્ટું વર્તવામાં અસત્યાચાર છે. જન્મે તેટલા બધાએ મોટા થવું જોઈએ એ નિયમ નથી, પણ સારા થવું જોઈએ. 'મોટા એટલા સારા' એ નિયમ નથી, પણ 'સારા એટલા મોટા' એ તો નિયમ જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 398

Nothing is so deceitful as your own mind. A brave man knows no malice. યોગ - વિયોગ ચાલુ જ રહેતાં હોય છે અને બંને દુઃખરૂપ છે. અનિષ્ટનો સંયોગ અને ઇષ્ટનો વિયોગ જો કોઈથી યે નિવારી શકાતો નથી, તો પછી સૃષ્ટિ ઉપર આટલું આકર્ષણ જ શા માટે છે? એનો જવાબ જીવની મૂર્ખતા અને મોહ છે. આખી સૃષ્ટિ તરફની આપણી દ્રષ્ટિ આત્મીયતા વગરની છે. સર્વ જીવ પરત્વે આત્મીયતાની જ દ્રષ્ટિ જો કેળવાઈ જાય, તો તો મોહ પેદા જ ન થાય. 'આ વ્યક્તિ મારી જ છે' એમ આપણે સમજવા માંડીએ, તો જ આત્મીયતાનું નિર્માણ થાય. મોહ એટલે શું? આપણું પોતાનું જે હોય, તે જાય જ નહીં અને આપણું જે ન હોય, તે જતું જ રહે. જે આપણું નથી તેના ઉપર આત્મીયતભાવ રાખવો, બસ... એ જ તો મોહ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 399

પ્રેમને મરવાનું મન થયું અને એણે શંકાનું ઝેર પીધું. શ્રદ્ધાને જન્મ લેવાનું મન થયું અને એણે ભક્તિને જન્મ આપ્યો. મોટાપણું સામાન્ય રીતે પ્રશંસા પામી શકે, પણ પ્રેમ પામી શકે નહીં. પ્રેમમાં તો સરખાપણાંની અપેક્ષા રહે. અરે..., માત્ર સરખાપણું જ નહીં, પણ પોતાના પ્રિયજનથી ક્યાંય અને કેટલાય નીચે ઉતરીને જીવવાની વિશેષ વિરલ નમ્રતા પણ પ્રેમમાં આવશ્યક છે. જે શૂન્ય કે સામાન્ય થઈ શકે છે, તે સમ્રાટનું સામર્થ્ય જન્માવી શકે છે. જે પ્રવૃત્તિ અહંભાવરહિત હોય છે, તે મોટે ભાગે કલ્યાણપ્રદ જ હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 400

સ્મૃતિની સહાય વિના માનવીનો બૌદ્ધિક વિકાસ શક્ય નથી. સ્મૃતિથી ચપળતા વધે, પરંતુ માણસને જીવવા માટે અને સુખી થવા માટે એકલી ચપળતા કામ આવતી નથી. એ માટે મનની શાંતિની પણ ઘણી અગત્યતા છે. એ શાંતિ સ્મૃતિથી નહીં પણ વિસ્મૃતિથી લભ્ય છે. માનવ સ્વભાવ કેવો તો વિચિત્ર છે કે જેની સ્મૃતિ આવશ્યક છે, તે બધું વિસ્મૃતિના વાદળમાં અદ્રશ્ય થાય છે તથા જેનું વિસ્મરણ આવશ્યક છે, તે સ્મૃતિપટ ઉપર ચિરાંકિત બની રહે છે અને તેથી જ તો તે દુ:ખી થયાં કરે છે! બિનજરૂરી વિચારોથી મુક્ત બનવામાં તથા વિચારમુક્ત આંતરિક દશા પ્રાપ્ત કરવામાં જ ખરું સુખ અને સાચા જ્ઞાનનો ઉદય રહેલો છે. વિચારની ચાલુ જ રહેતી ક્રિયા જ અસુખ કે અજ્ઞાનનું કારણ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 401

દુઃખ એ તો સુખનો જ પડછાયો છે. તમારે દુઃખ ન જોઈતું હોય તો સુખને છોડી દેવાથી એના પડછાયા રૂપી દુઃખ આપોઆપ જ ખસી જશે. Intuition is natural. Intellect is on the surface. દ્વેષ દૂર કરવા રાગ દૂર કરવો, રાગ દૂર કરવા મોહ દૂર કરવો, તથા મોહ દૂર કરવા માટે અજ્ઞાન હઠાવવું આવશ્યક છે. Visit of the Lord to a servant is the source of great joy. It destroys all miseries. Turn towards the divine and all difficulties will disappear. Know thyself i.e. know thy destined distinct place in this cosmos and act accordingly. This knowledge consists in knowing our assets and liabilities.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 402

એક બાજુ ચંચળ મન બદલાતું જાય છે, બીજી બાજુ દુનિયાની વસ્તુઓ ઝડપથી ફરતી જાય છે. એ બે વચ્ચે સુમેળ અને સંવાદિતા જાળવવા માણસ વ્યર્થ ફાંફા મારે છે અને છેવટે નિરાશાને નોતરે છે. મનુષ્યના વિનાશનું કારણ તેનું મન યા તો અહંભાવના જ છે. આપણે આપણા દરેક શબ્દ અને આચાર - વિચાર માટે સદા સજાગ અને સચેત રહેવું જોઈએ. જીવનમાં ઉદભવતા વિચાર, વાણી અને વર્તન પાછળ રહેલ મનોકામના, હેતુ અને ઇચ્છાઓનું શાંત ચિત્તે અવલોકન અને બુદ્ધિ વડે પરીક્ષણ કરતાં રહેવું જોઈએ. પ્રભુના પ્રવેશને અવકાશ આપવા માટે અહંકારને બહાર કાઢવાની જરૂર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 403

મનને નિયંત્રિત કરવાથી બુદ્ધિ આપોઆપ વશ થઈ જાય છે. શત્રુને ઓળખવો તે તેનો સામનો કરવા બરાબર જ છે. નકારાત્મક ક્રિયા પ્રગતિ માટે ભૂમિકા તૈયાર કરે છે, પણ કેવળ નકારાત્મક ક્રિયાથી કોઈ ઉન્નતિ થતી નથી. આ પ્રમાણે તૈયાર થયેલી ભૂમિમાં યોગ્ય બીજ રોપી, તેને રોજ પાણી પાવું જોઈએ. એ પછી જ છોડ મોટા થશે અને તેને ફળ આવશે. દુનિયામાં માત્ર સ્વને પ્રેમ કરવાથી કામ ચાલતું નથી. બીજાનું દૃષ્ટિબિંદુ, લાગણી, ભાવના વગેરે સમજવામાં જ જીવનનો ખરો અર્થ રહેલો છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 404

જગતમાં મારા જેવા અનંતાનંત જીવો છે અને બધા જ મારી જેમ સુખને ઈચ્છે છે, કોઈ દુઃખને ઇચ્છતા નથી, માટે મારે કોઈના સુખમાં અંતરાયરૂપ બનવું નહીં અને કોઈના દુઃખમાં નિમિત્તરુપ બનવું નહીં. એક જ વિશ્વવ્યાપક શક્તિ સર્વ કાર્યોની પાછળ અવિરત ગતિથી કાર્ય કરી રહી છે. સમગ્રના કલ્યાણ વિના અંગત કલ્યાણ સાધવું શક્ય નથી. પ્રભુનું આપેલું મન પ્રભુને સોંપી દેવું એ કર્તવ્ય છે, ન સોંપવું એ ચોરી છે. જે સમજ્યા વિના દુઃખ ભોગવે છે, તે જ દુઃખી થાય છે. જે સમજણપૂર્વક દુઃખ ભોગવે છે, તે ક્યારેય દુઃખી થતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 405

પોતાને કોઈ બહારની વ્યક્તિ કે શક્તિ દુઃખ આપી રહી છે એમ માનવાથી વધારે દુઃખી થવાય છે. દુઃખનું ખરું કારણ તો પોતે જ હોય છે. પોતાને ફરીથી દુઃખ આવે એવું કાંઈ ન કરે, તો દુઃખ એ તો બહુ મહત્વનું શિક્ષણ આપનારું બને છે. દુઃખને સમજણપૂર્વક અને શાંતિથી સહન કરવામાં આવે, તો તે દુઃખને એક શક્તિમાં રૂપાંતરિત કરી શકાય અને સુખનું કારણ પણ બનાવી શકાય. ઈશ્વરી યોજના સૌને સુખી કરવા માટે જ છે. કર્મ જીવોને અનેક રીતે સંબંધમાં લાવે છે અને પ્રેમના જુદા જુદા પાસાં ખીલવવાની અને જૂના ધિક્કારને પ્રેમમાં પલટાવવાની તક આપે છે. પ્રેમ અને સત્ય - એ બંન્ને તત્ત્વો પર્યાયવાચક છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 406

સહિષ્ણુતા એ કંઈ કેળવવાની વસ્તુ નથી. જ્યારે આપણે કોઈને ચાહીએ છીએ, ત્યારે સહિષ્ણુતા કેવી આપોઆપ જ આવે છે! 0 વિશ્વ પ્રતિ પ્રેમ કેળવવો એ જ સહિષ્ણુતાવૃત્તિનું પરમબીજ છે. વૃત્તિની સત્તા એકમાત્ર પ્રેમની છે. જે પ્રેમ એક યા બીજા રૂપમાં બદલો માંગે, જે આપે અને છતાં ય જ્યાં આપવાની સભાનતા રહેલી છે, એ સાચો પ્રેમ જ નથી. સત્ય એક છે, અનંત છે. તે સમયાતીત હોવાથી એનું મૂળ સ્વરૂપ કદી બદલાતું નથી. સાંભળેલી હકીકતનો સંગ્રહ એ તો માત્ર સત્યનો આભાસ છે, મૂળ સત્ય તો ... એની અનુભૂતિમાં જ રહેલું છે. કેળવણી અંદરથી બહાર તરફ રેડાવી જોઈએ, આજના કાળની જેમ - બહારથી અંદર તરફ નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 407

જ્યારે આપણી આસપાસના સૌને આપણે પૂર્ણપણે ચાહીશું, ત્યારે જ તેમની સર્વોત્તમ સેવા કરી શકીશું. Nothing matters much and most things don't matter at all. Selfish and possessive love is not love at all. The wise man, is not who never makes mistakes, but he who never makes the same mistake twice. Resist not evil, overcome it by good communication.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 408

Deep within each heart is light. It is not symbol but reality. The purpose of cosmic order is to make truth and light manifest and thereby to help each and everyone. સુખની ઝંખના આપણામાં તેનો અભાવ બતાવે છે. જ્યારે માણસ ભૌતિક સુખના શિખરે પહોંચે છે, ત્યારે ભૌતિક યશની પોકળતાનું દર્શન થાય છે. જીવનમાં મેળવી શકાય એવું સર્વશ્રેષ્ઠ મેળવ્યા પછી ક્યારેક માણસને પોતાની દયાજનક સ્થિતિનો ખ્યાલ આવે છે. પ્રેમ રાખવાથી આપણાં શબ્દોમાં અને ભાવોમાં, વિચારોમાં અને વર્તનમાં અજબ પરિવર્તન થશે. હઆપણા આસપાસનું વાતાવરણ અને એ વાતાવરણ ઉપરનો આપણો પ્રભાવ બદલી જશે. સારા અને સજ્જન લોકો આપણા પ્રતિ આકર્ષાશે. નરસા લોકો આપણી પાસે આવી સુધરી જશે. દુઃખી લોકો આપણી પાસે આવી સુખ-શાંતિ મેળવશે. માટે પ્રેમ કરવો - આપવો - રાખવો!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 409

વૃક્ષ બધું સહન કરે છે પણ ઈચ્છા વગર કે અકામપણે. 'વૃક્ષથી પણ વધુ સહન કરવું' એટલે મનુષ્યને જે સમજણ છે અને જે સંજ્ઞા છે, તેને વડે ઇચ્છાપૂર્વક કે સકામપણે સહેવું તે. મનુષ્ય યાચક છે, જ્યારે તૃણ - વૃક્ષ યાચક નથી પણ દાતાર છે. માત્ર તેમનું દાતારપણું સકામપણે નથી, એટલો જ ફેર છે! માણસે માણસનું નહીં, પણ સર્વભૂત પ્રાણીમાત્રનું હિત હૈયે ધરવું જોઈએ. સર્વ જીવો કુટુંબી જ છે, ભાઈ-બહેનો જ છે, એમ માનીને જીવન ગુજારવું જોઈએ. સર્વ ધર્મો આખરે તો ઇશ્વરપ્રાપ્તિના જ માર્ગ છે. જેમ વર્ષાનું એક બિંદુ અનેક બિંદુ સાથે નદી-નાળા વાટે સમુદ્રમાં ભળે છે અને પછી તેનું આગવું અસ્તિત્વ રહેતું નથી, તેમ આત્મસાત્ થયેલા ધર્મસાગરમાં બધા ધર્મ અલગ ન રહેતાં એક જ બની જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 410

સામાન્ય માનવની દ્રષ્ટિ ભેદભાવ વગરની હોતી નથી. તે પૂર્વગ્રહથી દૂષિત અને મ્હારા - તારામાં અટવાયેલી જ હોય છે. આપણે અસામાન્ય બનવું. એક જીવની અપેક્ષાએ મોટાની સેવા અને નાનાની રક્ષા - બંને સમાન કક્ષાએ છે. નાનાની રક્ષા મોટાની સેવાથી અને મોટાની સેવા નાનાની રક્ષાથી યથાર્થ-ચરિતાર્થ બને છે. Trust in the divine and you will always be protected. વિજ્ઞાનયુગે માનવ સમક્ષ નિકંદનની કે પરિવર્તનની જે પસંદગી મૂકી છે, તેમાંથી શું પસંદ કરવું તે આપણી જ ઉપર છે. સાહિત્યનો મુખ્ય ધ્યેય આદર્શ રજુ કરવાનો હોવો જોઈએ, કેવળ મનોરંજનનો નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 411

વિવેકી આત્મા પ્રભુને પ્રસન્ન કરવા માટે, પ્રભુ પ્રસન્નતા દ્વારા પોતાના ચિત્તને પણ પ્રસન્ન કરવા માટે, સૌ પ્રથમ તો પોતાના અંતઃકરણને જ શુદ્ધ કરે છે. ધર્મનો પ્રતિપક્ષી અધર્મ છે. અધર્મને માર્ગે ચાલવાથી રહેલી આપત્તિ અને ધર્મના માર્ગે ચાલવામાં રહેલી સંપત્તિ, તે બંનેનું જ્ઞાન અને સંવેદન જેઓને પણ થાય છે, તેઓ હંમેશા નમ્ર રહે છે. 'જે સુખ પોતાને અભિષ્ટ છે, તે સુખ સર્વને મળે' અને 'જે દુઃખ પોતાને અનિષ્ટ છે, તે સર્વને ન મળે' એ જાતિનો ભાવ જાગ્યા સિવાય આત્માની શુદ્ધિ કેવી રીતે થાય? ધર્મીનું માત્ર કર્તવ્ય છે કે તેની ભાવના સર્વ જીવના હિતવિષયક હોવી જોઈએ. તેમાં જેટલી કચાશ, તેટલી તેના ધર્મીપણામાં કચાશ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 412

જગતના એકપણ જીવનો તિરસ્કાર એ જગતપિતાના તિરસ્કાર સમાન જ છે. કોઈપણ જીવનો તિરસ્કાર એ એક રીતે તો પોતાના જ શિવસ્વરૂપનો તિરસ્કાર છે. બધાને પોતાના વિચારમાં લાવવાનો પાયો મૈત્રીભાવ છે. આત્મભાવના વિકાસ અનુસાર મૈત્રીભાવનો વિકાસ થાય. To bring more happiness in this world is the enlightened happiness. It lies in the sublimation of animal instincts into spiritual yearnings. The purpose of religion is the sublimation of the totality of self. Do not expect anything from anybody. Happiness is an absolutely internal factor.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 413

ભક્તિ વિના બુદ્ધિ ન સુધરે. શાસ્ત્ર બુદ્ધિ વધારે છે, અને ભક્તિ સૌની બુદ્ધિને સુધારે છે. Self love grows through ignorance: the more there is self love, the more will one take to objects of the world. The more there is the weight of worldly possessions, the more will one go down. સુખમાં બે વસ્તુ જરૂરી છે: આનંદ અને તૃપ્તિ. તે બંન્ને ક્ષણિક સુખમાં કદી પણ હોય નહીં. તૃપ્તિ ત્યારે જ થાય, જ્યારે તે નિત્ય હોય. ક્ષણિક આનંદથી સુખ નહીં પણ ક્યારેક તો દુઃખ જ આવી પડે છે. મન એ મર્કટ, યૌવન એ મદિરા, તથા ધન એ તો વીંછી છે. અધિકાર અને અવિવેક - જો બંને ભળે તો માનવ દાનવ થાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 414

અભિપ્રાય અને અનુભવ - એ બંને માગ્યા વગર આપવા નહીં. સુખી થા અને સુખી કર. માત્ર વાતો કર્યા કરવી, વિચારો વાગોળવા કે ચર્ચાઓ કરવી, તેનો કોઈ અર્થ નથી. શબ્દો માત્ર દિશાસૂચન કરે છે, ચાલવાનું તો પોતે જ છે. Our body is the temple of God. As a man thinketh, so he becomes. More the people intelligent, worse are the sentiments in society... but only if hearts in their thinking are missing and only brains work!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 415

જ્ઞાનની પ્રાપ્તિ માટે શુદ્ધ મન એ પહેલી આવશ્યકતા છે અને શુદ્ધ મન નિષ્કામભાવે કર્મ કરવાથી જ થાય છે. એ નિષ્કામભાવ સર્વને આત્મતુલ્ય ગણવાથી આવે છે. ઉપાસક કે સાધક પોતાના ભક્તિભાવમાં જેવું માને કે જુએ, તેવું તેને ફળ મળે. ઉપાસના કે ભક્તિભાવની ભાષામાં તર્ક કે બુદ્ધિવાદનો આશ્રય લેવો યોગ્ય નથી. સંસ્કૃતિ એ ધર્મ, સાહિત્ય, કવિતા અને લલિતકળાઓ દ્વારા સમાજમાં સ્થાપી, માનવને ભેટ આપી શકાય છે. સુધારો બહારનો છે, સંસ્કૃતિ આંતરિક છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 416

આપણા દુઃખોનું, આપણી અંદર રહેલી નિર્વિર્યતાનું આદિ કે મુખ્ય કારણ આસક્તિ જ છે. નાશવંત શરીરોમાં અને પદાર્થોમાં અત્યંત અનુરક્તિ હોય છે, તેને તોડવી જ રહી! મનથી આપણે જાણીએ છીએ કે સર્વે નામરૂપાત્મક પદાર્થો પરિવર્તનશીલ છે. આ વિચાર શ્રવણ - વાંચન દ્વારા રોજ આપણા મનમાં પ્રવેશ કરે છે, છતાં પામરતા કેમ ટળતી નથી? હા, નિષ્કામ કર્મથી જ તે ટળી શકે. બીજા માટે કર્મ કરો પણ કામના ન રાખો. વિશુદ્ધ પ્રેમથી પ્રેરાઈને કામ કરો. શુદ્ધ પ્રેમથી કરેલ કાર્યોનું પરિણામ ગમે તે આવે, તો પણ ચિત્તમાં પ્રસન્નતા જ રહે છે. દશ આંગળીવાળા હાથ મનુષ્યનું સૌથી મોટું ધન છે. તેનો સફાઉપયોગ કરવામાં માણસમાત્ર સ્વતંત્ર છે. જાતિયવૃત્તિ એ પ્રેમનું સ્થૂળ સ્વરૂપ છે. સૂક્ષ્મ સ્વરુપ એટલે નિ:સ્વાર્થ મૈત્રી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 417

જીવનમાં સુખ-દુઃખ બધાને આવે છે. સુખ કે દુઃખ આપણે માંગીએ તો જ આવે એવું નથી. આપણી ઈચ્છા કે અનિચ્છાની પરવા કર્યા વિના જ તે આવે છે, પરંતુ આવી પડે ત્યારે તે ભોગવવું એ બંધન છે. ‘સુખ-દુઃખ આપણા જ કર્મે આવેલી ન્યાયયુક્ત વસ્તુ છે’ એમ માનીને સમતાથી તે બંનેને ભોગવી લેવા તે મુક્તિ છે. વૃત્તિ અને પરિસ્થિતિ - બંને સતત અથડામણમાં હોય છે. જો પરિસ્થિતિ જીતે છે, તો માનવીનું મૂલ્ય પશુથી વધુ નથી અંકાતું અને જો વૃત્તિ જીતે છે, તો માનવીનું મૂલ્ય દેવથી પણ અધિક મનાય છે. વૃત્તિ અને પરિસ્થિતિ - એમ બંને ઉપર જય મેળવવાનો રસ્તો અપ્રાપ્તની વેદના મૂકીને પ્રાપ્તનાં સંતોષમાં મનને પરોવવામાં છે. જે કાંઈ થોડુંક આપણને મળ્યું છે, તે આપણી લાયકાત અનુસાર જ હોય છે, કારણકે પ્રકૃતિમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ ન્યાયપ્રિયતા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 418

તમારી અંદર વિચારમાં જે કંઈ ઊંડું - ઊંડું છુપાયું છે, તે જ સદા બહાર આવશે. પરિસ્થિતિ ઉપર આપણો કાબુ નથી, પણ આપણી વૃત્તિ ઉપર તો નિયંત્રણ અવશ્ય આવી જ શકે. માટે વૃત્તિ ને વિચારો પરિશુદ્ધ જ રાખવા. લોભ એ સંસાર છે, જ્યારે સંતોષ એ જ મોક્ષ છે. સંસારનું મૂળ અપ્રાપ્તની ઈચ્છા છે. મોક્ષનું મૂળ પ્રાપ્તમાં સંતોષ છે. પ્રાપ્તિની તૃપ્તિ માટે કૃતજ્ઞતા અત્યંત જ આવશ્યક છે. આપણાથી વધુ સુખીને જોવાને બદલે, જો આપણાથી વધુ દુ:ખીને જોશું તો સુખ આપણી હથેળીમાં જ છે. વર્તમાનમાં મને મળ્યું છે, તેને જ હું યોગ્ય છું. એથી અધિક કે હીન માટે હું અપાત્ર છું. મળે તોય હાનિ થાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 419

કૃપા તો ઉચિત રીતે બધું આપી જ રહી છે, છતાં આપણે વ્યર્થ ચિંતાઓ કરીએ છીએ. તે પણ વિશ્વ સમગ્રની દ્રષ્ટિએ વ્યર્થ નથી. એ પણ કૃપાની જ બીજી બાજુ છે. જો જગતમાં મલિન વૃત્તિઓ જ ન હોત તો કૃપા પણ ક્યાંથી હોત? એટલે કૃપાની હયાતિમાં પણ મલિન વૃત્તિઓ જ કારણભૂત છે. એનો ય આભાર માનો. આ જગતમાં કઈ વસ્તુઓ અનાવશ્યક કે અસુંદર છે? કર્મબદ્ધ જીવો ન હોત તો કર્મમુક્ત પણ કેવી રીતે હોત? જગતમાં જે છે, તે બધું જગતના અસ્તિત્વ માટે અતિ આવશ્યક છે. એ રીતે સર્વ શુભ કે અશુભ વસ્તુઓ પણ કૃપાની જ બે બાજુઓ છે, એવી શ્રદ્ધા રાખવી. એકાગ્રતાની આડે આવનાર ચંચલતા છે. ચંચલતાનું કારણ વિષયોનો મનમાં અને મનનો વિષયોમાં ધસારો છે! નહીં શા બનો અને તમે સર્વ કંઈ થશો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 420

A sound mind in a sound body is a thing to be prayed for. Kingdom of God is within us! In God's provinces, there is no evil but only good or its preparation. Reverence for life means relativity in thinking and non-violence in action. It is bad to start quarrel; but worse to stay in it. માણસમાં પોતાની જાતને પલટવાની અને ઇતિહાસ ઘડવાની અપાર શક્તિ રહેલી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 421

સારામાં સારા ભવિષ્યની આશા રાખવી ને ભૂંડામાં ભૂંડા ભવિષ્ય માટે તૈયાર રહેવું; એમાં જ સલામતી છુપાયેલી છે. ગમે તેવા વિકટ પ્રારબ્ધમાંથી પણ નવી શક્તિ મેળવી પ્રારબ્ધને પ્રગતિનું એક સાધન બનાવી શકાય છે. 0 જે આનંદપૂર્વક પ્રારબ્ધને ભેટે, તેને પ્રારબ્ધ નડતું નથી. નાની સરખી યુક્તિથી જે કાર્ય થાય, તે મોટી શક્તિથી ન થાય, કેમકે બળ કરતાં કળ ચઢે છે. લગ્ન, મરણ, ભોજન અને ભજન - એ ચારે ય પોતે જ કરવા પડે, એમાં બદલી ન ચાલે. A feast of the body is a fast for the soul. A fast of the body is a feast for the soul.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 422

પ્રેમ અંતરંગ છે, જ્યારે મોહ બહિરંગ છે. પ્રેમ ત્યાગ માંગે છે ... જ્યારે મોહ ભોગ માંગે છે. બીજાની ભૂલ સુધારવાનો અકસીર ઈલાજ ફરિયાદ નથી, પણ ફરી ફરી દયા કરવી તે છે. પોતાની ભૂલ પણ જેટલી ફરિયાદથી જતી નથી, તેટલી દયાથી, માફીથી, ક્ષમાના ભાવથી જાય છે. યાદના બદલે ‘દયા’ શબ્દ વધારે બળવાન છે. વસ્તુઓ સાથે સંબંધ જરૂરિયાત પુરતો જ હોવો જોઈએ, તૃષ્ણાવાળો નહીં. Passive forceથી જે કાર્ય થાય છે, તે aggressiveથી ક્યારેય થતું નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 423

માણસથી કદી ડરવું નહીં, ડરવું એક પ્રભુથી. પ્રભુ અને એમની શક્તિને ભૂલી જવા - એ જ મોટામાં મોટો ભય છે. જો ભગવાનને માણસ ન ભૂલે, તો તે સદા નિર્ભય જ છે. વિદ્યાર્થી કે અર્થાર્થી? વિદ્યાને બદલે ધન કમાવાનું કામ કરાય છે, માટે વિદ્યામાં તેજ, ગાંભીર્ય અને ઊંડાણ નથી આવતું. 'એકનું સુખ તે બીજાનું દુઃખ' એ જંગલનો કાયદો. વાઘનું સુખ - હરિણનું દુઃખ, હરિણનું સુખ - વાઘનું દુઃખ. બધાનું સુખ એ શહેરનો કાયદો. જીવનનો ઉદ્દેશ્ય જ્ઞાનને વધારવાનો, અજ્ઞાન હણવાનો, પ્રેમ વિકસાવવાનો અને દ્વેષ મારવાનો હોવો જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 424

તૃષ્ણા અને દુઃખમાં તફાવત છે. તૃષ્ણા થકી દુઃખ ઉત્પન્ન થાય છે એ ખરું પણ તેને જ દુઃખ ન કહેવાય. તૃષ્ણારહિતને પણ દુઃખ હોઈ શકે - મોક્ષ ન મળ્યાનું! ધર્મનું બીજ પરહિતચિંતારૂપ જીવદયા - કરુણા છે. ઘણું ઘણું જાણવા-જોવા છતાં એ નિશ્ચિત છે કે: જો પોતાની અલ્પતા બરાબર જાણી કે માપી ન શકાય, તો મહાન બનવાની પાત્રતા માનવીથી કદી પણ ન પ્રગટાવી શકાય! માણસ તન-ધનથી ભલે દરિદ્ર હો, પણ મનથી દરિદ્ર નથી કિન્તુ કૃપણ છે. કૃપણ હોવાથી મનની પુંજીનો તે ઉપયોગ કરી શકતો નથી. ઉદાર પ્રકૃતિવાળો તેનો ઉપયોગ જરૂરથી કરી શકે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 425

જેમ કાંટો કાઢવા માટે કાંટાની જરૂર પડે છે, તેમ મનનાં સંસ્કારો દૂર કરવાનું કામ પણ મનથી જ થાય છે. No man should be judged by his defects. Great virtues a man has are his own, but his common errors are common weaknesses of humanity and should never be counted in estimating his character. શ્રદ્ધાનો જન્મ અંતરના ઊંડાણમાંથી થતો હોય છે અને ત્યાં જ તેનું પરિણમન થાય છે. શ્રદ્ધા જો સાચી હોય, તો તેની સાથે જ પ્રેમ, મમતા, વિનય, વિવેક અને નમ્રતા ભરેલા હોય છે. શ્રદ્ધા અને નિરાશાને વિરોધ છે. શ્રદ્ધાળુ નિરાશ થતો નથી, નિરાશાવાનને શ્રદ્ધા હોતી નથી. માણસે નમ્ર બનવા પોતાને મળેલ વસ્તુના માલિક મટી ટ્રસ્ટી બનવા માટે કોશિષ કરવી જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 426

સર્વ શક્તિનું મૂળ મનુષ્યની સંકલ્પશક્તિ જ છે. અધ્યાત્મિક શક્તિ એ જ આંતરિક તાકાત છે. વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુ સૌને વળગ્યા છે. યુવાવસ્થા, તંદુરસ્તી અને જીવન - એ ત્રણ વસ્તુઓ પણ છે, પરંતુ તે ત્રણ વસ્તુઓ અખંડ રહેતી નથી, મનુષ્યની ઇચ્છાશક્તિની તેના ઉપર હકુમત ચાલતી નથી. ઇચ્છાશક્તિથી તેમાં વધ-ઘટ કદાચ થઈ શકે, પણ તેનો સમૂળગો અભાવ થતો નથી. What is cohesion in matter is love in man. Man is the greatest radio and is able to connect himself with the higher force. દિલ દરિયા જેવું મોટું નહીં હોય, નાક સદા અહંકારથી ફુલેલાં હશે, સામાના દુઃખ અને વેદના અને સમજવાની સુકોમળ ભાવના નહીં હોય, તો સત્ય અને અહિંસા - એ બે ય શબ્દો એ માત્ર ગળામાં બાંધેલા બે પથરા રૂપ જ રહેશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 427

ઈશ્વરની સાક્ષીએ જીવન વિતાવવું એ જ સાચું જીવન છે. જ્ઞાન વિચાર કરી શકે છે પણ પ્રેમ તો હ્રદય જ મેળવે છે. ખ્યાતિ, પ્રતિષ્ઠા અને સંપત્તિ - એકબીજાને જુદા પાડે, તો તેથી દૂર રહેવું. મન એ અણુથી પણ અણુ અને મહતથી પણ મહત બનવાની લાયકાત ધરાવે છે. અનેકમાં રહેલી એકતા જોવી એ ગુણ છે. એકલવાયાપણું માનવું એ ભ્રમ છે, માટે જ તે દુઃખરૂપ છે. Truth is relative to our standpoints. This is an absolute truth that truth is always relative.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 428

યુદ્ધ અને સંઘર્ષનો જન્મ માનવના મગજમાં જ થાય છે અને તેથી ત્યાં જ શાંતિ સ્થાપવાની આવશ્યકતા છે. શંકા અને તિરસ્કારનાં બળો માનવ મગજમાં જ ઉત્પન્ન થાય છે, માટે તેનો તત્કાળ નાશ કરવો જોઈએ. હિંસામાંથી અહિંસા તરફ જવું તે 'પ્રગતિ' તથા વારસાગત હિંસકવૃત્તિ ઉપરનો વિજય, તે 'સંસ્કૃતિ'. રાજકીય સ્વતંત્રતા, આર્થિક સમાનતા અને વિશ્વબંધુતાને સમાજમાં સૌ એ ખાસ ખાસ પ્રેરવા જ જોઈએ. જ્યારે મનુષ્યમાં પરાયાપણાની ભાવના ઓછી થાય અથવા બિલકુલ રહેતી નથી, ત્યારે જીવન સંપન્ન થાય છે. જ્યારે પરાયાપણાની ભાવના વધારે હોય અથવા જ્યારે તીવ્ર બને, ત્યારે જીવન વિપત્તિવાળું થઈ જાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 429

Where there is faith, there is no fear, but always cheer and supreme bliss is near and that too - here in this life. It cannot be expressed but can only be experienced. બદલાની આશા વિના થાય તે ધર્મ, જ્યારે બદલાની આશાથી થાય તે વ્યવહાર. સદભાવથી સદબુદ્ધિ આવે અને સદવર્તન પણ થાય. તે બે વિના જે થાય તે જૂઠું, બીજું સાચું. Education is the manifestation of the perfection in man. Religion is the manifestation of divinity already in man.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 430

જેની સમજશક્તિ મહાન, તેની સહનશક્તિ પણ મહાન. સ્વસુખની જ ચિંતા કરનારો હંમેશા દુઃખી થાય છે. સહુના સુખની ચિંતા જે કરશે, તે સુખી થશે. આ છે સુખ - સંપત્તિની કૂંચી, જે આપણે કદાચ ખોઈ જ નાખી છે. પ્રેમ એ તો પારસમણિ છે. લોખંડને અડે તો એને ચ સોનું બનાવી દે! તેથી પ્રેમબીજનું ફળ પણ અગણિત પ્રેમફળ જ હોય. જ્યાં પ્રેમ છે, ત્યાં ક્ષેમ છે. જ્યાં વૈર છે, ત્યાં વિનાશ છે. શરીરને રોગ અને દુર્બળતાથી, હૃદયને કઠોરતા અને લાગણીહીનતાથી તથા આત્માને કૃપણતા અને અહંકારના પાપથી મુક્ત કરે, તે જ સાચી વિદ્યા અને તે જ સાચી કેળવણી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 431

બુદ્ધિનો નિર્ણય એ જ્ઞાન નથી પણ જ્ઞાનનું પહેલું પગથિયું છે. બુદ્ધિ માત્ર માર્ગદર્શક છે. તે માત્ર ભોમિયાનું જ કામ કરે છે. Mind is an instrument of ignorance, which tries to know and never knows. Man maybe perfectly ethical but he may not be always spiritual. The god has no definition. One can never define god. I and my god are one. ગરીબી અને અમીરી ધનમાં નથી પણ મનમાં છે. બીજાને સુખી જોઈને દુઃખી થનાર દિલથી ગરીબ છે. બીજાને સુખી જોઈને સુખી થનાર દિલથી તવંગર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 432

પ્રેમસગાઈ આગળ લોહીની સગાઈ કાંઈ નથી. પ્રેમ એ નર્કને સ્વર્ગ અને શત્રુને મિત્ર બનાવે છે. મડદાં પણ બેઠા થાય એવો સંજીવની મંત્ર છે પ્રેમ. જ્યારે અન્ય પ્રત્યે આદર વ્યક્ત કરવો હોય, ત્યારે આપણે લઘુ છીએ અને સામી વ્યક્તિ કોઈ અંશે મોટી છે, એનો અંતરથી સ્વીકાર કરવો પડે છે. પોતાનાથી ઉપરના કે અનુભવમાં મોટાને નમસ્કાર કરવાનાં સંસ્કારનું જતન જ સાચું જ્ઞાન પામવાનું સાધન બને છે. I am unique, so I shall be like me. માનવ કેવળ હાડ - ચામનું પૂતળું જ નથી, તેને દયા માટે દિલ છે, દાન માટે હાથ છે, સત્યના દર્શન માટે દ્રષ્ટિ છે અને પુણ્યપંથે સંચરવા માટે પગ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 433

વિદ્વત્તાનો અહંકાર પણ બે જાતનો હોય છે, કેમકે વિદ્વત્તા બે જાતની છે: એક અર્થકરી (સ્વાર્થી) અને બીજી વિકાસકરી. વિકાસકરી વિદ્વત્તા સાત્વિક છે, તેનાથી લેનાર - આપનાર બંનેમાં સાત્વિકતા વધે છે. અહંકારરહિત થતાં દીનતા ન આવી જાય, તેની ખાસ સંભાળ રાખવી જોઈએ. 'I am helpless' એ વૃત્તિ દીનતાના ઘરની છે, તે ખરે જ ત્યાજ્ય છે. Complex of superiority or inferiority, both are the worst - and thus undesirable. જેમણે કોઈપણ નોંધપાત્ર ક્ષેત્રે સફળતા મેળવવી હોય, તેમણે રોજ થોડો થોડો વખત એકાંતસેવન કરતાં શીખવું જ જોઈએ. એકાંતમાં મનને જીતવું કે વશ કરવું સહેલું થઈ પડે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 434

જીવનવિકાસમાં અહંકારનો ફાળો હોય છે, કિન્તુ જીવન સાફલ્યમાં તો અહંકારને કાઢવો જ પડતો હોય છે. જો કે એને કાઢવો ઘણો કઠિન છે. અહંકાર છોડાતો નથી, મરાતો નથી અને જો કે એને મારવાની જરૂર પણ નથી. અહંકારને ફક્ત બીજે વાળી લેવો જોઈએ. આવતીકાલ હજુ આવી નથી, તો આવતીકાલની ચિંતા શા માટે? ગઇકાલની ચિંતા શા માટે? કારણકે ગઈકાલ ફરીને આવવાની નથી, તે જ સત્ય છે. માત્ર આજનો દિવસ, આજનો પુરૂષાર્થ જ આપણા ભવિષ્યને મનમાન્યો આકાર આપી શકશે. એ આકાર પ્રમાણે તો આજના દિવસ જેવી જ આવતીકાલ હશે. માનવી! તું કોઈનું સારું ન કરી શકે, તો પણ સારું ઈચ્છી તો શકશે જ. Freedom takes precedence over peace and truth takes precedence over freedom.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 435

દયા પારકાને પોતાનો કરે, પ્રેમ પોતાને જ પરાયો કરે છે. (અન્ય પ્રથમ - હું પછી!) દયા નીચે જુએ છે, પ્રેમ ઊંચે જુએ છે. દયા ગરીબાઈ જુએ છે, પ્રેમ તો સર્વ જીવદર્શી છે. બુદ્ધિનું શસ્ત્ર એકબીજાને જુદા પાડે છે. લાગણીનું અસ્ત્ર એકબીજા સાથે અભેદ સાધી આપે છે. જ્યાં ભેદભાવ છે, ત્યાં દુઃખ છે. જ્યાં અભેદભાવ છે, ત્યાં સુખ છે. બુદ્ધિનું બળ ઝઘડા કરાવીને ભેદ પાડશે. લાગણીની કળ મૈત્રી કરાવીને અભેદ સાધશે. બીજાના દોષ જોનાર પોતાનાં દોષની જ જાહેરાત કરે છે. માનવે જિંદગીભર દોડધામ કરીને દૂધ પીવા કરતાં તો ઠરીઠામ (અંદર) બેસીને પાણી પીવું બહેતર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 436

આતમને અજવાળે ચાલનાર યાત્રી છીએ આપણે, કિન્તુ ફળ મેળવવા તરફ જ ધ્યાન રાખી કર્મ કરવાથી આપણને ફળનો આનંદ તો મળે છે પણ કર્મનો નહીં. માટે તેમ ન થવા દેવું, કેમકે આપણી મર્યાદિત બુદ્ધિ સુધી જ આપણે ફળની અપેક્ષા રાખીએ છીએ, તેથી અમર્યાદ - limitless - ફળ મેળવવાની યોગ્યતા આપણે ગુમાવી જ દઈએ છીએ. મનુષ્યનો મોટામાં મોટો દોષ એ છે કે તે પોતાની જાતને નિર્દોષ સમજે છે. આપણા દોષો દેખાય, ત્યારે જ આપણે ‘ડાહ્યા’ કે wise થયાં કહેવાઈએ. જાગ્યા ત્યારથી સવાર, ભૂલ્યા ત્યારથી ફરીવાર. દયા અને માયા વચ્ચે મુખ્ય ૩ તફાવત છે: (૧) દયા સારી છે, માયા બંધનકારક છે. (૨) પ્રાણીમાત્ર ઉપર સમાન પ્રેમ હોવો એ 'દયા' છે. માત્ર સ્વસ્ત્રી, પુત્ર, ભાઇ-બહેન વગેરે સગા-સંબંધી ઉપર જ પ્રેમ રાખવો એ 'માયા' કહેવાય. (૩) દયા વિશ્વવ્યાપી છે, જ્યારે માયાનો પ્રદેશ સંકુચિત છે

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 437

'પોતાની જાત તૃણ જેવી તુચ્છ અને પ્રભુ મેરુ જેવા મહાન છે' એવી સમજણ જ્ઞાનપૂર્વકની નમ્રતા છે. ‘ભગવાનનું સ્વરૂપ સમુદ્રસમ અને પોતાનું સ્વરુપ બિન્દુરૂપ પણ નહીં' એવી સમજણ આપણાં જીવને કૃતકૃત્ય કરે છે. નમ્રતામાંથી જ ચિત્તની પ્રસન્નતા વિસ્તરી જીવનરસ ઝરે છે. આ દીનતા પ્રભુના કૃપાપાત્રને જ મળે છે. જ્ઞાનથી ભક્તિ અને ભક્તિથી જ્ઞાન - એમ અરસપરસ વધે છે. પ્રેમની જેમ દયા પણ અહિંસાનું વિધાયક સ્વરૂપ છે. બીજાના દુઃખે દુઃખી થવાની લાગણીનું નામ જ ‘દયા’ છે. પ્રેમ અને દયાની આરાધનામાં જ અનંત સુખનો લાભ અને અનંત દુઃખનો અંત પણ એમાં જ રહેલો છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 438

બીજામાં દયા છે, ત્યાં સુધી દુઃખના દર્શને દુઃખ થવાનું જ. આખું જગત કુદરતી રીતે જ દુઃખથી ભરેલું છે, તો મારા દુઃખે તેને વળી વધારે દુઃખી શાને કરું? એમ વિચારી સ્વદુ:ખને હળવું કરવું! આત્માના જ્ઞાન વગર અન્ય બધા જ વૈભવો નકામાં છે. પૈસો એ ફક્ત સાધન છે, સાધ્ય નથી. માણસે સુખી થવા માટે અંતે તો અંતર્મુખ થવાની જ જરૂર છે. પોતાના અજ્ઞાનને જાણવું એ જ્ઞાનનું આરોગ્ય છે અને તેને ન જાણવું એ જ્ઞાનનો રોગ છે. જો માણસ આ અજ્ઞાન નામના રોગને ઓળખી લે, તો તત્કાળ તેનાથી મુક્ત થઈ જાય છે. In democracy, the means and aims are important. In communism, only aims are important.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 439

મદ એટલે power. Power corrupts and absolute power corrupts absolutely. You can't make a man happy. One must learn how to be happy on one’s own! માનવી દેહ ઉપરનાં આભૂષણોથી નથી શોભતો. જેમ સાચી શોભા દેહની નહીં પણ દિલની છે તેમ સાચી ત્યાગવૃત્તિ બહારની નહીં પણ મનની જ હોવી જોઈએ. ઊંચું જીવનધોરણ તેનું જ ગણાય કે ધન હોય કે ન હોય, છતાં સંતોષથી જેનું મન સદાય આનંદમાં રહે, જે સૌને સરખા ગણે, પ્રભુમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે અને સ્વધર્મ તથા સ્વકર્મમાં મગ્ન રહે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 440

પવિત્રતા પ્રેમમાં છે અને તે જ્યારે પ્રભુમાં મળી જાય છે, ત્યારે સુખ અને આનંદનું વાતાવરણ સર્જાઈ જાય છે. Without character, you have nothing, you are nothing and you can be nothing. જે પોતાની ચિંતા ભગવાન ઉપર છોડે છે, તેની ચિંતા સ્વયં ભગવાન જ કરે છે. જ્ઞાનપ્રાપ્તિની માત્ર એક જ રીત આપણી પાસે છે અને તે રીત એકાગ્રતાની છે. શક્તિ અને પ્રેમને જેટલા પ્રમાણમાં એકાગ્ર કરવામાં આવે તેટલા પ્રમાણમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 441

Eloquence is the art of saying things in such a way that those to whom we speak may listen to them with pleasure. જેમ સજ્જનમાં, તેમ દુર્જનમાં પણ ઈશ્વરને જુઓ. પ્રેમ કે માન માંગશો નહીં, તે બંને બીજાને આપજો. બુદ્ધિથી પણ પરે એક તત્વ છે, જેને સમજવાની શક્તિ બુદ્ધિની નથી. બુદ્ધિને એક મર્યાદા છે. તે સારું અને ખરાબનો નિર્ણય આપે પણ પોતાના સર્જક વિશેની માહિતી આપી શકતી નથી. The greatest sin is our ignorance of our oneness with Him!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 442

પોતાના સાથીઓના કર્તવ્યો ઉપર દ્રષ્ટિ રાખનારો પોતાના કર્તવ્યનું પાલન તો કરી શકતો જ નથી, પરંતુ ક્ષોભ અને અશાંતિથી પણ બચી શકતો નથી. જેમ પ્રતિકૂળ પરિસ્થિતિની કોઈ યાચના કરતું જ નથી છતાં પણ તે અવશ્ય આવે જ છે, તેમ અનુકૂળ પરિસ્થિતિ પણ માત્ર ઇચ્છવાથી નહીં, કિન્તુ નિયમાનુસાર જ આવે છે. કોઈપણ પ્રકારના સારાપણાનું અભિમાન પણ સૌમાં બધાં પ્રકારની બુરાઈઓ ઉત્પન્ન કરી શકે એમ છે. આપણે ઇચ્છીએ એવા આપણે બની શકતા નથી, તો પછી 'બીજા સૌએ એવા સારા બનવું જ જોઈએ' એવો આગ્રહ રાખીને ગુસ્સો શી રીતે કરાય?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 443

તમારી કોઈ ખોટી નિંદા કરે અને જો એને તમે આનંદપૂર્વક સહન કરશો, તો નિંદા અંતે તેની જ થશે અને સાચો યશ તમને જ મળશે. આ કુદરતનો કાનુન છે. ‘જેઓ મને અન્ન - વસ્ત્ર આપે છે, તેઓ મારા દેહનું ભલું કરે છે અને જેઓ મારા મનને હેરાન કરી ઇજા પહોંચાડે છે, તેઓ મારા આત્માનું ભલું કરે છે. મારી પોતાની જાત સિવાય ક્યાંય - કોઈ મારો દુશ્મન નથી. બીજા બધા તો મને હિત જ કરનાર છે’ એમ સદા યાદ રાખવું. Politeness is the art of choosing among one's real thoughts. જો આપણે દુનિયાને દુનિયા તરીકે જોઈએ, તો તે આપણે માટે દુનિયા જ બની રહે છે, પણ જો આપણે 'દુનિયા એ ઈશ્વર છે' એવી ભાવનાથી જોઈએ, તો આપણે ઈશ્વરને પામી શકીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 444

દુનિયામાં હંમેશા દાતાની ભૂમિકા લેજો. કશો પણ બદલો મેળવવાની આશા વિના બધું આપતા શીખો. પ્રેમ આપો, સહાય આપો, સેવા આપો, તમારાથી જે કાંઈ આપી શકાય એ આપો, પરંતુ બદલાનો વિચાર છોડી દેજો. જે શિક્ષણ ચારિત્ર્યની દ્રઢતા લાવી ન શકે, ઉદારતાની ભાવના ઉભી ન કરી શકે કે સિંહ સમી શૌર્યવૃત્તિ પેદા ન કરી શકે, તે શિક્ષણ, શિક્ષણના નામને લાયક ગણાય? જો ઝાડને તમે પોતે ઉગાડી શકતા હો, તો જ 'બાળકને તમે પોતે શીખવો છો' એમ કહી શકો. જ્ઞાન માણસમાં પોતામાં જ રહેલું છે. નાના બાળમાં પણ એ રહેલું છે, માત્ર તેને ચેતના આપવાની અને તેના અવરોધો દૂર કરવાની જરૂર હોય છે. જીભમાં એકપણ હાડકું નથી, છતાંય તે વચન દ્વારા અનેકના હાડકાં ભાંગી નાખે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 445

‘મને ગમે તેટલું દુઃખ આવે, તો પણ તે મારી દુઃખ પામવાની ક્ષમતાથી તો ઓછું જ છે’ એમ જ માનો અને... ‘સુખ ગમે તેટલું થોડું હોય, તો પણ તે મારી સુખ મેળવવાની યોગ્યતા કરતાં તો વધુ જ છે.’ એમ પણ જરુર માનો! આપવામાં ત્યાગવૃત્તિ છે અને લેવામાં સ્વાર્થવૃત્તિ છે, પરંતુ આપવામાં જો અહંકારનો અંશ હોય, તો ત્યાગવૃત્તિ નથી અને તેવી જ રીતે લેવામાં જો ત્યાગવૃત્તિ હોય, તો લેવામાં પણ દોષ નથી. કેટલીક વાર આપવાથી બંધનમુક્ત થવાની ભાવના પોષાતી હોય, તો આપવાનો તે હેતુ શુભ ન ગણાય. પોતાનો લાભ જતો કરીને પણ પરહિતને માટે ત્યાગ કરવો, તે જ ખરેખરી ઉદાત્ત ભાવના છે. 'મારાથી કોઈ જ નાનું નથી' એ વિચાર ગર્વને રોકે છે તથા ‘મારાથી કોઈ મોટું નથી' એ વિચાર દીનતાને અટકાવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 446

મનનું મૌન એ છેવટનું મૌન છે. મનમાં સંકલ્પનો ઉદય જ ન થાય એવી ઉન્મની અવસ્થામાં શાંતિનો ચીર નિવાસ હોય છે. મનનો વિક્ષેપ એ મૌનનો ભંગ છે. He is rich not that hath much, but that coveteth the least. A kind word, a cheerful smile, a friendly glance, a show of interest, the touch of sympathy, a helping hand - any of these can pull the cord and save a soul from disaster. Ahinsa does not mean only negative of violence., It also means total absence of greed, passion and untruth. જ્યારથી આપણે પુરુષાર્થ અને શ્રમ છોડ્યો, ત્યારથી લોહી ઘટી ગયાં, ખુમારી ઘટી ગઈ, તેજ ઘટી ગયું તથા બુદ્ધિ તો કૃતઘ્ન અને નિષ્ઠુર થઈ ગઈ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 447

ધર્મની માતા દયા અને ધર્મના પિતા દાન છે, જ્યારે પાપની માતા માયા અને પાપના બાપ માન છે. They are never alone that are accompanied by noble thoughts. Jealousy is so bred in the bone that it can stay in the flesh for long time. Blessed are those who are humble in spirit, for their is the kingdom of heaven. The true civilization is where every man gives to every other every right that he claims for himself.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 448

વાસનાઓના વશમાં રહેલો મનુષ્ય - એ બિલાડીના ઘરમાં જ રહેલા ઉંદર જેવો છે. સંન્યાસીની નકલ કરી શકાય પણ વૈરાગ્ય ન આવી શકે. સૈનિકની નકલ કરી શકાય પણ શૌર્ય નથી લાવી શકાતું. સૂર્યનું ચિત્ર દોરી શકાય પણ એનાથી પ્રકાશ ન મળી શકે. નાચી-કૂદી, ગાઈ-બજાઈ કિર્તનમાં રંગ લાવી શકાય પણ ઇશ્વરપ્રેમ લાવી શકાતો નથી, તેને તો આપણી અંદરથી જ ઉછેરવો પડતો હોય છે! First of all - I am a soul, spirit and a spark of the divine. Then only - I am who I am visibly today. દાન ક્યાં સુધી આપવું? ક્ષમા ક્યાં સુધી રાખવી? સત્ય ક્યાં સુધી બોલવું? તે સૌનું વ્યસન ન પડે ત્યાં સુધી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 449

દુઃખને ઓછું અને સુખને અધિક માનતાં શીખો. પુણ્યને પરથી માનતાં શીખો અને પાપને સ્વથી માનતાં શીખો. જે માણસ હૃદયથી ધાર્મિક હોય, તે જીવનમાં સ્વાર્થી હોય એમ કદી બનતું નથી. સાધનામાં સહાય કરવાની વૃત્તિ કેળવાય તે જરૂરી છે. મારી પોતાની જાત અને મારા પોતાના હેતુઓને થોડું ઓછું કરતાં જવું અને પોતાની જાત તથા પોતાના આત્મકલ્યાણનો થોડો વિશેષ વિચાર કરવો આવશ્યક છે. Ignorance is the mother of anger. શાંતિ રાગ-દ્વેષાદિની ક્ષિણતામાં છે. શાંતિ મેળવવાની ઈચ્છાવાળાએ રાગ-દ્વેષનો છેદ ઉડાડવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 450

રાજની આજ્ઞાની સાથે જો રાજ્યબળ અથવા પ્રજાની શક્તિ અથવા સહકર્મીઓની ભક્તિ ન ભળતી હોય, તો તે આજ્ઞાનું કાંઈ જ શુભ ફળ આવતું નથી. ઉત્તમ ભોજન કરવું તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે ભૂખે મરવું તેના કરતાં સામાન્ય ભોજનથી પણ પેટ ભરવું, તે અધિક વ્યાજબી છે. એ ન્યાયે ઉત્કટ સાધનો ન મળે, ત્યાં સુધી સામાન્ય સાધનોનું સેવન કરી ઉત્કૃષ્ટ માટે અધિકારી બનવું એ યથાયોગ્ય જ છે. પ્રભુ કહે છે કે તારા માથે અસહ્ય દુઃખો કે મોટી આફતો ભલે આવજો, કે જેથી તારું ચિત્ત સદૈવ ધર્મમાં ચોંટેલું રહે. દુઃખી અવસ્થા જ આપણને વિચાર કરતાં શીખવે છે, તેથી આવતી સહનશીલતા આપણું શરીર વધારે ખડતલ બનાવે છે અને વળી મનની ગુપ્ત શક્તિઓને બહાર પણ લાવી આપે છે. જાણીબૂઝીને પાપ ન કરવું, કરેલા પાપથી પાછા ફરી જવું અને આપણાથી થઈ રહેલી ભલાઈનું અભિમાન અને ફળ છોડી દેવામાં સાધકના સત્યજીવનનો પ્રારંભ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 451

પ્રસન્ન મન એ મનની ઉચ્ચ સ્થિતિ છે. હર્ષમાં સુખ અને આનંદ છે. પ્રસન્નતામાં સુખ હોય કે દુઃખ હોય, પણ સમાધાન તો જરુર હોય છે. જે વધે તે વૃદ્ધ, જે ઘટે તે ઘરડો. પ્રેમ વધવો જોઈએ, મોહ ઘટવો જોઈએ. પ્રેમ સૂક્ષ્મ છે. જે બાહ્ય દેખાવમાં ન આવે, કિન્તુ અંદર અનુભવાય - તે પ્રેમ. જે પછી રહે તે અનુભવ અને સ્મૃતિમાં જે કાયમ રહે તે પ્રેમ. દ્રષ્ટિ બદલવી એનું નામ જ આધ્યાત્મિકતા. પોતાને માટે જ રડવાવાળાને 'દીનતા' કહેવાય છે, જ્યારે બીજાના દુઃખને જોઈ રડવાવાળાને 'દયાળુ' કહેવાય છે. કોઈપણ સુકૃત્ય આપણા હાથે થાય ત્યારે કહો કે 'એ પુણ્ય કે સદ ભાગ્ય ભલે મારું હશે પણ એ મંગલ કાર્ય કરાવવાની શક્તિ તો પ્રભુની જ'

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 452

જેવો વ્યવહાર આપણે બીજાઓ તરફથી ચાહીએ છીએ, તેવો જ વ્યવહાર આપણે બીજા પ્રતિ કરીએ - તે જ સાચો ધર્મ! ભાવનાશીલતા જરૂરી છે, પણ ભાવનાવશતા નહીં જ. માનવીના મનનો જો નિષ્પક્ષતાથી અભ્યાસ થાય, તો અંદર રહેલ આગ્રહ અને અતિશયતા નિરર્થક જણાશે. દાનવૃત્તિનું મૂળ ત્યાગવૃત્તિ છે અને ત્યાગવૃત્તિમાં મૂળ કૃતજ્ઞતાભાવ છે. કૃતજ્ઞતાભાવનું મૂળ પરોપકાર સ્વભાવ છે. પરોપકારના પાયા ઉપર જ અખિલ બ્રહ્માંડની રચના છે. જે ઇચ્છીએ - તે મળી જવાથી ધનવાન બનીએ છીએ પણ ઈચ્છેલી વસ્તુ વિના ચલાવી લેવાથી તો શક્તિશાળી બનાય. તે બનવા પ્રયત્ન અવશ્ય કરવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 453

પ્રાર્થનાથી પરિસ્થિતિ પલટાય છે? ના. પ્રાર્થનાથી માનવી પલટાય છે અને પછીથી તે જ પરિસ્થિતિ પલટાવે છે. માનવીને ખોટું કામ કરવાની શરમ નથી, કિન્તુ તેને ખોટું કામ કરીને બીજા પાસે પકડાવાની શરમ છે. માણસ કેટલી વાર પડે છે એ મહત્વનું નથી, પણ પડે તેટલી વાર ઉઠે છે, તે મહત્વનું છે અને તે ઉઠે છે એમાં જ મર્દાનગી છે. જીભેથી સરેલા અને કલમથી સરકેલા એક ખરાબ શબ્દનું વજન એટલું બધું છે કે : છ ઘોડાની ગાડી પણ એને ખેંચી શકતી નથી. ઇતિહાસ સર્જનારાને ઇતિહાસ લખવાનો સમય હોતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 454

માણસ જેટલો પોતાની જ જાતથી છેતરાય છે, એટલો બીજા કોઈથી પણ છેતરાતો નથી. મહાન સત્યો જેટલી જ મહાન વિભૂતિઓ પણ સરળ હોય છે. નેતા થવા ઇચ્છશો નહીં, સેવક થવા જ ઇચ્છજો ... એટલે નેતાપણું તો આપોઆપ જ ખેંચાઈ આવશે. આશાવાદી માનવ દરેક મુશ્કેલીમાં તક જુએ છે, જ્યારે નિરાશાવાદી તો દરેક તકમાં યે મુશ્કેલી જ જુએ છે. બે સમયે માણસની નિર્બળતા પ્રગટ થાય છે: બોલવાની તક મળે ત્યારે ન બોલે અને ચૂપ રહેવાનું હોય ત્યારે બોલ્યા કરે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 455

જ્ઞાનના શિખર ઉપર થોડાંક માનવીઓ જ ચડી શકે, પરંતુ ફરજના શિખર ઉપર તો સૌ કોઈ ચડી જ શકે. પાપમાં પડવું એ માણસનો સ્વભાવ છે, પાપમાં ડૂબ્યા રહેવું એ શેતાનનો સ્વભાવ છે, કિન્તુ સર્વ પાપથી મુક્ત થવું - એ મહાપુરુષોનું જ કામ છે. આપણે એવા થવા માટે પ્રયત્ન કરવો. જે માણસો સંપત્તિ અને વિપત્તિમાં એકરૂપે રહે છે, તેમના જીવિત એ જ ખરાં જીવિત છે. આપત્તિનો સામનો કરવામાં હાસ્યથી વધુ મોટો બીજો કોઈ મદદગાર મિત્ર નથી. શત્રુનાં પણ ગુણોને ગ્રહણ કરવા અને આપણા માતા- પિતા અને વડીલોના દેખીતાં દુર્ગુણોનો ત્યાગ કરવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 456

દેખાદેખીનું એકમાત્ર દુષ્પરિણામ દુઃખ જ છે. જે મનુષ્યના જીવવાથી ઘણા જીવો જીવી શકે, એ જ સાચું જીવે છે. સમર્થ મનુષ્ય માટે તો ક્ષમા એ જ ઉત્તમ કલ્યાણકારી છે. અભિમાની, મૂર્ખ, ક્રોધી, અવિચારી અને ધર્મભ્રષ્ટ લોકો સાથે - પોતાના જીવનમાં કદી પણ મૈત્રી કરવી નહીં, પરંતુ તે સૌ પ્રત્યે કરુણા અવશ્ય રાખવી!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 457

કપડાં જેમ રોજ રોજ મેલાં થાય છે, તેમ મન પણ રોજ ને રોજ મેલું થાય જ છે. માટે જ કપડાંની જેમ મનને પણ રોજ ધોવું જોઈએ - તે માટે જ સ્વાધ્યાય, મંત્રજાપ અને પરોપકારના કાર્યો કહ્યાં છે. જેમ બધા બીજ મળીને કાંઈ એક જ ફૂલને જન્માવતા નથી, તેમ બધા આત્માઓ કંઈ જ્ઞાન - ભક્તિ કે કર્મમાંથી એક જ માર્ગે વિકાસ પામતા નથી. જે ફક્ત બોલે જ છે - તે બગાડે છે, જે સાથે આચરે પણ છે - તે જ જગતમાં ઇતિહાસ ઘડે છે. સાચી સેવા ફક્ત ધનથી નહીં પણ તનથી અને મનથી થાય છે. જે માનવમાં ઊંડી નમ્રતા નથી, તે ખરી સેવા કરી શકતો નથી. Find happiness only and only within yourself ... because Happiness doesn’t reside in any of the worldly things - persons or circumstances!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 458

જેણે બ્રહ્મદ્રષ્ટિએ જીવનની સાધના કરવી હોય, તેણે દરેક વસ્તુ અને પ્રત્યેક કર્મમાં સંયમી બનવું જોઈએ. 0 કર્મ વગર જ્ઞાન અપંગ છે, કિન્તુ ભક્તિ વગર તો કર્મ અને જ્ઞાન - બંને અપંગ બને છે. Adversity is an ally of creative work. સાચો અભયી કે નિર્ભય માનવ તે છે કે જેને આવતી ક્ષણની પણ ચિંતા નથી. જે પરિગ્રહી છે, તે અભયી હોઈ શકે નહીં. કાલનો જેને ડર છે, તે જ પરિગ્રહ કરવાને પ્રેરાય છે. સોનું કસીને - હીરો ઘસીને ઉજ્જવળ થતાં હોય છે. જેમ હીરો ઘસ્યા વિના સાફ થતો નથી તેમ માણસ કસોટીમાં પાર ઉતાર્યા વિના પૂર્ણ થતો નથી. શબ્દો કરતાં કાર્યો વધુ જાહેરાત કરી શકે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 459

વાચાળપણું એ ક્યારેક હૃદયનું ખાલીપણું જ બતાવે છે. અસ્ત્રાની ધાર કરતાં પણ જીભની ધાર વધુ તીક્ષ્ણ છે. તે જેમજેમ વપરાય છે - તેમતેમ વધુ ને વધુ તીક્ષ્ણ બને છે. દ્રષ્ટિની અસ્થિરતા એ મનનું ચંચલપણું બતાવે છે. પોતાનું અજ્ઞાન ન જાણવું - એ જ્ઞાનનો રોગ છે, પોતાના અજ્ઞાનને જાણી લેવું - એ જ્ઞાનનો મર્મ છે. વિષમતાની ક્ષણોમાં પણ નિરાશ ન થવું જોઈએ, કેમકે કાળા વાદળોમાંથી જ હિમની વર્ષા થાય છે. Long life may not be good enough, but a good life is long enough.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 460

અનુરોધી પ્રેમ કરતાં પ્રતિરોધી પ્રેમમાં વધુ શક્તિ છે - એ બતાવવા માટે love your neighbourની અપેક્ષાએ love your enemy એ મંગલ વાક્ય છે. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Blessed are the merciful, for they shall obtain mercy. Blessed are the pure in heart, for they shall always see god. જે દિવસો પછી ભુલાઈ જાય તે દુઃખ. જે કદી તૃપ્ત જ ન થવા દે તે સુખ. દુઃખ કેળવણી અને જ્ઞાન આપે છે, જ્યારે સુખ કેળવણી આપ્યા છતાં તેના સદુપયોગમાં વિઘ્ન નાખે છે. ભણતર અને ડહાપણ એક નથી. ભણતર સદા ભૂતકાળ તરફ અને ડહાપણ સદા ભવિષ્ય તરફ નજર રાખે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 461

સાચી શાંતિ તો ખોટી ઇચ્છાઓનો સામનો કરવામાં જ છે, નહીં કે એને વશ થવામાં. આત્માની ભૂખ આત્માથી નીચી વસ્તુ મળતાં કદી પણ નહીં સંતોષાય. પ્રાર્થનામાં બે વસ્તુનું જોડાણ થાય છે: એક ભગવાનની ઈચ્છા અને બીજી માનવીની ઇચ્છા. સત્યને ચાહો - વિજયને નહીં, વિજય તો મળશે જ. જો તમે સવેળા ત્યાગશો નહીં, તો તે સર્વ વસ્તુઓ અંતે તમને જ ત્યાગશે. જ્ઞાન મેળવીને તમે વિનમ્ર થાજો અને જ્ઞાન ઉપરનું પ્રભુત્વ મેળવ્યા પછી તો એથી ય વધુ વિનમ્ર બનજો. પોતાનામાં નદીઓના પ્રવાહને સમાવતા સાગર જેવા થાજો. દરેક જીવને એ રીતે પ્રેમ કરજો કે જાણે એ સૌ તમારા બંધુઓ જ છે - એક જ આત્મામાંથી છૂટા પડેલાં અંશમાંથી જ બનેલા જીવો છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 462

પોતાની ભૂલની ક્ષમા નહીં પણ સજા માંગો. બીજાની ભૂલની સજા નહીં પણ ક્ષમા આપો. તેજસ્વી વ્યક્તિમાં આ શક્તિ મૈત્રીભાવ દ્વારા જ પ્રગટે છે. સદા યાદ રાખો કે : મારા વિના આ જગત ચાલશે, જગત વિના મારે નહીં ચાલે. આ જગતમાં મારી કોઈને ય જરૂર નથી, પણ મારે સૌની જરુર છે. ઉપકાર ઉપર અપકાર કરે - તે આશ્રય આપનારનો જ ઘાત કરનાર ગણાય. તેવા ન બનવું! મોક્ષમાર્ગ માત્ર બુદ્ધિવિલાસ નથી પણ સાધનાનો વિષય છે. મોક્ષમાર્ગમાં આચરણ જ પ્રધાન વસ્તુ છે, કથન નહીં. સુખી પ્રત્યે મૈત્રીભાવ, ગુણી પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી પ્રત્યે કરુણાભાવ અને દુષ્ટો પ્રત્યે ઉપેક્ષાભાવ જો રાખીએ, તો આખી દુનિયામાં આપણો જ વિજય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 463

હૃદય અને બુદ્ધિમાં જ્યારે જ્યારે જ્યારે વિરોધ ઉભો થાય, ત્યારે ત્યારે સદા હ્રદયને અનુસરો, કેમકે બુદ્ધિ તર્કના મર્યાદિત કુંડાળામાંથી બહાર નીકળી શકતી નથી. જ્યાં બુદ્ધિ ક્યારેય ન પહોંચી શકે તેવી ઉચ્ચતર ભૂમિકા ઉપર આપણને હૃદય જ બેસાડી શકે છે, જ્યાં સ્વર્ગ મુઠ્ઠીમાં છે અને સુખ તમારા પગ તળે બિરાજે છે. એ ચકાસતાં રહેજો કે આ જીવનમાં દુઃખ અને ગુલામીનું કારણ આપણી જ અનાવશ્યક મહત્વકાંક્ષા તો નથી ને? મનુષ્ય જળ પાછળ નહીં પણ મૃગજળ પાછળ દોડતો હોય છે. સાચું સુખ અંદર આત્મામાં જ છે. મનુષ્યને પ્રાપ્તિનું સુખ હો કે ન હો પણ જે કાંઈ પ્રાપ્ત નથી થયું, તેનું દુઃખ તો અવશ્ય છે જ. દેનાર વડો છે, લેનાર લઘુ છે. કોઈના હક્કનું હરી લઈને પછી હરિને ભજવા - એ તો સાવ વ્યર્થ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 464

'મને જે મળે છે, તે કર્મથી મળે છે' એ સિદ્ધાંત ભલે સાચો હોય પણ 'તે પ્રભુ મોકલે છે' એ વિચાર કરવો એ પ્રેમ છે, ભક્તિ છે, પાવિત્ર્ય છે અને એ જ સાચું જીવનદર્શન છે. ભોગમાં 'સામેવાળો મારા માટે છે' એવી ભાવના છે. ભક્તિમાં 'હું સામેવાળા માટે છું' એવી ભલી ભાવના છે. એકમાં માગણી છે, જ્યારે બીજામાં લાગણી છે. Obedience alone gives the right to command. When difficulties besiege you, know that the divine grace is with you. મંદિરના શિખરમાં રહેલો પથ્થર તેના પાયામાં રહેલા પથ્થર કરતાં ચડિયાતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 465

લાગણી અંધ છે, બુદ્ધિ પંગુ છે, પરંતુ બુદ્ધિને માથે ચડાવી લાગણી ઇષ્ટ સ્થાને પહોંચી શકે છે. લાગણીને બુદ્ધિથી દોરો અને બુદ્ધિને લાગણીથી રંગો. બુદ્ધિ અને લાગણીને સમાન સ્થાન આપો. ગઈકાલ એ માત્ર આજની યાદગીરી છે અને આવતીકાલ એ આજનું સ્વપ્ન છે. વર્તમાનકાળ એ ભૂતકાળની સ્મૃતિને અને ભવિષ્યકાળની આશાને ભેટેલો જ રહે છે, તે નિવારી ફક્ત આ ક્ષણમાં રહેવું. માનવ વ્યવહારમાં કશું જ સ્થિર નથી. આત્મશાસનથી માનવનું મન વિકસે છે, રાજ્યશાસનથી નહીં. પોતાના અધ:પતનની જવાબદારી બીજાને સોંપી પોતે જવાબદારીથી મુક્ત થવા પ્રયત્ન કરવો, એ તો મહાન પાપ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 466

જ્યાં સુધી બંધન ન આવે, ત્યાં સુધી આપણો વિકાસ ન થાય. જૂઓને, વૃક્ષ બંધનથી જ વિકસે છે તથા સિતારના તાર બંધનથી જ મધુર સ્વર કરે છે. મનુષ્યના સુખનું એક દ્વાર બંધ થતાંની સાથે જ બીજું ખુલી જાય છે, પરંતુ ઘણીવાર એ બંધ દરવાજાની સામે મિનિટો સુધી આપણે તાકી રહીએ છીએ અને પરિણામે બીજા દ્વાર ક્યારે ખુલ્યા, તેનું ભાન સુદ્ધાં પણ આપણને રહેતું નથી. સુખ અને દુઃખ બંને ઇશ્વરદત્ત છે એટલે આવો, એ બંનેનો આપણે શાંતિપૂર્વક અને એક જ ભાવથી સ્વીકાર કરીએ. પ્રેમ વિના દયા ન જન્મે, ન સંભવે, ન ટકે. પ્રેમ એટલે ઈશ્વરીય ભાવે અન્યને ચાહવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 467

પ્રત્યેક મનુષ્ય એ પોતાના વિચારની જ કૃતિ છે, જેવો તે વિચાર કરે છે, તેવો જ તે બને છે. જે બીજાનો વૈભવ જોઈ ખિન્ન થઈ જાય, તેનું મન અને બુદ્ધિ બંને ક્ષુદ્ર છે! શરીર માટેના અન્ન ઉપરાંત મન અને બુદ્ધિને પણ પૌષ્ટિક ખોરાક મળવો જરૂરી છે - અને તે મળે છે પરોપકારના ભાવ તથા કૃતજ્ઞતા અર્થાત્ gratitudeના ગુણમાંથી! જે શિક્ષણ માતા-પિતાને માન આપવાનું ન શીખવે, વંચિતોને કે ગરીબોને ચૂસતાં શીખવે અને પોતાની સંસ્કૃતિનો ધ્વંસ કરવાનું શિક્ષણ આપે, તે શિક્ષણ એ સાચું શિક્ષણ નથી. તે સર્વ પ્રકારે ત્યાજ્ય છે. જેના ઉપર ખૂબ જ પ્રીતિ હોય, તે જ વસ્તુ ધર્મના દાનમાં અપાય. માણસ પાસે એક જ મહાન વસ્તુ છે : તેની ઇચ્છાશક્તિ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 468

કોઈ માણસ આજના ભારથી તૂટી ગયો હોય - એવું ક્યારેય બન્યું નથી. જ્યારે આવતીકાલનો ભાર આજમાં ઉમેરાય છે, ત્યારે જ માનવી સહી શકે, તે કરતાં યે બોજો વધી જાય છે. માટે ફક્ત વર્તમાનમાં જ જીવવું! શરીરને જેમ અન્નની ગરમીની ચોક્કસ કેલેરીઝની જરૂર છે, તેમ મનને પણ સમાજ પાસેથી પ્રેમ અને સહાનુભૂતિના ચોક્કસ એકમોની કેલરીઝની જરૂર હોય છે. Peace isn't victory. It is beyond victory or defeat. There can be no peace while the sense of victor and vanquished remains. જીવન છે, ત્યાં સુધી પ્રવૃત્તિ છે, પછી તે સારી કે નરસી એ આપણા જ હાથમાં છે ... અને ત્યાં સુધી અન્ય જીવો સાથે સંપર્ક પણ અનિવાર્ય છે, પછી તે ઘર્ષણરૂપ હોય કે સ્નેહપૂર્ણ હોય, તે ય આપણાં જ હાથમાં છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 469

આત્મનિરીક્ષણ એ બુદ્ધિ નહીં પણ હૃદયનો વિષય છે. એમાં પોતાની જાતનો જ ન્યાય તોળવાનો હોય છે. શસ્ત્ર કરતાં સૂત્ર બળવાન છે અને એટમબૉમ્બ કરતાં અક્ષર બૉમ્બ બળવાન છે. A kind word, a cheerful smile, a friendly glance, a show of interest, touch of sympathy or a helping hand, any of these can pull the cord and save a soul from disaster and death. મન અને હૃદય માણસને ગરીબ અગર તવંગર, દુઃખી અગર સુખી બનાવે છે, કારણકે બંને વસ્તુઓ ભાગ્ય કરતાં પણ વધુ શક્તિશાળી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 470

પરના કાર્યમાં તત્પર સજ્જનો સ્વના કાર્યની પરવા ન કરે. જેમ ચંદ્ર પોતાના પ્રકાશથી વિશ્વને શ્વેત બનાવે છે, તેમ મહાપુરુષો પણ જેને જેને દુઃખી જુએ છે, તેની ચિંતા સેવે છે. જ્યાં સુધી તેને દૂર ન કરે, ત્યાં સુધી તેમને સુખ થતું નથી. ક્રૂર તે છે કે જે પોતાના સ્વાર્થ માટે બીજાનો સંહાર કરે છે. વીર તે છે કે જે ન્યાય અને માનવતા માટે મરી ફીટે છે. Only that thing is sacred, which is given to the divine. કેટલાક લોકો નબળાઈને નમ્રતા, અશક્તિને અહિંસા, પ્રવૃત્તિને પ્રગતિ, પરિવર્તનને વિકાસ માને છે, પણ તે યુક્ત નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 471

મન અને નમ. જેનાથી ઉપકાર થાય તેને નમવું, એ તો માનવ મનનું અંતિમ ફળ છે. સૌથી અધિક ઉપકાર પ્રભુના નામસ્મરણથી થાય છે, માટે મનથી પ્રભુને નમવું - એ તો આપણું મહદ્ અને પ્રધાન કર્તવ્ય છે. પ્રેમ આપશો તો સો ગુણો પ્રેમ મેળવશો. કુદરતનો નિયમ છે કે એક દાણો વાવો અને સો દાણા મેળવો. દાન દેવાય છે, તે ફેંકી દેવાતું હોતું નથી પણ વાવણી થતી હોય છે. દુઃખપ્રદ વાતોને યાદ કરવાને બદલે વિધાયક વાતો, સુંદર અનુભૂતિઓને યાદ કરો. આપણામાં કેટલી ભૂલો છે તે બુદ્ધિથી જાણી શકાય છે પણ કેવળ બુદ્ધિ વડે તેને સુધારી શકાતી નથી; ભૂલોને સુધારવા માટે તો સમૂલ વ્યક્તિત્વને બદલવું જોઈએ અને તે શક્ય હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 472

વિચાર બહારથી અંદર અને જ્ઞાન અંદરથી બહાર આવે છે. જ્યાં સુધી વિચારો બહારથી અંદર આવે, ત્યાં સુધી જ્ઞાનને અંદરથી બહાર આવવાનો રસ્તો બંધ રહે. જેમણે સત્યને મેળવ્યું છે, તેમણે ભાષાથી નહીં પણ મૌનથી અને આંભ્યતર તપથી જ મેળવ્યું છે. આશા એ જ મોટું ઔષધ છે. ઘણીવાર ઈચ્છા હોય છે પણ આશા હોતી નથી. નિરાશા સહુથી વધુ દુઃખકર છે. જેમને સત્ય પ્રાપ્ત થયું છે એમના તરફ જુઓ. જે સત્યને નથી પામ્યા, તેમને ન જુઓ. તેઓ આજે ભલે નથી પામ્યા, કાલે અવશ્ય પામશે, કેમકે દરેક જીવની અધ્યાત્મ યાત્રા ચાલતી તો હોય જ છે - ભલે ગતિમાં ફેર હોય!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 473

શત્રુતા અને ઘૃણા બહારથી આવે છે. મિત્રતા અને પ્રેમ અંદરથી જન્મે છે. જેટલા ઊંચે ચઢવું હોય, એટલા હલકા બનવું જોઈએ. ધર્મ સંસાર કે પરિવારનો વિરોધી નથી, કિન્તુ મનઃસ્થિતિના પરિવર્તનનો વિષય છે. જગા બદલવાની જરૂર નથી, પોતાને બદલવાની જરૂર છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં માનસિક શાંતિ જળવાઈ રહે, તો જરૂર જાણવું કે ધર્મ સમજાયો છે અને વર્તનમાં વણાયો છે. તત્કાળ ફળ આપે, તેવું દાન એક સન્માનનું દાન જ છે. પછી તે સન્માન મનથી થાઓ, વચનથી થાઓ કે કાયાથી થાઓ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 474

જેમ વિજ્ઞાનની શોધો થાય છે, તેમ ધર્મમાં નથી, કેમકે તે સિદ્ધ થયેલ છે. જ્ઞાનની સૂક્ષ્મતાને જ 'વિજ્ઞાન' કહેવાય છે. વિજ્ઞાન એ બુદ્ધિનો વિષય છે, જ્યારે ધર્મ એ બુદ્ધિથી પર એવી સત્ શ્રદ્ધાનો વિષય છે. બુદ્ધિ જ્યાં અટકે છે, ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય છે. વિજ્ઞાન જ્યાં પૂરું થાય છે, ત્યાં ધર્મની શરૂઆત થાય છે. જીવો પ્રત્યે સદભાવ ન હોવો - એના જેવું મોટું બીજું કોઈ જ દારિદ્રય આ વિશ્વમાં નથી. મુસીબતો એ એક એવો સ્વચ્છ અરીસો છે કે જેમાં આપણે આપણું સ્વચ્છ પ્રતિબિંબ જોઈ શકીએ છીએ અને પોતાની જાતને સાચા અર્થમાં સમજી શકીએ છીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 475

સમજુ માણસ દરેક પ્રશ્નના જવાબની આશા પોતાની જાત પાસેથી જ રાખે છે. બેવકૂફ માણસ એ જવાબ મેળવવા બીજાઓ તરફ જૂએ છે. રોજ તપાસજો કે તમારી દ્રષ્ટિ બીજાઓ તરફ તો નથી હોતી ને? કદીય પતન થાય નહીં એમાં કાંઈ શાન નથી. શાનની વાત તો એ છે કે જ્યારે પતન થાય, ત્યારે આપણે એકદમ ઉભા પણ થઇ જઈએ. જે વાંચીને બેસી રહેતો નથી પણ સ્વાનુભવ કરે છે, તે જ ડાહ્યો છે, વિવેકી છે. જીવનનું કલ્યાણ પણ તે જ કરી શકે. આપણને એમ લાગવું જોઈએ કે જીવનના કોઈપણ અનુભવ કે પરિસ્થિતિ કરતા આપણે મહાન છીએ, સંજોગો કરતા આપણે વધારે શક્તિશાળી છીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 476

લગ્ન, મરણ, ભોજન અને ભજન - આ ચારમાં અદલાબદલી ચાલતી નથી. એ સ્વયંએ જ કરવું પડે! Every man is a volume, if you know how to read him. We love a person when we wish for him all that we wish for ourselves. શૃંગારની જરૂર તો ફક્ત તેને જ પડે છે કે જેને પોતાની સહજ સુંદરતા ઉપર વિશ્વાસ નથી. દયાને લીધે જ સત્ય બોલાય છે, ન્યાયવૃત્તિ ધરાય છે અને દુરાચારથી દૂર પણ રહેવાય છે. જગતમાં જે જે ભલા કામો કરવામાં આવે છે, તેનું મૂળ દયામાં જ રહેલ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 477

જ્યારે પણ આપણા મનમાં કશાયનો વિરોધ જાગે, ત્યારે સ્વાભાવિક રીતે જ આપણા શરીર અને મન તંગ બને છે. એના પરિણામે એક યા બીજા પ્રકારનું ખેંચાણ રહે જ છે. તેથી તમને જે ગમતું નથી, એ વિષે વિચાર કે એનો વિરોધ ન કરશો, એ રીતે તમારી જાતને એની સાથે બાંધશો નહીં, અન્યથા એ વિષેના વિચાર અને વિરોધાભાવથી જ તમે એની સાથે બંધાઈ જશો. 0 આપણા માટે જે દુઃખકારક અને ભારરૂપ હોય, એનો વિચાર જ મનમાંથી કાઢી નાંખવો. બનનારી ઘટનાને આપણે બદલી ન શકીએ પણ તેના પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ તો આપણે જરૂર બદલી જ શકીએ. હાથી વેચાઈ જાય તો અંકુશ માટે વળી શો વિવાદ? હું જો તારો છું, તો મારું તો તારું છે જ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 478

Man is an infinite circle with circumference everywhere and centre nowhere. God is an infinite circle with circumference nowhere and centre everywhere. સાચું ઈચ્છા સ્વાતંત્ર્ય ઈચ્છાના વિનાશમાં જ રહેલું છે. 'હું મારી ઈચ્છા પ્રમાણે ચાલીશ' એટલે 'હું મારા નોકરનું માનીશ કે હું મારા નોકરનું કહ્યું કરીશ', કેમકે ઈચ્છા તો મનને જ હોય છે. જગતમાં એક માણસ તરીકે જનમ્યા પછી કોઈના યે ખપમાં આવી શકીએ નહીં, તો પછી આપણું જીવ્યું શા કામનું? ગ્રંથો બુદ્ધિની જિજ્ઞાસાને ભલે તૃપ્ત કરે પણ સત્યનો સાક્ષાત્કાર તો અનુભવ કરવાથી જ થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 479

સાચો જ્ઞાની પોતે અત્યંત નમ્ર હોય છે. નમ્રતા કોઈ વ્રત નથી પણ જ્ઞાનીનો સ્વાભાવિક ગુણ છે. માણસે સામાજીક હિતના નિયમો પાળવામાં પરતંત્ર રહેવું અને વ્યક્તિગત હિતના નિયમો પાળવામાં સ્વતંત્ર રહેવું જોઈએ. માણસના અર્ધા રોગો કેવળ તેના મનની અસ્વસ્થ સ્થિતિના જ પરિણામો છે અને બાકીના અર્ધામાંથી ઘણા ખરામાં મનની વિકૃતિનો ફાળો ઘણો જ મોટો છે. સંપત્તિ બોલે છે ત્યારે સત્ય સદા મૌન રહે છે. શરીરની પીડા કરતાં મનની પીડા ઘણી આકરી હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 480

ધીરજ એ પ્રતિભાશાળીનો આવશ્યક ગુણ છે. આધ્યાત્મને માટે પ્રથમ તીવ્ર ઝંખના, બીજો આશાવાદી દ્રષ્ટિકોણ અને ત્રીજો પ્રગાઢ સંકલ્પ આવશ્યક છે. સાચા માણસની કસોટી એનું સત્ય જગતને જણાવવા માટે થતી હોય છે. કોઈ આપણને પીડા ન પહોંચાડે એટલું જ ફક્ત આપણે ઇચ્છતા નથી પણ આપણા સંકટ વખતે કોઈ આપણને સહાય કરે, એમ પણ ઇચ્છીએ જ છીએ અને જો છતી શક્તિએ સહાય ન કરે, તો તે પીડાકારક બને જ છે. જેવું આપણને થાય, તેવું જ બીજાનું પણ સમજી લેવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 481

I can of my ownself do nothing. The Ultimate Energy within me doeth the works. My Grace is sufficient unto thee. Look unto me - the God - and ye be saved. જ્ઞાનીઓને મોટામાં મોટો ભય છે સત્વગુણના અભિમાનનો. એ સવર્ણ બેડીને અખંડ જાગૃતિથી તોડવી જોઈએ. જ્યાં પોતે જ દયાપાત્ર મટયો નથી, ત્યાં બીજાની દયાનું અભિમાન મિથ્યા છે. જે પોતાની જાત ઉપર વિવેકપૂર્ણ રાજ્ય કરે છે, તે વિશ્વનો સમ્રાટ બને છે. વિવેક સાથે વૈરાગ્ય પણ જોઈએ. Learning and knowing are not one.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 482

'કોઈપણ જીવ પાપ ન કરે, દુઃખ ન પામે, સર્વ કોઈ કર્મથી મુક્ત બનો' એ સર્વ જીવો પ્રત્યેની મૈત્રી ભાવના છે. એ નિત્ય સવાર-સાંજ અને અચૂક કરવી. પોતાની જાત ઉપર જેને પ્રેમ છે, તેને સૌના ઉપર પ્રેમ અને દયા હશે જ. જેનામાં પ્રેમ અને દયા જો ન હોય, તો હજુ પોતાની સાચી જાત ઉપર પ્રેમ થયો નથી, એમ સમજવું. સ્નેહભાવ એ લાગણી, જ્યારે સ્નેહરાગ એ માંગણી છે. લાગણીમાં આપવાની અને સહેવાની શક્તિ છે, જ્યારે માગણીમાં લેવા અને ભોગવવાનો બૂરો ભાવ છે. સંયમ અને બંધન એ એક રીતે માનવીની શોભરૂપ પણ છે. અહિંસા, કરુણા કે પ્રેમસાધનાની અનિવાર્ય શરત ઉદારતાપૂર્વક બીજાની ભૂલોને ખમી ખાવી અને પોતાની ભૂલોની માફી માગવી તે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 483

સંસાર એ મનનો જ તમાશો છે. મનની પાર - આત્માના પ્રદેશમાં રહેવાનો જો અભ્યાસ પાડવામાં આવે તો તો પછી નિર્ભયતા અને શાંતિ જ છે. 'બીજાના દુઃખ મને સમજાય એવા કોમળ અને દયાળુ હૃદયની મને આવશ્યકતા છે તથા મારા પ્રારબ્ધના કોપની સજા ખમવાની મારામાં શક્તિ આવે' - બસ, એવી જ પ્રાર્થના હમેંશા કરવી જોઈએ. ઉપકાર કરવાનો પ્રસંગ આપવા બદલ આપણે સૌએ સામાનો ઉપકાર માનવો જોઈએ અને તે કાર્ય બદલ તે પણ પછી આપણો આભાર માની શકે છે. જે આપણા ઉપર અપકાર કરે, તેમને ધિક્કારવાના પાપથી બચવાનો એક જ માર્ગ છે અને તે છે તેમનું ભલું કરવાનો. ભલમનસાઈથી જ ક્રોધને સારી રીતે જીતી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 484

સ્વાર્થ એ આપણામાં રહેલી પશુવૃત્તિનું ચિહ્ન છે. જે જે મનુષ્યો જગત પાસેથી કંઈ લે છે, તેને નહીં પણ જેઓ જગતને પોતાનાથી બને તેટલું આપીને જાય છે, તેને જ આપણે સૌ પૂજીએ છીએ. અન્યની જરૂરિયાતો આપણે માટે ઈશ્વરી આજ્ઞાઓ છે. દાન કરતી વખતે દાનની સાથે આપણે આપણી આખી જાતને પણ આપવી જોઈએ. કામને જીતવા માટે કાયાને વશ રાખવી જોઈએ, ક્રોધને જીતવા માટે વચનને વશમાં રાખવા જોઈએ અને લોભને જીતવા માટે મનને વશ રાખવું જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 485

પ્રાર્થના એ ઈશ્વરને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો જીવનો એક નમ્ર પ્રયત્ન છે. ઈશ્વર પાસે શક્તિ નહીં ... પણ ભક્તિ ચાહવી જોઇએ. પ્રાર્થનાનો ઉત્તર જો ન મળે, તો સમજી લેવું કે તે ઉચિત મનોયોગથી થઈ જ નથી. વિફળતા ભગવાનની ઉપેક્ષાના કારણે નહીં પણ ભક્તની શિથિલતાના કારણે છે. સમતા આવે તો સંસાર સાર છે, ન આવે તો તે ભાર છે. પોતાના નામના મોહમાંથી જ દુઃખ જન્મતું હોય છે. ઈશ્વર સ્વયં કોઈને સારું કે નરસું આપતા નથી. જે જેવું ચિંતન કરે છે, તે તેવો બની જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 486

મનુષ્યનું સૌથી મોટું સર્જન પોતાને સમજવું, સ્વને શોધવું તથા પોતાના જીવનનો સચેતન વિકાસ સાધવો, તે છે. હૃદયમાં ઉન્નત ભાવો જ પેદા થાય તેમ હૃદયને કેળવો. જેવા ભાવોનું સ્મરણ કરો છો, તેવાં બી વાવો છો. જો જીવનમાં શાંતિ, પ્રેમ અને આનંદ ન હોય તો જીવન દારિદ્રય ભર્યું છે, એમ માનો. *ચોવીસ કલાકમાં એક કામ તો એવું અવશ્ય કરો જ કે જેના બદલામાં કાંઈ પણ જોઈતું ન હોય.* મનથી દૂર ભાગવાની જરૂર નથી પણ મનની પ્રત્યેક ક્રિયાઓને પ્રેમથી સમજવાની જરૂર છે. એ સમજ જ મનથી બહાર લઈ જશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 487

If we live a life of prayer, god is present everywhere. Who rises from prayer - a better man, his prayer is answered. જેવી રીતે પર્વતોમાં પાણી રહેતું - ટકતું જ નથી, એવી રીતે મહાન માણસોમાં વૈર અને લોભની ભાવના રહી શકતી જ નથી. જે પોતાને ક્યાં જવું છે, એ જાણે છે, તેને રસ્તો આપવા આખી દુનિયા આઘી ખસી જાય છે. આપણે જે મેળવ્યું છે, તેનાં કરતાં જે નથી મેળવ્યું, તે હંમેશા પ્રિય જ લાગવાનું. આ માનવ સ્વભાવની નબળાઈ છે! આપણે તેની પેલે પાર જવું જ રહ્યું! કોઈપણ કાર્યના નવસર્જનનો આનંદ જો માણવો હોય, તો પ્રસવની પીડા તો સહવી જ રહી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 488

બીજાઓની ભૂલોમાંથી જ શીખી લઈએ, કારણકે એ જ ભૂલો કરવાનો આપણી પાસે સમય નથી. મનુષ્યે પોતાની ભૂલ કબૂલ કરવામાં કદી સંકોચ રાખવો જોઈએ નહીં. બીજા શબ્દોમાં એનો અર્થ એ થાય છે કે: ‘વીતી ગયેલી કાલ કરતાં આજે તું વધારે બુદ્ધિશાળી થયો છે.’ Eloquence is the art of saying things in such a way that those to whom we speak, may listen with pleasure. આપણે સુખ અને દુઃખ બંનેમાં અતિરેક કરીએ છીએ. આપણે કદી પણ માનીએ તેટલાં સુખી કે માનીએ તેટલાં દુઃખી હોતા જ નથી. ફક્ત આપણી જાતનો પક્ષપાત જ તેમ કરાવે છે. ૐ ના ઉચ્ચારમાત્રથી આનંદ જન્મે છે, પણ તેનો અભ્યાસ રોજે હોય, તો જ તે અનુભવાય છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 489

દુઃખ એ માણસનો ગુરુ છે અને તેને દીર્ઘદર્શી બનાવે છે. દુઃખના કડવા અનુભવો એટલે જાણે માનવના ગુરુજનો. બીજાને આપેલા દુઃખથી જ આપણને દુ:ખ આવે છે. દુ:ખ વારંવાર તે માર્ગે ન જવાની ચેતવણી આપે છે. બીજાને દુઃખ ન આપવાથી પોતાનું દુઃખ જાય છે. 'બીજા પાપ ન કરો' એવી ભાવના સતત રાખવાથી પોતાની પાપ કરવાની વૃત્તિ પણ દૂર થાય છે. કોઈ પણ ઘટના આપણી ઉપર જય ન પામી શકે, ત્યારે આપણને જે સંતોષ થાય, તે જ સાચું સુખ અને નિર્મળ આનંદ છે. વૈરના બદલે વૈર - એ સુખ અને શાંતિ માટે સાચો ઈલાજ નથી. Prosperity isn't without many fears and disasters - adversity isn't without comforts and hopes.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 490

Science without religion is lame and religion without science is blind, but it is Religion, which has provided the inspiration to become good and god-minded to millions. હજારો ગાયોમાં વાછરડું પોતાની માતા પાસે જ જાય, તે રીતે કર્મ હંમેશા કર્તાને જ અનુસરે છે. The true civilisation is where every man gives to every other man every right that he claims for himself. યાદ રાખવાની શક્તિ વધારવી જેટલી કઠિન અને જરૂરી છે, તેથી વધુ કઠિન અને જરૂરી ભૂલી જવાની શક્તિ વધારવી તે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 491

માનવદેહ મળવો એ મોટું સદભાગ્ય છે, કારણકે ઇશ્વરદર્શનની શક્યતા ફક્ત એક માનવદેહમાં જ છે. બુદ્ધિનો નિર્ણય થયા પછી તે પ્રમાણે વર્તન ન થાય, તો સમજવું કે જીવનમાં આળસ અથવા પ્રમાદનું જોર છે. શુભ સંકલ્પ માત્ર ઈશ્વરના છે અને અશુભ સંકલ્પ પરિસ્થિતિવશ જન્મેલા છે, તેથી ઈશ્વરતત્ત્વમાં શ્રદ્ધા રાખનારાઓએ શુભ સંકલ્પમાં નિષ્ઠા કેળવવી જોઈએ. બે માણસ એકત્ર મળે, ત્યારે દશ ગુણી શક્તિ પેદા થાય છે, તે શક્તિ માનુષી નથી, પણ ઈશ્વરીય છે. ત્યાગના પાત્રમાં તમે માંગો તે નિસર્ગ આપે જ છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 492

'જગતમાં હું સદા યાદ રહું' એવું માનવાવાળા વિસરાઈ ગયા અને 'જગતમાંથી હું ભૂંસાઈ જાઉં' એવું ચાહનારા અમર થઈ ગયા. વાળ, નખ, દાંત આદિ જ્યાં સુધી સ્થાન ઉપર છે, ત્યાં સુધી ઘણાં જ શોભે છે. આપણા જીવે પણ ‘પોતાનું’ સ્થાન (મોક્ષ) હવે શોધી જ લેવું જોઈએ. મન તો આપણું નોકર છે, હું નોકરનું કહ્યું કરીશ, એમાં સ્વતંત્રતા ક્યાં? નોકરમાં મારાપણું છે - તો પડોશીમાં કેમ નહીં? ‘ઈચ્છા મુજબ કરવું’ એટલે આપણા મનનું કહ્યું કરવું. તે હંમેશા કરવા જેવું હોતું નથી! 'રાજા' એવું નામ પાડવાથી કાંઈ રાજા થવાતું નથી, એ માટે રાજા જેવી વૃત્તિ હોય, તો જ રાજા થવાય. એવું જ ‘માનવ’ માટે સમજવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 493

જેણે પોતાનું બ્રહ્મપણું ન જાણ્યું, તે સંસારમાં કે જગતમાં શું માણવાનો? જીવ તરીકે તે જે માણે છે, તે ખરેખર માણતો નથી... પણ સંસારનો તાંતણો તાણ્યા કરે છે. સાચા જ્ઞાનનો અર્થ એક જ છે: *આત્માને આત્માથી જાણવો.* માત્ર ધર્મશાસ્ત્રો શીખી જવા, એ પૂરતું નથી, જીવનમાં તેને જીવતાં શીખવું જ જોઈએ. બધા રોગીઓ સારા થાય કે ન થાય એ અગત્યનું નથી પણ બધા રોગ સારા થાય, એ ઇષ્ટ અને અગત્યનું છે. બીજાના સુખ માટેનો સંકલ્પ એ શ્રેય છે અને પોતાના સુખ માટેનો સંકલ્પ એ પ્રેય છે. આશામાં જે આનંદ છે, તે સિદ્ધિમાં ન પણ હોઈ શકે, તેથી આશાથી સિદ્ધિ ચડિયાતી નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 494

જે આપણો દ્વેષ ન કરતાં હોય, તેનો દ્વેષ ન કરવો, એટલું જ નહીં પણ જે આપણો દ્વેષ કરતાં હોય, તેમનો પણ દ્વેષ ન કરવો જોઈએ. આનો અર્થ એ થયો કે: ‘મારો દ્વેષ કરનાર પણ તે દ્વેષનો જવાબદાર નથી... એમાં જો કોઈ જવાબદાર હોય, તો એ હું જ છું.' લોકોના મન ચંચળ છે, એટલે કીર્તિ પણ ચંચળ છે. કીર્તિ એ કાળની મર્યાદાથી મર્યાદિત હોય છે. આત્મવિશ્વાસ મેળવવા શું ન જોવું? પારકી ક્રિયા, પારકો આકાર અને પારકા જીવના દોષ. અહંકાર અને આત્મવિશ્વાસ - એ સંપૂર્ણ રીતે જૂદી બે ચીજ છે: અહંકાર એ મનુષ્યના ક્ષુદ્ર વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે, જ્યારે આત્મવિશ્વાસ એ તો તેનામાં રહેલી સનાતન શક્તિનો પ્રાદુર્ભાવ છે, જે સર્વ મનુષ્યને ઉન્નત બનાવીને ગૌરવ અપાવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 495

જે ફક્ત પોતાના જ જીવનના રક્ષણ માટે ચિંતા કરતો રહેશે, એ જીવન ખોઈ બેસશે, કિન્તુ જે પોતાના જીવનને ઈશ્વર ખાતર ન્યોચ્છાવર કરશે, તેનું રક્ષણ સાહજિક રીતે આપોઆપ થતું રહેશે. વિચારોને વશમાં રાખવા એટલે જેનો વિચાર કરવાની ઈચ્છા આપણને હોય, ફક્ત તેનો જ વિચાર કરવાનું સામર્થ્ય હોવું. બહુ ધન હોવું એ સુખનું કારણ નથી, કિન્તુ ઈચ્છાઓ ઓછી હોવી - એ સુખનું કારણ છે. મનુષ્ય જેવું વર્તન કરે, તેવું જ જગત તેની સાથે વર્તે છે. સામે થનાર મનુષ્ય જો હુમલો કરે, તો એની સામે ટક્કર ઝીલવા માટે જગત પર્વત સમાન કઠિન-અડગ બની જાય અને મનુષ્ય જો પ્રેમની નદીના નિર્મળ પ્રવાહ વહાવે, તો તેની આગળ કઠણમાં કઠણ પર્વત પણ ઓગળી જાય તથા રેતીરૂપ થઈ વહી જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 496

'દુઃખ એ દુઃખ નથી, પણ ઉન્નતિની નિસરણી ઉપર ચઢવાનું એક પગથિયું છે.' આ વિચારથી દુઃખ એ દુઃખ રહેતું નથી પણ આગળ વધીને ઊંચે જવાનું સાધન બને છે. જેમ પ્રાપ્તિ કરતાં પ્રયત્નનો આનંદ વધુ છે, તેમ ભક્તિ એ તો મુક્તિથી ય અધિક આનંદજનક છે. Truth is that which lies in a dimension beyond the reach of thoughts. Truth is relative to our standpoints. આપણે બીજાને જે આપીએ છીએ, તે જ વ્યાજ સાથે પાછું મળે છે. તમે બીજાને શું આપશો? પ્રેમ, સહકાર, સુખ, શાંતિ કે પછી ઘૃણા, તિરસ્કાર, ટીકા અને ક્રૂરતા? માનવી પોતાનું જે મૂલ્ય આંકે છે, તેથી વિશેષ મૂલ્યનો અધિકારી તે થઈ શકતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 497

સમર્પણ દૈન્યથી જ શોભે છે અર્થાત્ દીનતાપૂર્વક અને દેખાડા વિના જ વધુ શોભે છે. માન માગવાથી નહીં પણ અન્ય યોગ્યને માન આપવાથી જ મળે છે. અપૂર્ણતાની યાદ એ પૂર્ણતા પામવાની ચક્રવર્તિ ચાવી છે. હક્ક આપનારને જ સમય આવ્યે હક્ક મળે છે. બીજાના પ્રત્યેનો નાનો અપરાધ પણ પોતાના આત્મા પ્રત્યે મોટો અપરાધ છે. બીજા પ્રત્યે કરેલો નાનો ગુણ પણ પોતાના આત્મા માટે મોટા ગુણરૂપ નીવડે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 498

જીવ ચાહે પોતાનો હોય કે પરનો, તે સર્વ સમાન સમ્માનને જ પાત્ર છે. બીજાના નાનામાં નાના ઉપકારને કદી ભૂલવો નહીં અને બીજાએ કરેલા મોટામાં મોટા અપકારને કદી યાદ પણ ન કરવો. પ્રયાસમાં નિષ્ફળતા મળવી એ કાંઈ હાર નથી, કિન્તુ પ્રયાસ કરવો છોડી દેવો, તે જ સાચી હાર છે. પ્રેમમાં કોઈ સાથે સંબંધ કે બંધન હોઈ શકતો નથી. જ્યાં બંધન છે, ત્યાં સાચો પ્રેમ નથી કિન્તુ પ્રેમનો ફક્ત આભાસ જ છે. સાચો પ્રેમ બાંધતો નથી પણ બંધનથી છોડાવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 499

જેમ બીજ પોતાને જ ખોઈને વૃક્ષને પ્રાપ્ત કરે છે, તથા સરિતા પોતાને જ ખોઈને સાગરને પ્રાપ્ત કરે છે, તેમ સ્વયંને ખોઈ નાંખવો, તે જ સ્વયંને પામવો છે. દુઃખમાં પણ આનંદ જોતાં શીખવું જોઈએ. આનંદની પ્રાપ્તિમાં નહીં, આનંદની શુદ્ધિમાં વૈશિષ્ય છે. દેહનિષ્ઠાને તોડવા માટે વ્રતનિષ્ઠા જરૂરી છે. માણસમાં આત્મશક્તિ હોવા છતાં તે વાપરતો નથી, તેથી તે આત્મશૂન્ય છે. પ્રેમમાં પણ તટસ્થતા રાખો, કેમકે તટસ્થ રહીને જે જગતને જુએ છે, તેને જ જીવવાની મજા આવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 500

પ્રાર્થનામાં શ્રદ્ધા અને ભક્તિ આવશ્યક છે. પ્રાર્થના એ ક્રિયા નહીં પણ પ્રેમની પરિપૂર્ણતા છે. બીજાને આપેલ કદી યાદ ન કરવું અને બીજાનું લીધેલું કદી ભૂલવું નહીં. ટીકાઓનો અસરકારક જવાબ: મૌન અને મૂક કાર્ય. વિચારનો નહીં પણ સદ્ આચારનો જ વિશ્વાસ કરો. Consistent or constant receptivity to the inner self should be the aim.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 501

પોતાની ભૂલ જોવાનો માર્ગ એ શ્રદ્ધાનો માર્ગ છે. બીજાની ભૂલ શોધવાનો માર્ગ એ બુદ્ધિનો માર્ગ છે. જેમ ખાઈએ તેટલું નહીં પણ પચે તેટલું આપણું, તેમ જેટલું ભણ્યા તેટલું નહીં પણ જેટલું વર્તનમાં પરિણામ પામે, તેટલું જ આપણું સમજવું. અજ્ઞાની ઉપકાર કરનારને પણ ઉપકારી માનતો નથી. જ્ઞાની ઉપકાર ન કરનાર અને અપકાર કરનારને પણ ઉપકારી તરીકે માને છે. ભાષાજ્ઞાની ઈશ્વરને ન જાણી શકે. ઈશ્વરને હૃદયમાં ધારણ કરનાર જ તેને જાણી શકે. અધર્મનું બળ ગમે તેટલું હોય, તો પણ ધર્મના બળ કરતાં તો તે અલ્પ જ રહેવાનું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 502

માંડ ૩ ઇંચની જીભ ૬ ફૂટના માણસને ય હણી શકે છે. અવિચારી વચનો સદગુણથી ભરેલાં હૈયાને ઇજા પહોંચાડે છે. નમ્રતા રાખનાર માણસ કદાપિ પાછો પડતો નથી. નમ્રતા એ હારનું ચિહ્ન નહીં પણ પ્રેમની નિશાની છે. Nothing is done by us but everything is happening through us according to the will or the plan of the eternal universal energy for the good of all. આપણું પિછાણેલું સત્ય તો સાપેક્ષ છે. નિરપેક્ષ સત્ય એટલે કે કેવળ સત્ય તો માનવબુદ્ધિની બહારની વસ્તુ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 503

નમ્ર જીવો જ સલામતિપૂર્વક ઊંચાણ ઉપર ચઢી શકે છે. એકલા હાથે કશી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. 0 સહાય અને શુભેચ્છા વિના પ્રગતિ થઈ શકતી નથી. આ કાર્ય શત્રુઓ દ્વારા નહીં, મિત્રો દ્વારા જ થઈ શકે છે. જ્યારે શીલ વધે અને ચારિત્ર ખીલે, ત્યારે કોઈપણ દેશ ઉન્નત થાય. વિચારોની એટલી કિંમત નથી, જેટલી એ વિચારો અનુરૂપ જીવનની. 0 બહુ થોડા જ માણસના વિચાર-વર્તન સમાન હોય છે. વિચારને અખંડ પ્રવાહમાં વહેતો રાખનાર વર્તન છે. રોગ એક પ્રકારે તપ છે - મૃત્યુ એ પરમ તપ છે, ત્યાગ છે. મૃત્યુને પરમ તપ તરીકે ભાવનારને મૃત્યુનો ભય કે શોક રહેતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 504

પારો કાચો હોય તો જીવન નષ્ટ કરે છે, કિન્તુ શુદ્ધ થયેલો તે જ પારો રસાયણ બને છે. જેમ વૃક્ષની જેમ નદીનું મૂળ પણ અદ્રશ્ય હોય છે, તેમ ધર્મ અને મોક્ષનું મૂળ એવું *મન* પણ અદ્રશ્ય જ હોય છે. ઘોડો અસ્વારના કાબુમાં હોય તો ઇષ્ટસ્થાને પહોંચાડે પણ જો અસ્વાર પોતે જ ઘોડાના કાબૂમાં હોય તો ખાડામાં પટકાય છે. બેલગામ મન જીવને જ્યાં-ત્યાં ભટકાવી મારે છે. તત્વવિચારરૂપી થડ સાથે બાંધી બુદ્ધિના અંકુશ વડે આપણા મનને વશમાં કરવું જોઈએ. અભ્યાસ દ્વારા મન વશ થાય છે અને વૈરાગ્ય દ્વારા તે શાંત, સ્વચ્છ અને નિર્મલ થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 505

વર્તમાનમાં જે પરિસ્થિતિ પ્રાપ્ત છે, તેને સાવધાનીથી સાધવી. અપ્રાપ્ય પરિસ્થિતિની કામના કરવાથી શું વળે? પરિસ્થિતિનું પરિવર્તન સ્વાધીન નથી, પરંતુ પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ જરુર સ્વાધીન છે. આપણે ચિંતન, વિશ્વાસ અને પ્રેમ - આ ત્રણ વસ્તુ કરવામાં સર્વથા સ્વતંત્ર છીએ. અનુકંપામાં ‘અનુ' એટલે બીજાઓનું દુઃખ જોયા પછી, 'કંપ' એટલે હૃદયમાં થતાં કંપનને દૂર કરવાની લાગણી. દુ:ખિતને જોઈ સત્પુરુષોના હૃદયમાં કંપ જન્મે અને તે દુઃખ દૂર કરવાની જે તાલાવેલી જાગતી હોય, તે તેમની અનુકંપા છે. બીજાઓને દુઃખ ન થાય તેમ વર્તન કરવું, તે દયા છે, હીનગુણી કે દુઃખી - દીન જીવોને સુખ આપવાની તત્પરતા કે દીનાનુગ્રહ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 506

દુઃખ પ્રત્યેનો દ્વેષ પ્રતિકૂળ સંયોગો ઉપર પણ દ્વેષ કરાવે છે. દુઃખ દૂર કરવા સૌ રાત-દિન પ્રયત્ન કરે છે, પણ તે જેનાથી આવે છે, એ ૧૮ પ્રકારના પાપ જ ન કરવાનો પ્રયત્ન કરવો! વાણી તો અર્થનો માત્ર ઈશારો કરે છે. જે અર્થને માત્ર સૂચવે કે ધ્વનિત કરે, તે વાણી શ્રેષ્ઠ. ઈશ્વરે જે જ્ઞાન આપ્યું છે, તેનો ઉપયોગ ધન મેળવવા નહીં પણ સેવા માટે કરવો જોઈએ. દાન આપવાથી કોઈનું ધન ખૂટયું નથી અને દાન આપનાર કોઈ દુઃખી થયો નથી. પોતાનામાં જે ગુણ હોય, તેની વૃદ્ધિ કરવી અને પોતાનામાં જે ગુણ નથી, તે પ્રત્યે આદર વધારવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 507

મંત્ર ગણવાનું મૂળ કારણ શું? મંત્ર મનન માટે હોય. તેમાં શબ્દ થોડાં અને અર્થ ઘણો ભર્યો હોય છે, તેથી મનને મનનમાં લઈ જવા માટે મંત્ર જ મદદ કરે છે. વસ્તુઓ તો તેની તે જ છે, કિન્તુ વસ્તુઓ પ્રત્યે બદલાતા મનના ભાવો જ સુખ તથા દુઃખના પ્રેરક છે. Not by getting but by giving... One can receive. જે શિષ્યનું હૃદય ખુલ્લું નથી, તેને ગુરુ પણ બોધ કરી શકતા નથી. 'હૃદય ખુલ્લું હોવું' નો અર્થ પોતાના અજ્ઞાનનો સ્વીકાર. સુખ-દુઃખનો ભોગ નહીં પણ સદુપયોગ કરવો જોઈએ. સુખ-દુઃખ બંને આદિ તથા અંતવાળા છે, તેથી બંનેથી અતીત જે જીવન છે, તેની શોધ કરવી જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 508

પોતાને દેહસ્વરૂપ માનવું, તે પોતાના જ જ્ઞાનનો અનાદર છે. ઈચ્છાને પૂરી કરવામાં કઠિનાઈ છે, કિન્તુ ઇચ્છાનો ત્યાગ કરવો કઠિન નથી. ઈચ્છાપૂર્તિમાં આપણે પુણ્ય ઉપર પરાધીન છીએ પણ ઈચ્છાનો ત્યાગ કરવો, તે તો સરલ અને સુગમ છે. જેણે મન અને ઇન્દ્રિયો ઉપર કાબૂ પ્રાપ્ત કર્યો નથી, તે બીજાને દોરવણી આપવાને અયોગ્ય છે. કલિકાળમાં દાન અને પ્રભુનું નામ - આ બે વસ્તુ તારનારી છે. Blessed are thou, who have not seen Him and yet have believed.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 509

સો હાથે કમાઓ અને હજાર હાથે આપો. એક બીજ વાવવાથી સો ગણું અનાજ આજે ય મળે છે. વિદ્યા એટલે જાણવું. એ જેમ એક શક્તિ છે, તેમ અવિદ્યા એટલે ન જાણવું તે પણ એક શક્તિ જ છે. 0 જે વસ્તુ ઉપયોગી છે, તે જાણવી અને જે વસ્તુ નિરૂપયોગી છે, તેને ન જાણવી, તે પણ જ્ઞાન છે! Anger begins in folly and ends in repentance. Anger blows out the lamp of mind. When the passion is on the throne, reason is out of door.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 510

મનુષ્યની પૂર્ણતા સંયમશક્તિ વડે જ મપાતી હોય છે. એકલું જ્ઞાન એ અભિમાનનું કારણ છે તથા એકલી ભક્તિ એ દીનતાનું કારણ છે. જે ઉપકારી છે, તેનો દ્રોહ ન થવો જોઈએ. ઉપકારીનો દ્રોહ કલ્યાણકારીના જોડાણમાં વિઘ્નકારક છે. No man can fail, if just one person from this world sees him successful. વિશ્વભરમાં સુખ યા દુઃખ દેખાય છે, તે બંને સ્થિર નથી, કિન્તુ સતત પરિવર્તનશીલ છે. સુખનું પ્રલોભન છે ત્યાં સુધી દુઃખ અવશ્યંભાવી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 511

દુઃખની આવશ્યકતાને ન સ્વીકારવી અને તેનાથી ભયભીત રહેવું, તે ભયંકર ભૂલ છે. સુખના પ્રલોભનમાંથી જ દુઃખનો ભય જન્મે છે, તેથી દુઃખની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. In real sense, we live only when we touch our sacred source: otherwise we merely exist. Confession of our faults is the next thing to innocence. પૂર્વ સંસ્કાર યા મોહને વશ જે કર્મ કરવામાં આવે છે, તેમાં અહંકાર અને ફલકાંક્ષા રહેલી હોવાથી તે કર્મ બંધનકારક બને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 512

આ જગતમાં કોઈપણ વસ્તુ બીજી વસ્તુને ઉત્પન્ન કર્યા વિના નાશ પામતી નથી, તેથી ગત વસ્તુના શોકનું કોઈ કારણ નથી. સુખમાં અલીનપણું અને દુઃખમાં અદીનપણું અવશ્યપણે દાખવવું. માનવ પોતે જ જેટલું પોતાનું બૂરું કરી શકે છે, તેટલું બૂરું તો તેનો દુશ્મન પણ કરી શકતો નથી. જીવનમાં સારું તો નહિવત જ હોય છે અને જે હોય છે, તે દેવ અને ગુરુના અનુગ્રહનું જ પરિણામ હોય છે. સંસારમાં દુઃખરૂપી દાવાગ્નિ સર્વને બાળે છે. મનથી સંસારનો સંબંધ છોડી દેવામાં આવે, તો જ એ દાવાગ્નિથી બચાય અને શાંતિ અનુભવાય તેમ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 513

Willing is of greater use than will. Will is personal, while willing is impersonal. It is a choice to the will of God. આપણા જીવ જેવો જ જીવ બધા પ્રાણીઓમાં રહેલો છે, તેવું ન સમજાય અને સૌ પ્રત્યે દયાભાવ ન જાગે, ત્યાં સુધી આપણો આત્મા શુદ્ધ સ્વભાવમાં આવ્યો નથી. જ્યાં કર્મ છે પણ ફલનો ત્યાગ છે, ત્યાં તો પરમ શાંતિ છે. ફલાકાંક્ષાનો ત્યાગ તે શાંતિનું બીજ છે. કર્મ કરનાર પોતાને કર્મથી અલગ માને તો જ શાંતિનો અનુભવ કરી શકે. જેનું ચિંતન થાય તેને પમાય. જેવું ચિંતન થાય તેવા બનાય. જો સુખ ચાહતા હો તો દુઃખનું ચિંતન છોડી દો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 514

જ્યારે સંસારની પ્રત્યેક પરિસ્થિતિ પરિવર્તનશીલ જ છે, ત્યારે જીવનમાં સમભાવ રાખવો, એ જ ઉચિત છે. પહેલા સત્યગ્રાહી બનો પછી સત્યાગ્રહી બનો. આત્માનું નિશ્ચયબળ એ સૌથી ચઢિયાતું બળ છે. બુદ્ધિપૂર્વકના નિશ્ચયને ડગાવવાની શક્તિ કોઈમાં નથી. याद रख्खो - कोई भी व्यक्ति सर्वांश में या सभी के लिए सर्वदा बुरा नही होता। लिहाजा किसी को बुरा मत कहो। પ્રેમસંબંધ રાગ છે, જ્યારે પ્રેમસ્વભાવ એ સ્થિતિ છે. સંબંધ ઉપરથી સ્વભાવમાં જવું, તે અહિંસાની જ સાધના છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 515

દુઃખનું ભૂલવું એ સંસારમાં લઈ જાય છે, દુઃખનો સાક્ષાત્કાર એ આત્મામાં લઈ જાય છે. દુઃખથી ભાગવા ઈચ્છે કે ભૂલવા માંગે, તે મૂર્છાને આમંત્રે છે. 'હું કોણ છું' તે જાણી લેવું - તે જ સત્યને જાણવા બરાબર છે. આ જાણપણા સાથે દુઃખ વિસર્જિત થઈ જાય છે અને સચ્ચિદાનંદ, આત્માની અનુભૂતિ - સાક્ષાત્કાર થાય છે. તમે જેટલો વખત વાંચો તેથી બમણી વખત વિચારો. વાંચવાનું નવા વિચારો મેળવવા માટે નહીં, પણ વિચારશક્તિને પ્રબળ કરવા માટે છે. પોતાના સાચા સ્વરૂપથી અજાણ હોવાથી જ સર્વ મનુષ્યો સુખ માટે બીજે બીજે ભટકે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 516

જીવનની કઠોર વાસ્તવિકતાની વચ્ચે એની અંદર કોઈ દયાળુ શક્તિ છુપાયેલી પડી છે. પોતાના અંતર ઊંડાણમાં ડૂબકી મારનાર માનવ સર્વોત્તમ શક્તિનો સ્વામી બની જાય છે. ધ્યાન કરતી વખતે પેદા થયેલા શક્તિના પ્રવાહને અભ્યાસ દ્વારા કાયમ રાખી શકાય છે. ચરણના રજની પણ રજ થયા સિવાય આપણા જીવનો ઉદ્ધાર અશક્ય છે અર્થાત્ નમ્રતામાં જ સાચો ઉદ્ધાર છે. જ્યારે શરીર અને મનની શુદ્ધિ થાય, ત્યારે જ નમ્ર બનવાની સાચી શક્તિનું ગુણસામર્થ્ય જાગે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 517

આજે હું બીજાઓએ કરેલા ઉપકારોનું સ્મરણ કરીને તેનો સ્વીકાર કરું છું, તેના માટે ઋણી છું. આજે હું બીજાઓ ઉપર કરેલા મારા અપકારોને કબૂલી ક્ષમા માંગુ છું તથા ફરી નહીં કરવાની ભાવના રાખું છું. જે કાંઈ થાય છે, તે એની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. સ્વતંત્ર ઈચ્છા જેવું જે કાંઈ દેખાય છે, તે પણ ઈશ્વરની શક્તિથી જ કામ કરે છે. સૌને જાણવું એટલે સૌને ક્ષમા આપવી, એટલું જ નહીં પણ સૌને પ્રેમ આપવો, સૌ ઉપર પ્રેમ રાખવો તે છે. નિરાશા અને સંકટોરૂપી બે મહાન શિક્ષકો વગરના જીવનવાળો ભાગ્યશાળી માણસ કોઈ નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 518

કથની કરતાં કરણી વધે, વિચારનું બળ તેથી પણ અધિક છે. ઉપદેશ કરતા ઉદાહરણ આપવું શ્રેષ્ઠ છે. જ્યાં સુધી એક પાઈનું પણ ઋણ છે, ત્યાં સુધી તેને ચૂકવવા માટે પાછું જન્મવું જ પડે છે. મનમાં નમ્રતા અને ઇન્દ્રિયોની વશતા અવશ્ય જોઈએ. કામ, ક્રોધ, શોક, મોહ વગેરે વિકારો વિચારરૂપી વરદાનના અભાવે થાય છે. યથાર્થ વિચાર થાય તો ચિંતા પણ મટી જાય છે. અધિક ખાનાર પશુ સમાન અને કમ ખાનાર દેવતુલ્ય છે. બે વાત હંમેશા ભૂલી જવી જોઈએ: મારું કોઈ ભૂંડું કરે છે એ અને બીજું હું કોઈનું ભલું કરું છું એ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 519

ઈચ્છાઓ માણસને દરિદ્ર બનાવે અને ઇચ્છાઓનો અભાવ માણસને અમીર બનાવે. નીંદક તો વગર પગારનો ધોબી છે, જે પાપને ધુએ છે અને પગાર લેતો નથી. વિચારો અધિક અને બોલો સાવ જ થોડું. પરમાત્માની દયા યાચવી અને પોતાના સમય - શક્તિ વેડફવા, એ બંનેને મેળ જ નથી. સાચું જગત તે આંતરિક છે, બાહ્ય નથી. બાહ્ય ક્રિયાઓ ઇન્દ્રિયો મારફત થતી દેખાય, પણ ખરી રીતે તે ક્રિયાઓ મગજના વિવિધ કેન્દ્રો દ્વારા જ અર્થ પામતી હોય છે. શોકપૂર્ણ માનવીને આ બાહ્યજગત શોકરૂપ દેખાય છે. જગત બદલાતું નથી પણ જેવો પોતે બદલાય છે, તેવું જગત દેખાય છે. તેથી જ જગત મનોમય છે, એમ કહેવાયું છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 520

'પોતાના માથે જગતનું ઋણ છે' એમ માનનાર વ્યક્તિ આપોઆપ નમ્ર બની નિરહંકાર રહે છે. પ્રત્યેક જન્મમાં બીજા ઉપર પોતે કરેલા અપકારને અને બીજાના થયેલાં ઉપકારને યાદ રાખનારો નમ્ર રહીને ઉપકારના બદલામાં પ્રત્યુપકાર કરવાની ભાવનાવાળો રહે છે. માણસના ઘણા દુઃખો કલ્પિત હોય છે. જે થઈ ગયું છે, તેની અને જે હજુ બન્યું નથી, માણસ તેની વધારે પડતી ચિંતા કરે છે. Politeness is the art of choosing among one's real thoughts. He enjoys the riches the most, who needs them the least.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 521

સંકલ્પોના ત્યાગ કર્યા સિવાય કોઈથી પણ યોગી થઈ ન શકાય. Whatever comes in the way and needs attention must be considered as a duty. ભૂતકાળનો અનુભવ નમ્રતાનું કારણ છે. વર્તમાનકાળનો સંયમ નિર્ભયતાનું કારણ છે. ભવિષ્યકાળની નિશ્ચિન્તતા નિર્ભરતાજન્ય હોય છે. પ્રેમ અને વૈરાગ્ય તથા કોમળતા અને કઠોરતા પરસ્પર વિરુદ્ધ હોવા છતાં એક જ સ્થાને રહેલાં હોય, તો શોભે છે. તેઓ એક જ સિક્કાની બે બાજુઓ છે. પ્રેમમાં વૈરાગ્યની માત્રા ન હોય, તો તે મોહ યા આસક્તિરૂપ બની જાય છે. વૈરાગ્ય પ્રેમથી અનુરંજીત ન હોય તો શુષ્ક બની હૃદયને પણ વેરાન બનાવી દે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 522

વિયોગ વગર તન્મયતા કે ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી અને ધ્યાન વગર પ્રભુનો સાક્ષાત્કાર સંભવે નહીં, તેથી જ વિયોગ એ વિશિષ્ટ યોગ છે. ચેતનમાત્રનો સ્વભાવ આપવાનો જ છે. જે આપવાનું શીખે છે, તે પૂર્ણ બને તથા માંગવાનું શીખે, તે અપૂર્ણ અને અશુદ્ધ રહે છે. Attention should be kept not on happiness but on performing our duties without attachment. કુદરત તમારે આધીન નહીં થાય, તમારે જ તેના નિયમો સ્વીકારવા પડશે. એક દુઃખ બીજા પ્રકારના દુઃખને ઉત્પન્ન કરીને જ નષ્ટ કરી શકાય છે. દુઃખ એ દુઃખનું મારણ છે, સુખ એ દુઃખનું કારણ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 523

મંત્ર સિવાય મન સુધરતું નથી. મનને સુધારવાનો ઉપાય સતત મંત્રજાપ કરવો તે છે. જેમ યંત્રથી પાણી ઉપર ચઢે છે, તેમ મંત્રથી મન ઉપર ચઢે છે. ભક્તિમાર્ગ પ્રેમનું સ્વરૂપ છે. તેમાં સમર્પણ જ મુખ્ય છે. નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરવો, તેનું જ નામ સમર્પણ. સમાન ધ્યેય તથા સમાન રુચિવાળા, આપણામાં પોતાને જોતાં અને આપણને પોતામાં જોવાની પ્રેરણા આપતાં *સખા* સર્વદા દુર્લભ છે. જેમાંથી પ્રજ્ઞા ન જન્મે એવી ઝંખના શા કામની અને જે વર્તનમાં ન પરિણમે એવી પ્રજ્ઞા શા કામની? If you wish to fear nothing, then consider and believe that everything is not to be feared.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 524

પોતાના માટેની કરુણા તે દીનતા છે. બીજાના માટેની કરુણા તે ઉદારતા છે. શારીરિક સુધારો કે બગાડો બીજા દેખી શકે છે અને બીજાને દેખાડી શકાય છે, પરંતુ વૈચારિક કે વૈકારિક સુધારણા બીજાને દેખાડી શકાતી નથી. તે જોવી હોય તો માત્ર પોતે જ જોઈ શકે છે. મનમાં જેવો ભાવ હોય અને જેવું જ્ઞાન મેળવ્યું હોય, તેવું બોલવું અને વર્તન પણ તે મુજબ રાખવું. કોઈનો અધિકાર કે વસ્તુ છીનવી ન લેવી. નિર્બળ તથા દીન મનુષ્યો ઉપર દયા-અનુકંપા રાખવી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 525

કુદરતે જે આપ્યું, તેમાં સંતોષ માને તે શ્રીમંત અને તેમાં ઓછું માને તે દરિદ્ર. પોતાનાથી અધિક દુઃખીને જોઈને તેનું દુઃખ દૂર કરવાની બુદ્ધિરૂપી દયાથી પોતાનું જ દુઃખ તથા દીનતા દૂર થાય છે. અન્યો તરફથી પ્રેમ, દયા, સત્ય, પ્રામાણિકતા ઇચ્છનારે પોતાના તરફથી પણ તે આપવા તૈયાર રહેવું જોઈએ. સારાં કાર્ય કરનારની કદી ખરાબ ગતિ થતી નથી, માટે સારાં કાર્યો સદા આચરજો. તમારામાં જે કંઈ શક્તિ છે, તે પ્રભુની જ આપેલી છે, તેમ માનજો. જ્યાં સુધી કોઈ તમારા મનને કલુષિત ન કરે, ત્યાં સુધી કોઈથી પણ તમારું બૂરું થઈ શકે નહીં. પોતાના મનને બગડવા દેવું, એ પોતાના હાથની વાત છે અને બીજાના કાબુની બહારની વાત છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 526

જ્ઞાનથી જે મેળવાય છે, તે પ્રેમથી લૂંટાવી દેવાય છે. ફૂલ જ્યારે સુગંધથી ભરાઈ જાય છે, ત્યારે એ સુગંધ હવાને લૂંટાવી દેવી પડે છે. જ્યારે કોઈ દીવો પ્રકટે, ત્યારે પ્રકાશ એમાંથી પથરાય છે. શ્રદ્ધાનું સ્થાન મન છે, વિશ્વાસનું સ્થાન બુદ્ધિ છે. વિશ્વાસ બુદ્ધિમાં અને શ્રદ્ધા મનમાં રાખવી. પાપની ઘૃણા કરનારનું આત્મિક બળ વધે છે તથા તેનામાં નમ્રતા અને દીનતા આવે છે. પાપીની ઘૃણા કરનારનું આત્મિક બળ ઘટે છે તથા તેનામાં અહંકાર અને કઠોરતા આવે છે. સ્વાર્થનો ત્યાગ થયાં પછી જ ધર્મ આવે છે. જેની અંદર સ્વાર્થ છે, તે ધર્મપરાયણ ન થઈ શકે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 527

ભક્ત જ્યારે પોતાનું સમર્પણ કરે છે, ત્યારે ભગવાન પોતે પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે. સંયમયુક્ત આહાર, ન્યાયયુક્ત વ્યવહાર, ઈર્ષ્યા-ઘૃણાથી મુક્ત વિચાર, કટુ-કઠોર-અસભ્ય તથા અશુભ વર્તાવરહિત આચાર - એ ચારે ચાર જ સાચી સાધના છે. સત્ય કદી શબ્દોથી ઉપલબ્ધ થતું નથી. સત્યની ભાષા મૌન છે. સંન્યાસ કેવળ બાહ્યત્યાગમાં નથી, પણ જીવનને પરિપૂર્ણ રૂપથી પામવામાં છે. અંધકારને ઉલેચવાનો હોતો નથી, પ્રકાશને પ્રગટાવવાથી તે આપોઆપ દૂર થઈ જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 528

બીમારીને મટાડવા માટે બીમારીને ભૂલી જવી યોગ્ય નથી પણ તે બીમારીને સમજવી જરૂરી છે. એ માટે સ્વસ્થ ચિત્ત હોવું જરૂરી છે. સમૃદ્ધિમાં છકે નહીં, આપત્તિમાં ડગે નહીં, પ્રાપ્તિમાં હરખાય નહીં, હાનિમાં ગભરાય નહીં, એવી માનસિક ભૂમિકા જે ધીર પુરુષ પ્રાપ્ત કરી શકે, તેને બીજું કશું એ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. જેના વડે બીજાનું ભલું થાય, એવો વિચાર કરનાર જ વિચારવંત ગણાય. એથી વિપરીત અવિચારી ગણાય. આપણે પાપી છીએ, તેના પ્રમાણમાં દુઃખ ઓછું છે. આપણે ધર્મી છીએ, તેના પ્રમાણમાં સુખ અધિક છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 529

સપાટી ઉપર ભલે અશક્યતાઓ દેખાતી હોય, પરંતુ તેની પાછળ અનંત શક્યતાઓ રહેલી હોય જ છે. મૌન સૌથી ઉત્તમ પ્રાર્થના છે. શાંતિમાં જ ઈશ્વરનો શબ્દ સાંભળી શકાય છે, પરંતુ સાચી શાંતિ સહજમાં મળતી નથી, તે માટે સતત પ્રયત્ન - સંવાદ આવશ્યક છે. વડલાએ શીળી છાંય માટે અને સરિતાએ મધુર જળ માટે કોઈને આમંત્રણ આપવા જવું પડતું નથી. એના ખપી જીવો આપમેળે જ ત્યાં પહોંચે છે. ખરાબ વિચાર આવે તો દુઃખી થવાને બદલે ધ્યાનાવસ્થામાં બેસી તે વિચારનું પૃથક્કરણ કરીને તેને વધુ સૂક્ષ્મ સ્વરૂપ આપી જાગ્રત મનમાંથી આંતરમનના નીચેની નીચે લઈ જવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 530

A bad failure is a good experience. The eyes are the windows of the soul. Eye is the sense of the mind and tongue of the understanding. માંગતા હોય, તેને આપીને મુક્ત કરો અને ન માંગતા હોય, તેને આપો. માણસ ઈચ્છે તે કરી શકે છે પણ તેણે શું ઇચ્છવું, તે નક્કી કરી શકતો નથી. જેણે ધ્યેય સ્વીકાર્યું, તેને વિઘ્નો આવશે જ. તે માટે માનસિક તૈયારી રાખવી જ પડશે. વિઘ્નો વિના આપણામાં અકલ્પ્ય શક્તિનો ખજાનો પડ્યો છે , તેનું ભાન કેમ થાય?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 531

Blessed are those who are humble in spirit, for theirs is the kingdom of heaven. પરહિત એ નિજહિત અને પરદુઃખ એ નિજદુઃખ. માનવું એ સમતાભાવ છે. 0 જ્યાં ભેદ, ત્યાં ખેદ. સંપૂર્ણ એકાગ્રતા વખતે મનુષ્યનું મન બુદ્ધિની પેલે પાર જઈ શકે છે. જે જે વાતો instinct કે intellectથી ન જાણી શકાય, તે બધી વાતો સમાધિ intuition વડે મનુષ્યના મનની સમક્ષ પ્રકટ થાય છે. જ્ઞાન ઉપરાંત મૂળભૂત ગુણ રુપે વિવેક અને વૈરાગ્ય શીખવે, તે જ સાચું શિક્ષણ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 532

આપણે દેવ નથી કે કેવળ ઈચ્છા કરવાથી બધું કરી શકીએ. આવી હાલતમાં નમ્રતાપૂર્વક મૌન ધારણ કરવું અને નિરાશા, અશ્રદ્ધા અને નાસ્તિકતા ટાળવા ઈશ્વરને પ્રાર્થના કરતાં રહેવું જોઈએ. યથાશક્તિ સેવા કર્યા બાદ પ્રાર્થના કરવામાં આવે, ત્યારે તેની અસર મોટી થાય છે. સિદ્ધાંતોની આડ લઈને અહંકાર દૂર કરવાને બદલે અહંકારનું પોષણ ન થવું જોઈએ. સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાની ચિંતા વધુ હોવી જોઈએ, નહીં કે તેનો ઢોલ વગાડી બીજાને ચૂપ કરવાની! એક માનવી બીજા માનવીને સૌથી મૂલ્યવાન ભેટ કઈ આપી શકે? કદાચ સુંદર વિચાર જ. સ્વાર્થવૃત્તિ તથા સંકુચિતતામાંથી લોભનો જન્મ થાય છે અને તેમાંથી અસંતોષ. આ અસંતોષ સઘળા આનંદને લૂંટી લે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 533

જીવ અને ઈશ્વરને જોડનારી કડી - તેનું નામ બુદ્ધિ. જેની બુદ્ધિ બગડી, તેની જિંદગી બગડી. બુદ્ધિથી રક્ષણ કરવું તેના કરતાં બુદ્ધિનું રક્ષણ કરવું અતિ ઉત્તમ છે. પ્રભુનામસ્મરણ એ બુદ્ધિનું રક્ષણ કરનાર અભેદ કવચ છે. માત્ર તર્ક ઉપર આધાર રાખનારો માણસ કશા નિર્ણય ઉપર આવી શકતો નથી અને સંશયવાદી બની જાય છે. એ જ રીતે એકલો અનુભવ માણસને આત્મવંચના યા ભ્રમણામાં નાખે છે. વિશ્વાસે વહાણ તરે. કોનો વિશ્વાસ? પોતાના આત્મવૈભવનો વિશ્વાસ. ધર્મ એટલે ઈશ્વરનું સતત સાંન્નિન્ધ્ય અને ઈશ્વરનું સર્વત્ર દર્શન.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 534

જીવ જ્યારે સાધનપથે ગતિ કરવા લાગે, ત્યારે તેનું રૂપાંતરણ થાય છે. પોતાનામાંથી મોટાઈ, દંભ, અને અહંકાર નાસવા માંડે છે. વિશાળ જગતમાં પોતાનું અસ્તિત્વ નહિવત્ જણાય છે. Life without aim is no life at all and the *chief aim of life is to attain supreme consciousness. * મનુષ્યની તમામ શક્તિને એકઠી કરવાનું અને તાજી કરવાનું સ્થાન કયું? Rest & relaxation અથવા વિશ્રામ. મનુષ્ય ગાઢ નિદ્રામાં વિશ્રામ પામીને પોતાનો શારીરિક તથા માનસિક શ્રમ - થાક દૂર કરે છે. વિશ્રામથી જ મનુષ્ય ખોટા સંકલ્પ - વિકલ્પોનો ત્યાગ કરી માનસિક શ્રમને દૂર કરે છે. મીઠી વાણી એ વશીકરણ મંત્ર છે. જે શબ્દો આપણે બોલ્યા જ નથી, તેના આપણે માલિક રહીએ છીએ પણ જે શબ્દો બોલી નાખ્યાં છે, તેના આપણે ગુલામ બનીએ છીએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 535

જેનામાં સ્વયંપ્રજ્ઞા ન હોય, તેને શાસ્ત્ર પણ શો લાભ કરે? પ્રજ્ઞા યાને સદબુદ્ધિ તે છે કે જે શાસ્ત્રવચનને સમજવામાં અને પછી તેને જીવનમાં ઉતારવા માટે સહાયભૂત બને. You shall know the truth and the truth shall set you free. વૃદ્ધ એટલે માત્ર ઘરડાં તથા જીર્ણ થયેલા નહીં પણ વધી ગયેલા. જ્ઞાન, ભક્તિ, ધર્મ અને પ્રેમમાં જેઓ વધી ગયેલા છે, તેઓ સાચા વૃદ્ધ કહેવાય. 'હું અને તું'નો સરવાળો એ સંસારસુખ. ‘હું અને તું'ની બાદબાકી એ સંસારદુઃખ. ‘હું અને તું'નો ભાગાકાર એ આત્મિક સુખ. ‘હું અને તું'નો ગુણાકાર એ સંસારનો છેડો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 536

પ્રશ્ન : ધર્મની અસંખ્ય આજ્ઞાઓ છે, તેમાં સૌથી મોટી આજ્ઞા કઈ? ઉત્તર : પ્રેમ રાખો. બીજા જીવો ઉપર પ્રેમ રાખવાનું કદાચ સહેલું છે, પરંતુ બીજા આપણા ઉપર પ્રેમ રાખે છે, એ માનવું ઘણું અઘરું હોય છે. સમ્માનને પાત્ર એવા જીવોને સમ્માનનું દાન ન કરવું, તે જ અજ્ઞાન અને મિથ્યાભિમાન છે. સમ્માનપાત્રને સમ્માનનું દાન કરવાથી અભિમાન અને અજ્ઞાન બંને દોષોનો ક્ષય થાય છે. નીચે પડતાં બચાવનાર અને ઊંચે ચઢવામાં આલંબનભૂત થનાર પ્રત્યેક વસ્તુને તથા વ્યક્તિને પરમ આદરની નજરથી જોવાની ટેવ પાડવી જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 537

બાળક અજ્ઞાની છે પણ જો માતા-પિતાના શરણે રહે તો જ્ઞાની પણ થાય છે અને સુખી પણ રહે છે, પરંતુ અજ્ઞાન કે હઠ હોય તથા પોતાથી અધિક જ્ઞાનીને શરણે જવાની તૈયારી ન હોય, તો તે બાળક જેમ જેમ મોટું થતું જાય છે, તેમ તેમ વધુ અને વધુ આપત્તિમાં આવી પડે છે. ભગવાન પ્રત્યે નમ્ર બન્યા વિના ભક્તિ પ્રગટતી નથી અને અભિમાન છોડ્યા વિના નમ્રતા આવતી નથી. ભક્ત થવા માટે અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ, જે જ્ઞાનીને પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી હૃદયની ચંચળતા દૂર થાય છે અને બુદ્ધિમાં સ્થિરતા ઉત્પન્ન થાય છે. કર્મનું ફળ સંપત્તિ, જ્ઞાનનું ફળ મોક્ષ અને યોગનું ફળ સમાધિ છે... પણ ભક્તિનું ફળ તો ભક્તિ જ છે. આત્મજ્ઞાન પુરુષાર્થથી નહીં પણ મહત્કૃપાથી જ મળે છે, તો પણ પુરુષાર્થની જરૂર તો છે જ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 538

માનવજાતના ગંભીર પ્રશ્નોનું નિવારણ તર્કથી નહીં પણ સહજબોધથી થાય છે. ચર્ચામાં અતિરેક થવાનો સંભવ છે. ચર્ચાથી વૈરવૃત્તિ વધે છે, કેમકે તેનું મૂળ અહંકાર હોય છે. અહંકાર અને સત્યનો નિત્ય વિરોધ છે. Spirituality is unity and sanctity of life or reverence for all life for all things for all humanity. પ્રથમ શિષ્ય બનો. પસંદ કરેલા કોઈપણ માણસની ઇચ્છાશક્તિના તાબેદાર બનો. પછી પોતાના માલિક બની શકશો. જેણે વિજયી બનવું છે, તેણે પ્રથમ કોઈનો પણ અંકુશ સ્વીકારવો જ પડે છે. પોતાની ઉપર જેટલા પ્રમાણમાં જય મેળવ્યો હોય, તેટલા જ પ્રમાણમાં મનુષ્ય બીજાઓ ઉપર જય મેળવી શકે, વધારે નહીં અને ઓછો પણ નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 539

ધર્મ એ વિચાર નહીં પણ આચાર કે ઉપચાર છે. ખરો પ્રશ્ન ‘ઈશ્વર છે કે નહીં’ તેનો નથી કિન્તુ ઈશ્વરને જાણવા કે સમજવાની પાત્રતા આપણામાં છે કે નહીં, તેનો છે. પ્રકાશ છે કે નહીં, તેને જાણવાની ચિંતા કરવા કરતાં પ્રકાશને જોવાની દ્રષ્ટિ કે આંખો છે કે નહીં, તેની ચિંતા થવી જોઈએ. ધર્મ એ દૃષ્ટિને સુધારવાની અને પાત્રતાને કેળવવાની પ્રક્રિયા છે, જે વિનય અને નમ્રતા દ્વારા જ મળે છે. રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ - એ મોક્ષનો માર્ગ છે. દાન એ કર્મ છે અને પૂજા એ યજ્ઞ છે. એકમાં વસ્તુનું દાન છે, બીજામાં સન્માનનું દાન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 540

ભક્તિથી જીવનને સહવાનું, વૈરાગ્યથી સુખને સહવાનું તથા જ્ઞાનથી દુઃખને સહવાનું બળ મળે છે. માણસ પાસે કેટલી ચીજો છે, તે ઉપરથી તે ધનવાન નથી પણ કેટલી ચીજો વગર તેને ચાલે છે, તે ઉપરથી તેના સંસ્કાર માપી શકાય છે. શરૂમાં માણસના જીવનમાં લાગણી ઉશ્કેરાય છે, ત્યારે અનુકૂળતા-પ્રતિકુળતાનું જ્ઞાન રહે છે. પછી મોટી ઉંમરે જ્યારે બુદ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે વિવેકજ્ઞાન આવે છે. મન કે જેનું સ્વરૂપ સંકલ્પ-વિકલ્પ જ છે, તે કાં તો ભૂતકાળનું સ્મરણ, કાં તો ભવિષ્યકાળનું ચિંતન કરવાની હઠ કરે છે, કિન્તુ તેને આધિન ના થતાં કેવળ વર્તમાન ક્ષણમાં જ રહેવું!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 541

માણસ સુખની પાછળ ભટકે છે, પરંતુ જીવનમાં સુખ કરતા દુઃખનું સ્થાન મહત્વનું છે. સુખ જીવનનું ઝેર છે, દુઃખ તો એક રીતે અમૃત જ છે. સુખ માનવીના મનની નિર્બળતા અને અસ્થિરતાને ઉત્તેજે, જ્યારે દુઃખ તેના સબળ - અચળ બળોને પ્રકાશિત કરે છે. When we are emptied of ourselves, god takes possession of us. To fit God's pattern, all of ours has to be surrendered. The grace of God is always at work. વાંચીને કે સાંભળીને માત્ર માની લેવું તે faith. વાંચેલા કે સાંભળેલા ઉપર સ્વતંત્ર રીતે પોતાના અનુભવ અને બુદ્ધિના ઉપયોગપૂર્વક મનન કરતાં જે આવે, તે conviction. ભક્તિ એ કોઈ પ્રશંસાના એ શબ્દોનું ઉચ્ચારણ નથી, પરંતુ ઇષ્ટ તરફ ગતિ કરવાની શક્તિ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 542

સહન કરો, શુદ્ધ બનો, સંપૂર્ણ થાઓ. માત્ર દુઃખ નહીં સુખને પણ સહન કરો. સુખ અને દુઃખ એટલે કર્મના ગણિત પ્રમાણે બનતાં બનાવો. દુઃખનું પણ મૂલ્ય છે. શાંતિ અને સમજણપૂર્વક તેને સહન કરવાથી શુદ્ધિ થાય છે. શુદ્ધિ થવાથી પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. અહિંસા વિચારમાં, સંયમ ઉચ્ચારમાં અને તપ આચારમાં આવે, ત્યારે સમાનતા પ્રગટે છે. જીવે ત્યારે બધાનો પ્રેમ સંપાદન કરે અને જાય ત્યારે બધાના આશીર્વાદ લઈને જાય, તેનું જીવન ધન્ય છે. જગતમાં એવી એક પણ રાત પડી નથી કે જેને અંતે ઉષા ન ઊગી હોય. રાતનો અંધાર ઘોર હોય છે, તે જ વખતે પાછળ ઉષા તૈયાર બેઠેલી હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 543

આ જગતમાં એવું એક પણ ધુમ્મસ નથી ચઢ્યું, જેને સૂર્યનારાયણે ઓગાળી ન નાખ્યું હોય! આ જગતમાં એવું એક પણ આંસુ નથી વહ્યું, જે એક દિવસ સુકાયું ન હોય! એવી એક પણ શિશિર નથી, કે જેમાંથી એક ઝળહળતી વસંત ન બની હોય! જીવનમાં એક પણ એવું સંકટ નથી કે જેના બદલા રૂપે કોઈ માણસને મહાપ્રાપ્તિ ન થતી હોય! એવું એક પણ પતન નથી, કે જે અધિક ઉચ્ચ શિખરોના આરોહણરૂપ ન બનતું હોય! એવી એક પણ એકલતા નથી, જેમાં એક દિવસ જીવન ગુંજી ન ઉઠ્યું હોય!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 544

જે કોઈ માનવ ઉચ્ચ અને દિવ્ય વિચારો કે ભાવનાઓ સેવે છે, તે પોતાને તેમ જ સમસ્ત વિશ્વને ઊંચું લાવે છે, સમસ્ત જગતનું ઘણું ભલું કરે છે તથા દૂર રહેતાં પોતાના મિત્રોમાં પણ આશા તથા શાંતિનો સંચાર કરે છે. ભગવાન નિર્બળને જ બળ આપે છે અને અનાથના જ નાથ થાય છે. ઈશ્વર નોંધારાનો આધાર છે. આપણાથી નાનાની રક્ષા કરીશું તો જ આપણે પણ રક્ષાને પાત્ર થઈશું. બીજાને પ્રેમ આપવાથી ક્રોધ જીતાય છે, બીજાને માન આપવાથી માન જીતાય છે, પોતાના આત્માને પૂર્ણ દ્રષ્ટિએ જોવાથી લોભ જીતાય છે. વિદ્વત્તા કરતાં અનુભવનું મૂલ્ય ઘણું જ અધિક છે. પહેલાં પોતાના મનને યા સ્વભાવને જાણવો જોઈએ - સ્વની અનુભૂતિ કરવા તે જરૂરી હોય છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 545

આપણા બીજાઓ સાથેના સંબંધો સ્નેહભર્યા, મૈત્રીભર્યા, શુભેચ્છાભર્યા અને સહકારભર્યા જ હોય, એ અત્યંત આવશ્યક છે, કેમકે સફળતાની ચાવી બીજાઓ સાથેના આપણા આવા સ્નેહલ સંબંધોમાં જ રહેલી છે. જે પુરુષ ઈચ્છા કરીને તે મેળવવા માટે પ્રવૃત્તિ કરે, તેનું નામ પુરુષાર્થ. પ્રારબ્ધ અને પુરુષાર્થ એક જ વસ્તુના બે છેડા છે, આજનો પુરુષાર્થ એ ભવિષ્યનું પ્રારબ્ધ છે અને આજનું પ્રારબ્ધ એ ભૂતકાળનો પુરુષાર્થ છે. અંતરનો ગુરૂ એટલે વિવેક. તે હોય તો જ નેક અને ટેક જાળવી શકાય. મારું સુખ બીજાનું દુઃખ છે, મારું દુઃખ બીજાનું સુખ છે, મારું વર્તમાન સુખ એ આગામી દુઃખ હોઈ શકે છે અને વર્તમાન દુઃખ એ આગામી સુખ પણ હોઈ શકે છે. માટે બંને તરફ સાક્ષીભાવ જ રાખવો!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 546

પ્રભુ તથા ગુરૂની આજ્ઞા અને જીવોની મૈત્રી - એ ત્રણ વસ્તુઓ માટે નિરંતર પ્રાર્થના કરવાથી સર્વ ઇચ્છિતની સિદ્ધિ થાય છે. આધ્યાત્મિક પ્રગતિનો એકમાત્ર સાચો રસ્તો એ છે કે જીવમાત્ર તરફ પ્રેમ રાખી તેમની સેવા કરવી. બીજાઓ તમારા પ્રત્યે અમુક પ્રકારનું વર્તન રાખે, એવી આશા રાખતા હો, તો તમારે પણ તેમના તરફ એવું જ વર્તન રાખવું ઘટે. બાકી બધું નકારાત્મક છે. માયા જીતવા માટે પોતે નાનો અને બીજાને મોટો બનાવો. કુદરતના કાનૂનમાં ગુપ્તમાં ગુપ્તપણે કરેલી ક્રિયાનું ફળ મળે છે, તેથી ‘માયા-પ્રપંચને વિશ્વમાં અવકાશ જ નથી' એમ વિચારવાથી છાનું પાપ કરવાની માયાવૃત્તિ આપોઆપ વિલય પામી જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 547

દુઃખી માણસ ઈર્ષા કરે, કારણકે તે દુઃખી છે અને બીજા સુખી છે. તૃપ્ત માનવ સુખી છે, તેથી કોઇની ઈર્ષા કરતો નથી અને તેથી તે કોઈ સાથે સંઘર્ષમાં નથી પણ સંવાદમાં છે. જે મળ્યું છે, એનો આનંદ લ્યો. જે નથી મળ્યું, તેનો શોક ન કરો. જે કાંઈ વહેંચણી થઈ છે, તે યોગ્ય જ થઈ છે અને તે આપણા હિતમાં જ છે, કેમકે વહેંચણી કરનાર તત્વ મંગલમય છે. અજ્ઞાન નિદ્રામાં પડેલાને જે ઢંઢોળીને જગાડે, જાગેલાને જે બેઠા કરે, બેઠેલાને જે ઉભા કરે, ઉભેલાને જે ચાલતા કરે, ચાલતાને જે દોડતા કરે તથા દોડતાને જે પડવા ન દે, તે જ સાચો માનવી કહેવાય. શ્રદ્ધા, આશા અને પ્રેમ - ત્રણ ગુણ સાથે મળે, તો કોઈપણ કાર્ય કરવું સહેલું છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 548

પ્રેમ એ મનની સુંદરતા અને સદભાવના છે. ચિરંતન પ્રેમ ત્યાં જ રહી શકે કે જ્યાં માનવીય ગુણોને માનથી જોવામાં આવતા હોય. વાણી પાણીની જેમ નહીં પણ ઘી ની જેમ વાપરવી. ઈશ્વરમાં ન્યાય અને દયાળુતા એક સાથે રહેલી છે. અપરાધની ક્ષમા માંગવાથી દયા મળે છે અને ગુણનો સ્વીકાર કરવાથી ન્યાય! જે પોતાનું છે, તેનાથી વિયોગ અસંભવિત છે. જે પોતાનું નથી, તેનાથી વિયોગ અનિવાર્ય છે. પોતાની વસ્તુ કે વ્યક્તિ સાથે પ્રેમ કરવો જોઈએ અને જે પોતાના નથી, એવા પરને લાભ દેવો જોઈએ. પ્રેમ માટે જાતનું સમર્પણ અને સેવા માટે જાતનું અર્પણ. પ્રેમથી પોતાનું કલ્યાણ અને સેવાથી સમાજનું નિર્માણ થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 549

ફળનું મૂળ વર્તન છે, વર્તનનું મૂળ વિચાર છે, વિચારનું મૂળ સંસ્કાર છે, સંસ્કારનું મૂળ ભાવ છે અને ભાવનું મૂળ વાતાવરણ છે. વિશાળ દિલના અને ખુલ્લા મનના બનવા માટે જે પરમાત્મા આપણામાં તેમ જ અન્યમાં પણ છે, તે પરમાત્માને અન્ય માનવીમાં જોવા માટે, પ્રત્યક્ષ કરવા માટે તત્પર થવું જોઈએ. સંસારમાં જીવને બાંધી રાખનારી બે જ વસ્તુ છે - અવિદ્યા અને તૃષ્ણા. જો માનવી સ્વાર્થને અળગો કરી શકે, તો એ ખરેખર મહાન બની શકે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 550

જીવનમાં મળેલી ફક્ત સારી વસ્તુઓની જ નોંધ લેવી. જે કાંઈ સારું - સુંદર છે, એના ઉપર જ આપણે ભાર મૂકતાં થવું. આપણને જે મળ્યું છે, એ પ્રત્યે કૃતજ્ઞ રહેવું, કેમકે દુનિયામાં સૌથી સુખી આવા કૃતજ્ઞ માણસો જ હોય છે. કોઈની સાથે મુશ્કેલીમાં, તકલીફોમાં આપણે સાથે રહીએ, એમને સમજીએ અને ઉષ્માભરી સહાનુભૂતિ આપીએ, એથી આપણું જીવન પણ એટલું જ સમૃદ્ધ બને છે. ભૂતકાળમાં જે કાંઈ વેઠવું પડ્યું હોય, એની વારંવાર પારાયણ કરીને વર્તમાનને બગાડતાં અટકવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 551

આપણી પરિસ્થિતિનો તથા મળતી તકોનો સૌથી સારો લાભ ઉઠાવવા માટે કટિબદ્ધ થવું જોઈએ. આત્મવિશ્વાસ અને સંકલ્પબળ વડે દરેક કામોને સારી રીતે પાર પાડી શકાય છે. આ માટે વિચારવાની રીતમાં પરિવર્તન લાવવું જોઈએ. સારી વસ્તુઓ, સુખ, આશા અને શ્રદ્ધાના પ્રસંગોનો જ મુખ્યત્વે વિચાર કરવો જોઈએ અને તેના તરફ ખેંચાણ વધારવું જોઈએ. આપણા જીવનમાં શું બને છે, કેવા સંજોગો ઉભા થાય છે, એના કરતાં આપણા એ વિષેના પ્રત્યાઘાતો કેવા છે, એનું વિશેષ મહત્વ છે. આપણા જીવનમાં જે પણ કાંઈ થાય, એનો સારો ઉપયોગ કરવાની કળા હસ્તગત કરવી જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 552

ઘણું બોલો નહીં. મૌનપૂર્વક ધ્યાન કરો. હૃદયમાં પરમેશ્વરનો વાસ છે, તે ધ્યાનથી પ્રત્યક્ષ કરો. સૂક્ષ્મથી સૂક્ષ્મ ચૈતન્યનો સાક્ષાત્કાર ધ્યાનથી થાય છે, તે અનુભવો! શ્રેષ્ઠ પુરુષ જ બીજાને પોતાનાથી શ્રેષ્ઠ માનીને નમસ્કાર કરે છે અને એમાં જ એનું મોટાપણું રહેલું છે. જે ન જાણતાં હોય, તેને શીખવવું એ કંઈ પૂરતી કેળવણી નથી, પરંતુ જે સારું વર્તતા નથી, તેને યોગ્ય વર્તતા શીખવવું, તે સાચી કેળવણી છે. સારું શીખવા હજાર દિવસો પણ ઓછા છે, ખોટું શીખવા માટે એક કલાક પણ બહુ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 553

વિનમ્રતામાં પણ ક્યારેક અહંકાર છે એ ચકાસવું હોય તો કોઈ ખૂબ જ વિનમ્ર માણસને કહેશો કે અમારે ત્યાં તમારાથી પણ અનેકગણા વિનમ્ર માણસો છે, તો શક્ય છે કે તરત જ એમનો અહંકાર જાગી ઉઠશે અને તે એ વાતને સ્વીકારશે નહીં. *જે પ્રશ્ન પૂછે છે, તે પાંચ મિનિટ માટે જ અજ્ઞ રહે છે, જે કદી પ્રશ્ન નથી પૂછતો, એ હંમેશા અજ્ઞ રહે છે.* ધર્મ એટલે સ્વ-ભાવ અને તેનું ધ્યાન તે ધર્મધ્યાન. જીવનમાં કોઈ હાર અંતિમ હાર નથી અને કોઈ જીત અંતિમ જીત નથી. બોધ મેળવવા માટે વિશ્વ જ સજીવન પાઠશાળા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 554

પ્રેમ અને અહંકાર એ પ્રકાશ તથા અંધકાર સમા હોવાથી સાથે ન રહી શકે. પારસમણીને સ્પર્શતાં જ લોઢું પણ જો સોનું થઈ શકે, તો આપણને મળનાર કેમ ન થઈ શકે? આવો, જીવનના પ્રત્યેક પાનાંને સુવર્ણપૃષ્ઠ બનાવીએ. કિનારે પહોંચીને તો નાવને પણ છોડી દેવાની હોય છે. જ્ઞાનની 3 ભૂમિકા: હદ, બેહદ, અગાધ. આધારવાળા જ્ઞાનને હદ હોય છે, અનુભવજ્ઞાન બેહદ છે તથા આત્મજ્ઞાન અગાધ છે. મિત્રો પાંચ જાતના હોય: શાંત, સખા, દાસ, મધુર અને સત્યવાદી. આપણને કેવા મિત્ર ગમે?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 555

તૃષ્ણા છોડી તૃપ્તિ અનુભવે, એ જ સાચો સુખી, વળી પોતે દુઃખી થઈ બીજાને સુખી કરે એ જ સાચો સુખી અને એ જ સમાજનો સાચો મુખી. સવારના બ્રાહ્મમુહૂર્તનો એક કલાક જો ખોશો, તો બાકીનો આખો દિવસ તેને ખાલી ખોળતાં જ રહેવું પડશે. કર્મથી દુઃખ અને દુઃખથી કર્મનાશ. પોતાના અશુભ કર્મના ઉદય વિના દુઃખ કે આપત્તિ ન આવે એ જેટલું સાચું છે, તેટલું જ સાચું એ છે કે એકેક પળની આપત્તિ આવ્યા પછી એને આપનારૂં કર્મ ઉભું રહે જ નહીં. જેટલા દુઃખ ભોગવો, તેટલા અશુભ કર્મોનો ક્ષય. જેટલા સુખ ભોગવો, તેટલા શુભ કર્મનો અંત. જ્યાં બુદ્ધિના સ્તરે જ્ઞાન હોય, ત્યાં વાદવિવાદ હોય... પણ જ્ઞાન જો અધ્યાત્મના સ્તરે હોય, તો બધા વાદવિવાદ સમાપ્ત થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 556

સંયમરૂપી દૂધને તપરૂપી અગ્નિથી ઉકાળી જ્ઞાનરૂપી સાકર ભેળવવાથી મધુર થાય છે. એમાં જ્ઞાન પણ સંયમ અને તપના પ્રમાણમાં હોય તો જ ગુણ કરે. દૂધ કરતાં ખાંડ જો વધી જાય તો વળી કફ-અજીર્ણ કરે. ગયા વિના ગામ ન આવે, ભમ્યા વિના પ્રભુ ન મળે. ખવાય તેટલું ખાવું નહીં, આવડે તેટલું બોલવું નહીં, દેખીએ એટલું માંગવું નહીં, સુણીએ તેટલું કરવું નહીં અને હોય તેટલું ખર્ચવું નહીં. સર્વશિષ્ટ માન્યવાદ એક જ છે કે સુખ આપવાથી સુખ અને દુઃખ આપવાથી દુઃખ મળે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 557

રોગ મટાડવાનું ખરું કાર્ય તો ચેતનાશક્તિ જ કરે છે. દવા તેમાં ફક્ત સહાયક - સહકારી બને છે. આપણી અંદર રહેલી ચિત્તશક્તિ મોટી કે બહારની પરિસ્થિતિ મોટી? શું આત્મશક્તિ ઉપર ભરોસો નથી? ભરોસો ન હોવો, એનું જ નામ ‘નાસ્તિકતા’ છે. તલ્લીનતાથી કારીગરી જોતાં જોતાં કારીગરને જ ભૂલી જવું, તેનું જ નામ 'સ્થિરતા.’ ચિત્રકાર મટી વિચિત્રકાર બનો. ચિત્રકાર ચિત્ર દોરે છે, વિચિત્રકાર દીવાલ સાફ કરે છે. તમે જે કાંઈ જાણતા હો, તે બધું જ કાંઈ કહી દેવાની જરૂર નથી પણ તમે જેટલું કહો, તેટલું તો તમે જાણતા હોવા જ જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 558

જીવમાત્ર પ્રત્યે અંતઃકરણને દયા અને પ્રેમની લાગણીવાળું કરવું જોઈએ, તેથી એકાગ્ર થવામાં સહાય મળે છે અને અંદર રહેલ પરમાત્મતત્વની નિકટ અવાય છે. દરેક જીવ પ્રત્યે અમર્યાદ પ્રેમ - એ સર્વ પ્રકારની સિદ્ધિનું અમોઘ સાધન છે. અહંકારમાં દયાનો અસ્વીકાર છે અને દયામાં અહંકારનો તિરસ્કાર છે. અશાંતિનું બીજ અહંકાર છે. જે પોતાની ભૂલની ક્ષમા માંગવા જેટલી અને બીજાની ભૂલને જતી કરવા જેટલી ઉદારતા દાખવે છે, એ પોતાના આત્માને ફૂલ જેવો હળવો અને કંચન જેવો નિર્મળ કરી જાણે છે. નિદ્રા અને જાગૃતિ - એ બંનેના ગુણ મળીને સમાધિ બને છે

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 559

આપણું મન સતત એવા વિચારોની હારમાળામાં ગૂંથાયેલું રહે છે કે જેમાંનો એકપણ વિચાર આપણો પોતાનો તો હોતો જ નથી. એને ક્યાંકથી સાંભળી રાખ્યા હોય છે અને પછી આપણી અંદર ઠાંસીઠાંસીને ભરી રાખ્યા હોય છે. એ વિચારો આપણને આપણા પોતાના લાગવા માંડે, ત્યાં સુધી એને જ રટયા કરીએ છીએ અને વળી ઉપરથી આખરે કહીએ છીએ કે આ વિચારો મારા છે! જીવન આખું ય આપણું આવા ઉછીના વિચારોથી જ વહેતું રહ્યું છે... પણ બસ! હવે અટકીએ! ક્ષમાની આરાધના નમ્ર માનવી જ કરી શકે છે. નમ્ર માનવીનું માન ભાગ્યે જ ઘવાય છે, તેથી તેને ક્રોધના પ્રસંગો ભાગ્યે જ આવે છે, કેમકે જ્યારે માનવીનું માન ઘવાય છે, ત્યારે જ ક્રોધ ચઢે છે. ક્રોધનું કારણ જેમ માન છે, તેમ માયાનું કારણ લોભ છે. બંનેથી બચવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 560

'જેમ હું ભૂલો કરું છું, તેમ બીજા પણ ભૂલો કરે છે' આવું સામાન્ય સત્ય માનવી સમજે, તો ક્રોધ ઘણો ઓછો થઈ જાય. એકડા વિના મીંડાની કિંમત જેમ શૂન્ય છે, તેમ એકતા વિનાના લાખો મનુષ્યોની કિંમત પણ મીંડા જેટલી જ છે. એકડા સહિત એક જ મીંડું દસની સંખ્યા ધરાવે છે, તેમ એકતાવાળા બે મનુષ્યો એકતા વિનાના લાખો મનુષ્ય કરતાં ય વધુ બળવાન છે. પાત્ર જોઈને ઉપદેશ અપાય તો ઠીક, નહીં તો સુગરી જેવા હાલ થાય. વાંદરાને ઉપદેશ આપવા જનાર સુગરીએ પોતાને રહેવાનો માળો પણ ગુમાવ્યો, તેથી અપાત્રને ઉપદેશ ન જ અપાય. 'દુઃખ લ્યો અને સુખ દ્યો' એ જ દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો માર્ગ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 561

વ્યક્તિત્વ માયાવી છે અને અસ્તિત્વ સત્ય. વ્યક્તિત્વ જાળવવા બીજા પ્રત્યે કઠોર વર્તન કરવું પડે છે, જ્યારે અસ્તિત્વ જાળવવા કોમળ વર્તન કરવું પડે છે. વ્યક્તિત્વ એ હક્કનું યુદ્ધ છે, અસ્તિત્વ એ સ્વત્વની રક્ષા છે. એકમાં ક્રાંતિ છે અને બીજામાં શાંતિ છે. 'અમને અમારો હક્ક મળો' તે ક્રાંતિ અને 'અમને અમારું સ્વરૂપ મળો' તે શાંતિ છે. બુદ્ધિ જે વાતને હિતકારી માને, તે કાર્યને જ કરવાની ઈચ્છા જાગ્રત થાય, ત્યારે તે 'સામંજસ્ય’ ગણાય છે. દેવે તે દેવ અને રાખે તે રાક્ષસ. માંગે કે પોતાના માટે લે, તેને આપવાથી બમણો લાભ મળે પણ જે ન માંગે એટલે કે આપણી ખાતર લે, તેમને આપવાથી શાસ્ત્રોમાં ચાર ગણો લાભ કહ્યો છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 562

વસ્તુઓ સાથેનો સંબંધ જરૂર પૂરતો રાખવો, તૃષ્ણાવાળો નહીં. જગતની સર્વ વ્યક્તિઓ સાથે ન્યાયપૂર્વકનો સંબંધ રાખવો, ફક્ત લોકસંજ્ઞા માટે જ નહીં. સૌના વિચારો સાથે તત્વ સમજવા પૂરતો સંબંધ રાખવો, પરંતુ સ્વઆગ્રહને પોષવા માટે નહીં. પ્રેમ ભેદભાવ ગણતો નથી, વિશ્વને પોતાનું ઘર ગણે છે. પ્રેમ અને મૈત્રી, હિતચિંતા જ કરે છે. 'પોતે બાંધેલા પાપના પ્રમાણમાં મને આવેલું દુઃખ તો ઘણું ઓછું છે' એવી સમજ રાખીએ, તો જ દુઃખને સહન કરવાની શક્તિ આવે. કોઈ ગંભીર રોગનો દર્દી હોય, તો એ દર્દીને સારવાર અને દવા કરતાં વધુ જરૂર આશાની હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 563

જે દયાવાન હોય, તે પરોપકારની બુદ્ધિવાળો અવશ્ય હોય. પરોપકારની બુદ્ધિવાળો હોય તે દયાવાન અવશ્ય હોય. જ્યાં સુધી મનના તરંગો શમ્યા નથી, ત્યાં સુધી બધું ક્ષણિક જ છે. આત્મા જ્યારે મનની પારના સ્થિર પ્રદેશે આવી પહોંચે છે, ત્યારે પછી કશું ય ક્ષણિક રહેતું નથી. ત્યાં સર્વ શાશ્વત છે. નમ્રતા એ પાત્રતા છે અને તે પરનો ઉપકાર માનવાથી જ પ્રકટે છે. જેમ જે ભૂમિ ઉપર માણસ પડે છે, તે ભૂમિનો ટેકો લઈને જ તે ઉભો થાય છે, તેમ નામ અને રૂપ જે જીવને બંધનમાં પણ નાખે છે એ નામ-રૂપ દ્વારા જ જીવ મોક્ષ પણ પ્રાપ્ત કરે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 564

સાચો ધર્મ બુદ્ધિને કુંઠિત કરતો નથી પણ સત્યનું સ્વાગત કરવા માટે સદા ઉદ્યત રહે છે. સાચો ધર્મ હંમેશા નમ્રતા અને ઉદારતાને પોષે છે. વૈષમ્ય બુદ્ધિનું બીજું નામ જ પાપ છે. જ્યાં નમ્રતાના સ્થાને અહંકાર અને ઉદારતાના સ્થાને સ્વાર્થ આવે છે, ત્યાં વૈષમ્ય વૃત્તિ ઉભી થાય છે. ગરીબોને પ્રભુ એમ નહીં પૂછે કે દાન કેમ આપ્યું નહીં? પણ એમ તો જરૂર પૂછશે કે મેં આપ્યું હતું તેનો શું ઉપયોગ કર્યો? પ્રભુએ જે આપ્યું છે, તેનો સદુપયોગ એ પુણ્ય અને દુરુપયોગ એ પાપ. ઈશ્વર એટલે આનંદ. આનંદને પકડવા જે બહાર જાય, એને આનંદ ન મળે. આનંદ સ્ત્રી - પુરુષ કે કોઈ પદાર્થમાં નથી, આનંદ તો માનવીના અંતરાત્મામાં જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 565

શ્રદ્ધાનો અર્થ છે આદર ભાવના. તેનો પ્રારંભ ગુણોથી થાય છે. જે વ્યક્તિ ગુણવાન છે, તેની પ્રત્યે શ્રદ્ધા પ્રકટ થાય છે. ડાહ્યા માણસો જ્યાં એક પગલું ભરતાં ભય પામે છે, ત્યાં આપણે દોડી તો જતાં નથી ને? માંહી પડે તે મહાસુખ માણે. સુખ અંતરમાં રહેલું છે, તો તેને ત્યાં જ શોધવું જોઈએ. સોટીનો માર ભુલાઈ જાય પણ શબ્દનો માર કદી ન ભુલાય. કોઈપણ કલહનું મૂળ કર્કશ વાણી જ છે, માટે એ ટાળવી! માનવીનું મન એ ખરેખર ટેવોનું સંગ્રહસ્થાન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 566

માનવજીવન માટે આજનો સદબોધ : - આયુષ્ય અસ્થિર છે. - સંસારનું સુખ સ્વપ્નતુલ્ય છે. - સંયોગ અને વિયોગ અંતવાળા છે. - ધર્મ વિના કોઈ રક્ષણહાર નથી. - લક્ષ્મી વીજળીની માફક ચપળ છે. - જીવનું શરીર જરા - જર્જરિત છે. - જીવન સંપદા-વિપદાથી ભરપૂર છે. - ઈન્દ્રાદિ દેવો પણ મરણને શરણ છે. - વિપદાઓ ચારે બાજુએથી આવી પડે છે. - માનવજીવનની એક ક્ષણ પણ દુર્લભ છે. - મરણનું ચક્ર સદા માથે ફરી રહ્યું છે. ત્યાગ એટલે કેવળ અશુભ કર્મોના જ નહીં પણ શુભકર્મોના ફળો અને કર્તાપણાનો પણ ત્યાગ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 567

જેમ રૂપિયો ખોટો હોય તો રૂપિયાનું દાન પણ ખોટું થાય, તેમ જો સંસાર મિથ્યા હોય, તો સંસારનો ત્યાગ પણ મિથ્યા થાય. પાણીના ટીપાં જેવો પ્રેમ હોવો જોઈએ. ચોખાના દાણા અલગ-અલગ હોય છે, જ્યારે પાણીનાં ટીપાં પરસ્પર મળી જાય છે. આપણી પાસે જે છે, તેમાં રાચવાને બદલે આપણી પાસે જે નથી, તેનો રાત-દિવસ વલોપાત કરીએ છીએ, તે શું યોગ્ય છે? હરગીઝ નહીં. કાતરનું કામ કરવું સહેલું છે પણ સોયનું કામ કરીને તૂટેલાને જોડવાનું કામ કરવું, તેમાં સાચી જીવનકલા સમાયેલી છે. એ કલા શીખવી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 568

માણસ જે ખાય છે, તે નહીં પણ જે પચાવી શકે છે, તે તેને શક્તિ આપે છે. આપણે જે મેળવીએ છીએ, તે નહીં પણ જે બચાવીએ છીએ, તે આપણી સંપત્તિ છે. આપણે જે વાંચીએ છીએ, તે નહીં પણ જે યાદ રાખીએ છીએ, તે વિદ્યા છે. અતિ ઊંઘવું, અતિ ખાવું, અતિ સ્વાદ કરવો - તે ત્રણે વર્જ્ય છે. બધું જ સાંભળવા છતાં બધિર, બધું જ જોવા છતાં અંધ, અને બધું જ વિચારવા છતાં જે આત્માને શાંત અગર શૂન્ય રાખી શકે છે, તે યોગી છે, જ્ઞાની છે, ભક્ત છે. વિચારના બળ કરતાં ય વિવેકનું - ભાવનું બળ વિશેષ છે અને એનાથી પણ વિશેષ બળ શરણાગતિનું છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 569

આપણી અંદર બેસીને જે આ બધું જોઈ રહ્યો છે, તેને જરા જોઈએ તો ચૌદ લોકમાં ન કોઈ પડદો રહે, ન કોઈ પરાયું. સમજણશક્તિ યાદશક્તિ કરતાં જુદી ચીજ છે. આપણું ધ્યેય યાદશક્તિનું નહીં પણ સમજણ કેળવવાનું હોવું જોઈએ. જેટલે અંશે યાદશક્તિ સમજણશક્તિને વધારે, તેટલે અંશે એ આવકારદાયક છે પણ મહત્તા તો જ્ઞાનની જ છે. માણસની બુદ્ધિ અને વય જેટલી કાચી, તેટલી સંગના રંગની અસર પાકી થાય છે. તેથી જ સોબતની બાબતમાં સાવધ રહેવાની અતિ અગત્યતા છે. જ્ઞાની પ્રત્યે ભક્તિ, અજ્ઞાની પ્રત્યે કરુણા, જીવો પ્રત્યે મૈત્રી તથા પાપી પ્રત્યે ઉદાસીનતા રાખવી જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 570

જીવનમાં સફળતા મેળવવી હોય તો લાગણીવશ નહીં પરંતુ વાસ્તવદર્શી બનવા તથા ધ્યેય પાર પાડવા સતત પ્રયત્નશીલ રહેશો. તમારે કોઈક પસંદગી કરવાની આવે અને તમે ન કરો, તો તે પણ એક પસંદગી જ છે. ગમે તેટલું બાહ્ય કાર્ય કરો, પરંતુ તમારી માનસિક શક્તિ ખૂટી ન જાય, તે માટે જાગૃત અવસ્થાની થોડીક ક્ષણો માટે ભાવનાની મદદથી અતીતમાં ડૂબકી મારી તમારા વ્યક્તિત્વમાં આત્મચેતનાનો આનંદ પ્રકટાવો. નિષ્કામ બુદ્ધિથી કરાયેલાં પરોપકારના સર્વ કાર્યોથી મોક્ષપ્રાપ્તિ સુલભ બને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 571

જગતમાં ગમે ત્યાં જાઓ, તો પણ બહારની ઉપાધિ તો સાથે અને સાથે જ રહે છે... માટે ઘોંઘાટ, આપત્તિઓ અને વિપરીત પરિસ્થિતિની વચ્ચે જ સૌએ સત્યની પ્રતીતિ કરી લેવી રહી! લેવામાં અમાસનો અંધકાર છે અને આપવામાં પૂનમની ચાંદનીની પરમ શીતળતા છે... માટે ‘આપો’! વિશ્વનો શ્વાસ એ વિશ્વાસ છે. વિશ્વાસ ગુમાવનાર ખુદ પોતાનો શ્વાસ-જાન ગુમાવે છે. કોઈપણ જાતની દ્રઢ આસક્તિ માનસિક રોગ છે તથા કોઈપણ જાતના અધિકારને ભોગવવાની ઈચ્છા એ માનસિક ઋણની ભૂમિકા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 572

મૌન આનંદનો અનુભવ કરાવે છે અને બીજાઓને બદલાવવાની પ્રવૃત્તિમાંથી રોકે છે. દરેક વ્યક્તિમાં એક એવું તત્ત્વ રહેલું છે કે જેની મદદથી તે પોતાની ઈચ્છા પરિપૂર્ણ કરી શકે છે. અનુકૂળ વાતાવરણ અને સંજોગો મળતાં જ તે ઈચ્છા આજે નહીં તો આવતી કાલે પૂર્ણ થવાની જ. વ્યક્તિમાં એક એવી શક્તિ રહેલી છે કે જેનાથી અશક્ય લાગતી વસ્તુ ય સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. આ અજાણી સક્રિય શક્તિ તે જ મન. માયાથી વિમુખ મન તે જ કે જે વિચારશૂન્ય હોય, શુભકામનાથી પણ પર હોય, એટલું જ નહીં પણ મનમાં ય જેને સમાધિની ઈચ્છા કે વિચાર ન હોય. વિચારશૂન્ય થયા બાદ જ મનુષ્ય બ્રહ્મને પામી શકે છે. મનની એકાગ્રતાથી મનુષ્ય વાતાવરણમાં રહેલી અનેક શક્તિ સાથે સંબંધ બાંધી શકે છે. એકચિત્તે કોઈપણ વસ્તુનો વિચાર કરવાથી તે જાતની વિચારલહરીઓ આખા ય વાતાવરણમાં ફેલાઈ જાય છે, જેને સામાન્ય મનુષ્યો ચમત્કારિક શક્તિ કહે છે પણ આ કોઈ ચમત્કારી વસ્તુ નથી, તે શક્તિની અવસ્થા ફક્ત સાધના અને પ્રયત્નથી પ્રાપ્ત કરી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 573

એકાગ્રતાથી કરેલા શંકારહિત વિચારની આંતરિક મન ઉપર ખૂબ અસર થાય છે અને જે પ્રકારના વિચાર કર્યા હોય, તેવા જ વિચારોના મોજા બહાર ફેંકાય છે, તેથી વિચારોનું ધન પેદા થાય છે અને સર્વ અભિલાષા પરિપૂર્ણ થાય છે. મોટા ભાગના લોકોના વિચારો શંકાશીલ અને ઉપરછલ્લા હોય છે પણ આપણે સૌ ઉપર વિશ્વાસ રાખવા આપણા પુણ્ય ઉપર શ્રદ્ધા રાખવી. બાહ્યમન ફક્ત બી વાવવાનું કાર્ય કરે છે, કરી શકે છે. જ્યારે આંતરિક મન આ બીમાંથી છોડ, ઝાડ બનાવીને આખરે ફળ આપે છે, એટલે જેની અપેક્ષા રાખી હોય, તે મળે છે. કર્મનો નિયમ એક કાયદો હોવાથી નિષ્પક્ષ છે. તેને principle, order, કે law પણ કહી શકાય. તેને બુદ્ધિ નથી કે તે ક્ષમા કરે. તેને લાગણી નથી કે તે પ્રેમ કરે. તેનો ઉદ્દેશ માત્ર એટલો જ કે જેવા બીજ તેવા ફળ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 574

કૃતઘ્નતા એ ઘોર પાપ છે. કૃતઘ્ન આત્માને કોઈપણ પ્રાયશ્ચિત નથી. જ્યાં ગતિ નથી, ત્યાં પ્રાપ્તિ નથી. જ્યાં પ્રાપ્તિ નથી, ત્યાં ગતિ નથી. રાગ-દ્વેષ વિશ્વના વ્યવસ્થિત સંચાલનમાં બાધક છે, તે જ્યારે નાશ પામે છે, જીવો પ્રત્યે શત્રુ, મિત્ર તથા ઉદાસીન ભાવ જ્યારે ચાલ્યો જાય છે, ત્યારે વસ્તુ સ્વભાવરૂપ ધર્મ વિશ્વહિતનું વ્યવસ્થિત કાર્ય કરી રહેલ છે, તે સ્પષ્ટ થાય છે. કર્મ અને ભક્તિ પોતાની અંતિમ સીમા ઉપર પહોંચીને જ્ઞાનનું રૂપ ધારણ કરી લે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 575

જેમ એક એકટર સ્ટેજ ઉપર ગમે તેટલા પાર્ટ ભજવે, તો પણ તેનો પ્રભાવ પોતાના હૃદય ઉપર થવા દેતો નથી, તેમ કર્મયોગી ઈશ્વરાર્પણ બુદ્ધિથી બધા કર્તવ્ય કર્મો કરવા છતાં અંદરથી અલિપ્ત રહે છે. માટીને જેમ મોટપ મેળવવા માટે અપાર સંસ્કારોથી પસાર થવું પડે છે, તેમ માણસને ઇષ્ટ સ્થાન ઉપર જતાં પહેલાં આપત્તિના સાત સાગર વીંધવા પડે છે. વિષયસુખ કાલ્પનિક છે, કેમકે એનો એ જ વિષય બીજા માણસને તે જ સમયે કે એના એ માણસને બીજા સમયે દુઃખરૂપ લાગે છે. પ્રેમ એ જ સાચું જીવન છે. પ્રેમ વગરના જીવનની કાંઈ કિંમત નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 576

ગાંધીજીનો મત છે કે પરમેશ્વર અને માતાનો બિલકુલ ડર લાગતો નથી, તેથી તેને વ્હાલમાં 'તું' પણ કહેવાય છે. એકાંત સિવાય પરમાત્માનું ભાન થતું નથી. એક ઈશ્વરમાં સર્વનો અંત કરે, તે એકાંત. કરુણાનો ઉદ્દભવ પરદુઃખછેદનની વૃત્તિમાંથી થાય છે. જેવું આપે તેવું મળે. બીજાને દુઃખ આપવાની વૃત્તિમાંથી જીવ ન છૂટે, ત્યાં સુધી તેનું પોતાનું દુઃખ દૂર થવાનું નથી. આનંદ અને પ્રેમ પર્યાયવાચક શબ્દ છે. બીજાને પ્રેમ આપવાથી આનંદની ઉત્પત્તિ થાય છે. સર્વને પ્રેમ આપવાથી પરમાનંદની અનુભૂતિ થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 577

ભગવાન તમારી સંપત્તિ નહીં પણ સમય માંગે છે. પૈસાથી મનુષ્યને પ્રસન્ન કરી શકાય છે, પરમાત્માને નહીં. શત્રુને વશ કરવા કરતાં પણ સ્વભાવને વશ કરવાનું વધારે વિકટ છે. જે વસ્તુનું જ્ઞાન જે ઇંદ્રિયથી પ્રત્યક્ષ થાય છે, તેનો અભાવ પણ તે ઇંદ્રિય વડે જ પ્રત્યક્ષ થાય છે. વાસ્તવમાં કોઈ કોઈને સુખ કે દુઃખ આપી શકતું જ નથી, પરંતુ બીજાને સુખ કે દુઃખ પહોંચાડવાની બુદ્ધિથી જે કર્મ કરવામાં આવે છે, તે કર્મ જ પોતાની અંદર સુખ-દુઃખ પામવાના કર્માશયને એકઠું કરે છે. ... તેથી જ ફળની આશા રાખ્યા વગર કાર્ય કરવાનું ‘ગીતા’માં પણ કહ્યું છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 578

યોગીઓ માટે સૌથી મોટા ૩ પરિગ્રહ હોય, તો તે અવિદ્યા, રાગાદિ કલેશ અને શરીરાદિમાં અહંત્વ - મમત્વ બુદ્ધિ છે. તેનો ત્યાગ કરવાથી ચિત્ત એટલું શુદ્ધ - નિર્મલ થઇ જાય છે કે તે યોગી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ બને છે, ભૂત-ભાવિ જન્મોનું પણ જ્ઞાન થઈ જાય છે અને તેથી વધુ જાણવાની જિજ્ઞાસા જ નિવૃત્ત થઈ જાય છે. ઐશ્વર્ય બે પ્રકારનું છે: એક જ્ઞાનરૂપ અને બીજું જીવોના ઉદ્ધારના સત્ય સંકલ્પરૂપ. શ્રદ્ધા અને હિંમતનું સ્થાન હૃદયમાં છે, તો શંકા અને ભયનું સ્થાન પણ ત્યાં જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 579

હે મનુષ્ય! તારો આનંદ સ્વયંના સુખભોગમાં નથી, સ્વયંની ઇચ્છાપૂર્તિમાં તારી પરિતૃપ્તિ નથી, કિન્તુ બીજાના સુખમાં તારો આનંદ છુપાયેલો છે, બીજાની પરિતૃપ્તિમાં તારી પણ પરિતૃપ્તિ રહેલી છે. યશ, ધન, પાંડિત્યથી અહંકાર પોષાય છે. અહંકારથી મોટું અસત્ય કોઈ નથી, બાહ્યવસ્તુના અહંકારથી પોતાને બીજા કરતાં અધિક માનવો, તે અનંત ભ્રમ છે. સત્ય અને વિચારો વચ્ચે અંતર છે. વિચાર એ સાગરના તરંગ છે અને સત્ય એ સાગરનું ઊંડાણ છે. સાગરના તરંગોથી સાગરનું ઊંડાણ જાણી શકાતું નથી. ખરાબ બોલનાર અને સાંભળનાર વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ તેને માત્ર જોનાર જ હોય, ત્યારે જે પરિસ્થિતિ પેદા થાય, તેને જ 'ધ્યાનાવસ્થા' કહે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 580

દુષ્કૃત્યોથી થતાં અપમાનના ડર જેટલો જ ડર સતકૃત્યોથી મળનારાં સન્માનનો પણ લાગવો જોઈએ. બહાર કોઈ શત્રુ નથી, સર્વ જીવ આત્મવત્ છે. શત્રુભાવ અંદર છે, અને તેને જ જીતવાનો છે. મન એ ઘર છે! ઘરમાં આગ લાગી છે, તેને ઠારવાની છે. લડવાનું તન સાથે નહીં પણ મન સાથે છે. તેને સામ, દામ, દંડ, ભેદથી વશ કરવાનું છે. પોતાના તરફથી બીજાને થતાં અપકાર અને બીજા તરફથી પોતાને થતાં ઉપકાર ઉપર જીવવાનો કંટાળો - તેને ‘ભવનિર્વેદ’ કહે છે. પોતાના તરફથી બીજાને ઉપકારનો સદ્ભાવ અપાય અને અપકારનો અભાવ ન અપાય - તેવા ઈષ્ટ જીવનને ‘મોક્ષાભિલાષ’ કહે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 581

વિચાર માટે બેની જરૂર છે, ધ્યાનમાં ફક્ત એકની! પ્રભુ મંદિરમાં નહીં, પણ મનમાં પ્રાપ્ત કરવાના છે. જેમને મનરૂપી મંદિર નથી, તેને બીજા સર્વ મંદિર નિરૂપયોગી છે. જન્મ એ જીવનનો આરંભ નથી, મરણ એ જીવનનો અંત નથી. જીવન જન્મ અને મૃત્યુની વચ્ચે પણ છે અને અંદર- બહાર પણ છે. અજ્ઞાન જ્ઞાનથી નષ્ટ થાય છે, ક્રિયાથી નહીં. મન અને હૃદયને શુદ્ધ કરવાનો ઉપાય ધ્યાન છે. ધ્યાનનો અર્થ વિરામ યા વિશ્રામ. માનસિક હિલચાલ રોકવી અને એકાંતમાં જવું, તે ધ્યાન! જેવું મન તેવો સંસાર, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવી ભાવના તેવું જગત. કહેણી કરતાં રહેણી સ્થાયી છે તથા વાણી કરતાં વર્તન સહસ્ત્રગણું મૂલ્યવાન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 582

આપણે પાપી છીએ, તે પ્રમાણમાં દુઃખ ઓછું છે. આપણે ધર્મી છીએ, તે પ્રમાણમાં સુખ અધિક છે. પોતાનો વાંસો અને વાંક કદી દેખાય નહીં. તે દેખવા માટે દર્પણ જોઈએ: એક કાચનું - બીજું જ્ઞાનનું. ભક્તિ વિના નર એ પશુ સમાન છે. ભક્તિ જ માનવદેહના કલ્યાણનું ભાથું બને છે. માનવ મન એ એક મહાન મૂડી છે. તે વડે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થાદિ ભાવો વિકસાવી શકાય. ભાવો એ મૂડીનો શ્રેષ્ઠ ઉપયોગ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 583

ધર્મ એ માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયા નથી, કિન્તુ હૃદયની લાગણી છે, જે જ્ઞાનથી પ્રગટે છે અને ક્રિયાથી અભિવ્યક્ત થાય છે. જેને તું હણવા માંગે છે, તે તું જ છે. જેને તું તાબે કરવા માંગે છે, તે તું જ છે. જેને તું પરિતાપ ઉપજાવવા માંગે છે, તે પણ તું જ છે. આમ જાણીને સરળ અને પ્રબુદ્ધ માણસ કોઈને હણતો નથી કે હણાવતો નથી. અતીતને ભૂલી જવું અને વિચાર કરવાની ટેવમાંથી મુક્ત થવું, તે વસ્તુતઃ એક કઠિન કાર્ય છે. તે એક સબળ તપસ્યાની અપેક્ષા રાખે છે. મૌન એક બાજુ આનંદનો અનુભવ કરાવે છે અને બીજી બાજુ બીજાઓને બદલવાની પ્રવૃતિથી રોકે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 584

It is not what happens to us but what our reaction is that counts. જ્યાં હિત થવાની બુદ્ધિ હોય, ત્યાં જ શ્રદ્ધા થાય છે. માર્ગે ચાલવું તેટલું કઠિન હોતું નથી, જેટલું માર્ગે ચઢવું. વસ્તુતઃ દુનિયા આપણે જેને માનીએ છીએ, તે નથી. જેનો આપણે વિચાર કે સંકલ્પ કરીએ છીએ, તે છે. મનુષ્ય વિચારનું જ એક રૂપ છે. જેવા વિચાર તે કરે છે, તેવો તે બની જાય છે. ઈચ્છાથી મળેલું ફળ આનંદ આપે છે, પરંતુ સ્વયં પ્રાદુર્ભૂત ફળ અક્ષય બને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 585

રોગ વખતે, શોક વખતે, દારિદ્રય, દુઃખ અને દૌર્ભાગ્યના ઉદય વખતે આપણા જ કર્મનો વિચાર કરી માધ્યસ્થભાવ કેળવવો, એ જ વિવેકનું ફળ છે. શારીરિક રોગમાં માનસિક અસ્વસ્થતાનો મોટો ફાળો હોય છે. માનસિક અસ્વસ્થતા પ્રાયશ્ચિતકરણથી પણ દૂર થાય છે. અહિંસા તે કેવળ દુઃખમુક્તિ છે, એમ નહીં પણ તે આનંદની પ્રતિષ્ઠા પણ છે. અંધકાર મિટાવવાનો ઉપાય અંધકારની ફરિયાદ કર્યા કરવી તે નથી, કિન્તુ નાના પણ પ્રકાશને પ્રકટાવવો તે છે. રાગ-દ્વેષની તીવ્રતા થવા ન દેવી, એ જ મોક્ષમાર્ગનો ઉપદેશ છે. રાગ-દ્વેષ જેટલા ભયંકર છે, તેટલા રાગ-દ્વેષ વિના જે ભોગોપભોગ થાય છે, તે ભયંકર માન્યા નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 586

શરીર અને ઈંદ્રિયોથી થયેલી ભૂલ માટે શરીર અને ઈંદ્રિયોને દંડ દેવો કે શિક્ષા કરવી, એ હજુ શક્ય છે પણ મનની ભૂલો માટે મનને સમજાવવા સિવાય બીજો કોઈ દંડ કે શિક્ષા અશક્ય છે. મન જેમ પાપની જડ છે, તેમ ધર્મની પણ જડ એ જ છે. મનને મારવાનું નથી પણ મન દ્વારા સાધના કરવાની છે. અવિશ્વાસથી હૃદય અશાંત રહે છે. આત્મવિશ્વાસથી પ્રસન્નતા જન્મે છે. પ્રસન્ન માનવીની બુદ્ધિ સ્થિર રહે છે. બધી નદીઓ સમુદ્ર તરફ વહે છે, તેમાં કારણ સમુદ્રની નમ્રતા - નીચા સ્થાને હોવાનું પણ છે. જે સૌથી વધુ નમ્ર છે, તે સૌથી અધિક પાત્ર છે, જે સૌથી અધિક પાત્ર છે, તેની તરફ સર્વ સંપત્તિઓ ખેંચાઈ આવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 587

દુનિયામાં સૌથી મોટું અસત્ય 'હું', 'अहम' કે ego sense છે. અહંને છોડવો તે જ તાત્વિક સન્યાસ છે, કેમકે અહં એ જ સંસાર છે. પ્રેમથી કોઈ મોટી શક્તિ કે ઉપલબ્ધિ છે નહીં. પ્રેમમાં અભય અને અપ્રેમમાં ભય છે. વિચારોના સાક્ષી બનો, માલીક નહીં. વિચાર મારા નથી, ઉધાર અને વાસી છે. વિચાર યાત્રી છે. મન તેને ઠેરવા માટેની ધર્મશાળા છે. બુદ્ધિ પૂછવાનું જાણે છે, સમાધાન લાવતી નથી. સમાધાન શૂન્યથી, મૌનથી નિઃશબ્દથી મળે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 588

અડધું પેટ ખોરાકથી ભરો, ચોથો ભાગ પાણીથી ભરો અને છેલ્લો ચોથો ભાગ હવા માટે ખાલી રાખો, તે યુક્તાહાર છે. જે ખાવા માટે જીવે તે પશુ છે, જે જીવવા માટે ખાય તે સાધુ અથવા યોગી છે, કેમકે ધ્યાનાભ્યાસીને ખોરાકનું પ્રમાણ અલ્પ જોઈએ. જે વસ્તુનું તીવ્રતાથી ધ્યાન કરીએ, તે વસ્તુનું સ્વરૂપ જ આપણે ધારણ કરીએ છીએ, તેથી મનને સાત્વિક વિચારોથી ભરી દ્યો, અશુદ્ધ વિચારો ધીમે ધીમે નાબૂદ થશે. ભલા કામો કરતાં કરતાં ક્યારેય થાકવું ન જોઈએ. જો હાર્યા વિના તે માર્ગે આગળ વધાશે, તો યથાકાળે તેના મધુરા ફળ અવશ્ય જ મળશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 589

શરીર અને મનથી જે કાંઈ કાર્યો થાય, તે સર્વ જો ભગવાનને અર્પણ કરો, તો તે કાર્ય કદી પણ બંધનરૂપ બનશે નહીં. ભયજનક વસ્તુ મૃત્યુ નથી, કિન્તુ કોઈપણ હેતુ વિના જીવેલું જીવન ભયજનક છે. જીવમાત્ર પ્રત્યે સ્નેહના પરિણામથી એકબાજુ ક્ષમા અને બીજી બાજુ ઉદારતા વિકાસ પામે છે. જેમ આકાશને રંગી શકાતું નથી તથા ગંગા નદીને અગ્નિના તાપથી ઉકાળી શકાતી નથી, તેમ બીજાના બોલવાથી સ્વચ્છ અને શુદ્ધ અંતઃકરણ ઉપર જરા પણ ખરાબ અસર થતી નથી, માટે અંતઃકરણને સ્વચ્છ બનાવો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 590

લોકો મૂંગા રહેનારને ય નીંદે છે, બહુ બોલનારને ય નીંદે છે અને ઓછું બોલનારને પણ નીંદે છે. એવો કોઈ પુરુષ સંસારમાં થયેલો નથી, થનારો નથી અને છે પણ નહીં કે જે લોકોમાં કેવળ નિંદા કે કેવળ પ્રશંસાને પાત્ર બનેલો હોય! માટે આપણે આપણામાં રહેવું! જાગનારને રાત લાંબી લાગે છે, થાકેલાને એક ગાઉ જેટલો પથ પણ એક જોજન જેટલો લાંબો લાગે છે અને સદ્ધર્મને નહીં સમજનારને આ સંસાર લાંબો લાગે છે. 'પુત્રો મારા છે, ધન મારું છે' એમ કહીને મૂઢ મનુષ્યો હેરાન થાય છે, પરંતુ પોતે જ પોતાનો નથી, ત્યાં પુત્રો કે ધન પોતાનું શાનું થઈ શકે? જાગૃતિ એ અમરતાનો પંથ છે, પ્રમાદ એ મૃત્યુનો પંથ છે. જેઓ જાગ્રત છે, તે મરતા નથી અને જેઓ પ્રમાદી છે, તેઓ જીવતા છતાં મરેલા જેવા જ છે. જેને પ્રિયવૃત્તિ નથી, રાગ કે મોહ નથી, તેને શોક કે ભય ક્યાંથી?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 591

પોતાની જાત માટે તમે પોતે જ પ્રકાશરૂપ બનજો, પોતાના જ આત્માનું શરણ શોધજો અને પોતાની ઉપર જ અવલંબીને રહેજો. સંસારની વસ્તુમાત્ર વ્યયધર્મી છે. જેની ઉત્પત્તિ થઈ છે, તેનો વિનાશ તો થવાનો જ. જે મનુષ્ય નામરૂપમય જગતમાં કોઈ પ્રકારે લાલચ ન રાખે અને અકિંચન રહે, તેના ઉપર દુઃખો પડતાં જ નથી. પરિવર્તન કે અસ્થાયીપણાનો નિયમ એ અસ્તિત્વની પ્રથમ હકીકત છે. સતત વહેતું જીવન નવાં રૂપોમાં આવિષ્કાર શોધે છે. જીવન તો પૂલ છે, તેના ઉપર આવાસ ન બાંધી શકાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 592

જીવન એક જ છે, એટલે સમગ્રતયા શુભ ભાવમાં જ જીવો! લોકોનું અકલ્યાણ કરતાં અટકો, ભદ્ર થતાં શીખો. પરિવર્તનનો કાનૂન સર્વને લાગુ પડે છે. માત્ર સત્ય અપરિવર્તનશીલ છે. દુઃખની સર્વવ્યાપકતાનું કારણ તૃષ્ણા જ છે. દુઃખ બે પ્રકારના હોઈ શકે: એક સ્વાર્થથી ઉત્પન્ન થતું દુઃખ - બીજું પરમાર્થથી. પરમાર્થ કરતાં હાડમારીઓ વેઠવી પડે, દેહ સહિત સર્વસ્વનો ત્યાગ કરવો પડે, તો પણ આવું દુઃખ એ જ ખરું સુખ છે. ઈશ્વર કોઈ વ્યક્તિ કે વસ્તુ થોડો છે? એ તો માનવીય ચેતનાની ચોક્કસ સ્થિતિમાં થતો એક અવ્યક્ત અનુભવ છે. અવતારો, પયગંબરો, તીર્થંકરો, ઇશ્વરપુત્રો તરીકે આપણે જેમને માનીએ છીએ, તેઓ આપણી જેવા જ સાકાર માનવીઓ હતા.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 593

આચાર અને વિચાર - ઉભય મળીને જ્યારે અહિંસાત્મક બને, ત્યારે જીવનમાં શાંતિ અને સુખ અવશ્ય મળે છે. જેમ મીણબત્તી પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે, અગરબત્તી પોતે બળીને બીજાને સુગંધ આપે છે, તેમ સમ્યગદ્રષ્ટિ જીવ પોતે જ સહીને બીજાને શાંતિ અર્પે છે. ધનનો અતિ લોભ શાહુકારને ચોર બનાવે છે, શેઠને શઠ અને સાહેબને શેતાન બનાવે છે. ફલેચ્છાનો ત્યાગ કરવાથી અનંત ફળ મળે છે, પણ કર્તાપણાનો અહંકાર છોડવાથી તો મોક્ષ જ મળે છે. જેમ રોજ એનો એ ખોરાક, એનું એ પાણી અને એનો એ શ્વાસ લેવાતો હોય છે... કેમકે જીવન ટકાવવા માટે એ અનિવાર્ય છે, તેવું જ સ્વાધ્યાયનું પણ સમજવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 594

આસક્તિ એ પૃથ્વીનો ગુણ છે અને પ્રેમ એ આકાશનો ગુણ છે. જ્યારે આધ્યાત્મિક વિકાસ થાય, ત્યારે આસક્તિ પણ પ્રેમમાં પલટાઈ જાય છે. 'જીવો અને જીવવા દો' એટલું જ નહીં પણ બીજા સર્વ જીવોને સારી રીતે જીવવામાં મદદ પણ કરો. સમતાભાવ ધારણ કરનાર જીવ મહાકર્તા, મહાભોક્તા અને મહાત્યાગી છે. પ્રાપ્ત કર્તવ્યોને નિષ્કામ ભાવે કરે, તે મહાકર્તા છે, સર્વ અવસ્થાઓમાં પ્રસન્ન તથા પ્રશાંત રહે, તે મહાભોક્તા છે તથા મન, બુદ્ધિ, શરીર અને ઇંદ્રિયોમાં અજ્ઞાનજન્ય અધ્યાસનો જેણે ત્યાગ કર્યો છે, તે મહાત્યાગી કહેવાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 595

o મનને શાંત કરવું કઈંક કઠિન જરુર છે, પણ શાંત થયા પછી કામ બહુ જ સરળ છે. o મતિ જયારે સુમતિ બને છે, ત્યારે જ એ પોતાના મનમાં ક્યાં-ક્યાં કચરો છે અને એ કેવો છે, તેની શોધ કરે છે. મન સાફ કર્યા વિના તો બધી વસ્તુ કચરા ભેગી રહેવાથી કચરા જેવી જ થઇ જાય છે. o મનુષ્યનો સમાજ મોટે ભાગે ચિત્તની ઉપરછલ્લી વૃત્તિમાં અર્થાત્ કામ, ક્રોધ, લોભની અસર તળે જીવન જીવતો હોય છે. જે એકતા કે સમાનતાની ભાવનાને સમજી તેનું નૈતિક મૂલ્ય સ્વીકારનારો હોય છે, તેને અહીં જ નિષ્કામ - નિરહંકારી સેવાજીવન આપોઆપ આવી મળે છે. o સંસારના ચાર કારણો: કંચન, કામિની, કાયા, કુટુંબ - એ ચાર ઉપરનું મમત્વ, મોહ - મૂર્છા. મોક્ષના ચાર કારણો: દાન,શીલ, તપ અને ભાવ. દાન વડે કંચનમોહ, શીલ વડે કામિનીમોહ, તપથી કાયાની મૂર્છા અને ભાવ વડે કુટુંબમોહ તોડી અને વિશ્વાત્મભાવ વિકસાવી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 596

આત્માના ઘર તરીકે દેહ મૂલ્યવાન પણ છે અને ચેતન આત્મામાં છે - તેનામાં તો નથી, એમ સમજીએ તેથી અંતે તે મૂલ્યવિહીન પણ છે! પ્રેમ પ્રકાશસ્વરૂપ અને જ્ઞાનમય છે, જ્યારે મોહ અંધકારસ્વરૂપ ને અજ્ઞાનમય છે. પ્રેમનું સ્થાન હૃદય છે અને મોહનું સ્થાન નેત્ર છે. પ્રેમ સામાને માટે બધું ત્યજવા તૈયાર હોય છે. મોહમાં 'સામી વ્યક્તિ મારે માટે ત્યજે' એવી ભાવના છે. પ્રેમ ત્યાગપ્રિય છે, જ્યારે મોહ ભોગકાંક્ષી છે. ‘હું સુખી કરું' એવી ભાવના પ્રેમનું હાર્દ છે, જ્યારે 'હું સુખી થાઉં' એ વૃત્તિ મોહના પ્રાણ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 597

સર્વને જે સ્વસમાન માને, માટે તે નમ્ર છે, અને નમ્ર છે માટે સર્વોચ્ચ છે. જે નમ્ર નથી, તે ઉચ્ચ નથી. નીચતાનું નિવારણ નમ્રતામાં જ છે. અભિમાન આવે, ત્યારે અધિક યોગ્યતાવાળાને તથા હતાશા આવે ત્યારે હીન યોગ્યતાવાળાને યાદ કરો. પંચમહાભૂતથી બનેલાં આપણા શરીરમાં કઠિન ભાગ એ પૃથ્વીતત્ત્વ છે, દ્રવિભૂત ભાગ એ જળતત્ત્વ છે, ઉષ્ણતા એ તેજતત્વ છે, હલનચલન એ વાયુતત્વ છે તથા પોલાણનો ભાગ એ આકાશતત્વ છે. ‘હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? હું કોનો છું? કોણ મારું છે?’ આ પાંચ પ્રશ્નોના જવાબ જે શરીરને ઉદ્દેશીને જાણતો નથી, તે તો અજ્ઞ અને અબુઝ છે જ, પરંતુ આત્માને ઉદ્દેશીને એ પાંચે પ્રશ્નોનો ઉત્તર જે જાણતો નથી, તે તો મહાઅજ્ઞ અને મહાઅબુઝ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 598

ચોરી નિર્લોભ હોતી નથી, ખૂન નિર્વેર હોતું નથી, વ્યભિચાર નિષ્કામ હોતો નથી, મૂર્છા નિર્મોહ હોતી નથી અને અસત્ય નિર્માલ્ય હોતું નથી. પાપકર્મમાં આશંસા અને અહંકાર - બંને હોય જ છે. અધિકગુણી ઉપર દ્વેષ નહીં પણ પ્રમોદ, હીનગુણી ઉપર ધૃણા નહીં પણ કરુણા તથા સમાન ગુણી ઉપર ઈર્ષ્યા નહીં પણ મૈત્રી કરવી. કૂદરતના ગણિતનું બહુમાન કરવાથી શાંતિ અને સંવાદિતા પ્રકટે છે. જ્ઞાનીનું સાચું લક્ષણ એ છે કે તે દેહ, કર્મ, રાગાદિથી પોતાને ભિન્નપણે અનુભવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 599

નિત્ય સવારે એમ વિચારી શકાય કે: ‘મારું નામ, મારું કામ, મારી જય... વગેરે તો રાગ-દ્વેષનાં જ તોફાન છે, એની પકડમાંથી છૂટવા માટે માત્ર ઈશ્વરનું નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ એ જ સમર્થ ઉપાય છે.’ હિંસાદોષથી જો બચવું હશે તો પ્રેમ અને આત્મૌપમ્યના સદગુણને જીવનમાં વ્યક્ત કરવો પડશે. અસત્યથી જો બચવું હશે તો જ્ઞાન આદિ ગુણોની કેળવણી જોઈશે. પરિગ્રહ તથા લોભથી બચવું હશે તો સંતોષ અને ત્યાગને જીવનમાં સ્થાન આપવું પડશે. સંસ્કૃતિ માત્રનું ધ્યેય લોભ-મોહ ઘટાડવાનું હોય છે, નહીં કે પ્રવૃત્તિમાત્રને નિર્મૂલ કરવાનું. દિલમાં લાગેલા ઘા રૂઝવવાનો મલમ કયો? ભલભલા ઘા વખતનાં વહેવા સાથે રૂઝાવા માંડે છે. એ સિવાય બીજો ઉપાય નથી, સમય એની મેળે રૂઝવી દે. સમય કદી ખૂટતો નથી, તેથી ધીરજ ધરનારના ઘા આપોઆપ રૂઝાઈ જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 600

ગંગા નદીનું પાણી વિજ્ઞાનની દ્રષ્ટિએ h2o છે, તૃષાતુરને તે જીવનપ્રદ છે અને શ્રદ્ધાળુને મન તે પવિત્ર તીર્થોદક છે. વળી પાણીમાં જેમ ફુલ અને સુગંધી પદાર્થથી વાસિત થવાની યોગ્યતા છે, તેમ પવિત્રતા અને અમૃત્વના ભાવથી વાસિત થવાની પણ યોગ્યતા છે. જ્ઞાન એ બુદ્ધિનું અને ભાવ એ હૃદયનું કાર્ય છે. ભાવ એ બુદ્ધિની સાથે ભળતી એક વિશેષ પ્રકારની અનુભૂતિ-લાગણી છે, જેથી બોધ એ વસ્તુલક્ષી ન રહેતાં આત્મલક્ષી બને છે. આ વિશાળ જગતથી અલગ એવું આત્મત્વ ચૈતન્યમાં ઉભું કરનાર ભાવ છે તથા બાહ્યજગત સાથે આત્માનો સંબંધ પણ ભાવને લઈને જ થાય છે. જ્ઞાની તે છે કે જે યોગી છે. જેનામાં યોગશક્તિ અથવા એકાગ્રતાનું સામર્થ્ય નથી, તે જ્ઞાની નહીં પણ જ્ઞાનબંધુ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 601

તત્ત્વવિચારમાં મતભેદ હોઈ શકે... પરંતુ આચરણ યા ચારિત્ર એક એવી વસ્તુ છે કે જેમાં બધા જ વિચારશીલ પુરુષો એકમત હોય છે. શુભ ચારિત્ર કે કેરેક્ટર વિનાનું તત્ત્વજ્ઞાન એ કોરી વાતો છે. આત્મા એ જ સત્ય છે અને તે સૌની પાસે જ છે. તેને બહાર શોધવા પ્રયત્ન કરવો કે ભટકવું, એ નકામું છે. ધર્મનો ટૂંકસાર એ જ છે કે: કર્તવ્ય કર્મ કરતાં કરતાં જીવો, સ્વસુખમાંથી ત્યાગ કરતાં શીખો અને બીજાના સુખનું હરણ કરતાં અટકો. મર્યા પછી મન જ સાથે આવે છે, તન-ધન-સ્વજન નહીં! માટે જ મનને સુધારવા મથવું જોઇએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 602

સહન કરો અને શુદ્ધ થાઓ. માત્ર દુઃખને જ નહીં, સુખને પણ સહન કરો. સુખ-દુઃખ એ કર્મ પ્રમાણે બનતા બનાવો છે. તેને એકસરખી પ્રસન્નતાથી સહન કરવા, તે કુદરતની યોજનામાં સહકાર આપવા બરાબર છે. સંકલ્પની શક્તિ સોયની અણી જેવી છે, શ્રદ્ધાની શક્તિ સાંબેલાના કાષ્ઠ જેવી છે. પ્રજ્ઞાનું કિરણ વજ્રછેદિકા છે, જે હીરાની જેમ કાપી શકે છે. હીરાની જેમ મોહ ઉપર જ્ઞાનનો સીધો અને તીક્ષ્ણ માર થાય તે વજ્રછેદિકા છે. બધા ઉપદેશોનો સાર એ છે કે દરેકે પોતાના અંધકારમય અને અસ્થાયી ઘરમાં પ્રકાશ કરવાનો છે તથા જે અનેક કલેશોથી મલિન છે, તેને શુદ્ધ કરવાનો છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 603

જે દવાનો સ્વાદ કડવો છે, તે દવા વધુ અસરકારક છે. દુઃખ કડવું છે, માટે વધુ કર્મ ખપાવનારું છે. પોતાની ભૂલો સુધારવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. પોતાની ભૂલોનું સમર્થન કરવાથી મન અસ્વસ્થ બને છે. કેવળ દાનથી બોધિ નહીં મળે, તેની સાથે ધ્યાન જોડવાથી તે અવશ્ય મળશે. દ્રષ્ટા અને દ્રષ્યનું દ્વૈત એ દર્પણ ઉપર જમા થયેલો મેલ છે. જ્યારે આ મેલને હું ધોઈ નાખું છું, ત્યારે પ્રકાશ ચમકવા લાગે છે. બુદ્ધના ઉપદેશમાં જે કરવાનું છે, તે પોતાના મનને જાણવાનું છે અને બુદ્ધ મન અથવા બુદ્ધ સ્વભાવનો સાક્ષાત્કાર કરવાનો છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 604

જે ખજાનો તારો નથી, તેને ગણ્યા કરવાથી શો લાભ? પોતાના શબ્દોને સમાપ્ત કરો, પોતાના વિચારોને ખાલી કરો, તો સંભવ છે કે તમે જીવનના સારને ઓળખી શકશો. 'ઈશ્વરે જે આપ્યું છે, તે મારી પાત્રતાથી અધિક જ છે' એમ માની સંતોષથી જીવે તે શ્રીમંત છે અને મળેલાને ઓછું માની હાયવોય કરે, તે કંગાલ છે. 'મને અભિમાન નથી' એવો ભાસ થવો, તે ૮ પ્રકારના અભિમાન કરતાં ય વધુ મોટું અભિમાન છે. આપણને જેની જેની જરૂર હોય, તે વસ્તુ આપણને મળવી, તેનું નામ ‘લક્ષ્મી’ છે, પરંતુ તે વસ્તુ વિના ચલાવી લેવું તેનું નામ ‘શક્તિ’ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 605

જગતના સર્વ જીવોને સંપૂર્ણ મૈત્રીભાવ વડે જોવાથી આંતરિક સાધનાનો વેગ વધે છે અને જો સાધના શરુ ન થઈ હોય તો થાય છે. સારા વિચારોનું માત્ર બીજારોપણ કરો. પછી તેના વિકાસ કે વૃદ્ધિ માટે તમે ચિંતા ન કરો. બ્રહ્માંડનું - યુનિવર્સનું કામ જ તે છે! ઈચ્છાઓનું ફળ તો મળશે પણ તેનું મૂલ્ય પણ ચૂકવવું પડશે. શું છે તેનું મૂલ્ય? ઉદાસીનતા. તેનો અર્થ છે: સર્વ ઈચ્છાનો પરિત્યાગ. ઈચ્છા થાય છે, ત્યાં સુધી ભીખવૃત્તિ છે. ઈચ્છાઓનો ત્યાગ કરો એટલે તમે લોહચુંબકની જેમ દરેકને આકર્ષણરૂપ બનશો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 606

અંદરની બધી વિષમતાઓને દૂર કરી સમાનતા લાવવી, તેનું જ નામ 'ઈશ્વર સાક્ષાત્કાર' છે. તું પૂર્ણ છે, તો દુન્યવી રીતે સુખી થવા માટે પોતાની જાત ઉપર સાંસારિક ઉપાધિઓનો બોજો લાદવાની શી જરૂર છે? 'મારા બાપનો કૂવો છે' એમ કહેવામાત્રથી તૃષા છીપાતી નથી પણ તૃષા તો પાણી પીવાથી જ છીપે છે. એવી જ રીતે શાસ્ત્રો માત્ર પાસે રાખવા કરતાં તે કહે છે, તે પ્રમાણે રોજેરોજ વર્તવું - વર્તન કરવું, તે જ વધુ ઇષ્ટ છે. તેનાથી જ આત્માની તરસ છીપે છે! સત્યની પરીક્ષા સ્વાનુભવથી જ કરવી જોઈએ. એક મનના માણસો જેમ વધારે એકત્રિત થાય છે, તેમ તેમનો પ્રભાવ વધે છે. આનું જ નામ 'સત્સંગનો પ્રભાવ' છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 607

ઉપાધિઓ તે જ કસોટીઓ છે... જેમ અવાજની સાથે જ પાણી આવે છે. કુવાનો કૉસ અને ઘોડાને પાણી - એ બે સાથે જ બને છે. જ્યાં આપણા વિચારો હોય છે, ત્યાં જ આપણે હોઈએ છીએ, તેથી આપણા વિચારોને નિરંતર આત્મકેન્દ્રમાં સ્થિર કરવાની ટેવ પાડો! જે વસ્તુ વડે મન અને બુદ્ધિ પોતાના અનિર્વચનીય મૂળ સ્થાન એવા પરબ્રહ્મ તરફ વળીને તેમાં જ મળી જાય છે, એવો ગહન વ્યાપાર - તે જ આપણો પરમ ધર્મ છે. માત્ર શ્રદ્ધાથી બુદ્ધિનું ખૂન થાય છે અને માત્ર બુદ્ધિથી શ્રદ્ધાનું ખૂન થાય છે. માટે શ્રદ્ધા અને બુદ્ધિનો સુમેળ થવો જોઈએ. જગતમાં તમે પ્રભુ થાઓ, નહીંતર જગત તમારા ઉપર પોતાનું પ્રભુત્વ જમાવશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 608

જેવી જેની મતિ, તેવી તેની ગતિ. અર્થાત વિચાર એ નસીબનું જ બીજું નામ છે. દેહાભિમાન એ નરકનો સૌથી નજીકનો રસ્તો છે. આત્મજ્ઞાન એ મોક્ષનો સૌથી નિકટનો માર્ગ છે. ખરું જ્ઞાન અને શિક્ષણ અંદરથી આવે છે, પુસ્તકો અથવા બીજાના મગજમાંથી નહીં. જીવનનો સદુપયોગ જીવનકાળમાં જ વિશ્રામ આપે છે અને તે જ નિત્ય જીવનનો હેતુ છે. જે કરવા યોગ્ય નથી, તે ન કરવાથી, જે કરવા યોગ્ય છે તેની યોગ્યતા અને શક્તિ પોતાની મેળે જ આવી જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 609

પોતાના સર્વ દોષો કબુલવા અને સામાના સર્વ ગુણોને આગળ કરવા, એ બધા કલેશ-કંકાસને નિવારવાનો અમોઘ ઉપાય છે. જે માનવી ફક્ત પોતાની જાતની અને આવતીકાલની ફીકરમાં જ રચ્યોપચ્યો રહે છે, એ ઈશ્વર પ્રત્યે એક પ્રકારની અશ્રદ્ધા સેવે છે. આવતીકાલની ફીકર રાખવાનું જે ઈશ્વરને સોંપી દે છે, તેની જવાબદારી લીધા સિવાય ઈશ્વરને છૂટકો નથી. 'સત્યાગ્રહ'માંથી સત્ય અદ્રશ્ય થયું છે અને માત્ર આગ્રહ જ હયાતિ ધરાવે છે. ઉપવાસની સાથે પ્રાર્થના તથા આત્મશુદ્ધિના તત્વ હોય, ત્યારે જ તે ‘સત્યાગ્રહ’ બને છે. ઉપવાસથી શરીર સ્વસ્થ બને છે જે મનને પણ સુધારે છે. ઉપવાસ એ સ્વાસ્થ્ય અને સંયમ માટે જરૂરી છે, તેમ જ તે આત્મશુદ્ધિનો પણ પ્રકાર છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 610

મોક્ષ એ આકાશ કે પાતાળમાં નહીં, પણ મનની જ એક સ્થિતિમાં રહેલ છે. ‘વૈતરણી નદી પાર કરવી’ એટલે મનના પ્રવાહોની જ એક સ્થિતિને પાર કરવી તે! સુખી જીવન કરતાં દૈવી જીવન ઉત્તમ છે. મનુષ્યની અંદર જે મહાન ચૈતન્યશક્તિ છે, તે જ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. 'વિશ્વકર્મા' એટલે વિશ્વનો સર્જનહાર. તે રહે છે ક્યાં? માનવીઓના અંતઃકરણમાં. તેની ખબર ક્યારે પડે? હૃદયથી મનનું નિયમન થાય, તો તેનો પ્રકાશ પ્રાપ્ત થાય. આગ્રહ જો રાખવો જ હોય, તો તે સમાધાનવૃત્તિનો જ આગ્રહ હોવો જોઈએ. આવી સામ્યદ્રષ્ટિ એ જ સઘળા ઝઘડા મિટાવવાનો એકનો એક માર્ગ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 611

દરેક દેશ અને કોમમાં એક લઘુમતિ એવી હોય છે કે જેને કોઈ યાદ કરતું નથી. આ લઘુમતિ છે શાંત અને વૈરાગ્યપ્રિય લોકોની. એને એક વાતની પાકી ખાત્રી છે કે પૃથ્વી કોઈની થઈ નથી અને થવાની નથી. માણસ માટે એ ફક્ત ચાર દિવસનું અતિથિગૃહ છે, વિશ્રામનું સ્થળ છે, ડાક બંગલો કે સર્કિટ હાઉસ છે. એમાં ઉતરીને બધા એક દિવસ ચાલ્યા જાય છે. ધનનું દાન આપવું એ જ માત્ર ઉદારતા નથી, બીજાના દોષોને ખમી ખાવા એ પણ ઉદારતા છે. પોતાનું અપમાન કરનાર પ્રત્યે પણ પ્રેમ રાખવો એ પણ મોટી ઉદારતા છે. માણસ પાસે એક જ મહાન શક્તિ છે - ઇચ્છાશક્તિ. એક વખત મન અને બુદ્ધિ પ્રભુને સોંપી દેવામાં આવે તો એ મક્કમ થઈ જશે અને બુદ્ધિ તેજસ્વી બની જશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 612

મન અને બુદ્ધિ પ્રભુની આપેલી વસ્તુઓ છે, માટે તે પ્રભુને જ પાછી આપો. મન ચંચળ છે અને બુદ્ધિ અનિશ્ચિત છે, કેમકે તે તેના મૂળ માલિકથી છૂટી પડી ગઈ છે. ‘આપણે પોતે જ વાસનાને દૂર કરીશું’ એ વિચારના નાદમાં ન પડતાં એને દૂર કરવાનું કામ પ્રભુને જ સોંપી દ્યો. તમારી પ્રત્યેક કૃતિના અને કાર્યના સાક્ષી તરીકે પ્રભુને જ રાખો. ભાવનાપ્રધાન મનુષ્યોનું હૃદય દ્રવે છે, તેથી તે ભક્તિમાર્ગને પસંદ કરે છે. માયાને તરવા માટે માયા જેની દાસી છે, તે માયાપતિ પરમાત્માને જ પામવા માટે પ્રયાસ કરવો હિતાવહ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 613

પોતાના અનુભવો, વિચારો, ભાવનાઓ, કલ્પનાઓને સ્પષ્ટરૂપથી બતાવવા ભાષાનો આશ્રય લેવાનો હોય છે, તેને 'વાઙમય' કહેવાય છે. સમાજ માટે તે દીપકની ગરજ સારે છે. વનમાં લતા, સમાજમાં વનિતા અને સાહિત્યમાં કવિતા એકસમાન છે. ત્રણેને માન આપવું. 'હું' નહીં પણ 'તું'નો અનુભવ કરવો, એનું જ નામ ધર્મ છે. પ્રભુ સાથે સંબંધ બાંધી ઉદ્વેગ કાઢી નાંખો. પ્રભુ સાથે લગની કરવી હોય, તો પ્રભુની જ જાતિના થાઓ. 'પ્રતિક્ષણ શરીર બદલાય છે' તેનો અર્થ પ્રતિક્ષણ મરણ ચાલુ છે, તેથી પ્રતિક્ષણ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 614

મન ચંચળ નહીં પણ ચલ છે. ચંચળ હોય તો તો કદી કાબુમાં ન આવે. ચલ છે માટે કોઈ કાળે પણ કાબુમાં આવે છે. માણસ ધારે તો સૂર્ય જેવો તેજસ્વી, ચંદ્ર જેવો શીતળ, સાગર જેવો ગંભીર અને પર્વત જેવો સ્થિર બની શકે છે. મનનો નિગ્રહ કઠિન છે પણ અશક્ય તો નથી જ. અભ્યાસ અને વૈરાગ્યથી મન સ્થિર બને છે. 'અભ્યાસ' એટલે દ્રષ્ટિકોણ બદલવો - બુદ્ધિ બદલવી. અન્યના વર્તનને કારણે ચિત્તમાં સંકલેશ પેદા થવા પામે નહીં, એ ખાસ જોવું જોઈએ અને તે માટે જીવોની કર્મ પરવશતાને પ્રધાન બનાવીને વિચારણા કરવી જોઈએ. દેહમાં તુચ્છતાની દ્રષ્ટિએ જેમ ગુણ છે, તેમ ધર્મની સાધનતાની દ્રષ્ટિએ તે અમૂલ્ય છે. એ દ્રષ્ટિ પણ તેટલી જ આવશ્યક છે. એથી જ અતિનો ત્યાગ અને મધ્યમાર્ગ કેળવાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 615

શિસ્ત વિનાનું જીવન એ લગામ વિનાના ઘોડા જેવું અથવા બ્રેક વિનાની મોટર જેવું ભયાનક છે. જન્મસિદ્ધ હક્ક એ મનઃસિદ્ધ હક્ક ન બનવો જોઇએ. એક અપેક્ષાએ આજ્ઞા કરનાર કરતાં આજ્ઞા પાળનાર વધુ મહાન છે. શિસ્ત કે આજ્ઞાપાલન એ વિકાસને રૂંધનારા નહીં પણ વિકાસને સાધનારા છે. સાચું સ્વાતંત્ર્ય યોગ્યની પરતંત્રતામાં છે. જીવનમાં સાચા ઘડતર માટે શિસ્ત - આજ્ઞાપાલન અનિવાર્ય શરત છે. મોહજનિત પારતંત્ર્યમાંથી છૂટવા માટે વિવેક - વિવેકીની પરતંત્રતામાં રહેવું જોઈએ. વિજ્ઞાનનો સાર એ સત્યની શોધ છે, એટમબોમ્બ કે યંત્રવિદ્યા નહીં. વિજ્ઞાનની સાચી ભક્તિ સત્યની ખોજમાં છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 616

વ્યવહાર, આચાર અને જ્ઞાનનો સમન્વય કરવામાં આવે તો મૈત્રીભાવનો ઘણો જ વિકાસ થાય. આજે તેનો સમન્વય કરવાનો સમય પાકી ગયો છે. ભૂતકાળ ભૂલીને અને પક્ષપાત છોડીને સર્વ સાથે સમન્વય કરવો, એ આજે અત્યંત આવશ્યક છે. ક્ષમા એ વિશ્વમૈત્રીનો સંદેશ છે. ક્ષમાથી હર્ષ-પ્રમોદ-ઉલ્લાસ પેદા થાય છે અને એકબીજા વધુ નિકટ આવે છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ મનુષ્યની સૌથી મોટી શક્તિ છે. વિશ્વાસ એ વિશિષ્ટ શ્વાસ છે - અવિશ્વાસ એ શ્વાસવિહીન મૃત્યુ છે. જેને પોતાના આત્મા ઉપર જ વિશ્વાસ નથી, તે આ સંસારમાં બીજા કોઈનો ય વિશ્વાસપાત્ર બની શકતો નથી, સહયોગી યા સાથી બનવાને લાયક પણ રહેતો નથી. જેમ ધ્યેયહીન માણસોને શાંતિ નથી, તેમ ગજા બહારનું ધ્યેય રાખનાર પણ દુઃખી થાય છે, ધ્યેય પાછળ સમજ્યા વિના પ્રયત્ન કરનાર અને ધ્યેયને નક્કી કરી આરામ કરનાર પણ દુઃખી થાય છે, માટે ચકોર રહેવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 617

માટીનું ઢેફુ અને કોહિનૂર - બંને જડ છે, પણ કોહીનૂરનું મૂલ્યાંકન કરનાર મનુષ્યની આંખ છે. એ આંખ સ્વયં તો સીમાબદ્ધ છે, કિન્તુ તેની પાછળ રહેલું જીવનું ચૈતન્ય નિઃસીમ છે. સર્વ શક્તિઓનું એ જ અધિષ્ઠાન છે. જે રીતે સુકાયા વિના જળબિંદુ ઊંચે ચઢતું નથી, દટાયા વિના બીજ ઊગતું નથી અને ટીપાયા વિના મૃણમય કુંભ ઘડાતો નથી, એ રીતે દુઃખ એ આપણા બહુમૂલ્ય વિકાસ માટેનું મહારસાયણ છે. દેહરક્ષણ માણસને ચમાર બનાવે છે, કિન્તુ બ્રહ્મચિંતન માણસને બ્રાહ્મણ બનાવે છે. જગતની પરંપરા માનસિક છે - મન:કલ્પિત છે, તે મનથી કલ્પેલા રત્નમય મંદિર જેવી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 618

જેમ ગઈકાલના દુરાચરણનો દોષ આજના સદાચરણથી ટળે, તેમ ગત જન્મમાં કરેલાં કર્મોનું ફળ આ જન્મના કરેલાં શુભ કર્મોથી નષ્ટ થઈ જાય છે. માણસનું ચિત્ત બાળક જેવું છે. તેને ધીમે ધીમે સમજાવીને સારે રસ્તે વાળવું જોઈએ. માણસ પ્રકૃતિ, શરીર અને મનનો દાસ છે, ત્યાં સુધી સંસારવૃક્ષ તેને આપત્તિઓનું મૂળ જણાય છે. આત્માનુસંધાન થયા બાદ આ સંસાર તેને ભ્રમણ નહીં પણ રમણનું સ્થાન તથા ક્રીડા - લીલાનું ક્ષેત્ર દેખાય છે. વિવેકબુદ્ધિ એટલે નિર્ણય કરનારી શક્તિ. સંયમ માટે નિશ્ચય જોઈએ, નિશ્ચય માટે વ્રત જોઈએ. વ્રતનો સંબંધ પુણ્ય - પાપ સાથે નથી, સંયમ સાથે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 619

અજ્ઞાનપાશથી બદ્ધ તે પશુ, તે બંધનને કાપવામાં તત્પર, તે વીર અને અજ્ઞાનરજ્જુને કાપી પ્રભુમાં પોતાની સત્તાને લીન કરી ચૂકનાર તે દિવ્ય આત્મા ગણાય છે. સત્યને પ્રાપ્ત કરવાના બે ઉપાય છે: એક યોગજ સમાધિ અને બીજો ઉપાય તે મંત્રસાધના. સવિગ્રહ યોગમાં મૂર્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાય છે, પછી ચક્રોનું ધ્યાન કરવાથી અંતમાં બ્રહ્મરંધ્ર ખૂલી જાય છે. સંપૂર્ણ વૃત્તિઓનો ક્ષય થયા પછી જે સ્વરૂપ અવસ્થિત રહે છે, તે આત્મા છે. યોગ દ્વારા આત્મા પોતાના સચ્ચિદાનંદ સ્વભાવથી પરિચિત થાય છે. વૈરાગ્ય એ રાગને ફક્ત સંયમિત કરે છે, રાગનો નાશ એનો હેતુ છે જ નહીં.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 620

વિકલ્પભર્યા વિચારો શાંત થતાં જ ચેતના એના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. માનવપ્રકૃતિ રાગાનુરાગી છે, વિરગાનુરાગી નથી. તેથી ભક્તોએ રાગાત્મિકા ભક્તિને વિકસાવી છે. જગતના ભ્રમનું નિવારણ કરવા માટે કેવળ ભગવાનની કૃપા જ સહાયક બની શકે છે. માયા નર્તકી છે અને ભક્તિ ભગવાનની પટ્ટરાણી છે. ભક્તિમાર્ગને અપનાવનારની આગળ માયારૂપી નર્તકી ટકી શકતી નથી. જ્ઞાની એ ભગવાનનો મોટો દીકરો છે તથા ભક્ત એ તેનો નાનો બાળક છે, તેથી તેની રક્ષા માટે ભગવાન સ્વયં પ્રયત્નશીલ રહે છે. માયા સ્વયં સ્ત્રી છે તેથી તેનો પ્રભાવ જ્ઞાનરૂપી પુરુષ ઉપર તો પડે છે પણ ભક્તિરૂપી સ્ત્રી ઉપર પડી શકતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 621

દુઃખ એ સુખનો પ્રકાશ કરવા જ આવે છે. સુખ-દુઃખ બંને જલબુદબુદવત્ છે, એ બે ની સમરસતાનો અનુભવ એ જ વાસ્તવિક જીવનની ઝાંખી છે અને એના અભાવમાં ચારેકોરનો કોલાહલ છે. સુખ-દુઃખમાં સામરસ્ય આવવાથી કેવળ આનંદમૂર્તિ બનાય છે! સમરસતા જ શાશ્વત આનંદનો માર્ગ છે. ૧. દેહાનંદ ભોગવવા શરીરબળ જોઈએ. ૨. જ્ઞાનાનંદ ભોગવવા બુદ્ધિબળ જોઈએ. ૩. ક્લાનંદ ભોગવવા ભાવનાબળ જોઈએ. ૪. કર્મફળ ભોગવવા સંકલ્પબળ જોઈએ. ૫. સ્વાનંદ કે ભાગવતાનંદ ભોગવવા આત્મબળ જરુરી. આત્મશક્તિનો વિકાસ કરવાનો જે અભ્યાસ છે તેને 'આનંદસાધના' કહી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 622

પ્રાણ કરતાં ભાવના શ્રેષ્ઠ, ભાવના કરતાં વિચાર શ્રેષ્ઠ, વિચાર કરતાં તેમાંથી જે શ્રદ્ધા કે નિષ્ઠા નિર્માણ થાય છે, એ શક્તિનું અત્યંત સૂક્ષ્મ અને વિલક્ષણ પ્રભાવવાળું સ્વરૂપ સમજવું. દુનિયા આખી પોતાની પાસે જે નથી, એનો વલોપાત કરે છે, નરી બાદબાકી કર્યે જાય છે. સરવાળો કરવા જેવું જે ઘણું હાથવગું છે, એની સામે તો આપણે નજર સુધ્ધાં આપણે કરતા નથી. કુદરતે આપણને બે સરસ આંખો, હાથ, પગ, મગજ, તંદુરસ્તી - કેટલું બધું આપ્યું છે? ઘણા અંધ છે, પંગુ છે, પાગલ છે, બીમાર છે, એ બધાને મુકાબલે આપણે કેટલા સુખી છીએ, એ રીતે કદી વિચાર્યું છે? જિંદગી ખૂબ જ જીવવા જેવી છે. દુઃખનો અનુભવ તો પારસમણિ જેવો છે. એના સ્પર્શે જ તો સુખની કદર કરવાની સૂઝ સૌને સાંપડી શકે છે. દુઃખ નહીં હોય તો ઝઝૂમશું શેની સામે? અને એવા ઝંઝાવાતોનો સામનો કરવા માટે દીન-દુ:ખીયાની દુઆ મેળવવા પ્રયત્ન પણ કોણ કરશે? બીજાનું દુઃખ અનુભવવાની આંતર નજરમાંથી આપણાં નાનાં નાનાં સુખની કદર કરવાની વૃત્તિ કેળવાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 623

ભગવાનનો એક અંશ માણસ માત્રમાં હોય છે. ભગવાનનો અંશ એટલે ગુણ. આપણા બધામાં જ એકાદ ગુણ હોય છે અને બાકી અનંત દોષ હોય છે, જે ધીરે ધીરે કઈ રીતે વિદાય લઈ શકે, તે સમજવા માટે જ શાસ્ત્રો છે. દોષ દેહ સાથે જોડાયેલા છે. દેહ જવાનો છે, તેની સાથે દોષ પણ ચાલ્યા જશે. આત્મા કાયમ રહેવાનો છે અને ગુણ આત્મામાં રહે છે, તેથી ગુણ શાશ્વત રહેશે. ગમે તે પરિસ્થિતિમાં શ્રદ્ધાના કેન્દ્રને છોડવું ન જોઈએ. શ્રદ્ધાનું ક્ષેત્ર અપરિમિત અને અનંત છે, જ્યારે તર્ક-યુક્તિ-પ્રયુક્તિઓ તો અધવચ્ચે જ પાણીમાં બેસી જાય છે અને વ્યક્તિને ભ્રમમાં નાંખી માર્ગભ્રષ્ટ પણ કરે છે. ચૂપ રહેવું ભલું કેમકે એનો ઓછામાં ઓછો લાભ નિર્ભયતા તો છે જ. લવલવાટ કરવાથી બચવું કેમકે તેનું નાનામાં નાનું નુકશાન અપમાન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 624

કોઈપણ મનુષ્યનું ચિત્ત સંપૂર્ણપણે શુદ્ધ અને સાત્વિક બની જાય છે, ત્યારે નજીક અને ભવિષ્યનાં બનનારા બનાવોનો પ્રકાશ એવા મનુષ્યના ચિત્તમાં પડે છે. એ જ્ઞાન મુજબ તેઓ કહે છે, ત્યારે તેમનાં બોલવા પ્રમાણે બનતું જોવામાં આવે છે, તેને લોકો 'ચમત્કાર' કહે છે. એમ તો દૈવયોગે જે બનવાનું હોય, તે જ બને છે. કોઈ ચમત્કારિક શક્તિ વડે તેમાં ફેરફાર થાય છે, એવું હોતું નથી. જ્ઞાનની તીક્ષ્ણતા તે ચારિત્ર, જ્ઞાનની એકાગ્રતા તે ધ્યાન અને જ્ઞાનની તન્મયતા તે નિર્મળ આનંદ છે. માનસિક શુદ્ધિ ન સધાતી હોય, ચિત્તમાંથી કલેશ નિર્બળ ન બનતા હોય, તો કઠોરતમ તપ અને બાહ્યાચારનું મૂલ્ય નહિવત છે અને જો અંતઃશુદ્ધિ સધાતી હોય, તો તે માટે ગમે તેટલો કષ્ટકારી પણ બાહ્યાચાર ઉપયોગી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 625

આખી જીવસૃષ્ટિ સાથે એવા પ્રકારનો જ સંબંધ કેળવવો કે જેથી ચિત્તમાં કલેશ ન વધે અને જો તે હોય, તો જુના ક્લેશો ક્ષીણ થાય. પૂર્ણ આદર્શ હંમેશા અસિદ્ધ જ રહે છે, છતાં એની પ્રેરણા જ વ્યવહારૂ અમલમાં પ્રાણદાયી નિવડે છે અને વ્યવહારમાં માણસને ઉત્તરોત્તર આગળ વધારે છે. માણસ પોતાના પ્રત્યે બીજાની પાસેથી જે અને જેવા વ્યવહારની અપેક્ષા રાખે, તે અને તેવો જ વ્યવહાર તેણે બીજા પ્રત્યે આચરવો, એ અહિંસાનું વ્યવહારિક દ્રષ્ટિબિંદુ છે. સમદ્રષ્ટિ દ્વારા જ પ્રકૃતિના આસુરી બંધારણ તરફથી દૈવી સ્વરૂપ તરફ આગળ વધાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 626

પ્રબળમાં પ્રબળ ઉત્તેજક સંયોગો વચ્ચે પણ અહિંસક આત્મા અક્ષોભ્ય રહી શકે છે., કેમકે અહિંસા એ આધ્યાત્મિક ચેતનાની ઉચ્ચ ભૂમિકા છે. કસોટીમાં દેખાતી નિષ્ફળતા એ સદગુણો વિકસાવવાની અયોગ્યતાનું કાંઈ છેલ્લું પ્રમાણપત્ર નથી, એ તો એ દિશામાં વધારે સાવધાન થવાની એક સુચનામાત્ર છે. 'અજ્ઞાન અને સંકુચિતતાની જગ્યાએ ઉદારતા અને જ્ઞાન સ્થપાય તો સમાજ સુખી થાય' આજે એ વિચાર પણ નાસ્તિક અને મિથ્યાદ્રષ્ટિપણામાં ખપવા લાગ્યો છે! આવેશ હોય, ત્યાં ધીરજની આશા રાખવી ઘણીવાર વ્યર્થ હોય છે. આવેશના સ્થાને ધૈર્ય અને સંકુચિતતાના સ્થાને ઉદારતા લાવવી હોય, તેણે પોતાના માટે કડવા શબ્દો વચ્ચે પણ તે બે ગુણ કેળવવા જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 627

સામાના આવેશયુક્ત કથનમાં પણ જો સત્ય હોય તો તેને પચાવવાની ઉદારતા દાખવવી અને પોતાના વિચારમાં સત્ય હોય તો પ્રચંડ વિરોધ વખતે પણ ગમે તેટલું જોખમ ખેડીને નમ્ર ભાવે સત્યને જ વળગી રહેવું. આ રીતે વિચારવા અને વર્તવામાં આવે તો શબ્દની કઠોરતાનું ઝેર પણ ઓછું થઈ જાય અને શાંતિનું વાતાવરણ સર્જી શકાય. હતાશા, નિરાશા અને અસહાયતાનો નિરાસ કરવા માટે એક જ શબ્દ બસ છે: 'welcome'. કોઈપણ પ્રસંગ બને - પછી તે સારો હોય કે નરસો, અનુકૂળ હોય કે પ્રતિકૂળ, તેને welcome શબ્દથી આવકારવામાં આવે તો તેનું આસક્તિ કે અણગમાનું, રાગ કે દ્વેષનું, હર્ષ કે ખેદનું ઝેર ત્યાં જ ઓસરી જાય. બધા સદગુણો એ પ્રેમરૂપી બીજનાં જ અંકુર, પલ્લવ અને પુષ્પો છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 628

ક્રોધ અને લોભની ઉત્પત્તિ પણ એક અપેક્ષાએ તો કોઈ વસ્તુના પ્રેમમાંથી જ થયેલી હોય છે, કેમકે વિરોધી વૃત્તિઓમાં પણ પ્રેમનો અંશ તો પડેલો જ હોય છે. એક વસ્તુ પ્રત્યે પ્રેમ થયો, તેને વધારે પડતી ત્વરાથી સિદ્ધ કરવાની ઉતાવળમાં આડે આવતાં તત્ત્વ પ્રત્યે ક્રોધ થઈ આવે છે. આવે વખતે ધીરજ અને સમજણ કેળવવામાં આવે તો પ્રેમનો આવેગ ક્રોધ અથવા આવેશનું રૂપ ન લેતાં પ્રેમરૂપ કે સમત્વરૂપમાં પલટાઈ જ જાય છે. પ્રેમતત્વ એ સત્ય, શિવ, સુંદર છે. ક્રોધ - લોભ જેવી વૃત્તિઓની સતત કસોટીમાંથી ક્ષેમંકર રીતે પસાર થવામાં જ પ્રેમનું પ્રેમતત્વ છે. આકરી કસોટીમાંથી જ પ્રેમતત્ત્વનો વિકાસ - વિસ્તાર થાય છે. 'હું સર્વત્ર સૌમાં છું, સૌ મારામાં છે, અમે બધા સમાન છીએ' એ પ્રેમ કે ભાવના વિના અહિંસા સિદ્ધ થઈ શકતી જ નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 629

અહિંસા એ પ્રેમની નિષેધ બાજુ છે અને દયા એ તેની ભાવાત્મક બાજુ છે. સાચી અહિંસામાં દયા અને સાચી દયામાં અહિંસા ન સમાય, એ બને જ નહીં. 'આધ્યાત્મિકતા' એટલે વ્યક્તિગત જીવનમાં રહેલાં દોષો અને કુસંસ્કારોને નિવારવા તે. નિર્વૃત્તિ માર્ગનો સાચો અર્થ બીજાનો બોજ પોતાની ઉપર લેવો અને પોતાનો બોજ બીજા ઉપર ન નાંખવો તે. ૧. કઈ ચીજ એવી છે કે જે વધે જાય છે? *તૃષ્ણા* ૨. કઈ ચીજ એવી છે કે તે ઓછી થતી જાય છે? *આયુ* ૩. કઈ ચીજ એવી છે કે વધતી-ઘટતી નથી? *સંસાર* ૪. કઈ ચીજ એવી છે કે જે વધે-ઘટે છે? *મોહ*. સુખનો આધાર સંજોગો ઉપર નથી, પણ ઘટનાઓ પ્રત્યેના આપણા પ્રત્યાઘાતો ઉપર છે એટલે સુખી થવું એ આપણા જ હાથની વાત છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 630

જ્યાં અરસપરસ લાગણી છે, ત્યાં ધર્મ છે. જ્યાં ધર્મ છે, ત્યાં સાચું સુખ છે. ગરીબને અન્ન અને ધન મેળવવાની ચિંતા છે, ધનવાનને અન્ન અને ધન અનુક્રમે પચાવવા અને ટકાવવાની ચિંતા છે. ...પણ સાચી ચિંતા તો દરેકના આત્માને સત્ય રુપી ધનથી સમૃદ્ધ કરવાની અને તેને પચાવવાની હોવી જોઈએ! દેહ ધારણ કરવો, શ્વાસોચ્છવાસ લેવા, જ્ઞાનેન્દ્રિયથી જાણવું, કર્મેન્દ્રિયથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી પણ મન અને ચેતનની જુદી જુદી ભૂમિકાઓમાં સૂક્ષ્મ - સૂક્ષ્મતર જે સંવેદનો છે, તેને અનુભવવા, તે જ સાચું જીવન છે. માણસનો સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્ધા મક્કમપણું અર્પે છે, પરંતુ એ બંને સાથે જો ભૂલથી પણ આસુરીભાવ ભળે, તો અંશ સત્યમાં ય પૂર્ણ સત્ય જોવાની ફરજ પડે છે, જે અનિષ્ટ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 631

‘પ્રત્યેક પ્રતીતિ આંશિક હોય છે. તેને જો સંપૂર્ણતાનું નામ આપવામાં આવે, તો તે અસત્ય છે.’ એ વાતને સમજવાથી આપણે આપણી પોતાની વાતને વળગી રહેવા છતાં બીજાને અન્યાય કરનારા નહીં બનીએ અને તેમ કરી બીજાને પણ અન્યાયમાં ઉતરવાની પરિસ્થિતિથી બચાવી લઈ શકીએ. સત્યને વફાદાર રહેવા માટે જરૂરનું એ છે કે તેની હોય તેથી વધારે કિંમત આંકી અંધશ્રદ્ધા ન ખીલવવી અને હોય એથી ઓછી કિંમત આંકી અશ્રદ્ધા કે નાસ્તિકતા પણ ન દાખવવી. પાપ કે પુણ્યને કરવા કરતાં કરાવવામાં અને સંમતિ દેવામાં વધુ દોષ કે ગુણ રહેલા છે. એક ઉદારતા છે વિરોધી કે ભિન્ન ધ્યેયવાળા પ્રત્યે તટસ્થતા કેળવવાની અને બીજી ઉદારતા છે પોતાના આદર્શને મહાન બનાવવાની. આદર્શ મોટો જ બનાવો. જો તેમ બને તો પછી તો તેને સિદ્ધ કરવા માટે જ આપણી સઘળી શક્તિ ખર્ચાય છે તથા કલેશ - કંકાશ માટે સમય ફાજલ રહેતો જ નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 632

પ્રયત્નના આરંભની ક્ષણથી સમાપ્તિની છેલ્લી ક્ષણ સુધીની અખિલ પ્રયત્નધારા એને જ ફળ માનવું, નહીં કે પ્રયત્નને અંતે તેનાથી નિષ્પન્ન થતું માત્ર ફળ! જીવન શું છે? તેનો સમાજ અને વિશ્વ સાથે શું સંબંધ છે? તે વિચારવું અને એ વિચાર્યા પછી જે સંકુચિતતાઓ અને સ્વાર્થ જણાય, તેને દૂર કરવા માટે યથાર્થ પ્રયાસ કરવો, તે જ ‘જીવનશુદ્ધિ’ કહેવાય છે. ધાર્મિક શિક્ષણમાં ગોખણપટ્ટીનું સ્થાન સમજશક્તિ અને કલ્પનાશક્તિ લે, તો સમય અને શક્તિ વેડફાતાં અટકે છે. રાગ એ કઠોર છે, જ્ઞાન એ કોમળ છે. કઠોરતાનો નાશ કોમળતા વડે થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 633

મરણને જાણનારો કદી પોતે મરતો નથી. એ જાણે છે કે દેહ આવ્યો અને ગયો, આત્મા તો એ નો એ જ રહ્યો. આત્માને આત્માનો વિયોગ કદી હોય નહીં. શરીરના વિયોગે કદી પણ આત્માનો વિયોગ થતો નથી. પ્રતિકૂળતામાં ક્રોધ કરવો, એ ઉપાય નથી પણ શાંતિ એ જ દુઃખથી બચવાનો ઉપાય છે. જગતનો કોઈ શત્રુ તારી શાંતિને હણવા સમર્થ નથી, તો તે શાંતિને તું પોતે જ કેમ ક્રોધ વડે હણે છે? પ્રતિકૂળતાનો પ્રસંગ આવતાં સામી વ્યક્તિ ઉપર જે ક્રોધ કરે, એ સાચું કહું તો ક્રોધ વડે પોતાના જ ઘરની શાંતિને બાળે છે. ક્રોધાગ્નિને બુઝાવીને પોતે પોતાના શાંત સ્વભાવમાં રહે, તો તેને નુકશાન કાંઈ જ થાય નહીં અને પોતાની આત્મિક શાંતિ પણ જળવાઈ રહે. નીંદક પ્રત્યે ક્રોધના સ્થાને કરુણા અને આંખમાંના અગ્નિની જગ્યાએ અશ્રુ આવે, ત્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે, એવો નિશ્ચય કરી શકાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 634

જે માણસ સદા યે પોતાનું જ વિચારે છે, પોતાના અહંકારનો જ જય થાય... તે માટે મથે છે, તે સ્વાર્થી માણસના મનમાં પ્રેમનો ઉદય થતો નથી, ત્યાં પ્રેમનો સૂર્ય સદાયે વાદળોથી ઘેરાયેલો જ રહે છે. સ્વાધીન થયા વિના સ્વાધીન એવા પ્રભુ સાથે સંબંધ જોડી ન શકાય. તેથી જ ત્યાગ સાથે પ્રેમને અત્યંત નિકટનો સંબંધ છે. પ્રકૃતિના તાત્કાલિક હેતુઓ આપણે સમજી શકીએ નહીં, તો પણ જો તેના અંતિમ હેતુમાં શ્રદ્ધા હશે, તો તાત્કાલિક હેતુઓ પણ ભવ્ય અને સમૃદ્ધ લાગશે. માનસવિજ્ઞાન કહે છે કે: ભાવનામાં પ્રચંડ શક્તિ છે. હૃદયની ભાવનાથી મોટી કોઈ તાકાત આ દુનિયામાં નથી. એવું ઘણું છે જેની આપણે માત્ર ભાવના જ રાખી શકીએ છીએ પણ એ ભાવના દ્વારા આપણા વ્યક્તિત્વનું મૂલ્ય ઘણું જ વધે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 635

અસહ્ય ભૂખ પછી જે ખાય, શ્રમ કરીને જ્યારે અસહ્ય તરસ લાગે, પછી પાણી પીએ અને અસહ્ય થાકથી જે ઊંઘે, તે જ ખરું જીવન જીવે છે. માનવજીવનનું પરમ ગૌરવ, વિશ્વનો અંતિમ હેતુ, પ્રકૃતિના અસ્તિત્વનો પરમ અર્થ છે: ચિત્તની પ્રસન્નતા. તેનો ઉપાય એક જ છે અને તે છે આત્મસમદર્શિત્વ - અર્થાત્ સર્વ જીવો આત્મસમાન! જે પોતાનો વિચાર કરે, તે સ્વાર્થી છે, જે પરિવારનો વિચાર કરે તે સ્વાર્થી તથા પરાર્થી બંને છે. જે સમસ્ત સંસારનો વિચાર કરે તે પરમાર્થી છે. સ્વાર્થ જ વ્યાપક થઈને ધીમે ધીમે પરમાર્થ બની જાય છે. 'સંસાર દુઃખરૂપ નથી લાગતો' તેનો અર્થ એ નથી કે આપણે સંસારમાં દુઃખો જોયા જ નથી. પ્રશ્ન એ જ છે કે સંસારમાં ક્ષણે ક્ષણે નિરંતર અગ્નિના ચાબખા અને સર્પ-વીંછીના ઝેરી ડંખો સમા દુ:ખો આવ્યા જ કરે છે - લાગ્યા જ કરે છે, છતાં આપણને સંસારમાં સુખ જ શોધવું છે અને તે દુઃખરૂપ કેમ નથી લાગતો?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 636

અતિ કઠોર શાસનથી માનવનું વ્યક્તિત્વ છુંદાય છે, પરંતુ વૃત્તિઓ જ્યારે ખરેખર ઉર્ધ્વીકરણ પામે છે, ત્યારે વ્યક્તિ આત્મપ્રસન્નતા અનુભવે છે. સાહજીક વૃત્તિઓ જો રચનાત્મક પ્રવૃતિઓમાં વળી શકે તેવા સંયોગો ઉભા થાય, તો જ ઉર્ધ્વિકરણના ધ્યેય તરફ પ્રગતિ સધાય. ઉર્ધ્વિકરણમાં શુદ્ધ આત્માભિવ્યક્તિનો ઉલ્લાસ રહ્યો છે. એ ઉલ્લાસ કવિઓએ કાવ્યમાં, કલાકારોએ ચિત્રમાં, નૃત્ય કે સંગીતમાં રજૂ કર્યો છે તથા લેખકોએ પોતાની કૃતિઓમાં અનુભવ્યો છે. ત્યાગ અને સંયમનું ધ્યેય ઉચ્ચતર જનકલ્યાણ તથા આત્મકલ્યાણની ભાવનામાં રહેલું છે. સંયમનું ધ્યેય માત્ર સંયમ જ ન હોઈ શકે પણ ઉચ્ચતર જનકલ્યાણની ભાવના હોવી જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 637

જેમાં પ્રારંભમાં સુખ અને પછી દુઃખ હોય, તે પ્રેમ છે. જેમાં પ્રારંભમાં દુઃખ અને પછી સુખ હોય, તે શ્રેય છે. આજે ચાહવા માટે જેટલી પણ ચારુ પળ છે, તેટલી પળ વઢવા માટે નથી. પ્રેમથી જીવી બતાવે તેનું જીવન, બાકીનાનું તો માત્ર પોપટકવન. બુદ્ધિ આંધળી છે, લાગણી દેખતી છે. બુદ્ધિ વિવેચક છે, લાગણી વિવેકી છે. બુદ્ધિ દરિયા માપી શકે છે, લાગણી દુઃખ માપી શકે છે. બુદ્ધિ હકીકતને સ્પર્શે છે, લાગણી સુખ-દુઃખને સ્પર્શે છે. લાગણીશૂન્ય બુદ્ધિ સુખવૃધ્ધિ કે દુઃખહાનિમાં ક્યાંય કરતાં ક્યાંય ઉપયોગી નથી! પુણ્ય કરનાર માનવો પ્રતિ પ્રીતિની ભાવના અને પાપ કરનાર પ્રત્યે ઉદાસીન વૃત્તિ ધારણ કરવાથી પુણ્યમાં પ્રીતિ સધાય છે અને પાપમાં ઉપેક્ષા સધાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 638

પ્રાર્થના વડે આત્માની જ્યોતિ સાથે આપણું ચિત્ત જોડાય છે. રોજ ત્રણે સંધ્યાએ ચિત્ત શાંત કરી ઈશ્વરની મહાન શક્તિના વિચારમાં પોતાના મન અને બુદ્ધિને સ્થિર કરવા અને સર્વના કલ્યાણની માંગણી કરવી, તે જ સાચી પ્રાર્થના છે! પોતાના માટે કરવામાં આવે, તે સકામ કર્મ અને બીજાને માટે કરવામાં આવે તે નિષ્કામ કર્મ. માણસ ગમે તેટલો જ્ઞાની-તપસ્વી હોય, છતાં તેનામાં પ્રચ્છન્નરૂપે 'અહં' તો વસેલો જ હોય છે. જે કાંઈ છે, તે વર્તમાન - વિદ્યમાન છે. સત્યનો અર્થ જ વર્તમાન છે. નિત્ય એટલે સદા વર્તમાન. વર્તમાનને પ્રાપ્ત કરવાનું છે, એ ભ્રમણા છે. જે સદા પ્રાપ્ત જ છે, તે પ્રાપ્તવ્ય કેવી રીતે?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 639

દુઃખી જીવો પ્રત્યે અત્યંત દયાવાન અને ગુણવાન પ્રત્યે અત્યંત દ્વેષરહિત બનવું. સદગુણોમાં સર્વ પ્રથમ ગુણ તરીકે 'દયા' છે. ચરમવર્તની પ્રાપ્તિ કરાવનાર પણ તે અનુકંપા જ છે. ધર્મના બધાં જ આલંબનોને કે નિમિત્તોને સામે હાજર કરનાર, બધી જ અવસ્થાઓમાં માતાની જેમ પાલન કરનાર, પત્નીની જેમ બધાં જ સુખોને આપનાર, રોકડ નાણાંની જેમ સર્વત્ર સાથે રહેનાર, રસાયણની જેમ પુષ્ટ કરનાર, મોક્ષનું અવંધ્ય કારણ અને મોક્ષ પછી પણ જેના વડે બધાને મોક્ષ તરફ આકર્ષનાર કોઈ હોય, તો તે 'દયા' જ છે. દયા એ બધા ગુણોનો અર્ક - નવનીત છે. માનવીનો ખરો સ્વભાવ તે નાના-નાના રોજના કાર્યો કેવી રીતે કરે છે, તેમાંથી પારખી શકાય છે, પછી લાગણીના આવેશમાં ભલેને તે મહાનમાં મહાન કાર્યો પણ કરી શકતો હોય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 640

ધૃણા કરવી હોય તો તમારા પોતાના જ બજો દુષ્કૃત્ય થયાં હોય, તો તેની જ કરજો, બાકી તો સર્વત્ર પ્રેમ જ પ્રેમ વરસાવજો. અન્ય મિત્રો અને પરિચિતો તરફથી મળતી પ્રશંસા તથા encouragement કે પ્રેરણા એ પરમ ઔષધરૂપ છે. એથી આ કાળમાં દુર્લભ એવી શાંતિ અને આત્માનંદનો ધોધ અનુભવી શકાય છે. એ પ્રેરણા સૌમાં પ્રસરાવજો! કર્મ કરવું અને પછી એ કર્મના ફળનો ત્યાગ કરવો, બસ! એ જ તાત્વિક સંન્યાસ છે. વિજ્ઞાનવાદની દ્રષ્ટિએ જગત વિજ્ઞાનનું જ રૂપ છે. દૃષ્ટિમાંથી જ સૃષ્ટિ નિર્માણ થાય છે. જ્યારે વિજ્ઞાન બહિર્મુખ વૃત્તિવાળું બને, ત્યારે એ સંસાર છે અને તે જ વિજ્ઞાન જ્યારે અંતર્મુખ બને છે, ત્યારે મોક્ષ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 641

ઈશ્વરનો અને અન્ય સર્વ જીવોનો ઉપયોગ પોતાનાં જ સુખ અને પોતાની જ સગવડ માટે જ ઈચ્છવો અને કરવો અને બીજાનો વિચાર સુદ્ધાં ન કરવો, એના જેવી મૂઢતા, અંધતા કે જડતા બીજી એક પણ નથી. જે માણસ સદા યે પોતાના અહંકારનો જ જય થાય, તે માટે મથે છે, તે સ્વાર્થી માણસના મનમાં પ્રેમનો ઉદય થતો નથી, ત્યાં પ્રેમનો સૂર્ય સદાયે વાદળાઓથી ઘેરાયેલો જ રહે છે. સ્વાધીન થયા વિના સ્વાધીન સાથે સંબંધ જોડી ન શકાય, તેથી જ ત્યાગ સાથે પ્રેમને અત્યંત નિકટનો સંબંધ છે. ત્યાગ અને સંયમનું ધ્યેય ઉચ્ચતર જનકલ્યાણ તથા આત્મકલ્યાણની ભાવનામાં રહેલું છે સંયમનું ધ્યેય સંયમ નહીં પણ ઉચ્ચતર જનકલ્યાણની ભાવના જ હોવી જોઈએ. પ્રભુનું નામ લેવાથી પ્રભુ માને છે કે નામોચ્ચાર કરનાર મારી સાથે એક થવા માગે છે, તેથી ભગવાન તેવા ભક્તને મુક્તિ આપે છે. પોતાને ખુદને બદલ્યા વગર બીજાઓ બદલાઈ જાય, એવી આકાંક્ષા અયોગ્ય અને અસામાજિક છે. આપણા પ્રત્યેક વિચારમાં પ્રકૃતિનું સત્ય પરોવાઇ જવું જોઈએ, તેનું નામ - *Subtle Receptivity*.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 642

*સવારે પાંચ વાગ્યે ઉઠવું અને નવ વાગે જમવું. સાંજે પાંચ વાગ્યે વાળુ કરવું અને નવ વાગ્યે સૂઈ જવું.* આવા જીવનક્રમથી નેવું અને ઉપર નવ વર્ષનું જીવન જીવાય છે! જો આખો સમાજ પ્રભુનામનો નિહિત રીતે જાપ કરે, તો સમાજનો ખોવાયેલો - દુભાયેલો જગદાત્મા આપણને પરત મળી જશે. જગતમાં પુણ્ય અને પાપ બંને એક્કી વખતે થતાં હોય છે, પ્રભુનું નામજપ જો પ્રેમપૂર્વક થાય, તો તેનાથી ખોવાયેલા આત્માનું દર્શન થાય છે. *'જીવન્મુક્તિ'* એટલે જીવતાં જ મરવાની કલા. માણસ ગમે તેટલો જ્ઞાની - તપસ્વી હોય છતાં એનામાં પ્રચ્છન્નરૂપે *'અહં'* વસેલો જ હોય છે અને એ *'અહં'* એને જાણવા છતાં અજાણ્યો બનાવે છે. સદ્ગુણોમાં સર્વ પ્રથમ ગુણ તરીકે *'દયા’* કે કરુણા છે. સ્વભાવને અનુકૂળ સંયોગો હોય, એ જીવ સુખી છે પણ સંયોગોને અનુકૂળ પોતાનો સ્વભાવ ઘડી શકે, એ વધુ સુખી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 643

મન ઉપર આપણું સ્વામિત્વ ન હોય તો પ્રગતિમાં વિઘ્નરૂપ છે પણ જો મન આપણા કાબુમાં હોય તો તે પોતાનું ગુપ્ત રહસ્ય પણ આપણી આગળ પ્રગટ કરી દે છે. *'હું છું'* એવા ભાન વખતે અનુભવાતી નિર્ભયતા એ જ વાસ્તવિક *'સચ્ચિદાનંદ'* ની પ્રતીતિ છે. વાણી વડે જ્ઞાન, ભાષા વડે ભાવ અને શ્રધ્ધા વડે મોક્ષ પામી શકાય છે. સંસાર એ મનુષ્યને મજબૂત કરનાર અને વીરત્વનો પાઠ શીખવનાર એક શાળા જ છે, તેમાં રહેતાં રહેતાં જ સંસારની અસારતા સમજવી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 644

પ્રભુના રૂપનું સાચું દર્શન અને પ્રભુના નામનું સાચું જ્ઞાન, જેને જ્ઞાનનું જરાય અભિમાન નથી, એવો માનવી જ કરી શકે છે. મૃત્યુ નવજીવનનું દ્વાર છે, જીવનનો અંત નથી. તે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં લઈ જનાર સીડી માત્ર જ છે. જન્મ અને મરણ એ મુક્તિનાં દ્વાર સુધી પહોંચાડનારા અલગ અલગ પગથિયાં છે. ક્ષમાથી ક્રોધનું, મૃદુતાથી માનનું, સરલતાથી માયાનું અને સંતોષથી લોભનું શમન કરી શકાય છે. *'ભક્તિ* નો અર્થ દાસતા કે પરાધીનતા નહીં પણ એકતા અને અભેદતાની અનુભૂતિ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 645

જે લોકો પોતાની નિંદા કરનારની ઉપર ગુસ્સે થતાં નથી, તેને અઢળક પુણ્ય પ્રાપ્ત થાય છે. નિત્ય ઓછાં થતાં જતાં આયુષ્યને અને નાશ પામતાં પુરૂષાર્થને જે જાણતો નથી, તે દયાપાત્ર છે. બુદ્ધિ એક પ્રકારની શક્તિ જ છે, તેનો સદુપયોગ વિવેકથી થાય છે. બુદ્ધિનો સદુપયોગ થયો ત્યારે જ કહેવાય કે તે વડે અકાર્યનો ત્યાગ અને સત્કાર્યનું જ સેવન થાય. સૌને પ્રેમ કરવો, કેમકે એ આપણને આનંદોલ્લાસથી સફળ બનાવી એકલવાયાપણાંમાંથી મુક્ત કરે છે. સ્વર્ગ, નરક, પાતાળ - ત્રણે લોકને શોધવા અને સમજવાની તાલાવેલી જ્ઞાન જ જગાડે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 646

આત્માની અનંત શક્તિઓ કે જે ગુપ્ત છે, તે દયાળુ મહાત્માઓની સહાયથી જ પ્રાદુર્ભાવ પામી શકે છે. જ્ઞાનયુક્ત મન જ જીવાત્માનો મિત્ર છે અને જ્ઞાનરહિત મન જ જીવાત્માનો શત્રુ છે. પ્રત્યેક વ્યક્તિએ એવો આશય રાખવો જોઈએ કે : *વિશ્વના સુખના સરવાળામાં હું કાંઈક ઉમેરો કરૂં.* જ્યાં સુધી વ્યક્તિ પોતાને બીજાથી ભિન્ન સમજે છે, ત્યાં સુધી સંધર્ષ છે, જ્યારે બીજાની સાથે તે અભેદને સ્વીકારે છે, ત્યારે બધા ક્લેશોનું મૂળ જ નાશ પામે છે. દ્વેષ દુર્ગુણોનો, દયા દુર્ગુણીની, કરૂણા સંસ્કૃતિ પ્રત્યે, ધૃણા વિકૃતિ પ્રત્યે, કૃપણતા શરીરનાં કાર્યો પ્રત્યે અને ઉદારતા આત્માનાં કાર્ય પ્રત્યે હોવી જોઈએ. એક મહિના સુધી કરેલું પુણ્ય અગિયાર મહિના સુધી પાપ કરતાં અટકાવશે. ભક્તિથી આવતી આત્મીયતા સૌથી વધુ દિવ્ય અને ભવ્ય હોય છે. જે ક્ષણે ભક્તિ આવે, પરમાત્મ લગની લાગે, તે જ ક્ષણે આખું વિશ્વ સૌંદર્યમય ભાસે છે. આત્માનું કલ્યાણ કરવું હોય તો આત્માને ઓળખો. જેણે આત્માને ઓળખ્યો એને હથેલીમાં મોક્ષ આવીને મળ્યો સમજો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 647

કૃપણતા, વાસના અને અહંકારથી આપણી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી વળી સર્વનાશ તો ઉપજે જ છે. માનવી બધી વસ્તુનો બુદ્ધિથી પાર પામી શક્તો નથી. બુદ્ધિથી પર એવી ચિત્તની ભૂમિકા છે. તેને સાક્ષાત્કાર યા અનુભવગમ્ય ચેતના પણ કહી શકાય. દુ:ખ અને શોકથી ભરેલાં આ નાશવંત જગતમાં જ્યાં આત્મજ્ઞાનનું અજવાળું થયું, ત્યાં નિત્ય આનંદની બંસી બજ્યાં જ કરે છે. માણસ ન તો માત્ર પુસ્તકોથી જીવે છે, ન રોટલાથી! તેને પ્રેમના શિક્ષણની અને પ્રેમના પોષણની જરૂર છે, એ મોટામાં મોટી વાસ્તવિકતા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 648

બીજાના દોષ સહન કરવાની ટેવ પડે એટલે પોતાના દોષ દૂર થવા લાગે છે. બીજાના ગુણ લેવા અને દોષ સહવા, એ બેમાંથી દોષોના પ્રતિકારની શક્તિ આપોઆપ જ આવે છે. દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે. પ્રત્યેક માણસ પોતાની પાસેનું સર્વસ્વ બીજાને આપી દેવાની વૃત્તિ રાખે, એનું જ નામ સ્વર્ગ અને બીજાનું સર્વસ્વ લૂંટી લેવાની દાનત રાખે, તેનું જ નામ નરક. ઈશ્વરની કોઈ ખાસ જગ્યા હોય તો માણસનું હ્રદય છે. નિયમિત દેવળમાં જનાર જો પોતાના દેહમાં વસેલા દેવની પીછાન નહીં કરી શકે, તો જિંદગી વ્યર્થ જશે. માણસ પાસે કેટલીક ચીજો છે, તે ઉપરથી તે ધનવાન નથી બનતો પણ કેટલીક ચીજો વગર એને ચાલી શકે છે, તે ઉપરથી તેનું ધનવાનપણું માપી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 649

માણસનો એક સંકલ્પ એ હોવો જોઈએ કે: *આ જીવનમાં હું એટલી શક્તિ તો અવશ્ય સંપાદન કરીશ જ કે ગમે તે પરિસ્થિતમાં ય મારા મનની શાંતિ જળવાઈ રહેશે.* શરીરને આરામ, ઈન્દ્રિયોને સુખ, મનને શાંતિ અને આત્માને આનંદ - એ મનુષ્યમાત્રનો જન્મસિદ્ધ હક્ક છે. *જીવનની ચંચળતા ને મૃત્યુની અનિયમિતતા ક્ષણભરે ય વિસરવા યોગ્ય નથી.* જે જાગતો રહેશે, તે જીતશે, જે ગાફેલ બનશે, તે ખોશે. *'મિત્ર'* એટલે જે આપણને ઉતારી ન પાડે, આપણી નિંદા ન કરે, દુ:ખના વખતે આપણને ટકાવી રાખે અને આપણી પ્રગતિથી ખુશ થાય. સાચા માણસને ચિંતા, ડાહ્યા માણસને મુંઝવણ અને બહાદુરને ડર હોતો નથી. એ ત્રણ તો ફક્ત કાયર, મુર્ખ અને જૂઠા માણસને હોય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 650

માણસે બે પ્રસંગે પોતાનું મોં બંધ રાખવું જોઈએ: એક સામાને ગુસ્સો ચડે ત્યારે અને બીજું પોતાને ગુસ્સો ચડે ત્યારે. ઈશ્વરથી વિમુખ થઈને કરાયેલો વ્યવહાર મનુષ્યને રડાવે છે, પરમાત્માને માથે રાખીને કામ કરો તો વિજય તમારો નિશ્ચિત જ છે. જે પુરૂષ ઉત્પન્ન થયેલા ક્રોધના લાલચોળ તેજને પ્રેમ અને સમજ વડે શમાવી શકે, તેને જ તત્વદર્શી પુરૂષો *'તેજસ્વી'* કહે છે. માનવજીવનની સફળતાની માપશીશી તે કેટલું જીવ્યો, તે નહિ પણ કેવું જીવો, એ જ છે. માનવ - માનવ વચ્ચે હ્રદયની નિર્મળ અને નિષ્કામ મૈત્રી જ જીવનનું રસાયણ અને જગતની આશા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 651

વિપરીત સંજોગો જ આપણા જીવને સહનશીલ, નમ્ર, ઉદાર, દયાળુ, નિસ્વાર્થી, વિવેકી થતાં શીખવે છે. માટે તેનો અનાદર ન કરો આગળ વધવા કેવળ સુખને શોધશો નહીં. માણસ કેવા વિચારો - અભિપ્રાયો ધરાવે છે, તેનું મહત્વ નથી, મહત્વ છે તો માણસના ચારિત્ર્યનું, તેના વલણો - વૃત્તિઓનું, તેના વિચારો અને માન્યતાઓના મૂળનું. માણસનું શરીર પોષાય એટલું જ પૂરતું નથી, તેના મન-હૃદય-આત્માને પણ પોષણ મળવું જોઇએ. કોઈ એક માણસ માટેનો પ્રેમ અસલ હોય તો તે કેવળ વ્યક્તિ માટે જ છે, એમ નહીં પણ ખુદ માનવજાતને અને આસ્તિકની ભાષામાં તો ખુદ ઈશ્વરને પ્રેમ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 652

એક વિચાર કે એક વૃતિ પણ જો ઠીક થઈ જાય, તો બીજા વિચારો અને વૃતિઓ તેને અનુસરે છે. માત્ર એક વ્યક્તિ સુધરે તો સમૂહને સુધરવું પડે છે. આપણી ઉપસ્થિતિ બીજાને અનુભવાય અને બીજાની ઉપસ્થિત આપણને ન અનુભવાય, એ જ ભાવના હિંસાનું મૂળ છે. 'જે થઈ રહ્યું છે, તે નહિ... પણ અમે જે ઈચ્છીએ છીએ, તે જ થાઓ' એ અહંકારનું બીજ છે! પોતાના મૃત્યુનો અસ્વીકાર કરીએ અને બીજાના મૃત્યુનો સ્વીકાર કરીએ, તે જ હિંસા છે! આપણે કાયાથી જે કંઈ સારાં કામ કરીએ છીએ, એ પણ એક પ્રકારની શારીરિક પ્રાર્થના છે અને તે ઉત્તમમાં ઉત્તમ પ્રાર્થના છે. આપણા પોતાના વિષે જ વિચારો કરવાનું જ્યાં સુધી તદ્દન છોડી નહિં દેવાય, ત્યાં સુધી સુખ મળશે નહિ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 653

'સુખ કે દુ:ખ - બંને દ્વારા આપણું શુભ જ થવાનું છે' આવો દઢ વિશ્વાસ, તેનું જ નામ ‘ભક્તિ’. તમે જે કમાઓ, તે પ્રામાણિકતાથી કમાઓ. તમે જે ખર્ચો, તે બીજાના ભલા માટે ખર્ચો. દુનિયામાં રહીને ખુદાને મેળવવાનો એ જ સાચો માર્ગ છે. માનવીની ખુવારી કરતાં પણ માનવતાની ખુવારી અકલ્પ્ય હોય છે. હર્ષ - શોક તો પ્રાણ અથવા તો મનના પ્રદેશની બાબત છે. જ્યારે આનંદ તો આત્માનો મૂળ સ્વભાવ જ છે. તમારી વાણી કરતાં પણ તમારૂં કાર્ય જ સુંદર સ્વરૂપ ધારણ કરીને નવું જ ફળ પ્રકટાવશે... પણ સફળતા માટે બોલ્યું કે પાળવું જેટલું મહત્વનું છે, તેટલું જ મહત્વનું છે ઓછું તથા કેવી રીતે બોલવું તે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 654

'બીજા પાસેથી મને શીખવા મળે છે પણ બીજાના જેવો હું થવા માંગતો નથી...' આ વાત જેટલી સમજાશે, તેટલો જલ્દી દુ:ખ અને નિરાશાનો અંત આવી જશે. આપણું જેવું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, તેવું વ્યક્તિત્વ આખા જગતમાં બીજા કોઈનું પણ નથી - એ જ આપણી સૌથી મોટી પૂંજી છે, મૂડી છે, મિલકત છે. જીવનમાં ૪ વસ્તુ અવશ્ય કરવી: (૧) સુખીના સુખની ઈર્ષાનો ત્યાગ. (૨) દુ:ખીના દુ:ખની અપેક્ષાનો ત્યાગ. (૩) પુણ્યવાન પ્રત્યે દ્વેષનો ત્યાગ. (૪) પાપી પ્રત્યે રાગ-દ્વેષ ઉભયનો ત્યાગ. સાચા સુખનો ઉપાય છે બીજાને સુખ આપવું તે. જેમ પગથિયા પાર કરવાનો ઉપાય પગથિયું જ છે, તેમ કર્મની પાર જવાનો ઉપાય પણ કર્મ જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 655

જીવને જ્યાં સુધી દેહની ઉપાધિ છે, ત્યાં સુધી કોઈ પણ પૂર્ણાત્મા ન થઈ શકે. મોટામાં મોટા મહાત્મા પણ અપૂર્ણ જ રહેવાના. મૃત્યુના સમયનું અગાઉથી જ્ઞાન થઈ આવવું, મૃત્યુ સમયે આનંદપૂર્વક મૃત્યુને ભેટવું અને તે વખતે કાંઈપણ દુઃખ - વેદના ભોગવવી ન પડે, એવા સર્વ સંયોગો કોઈ વિરલ ભક્તના ભાગ્યમાં જ લખાયા હોય છે. માણસ બુદ્ધિથી ભૌતિક જગતના રહસ્યો પામી શક્યો અને હજુ વિશેષમાં સ પામશે પણ જ્યાં સુધી તે પોતાની ચેતનશકિત નહીં પિછાને, ત્યાં સુધી એના જીવનની દિશા નક્કી નહીં કરી શકે. આપણાથી કોઈને લેશમાત્ર દુઃખ ન પહોંચે, તેની સાવધાની તે જ અહિંસાનો સિદ્ધાંત છે અને બીજાના દુઃખના નિવારણને માટે આપણી જાતનો ઉપયોગ કરવાની તાલાવેલી, તે કરુણાનો સિદ્ધાંત છે. આપણે સુખી કે દુઃખી - જે કાંઈ છીએ, તે માટે આપણે પોતે જ જવાબદાર છીએ. તે માટે બીજા ઉપર દોષારોપણ કરવું નકામું છે. તેમ ના થાય, તે માટે આપણે દરેકે આધ્યાત્મિક બનવું જ પડશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 656

મનુષ્ય ભવ એટલો બધો તો મૂલ્યવાન છે કે તેને પામીને જો સાર્થક કરવામાં આવે, તો તે સાક્ષાત મોક્ષને અપાવે છે. બીજાનાં અને પોતાનાં સુખ - દુ:ખ તથા પુણ્ય - પાપ પ્રત્યે સમાનપણાંની લાગણી અનુભવવી, તે મોટો ગુણ છે! દુ:ખ અને પાપને ટાળવાની અને સુખ અને પુણ્યને વધારવાની ઈચ્છા, તે મોહને જીતવાનું પ્રથમ પગરણ છે. પાપનું મુળ અભિમાન છે, અભિમાનનું મુળ માલિકીપણું છે, જેના હ્યદયમાં પોતાનું કાંઈ નથી, તે સદા માટે નિરભિમાની હોય છે. માનવી દુ:ખી છે, કેમકે તે એવી વસ્તુઓની કામનાથી ભરપૂર છે કે જે વસ્તુઓ નાશવંત હોવાથી ટકી શકતી નથી. ધનપ્રાપ્તિ પછી અહંકારહીન રહેવું મુશ્કેલ બનતું હોય છે તથા ગરીબ રહીને આત્મગૌરવ ટકાવવું કઠિન બનતું છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 657

હમેશાં એ વાત યાદ રાખો કે આત્મા અમરસ્વરૂપ છે, તેના દોષો નાશ પામનાર છે. દોષોને આત્માથી દૂર થવું જ પડશે, તેથી અન્યના દોષોને પણ મહત્વ જ ન આપો. તમારા સંબંધમાં આવતાં મનુષ્યોનું અજ્ઞાન હઠાવવા અને આત્મશક્તિનું ભાન કરાવવા પ્રયત્ન કરો, તેમ કરવાથી તમે પોતે સંચય કરેલા પ્રેમનો સદુપયોગ થશે. આપણામાં સમજવાની શક્તિ છે, પણ સમજાવનારનું આલંબન મળ્યા સિવાય કોઈ કાળે પણ આપણામાં રહેલી તે શક્તિ પ્રગટતી નથી. 'શરીર અને મન કુદરતે થોડો વખત ઉછીનાં આપ્યા છે' એમ માનીને જેઓ વર્તે છે, તેઓ તેમની મર્યાદામાં બંધાતા નથી. સુખ અને દુ:ખ બીજું કાંઈ નથી, માત્ર માણસના મનની કલ્પના છે. જો પદાર્થોમાં સુખ અથવા તો દુ:ખનો ધર્મ હોત, તો તો તે સર્વને એક જ રૂપે સમજાત.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 658

માનવ ભલે જ્યોત ન બની શકે, પરંતુ કોડિયું બની જાણે તો ય ઘણું. જો કોડિયું હશે તો કો'ક દિન જ્યોતિ આપોઆપ ત્યાં આવીને જન્મ લેશે. જે બીજાને સુખ આપવાની ઇચ્છા રાખે છે, તે કદી દુઃખી થતો નથી અને જે પોતાના સુખ માટે જ જીવે છે, તે કદી સુખી થતો નથી. સર્વ પ્રાણીઓને જે પોતાનામાં જ રહેલાં જુએ છે અને પોતાને બધા જ પ્રાણીઓમાં રહેલો જુએ છે, તે આત્મા કોઈની નિંદા કરતો નથી. સાચી નમ્રતા ભૂલના સ્વીકારમાંથી અને સાચી કૃતજ્ઞતા ગુણના સ્વીકારમાંથી જન્મે છે. ગુણ પ્રત્યે કુતજ્ઞ બનો, ભૂલ પ્રત્યે કઠોર બનો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 659

આપણા ભાગે આવતું સુખ કોઈને લોભાવવા કે આપણે ભોગવવા માટે નહીં પણ બધાને વહેંચી દેવા અને સેવા કરવા માટે જ આવે છે. આપણે નસીબે આવતી કાંઈ પણ પીડા આપણને ડરાવવા માટે નહીં પણ આપણામાં રહેલા પ્રભુને શરણે જવા અને સાચો ત્યાગ ઉત્પન્ન કરવા માટે આવે છે. વ્યક્તિગત સત્સંગ એટલે વ્યક્તિગત રીતે પોતાનામાં રહેલાં સત્ સાથે એકતા ન થવું. તે સામૂહિક સત્સંગને સફળ બનાવવા માટેની પૂર્વ તૈયારી રુપે હોય છે. બ્રાહ્ય શરીર આ જીવન પૂરતું જ છે, સૂક્ષ્મ શરીર મૃત્યુ પછી પણ જીવ સાથે જાય છે, એટલે હિંસા, ક્રોધ, લોભ તથા મોહ વગેરેથી સુક્ષ્મ શરીરને દૂષિત કરવું - એ મહા મૂર્ખતા છે. સાચા માનવીના બે લક્ષણો કયા? બીજાના દોષોને માફ કરવા અને પોતાના હકકો છોડી દેવા તે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 660

જેમણે જીવનનો ઉત્તમ ઉપયોગ કર્યો નથી, તેઓ કહેવાતાં મરણથી ડરે છે, કિન્તુ જેમણે જીવનનો ઉત્તમ ઉપયોગ કર્યો હોય, તે મરણથી કદી પણ ડરતાં નથી. આપણા સમગ્ર અસ્તિત્વનો ભાર ઉપાડીને આજનો દિવસ આપણી સામે ઉભેલો છે, તેને સાર્થક કરી લો. નિર્બળો આંસુ વહાવે છે પોતાનાં દુ:ખ ઉપર, જ્યારે સબળો આસું વહાવે છે, બીજાનાં દુ:ખ ઉપર. સ્વની શક્તિનો વિશ્વાસ - તે *શ્રધ્ધા* તથા પરની શક્તિ ઉપર શ્રધ્ધા કે પ્રેમ - તે *વિશ્વાસ* છે! મનને શાંત રાખવા માટે કમ ખાઓ અને ગમ ખાઓ, માનવીને બધું ખાતાં આવડે, ગમ ખાતાં જ આવડતું નથી. શીખવું!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 661

પોતાની ઈચ્છાઓ નિષ્ફળ જાય, તો હસતાં મોં એ સહી લેવું, એ સાચું *તપ* ... અને ઈચ્છાઓ પૂર્ણ થવાથી મળતાં ક્ષણિક સુખમાં આસક્ત ન થવું, તે સાચો *ત્યાગ.* *પૃથ્વી ઉપરના મનુષ્યના નશ્વર જીવનનું ધ્યેય શું છે?* આ નશ્વર જીવનનું ધ્યેય દિવ્ય જીવનની પ્રાપ્તિ છે. જે બોલનારનાં આનંદ માટે સાંભળે અને સાંભળનારનાં આનંદ માટે બોલે, આમ બધી ક્રિયા બીજાના આનંદ માટે કરે, તે નિસ્વાર્થી આત્માનું લક્ષણ છે. નિત્ય વિષે જેને શ્રદ્ધા છે, તે *આસ્તિક* અને અનિત્યમાં જે આસ્થા રાખે, તે *નાસ્તિક.* દુ:ખને દબાવી દેનાર છે સુખ અને દુ:ખને દૂર કરનાર છે આનંદ. બીજાને સુખ આપતાં પોતે વેઠેલું દુ:ખ આનંદ જ બની જાય છે. બીજા જીવોને દુ:ખ દઈ મેળવેલું સુખ એ દુ:ખ જ બની જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 662

દેખનારને જે દેખે છે, તે જ દ્રષ્ટા અને સૃષ્ટા છે. જે દેખાય છે, એની પાર પણ કોઈ દેખનાર છે... અને જે સંભળાય છે, તેની પાર પણ કોઈ શબ્દ છે, તે શ્રદ્ધા રાખજો જ. શુધ્ધ પ્રેમમાં આત્માનું જ્ઞાન થાય છે. પ્રેમમાં જે શુધ્ધ આત્માનો અનુભવ થાય છે, તે જ સાચો પ્રેમ, કિન્તુ તે સિવાયનો પ્રેમ એ પ્રેમ નહિ પણ મોહ છે. ક્રોધ અને પ્રેમને આપસમાં વિરોધ છે. ક્રોધ કરનારમાં કર્મના સિધ્ધાંતનું અજ્ઞાન અને માનવસ્વભાવની સહજ નબળાઈ કારણભૂત છે. ક્રોધને પાત્ર જીવ ઉપર પણ ક્રોધ ન કરીએ, એ જ ક્ષમા! માનવનું હૈયું કદી બાળશો નહીં, કેમકે માનવનું હૈયું તો પ્રભુનું મંદિર છે, તેને બાળવાથી મંદિર બાળવા જેવું પાપ થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 663

બધાના હિતમાં મારું હિત છે અને મારા હિતમાં બધાનું હિત સમાયેલું છે*, એ સર્વોદયના સિદ્ધાંતમાં જ શ્રદ્ધા રાખો અને બીજાના સુખને માટે તમારા સુખ અને આનંદનો ભોગ આપતા શીખો. આત્મદર્શન થવાં પહેલાં શાસ્ત્રોક્ત ક્રિયાઓ તજવી યોગ્ય નથી. ફળ આવવા લાગે એટલે ફૂલ આપોઆપ જ ખરવા લાગે છે. વ્યાજે બમણું, વ્યાપારમાં ચોગુણું, ક્ષેત્રમાં એટલે કે ખેતરમાં સો ગુણું વધે છે પણ સુપાત્રમાં આપેલા દાનનું પુણ્ય તો અનંતગુણું વધે છે. કર્મ કે દ્રવ્યનો સ્થુળ ત્યાગ એ સંન્યાસ નથી, પણ તે વિષેની આસક્તિ, અહંત્વ, મમત્વ, રાગ-દ્વેષ કે તેના લાભ-હાનિથી થતા હર્ષ-શોકનો ત્યાગ એ જ સાચો સંન્યાસ છે. બીજામાં તમને જે ન ગમતું હોય તે પહેલાં તમારી જાતમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરો. માનવીમાં સ્વાભાવિક રીતે બીજાના દોષો જોવાની અને પોતાના દોષો બીજા ઉપર ઢોળવાની વૃત્તિ રહેલી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 664

જેમ બીજાના દોષ જોવા, તે મનનું સાંકડાપણું છે... તેમ પોતાના ગુણ ગાવા તે પણ સંકુચિત વૃતિનું જ ચિહ્ન છે. *'ન્યાય'* એટલે આપણી યોગ્યતાથી અધિક ઈચ્છવું નહિ અને બીજાની યોગ્યતાથી ઓછું આપવું નહિ. માનવને માનકષાયની અધિક્તા છે. માટે અભિમાન મૂકીને બીજાને નામગ્રહણપૂર્વક માન આપવામાં સાર્થકતા છે. માણસ એ માત્ર મગજ નથી, પણ હ્રદય અને શરીર પણ છે. જગતની વાસ્તવિકતા પ્રત્યે સભાન બનવું પૂરતું નથી, જગતના જીવો અને પ્રકૃતિમંડળ સાથે ભાવાત્મક સંબંધ પણ બાંધવો જોઈએ. આગળ વધવાનો માર્ગ એટલે પોતાના સંદર્ભમાં બધાને જોવા, તેનાં બદલે બધાના સંદર્ભમાં પોતાને જોતાં શીખવું. - એમ કરવાથી અહંકારના સ્થાને નમ્રતાગુણ આવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 665

ધનવાન અને દરિદ્ર વચ્ચે અંતર કેટલું તો નાનું હોય છે કે એક જ દિવસની ભૂખ કે એક જ કલાકની તરસ - તે બન્નેને એક સરખા જ બનાવી દે છે!! જેમ પાણીમાં પડેલું તેલ એ પાણીથી ભિન્ન છે, તેમ શરીરમાં રહેલું ચૈતન્ય પણ શરીરથી ભિન્ન છે. 'હું મરી ગયો' કે 'મારું કોઇપણ રૂપે અસ્તિત્વ નથી' એવી કલ્પના કદી થઈ શક્તી નથી, તે જ આત્માનાં અમરત્વની સિદ્ધિ કરે છે. જેને આપણે *'નરસું'* કહિએ છીએ, તે પોતપોતાના સ્થાને તો હંમેશા યોગ્ય જ હોય છે. પ્રેમ, સત્ય, દયા, પરોપકાર, ન્યાયવૃતિ, સ્વાર્પણની ભાવના આદિ ઉચ્ચવૃતિઓનું સ્થાન દિવ્ય મનમાં છે, માટે મનની કાળજી તન કરતાં યે અધિક કરવી!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 666

જેણે આત્માને ન જાણ્યો, તેનું સમગ્ર વિશ્વને જાણ્યું - એ ન જાણ્યા બરાબર જ છે. જે શ્વાસોચ્છવાસમાં પ્રભુ સ્મરણ કરે છે, તે સંસારની વચમાં વસવા છતાં ભક્ત છે અને તે જ ગુરૂના કહ્યાં પ્રમાણે ચાલનારો છે. જેમ આકાશમાં વાદળાઓ વેગે આવી અને ચાલી જતાં જોવાય છે, તેમ મનના વિચારો એકમાત્ર સક્ષિભાવે રહેવાથી આવે છે અને જતાં રહે છે, તે અનુભવી શકાય છે. સાચો *'પ્રસાદ'* કોને કહેવાય ? આત્માને આળખ્યાં બાદ પોતાને જે સંપુર્ણ આનંદ અનુભવાય છે, તેને *'પ્રસાદ'* કહેવાય છે. સમજદારને માટે ક્રોધ કોઈપણ અવસ્થામાં ઉચિત નથી, કેમકે તે આગ છે, તેને વધતાં વાર લાગતી જ નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 667

જે પોતાની જાતને ભૂલે છે, તે જ મહાન પદને પામે છે. વ્યક્તિગત જીવનમાં શ્વાસ જેટલો જરૂરી છે, તેટલો સામજીક જીવનમાં વિશ્વાસ આવશ્યક છે. જેમ શ્વાસ વિના વ્યક્તિગત મૃત્યુ છે, તેમ વિશ્વાસ વિના સમાજિક મૃત:પ્રાયતા છે. સમયને તુચ્છ વસ્તુ - તુચ્છ વિચાર કે તુચ્છ વર્તનથી ખરીદવો અથવા તો વેચવો, એ અંદર રહેલ ચૈતન્યને ગુંગળાવવા બરાબર છે. બીજાના સુખ માટેનો સંકલ્પ એ *'શ્રેય'* તથા પોતાના સુખ માટેનો સંકલ્પ એ *'પ્રેય'* છે. તમે ભેટરુપે બીજાને આપેલી સેવા અને બીજાઓ દ્વારા એ સેવાઓનો સ્વીકાર - જીવનમાં એ જ બે મહત્વની વ્સ્તુઓ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 668

ક્રોધને કે કામને કે લોભને વશ થવું, તે દુશ્મનને જ વશ થવા બરાબર છે! તે વશતા ખરેખર તો દુશ્મનને જ ખુશ કરનાર છે. પોતાના તરફથી બીજાને થતાં કષ્ટની અનુભૂતિ હોવી અને બીજા તરફથી પોતાને થતાં ઉપકારની અનુભૂતિ કદી ન ભૂલવી, તે જ માનવતા. *'હ્રદયનો વિકાસ'* એટલે પોતાના નિમિત્તે બીજાને લેશ પણ દુ:ખ ન પહોંચે તેની ખબરદારી અને વિશ્વના ભલાં કાજે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની તૈયારી. પરપ્રીતિ એ જ દુ:ખ છે અને તે અનાદિ કાળથી આત્મઘરમાં વાસ કરી રહી છે, તેને મનમાંથી દૂર કર્યાં વિના દુ:ખ દૂર થવાનું જ નથી. માનવહ્રદયને પ્રભુની શ્રધ્ધા સૌથી વધારે બળ અને પ્રભુને કરેલી પ્રાર્થના સૌથી વધારે શાંતિ આપે છે, માટે તે કરવી!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 669

જીવનનું એકમાત્ર ધ્યેય એવા પ્રભુનામનું સ્મરણ કરી ભવસાગરને પાર પામવાનું છે, એ કદી ભુલવું નહીં. જે નામનો કદી નાશ નથી, તે પ્રભુનામ સંગાથે એકરૂપ બની જવું, એ જ જીવનનો સાર છે! દાનથી ધનની શુદ્ધિ થાય છે પણ મનની નહીં. મનની શુદ્ધિ માટે તો ભક્તિ જ જરૂરી છે. *ગરીબ કોણ? શ્રીમંત કોણ?* જે મળ્યું છે, તે જેને ઓછું પડે, તે જ ખરો ગરીબ છે અને પોતાના પુણ્ય પ્રમાણે જેને જે મળ્યું છે, તેમાં જેને પૂર્ણ સંતોષ છે, તે જ ખરો શ્રીમંત છે. માનસિક વિશ્રામ, શારીરિક આરામ માટે વિશ્રાંતિ પણ એક કલા છે કે જે વર્તમાનમાં જીવતાં શીખવે છે, તેથી ભૂતકાળનું દુ:ખ કે ભવિષ્યની ચિંતાનો ભાર ઉતરી જાય છે, તથા મનમાંથી વિક્ષિપ્તતા ચાલી જઈને દક્ષતા ઉત્પન્ન થાય છે. સમર્પણભાવ વગર જીવનો ઈશ્વર સાથે સંબંધ ન થાય, સમર્પણભાવ એટલે પરોપકારમય જીવન.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 670

જગતની કોઈપણ સંપત્તિ, વિશ્વનું કોઈપણ બળ કે સૃષ્ટિની કોઈપણ સત્તા ચારિત્ર્યની તોલે કદી આવી શકે નહી. પ્રભુ આપણને સત્ય આપે છે, પ્રેમ આપે છે, કરૂણા આપે છે, તેથી માત્ર તે જ ચીજો ભગવાન પાસે માગવી જોઈએ. પ્રભુને સમજવા હોય તો આપણી બધી પસંદગીઓ અને પૂર્વગ્રહો બાજુએ મૂકવા જોઈએ. પોતાની જાતને ઓળખવાની અને પોતાના ઉપર પ્રભુત્વ મેળવવાની કળા શીખવી, તે *ઉત્તમોત્તમ કળા* છે. ક્યારેક કોઈ વસ્તુ રમણીય ન હોય, છતાં રમણીય લાગે, ત્યારે એમ જાણવું કે એ *અભાગ્ય નિશાની* છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 671

*સાધના ક્યાં સુધી કરવી?* તેનો ઉત્તર છે: તે આપોઆપ થવા લાગે, ત્યાં સુધી! 'જગતમાં કોઈ ચીજ સ્થિર રહેતી નથી' એ વિચારથી *મોહ* જશે અને 'જગતમાં કોઈ ચીજ નાશ પામતી નથી' એ વિચારથી *નિરાશા* જશે! માણસ બીજા માણસને મારી શકે છે, પરંતુ પોતાના જ વિચારોને મારી શકતો નથી, ખરું જોતાં તો માણસે પોતાના ખરાબ વિચારોને જ મારવા જેટલાં *ક્રુર* બનવું જોઈએ. માણસ આખા જગત ઉપર રાજ્ય કરી શકે, એ બહુ આશ્ચર્ય જેવું નથી, પરંતુ પોતાની જ જાત ઉપર, ઈચ્છાઓ ઉપર, વિચારો ઉપર રાજ કરવા જેટલો બળવાન બને, એ જ મહત્ આશ્ચર્ય છે. મગજમાં નકામા વિચારો ભરી રાખવા, એ પણ એક પ્રકારે પરિગ્રહરૂપી *પાપ* જ છે. *સાચો મનુષ્ય* તે જ છે કે જે બીજાના સુખ ખાતર પોતાના સ્વાર્થ અને સુખ છોડે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 672

ભૂતકાળ મુખ્યત્વે શ્રદ્ધાપ્રધાન હતો, જ્યારે વર્તમાનકાળ પ્રધાનતયા તર્કપ્રધાન છે. શ્રદ્ધાનુસારી માટે શાસ્ત્રકથિત ભૂગોળ - ખગોળ આદિની સર્વ વાતો જે જે કલ્યાણકારી હેતુ માટે કહેલી છે, તે તે કલ્યાણને અવશ્ય કરનારી થાય છે. ઐતિહાસિક કૃષ્ણ હોય યા ન હોય, કિન્તુ ઉપાસ્યમાન કૃષ્ણ તો ભગવાનરૂપે છે જ અને ઉપાસકને તે તે ફળ આપે જ છે, કેમકે એ પણ ચિત્ શક્તિની જ પ્રભુ રૂપે ઉપાસના છે. જેમ જેમ આપણી ભૂમિકા બદલાય છે, તેમ તેમ આપણું જગતવિષયક દર્શન પણ બદલાય છે. કોઈ આપણને ગુણીરૂપે જુએ છે, કોઈ વળી દોષીરૂપે જુએ છે, તેમાં આપણે તેવા છીએ, માટે તેને તેવું દેખાય છે, એમ નહીં પણ તે જેવી વ્યક્તિ છે, તેવું જ આપણું સ્વરૂપ તેની કલ્પનામાં આવે છે, એમ સમજવું. આપણે જે સત્ય અનુભવીએ છીએ, તે સાપેક્ષ સત્ય છે. સત્યનો આગ્રહ એ સારી વસ્તુ છે, પરંતુ વ્યવહારમાં મૈત્રી-કરુણા-પ્રમોદ-ઉપેક્ષાની ભાવના સેવવી જોઈએ. સત્યના આગ્રહમાં તીવ્ર મનોવેગ ન આવી જવાય, તેથી જ આ ૪ ભાવનાઓ કહી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 673

*'સમર્પણ'* એટલે સ્વેચ્છાનો અભાવ, ઈશ્વરેચ્છા ઉપર નિર્ભરતા અને તે માટે વ્યક્તિનું સંપૂર્ણ વિસર્જન. *પ્રેમ* એ સમગ્રતા છે, તેથી તે સમગ્રતા સાથે પરિસ્થિતિ સામે ઊભા રહેવાની તાકાત આપે છે. વ્યક્તિમાંથી સમષ્ટિમાં જવું, એ જ સાચા માનવી બનવાની ચાવી છે. સાંભળનારા અને માનનારાને બદલે ધ્યાન આપનારા અને સમજનારા વધવા જોઈએ - વ્યક્તિ મટીને માનવી બનવાનો આ એક જ માર્ગ છે. કર્મનો નિયમ સ્વીકાર્યો, ધર્મની નિયમ પણ વિચાર્યો, પરંતુ પ્રભુની પ્રભુતાનો સ્વીકાર ન થયો, ત્યાં સુધી અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ જવાનો માર્ગ ખૂલ્લો થતો નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 674

0 અસત્ માંથી સત્ માં, અંધકારમાંથી પ્રકાશમાં અને મૃત્યુમાંથી અમરતામાં લઈ જવાની શક્તિ પ્રભુની પ્રભુતાના સ્વીકાર અને તેની શરણાગતિમાં રહેલી છે. 0 મૃત્યુ હમેશાં નજીક રહેલું છે, માટે ધર્મનો સંગ્રહ કરવો. ધર્મથી જીવન શુદ્ધ થાય છે અને શુદ્ધ જીવનમાં પ્રભુનાં દર્શન થાય છે. 0 દેખાવમાં લાગતી અહિંસા પણ હિંસા હોઈ શકે અને દેખાવમાં લાગતી હિંસા પણ અહિંસા બની શકે. 0 જ્ઞાનથી પ્રારબ્ધકમૅ જતાં નથી, પરંતુ એને લીધે દુઃખને સમતાથી સહન કરવાની શક્તિ આવે છે. 0 શક્તિ એ છે કે જેનો સદુપયોગ અને દુરુપયોગ - એમ બંને થઈ શકે છે, પછી તે શક્તિ કમૅની હો, જ્ઞાનની હો, વિજ્ઞાનની હો અથવા ધ્યાનની પણ હો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 675

ચારેય ગતિનાં ભિન્ન ભિન્ન કાર્યો છે: સુખ ભોગવવા સ્વર્ગ, દુઃખ ભોગવવા નરક, અવિવેકપણે વર્તવા તિર્યંચ અને વિવેક સહિત ધર્મ કરવા માટે મનુષ્યભવ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 676

0 પોતાના દુ:ખ કરતાં જ્યારે બીજાના દુ:ખ વધુ ખટકે અને પોતાના સુખ કરતાં બીજાને સુખ વધુ ઈચ્છે, ત્યારે સમજવું કે માનવતાની સાધના યોગ્ય રીતે થઈ રહી છે અને પોતાના આત્માને લાગુ પડી ગઈ છે! શેરડી ગમે ત્યાંથી ચાખો, મીઠાશ જ મળે છે, તેમ ગમે તેવા સમયે આપણાંમાંથી મીઠાશ જ ઝરે, તેવું ન કરીએ, તો માનવતા લાજે! 0 એક *ભક્તિ* જ એવી છે કે જેનો કેવળ અને કેવળ સદુપયોગ જ થાય છે. 0 *'ભવની નિર્ગુણતાનો વિચાર કરવો'* એટલે પોતાના વર્તમાન આત્માની નિર્ગુણતાનો વિચાર કરવો. 0 તેનો આનંદ જ અનેરો હોય છે કે જ્યારે આપણું જીવન બુદ્ધિજીવીને બદલે પ્રભુજીવી બનતું જાય. 0 નેત્રો માટે પ્રકાશ, ફેફસાં માટે વાયુ, હૃદય માટે પ્યારનું જે મહત્વ છે, તેવું જ આત્મા માટે સ્વતંત્રતાનું મૂલ્ય છે. 0 સ્વસ્વરૂપ બનવાનો એકમાત્ર માર્ગ એ છે કે સર્વમાં રહેલા દિવ્ય આત્મા સાથે એકતા સાધવી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 677

0 જે સ્વયં પોતાને ઉપદેશ આપી શકે છે, તે જ *ઉન્નતિ* કરી શકે છે. 0 *મૃત્યુથી ભય કેવો ?* એ તો જીવનની સર્વોતમ ક્ષણ છે. 0 આપણું ઉત્થાન ત્યારે જ શક્ય બને, કે જ્યારે આપણે આપણા વિચારોને આપણી જ જાતથી વિમુખ બનાવીએ. 0 કોઈપણ સિદ્ધિના પરિણામનું માપ તેને માટે કરેલા નિ:સ્વાર્થ પ્રયત્નો જ છે, એવું સમજવાથી જ શક્ય બને. 0 જ્યારે આપણે આપણા સંયોગો સામે ફરિયાદ ન કરતાં આપણી પ્રગતિ માટેના સહાયક સાધન તરીકે તે સંયોગોનો ઉપયોગ કરીશું, ત્યારે જ આપણી અંદર રહેલી શક્તિને અભિવ્યક્ત કરી શકીશું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 678

જીવોને સહવા તે *અહિંસા* છે, સુખોને સહવા તે *સંયમ* છે અને દુઃખોને સહવા તે *તપ* છે. જીવોને સહવા એટલે શત્રુ, મિત્ર કે ઉદાસીન પ્રત્યે તુલ્યભાવ રાખવો. સુખોને સહવા એટલે સુખ પ્રત્યે વિરક્ત રહેવું. દુઃખોને સહેવા એટલે દુઃખ વખતે અદીન રહેવું. જીવોની વિવિધતામાં એકતાનું ભાન અહિંસાને વિકસાવે છે, સુખોમાં દુઃખબીજતાનું જ્ઞાન સંયમને વિકસાવે છે તથા દુઃખોમાં સુખબીજતાનું જ્ઞાન તપગુણને વિકસાવે છે. દરેક દુઃખ જો સમજપૂર્વક ભોગવાય, તો સુખનું બીજ છે અને દરેક સુખ જો સમજ વિના ભોગવાય, તો દુઃખનું બીજ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 679

0 દ્વેષ કરવા માટે હાથમાં તલવાર લેવી પડે છે, કિન્તુ સ્નેહ કે પ્રેમ કરવા માટે એક કોડીનું ય ખર્ચ નથી, હા… માત્ર દિલ સાફ કરવું પડે છે અને એ માટે જે ત્યાગ જરૂરી હોય, તે કરવો પડે છે. 0 જે વસ્તુ સૌને મુલ્યવાન છે, તેને તરછોડીને તુચ્છ વસ્તુ પોતાના મનરુપી ઘરમાં ભરવી, તે ઓછી અક્કલનું જ કામ ગણાય. 0 આગ એ જેમ સોનાની કસોટી છે, તેમ દુ:ખ એ માનવીની કસોટી છે. શ્રધ્ધા જ જીવનની મૂળ શક્તિ છે. 0 માનવીનો નાશ વધારે કાર્યથી નહિ પણ જીવનમાં રહેલી અનિયમિતતાથી થાય છે. 0 દુ:ખના ડુંગરો તૂટી પડ્યાં હોય છતાં બીજા કોઈની પણ મદદ ન માંગવી, તેનું નામ *'સ્વમાન'*.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 680

0 પોતાની દ્રષ્ટિ એવી સૂક્ષ્મ કરો કે પોતાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે! પરનાં અલ્પ ગુણમાં પણ પ્રીતિ અને પોતાના અલ્પ દોષ વિષે પણ અત્યંત ક્લેશ - એ આગળ વધવાની નિશાની છે. 0 ખીલેલાં કમલને કોઈએ પૂછ્યું : *તારાં જીવનનું રહસ્ય શું?* હાસ્ય વેરતાં કમલે કહ્યું કે : એનું રહસ્ય છે નિર્લેપતા - જે ખરતી વખતે ખિન્નતાને બદલે મને પ્રસન્ન રાખે છે. 0 સાંસારિક સુખોનો રાગ એ સઘળાં દુ:ખોનુ મૂળ છે અને મોટાંમાં મોટું પાપનું બીજ પણ એ જ છે. 0 પોતાની અપૂણઁતાનું દર્શન થવું, એ ચઢતીનું ચિન્હ છે અને પોતાની ભૂલ ન ભાસવી, એ પડતીનો પાયો છે. 0 આત્માને જીવન કે મરણ નથી, પરંતુ અક્ષય સ્થિતિ છે, તેનો વિચાર જીવન - મરણના ભય અને પ્રલોભનથી મુક્ત રાખે છે અને સમત્વ અખંડ ટકાવી રાખે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 681

ધૃણા કરવી હોય તો તમારા દુષ્કૃત્યની જ કરજો, બાકી સર્વત્ર પ્રેમ જ વરસાવજો. અન્ય મિત્રો અને પરિચિતો તરફથી મળતી પ્રશંસા તથા encouragement એ પરમ ઔષધરૂપ છે. એથી આ કાળમાં દુર્લભ એવી શાંતિ અને આત્માનંદનો ધોધ અનુભવી શકાય છે. કર્મના ફળનો ત્યાગ એ જ તાત્વિક સંન્યાસ છે. દૃષ્ટિમાંથી જ સૃષ્ટિ નિર્માણ થાય છે. જ્યારે વિજ્ઞાન બહિર્મુખ વૃતિવાળું બને, ત્યારે સંસાર અને તે જ વિજ્ઞાન જ્યારે અંતર્મુખ બને, ત્યારે મોક્ષ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 682

0 જ્યાં સત્ય, ત્યાં સદાચાર હોય જ છે અને જ્યાં દાન, ત્યાં લક્ષ્મીનો વાસ હોય જ છે. 0 આપણું જીવન એ આપણા હાથમાં આવેલું ફળ છે, આપણી ભાષા એ એની ઉપરનું પડ છે, તે ભેદાય તો જીવનના અમૃતરસની ખબર પડે. 0 પોતાની માટે કાંઈ પણ ન ઈચ્છતો, કિન્તુ પોતાનું સર્વ કાંઈ લુંટાવી દેતો, તે શુધ્ધ *'પ્રેમ'* છે. 0 જે પ્રભુની પાછળ પાગલ થાય છે, તેની પાછળ ખુદ પ્રભુ પણ પાગલ થઈને ફર્યા કરે છે. 0 જો જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં છે, તો ઉપરવાળો કોના હાથમાં છે? એનો ઉત્તર છે: ઉપરવાળો તો એને અંત:કરણપૂર્વક ભજનારા-પૂજનારાના હાથમાં છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 683

દરેક મનુષ્યે જીવનમાં બે મુખ્ય ભાવનાઓ કરવાની છે : *’खामेमि सव्व जीवे।'* અર્થાત્ મારાથી થયેલ ભૂલો માટે સર્વ જીવો મને ક્ષમા કરે અને હું પણ સર્વ જીવોને તેઓની ભૂલો માટે ક્ષમા આપું છું. અને બીજી ભાવના છે : *’शिवमस्तु सर्वजगत:।'* અર્થાત્ આ જગતનાં સર્વ જીવોનું કલ્યાણ થાઓ! સૌનાં કલ્યાણમાં આપણું કલ્યાણ પણ સમાવિષ્ટ થઈ જ જાય છે ને! પહેલી ભાવના પાકેલાં ગુમડામાંથી રસીને દૂર કરવા બરાબર છે. બીજી ભાવના રસી દૂર થયા પછી મલમની પટ્ટી ચોંટાડવા બરાબર છે. એ બન્ને ભાવનાપૂર્વક થતું મંત્રારાધન ભાવતંદુરસ્તી બક્ષ્યા સિવાય રહેતું નથી!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 684

0 બીજાનાં વર્તનમાંથી દોષો કાઢવામાં જેટલી શક્તિનો વ્યય કરાય છે, તેટલી જ શક્તિ પોતાનું વર્તન ઉચ્ચ બનાવવાને પૂરતી થાય તેમ છે. 0 મનુષ્ય પોતાનાં દુર્ગુણો જાણવા છતાં પોતાને ધિક્કારતો નથી પણ બીજામાં એ દુર્ગુણ જોઈ તેનો તિરસ્કાર કરે છે! 0 પ્રાર્થના કઈ કરવી? ઈશ્વર આપણને આપણાં દુ:ખને હિંમતથી સહેવાની અને બીજાનાં દુ:ખને પ્રેમથી દૂર કરવાની શક્તિ આપે, એટલી જ પ્રાર્થના કરવાની હોય છે. 0 મનનું લક્ષણ તથા મનનું શિક્ષણ શું? અતીતનું સ્મરણ એ મનનું લક્ષણ છે અને અતીતનું વિસ્મરણ એ મનનું શિક્ષણ છે. 0 આ પૃથ્વી ઉપર રહેલી બધી જ વસ્તુઓ કરતાં આપણાં characterને શ્રેષ્ઠ ગણતાં શીખો. રોજ વિચારવું કે : ઘરમાં હું છું કે મારામાં ઘર છે?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 685

0 માણસ બધું ગુમાવે તો ય જ્યાં સુધી તેનું મન, બુદ્ધિ અને અંત:કરણ તેની પાસે છે, ત્યાં સુધી તેને હતાશ થવાનું કોઈ જ કારણ નથી. 0 જીવનમાં આકાશ જેટલી વિશાળતા, નદી જેવી પ્રસન્નતા અને સાગર જેવી અને જેટલી ગંભીરતા હોય, તો જ આપણું મન સદા પ્રસન્ન રહેશે. 0 બીજા કોઈ આપણું ધાર્યુ ન કરે, ત્યારે આપણે જ આપણો સ્વભાવ સુધારવો જોઈએ. 0 અપેક્ષાઓ ઓછી કરીએે એટલે દુ:ખ આપોઆપ જ ઓછું થવા લાગશે, અપેક્ષાનો અંત આણીએ એટલે દુ:ખનો અંત આવી જશે, જીવન હળવા ફૂલ જેવું બની જશે. 0 આ સંસારમાં અને બહારના વ્યવહારમાં જે વિવિધ પ્રકારની અપેક્ષાઓ બીજાની પાસેથી રાખવામાં આવે છે, તે જ મોટા ભાગે દુ:ખનું મૂળ હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 686

0 તમારા જીવન અને વર્તણૂંકથી બીજાઓને સુખ મળે, તો જ સ્વાર્થ અને અભિમાનની વૃતિથી બચી શકાય! 0 ‘વાસી ખાવું’ એટલે પૂર્વનાં પૂણ્યથી મળેલું ભોગવવું અને ‘ભૂખ્યાં સૂવું’ એટલે નવું પૂણ્ય ઉપાર્જન કર્યા વિના સૂવું! 0 માણસ ઘેર આવ્યો ત્યારે જ કહેવાય કે જ્યારે તે પાપ અને તેના કારણોથી અટકે તથા ધર્મ અને તેના કારણો સેવે. 0 માણસ પાપની પ્રવૃત્તિ કરે છે શા માટે? *સુખ* માટે… અને પાપનું ફળ શું આવે..? *દુ:ખ*! તેનો અર્થ એ થયો કે લેવા જાય સુખ અને આમંત્રણ આપે દુ:ખને! બસ, આ જ તો છે *અજ્ઞાનતા*. 0 સંસાર એ નાટક છે, તેમાં કલાકાર બનવું કે *’પ્રેક્ષક’* બનવું, તે પોતાના જ હાથમાં છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 687

કપડાં, મકાન - ઘર, શહેર … બધું જુનું થઈ જાય છે, પરંતુ સુવર્ણ કોઈ દિવસ પણ જુનું થઈ શકતું નથી, તેવું જ સાચા સંતપુરુષોનું અને તેઓના ચિંતનભર્યા વચનોનું હોય છે, કેમકે તે પણ સુવર્ણની જેમ જ કષ, છેદ, તાપ અને ઘર્ષણની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યાં હોય છે! જીવોને બચાવવાનાં પ્રશ્નની જેમ *જીવોમાં રહેલી કરૂણાવૃત્તિને બચાવવાનો પ્રશ્ન* પણ આજે સમાજમાં મુખ્ય થઈ પડ્યો છે. પ્રભુનું નામ લેતાં લેતાં, વિચારો કરવાનું નિવારતાં અને નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય છે: કાંટા ટળે છે, દયા પળે છે અને પગ પણ નવી ખરડાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 688

પ્રભુનો માર્ગ એટલે ચિત્તની અકુટિલ પ્રવૃત્તિ થકી જીવાતું જીવન. આત્મા પ્રત્યેના વહાલમાંથી ભગવાનની આજ્ઞા પ્રત્યેનું વહાલ પ્રગટે છે અને ક્રોધ, માન, માયા, લોભ વગેરે પ્રત્યેના વહાલમાંથી ભવભ્રમણ પ્રત્યેનું વહાલ પ્રગટે છે. જે પાંચ સમવાય એકત્ર મળીને આ વિશ્વની વ્યવસ્થાનું નિયમબદ્ધ સંચાલન કરે છે, તે છે: કાલ, નિયતિ, સ્વભાવ, કર્મ અને પુરૂષાર્થ. તેઓ એકલા કંઈ જ ના કરી શકે… પાંચેનો સમુદાય ભેગો થયે જ કોઈપણ કાર્ય થવા પામે છે. જ્ઞાનને મેળવવા માટે ૧૪ પૂર્વ, દર્શનને કેળવવા માટે ૧૪ રાજલોક અને સદ્ચારિત્રને જીવવા માટે ૧૪ ગુણસ્થાનકોનો અભ્યાસ કરવાનો છે. બહારની વસ્તુઓથી પ્રભાવિત થવું અને બહારની વસ્તુઓને પ્રભાવિત કરવી, તેનું નામ ઈન્દ્રિય. મંથનથી માખણ પ્રગટે છે; ઘર્ષણથી અગ્નિ પેદા થાય છે. સહિષ્ણુતા એ ધર્મમાત્રનો પાયો છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 689

સૂર્ય પોષથી જેઠ મહિના સુધી ઉત્તરાયણ કરે છે, ત્યારે પૃથ્વીના રસ-કસ શોષાય છે, તેથી સાધકે તપ કરવો કઠીન પડે છે. *સૂર્ય અષાઢથી માગશર મહિના સુધી દક્ષિણાયન કરે છે, ત્યારે પૃથ્વી રસ-કસ આપે છે, તેથી તપશ્ચર્યા સહેલાઈથી થાય છે.* પર્યુષણા અને શરદ ઋતમાં પૃથ્વી ઉપર સૂર્યના કિરણો સૌથી વધુ અને સીધાં જ પડતાં હોવાથી વિશેષ રસ-કસ આપે છે. તેથી તે દિવસોમાં જે સાધક વધુ રસ-કસવાલા આહાર લે, તેને રોગ વધે છે. માટે તે સમય દરમિયાન આયંબીલ તપ આદિ કરવાનું વિધાન છે! *પર્યુષણા પર્વના આઠ દિવસો દક્ષિણાયનના બરાબર મધ્યમાં આવે છે, તેથી તે દિવસોમાં તપ-જપ થાય, તેટલો વધુ સરળ અને સંગીન બને છે.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 690

જે કોઈ કામ કરો, તે જો ઐક્ય અને સહયોગવર્ધક હોય, તો તે કાર્યને ધર્મનું કાર્ય જ માનવું. જે કામ પોતાનાં સંકુચિત 'સ્વ' ઉપર કેન્દ્રિત હોય, તો તે કાર્યને અધર્મ રુપ માની તેનો ત્યાગ કરવો. કદાચ સર્વ-પરાર્થપારાયણ ન બની શકાય, તો પણ પરાર્થને સ્વાર્થ કરતાં ઉંચુ સ્થાન તો સર્વ કોઇ આપી જ શકે. જે કર્મ નિષ્કામ થઇને યજ્ઞભાવથી કરાય, તે કર્મથી એક જીવ અને બીજા જીવ વચ્ચે અભેદની વૃદ્ધિ થાય છે, તેથી જ તે ‘ધર્મ’ કહેવાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 691

યોગથી જ્ઞાન મળે અને પ્રયોગથી વિજ્ઞાન ફળે! પ્રયોગથી માત્ર નિર્માણ જ થાય, કિન્તુ જ્ઞાનથી તો નિર્વાણ થઈ શકે, જેના પછી કોઈ જ પ્રકારનાં નિર્માણની જરુરત જ ન રહે! જ્ઞાનનો સંબંધ ધર્મ તથા પ્રાંતે મોક્ષ સાથે છે, જ્યારે વિજ્ઞાનનો સંબંધ માત્ર અર્થ અને કામ પુરુષાર્થ સાથે છે. ભક્તિમાં બુદ્ધિનું નહીં પણ વિનય તથા વિશ્વાસનું કામ છે. વિનય આપણામાં લઘુતા લાવે છે અને વિશ્વાસ આપણામાં દ્રઢતાને લઈ આવે છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 692

*ગાયત્રી મંત્ર દ્વારા સૌ પ્રથમ જે ॐ છે, તેમાં ઓંકાર* ની ત્રણ માત્રા अ - ऊ - म વડે કઈ રીતે ત્રણે લોકના શુભ માટે ઉપરાંત સર્વે જીવોના ભૌતિક, દૈવિક અને આધ્યાત્મિક ઉત્થાન માટે પ્રાર્થના કરાઈ છે, તે જોઈએ: *ॐકારની ત્રણ માત્રા = ભૂ: ભુવ: સ્વ:* *ભૌતિક:* પૃથ્વી = ભૂ:, અંતરિક્ષ = ભુવ:, સ્વર્ગ = સ્વ: *દૈવિક:* અગ્નિ-ભૂ:, વાયુ-ભુવ:, સૂર્ય-સ્વ: *આધ્યાત્મિક:* શરીર-ભૂ:, પ્રાણ-ભુવ:, બુદ્ધિ-સ્વ:। આમ કોઈ પણ *સાત્વિક મંત્રએ જાત અને જગત માટેના શુભ માટેની અરજ કરવા અર્થેની એક જાતની ગુપ્ત મંત્રણા છે*, તેમાં એટલા બધાં તો ઉત્તમ રહસ્યો ગોપિત હોય છે કે એને ઉઘાડવા માટે સો સો જન્મો ય ઓછાં પડે, માટે તેનું ઔષધની જેમ શ્રદ્ધા રાખી રોજે સેવન કરવું! અર્થ ખબર ન હોય છતાં તે પરિણામ તો સરખું જ અર્પે છે, માત્ર શ્રદ્ધેયતા જ આવશ્યક!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 693

મગજમાં ખીચડો કરે અને જીવનમાં એકપણ સુંદર સ્થિતિ ન સર્જે, તેવું ભણતર કામનું જ શું? જગતને સુધારી દેવાની ભયંકર દયાવૃત્તિનો ઝેરી વાવંટોળ - એ પણ એક પ્રકારનો રોગ જ છે. વિદ્યા-અવિદ્યા : બંને આવશ્યક છે, કેમકે જીવનમાં જે જરૂરી નથી, તેનું અજ્ઞાન અને જે જરૂરી છે, તેનું જ્ઞાન જોઇએ. *અવિદ્યાથી ૩ લાભ* : બુદ્ધિમાં હળવાશ, પ્રાણશક્તિનો સંચય, નમ્રતા. *વિદ્યાથી અપેક્ષિત લાભ*: બૌદ્ધિક દિશાદર્શન. માણસ કર્મને વળગે છે, કર્મ માણસને નહિ. આત્મજ્ઞાન વગરની એકાંત હાર્દિક સાધનામાં પણ પાર વગરના અંધારા છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 694

0 પ્રેમ એક એવો ભાવ છે કે જેમાં પોતે પોતાપણું વિસરી જઈ, જે પોતાનું ઈષ્ટ હોય, તે રૂપ જ બની જાય છે. બસ, તે ભાવનું નામ જ *'પ્રેમ'*. 0 સુખમાં લીન અને દુ:ખમાં દીન ન થઈએ, તેવું જીવન જ સાચું *'જીવન'* છે. 0 જીવન એ સ્વયં પૂર્ણતાના શિખરે પહોંચવા માટે છે, આપણે તો માત્ર પ્રસન્નતાપૂર્વક તેનો ભાર જ વહન કરવાનો છે. 0 *'મૃત્યુ* એટલે જૂનું વસ્ત્ર મૂકીને નવું વસ્ત્ર ધારણ કરવું અથવા જૂનું ઘર છોડી નવા ઘરમાં પ્રવેશ કરવો તે! 0 મરણનો પરિચય થયા પછી એવું લાગવા માંડે છે કે મરણ પણ વિશ્વાત્માની એક સુંદર અને પ્રેમાળ વિભૂતિ જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 695

જેમ વરસાદનું પાણી પડે તો છે સર્વત્ર, પરંતુ તે ટકે છે ફક્ત નીચાણવાળા સ્થાનોમાં જ… પણ ઉંચા પર્વતો ઉપર નહિ… બસ, તે જ રીતે પ્રભુની કૃપા પણ વરસે છે તો સર્વત્ર એકસરખી જ… પણ તેની અભિવ્યક્તિ તો જ્યાં દૈન્ય અને વિનમ્રતા છે, ત્યાં જ થાય છે પણ અહંકાર-અભિમાનાદિ પર્વતીય સ્થાનોમાં નહિ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 696

*જ્ઞાનમાર્ગ* એ કાચા પારા જેવો છે, *ક્રિયામાર્ગ* એ તલવારની ધાર જેવો છે અને *ભક્તિમાર્ગ* માં જ્ઞાન અને ક્રિયા - એમ બંને સમાઈ જાય છે, છતાં એ બંને માર્ગનો એકપણ દોષ રહેતો નથી. કળિયુગમાં ભક્તિમાર્ગને જ વધુ આચરવા યોગ્ય ગણાયો છે! એકલો *જ્ઞાનમાર્ગ* ગોળ જેવો કફકારક મનાય છે, એકલો *ક્રિયામાર્ગ* એ સુંઠ જેવો પિત્તકારક ગણાય છે, કિન્તુ કલિકાળમાં *ભક્તિમાર્ગ* એ બેના મિશ્રણથી નિપજતાં ઔષધની માફક કફ અને પિત્ત - ઉભયનો નાશ કરનાર ગણાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 697

*આપણી બહાર જેમ પ્રકૃતિના રહસ્યો છે, તેમ આપણી અંદર ચૈતન્યના રહસ્યો છે.* ચૈતન્ય પણ આખરે પ્રકૃતિનો જ એક અવિભાજ્ય અંશ છે. આથી ચૈતન્યના રહસ્યો પણ પ્રકૃતિમાં સમાઈ જાય છે. *પ્રકૃતિમાં ગણિતની સૂક્ષ્મતા*, *વૈજ્ઞાનિક ચોક્કસાઈ* થી કાર્ય કરવાની આવડત, કળાકૌશલ્ય, વિચારપ્રતિભા અને જે કાર્યશક્તિ છે, એને Edison *Supreme Intelligence* કહે છે, સાંખ્યો તેને *મહત્* કહે છે અને Einstein એને *Mysterious Beauty* એટલે કે ગૂઢ સૌંદર્ય કહે છે. આમ આ પ્રકૃતિ એક *Mathamatical Rhythm* જ છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 698

0 માણસ પોતાનું જીવન શુધ્ધ - નિર્મળ - પવિત્ર બનાવે, તેને આ જગતમાં મોટામાં મોટો ચમત્કાર કહી શકાય. 0 વિચાર, વાણી અને વર્તનથી કોઈને ય દુ:ખ ન પહોંચે, એવું સદ્ભાવભર્યુ જીવન જીવવું, એ જ સાચું *ધર્માચરણ* છે. 0 દુ:ખમાંથી પણ સુખનાં જ બીજ જે શોધી શકે, તે આશાવાદી છે અને સુખમાં પણ જે દુ:ખની જ પ્રતીતિ કરે, તે નિરાશાવાદી છે. 0 પાપ કરવું તો સહેલ છે, પરંતુ પાપ કર્યા પછી તેના વિપાક - ફળ ભોગવવા, એ ખરેખર જ કઠિન છે. 0 ધનવાન હોવા છતાં વધુ ધન મેળવવાની ઈચ્છા જેની શમી નથી, તે ધનવાન નહિ પણ ગરીબ જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 699

જીવોને સહવા - તે જ *અહિંસા* છે, સુખોને સહવા - તે જ *સંયમ* છે અને દુઃખોને સહવા - તે જ *તપ* છે. જીવોને સહવા માટે શત્રુ કે મિત્ર - બંને પ્રત્યે તુલ્યભાવ જ રાખવો, સુખોને સહવા માટે સુખ પ્રત્યે વિરક્ત રહેવું તથા દુઃખોને સહેવા માટે દુઃખ વખતે અદીન રહેવું. જીવોની વિવિધતામાં એકતાનું ભાન અહિંસાને વિકસાવે છે. સુખોમાં દુઃખબીજતાનું જ્ઞાન સંયમને વિકસાવે છે. દુઃખોમાં સુખબીજતાનું જ્ઞાન તપગુણને વિકસાવે છે. દુઃખ માત્ર જો સમજપૂર્વક વેદવામાં આવે, તો તે જ અંતે તો સુખનું બીજ બને છે અને સુખ માત્ર જો સમજ વિના વેદવામાં આવે, તો તે જ પ્રાંતે દુઃખનું બીજ બને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 700

‘દયા ધર્મ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડિયે, જબ લગ ઘટમેં પ્રાન.’ સંત તુલસીએ અહીં અભિમાન છોડવાનું કહ્યું છે, પણ દયા છોડવાની કહી નથી. ઉલ્ટું દયા માટે તો અભિમાન કરવાનું કહ્યું છે કે પ્રાણ જાય તો ભલે જાય, પણ દયા ન જાય. સવાલ આપણા પોતાના અંત:કરણની સ્વચ્છતા-અસ્વચ્છતાનો નથી, સવાલ આઘાત-પ્રત્યાઘાતનો છે. એટલા માટે મહાવીર પ્રભુએ કોઈપણ જીવને દુઃખ થાય, એવું કર્મ જીવનમાં કદાપિ ન કરવું, એ મહાસત્ય ઉચ્ચાર્યું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 701

યોગમાં પહેલી વસ્તુ એ જ કરવાની છે કે *મનની અંદર એક સ્થિર શાંતિ અને નિરવતા* મેળવવી. મન જો અશાંત હશે તો યોગમાં મૂળ પાયો માંડવો જ બની શકશે નહિ. યોગમાં પ્રવેશ પૂર્વે મનમાં પ્રશાન્તિ - એ પહેલી જરુરની વસ્તુ છે. જે કામ ઐક્ય અને સહયોગવર્ધક છે, તે *ધર્મ* છે અને જે કામ પોતાના સંકુચિત 'સ્વ' ઉપર કેન્દ્રિત છે, તે *અધર્મ* છે. સર્વ પરાર્થપારાયણ ન બની શકે, તો પણ પરાર્થને સ્વાર્થ કરતાં ઉંચુ સ્થાન તો સર્વ કોઇ આપી શકે. જે કર્મ નિષ્કામ થઇને યજ્ઞભાવથી કરાય, તે કર્મથી જીવ - જીવમાં અભેદની વૃદ્ધિ થાય છે, તેથી તે ધર્મ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 702

મૈત્રી વિનાની અહિંસા જેમ શુષ્ક છે, તેમ અહિંસા વિનાની મૈત્રી પણ માયા છે. વૈરાગ્ય વિનાનો સંયમ જેમ શુષ્ક છે, તેમ સંયમ વિનાનો વૈરાગ્ય પણ છેતરપીંડી છે. અનાસક્તિ વિનાનો તપ જેમ શુષ્ક છે, તેમ તપ વિનાની અનાસક્તિ પણ આડંબર માત્ર છે. અહિંસાપૂર્વકની મૈત્રી, સંયમપૂર્વકનો વૈરાગ્ય અને તપ સહિતની અનાસક્તિ - એ જ તાત્વિક જીવન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 703

કોઈપણ એક સ્થૂલ કે સૂક્ષ્મ વસ્તુમાં આપણા મનને રોકવું, તે *'ધારણા',* તે જ વસ્તુ વિષે એકાગ્ર થઈ વિચાર કરવો, તે *'ધ્યાન'*, અને એમ કરવા જતાં… ચિંત્ય વિષયમાં એકરૂપ જેવી અવસ્થા અનુભવવી, તે જ *'સમાધિ'*. મનની આ ત્રણ ભૂમિકા - એ જ મનનો સંયમ છે. પ્રયત્નથી આવો સંયમ જરુરથી સિદ્ધ કરી શકાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 704

જીવંત યોગીપુરષોના અનુભવસિદ્ધ શબ્દોમાં એક વિશિષ્ટ પ્રકારની વિદ્યુતશક્તિ ભરેલી હોય છે. એ શબ્દો પ્રાકૃત મનુષ્યોને ઉંચી ભૂમિકા તરફ પ્રયાણ કરાવવા માટે જ સર્જાતા હોય છે, નહીં તો તેઓની પોતાની માટે તો મૌન જ ઈષ્ટ હોય છે! આવા સંત મહાત્માઓ સ્થૂલ દેહના વિલય વખતે પણ પોતાનું તત્વરૂપ અસ્તિત્વ ગુમાવતા નથી, પરંતુ જ્યોતિર્મય શરીરરૂપે સાચવી રાખે છે. આવા જ્યોતિર્મય શરીરને સ્થળ અને કાળની મર્યાદા હોતી નથી અને તે કદી પણ જીર્ણ થતું નથી. યુગો યુગો સુધી તેનો અજવાસ મોહ રુપી અંધકારમાં જીવતાં જીવોને માર્ગસૂચન કરતો જ રહે છે, જરુરત હોય છે માત્ર તે માર્ગે ચડવાની અને કદી ન ડગવાની!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 705

‘ગુરૂ વિના જ્ઞાન નહી' એનો અર્થ એ છે કે શ્રદ્ધા વિના જ્ઞાન નહિ. શ્રદ્ધા પેદા કરવાની તાકાત જેનામાં હોય, તે ગુરૂ. ગુરૂ એ તો જ્ઞાન અને શ્રદ્ધા જેવા તત્ત્વ ઓળખવા માટે ઈશ્વરે મોકલેલ નિમિત્ત છે. ગુરૂ મનુષ્યરૂપે, જીવંત કે વિદેહ રુપે પણ હોઈ શકે. મને પરમ સત્ય મળ્યું નથી. પરમ સત્ય મેળવી લેવાનો મારો દાવો પણ નથી, પરંતુ *હું મારા અજ્ઞાનભાવથી વિનમ્ર છું, એટલું જ મારે માટે બસ છે.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 706

*ભક્તિ અને બુદ્ધિ* ખરી વાત તો એ જ છે કે ભક્તિતત્ત્વ એ કાંઈ વર્ણનનો વિષય નથી અને '*તે જ્ઞાનનો વિષય નથી'* એમ સમજવું, એ જ એનું ખરું જ્ઞાન છે. ભક્તિ એ જ્ઞાનનો વિષય નથી, પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ, રૂચિ અને પ્રેમનો વિષય છે. બુદ્ધિનું કામ છે વસ્તુનું વિભક્તિકરણ કે પૃથ્થકરણ, જ્યારે હૃદયનું કામ તો છે: ભક્તિકરણ કે એકીકરણ! બુદ્ધિનું કામ છે અલગ અલગ કરીને જાણવું, જ્યારે ભક્તિનું કાર્ય તો છે लगकर मानना યાને એક થઇને જાણવું અને ગુરુવચનથી જાણીને मानकर लगना યાને જોડાવું કે લાગવું. ભક્તિતત્વ સ્વીકાર ઉપર ચાલે છે, જ્યારે બુદ્ધિતત્ત્વ અસ્વીકાર ઉપર ચાલે છે. આસ્તિકતાનો અર્થ જ એ છે કે, 'अस्ति इति मति:।' માની લેવું કે 'છે' અને પછી તેમાં લાગી જવું. અને તો જ વસ્તુની પ્રાપ્તિ થાય. ભક્તિમાં માનીને જાણી શકાય છે, જ્યારે બુદ્ધિતત્ત્વમાં જાણીને પછી માની શકાય છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 707

મનમાં જ્યારે જ્યારે પણ બે પરસ્પર વિરોધી વૃત્તિઓ જાગૃત થાય, ત્યારે બેમાં કઈ વૃત્તિ વધારે બળવાન છે, તેનો વિચાર ન કરતાં, કઈ વૃત્તિ વધારે ફળવાન છે, તે વિવેક કરવો. એ *'વિવેકદ્રષ્ટિ' ફળવતી વૃત્તિને વધારે બળવતી કરી જ દેશે.* ક્ષુધા-તૃષા એ જેમ પ્રાણનો સ્વભાવ છે, શોક-મોહ એ જેમ મનનો સ્વભાવ છે, તે જ રીતે જન્મ-મૃત્યુ એ શરીરનો સ્વભાવ છે. માટે કોઈના ય મરણનો શોક ન કરવો, પરંતુ આપણે ય અમર નથી, એ વાત સતત યાદ રાખી કાર્યો કરતાં રહેવું! પર ધન ચાહવું, બીજાનું બુરું ઇચ્છવું અને નાસ્તિક બુદ્ધિ રાખવી - એ ત્રણ *માનસપાપ* છે. વ્યર્થ બકવાદ, કટુ ભાષણ, ચુગલખોરી અને જુઠું બોલવું - એ ચાર *વાણીના પાપ* છે. હિંસા, ચોરી અને પરસ્ત્રીગમન - એ ત્રણ *શરીરના પાપ* છે. તે સર્વને સર્વથા ત્યાગવા જોઈએ!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 708

વસ્તુઓની વિવિધતામાં સમત્વ નિહાળવું - એ જ્ઞાન. વસ્તુઓની વિશિષ્ટતાઓનું વિશ્લેષણ - તે વિજ્ઞાન. જ્ઞાન એ યોગથી અને વિજ્ઞાન એ પ્રયોગથી પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી નિર્વાણ શક્ય બને અને તેથી મોક્ષ મળે છે. વિજ્ઞાનથી નિર્માણ શક્ય બને અને તેથી વિકાસ શક્ય છે. જ્ઞાન એ આંતરિક નિરીક્ષણનું પરિણામ છે. વિજ્ઞાન એ બાહ્ય નિરીક્ષણનું પરિણામ છે. જ્ઞાન એવં વિજ્ઞાન - એ બંનેનો યથાર્થ ઉપયોગ તે સમ્યગજ્ઞાન. જ્ઞાન એવં વિજ્ઞાન - બંનેનો વિપરીત ઉપયોગ તે અજ્ઞાન!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 709

માનવનું સ્વાસ્થ્ય બે જ મુખ્ય શક્તિઓ ઉપર અવલંબે છે: *એક બુદ્ધિ અને બીજું હૃદય.* સાત્વિક જીવન જીવવા માટે બુદ્ધિ સુક્ષ્મ અને હૃદય વિશાળ જોઈએ. વળી બુદ્ધિ તીક્ષ્ણ અને હૃદય કોમળ જોઈએ! અયોગ્યને નમનાર અને યોગ્યને ન નમનારને અનિચ્છાએ પણ સદા નમવું પડે તેવા ભવ મળે છે. વૃક્ષના અને તિર્યંચના ભવો એના પ્રત્યક્ષ ઉદાહરણો છે. નાનો મોટાને નમે, એ તો દુનિયાનો ક્રમ છે. મોટો નાનાને ભલે ન નમે, પણ પોતાના હૃદયમાં નાનાને અવશ્ય સ્થાન આપે, તેમનું હિત ચિંતવે, તેમને સન્માર્ગમાં જોડે અને તેમનું કલ્યાણ થાય - તેમ વિચારે, એ પણ એક પ્રકારનો નમસ્કાર ભાવ છે. પોતાના ઉપકારીને ભુલી જવા, તે અહંકાર અને પોતાના ઉપકારીને જિંદગીભર યાદ રાખવા, તે નમસ્કાર.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 710

*હૃદય અને બુદ્ધિનો સદુપયોગ શેમાં?* *બુદ્ધિ* ની વાત કરીએ તો… મનુષ્યના સ્વભાવની એક મહા વિચિત્રતા છે. તે બુદ્ધિના ક્ષેત્રે બીજા કરતાં નીચી કક્ષાએ છે, તે સહી શકતો નથી. બુદ્ધિ તત્ત્વ મનુષ્યનું વધારે આત્મીય તત્ત્વ છે. *હૃદય* તત્ત્વની વાત તેનાથી સાવ વિપરીત જ છે. પ્રેમભાવમાં બીજા આપણાં કરતાં ચડીયાતા રહે, તેમ આપણે સદા ઇચ્છીએ છીએ. બુદ્ધિમાં આપણાથી કોઈ વધી જાય અને આપણાં પ્રત્યે પ્રેમભાવ રાખવામાં બીજાઓ ઘટી જાય, એ સદા અનિષ્ટ લાગે છે અને એથી જ દુઃખ અને દ્વંદ્વની સૃષ્ટિ વધે છે. સર્વની સુખશાંતિ માટે *હૃદયનો પ્રેમભાવ આપણે વધારતાં રહેવો જોઈએ* અને *જ્ઞાનમાં બીજાની વૃદ્ધિ જોઈને જરુરથી રાજી જ થવું જોઈએ.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 711

*સમત્વ વધારવું'* એટલે હૃદયતત્ત્વની લંબાઈ-પહોળાઈ વિસ્તારવી. સર્વ જીવો પ્રત્યે પ્રેમ રાખી કરુણા વધારવી એ જ જ્ઞાનનો ખરો સદુપયોગ છે. બુદ્ધિતત્ત્વની તીક્ષ્ણતાથી પણ વધુ ઊંડાઈમાં સંચાર કરવાથી પ્રેમ સાંપડે છે અને તે જ વિજ્ઞાનનો વાસ્તવિક ઉપયોગ છે. જ્ઞાન, વિજ્ઞાન, અજ્ઞાન અને સમ્યગજ્ઞાન - એ ચારે ચારેનો મર્મ સમજીને જો આપણા સ્વભાવનું ઘડતર કરીએ, તો મનુષ્યત્વનો ખરેખરો સાચા માર્ગે અને સર્વાંગિણ વિકાસ થાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 712

આપણે *સર્વાંગ સાર્થક કર્મ* ચારે ચાર પુરુષાર્થ માટે કરવા જોઈએ: મોક્ષ અને કામ, ધર્મ અને અર્થ - એ ચારે પુરુષાર્થ રામ-લક્ષ્મણ કે ભરત-શત્રુઘ્નના જોડકાંઓ જેવા છે. ભોગ પણ જો ત્યાગપૂર્વક કરવામાં આવે તો આનંદ આપે. રામને આગળ કરવામાં લક્ષ્મણની જ શોભા છે. ધર્મપૂર્વકનો અર્થપુરુષાર્થ પણ આનંદદાયક છે. ચારે ય પુરુષાર્થ ચિત્તફૂટી ઉપર એટલે કે આપણા શરીરના સાતમા એવા સહસ્રાર ચક્ર ઉપર મળીને જીવનને સંપૂર્ણ બનાવી શકે છે. જ્ઞાનવિહીન કર્મ એ તો આંધળાની દોટ સમાન છે અને કર્મવિહીન જ્ઞાન એ તો લંગડાની ચાલ સમાન છે… પણ આંધળું કર્મ જો પાંગળા જ્ઞાનને પોતાના ખભા ઉપર બેસાડીને ચાલે, તો લક્ષ્ય પ્રાપ્તિ અવશ્ય કરી શકે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 713

કોઈને છેતરવાનો વિચાર નિરર્થક છે. ઈશ્વર કે સનાતન નિયમોને કોઈ ઠગી શકતું નથી. જે જુઠ્ઠાણું અડધું સાચું છે, તે તો હડહડતાં જુઠ્ઠાણાંથી પણ વધારે ખરાબ છે. દુન્યવી વ્યવહાર ઉપર વિશ્વાસ મૂકવાને બદલે ઈશ્વરીય કાયદાઓ ઉપરનો વિશ્વાસ જ સલામત માર્ગ છે. શુભ કાર્ય એ છેવટે સારું જ અને અશુભ કાર્ય વર્તમાનમાં લાભદાયક જણાય તો પણ અંતે તો વિનાશકારક જ હોય છે. સર્વ દુન્યવી પદાર્થો ઉપર વધારે પડતાં ભરોસાને વ્યવહારકૌશલ્ય ગણવામાં આવે છે, પણ તે ખરેખર તો એક ભ્રમ છે. બાળકો જેવો નિખાલસ સ્વભાવ કેળવો, મિત્રો જોડે રોજે રોજ ખુલ્લા દિલથી વાતો કરો અને સૃષ્ટિસૌંદર્ય જુઓ. હતાશાથી દૂર રહેવાનો આ રાજમાર્ગ છે! દુનિયા સ્વાર્થી માણસોને કદી યાદ કરતી નથી, નિઃસ્વાર્થીને જ યાદ કરે છે. સારી વાતોમાં લોકો શું બોલે છે, તેની પરવા ક્યારેય ન કરો!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 714

જળમાંથી દૂધ અલગ કરે તે હંસ, જડમાંથી ચેતન પ્રાપ્ત કરે તે પરમહંસ. મન વશ ન કરે તે મરે, મન વશ કરે તે તરે! પ્રભુના નામસ્મરણ સાથે જે દેહનો ત્યાગ કરે, તેને મરણ નહીં, *પ્રયાણ* કહેવાય. શિક્ષણ યોજના પાછળ કોઈ દર્શન જરૂર હોવું જોઈએ. એ દર્શનનું ધ્યેય વિદ્યાર્થીઓમાં મહાન ભાવના જાગૃત કરવાનું રહેવું જોઈએ. લેખન-વાંચનને જ શિક્ષણ માનવું આથી મોટો કોઈ ભ્રમ નથી. લેખન-વાંચન સંસ્કૃતિ મેળવવાનું એક સાધનમાત્ર છે, પણ તે એક માત્ર સાધન કે સૌથી મોટું સાધન નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 715

બુદ્ધિની માત્ર કોરી સમજણ હોય, તો એ કાંઈ ખરું જીવન નથી. જીવન એટલે તો તે સમજણ પ્રમાણેનું હોવાપણું, થવાપણું અને તેનો અનુભવ થવો તે. પોતાની કોઈ દ્રઢ અને સાચી માન્યતા ખાતર જો પોતાના શરીરનું પણ બલિદાન આપવું પડે, તો એ પણ આપવું, કેમકે એથી એ માન્યતા ઉપરની આપણી ખરી શ્રદ્ધાને સૂચવાય છે! No one and Nothing is worth stressing yourself over. Move on. Go find yourself. The Life goes on to end soon. Be alert to not waste (on the small worldly issues) a single moment of this precious માનવભવ!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 716

જૈન ધર્મનું મૌલિક સ્વરૂપ આ વિશ્વમાં જેને પણ સમજવું હોય, તેને કોઈ ખાસ આગમો કે કોઈ મહાન ગ્રન્થની જરૂર જ ક્યાં છે? જૈનોનો માત્ર એક *અનેકાન્તવાદ* સિદ્ધાંત જાણી લ્યો, એટલે બસ! ‘અનેકાંતવાદ’ નામના સિદ્ધાંતનું હાર્દ એ છે કે : *જૂદી જૂદી વિચારધારા અને દ્રષ્ટિઓનો સમન્વય કેમ કરવો!* એ એક જ સૂત્ર સમજાયું, એટલે અંતરમાં સમજણનું અને જીવમાત્ર પરત્વેની મૈત્રીના પ્રકાશનું પૂર રેલાયું જ સમજો! બસ, એ જ તો જૈન ધર્મનો સાર છે! સ્યાદવાદી માનવ ક્યારેય ભાષાને કે એના ફક્ત શબ્દોને પકડતો નથી, પણ એ વક્તાના ભાવને પકડીને બોલનારનું દ્રષ્ટિબિંદુ જુએ છે, કોરી વાણી નહિ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 717

*મોક્ષગામી જીવ સીધી લીટીમાં સિદ્ધશિલા ઉપર જાય છે* એ સાબિત કરવા જ જાણે *ન્યૂટને* કહ્યું હશે કે: *કોઈ પણ જાતનું બાહ્ય બળ જો વાપરવામાં જ ન આવે, તો દરેક ગતિમાન વસ્તુ એકસરખી ગતિથી સીધી લીટીમાં જ ગતિમાન રહે છે.* આપણે જે કાંઈ *મેળવીએ* છીએ, તેનાથી જીવનગુજારો થાય છે અને આપણે જે કાંઈ *આપીએ* છીએ, તેનાથી જીવનનિર્માણ થાય છે! આપણે શું માત્ર જીવનને ગુજારવું જ છે? ના. તો આપો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 718

*મારી જીંદગીનો આજે જ છેલ્લો દિવસ છે, એમ માનીને* મનની સ્થિરતા - Serenity અને સ્વસ્થતા સંગે સર્વ જીવો સંગે નિત્ય વર્તન કરવું. જીંદગીની સુખની ક્ષણો કે દુઃખની ક્ષણો... બન્ને તરફ જ્ઞાનીની તટસ્થતાથી જોતાં શીખીએ! આ જગતમાં જન્મ લેવાનો કદાચ એ એક જ હેતુ હોય કે જીવમાત્ર સાથે મૈત્રી કરતાં શીખીએ! સુખ વખતે વધુ ઉદાર બનો - દુઃખ વખતે વધુ વિરક્ત બનો - વૈરાગ્ય વધારો. દરેક મુશ્કેલીઓનો કાંઈ ને કાંઈ ઉકેલ તો હોય છે જ. તકલીફ આવ્યે ફક્ત એમાંથી પાર ઉતરવા તરફ જ લક્ષ્ય રાખવું; તકલીફ તરફ ધ્યાન જ ન દેવાથી તે આપોઆપ જ ઓછી પણ થવા માંડે છે / ઓછી લાગવા માંડે છે, કેમકે આપણું ધ્યાન તો માત્ર તેનાં ઉકેલ તરફ જ હોય છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 719

*જ્યારે રસોઈ કરવી હોય, ત્યારે ચૂલો, લાકડાં, તપેલી વગેરે સાધન તૈયાર કરવાં પડે છે અને પછી તેમને બાજુ પર મૂકી દેવાં પડે છે, તેમ શાસ્ત્રાભ્યાસ માટે પણ સમજવું!* ધર્મ કરવાથી દેવગતિ વગેરેના સુખો મળવા, એ તો ખેતરમાં ઉગી નીકળતાં માત્ર ઘાસ સમાન છે, ભાવપૂર્વક કરાતો ધર્મ * ગુણોની કમાણી અને દુર્બુદ્ધિ વગેરેનો જે નાશ* કરે છે, તે જ ધર્મકરણીનું સાચું ફળ છે! પ્રેમ અને પ્રાર્થના - બંને પાછળ શ્રદ્ધા હોવી જરુરી છે! તો જ બંને ફળદાયી બંને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 720

અયોગ્ય આહાર - વિહાર - આચારથી આપણે જેમાંથી સર્જાયા છીએ, તે *પંચતત્વમાં ગડબડ* કરી, રોગ નોતરી, ત્યાર પછી તેના નિવારણ માટે પૈસા ખરચી વૈદ્ય-ડોક્ટરો-દવા માટે દોડાદોડી કરવા કરતાં આપણાં આહાર-વિહાર અને આચારને શુદ્ધ, સ્વચ્છ અને નિર્દોષ રાખીએ તો કેવું સારું? તે કેટલું બધું સરળ, સમજવાળું, બિનખર્ચાળ અને વૈજ્ઞાનિક છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 721

0 માનવદેહ એ અણમોલ રત્ન છે, તેને કાચના કટકાની જેમ સમજી જેઓ દુરૂપયોગ કરે છે, તેમને ફરી વાર આ દેહ મળવો દુષ્કર છે. 0 જે વસ્તુ મનથી પર છે, તેને જાણવા માટે મનુષ્યે તર્ક ઉપર નિર્ભર ન રહેતાં શ્રુતિ અને તેના અંગો ઉપર નિર્ભર રહેવું જોઈએ. 0 માનવમાં અપ્રતિમ સૌંદર્ય અને ઉદાત્ત દ્રષ્ટિ મુકી પ્રકૃતિએ પોતાનો દાસીભાવ વ્યક્ત કરવાની મહેચ્છા પૂર્ણ કરી છે. 0 પોતાના દોષ જુએ, તે ધર્મધ્યાની કે સાચો ઈન્સાન છે, પોતાના દોષ ન જુએ, તે આર્તધ્યાની કે હેવાન છે અને બીજાના દોષ જુએ, તે રૌદ્રધ્યાની કે શેતાન છે. 0 જન્મ - મરણનું નિવારણ અને આત્માનું જ્ઞાન - એ બે ઈચ્છા એક જ સિક્કાની બે બાજુ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 722

0 વિચાર, ઉચ્ચાર અને આચારની એક્તા - એ જ માનવ વિકાસનો પાયો છે, એવી એક્તાનો અભાવ એ જ *અધ:પતન* નું બીજું નામ છે. 0 જાણ્યા વિના પ્રતીતિ થતી નથી, પ્રતીતિ વિના પ્રીતિ થતી નથી, પ્રીતિ વિના દઢ ભક્તિ થતી નથી, તેથી ભગવાનને જાણવા માટે સૌ પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. 0 કોઈ તમારી ઉપર ક્રોધ કરે, ત્યારે તેની સામે સ્નેહથી હસો, તે ઉપરાંત માયાળુ વર્તન પણ કરો, કેમકે *નમ્રતાને કાંઈ જ અસાધ્ય નથી.* 0 ઈર્ષાને જીતવાનો ખરો ઉપાય પ્રેમ જ છે! જેના ઉપર પ્રેમ હોય છે, તેના ઉપર કદી ય ઇર્ષા થતી નથી. 0 ખરાબમાં ખરાબ માણસમાં પણ ગુણશોધનવૃતિ રાખવી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 723

0 દરેક માણસ કાંઈકને કાંઈક કામમાં તો ખ્યાતિ મેળવવાને લાયક હોય છે જ, કારણકે સુખ, વૈભવ, કીર્તિ અને ખ્યાતિ મેળવવાના અનેક સાધનો હોય છે. 0 જે મનુષ્યમાં પોતાના સ્વયંના ગુણ હોતા નથી, તે જ મનુષ્ય બીજાના ગુણની ઇર્ષા કરે છે, કારણકે મનુષ્યનું મન યા તો પોતાના ગુણોમાં અગર તો પારકાના દુર્ગુણોમાં રાચે છે. 0 દુ:ખી અને ત્યાગી છતાં આનંદી માણસોના નિકટ સહવાસની દરેક સુખી માણસને અત્યંત જરૂર હોય છે. 0 કેટલાંક પાપ આવે છે વસ્તુને જોવા અને જાણવાથી, માટે બિનજરૂરી વસ્તુને જોવી કે સાંભળવી નહિ, તેથી ખરાબ વસ્તુઓને જોવી, સાંભળવી કે અનુભવવી જ નહિ. 0 શક્તિ કોઈ વ્યક્તિમાં નહિ પણ સંઘમાં - સમુહમાં છે. અનેક સળીઓથી ગુંથિત સાવરણી કચરાને કાઢે, જ્યારે છૂટી થયેલી તે જ સળીઓ સ્વયં કચરારૂપ બની જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 724

ચંદન શીતલતા આપે, અગ્નિ શીતને હરે, ચિન્તામણિ ઇચ્છિત આપે - એ વસ્તુનો સ્વભાવ જ છે. …પણ ચંદનને જે ઘસે, તેને તે અધિક શીતળતા આપે, અગ્નિ એના વિધિપૂર્વક સેવનારને તત્કાલ ફળ આપે, એમ ચિન્તામણિ પણ તેના સેવકની ઇચ્છા ત્રિકાળ પૂરે. … એટલા માત્રથી ચંદનને ન ઘસનાર, અગ્નિની નજીક ન જનાર કે ચિન્તામણિ પાસે ઈચ્છિતને ન પ્રાર્થનારને ચંદન, અગ્નિ કે ચિન્તામણિ કાંઈપણ ફળ આપનાર નથી, એમ ન કહેવાય. એ અપેક્ષાએ અઘિક સત્ય એ છે કે આપણે તો આત્મા અને આત્માનો સ્વભાવ છે : સત્ ચિત્ આનંદ! તો જે સતત, જ્ઞાનપૂર્વક અને આનંદમાં રહી જીવે, તે ‘સ્વભાવ’માં રહે છે, તેમ ફલિત થયું!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 725

0 માનવીને મળવાની ઈચ્છા તે વાસના કહેવાય છે અને પ્રભુને મળવાની ઈચ્છા, તે ભક્તિ. 0 ઓછી મહેનતે વધુ મેળવવાનો પ્રયત્ન કરવો, એ પણ ચોરી જ ગણાય છે. 0 અન્ન બગડે, ત્યારે મન બગડે છે. પાણી બગડે ત્યારે વાણી બગડે છે. વિચાર બગડે, ત્યારે વર્તન બગડે છે. 0 કિંમતી વસ્તુ રતિભાર તરીકે વેચાય છે, તેથી નાના પણ ત્યાગના નિયમની કિંમત ઘણી મોટી છે. 0 પોતાને થતી મનની અશાંતિનું મૂળ જે બહાર શોધે, તે બહિરાત્મા છે, પરંતુ જે અંદર શોધે, તે મહાત્મા જ છે, તે માટે વસ્ત્રો સાધુનાં જ હોવા જરુરી નથી!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 726

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું, શબ્દ બોલે. આ “શબ્દ” સાંભળવો તે છે *અનાહત, પણ એ શબ્દમાં નામશેષ થઈને સમાઈ જવું, એ અનાહતથી પણ પર રહેલી સુરતા નામની છે આત્માનુભૂતિ.* જ્યાં સુધી કોઈ જોનારું કે સાંભળનારું છે, ત્યાં સુધી સાધનાની પરિસમાપ્તિ થતી નથી. જાપ મરે, અજપા મરે, અનહદ ભી મર જાય, સુરત સમાની શબ્દમેં, તાહિ કાલ નહિં ખાય. ::::::::::::::: સુરત સમાની શબ્દમેં, તાહિ કાલ ન ખાય એટલે અનહદના સૂક્ષ્મ, દિવ્ય, શુદ્ધ આનંદમય શ્રવણ સુધી પણ કાળનો પંજો પડી શકે છે, કિન્તુ મનુષ્યની સુરતા અનાદિ શબ્દમાં લય પામે, ત્યારે જ કાલાતીત પરમ તત્ત્વને પામી શકાય છે. સંતો ટૂંકમાં કહે છે: *બોલન સો ડોલન* યાને જ્યાં સુધી બોલવાપણું છે, ત્યાં સુધી (મનનું) ડોલવાપણું પણ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 727

મનની પવિત્રતાથી સર્વની પવિત્રતા તથા મનની મલિનતાથી જ સર્વની મલિનતા થાય છે, તેથી *મનને નિર્મલ બનાવવું, તે ધર્મ કરનાર પ્રત્યેક માનવનું સૌ પ્રથમ કર્તવ્ય છે.* જ્યાં સુધી આપણું મન નિર્મલ ન બને, ત્યાં સુધી જેઓનું મન નિર્મલતમ બન્યું છે, જેઓના અંતરમાંથી સ્વસુખના વિચારે વિદાય લઈ લીધી છે અને જેઓ સર્વ જીવોનાં સુખના વિચારમાં જ તલ્લીન બન્યા છે, તેઓને નમન-વંદન-સ્તવન-પૂજન કરવા યોગ્ય છે. સર્વ પુણ્યોમાં શિરોમણિભૂત છે મનપુણ્ય અને તેમાં પણ શિરોમણિભૂત છે નમસ્કારપુણ્ય! તેની સિદ્ધિ થવાથી મન નિર્મળ બને છે, જેથી સર્વ વસ્તુની નિર્મળતા સધાય છે. *આ જગતમાં સૌથી અધિક ઉપકાર નિર્મળ મનવાળા મહાપુરુષોથી થાય છે, થયો છે અને થશે!*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 728

નિર્મળતા પામવા માટે *'शिवमस्तु सर्वजगत:।'* યાને *જગતનાં સર્વ જીવો સુખી થાઓ* ની ભાવના એ સર્વોત્તમ સાધન છે અને તેથી પણ ચઢિયાતું સાધન એ ભાવનાવાન મહાપુરુષોને કરાતું નમન છે, જે નવકાર મહામંત્રના સ્મરણથી થાય છે. નમસ્કારભાવ એ તિરસ્કારભાવનો વિરોધી છે. તિરસ્કાર ભાવની ઉત્પત્તિ અહંકાર ભાવમાંથી થાય છે. જેમના હૃદયમાં કોઈપણ જીવ પ્રત્યે તિરસ્કારભાવ રહ્યો નથી, એવા *પંચપરમેષ્ઠી પ્રત્યેના નમસ્કાર ભાવના પ્રભાવે સમર્પણ ભાવ પ્રગટે છે.* સમર્પણભાવથી અહંકારભાવ - તિરસ્કારભાવ જાય છે તથા સાચો નમસ્કારભાવ આવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 729

0 *સાચો સત્યાગ્રહ* એટલે નિરંતર અંત:શોધ સહિત વિનમ્રભાવથી દુ:ખને સહન કરવું તે. 0 જે એમ માની જીવશે કે: *'આજની રાત મારી અંતિમ રાત છે'* તે બીજા સાથે જીવવાલાયક બનશે. 0 મનુષ્યનું સાચું સૌંદર્ય આરસીમાં નહિ, પરંતુ તેના આચાર - વિચાર તથા રોજબરોજની રહેણી-કરણીમાં પ્રતિબિંબિત થાય છે. 0 *'આત્મા'* એટલે અમૃતનો સેતુ, જીવનું ચૈતન્યસ્વરૂપ, સદ્ગુણોનું આસન અને શક્તિઅઓને રહેવાનું ઘર. 0 પરવસ્તુમાં પ્રીતિ ન કરવી, કારણકે તે જ જન્મ-મરણ અને મિથ્યાત્વનું કરણ છે માટે તે સર્વથા-સર્વદા ત્યાજ્ય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 730

0 *મૃત્યુ* એ આ જગત ઉપરના જીવનનો ભલે અંત છે, કિન્તુ પ્રભુ સાથેના જીવનનો તો પ્રારંભ છે. 0 સંસારનું સૌથી મોટું અનિષ્ટ એ દુ:ખ નથી, પરંતુ સ્વાર્થ છે. 0 *'સતા'* એટલે કેવળ રાજકીય જ નહિ, પરંતુ બીજાની ઉપર પોતાનું પ્રભુત્વ અર્થાત્ આધિપત્ય મેળવવાની ભાવના. 0 લોભ સમાન દુ:ખ નહિ, સંતોષ સમાન સુખ નહિ. બુરા વિચાર તે જ નરક અને શુભ વિચાર તે જ સ્વર્ગ. બંને અહીં જ છે. 0 મૌનમાં વાણી ડૂબી - ઓગળી જાય તથા પછી જ્યારે દરેક પરિસ્થિતિમાં એકદમ સમરસ થઈ જાય, ત્યારે એ મૌન બોલ્યા વગર પણ ઘણું ઘણું બોલે છે, કોઈ વિરલા જ તે સાંભળી અને સમજી શકે છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 731

એકતાની ભાવના વિના શાંતિ થતી નથી. ધર્મ એ માત્ર દેવળો, મંદિરો કે પુસ્તકના પાનાઓ નથી, પણ રાત-દિવસ આચરવાની વસ્તુ છે. ઈશ્વરની આરાધના સચ્ચાઈ વગર કદી ફળતી નથી. હૃદયમાં જૂઠ-વેરઝેર ભર્યા હશે, તો ઈશ્વર દેખાશે નહિ. હૃદયની અંદર મનુષ્ય અને કુદરત - બંને એકરૂપે જ છે. પ્રભુ અને પોતાની વચ્ચે જ્યારે એકત્વનું દર્શન થાય, ત્યારે સાધક ત્રિકાળ દર્શન કરે છે. એ પછી શક્તિના મહાપ્રવાહમાં પોતે આવી જાય છે અને પોતાના પૂર્વ સંકલ્પોને સિદ્ધ કરતાં તેને જરા યે વાર લાગતી નથી.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 732

0 એક બી વાવશો, તો હજાર આવશે, પરંતુ શૂન્ય વાવશો, તો એનાથી હજારગણું *શૂન્ય* જ રહેશે. 0 *'માનવ'* એટલે ટેકનું મંદિર, ટેવનું નહિ! ટેક ટકાવવામાં સામર્થ્યનો સદુપયોગ છે, જ્યારે ટેવ ટકાવવામાં માનવીના સામર્થ્યનો દુરૂપયોગ છે. 0 માનવમાત્રની ઈચ્છા સ્વઅભિલાષને સફળ જોવા માટેની હોય છે, તે પૂર્ણ તો જ થાય, જો જગદીશની આજ્ઞાને આધીન રહીને જીવાય. 0 જેને કારણ અને પરિણામ - એ બંને પકડતાં અને પારખતાં આવડયું, તેઓ આપ સંકલ્પબળથી દૂષણનો વિનાશ કરી જશે. 0 ફૂલની સુવાસ ફક્ત પવનની દિશામાં જ ફેલાય પણ ગુણની સુવાસ તો દશે દિશામાં ફેલાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 733

હૃદય એ ચેતન અને મગજ એ જડ છે. એટલે કે હૃદય ચેતન તરફ અને મગજ જડ તરફ ઢળે છે. ઈશ્વરનું દર્શન હૃદય દ્વારા જ થાય છે. જેનું હૃદય સાફ, તેનાં મન-વાણી-કર્મમાં સચ્ચાઈ હોય. તેનાં સંકલ્પમાં પણ સત્યનો પ્રાણ હોય છે એવં તેનાં શબ્દમાં ય ઈશ્વરને ખેંચવાનું બળ હોય છે, માટે આંતરબહાર સાફ રહેવું! જે અસ્તિરૂપ છે, તે સત્ય છે - જે નથી, તે અસત્ય છે. જીવનો પર્યાય અસત્ય છે, પણ આત્મા રુપી દ્રવ્ય સત્ય છે, માટે ક્રોધી, અભિમાની, માયાવી કે લોભી જીવો ઉપર પણ કરુણા લાવી એમ જ વિચારવું કે તેનું મૂળ રુપ એવો આત્મા તો મુજ સમ નિર્મળ જ છે, આ તો તેની માત્ર એક ટૂંકી અવસ્થા છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 734

0 બાહ્ય મિલકત એ જેમ સંપત્તિ છે, તેમ માણસને મળેલું *મન* પણ એક મહાસંપત્તિ જ છે, એની રક્ષા કરવી, એ પરમ કર્તવ્ય છે. 0 ઈશ્વર કે ગુરુમાં જેને વિશ્વાસ હોય, તે કદી ચિંતા કરી શકે નહિ, કેમકે ચિંતા કરવી, તે પરમ તત્વોમાં અવિશ્વાસ વ્યક્ત કરવા બરાબર છે. 0 ઈશ્વર અને આત્માનાં અસ્તિત્વમાં જેને પાકી શ્રધ્ધા છે, તેના મનમાં કદી પણ ચિંતા પ્રવેશી શક્તી નથી. 0 ચિત્તમાં પ્રસન્નતા ધારણ કરવાથી મુશ્કેલીઓનો મુકાબલો કરવાની ચાવીઓ જડી આવે છે. 0 આપણી જે બુદ્ધિપ્રભા સુખમય સંયોગમાં સુપ્ત રહેલી હોય છે, તે સંકટના સમયમાં ઝળકી ઉઠતી હોય છે, માટે સંકટોને પણ આવકારવા.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 735

0 જીવનને સુખી બનાવવા ભૂખ, તરસ, દુ:ખ અને ઉજાગરો વેઠતાં શીખવું. 0 જે મનુષ્ય પોતાનાં શરીરનો જ છે, તેનું સંસારમાં કોઈ સગું ન થાય, તો તેમાં કોઈ નવીન નથી. 0 શરીર માટે જોઈતાં ખોરાક વિના હજુ થોડો વખત ચલાવી શકાય, પરંતુ આત્માનો ખોરાક પ્રાર્થના છે. તેના વિના તો બિલકુલ ચલાવી શકાય નહિ. 0 દરેક જીવને દુ:ખથી છૂટવું છે, ભૂલથી બચવું છે તથા પરાધીનતા પસંદ નથી, એ એમ બતાવે છે કે દુ:ખ, ભૂલ પરાધીનતા તે જીવનો આંતરિક સ્વભાવ નથી પણ વિભાવ છે. 0 સવળો પુરુષાર્થ, પૈસો વગેરે બહારનાં સંયોગો મળે, તેમાં સમજણની જરૂર નથી, તે તો પૂર્વ પુણ્યના કારણે આવી મળે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 736

0 માણસે પોતાનાં જીવનના મધ્યબિંદુ વડે જીવનમાં રસ ક્યાં છે અને તેનું રહસ્ય શું છે, તે શોધી કાઢવું જોઈએ. 0 જે રીતે પોતાનો પડછાયો માનવીને પ્રકાશમાં નજરે ચઢે છે, અંધકારમાં નહિ, તેવી જ રીતે જ્ઞાનના પ્રકાશમાં જ માનવી પોતાના કાર્યોનું પ્રતિબંબ જોઈ શકે છે. 0 માણસ એ કેવળ તર્કનું પૂતળું નથી, કિન્તુ લાગણીનું પણ ઘર છે. 0 માણસની લાગણીને સાચવવા એક જ ચીજ જરૂરી છે અને તે તેની ઈચ્છાને આડે નહિં આવવાથી જ બને છે. 0 માણસની ઈચ્છા કે કૃતિની સામે થવું, એ ઈરાદાપૂર્વક તેની લાગણીને ઉશ્કેરવાનું કૃત્ય છે. તેવું ન કરવું. માત્ર સામેવાળાને સમજાવવો કે તેની ઈચ્છા શા માટે અયોગ્ય છે?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 737

*ખમાવું બઘા જીવને આજ પ્રીતે,* *ખમો તે બધા મુજને સર્વ રીતે.* *બધા જીવોમાં મિત્રતાને પ્રસારું,* *નથી કોઈ સાથે હવે વેર મારું.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 738

0 આ સંસારમાં ભગવાનની જે લીલા છે, તેના મૂળમાં તેનો પ્રેમ છે - આનંદ છે, તેને સમજી શકીએ, તેમાં જ આપણી સાર્થકતા છે. 0 રોષે ભરાવાનો પ્રસંગ આવતાં ય જે પ્રસન્નતા દાખવે, તે બીજાના દુષ્કૃત્યોને હરી લે છે. 0 લાગણી વિનાનાં માણસ પાસે ગમે તેટલી સંપતિ ભલે હોય પણ તેની બુદ્ધિ કે સંપતિ કાંઈ સાચા ઉપયોગમાં ન આવે. 0 આત્મામાં અનંત શક્તિ હોવા છતાં આપણી શક્તિની સ્હેજ પણ કોઈ પ્રસંશા કરે, તેથી રાજી થવું, તે તો પોતાને જ લઘુ બનાવનારું છે. 0 જ્ઞાનથી અજ્ઞાનતા ટળે છે, એ વાત સાચી છે, તો પણ અધુરું જ્ઞાન જ્યાં છે, ત્યાં સુધી તેનો પણ અહંકાર થવાનો સંભવ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 739

દેખાતું જગત એ બીજું કશું નથી, મનનો તમાશો જ છે. જે બધું દેખાય છે, તે મનની જ સુંદર આકૃતિઓ છે. *સાચી વસ્તુ તો દેખનાર પોતે જ છે.* *'યહ સંસાર હૈ મન કા તમાશા,* *જીવ કો ભાયા, સો ગલે કા ફાંસા.'* જેમ કાચબો પોતાનું શરીર પોતાનામાં સંકેલી લે છે, તેમ જ્ઞાની પોતાનો જ્ઞાનપ્રભાવ પોતાનામાં સંકેલી લે છે. જે જ્ઞાનથી ભિન્નતાની ભ્રાંતિ ટળે તથા અભેદાનુભવ જાગે, તેનું જ નામ *યોગ*, અને જે તેનો અનુભવ કરે, તે *યોગી*. યોગીનું જ્ઞાન અનુમાનસિદ્ધ નહિ પણ અનુભવસિદ્ધ હોય છે. દુઃખનો અનુભવ એ માત્ર અહંકાર છે, પોતાની જ જૂદાઈની તે ભ્રાંતિ છે. *પ્રભુના વિયોગના દુઃખને આપણે* *પદાર્થોના વિયોગનું દુઃખ માની લઈએ છીએ.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 740

0 *'સંસાર'* એટલે પોતાની (આત્માની) શુધ્ધતામાંથી સારામાં સારી રીતે સરી જવું અથવા ખસી જવું તે. 0 પુણ્ય - પાપને પોતાના ન માનતાં માત્ર જ્ઞાયકપણે પોતાને તે કર્મોથી જૂદો રાખવો અર્થાત 'છે તેવા સ્વભાવે' રાખવો, તે જ સાચી અહિંસા છે. 0 જે પરની ચીજ છે, તેને સ્વ-ભાવની માનવી, તે જ અનંતા જન્મ-મરણનું કારણ છે. 0 આત્મામાં એવી કોઈ વસ્તુ નથી કે તે બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો જ રહે, નહિ તો નષ્ટ થઈ જાય! આત્મા તો એક સ્વતંત્ર ચૈતન્ય વસ્તુ છે, તે પોતે પોતાથી જ રક્ષિત છે. 0 મનુષ્યના સ્વભાવમાં શ્રધ્ધા અને બુદ્ધિ - બંને તત્વો છે. કોઈમાં શ્રદ્ધા મુખ્ય ભાગ ભજવે છે, તો કોઈમાં બુદ્ધિ. આપણે દેવે દર્શાવેલ અને ગુરુએ અનુભવીને કહેલ એવા સત્ય-અહિંસા-અપરિગ્રહ-પ્રેમ-કરુણાના ધર્મમાર્ગે શ્રધ્ધાપૂર્વક વિચરણ કરવું ઈષ્ટ છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 741

0 પરમાત્મા અને મહાત્માઓના અનુગ્રહની એટલી મોટી તાકત છે કે તે દુ:ખીઓના દુ:ખ અને પાપીઓના પાપને પશ્ચાત્તાપ આદિ દ્વારા માફ કરાવી શકે છે! 0 પ્રત્યેક બનાવને અંતરથી ચાહો, કેમકે તે હંમેશા સારા માટે જ હોય છે, કેમકે તેના ઉપર પ્રભુત્વ પ્રભુનું છે. 0 માણસ એકવાર સમજી લે કે રજોગુણ - તમોગુણથી કોઈ દિવસ સાચી શાંતિ કે સુખ મળતું નથી, તો એમાંથી છૂટવાનો સંકલ્પ કર્યા વિના ન જ રહે. 0 માણસને મૃગજળ તરફ ખેંચી જનાર કોઈ હોય, તો તે કામ છે - ક્રોધ છે. 0 જેમ અરીસા ઉપર ધૂળ ચોંટી ગઈ હોય, એને સાફ કરતાં અરીસો ચળકી ઉઠે, તેમ માણસનું ચિત્ત સત્વથી ઉજ્જ્વળ બની દીપી ઉઠે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 742

દીપકને દેખવા માટે જો બીજા દીપકની જરૂર હોય, તો જ આત્માને ઓળખવા માટે બુદ્ધિની ઉપયોગીતા છે, અન્યથા નહિ. આત્મજ્ઞાનમાં *ગુરૂવાક્ય, શાસ્ત્રવાક્ય અને પરમેશ્વરનો અનુગ્રહ કે આલંબન* indicator તરીકે આવશ્યક - અનિવાર્ય છે, તે ત્રણની સહાય વિના આત્મજ્ઞાનની પ્રાપ્તિ અશક્ય છે. જેમ ભૂલી ગયેલ પોતાના કંઠનું આભરણ પોતે બીજાના કથનથી જ પામી શકે છે, તેમ આમાં પણ સમજવું! આપણે જો એક ચોપડી વાંચવી હોય છે, તો પણ તેને હાથ, હૈયું અને આંખો સોંપવા પડે છે, તો પછી મન-વચન-કાયાને આત્મા સાથે જોડનારા નિયમોના પાલન સિવાય આત્મદર્શન કેમ થાય?

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 743

0 *'ધર્મસાધના'* એટલે પોતાની જાતની ખોજ કરવી, એને નિર્મળ બનાવવી અને એમ કરીને પોતાના મૂળ સ્વરૂપનું દર્શન કરવું. 0 સાચા ધર્મમાં ‘કોઈની હિંસા ન કરવી’ એટલું જ પૂરતું નથી પણ ‘બીજાને મદદરૂપ થવું’, તે પણ એટલું જ જરૂરી હોય છે. 0 મન, વચન, કાયાને શાંત, સ્વસ્થ અને નિર્મળ બનાવીને તે ત્રણેને એકરૂપ કરવા, તે ધર્મની સમજનું ફળ છે અને એને જ ધર્મનું આચરણ કહેવાય. 0 *'દાન દેવાથી સુખ મળે છે'* એ વચન સત્ય છે પણ *'સુખ મેળવવા માટે દાન આપવું જોઈએ'* એ વચન મિથ્યાત્વ છે. 0 માનવજીવનની શક્તિ અને સમય પુણ્યલાભ, ગુણસંપતિ અને સુસંસ્કારની વૃદ્ધિમાં વપરાય, તો જ તે બંને સાર્થક થયાં ગણાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 744

0 વધારે વસ્તુઓની માલિકીમાં નહિ, પરન્તુ ઓછી વસ્તુની જરૂરીયાતોમાં સુખ વસે છે! માણસમાં રહેલી શ્રેષ્ઠતાને બહાર પ્રગટાવનાર સુખ નહીં, કિન્તુ દુ:ખ જ છે. 0 બીજાના દુ:ખને પોતાનું દુ:ખ માનનાર અને બીજાના સુખની પોતાના સુખ જેટલી જ કિંમત આંકનરમાં કામ, ક્રોધ અને લોભ - એ ત્રણેય દોષો ઓગળી જાય છે. 0 જેનાથી અધિક ઉપકાર થાય, તેને નમવું તે માનવતા છે. 0 જીવોને સહવા તે *'અહિંસા'* છે, સુખોને સહવા તે *'સંયમ'* છે અને દુ:ખોને સહવા તે *'તપ'* છે. 0 દુ:ખ જો સમજપૂર્વક વેદવામાં આવે, તો સુખનું બીજ છે, સુખ જો સમજ વિના વેદવામાં આવે, તો દુ:ખનું બીજ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 745

0 *'મોહ'* એટલે ‘બીજા સાથે આત્મસમાન ન વર્તવાથી પણ સુખ મળે’ એવી ખોટી ભ્રાંતિ. 0 એકમેકના જીવનમાં સામેલ થવું, એ *'સંસ્કૃતિ’* પરંતુ એકમેકથી વિમુખ થવું, એ *'વિકૃતિ'*. 0 અભિમાન વડે જ જેનું જીવન નભી શકવા યોગ્ય છે, એવું માનસ ક્લેવર અભિમાનીની અવજ્ઞા પામ્યા પછી તુરંત જ જીવનરહિત થાય છે. 0 અપૂર્ણતા અને ખામઓ એ કાંઈ ગુન્હા નથી, પણ હ્રદયની દુર્બળતા છે. 0 પુણ્યના ફળો ભોગથી નાશ પામે છે, જ્યારે મોક્ષનાં સુખો તો સદાને માટે પરિપૂર્ણ અને અખંડ જ રહે છે. માટે કર્મમુક્ત થવાના રસ્તે જ નિત આગળ વધવું!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 746

0 હ્રદય અને બુદ્ધિનો સહચાર - એ જ સાચો વિવેક છે. *એક વાત તો સુનિશ્ચિત જ છે કે જેને પોતાની જાત ઉપર કાબુ આવ્યો નથી, તે વિશ્વ ઉપર કદી પણ કાબુ મેળવી શકવાનો નથી.* 0 પોતાની જાત ઉપર કાબુ મેળવવા માટે પોતાની પાંચે ઇન્દ્રિયો ઉપર અને પોતાના મન ઉપર પૂરેપૂરો કાબુ મેળવવો જોઈએ. 0 દુ:ખિતનાં દુ:ખનો નાશ કરવાની ઈચ્છા અને પ્રવૃત્તિ એ જ *કરૂણા* છે. બુદ્ધિનો વિલાસ કે માત્ર સારી સારી શિખામણોથી જ મનુષ્યો આકર્ષતા નથી, પરંતુ શુભ એવી શક્તિના લોહચુંબકથી જ તે આકર્ષાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 747

અનુપ્રેક્ષા સ્વાધ્યાયમાં સત્ય એ 'વ્યક્તિનું સત્ય' રહેતું નથી. વ્યક્તિના mediumમાં cosmic truth પ્રકાશતું હોય છે અને તેથી જ અનુપ્રેક્ષા સ્વાઘ્યાય effortless effort બની રહે છે. સર્વના હિતનો ભાવ વિશ્વ વ્યવસ્થાના અર્થાત્ Cosmic orderના પાયાનો વિચાર છે. 0 કોઈપણ કામને વ્યવસ્થિતપણે પાર પાડવું હોય, તો તે માટે ૩ વસ્તુ આવશ્યક છે : કામમાં વેગ, વ્યવસ્થિતપણું અને ત્રીજી વસ્તુ એ કે તે કામ વિષેનું સાત્વિક અને પૂર્ણ જ્ઞાન જોઈએ. સૂર્યનો પ્રકાશ પુરવાર કરવાનો હોય નહિ. *જો મને સૂર્યના પ્રકાશમાં શંકા થાય, તો આંખના ઈલાજની અગત્યતા જાણવી.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 748

શક્તિથી કાંઇક અધિક શક્તિ ફોરવવી, તે ધર્મ છે.* આપણી જેટલી શક્તિ હોય, તેથી પણ ન્યુન શક્તિ ખર્ચવી, તે ચારિત્રધર્મની પ્રતિપક્ષી છે. રાગ-દ્વેષની જેમ શક્તિ-નિગૂહન કે ગોપન પણ ચારિત્રની પ્રતિપક્ષી ક્રિયા જ છે. *શક્તિને ગોપવનાર ધર્મપુરુષાર્થનો આરાધક બની શકતો નથી.* *પ્રાપ્ત શક્તિને ધર્મમાર્ગે ન ફોરવવા દેનાર કર્મ 'ચારિત્રમોહનીય કર્મ' કહેવાય છે.* તે કર્મમાં ચારે પ્રકારના કષાયોનો અર્થાત્ ક્રોધ, માન, માયા, લોભનો ઓછો - વધતો વ્યાપાર હોય છે. પ્રમાદને યા આળસને જીતવાથી ચારે કષાયો જીતાય છે. *If I rest, I rust.* *કુદરતે અર્પેલ શક્તિનું જો હું ગોપન કરૂં, તો બરબાદ થાઉં.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 749

0 સર્વમાં રહેલા સમાન આત્માને પોતાની જેમ જ સમભાવથી જે જુએ છે, તે પોતાના આત્મા વડે પોતાને હણતો નથી, તેથી પરમગતિને પામે છે. 0 મનુષ્ય જ્યાં સુધી પોતાના મન અને શરીરનો દાસ છે, જ્યાં સુધી તેનામાં દેહાધ્યાસ છે, તેથી ત્યાં સુધી તે મનુષ્ય નથી પણ પામરકોટિનું પ્રાણી છે. 0 બીજાને દુ:ખી જોઈ પોતાનું દુ:ખ ભુલી જવું, બીજાને દુ:ખમુક્ત કરવો, એ માનવમાત્રની સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ ફરજ છે. 0 હક્ક માગવાની નહિ, પણ બદલો વાળી આપવાની તત્પરતા અને એ ના બને ત્યારે આંખો ભરાઈ આવે, તેનું જ નામ *'માનવતા'*. 0 અહંકારનો અલ્પકાલને માટે પણ ત્યાગ થાય, તો અનંત શાંતિનો અનુભવ થાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 750

બુદ્ધિ દ્વારા જ્ઞાનયોગ તે દિવ્યજ્ઞાન છે, હૃદય દ્વારા ભક્તિયોગ તે દિવ્યશાંતિ અને સંકલ્પ દ્વારા કર્મયોગ તે દિવ્યકર્મ અર્થાત્ ધ્યાન છે. સત્ તત્ત્વોનું રક્ષણ, દુષ્ટ તત્ત્વોનો વિનાશ અને ધર્મ તત્ત્વોનું સંસ્થાપન અવતાર કાર્ય દ્વારા અવારનવાર થાય છે. જેનાથી ઐહિક અને પારમાર્થિક કલ્યાણ થાય, તે ઘર્મ. જેનાથી સર્વના અભ્યુદય અને નિ:શ્રેયસની સિદ્ધિ થાય, તે ઘર્મ. આવો ધર્મ બાહ્યાંતર જીવનને દિવ્ય લક્ષ્ય તરફ લઇ જતો નિયમ છે. અહિંસા સર્વાત્મભાવ રૂપ છે. જેઓ બહારથી સંયમનો દેખાવ કરે છે, પરંતુ મનમાં વિષયોનું ચિંતન કરે છે, તેઓ મિથ્યાચારી ગણાય છે. કરવા યોગ્ય કરવું, તે પ્રવૃત્તિ ધર્મ છે અને ન કરવા યોગ્ય ન કરવું, તે નિવૃત્તિધર્મ છે. આત્મસાક્ષાત્કાર એટલે પ્રભુની સાથે એકતાની અનુભૂતિ. વીર પૂજા એટલે કોઈપણ વિભૂતિમય જીવના ગુણોની પૂજા.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 751

એકાંત વિના વાંચન, ચિન્તન, મનન, ઘ્યાન, મૌનદ્રષ્ટિ કે ગતિનું મહત્વ કાંઈ નથી. Not extention but dimension,, વિસ્તાર નહિ પણ ઉંડાણ પ્રત્યે જો આપણે જવું હોય, તો એકાંત ચિંતનના રસને ઘેરો કરવોજ રહ્યો. શબ્દ કરતાં ચિત્રમાં વધુ ઉંડાણ છે, ચિત્ર કરતાં શિલ્પમાં અને શિલ્પ કરતાં સજીવ આકૃતિમાં વધુ ઉંડાણ છે. સજીવ આકૃતિની બાહ્ય રેખાઓ કરતાં તેના જાગ્રત, અજાગ્રત અને અર્ધજાગ્રત (conscious, unconscious & subconscious) મનમાં ઉત્તરોત્તર વધુ ને વધુ ઉંડાણ છે. *દુનિયાની સૌથી પ્રાથમિક જરૂરિયાત છે પરમ પ્રકાશમય ઈશ્વરીય તત્ત્વ સાથે જોડાણ કરવાની. એ જોડાણ થાય શી રીતે? તો એનો એક જ ઉપાય છે અને તે છે સમર્પણભાવ.* Ask and receive, seek and find, knock and it will open. સંકલ્પ કરો કે: આ જન્મમાં કોઈપણ ભોગે મારે ઈશ્વરને અનુભવવો છે. એ પછી *પ્રત્યેક શ્વાસનું અર્પણ ઈશ્વરને થવું જોઈએ, એ માટેની તમન્ના જેટલી તીવ્ર, તેટલો અનુભવ શિઘ્ર. સમર્પણભાવ એ જ વાસ્તવિક નમનયોગ.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 752

0 જીવનની ક્ષણિકતા સમજાય તો જીવનનો પ્રવાહ અને રાહ - એ બંને અનંત જીવનનો રાહ બની જાય. 0 જે જાણ્યાં પછી જાણવાનું, પામ્યાં પછી પામવાનું અને અનુભવ્યાં પછી અનુભવવાનું કાંઈ જ બાકી ન રહે, *તે જ્ઞાન છે.* જે અનિત્ય વસ્તુમાં આસક્ત થાય છે, એના આગમનથી હર્ષિત થાય છે, તે એના નાશથી યા તો તેના અભાવથી દુ:ખી થઈને વ્યથા પામે છે. તે અવસ્થાને *'અજ્ઞાન'* કહે છે. કોઈના પણ ઉપકારનું ઋણ માનવું, તે ઉત્તમ આત્માનો સ્વભાવ છે! પ્રાણમાં સુખ - દુ:ખનાં સંચારનો વિરોધ નહિ કરતાં પોતાની બુદ્ધિને સ્થિર કરીને રાખવી, એ જ દુ:ખને જીતવાનો એકમાત્ર રાજમાર્ગ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 753

0 પ્રેમ વડે સર્વવ્યાપક જીવોની એકતાનો સાક્ષાત્કાર કરવો, એ જ હ્રદયની શુધ્ધિ છે. 0 આપણાં જે જે દોષો આપણને જણાય, તે પ્રગટ કરવા, પરંતુ ગુણો નહિ! ગુણો તો સ્વાભાવિક રીતે પોતાના તેજે પ્રકાશી જ રહે છે, ગુણોને પ્રકટ કરવાની જરૂર રહેતી નથી. 0 રોજિંદા જીવનમાં પેદા થયેલા બીજા જીવો પરત્વેનાં રાગ તથા દ્વેષને વિસરી જવા અને કોઈ પરમશક્તિમાં પોતાની જાતને લીન કરી દેવી, તેનું જ નામ *પ્રાર્થના* 0 જેઓની પાસે સહાનુભૂતિપૂર્ણ - સંવેદનશીલ હ્રદય છે, જેના હ્રદયમાં દયા, પ્રેમ અને સહાનુભૂતિ છે, તેને તો આખું જગત જ ‘મિત્ર’ છે. 0 પુણ્ય-પાપને સમજવું સરળ છે: બીજાના સુખની ભાવનાથી થતું કર્મ એ શુભ કર્મ કે પુણ્ય છે, તેનું ફળ સુખ હોય છે. બીજાને દુ:ખ આપવાની ભાવનાથી થતું કર્મ એ અશુભ કર્મ કે પાપ છે, તેનું ફળ દુ:ખ હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 754

0 સુખ - દુ:ખનું અધિપતિપણું પોતાની જ કૃતિ છે, કારણકે પોતે જ તેનો કર્તા અને પોતે જ ભોક્તા છે. 0 વિશ્વમાં જેમ આકાશ રહેલું છે, તેમ માનવીમાં ઈચ્છા રહેલી છે, એટલે તેનો નિરોધ ભલે શક્ય નથી, પણ એ ઈચ્છાઓનું રુપાંતર અવશ્ય શક્ય છે. 0 મનુષ્યને ઈશ્વરની કોઈ મોટામાં મોટી દેન હોય તો તે કરુણાયુક્ત, સહાનુભૂતિવાળું હ્રદય છે! તેને લીધે જ માણસ માનવ છે, અરે… ભગવાનની પ્રતિમા સમાન છે. 0 મત્સર કે ઈર્ષ્યા એ માણસની મોટામાં મોટી કમજોરી છે, જે ક્યારેક મોટા - મોટા મહાપુરુષોને પણ જન્મ હરાવી દે છે! 0 જેમ એક નાનો પત્થર પણ મહામુલાં એવા મોંઘા મોતીને ક્ષણમાત્રમાં તોડી દે છે, તેમ મુર્ખની દલીલો પણ જ્ઞાનીના સત્યને સહેલાઈથી તોડી શકે છે, માટે મુંઝાવું નહીં!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 755

0 સુખ વસે છે વધારે વસ્તુઓની માલિકીમાં નહિ, પણ ઓછી વસ્તુની જરૂરીયાતોમાં. 0 સુખ નહિ પણ દુ:ખ જ માણસમાં રહેલી શ્રેષ્ઠતાને બહાર પ્રગટાવે છે. 0 બીજાના દુ:ખને પોતાનું દુ:ખ માનનાર અને બીજાના સુખની પોતાના સુખ જેટલી જ કિંમત આંકનારમાં કામ, ક્રોધ અને લોભ - એ ત્રણે ય દોષો ઓગળી જાય છે. 0 જેનાથી જીવોને અધિક ઉપકાર થાય, તેને નમવું, તે જ માનવતા. 0 *ધર્મ* એટલે અહિંસા, સંયમ અને તપ. જીવોને સહવા તે *'અહિંસા'* છે. સુખોને સહવા તે *’સંયમ'* છે. દુ:ખોને સહવા તે *'તપ'* છે. 0 કોઈપણ દુ:ખને જો સમજપૂર્વક વેદવામાં (ભોગવવામાં) આવે, તો તે સુખનું બીજ બંને છે, અને સુખને જો સમજ વિના વેદવામાં આવે, તો તે દુ:ખનું બીજ બંને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 756

‘તત્ત્વત્રયી’ એટલે દેવ, ગુરુ અને ધર્મ. ’રત્નત્રયી’ એટલે કે સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર. તેનો અર્થ શું? ‘બધા આત્મા મારા જેવા જ છે’, એવું જ્ઞાન તે સમ્યગ્ જ્ઞાન છે. ‘મારો આત્મા નિશ્ચયથી પરમાત્મા જેવો જ છે’, એવી શ્રદ્ધા તે સમ્યક્ દર્શન છે. અને… ‘પરમાત્મા જ આ જગતમાં રહેલાં બધા આત્માઓના આત્મામાં છે’, એવી પ્રતીતિપૂર્વકનું વર્તન તે સમ્યક્ ચારિત્ર છે. બધા જીવોને પોતાના સમાન જાણવા, જોવા અને તે મુજબ વર્તન કરવું, તે વ્યવહાર ધર્મ છે. તેવો ધર્મ આચરતાં તો કદાપિ ચૂકવો જ નહીં!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 757

૧૨ પ્રકારના તપ વિના આત્મિક સુખ નથી, સ્વાઘ્યાય વિના જ્ઞાન નથી અને ઈશ્વરના પ્રણિધાન વિના મોક્ષની પ્રાપ્તિ નથી. ક્રિયાયોગનું મુખ્ય અંગ સ્વાઘ્યાય અર્થાત્ સ્વનું અધ્યયન છે. મંત્રજાપ પણ એક પ્રકારનો સ્વાઘ્યાય જ છે, અંતરાત્માનું જ્ઞાન તેથી થાય છે, જે એક બાજુ તપની વૃદ્ધિ કરે છે અને બીજી બાજુ ઈશ્વર પ્રણિધાનને પુષ્ટ કરે છે. શરીર એ રથ, બુદ્ધિ એનો સારથી, આત્મા છે રથી, પાંચે ઇન્દ્રિયો એ પાંચ ઘોડા અને મન એ પાંચે અશ્વોની લગામ છે. તપ શરીરને મનના કાબુમાં રાખે છે, મનને બુદ્ધિના કાબુમાં અને બુદ્ધિને આત્માના કાબુમાં લઈ જાય છે. માટે તપ આદરવા પ્રયત્નશીલ રહેવું.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 758

માનવજીવનની સફલતા માટે *જ્ઞાન ગ્રહણ કરવું* અને *અવિદ્યાને ત્યાગવી* એ બે વાત જ મુખ્ય છે. *જ્ઞાન એટલે શું?* જે જાણ્યા પછી જાણવાનું, પામ્યા પછી પામવાનું અને અનુભવ્યા પછી અનુભવવાનું કાંઈ જ ન રહે, તે જ્ઞાન છે. આ જ સત્યજ્ઞાન છે. તેને જ પ્રાપ્ત કરવાની જરૂર છે. રોજની આપણી પ્રત્યેક ક્રિયાઓ અને તેનો વ્યવહાર આ જ્ઞાનને પામવા માટે જ હોવો જોઈએ. જ્ઞાનની કુંભક અવસ્થા *'હું બ્રહ્મરૂપ છું'* એ માનવામાં છે. એ ભાન અંત:કરણમાં જેટલો વખત જાગ્રત રહે, તેટલો જ વખત આપણે જ્ઞાનસમાધિમાં છીએ, એમ જાણવું. *વ્યવહારની સુંદરતાથી આંતરિક પ્રગતિ નથી, કિન્તુ આંતરિક પ્રગતિથી વ્યવહારની સુંદરતા પ્રગટે છે.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 759

0 *'સમાધાન'* એટલે સમ = એકસરખું ધારણ રાખવું…! તેને એક પ્રકારનો ‘યોગ’ પણ કહેવાય. એમાં જતું કરવાની વાત નથી, પણ સત્યની અનેક બાજુઓને સદ્ ભાવથી સ્વીકારવાની વાત છે. 0 નમ્રતા એવો પણ બોધ શીખવાડે છે કે: ‘મારા આત્મા ઉપર કર્મનું આવરણ છે અને એ આવરણ નીચે મારું શુધ્ધ સ્વરૂપ રહેલું જ છે’! આવું શ્રધ્ધાપૂર્વકનું જ્ઞાન જ નિર્ભયતા અપાવે છે. 0 સુખ અને દુ:ખ તો માત્ર દેહના છે, આત્માના નહિ! દુ:ખને હસી કાઢવા જેવું એક પણ સુખ અહિંયા નથી, કેમકે તે આપણને જીવન જીવવાનું નવું બળ આપે છે. 0 જ્યાં સુધી શરીર અને મન છે, ત્યાં સુધી જ દુ:ખરૂપી પવન છે. શરીર અને મનના નાશની સાથે આધિ અને વ્યાધિ સ્વરૂપ દુ:ખનો પણ નાશ નક્કી જ છે. 0 ધર્મ એ શ્રધ્ધા ઉપર નભે છે, એ સાચું છે, પણ માનવીનું કયું કાર્ય શ્રધ્ધા ઉપર નથી નભતું? શ્રધ્ધા વિના આપણું કોઈપણ કાર્ય સફળ તો થઈ જ ન શકે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 760

દિવસના પ્રથમ પ્રહરે આહાર લેવો, એ *વૈદકશાસ્ત્ર વિરૂદ્ધ* છે, દિવસના કોઈપણ સમયે ષડ્ રસયુક્ત ભોજન કરવું, તે *ધર્મશાસ્ત્ર વિરૂદ્ધ* છે તથા જીવનમાં એકપણ વાર અનીતિના દ્રવ્યથી મળેલું ભોજન કરવું, એ *નીતિશાસ્ત્ર વિરૂદ્ધ* છે. 0 આપણું સર્વ પ્રકારનું જીવન એવી રીતે ગોઠવવું જોઈએ કે જેથી દરેક મનુષ્ય પોતાના હ્રદયની અંદર રહેલ એક પરમાત્માને ઓળખે, તેને પોતાનો કરે, તેનો આનંદ સ્વતંત્ર રીતે લઈ શકે અને પોતાના દ્રષ્ટાંતથી તે આનંદ બીજાને આપી શકે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 761

0 ધર્મ શ્રધ્ધા ઉપર સંભવે છે. ધર્મનું ઉદ્ભવ સ્થાન માનવીમાં રહેલો ભય છે, જે જ્ઞાનના વિકાસ સાથે દૂર થતો જવાથી ધર્મની આવશ્યકતા ઓછી થતી જાય છે. 0 દરેક ધર્મ અને ધાર્મિક ક્રિયા મહાન છે, પરંતુ બધા ધર્મો કરતાં પણ મહાન ધર્મ છે માનવતા. જ્યાં સાચી માનવતા વસે છે, ત્યાં જ સાચો ધર્મ વસે છે. 0 સર્વ જીવોના ઋણમાંથી મુક્ત થવા માટે કેવળ તેમનું સુખ ઈચ્છવું, એ જ બસ નથી, કિન્તુ તેમને દ્રવ્યથી નમવું પણ આવશ્યક છે. 0 પોતનું મન એ જ પોતાનો ખરો શિષ્ય અને પરમાત્મા એ જ સાચા ગુરુ છે. 0 મન, બુદ્ધિ, ઈન્દ્રિય અને શરીરરુપી રથ ભગવાનરુપી સારથિને સમર્પણ કરવો, તેનું જ નામ *'નિષ્કામ ભક્તિ'* છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 762

0 આપણું સર્વ પ્રકારનું જીવન એવી રીતે ગોઠવવું જોઈએ કે જેથી દરેક મનુષ્ય પોતાના હ્રદયમાં રહેલ એક પરમાત્માને ઓળખે - તેને પોતાનો કરે - તેનો આનંદ સ્વતંત્ર રીતે લઈ શકે અને પોતાના દ્રષ્ટાંતથી તે આનંદ બીજાને ય આપી શકે. 0 દુ:ખ જીતવાનો પ્રકૃત ઉપાય જ્ઞાન, શાંતિ અને સમતા છે. શાંત ભાવથી સુખ-દુ:ખ ગ્રહણ કરવું, એ જ વાસ્તવિક માર્ગ છે. 0 દરેક માણસે પોતામાં જે સારું છે, તે બીજા ઉપર લાદવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમાં બીજાનું ભલું કરવા કરતાં આપણો અહંભાવ પોષવાનું તત્વ વધારે રહેલું છે. 0 ભગવાનની પ્રાર્થના શુધ્ધ અંત:કરણથી અને ખરા ભાવથી કરશો તો સર્વ સંકટ જરૂર ટળી જશે. 0 બીજાના દુ:ખને નાશ કરવાનો વિચાર પણ *'કરૂણા'* છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 763

0 *'ધર્મસાધના'* એટલે પોતાની જાતની ખોજ કરવી, એને નિર્મળ બનાવવી અને એમ કરીને પોતાના મૂળ સ્વરૂપનું દર્શન કરવું. 0 સાચા ધર્મમાં કોઈની હિંસા ન કરવી, એટલું જ પૂરતું નથી પણ બીજાને મદદરૂપ થવું, તે પણ એટલું જ જરૂરી છે. 0 મન, વચન, કાયાને શાંત, સ્વસ્થ અને નિર્મળ બનાવી તે ત્રણેને એકરૂપ કરવા, તે ધર્મની સમજના ફળરુપ આચરણ છે. 0 *'દાન દેવાથી સુખ મળે છે'* એ વચન સત્ય છે પણ *'સુખ મેળવવા માટે દાન આપવું જોઈએ'* એ વચન મિથ્યાત્વ છે. 0 માનવજીવનની શક્તિ અને સમય પુણ્યલાભ, ગુણસંપતિ, સુસંસ્કારની વૃદ્ધિમાં વપરાય, તો જ તે બંને સાર્થક થયા ગણાય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 764

0 જેમ શુદ્ધ ફૂલ જ ઇશ્વરના ચરણમાં સ્થાન લે છે, તેમ અણિશુધ્ધ પવિત્ર જીવન જ આપણને ઇશ્વર પાસે જવાના અધિકારી બનાવે છે. 0 કોઈપણ કામને વ્યવસ્થિતપણે પાર પાડવું હોય, તો તે માટે ત્રણ વસ્તુ આવશ્યક છે : કામમાં વેગ, વ્યવસ્થિતપણું અને ત્તે કામ વિષેનું જ્ઞાન. 0 જીવ અજ્ઞાનને લીધે દેહને પોતાનો માની બેસે છે, તેથી તેને બંધન થાય છે અને બંધન એ જ દુ:ખ છે. 0 ભારતવર્ષની આ પવિત્રતમ ભુમિ ઉપર માનવ તરીકેનો જન્મ લઈને જે પ્રભુ તરફ વળતો નથી, એના જેવો કમનસીબ કે અભાગિયો બીજો એકે નથી. 0 જિંદગીનાં વિતાવેલાં વર્ષો કરતાં સંતોનાં સાન્નિધ્યમાં વિતાવેલી થોડી એવી ક્ષણો પણ સ્મરણમાં ચિરસ્થાયી બની જાય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 765

જીવનમાં જીવો પરત્વેની કૃતજ્ઞતાને બોલતી જ રાખો (સૌને Thanks કહ્યાં જ કરો!) પરંતુ આપણા દ્વારા બીજાં જીવો ઉપર સતત થતાં પરોપકારને માટે મૌન જ રાખો. સંબંધોના જગતમાં પરોપકાર કર્યા જ કરો, જેથી જીવો સાથેની ઋણમુક્તિ થતી જ જાય અને સ્વરૂપ જગતમાં પળે પળે કૃતજ્ઞતા ભાવ દર્શાવો, જેથી ઈશ્વરનો ઋણસ્વીકાર થતો જ જાય! नमो जीणाणं, नमो जीवाणं। જિનેશ્વરોને નમસ્કાર થાઓ. જીવોને નમસ્કાર થાઓ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 766

0 વિશ્વથી પોતાની જાતને અલગ પાડનારી સ્વાર્થની ભાવનામાંથી જ ભયનો જન્મ થાય છે. 0 માણસના વ્યવહાર માટે જરૂર પૂરતો જ પૈસો કમાવાની જરૂર છે, પણ બધો સમય એ માટે ચાલ્યો જાય, તો મનુષ્ય જીવનનું રહસ્ય સમજવાનો વખત જ મળતો નથી. 0 જે પ્રજાની પાસે સત્તા હોય, પૈસો હોય, પણ સાથે જો ધર્મ ન હોય, તો સત્તા અને પૈસાનો સદ્પયોગ કરવાનું તેને આવડતું નથી. 0 અધર્મનું આચરણ માણસને પથરા જેવો ભારે બનાવે છે. અધર્મનો એક કણ પણ મણ જેવો થઈને માનવને અધોગતિ તરફ લઈ જાય છે. 0 જીવો પ્રત્યેના અનંત પ્રેમે જ પ્રભુ વીરને ૧૨।। વર્ષની કઠોર તપસ્યા દરમ્યાન અનંત કષ્ટ સહન કરવાની શક્તિ આપી!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 767

0 જ્યાં ધર્મનું પાલન નિષ્ઠા અને પ્રેમથી થાય, ત્યાં પ્રકાશ - તેજ - ઓજ પથરાય, બ્રહ્મ-બળ પ્રાપ્ત થાય અને વળી તેમાંથી બળવાન એવા યમ પણ પરાજિત થાય! 0 સંકટ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખૂબ ધીરજ કેળવવી, કર્મના વિપાક આપણાથી ટાળી ન શકાય પણ શાંતિપૂર્વક ભોગવવાથી ટાળી શકાય. 0 દુનિયાને સુધારવાની આકાંક્ષા રાખવાને બદલે જાતને સુધારવા મથવું તથા અહંકાર અને દંભ ત્યજી સાચી નમ્રતા કેળવવા પુરુષાર્થ કરવો. 0 આગળ વધી મુશ્કેલીઓ ઓળંગવામાં કાર્યસિદ્ધિ થતાં સુધીમાં ટકી રહેવાનું બળ એક શ્રધ્ધામાંથી જ મળે છે. 0 જે સમગ્ર સૃષ્ટિમાં એકને જ જુએ છે, તથા અનંત મૃત્યુમાં પણ જે જીવનને જૂએ છે, તે જ શાશ્વત શાંતિને મેળવે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 768

0 દુ:ખનો કલ્પિત ભય પણ જો સાચા દુ:ખનું કારણ થાય છે, તો સુખની અક્લ્પિત શ્રધ્ધા પણ સાચા સુખનું કારણ કેમ ન બને? બને જ. 0 બુદ્ધિનું તેજ, હૃદયની ઉર્મિ અને પ્રત્યેક જીવ પ્રત્યે પ્રેમભર્યો નિત્ય વર્તાવ - એ સર્વ જ સાચી ધાર્મિકતા છે! 0 શાંત રહેલાં નહિ પણ શાંત થયેલાં મનમાં સત્યનો અને સર્જનનો આનંદ ઉભરાય છે. 0 મનની માંગણીઓ જ દુ:ખનું કારણ હોય છે, લાગણીઓ નહિ. માંગણી વિના લાગણીથી નિરીક્ષણ કરતું રહે, તો એ મન નિર્વિકાર ઉપરાંત સત્ય રુપ બની રહે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 769

0 જ્યાં ત્યાં ભટકીને પશુથી ય બદતર બનતાં માનવીના મનને અમુક યોગ્ય દિશામાં વળવાનું સાધન એટલે જ *ધર્મ*. 0 મનથી સર્વ કર્મનું ફળ ભગવાનને અર્પણ કરી દઈને જેઓ પોતાના મનને ઈશ્વર પરાયણ બનાવે છે, તેઓ સર્વ મુશ્કેલીઓને અવશ્ય ઓળંગી જ જાય છે. 0 બીજાના કલ્યાણ માટે જાતે તપવું, તે જ સાચું *'તપ'* 0 આપણું મન આપણું ઘર છે! આપણે ઈચ્છીએ તો તેને સુરીલા લયબધ્ધ સંગીતથી ભરેલું, સ્વચ્છ, શાંત અને સુંદર મહેલ સમું બનાવી શકીએ કે પછી કટુ શબ્દો-કર્કશ ચીસોથી ભરેલી અંધારી ભયાનક ગુફા પણ બનાવી શકીએ! 0 *'અહિંસા શું છે?* એનો જવાબ એક જ શબ્દમાં એમ કહી શકાય કે : *આત્મજ્ઞાન એ જ અહિંસા છે'*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 770

0 *'સુખદ યા તો દુ:ખદ સ્થિતિ અનવસ્થિત એટલે કે અનિત્ય જ છે'* એમ વિચારવાથી મિથ્યા ઘમંડ કે ખોટી નિરાશાથી બચી શકાય છે. 0 માણસને રોગ થાય તો તેણે ઈશ્વરનની ભેટ તરીકે તેનો સ્વીકાર કરવો જોઈએ, એમ માનવું જોઈએ કે વધુ સારા ભક્ત થવા માટેનો તે નિર્દેશ છે. 0 *'માનવજીવનની મહાન સંપતિ'* એટલે દેહ,મન અને પાંચ ઈન્દ્રિય - અભ્યાસ દ્વારા જો તે સર્વનો સત્કાર્યો અને સદ્વિચારોમાં કરવામાં ઉપયોગ કરાય, તો દુર્ગતિનાં દ્વારો બંધ થઈ સદ્ગતિના દ્વારો ખૂલી જ જાય. 0 ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ - એ ચાર સદ્ગુણો આત્માનો અમૂલ્ય ખજાનો છે. 0 માનવીય શિક્ષણમાં સૌથી વધારે કોઈ શબ્દની જરૂર હોય, તો તે *'પ્રેમ'* શબ્દની છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 771

ચારિત્રનિષ્ઠા, ઇશ્વરશ્રદ્ધા અને દેહમાં આત્માનું ભાન - એ ત્રણ જ ધર્મનો મુખ્ય સાર છે, જે સંતપુરૂષોના સંસર્ગથી મળે છે. નૈતિક દ્રષ્ટિથી કોઈપણ ધર્મનો જે સિદ્ધાંત યોગ્ય લાગે, તે જીવનમાં આચરવા ઉપાડી લેવો જોઈએ. અંત:કરણની સમાહિત અવસ્થા જ વાસ્તવિક રીતે પ્રભુપૂજન છે. ભગવાન સંબંધી ગૂઢ રહસ્ય એ ભગવત્ સંબંધી ભાવ દ્વારા જ જાણી શકાય. સાચું શિક્ષણ તે સાહિત્યનો વિષય નથી. જે શિક્ષણ અમુક જ ધર્મનું પાલન કરવાની હિમાયત કરે અગર આગ્રહ રાખે, એવા ધાર્મિક શિક્ષણને કેળવણીમાં સ્થાન નથી. મુસીબતો માનવીને મહાન બનવાની ઉત્તમ તક આપે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 772

0 સંપના ત્રણ કારણો: પોતાના અપરાધની માફી માંગવી, બીજાના અપરાધથી વિરમવું અને અન્ય જીવોના ઉપકારમાં પ્રવર્તવું. 0 મનુષ્યનું શરીર પાર્થિવ છે તથા મન દૈવી છે, એ રીતે પાર્થિવ અને દૈવીતત્વનો અદ્ભૂત સંયોજન થયેલું છે. કોઈપણ દૈવી વસ્તુનો જો યથાર્થ ઉપયોગ થાય, તો તેનાથી અચિંત્ય કાર્યો કરી શકાય છે. 0 વાણી એ મનુષ્યનું આભૂષણ છે, માણસની ઘણી ખરી કિંમત તેની વાણી ઉપરથી જ છે. 0 માનવીનું સાચું સૌંદર્ય અરીસામાં નહિ, પણ તેના આચરણમાં જ પ્રતિબિંબ થાય છે. 0 કોઈપણ વસ્તુ ઈચ્છતાં પહેલાં તેને લાયક બનો, લાયક બનશું તો ઈચ્છા નહિ કરો તો ય લાયકાતને અનુરૂપ વસ્તુ આપોઆપ જ આવીને ઉભી રહેશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 773

*ધર્મ ચતુષ્પદ* દર્શન માટે જ બોલવું, જ્ઞાન મેળવવા માટે તો મૌન જ રહેવું. ચારિત્ર ખીલવવા માટે અપ્રમાદ સેવવો અને તપ કરવા માટે મજબુત શ્રદ્ધા જ કેળવવી. ‘ક્રોધ કદાપિ ન કરો, અસત્ય ન બોલો.’ એવી રીતે જ્યારે કશાની મનાઈ કરવામાં આવે છે, ત્યારે જેના વિષે મનાઈ કરવામાં આવી છે, તેના પ્રત્યે વિરોધ હોતો નથી, પરંતુ મનાઈ હુકમ પ્રત્યે માનવના મનમાં મોટો વિરોધ હોય છે, કેમકે તેમાં તેને તેની સ્વતંત્રતા ચાલી જતી લાગે છે! આથી જ્યારે 'પાપ' કહી મનાઈ કરવામાં આવે છે, ત્યારે જ માણસ તે પાપ કરવા પ્રેરાય છે. પાપના ખ્યાલે સમજપૂર્વકનો વાસ્તવિક વિકાસ અટકાવી દીધો છે, તેથી પોતાની પીડાનું મૂળ પોતે જ બને છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 774

0 જે નથી મળ્યું, તે માટે દુ:ખી ન થાઓ, પરંતુ જે મળ્યું છે, તે માટે આનંદ પામો. 0 ચિંતા સમાન કોઈ અગ્નિ નથી, દ્વેષ સમાન કોઈ વિષ નથી, ક્રોધ સમાન કોઈ શૂલ નથી અને લોભ સમાન કોઈ જાલ નથી. 0 *આખું જગત મિત્ર કોનું બનશે ?* જેના હ્રદયમાં દયા, પ્રેમ અને સહાનુભૂતિ ભરેલાં હશે. 0 દુ:ખી અને ત્રસ્ત વ્યક્તિને આપવા માટે તમારી પાસે રુપિયા ન હોય તો છેવટે સહાનુભૂતિના બે મીઠાં શબ્દોનું દાન કરો. તે તો અવશ્ય શક્ય બને જ! 0 દેહનો નાશ એ મૃત્યુ નથી, પરન્તુ માનવતાનો વિધ્વંસ એ જ ખરું મૃત્યુ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 775

0 ધન, સત્તા અને કીર્તિની અપ્રાપ્તિ - એ સર્વ કાંઈ નિષ્ફળતા નથી, કિન્તુ માનવ સહજ ગુણોનો સંકોચ જ નિષ્ફળતા છે. 0 મુશ્કેલીઓમાં મુકાયા વિના જીવનસત્ય બહાર ન આવે, મુશ્કેલીઓનો સામનો અથવા તો કાર્યની નિષ્ફળતા નહિ, કિન્તુ પ્રયત્નનો અંત - એ જ સાચો પરાજય છે. 0 માણસમાં જો ભૂલ સુધારવાની દ્રષ્ટિ અને પ્રયત્ન હોય, તો તે ભૂલ ભૂલ જ નથી. 0 કોઈપણ વિષયનું જ્ઞાન પરિપક્વ ત્યારે જ મનાય છે, જ્યારે તે જ્ઞાનને અનુસાર વર્તન કે આચરણ થાય છે. 0 માનવીનો સંકલ્પ ગમે તેટલો જોરદાર હોય તો પણ સ્વભાવ ઉપર તેનો કાબુ નથી. એની મર્યાદા તત્વ ઉપર કાબુ મેળવવા પુરતી છે, તત્વના સ્વભાવ ઉપર નહિ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 776

*સમર્પણ, બીજા માટે થોડુંક પણ કરી છૂટવું, એ જ આનંદની - જીવનની સાચી દીપોત્સવી છે.* *ઘટ-ઘટ વ્યાપક સત્યપ્રકાશની ઉપાસના, એનું જ નામ દીપોત્સવી પર્વ.દૈવી સંપત્ મેળવવાનો પુરૂષાર્થ, એનું જ નામ દિવાળી.* *એ શિવસંકલ્પમાંથી જ આપણે વિશ્વને પવિત્ર કરી શકીશું, જે માટે અંતરમાં રહેલાં રામને જ આપણે સૌ પ્રથમ ઓળખવો પડશે.* *એ ‘રામ’ એટલે વાસના અને સ્વાર્થનો ત્યાગ, પરિગ્રહ અને મૂર્છાથી મુક્તિ.* *રામના દર્શન આપણે બાહ્ય દીપમાળાનાં પ્રતિકથી જ અંતરદીપને પ્રકટાવીને મનોમંદિરમાં કરી રહીએ.* *જે પ્રકાશથી આપણે સંસારના સુખ અને સમૃદ્ધિ વચ્ચે પણ નિર્લેપ અને નિર્દંભ રહી શકીએ, એ પ્રકાશનો ઉત્સવ એટલે જ દિવાળી!ે જે પ્રકાશને, જે સનાતન પ્રેમને, જે દિવ્ય ત્યાગને આપણા મહર્ષિઓએ જીવનમાં ઉપાસ્યો - સાક્ષાત્કાર કર્યો, તેને આપણા જીવનમાં અપનાવવાનું મુકુટમણિ પર્વ, તે દિવાળી.અંધકારનો અર્થ જ છે અજ્ઞાન. અજ્ઞાન એટલે મૃત્યુ.* એ મૃત્યુને તરી જવા આપણે સતત પ્રકાશદેવતાને ઉપાસ્યા છે. આપણા દ્રષ્ટાઓએ એટલે જ ગાયું છે કે: *तमसो मा ज्योतिर्गमय અર્થાત્ અમોને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાવ.* *સ્વાર્થવૃત્તિ એ જ અંધકાર છે, એ જ આત્મમૃત્યુ છે.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 777

0 ધન, સત્તા કે કીર્તિની અપ્રાપ્તિ - એ કદાપિ નિષ્ફળતા નથી, કિન્તુ માનવ સહજ ગુણોનો સંકોચ - એ જ ખરી નિષ્ફળતા છે. 0 મુશ્કેલીઓમાં મુકાયા વિના જીવનનું સત્ય બહાર ન આવે. મુશ્કેલીઓ અથવા તો કાર્યની નિષ્ફળતા નહિ, કિન્તુ પ્રયત્નનો અંત - એ જ સાચો પરાજય છે. 0 માણસમાં જો ભૂલ સુધારવાની દ્રષ્ટિ અને તે માટેનો જો ભરપૂર પ્રયત્ન હોય, તો તે ભૂલ ભૂલ જ નથી. 0 કોઈપણ વિષયનું જ્ઞાન પરિપક્વ ત્યારે જ મનાય છે, કે જ્યારે તે જ્ઞાનને અનુસાર વર્તન કે આચરણ થાય! 0 માનવીનો સંકલ્પ ગમે તેટલો જોરદાર હોય તો પણ સ્વ-ભાવ ઉપર તેનો કાબુ હોતો નથી. એની મર્યાદા કેવળ તત્વ ઉપર કાબુ મેળવવા પૂરતી જ છે, તત્વના સ્વભાવ ઉપર નહિ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 778

*કોઈ શંકા કરતાં હોય છે કે: ‘અનાજ વગર ભૂખે મરાય, પાણી વિના તૃષાથી તરફડાય, કપડાં વગર શીતાદિ કષ્ટથી હેરાન થવાય, મકાન વગર સુખ, શાંતિ કે આરામ ન ભોગવી શકાય, પણ ધર્મ ન હોય તો શી હરકત આવે? કંઈ નહીં!* ‘ધન એ ખાવા-પીવા-પહેરવા-ઓઢવાનાં સીધાં કામમાં ભલે નથી આવતું, પણ એનાથી ખાવા-પીવાની વસ્તુઓ તો ખરીદી શકાય છે ને, જ્યારે ધર્મથી તો કંઈપણ ફાયદો કે એના અભાવથી કાંઈ પણ નુક્સાન જણાતું નથી!’ *શંકાનું સમાધાન* આ શંકા જાણે એ જાતની છે કે: *’કોઈ એક માણસે આંબાનું ઝાડ જોઈને વિચાર કર્યો કે આ આંબાની કેરીઓ ખાવામાં, તેની મંજરી કંઠ સુધારવામાં, તેના પાંદડા મંગળ તોરણ બાંધવામાં, તેના લાકડાં મકાનો બાંધવામાં કામ આવે, પણ આ તેના મૂળીયાં તો કંઈ કામમાં આવતા જ નથી!*’ *દેખાવમાં જેમ મૂળીયાં કાંઈ કામમાં આવતાં દેખાતા નથી, પણ તેના આધારે જ થડ, ફળ, ફૂલ, પત્તાં વિગેરે છે, તેમ જીવનમાં પણ સર્વ વસ્તુઓની જડ કોઈપણ હોય, તો તે માત્ર અને માત્ર ધર્મ જ છે.*

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 779

0 જે પોતાની અપૂર્ણતામાંથી પોતાને છૂટો કરે છે, તે ઘણાં સદ્ગુણોનો માલિક બને છે. 0 જે પોતાની અયોગ્યતા સમજી શકે છે, તે હ્રદયની શાંતિ ક્દાપિ ગુમાવતો નથી. 0 'હું પોતે જેટલાં સુખને લાયક છું, તેથી અધિક સુખ મળ્યું છે અને જેટલાં દુ:ખને લાયક છું, તેથી ઓછું દુ:ખ મળ્યું છે' - એમ માનનારને કદી પણ અશાંતિ થતી નથી. 0 અભિમાન એવી વસ્તુ સહેલાઈથી છૂટી શક્તી નથી, એ માટે પોતાની દીન અને અસહાય અવસ્થાને ઓળખવી જોઈએ. 0 પ્રેમનો ખરો અર્થ : બીજાના અર્થે પોતાના સ્વાર્થનો ભોગ આપવો, તે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 780

0 કૃતજ્ઞતાના ભાવને અર્થાત્ gratitudeને ન વિકસાવનાર મનુષ્ય મોટી દુર્ગતિનો અધિકારી થાય છે, તેથી જ શાસ્ત્રકારોએ મનુષ્યમાત્રમાં આવશ્યક એવા સર્વસામાન્ય ધર્મોમાં કૃતજ્ઞતા ગુણની પ્રથમ ગણના કરી છે, તે ધર્મને મનુષ્યે જીવનપર્યત છોડવો જોઈએ નહિ. 0 માણસ ફરજનું કરજ લઈને જન્મે છે, એ કરજ અદા કરવામાં ન આવે, તો માનવજીવન વ્યર્થ છે. 0 દીર્ઘ અને સુખી જીવન જીવવા માટે સૌથી વધુ શક્તિશાળી છે બીજાઓના સુખ પ્રત્યેની આપણી નિષ્ઠા - એ હ્રદયને નવી જ શક્તિ આપે છે. 0 સાચા હ્રદયથી સ્નેહ અને કાળજીનો અનુભવ કરવો, એ જીવનની સમૃદ્ધિ છે. 0 જેઓ આપીને ભૂલી જાય છે અને લઈને યાદ રાખે છે, તેઓ જ ખરેખરા નિરભિમાન અને નીતિમાન છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 781

0 જેઓ આપીને ભૂલી જાય છે અને લઈને યાદ રાખે છે, તેઓ જ ખરેખરા નિરભિમાન અને નીતિમાન છે. 0 પ્રેમ પત્થરને પરમેશ્વર બનાવે છે અને પ્રેમનો અભાવ પરમેશ્વરને પત્થર બનાવે છે. 0 એકવાર હિંસાના માર્ગે વળેલ માણસ પછી સહાનુભૂતિ, દયા, સંભાવનાની કે કરુણાની લાગણીને જ ખોઈ બેસે છે. 0 આપણાથી દુ:ખી જીવોને જોઈને તેમનો ગુણ માનવો જોઈએ કે દુ:ખ ભોગવે છે અને કરુણાભાવને આપણામાં પેદા કરીને આપણી પાત્રતાને તેઓ વિકસાવે છે. 0 આપણાથી વધુ જ્ઞાનાદિ ગુણને ધારણ કરનારાઓનો ઉપકાર માનવો જોઈએ કે તેઓ આપણને દ્રષ્ટાંત આપી તેવા થવાનો બોધ આપે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 782

0 'આપણા સુખ-દુ:ખનાં કારણ બીજા છે' એમ માનવું, એ કુબુદ્ધિ છે 'આપણા સુખ-દુ:ખનાં કારણ આપણે પોતે હોઈએ છીએ, બીજા નિમિત માત્ર હોય છે' આમ સમજવાથી દુ:ખનાં નવાં કારણો ઉભા કરીશું નહિ. 0 મોટામાં મોટી મુશ્કેલીઓમાંથી જ આપણામાં મોટામાં મોટી શક્તિઓ જન્મે છે. 0 જે દુ:ખમાં દીન ન થાય અને સુખમાં લીન ન થાય, તે જ સાચો ભણેલો છે. 0 જીવનમાં એક જ પળ એવી આવે છે કે જે માણસને માટે સૌથી વધુ ઉપયોગી હોય છે અને તે પળ છે *'વર્તમાનકાળ'*. 0 મનુષ્ય સ્વભાવની નિર્બળતા એ જુદી ચીજ છે અને મનુષ્ય સ્વભાવની દુષ્ટતા એ જુદી વસ્તુ છે. નિર્બળતા એ ગુન્હો નથી, કિન્તુ દુષ્ટતા એ તો અપરાધ જ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 783

0 પ્રતિકૂળતાને ‘દુ:ખ’ માનવું, તે આપણી મોટી ભૂલ છે, પ્રતિકૂળ સંયોગો એ તો દુ:ખનું માત્ર કારણ છે અને એ સંયોગોનું કારણ છે આપણા જ પૂર્વકૃત કર્મો! *જેટલી પ્રતિકૂળતા - તેટલું દુ:ખ'* એમ નહિ પણ *'જેટલો મોહ - તેટલું દુ:ખ'* એ સિધ્ધાંત છે. 0 બીજાનો ઉપકાર માનીને પ્રતિઉપકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેનાર જ સમતા-શાંતિ-સુખનો અનુભવ કરી શકે છે. 0 પોતાના સુખ-દુ:ખને પોતાના માની તેને માટે પરિશ્રમ કરે, તે સદાકાળ પ્રેમ લક્ષણ અમૃતના પાનથી સુખી જ થાય છે. 0 *સૌથી વધુ સુંદર શું? આપણા દિલમાં રહેલી કર્તવ્યની ભાવના.* 0 સુખ-દુ:ખ એ જીવને માપવાના કાંટા છે: સુખ એ માનવીના સંયમનું માપ કાઢે છે અને દુ:ખ એ આપણી સહનશક્તિનું માપ કાઢે છે!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 784

0 કોઈપણ પરિમિત આનંદ આત્માર્પણના આનંદ જેવો નથી! આપવામાં અને ગ્રહણ નહીં કરવામાં જે આનંદ છે, તેના કરતાં વધારે તીવ્ર આનંદ બીજા ક્શામાં નથી. 0 મનુષ્ય પોતે દિવ્ય છે, તેનો મોટો પુરાવો તેને પોતાને પોતાની નિર્બળતાંનું ભાન છે, તે છે. 0 અભિમાનને લીધે પોતામાં જ સર્વસ્વ જોવાની વૃત્તિ તે આત્મશ્રધ્ધા નથી! અરે… આત્મશ્રધ્ધા તો એકલાં ઉભા રહેવાની શક્તિ છે. 0 વધારે ઉત્તમ થવાનો પ્રયત્ન કરવાથી આત્મશ્રધ્ધા ખીલે છે. આપણે આપણી જાત કરતાં ચઢિયાતાં થવાના યત્નો કરીએ, તો આપણે હમેશાં પ્રગતિની દિશામાં જ ચાલીએ છીએ. 0 *'જીવન'* એટલે પ્રારબ્ધનો ખેલ, અણધાર્યા અકસ્માતોનું આશ્ચર્ય.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 785

સુખ એ બાહ્ય પદાર્થોનો ધર્મ નહિ, પરંતુ આપણી અંદરના આત્યંતિક અનુભવની વસ્તુ છે. પાસે બાહ્ય ધનના ઢગલાં હોય, પણ જો ચિત્ત કોઈ ચિંતાથી સળગી રહ્યું હોય, તો તેમાં સુખ મળે ખરું? ▪️ટૂંકી બુદ્ધિવાળા એવું માને છે કે સુખ ધનમાં, સ્ત્રીમાં, મેવા-મીઠાઈમાં, માન-પાન, સત્તા અને સાહ્યબીમાં છે, પણ તે મિથ્યા છે. સુખ એ બાહ્ય વસ્તુનો ધર્મ નથી, એ તો આત્માની ચીજ છે, જે ત્યારે જ અનુભવમાં આવે છે કે જ્યારે કોઈ ચિંતા, ભય કે અજંપો ન હોય, પરન્તુ નિશ્ચિંતતા, નિર્ભયતા અને શાંતિ હોય. ▪️જે રીતિએ વન - વગડામાં અત્યંત જ ભૂખ્યા માનવને સુકો રોટલો પણ મહાસુખ આપે છે, તેમ એક ધર્માત્મા દુન્યવી સામાન્ય સંયોગોમાં પણ મહાઆનંદમાં રહે છે, તે ધર્મ છે! સાધુ-મહર્ષિને તે ધર્મ વડે પુણ્યના થોક સર્જાય છે, જે જન્માંતરમાં પણ સારી ગતિ, કુળ, જાતિ, આરોગ્ય, ઋદ્ધિ, સમૃદ્ધિ અને ધર્મસામગ્રી આપે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 786

0 આપણા વિકાસનું રહસ્ય અન્યના દોષ કાઢવામાં નહિં, પણ પોતાના દોષ સુધારવામાં છે. 0 લાયકાત વિના ઉત્તમ શક્તિ મળતી નથી. અંતરના ઉંડાણમાં કોઈપણ પ્રકારની આશા કે ઈચ્છા છૂપાયેલી ન હોય, તે જ લાયકાત છે અને લાયકાત મેળવવાનો સાચો માર્ગ પણ એ જ છે. 0 વિપરિત સંયોગો આપણા જીવને સહનશીલ, નમ્ર, ઉદાર, દયાળુ, નિ:સ્વાર્થીઅને વિવેકી થતાં શીખવાડે છે. 0 બીજાને મદદ કરવા અને આગળ વધારવા માટે જે જે કામો અને જે જે ત્યાગ કરવામાં આવે છે, તે તે કાર્યો સિવાયના બધાં જ કામોથી જીવ બંધાય છે. 0 મનુષ્યનું મુલ્યાંકન તેના ધંધા-રોજગારથી નહિ, પણ ફૂરસદનો વખત તે કેમ ગાળે છે, તેના ઉપરથી થઈ શકે છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 787

આત્મદર્શનમૂલક અને અનાસક્ત જીવનવ્યવહાર, તે જ આપણું સમ્યક્ ચારિત્ર છે. સાચી વિદ્યાના અધ્યયનથી ઋષિઋણ, સંતાનના જન્મથી પિતૃઋણ અને યજ્ઞ-પૂજન આદિથી મનુષ્યનું દેવઋણ ચૂકવી શકાય છે. આ સર્વથી ઈચ્છાઓની પરિપૂર્તિ થાય છે. શક્તિપૂજા પાછળનો સમગ્ર હેતુ દુર્બળ મનને તાકાતવાન અને મલિન મનને નિર્મળ બનાવવાનો છે. એ હેતુ જો ન સધાય, તો તે પૂજા નિષ્ફળ છે. પ્રાણીઓને બચાવવાની સાથે સાથે મહત્વનો સવાલ તો *આપણી કરૂણાવૃત્તિને બચાવવાનો છે. પ્રાણીઓ કરતાં આપણી કરૂણાવૃત્તિ મરે છે, તે વધારે દુઃખની વાત છે.* The crisis of character and compassion - એ આજના યુગની કટોકટી છે. કરૂણા ઓસરવાની સાથે આખી માનવસંસ્કૃતિ અને સભ્યતા પણ હવે જોખમાવા લાગી છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 788

0 વિદ્યા જ્ઞાન આપવા માટે, ધન દાન કરવા માટે અને શક્તિ બીજાનાં રક્ષણ માટે હોય, તો જ તે ત્રણે સાર્થક છે. 0 જેમ હીરો સ્વયં ઝવેરીને શોધવા જતો નથી, તેમ યોગ્યતા સંપન્ન વ્યક્તિઓને માન, આદર કે પૂજા માટે ભટકવું પડતું નથી. 0 દુ:ખ અને આપત્તિઓમાં આર્ત અને રૌદ્ર ધ્યાન કરવાથી દુ:ખ અને આપત્તિઓ ઓછાં થતાં નથી પણ તેનો ગુણાકાર થાય છે. 0 માનવીનો વર્તમાન સંસાર અને તેનાં સુખ - દુ:ખ ભૂતકાળની ભૂલોના દંડરૂપે કે ગુણોના પારિતોષિક રૂપે હોય છે. 0 પરાઈ વસ્તુ ગમે તેટલી પ્રલોભનકારી હોય, છતાં તેને જોઈને મન જરા પણ પીગળે નહિ, તો સમજવું કે તમે ચારિત્રવાન છો.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 789

આપણો અભ્યાસ, જ્ઞાન, બુદ્ધિ - એ બધું જ સમાજનું છે. એ સર્વ ઉપર સમાજનું ઋણ છે. તેમાંથી મુક્ત થવું, એ ખરો ધર્મ છે.* મા-બાપ, શિક્ષક, પાડોશી, ખેડુત, વણકર, સુથાર, લુહાર - આ બધાનો સહકાર ન હોત, તો કોઈ મોટાં જ ન થાય. આત્માને માત્ર પોતાનો ગણવો કે ગણાવવો, તે જ શું એક પ્રકારનું અજ્ઞાન નથી? પોતાના ધનને માત્ર પોતાનું જ માનવું, પોતાના દેહને માત્ર પોતાનો જ માનવો, પોતાના બળ, બુદ્ધિ અને જ્ઞાન ઉપરે ય માત્ર પોતાનો જ અધિકાર માનવો, એ પણ જો વિશ્વમાં દ્રોહ ગણાતો હોય, તો પોતાના ભાવને પોતાના સિવાય બીજા કોઈને માટે પણ ઉપયોગ ન કરવો, તે શું મોટો દ્રોહ નથી? શું તે મોટી કૃપણતા, મોટી પશુતા કે મોટી સ્વાર્થપરાયણતા નથી? તન, મન, વચન અને સ્વજન - એમાં જો સર્વ કોઈને હક્ક હોય, તો તે બધાનો સમગ્ર સરવાળો, જે આત્મા છે, એ હરગીજ પોતાનો નહિ, પણ સર્વનો છે, એમ માનવું… એ જ સાચું જ્ઞાન તથા સાચો ભાવ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 790

0 આત્માની ઓળખ કરવી, એ જ જીવનનો મુખ્ય હેતુ છે. 0 સંસારરૂપી સીનેમાનું કોઈ પણ ચિત્ર ચિત્તરૂપી પડદા ઉપર ઉપસી ન આવે, તેનું જ નામ *'નિર્લેપતા'*. 0 નિરંતરપણે શબ્દબ્રહનું ચિંતન કરતાં રહેવાથી શબ્દ તો તન્માત્રામય થઈ જઈ કપુરની જેમ ઉડી જઈને શબ્દબ્રહમાં વિલિન થઈ જાય છે. 0 મૌનવ્રતથી વાણી તેજસ્વી - બળવાન બને છે, પરંતુ ભગવાનનું નામ લેવાથી મૌનવ્રતનો ભંગ થતો નથી. 0 બુદ્ધિ દ્વારા શાસ્ત્રનો અને સત્સંગથી સ્વરૂપનો વિચાર કરી આત્મનિષ્ઠ થવું, એ જ વાસ્તવિક દેહશુદ્ધિ છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 791

0 દુ:ખ ભાગી જવાથી છૂટતું નથી, કિન્તુ શાંતિપુર્વક ભોગવી લેવાથી છૂટે છે. 0 સમસ્ત વિશ્વમાં આપણા આત્માને અને આત્મામાં સમસ્ત વિશ્વને જોઈ શકીએ, એ જ જીવનની પૂર્ણતા છે. 0 જીવનમાં આપણને જે કાંઈ મળે, તે માટે આપણામાં કૃતજ્ઞતા હોવી જોઇએ, જે માણસમાં કૃતજ્ઞતા ન હોય, તે સુખી થઈ શક્તો નથી અને પ્રાપ્તસુખને અનુભવી પણ શક્તો નથી. 0 મોક્ષ કે મુક્તિ એ *'પ્રેમ કે મૈત્રીʼ* છે અને તેમાં પ્રવેશ કરવાનો દરવાજો એ *'દયા કે પરોપકારʼ* છે. 0 કામ કરવાની ઈચ્છા હોય, ત્યાં શક્તિ આવે જ અને શક્તિ હોય, ત્યાં સુધી કામ કદી પુરું થતું જ નથી. જીવન એટલે જ કામ કરવાની શક્તિ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 792

0 આપણું જીવન આપણા એકલાં માટે જ નથી પણ સર્વ માટે છે. કોઈપણ કાર્યના ફળનો દાવો, પરિણામની લાલસા તથા પદાર્થ મેળવવાની આસક્તિ - એ ત્રણે એવો તો ફાંસો છે કે જે હમેશાં આત્માને બંધનમાં જ રાખે છે. 0 *તત્વજ્ઞાન* એટલે 'હું કોણ ?' અને 'મને સાચું સુખ કેમ મળે?' તેનો વિચાર અને નિણૅય. 0 ખરૂં જ્ઞાન એટલે બુદ્ધિ આગળ એકત્ર થયેલો પૂર્વ સંસ્કારોનો સમૂહ નહીં, પરંતુ સત્યના સાક્ષાત્કારના ભાનમાં ઉપયોગ સહિતપણે પ્રવેશવું તે અને તેમ થવા માટે ધ્યાન અને એકાગ્ર ચિંતનની જ અપેક્ષા છે. 0 જ્ઞાનતંતુઓ ઉપર અનંત જૂના સંસ્કારોનો બોજો ભરનારાં બહુ ભહુ તો બુદ્ધિમાન કહેવાય, જ્ઞાનવાન તો નહિ જ. 0 મનુષ્ય કદી પણ સત્યની વિરોધી કલ્પના કરી શક્તો નથી. જે કાંઈ કલ્પનામાં આવી શકે છે, તે સત્યના પાયા ઉપર જ સ્થિર હોય છે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 793

સર્વ જીવોના ઋણમાંથી મુક્ત થવા માટે કેવળ તેમનું સુખ ઈચ્છવું, એ જ બસ નથી, કિન્તુ તેમને દ્રવ્યથી નમવું પણ આવશ્યક છે. *જેમ યુદ્ધમાં શત્રુને નમ્યા વિના સંધી થતી નથી, તેમ ઋણમુક્તિ માટે સર્વ જીવોને તથા કર્મમુક્તિ માટે પંચ પરમેષ્ઠીઓને નમન જરૂરી છે.જીવોને નમવાથી દ્રવ્યદુઃખો છૂટે છે તથા પ્રભુને નમવાથી ભવદુઃખ જાય છે. એકથી અધોગતિ અટકે છે, બીજાથી ઉર્ધ્વગતિ થાય છે.* જગતના સર્વ જીવોએ દ્રવ્યથી પણ કાંઈ ને કાંઈ લાભ તો આપણને કર્યો જ છે, તેથી તેમને નમવું જોઈએ. *સાચો દાતાર તો યાચકને ય નમે.સર્વ જીવો પ્રત્યે નમનનો ભાવ આવ્યા વિના ભગવાન પ્રત્યે સાચો નમનભાવ ઉગતો નથી.* પ્રભુ અને ગુરુ જો જ્ઞાનપૂર્વક ઉપકારી છે, તો સમગ્ર જીવસૃષ્ટિ અજ્ઞાનથી પણ ઉપકારી થઈ રહી છે. જાણતાં કે અજાણતાં જેને જેનાથી ઉપકાર થાય, તેણે તેને નમવું જોઈએ, તેનો આભાર માની કૃતજ્ઞ થવું જ જોઈએ.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 794

0 'હું મરી ગયો' કે 'મારું કોઇપણ રૂપે અસ્તિત્વ નથી' એવી કલ્પના કદી થઈ શક્તી નથી, તે જ આત્માનાં અમરત્વની સિદ્ધિ કરે છે. 0 વાસનાઓ, ઈચ્છાઓ, રૂચિઓ, આવેગો, લાગણીઓ, સ્પૃહાઓ, લાલસાઓ વગેરે પશુમાં, જંગલી મનુષ્યમાં તથા હાલના કેળવાયેલા માનવીમાં પણ ક્યારેક સમાનપણે જ હોય છે. હા, પણ કેળવાયેલો મનુષ્ય ન્યૂનાધિક અંગે તેને પોતાના કાબુમાં રાખી શકે છે, તેટલાં અંશે તે પશુ અને જંગલી મનુષ્ય કરતાં ચઢિયાતો છે. 0 જેને આપણે *'નરસું'* કહીએ છીએ, તે પોતપોતાના સ્થાને તો હમેંશા યોગ્ય જ હોય છે. 0 પ્રેમ, સત્ય, દયા, પરોપકાર, ન્યાયવૃતિ, સ્વાર્પણ ભાવના આદિ ઉચ્ચવૃતિઓનું સ્થાન દિવ્ય મનમાં છે, ઇશ્વર અને પોતાના માનવબંધુઓ પ્રત્યે પ્રેમ વગેરે હ્રદય સ્થાનમાંથી જ ઉદ્ભવે છે, માટે તેને સદા કૂણું રાખવું!

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 795

’મૌન' એટલે શબ્દને મુખ વાટે બહાર પડવા ન દેવો, એટલું જ નહીં પણ એ શબ્દને ઉત્પન્ન કરનાર ચિત્તના વિચારને મૂળમાંથી જ ઉદ્દભવતો શાંત કરવો.* જ્યારે ભક્ત તદ્દન ઈચ્છારહિત બની જાય છે, ત્યારે એ પોતાની અંદર પ્રકટતી ઈચ્છા માટે 'ભગવાનની ઈચ્છા' એવો શબ્દ પ્રયોગ કરે છે. માણસની વૃત્તિ પ્રભુમિલન માટેની પ્રવૃત્તિ છે, કેમકે કોઈપણ સુખ એ પ્રભુમિલનનું સુખ છે અને કોઈપણ દુઃખ એ પ્રભુવિરહનું જ દુઃખ છે. માણસે અહંકાર તથા અજ્ઞાનયુક્ત ઈચ્છાનો ત્યાગ કરવો. આ પ્રકારે અંગત ઈચ્છાના વિલય થવાના પરિણામરૂપે ભગવદ્ઈચ્છા અથવા જીવનમાં મૂલગત રહેલી મૌલિક ઈચ્છા જ માત્ર શેષ રહેશે.

પૂ. પંન્યાસજી મ.સા. લખે છે કે... 796

મન ઉપર જો આપણું સ્વામિત્વ ન હોય, તો તે પ્રગતિમાં વિઘ્નરૂપ બને છે અને જો મન આપણા કાબુમાં હોય, તો તે પોતાનું ગુપ્ત રહસ્ય આપણી આગળ પ્રગટ કરી દે છે. 0 મનુષ્ય અલ્પ ઉચ્ચતાએ વિરાજતાં પોતાના જ આત્માની માનસિક સ્થિતિમાં પણ જો પ્રવેશી શક્તો નથી, તો પછી અનંત પ્રગતિનો રસ્તો કાપી પરમાત્મકોટીમાં પ્રવેશેલા એવા મહાન આત્માઓનું સ્વરૂપ સમજવાનો આગ્રહ જ વ્યર્થ છે. 0 *'હું છું'* એવા ભાન વખતે અનુભવાતી નિર્ભયતા એ જ વાસ્તવિક *'સચ્ચિદાનંદ'* ની પ્રતીતિ છે. 0 વાણી વડે જ્ઞાન, ભાષા વડે ભાવ અને શ્રધ્ધા વડે મોક્ષ પામી શકાય છે. 0 સંસાર એ મનુષ્યને મજબૂત કરનાર અને વીરત્વનો પાઠ શીખવનાર એક ઉત્તમ શાળા જ છે. તેમાં નિર્લેપ રહી પસાર થવું!